જલ્સા કરોને જેંતીલાલ

ધ ઊંટી – નવલકથા ભાગ 4 મુંબઈમાં તેની મુલાકાત આ વ્યક્તિ સાથે થશે એવું અખિલેશે વિચાર્યું પણ નહોતું…

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

સ્થળ : ડિજિટેક સોફ્ટવેર કંપની (મુંબઈ)

સમય : સવારના 10 કલાક.

અખિલેશ પેલા રીક્ષાવાળા કાકાને તેનું ભાડું આપીને કંપનીમાં પ્રવેશે છે, પ્રવેશતાની સાથે જ અખિલેશની આંખો આશ્ચર્યથી પહોળી થઇ જાય છે, એકદમ આલીશાન કંપની, જે એક મહેલથી કમ ન હતી, જાણે પોતે આયના મહેલમાં પ્રવેશ્યો હોય તેવું અખિલેશ અનુભવી રહ્યો હતો, કંપનીમાં પ્રવેશવા માટે મોટો કાચનો દરવાજો, જે ફૂલી ઓટોમેટિક હતો, આખી બિલ્ડીંગ ફૂલી સેન્ટ્રલ એર કંડીશન વાળી હતી, હજારોની સંખ્યામાં કર્મચારીઓ હતાં, જે કોમ્પ્યુટર પર પોતાને આપવામાં આવેલ કામ કરી રહ્યાં હતાં.

અખિલેશની પર્સનાલિટી એકદમ આકર્ષક લાગી રહી હતી, જેણે એકદમ પ્રોફેશનલ કપડાં પહેરેલા હતાં, જેમાં વ્હાઇટ શર્ટ, બ્લેક ફોર્મલ પેન્ટ, બ્લેક કલરનાં પાર્ટી સૂઝ, ગળામાં એક બ્લુ રંગની ટાઈ પહેરેલ હતી,બ્લુ રંગની ફ્રેમવાળા ચશમાં પહેરેલા હતાં, પોતાના ખભે “ડેલ” લખેલું લેપટોપ બેગ લટકાવેલ હતું, પવનને કારણે હળવે – હળવે ઉડી રહેલા તેના સિલ્કી વાળ, તેની પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવી રહ્યાં હતાં, તેના હાથમાં કંપની તરફથી આપવામાં આવેલ એપોઇન્ટમેન્ટ લેટર હતો.

એટલીવારમાં કંપનીના પ્યુન રવજીભાઈએ અખિલેશની પાસે આવ્યાં, અને અખિલેશને પૂછયું. “હા ! સાહેબ ! બોલો…!” – રવજીભાઈએ વિનમ્રતાપૂર્વક પૂછ્યું. “જી ! મારૂં નામ અખિલેશ છે..! મને આ કંપનીમાં જોબ મળી છે, અને મારે આજથી નોકરી જોઈન કરવાની છે…!” – અખિલેશે પોતાનો એપોઇન્ટમેન્ટ લેટર બતાવતાં કહ્યું. “સાહેબ ! તમે પહેલા ધ્રુવ પટેલ સાહેબને મળી લો, તે એચ.આર ડિપાર્ટમેન્ટનાં મેનેજર છે…!” – એચ.આર ડિપાર્ટમેન્ટ બતાવતાં રવજીભાઇ બોલ્યાં. “ઓકે ! થેંક્યું વેરી મચ…!” – આટલું બોલી અખિલેશ એચ.આર ડિપાર્ટમેન્ટ તરફ ચાલવા લાગ્યો.

એચ.આર ડિપાર્ટમેન્ટનાં મેનેજર ધ્રુવ પટેલ સાહેબે કંપનીની બધી ફોર્મલિટી પુરી કરી અખિલેશનો જોઈનિંગ ઓર્ડરની પ્રીન્ટ કાઢી અને બોલ્યાં. “મિ. અખિલેશ ! તમારી જોઈનિંગની બધી ફોર્મલિટી પુરી થઈ ગઈ છે, માત્ર તમારા આ જોઈનિંગ લેટરમાં આપણી કંપનીના સી.ઈ.ઓ દીક્ષિત શાહની સિગ્નેચર જ બાકી છે, તમે મારી સાથે આવો, હું એમની સાથે તમારી એકવાર ફેસ ટુ ફેસ મુલાકાત કરાવી આપું…” – પોતાની ખુરશી પરથી ઊભાં થતાં – થતાં ધ્રુવ પટેલ બોલ્યા.

ત્યારબાદ અખિલેશ અને ધ્રુવ સર બનેવ સી.ઈ.ઓ દીક્ષિત શાહની ચેમ્બરમાં એન્ટર થાય છે, ચેમ્બરમાં પ્રવેશતાની સાથે જ અખિલેશની આંખો આશ્ચર્યથી પહોળી થઇ જાય છે, અને અખિલેશને જોઈ દીક્ષિત શાહ પોતાની ખુરશીપરથી ઉભા થઇ જાય છે, અને સહર્ષ સાથે બોલી ઉઠે છે… “અરે…અખિલેશ…! તું….?”

“હા ! દોસ્ત…હું…! – ત્યારબાદ જેવી રીતે કૃષ્ણ પોતાની બધી જ ભાન, પોતાનો રૂઆબ, પોતાનું સ્ટેટસ, પોતાનો મોભો બધું જ ભૂલીને પાગલની માફક જેવી રીતે સુદામાને ભેટી પડ્યાં હતાં, તેવી જ રીતે દીક્ષિત શાહ અખિલેશને ભેટી પડ્યાં. આ જોઈ ધ્રુવ સાહેબને અચરજ અને નવાઈનો કોઈ પાર ના રહ્યો, અને પોતાની જિજ્ઞાસાની રોકી ના શક્યો, આથી તેણે દીક્ષિત સાહેબને પૂછ્યું. “સાહેબ…! તમે બનેવે એકબીજાને અગાવથી જ ઓળખો છો…..??”

” અરે ! મિ.ધ્રુવ તમે જેમને મારી ઓફિસમાં સાથે લઈને આવ્યા છો, એ બીજું કોઈ નહીં પરંતુ મારા બાળપણનો બેસ્ટ ફ્રેન્ડ છે, અને અમારી ફ્રેન્ડશિપ એટલી ગાઢ હતી કે કદાચ અમે એક દિવસ જમી નહીં તો ચાલે પણ એકબીજાને મળ્યાં વગર ચાલતું ના હતું.” – મિ. દીક્ષિત સહર્ષ બોલ્યા.

“હા ! ધ્રુવ સર ! હું અને દીક્ષિત બને ધોરણ 12 સુધી સાથે જ હતાં, પરંતુ બોર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું એનાં દસેક દિવસ બાદ દીક્ષિતનાં પિતાની બીજા શહેરમાં ટ્રાન્સફર થઈ, ત્યારથી અમે એકબીજાથી કાયમિક માટે છુટ્ટા પડી ગયાં, મેં ક્યારેય પણ વિચાર્યું ન હતું કે હું મારી લાઈફમાં દીક્ષિતને ફરી મળી શકીશ, આજે નોકરી જોઈન કર્યાના આનંદ કરતાં દીક્ષિતને મળવાનો આનંદ વધારે થયો..” – અખિલેશ લાગણીશીલ થતાં બોલ્યો. “મિ. ધ્રુવ ! તમેં જઈ શકો છો હવે…” – ધ્રુવ પટેલ દીક્ષિત શાહની પરવાનગી લઈને પોતાની ઓફીસ તરફ જવા રવાના થયાં.

ત્યારબાદ દીક્ષિત શાહે પોતાનાં ટેબલ પર રહેલ કોલ બેલ દબાવ્યો અને પ્યુનને બોલાવીને ચા લઈ આવવા માટે ઓર્ડર આપ્યો, થોડીવારમાં પ્યુન ચા લઈને દીક્ષિત શાહની ચેમ્બરમાં આવ્યો, ત્યારબાદ બંને મિત્રો ચા ની ચૂસકીઓ મારવા લાગ્યાં, અને પોતાના બાળપણની એ સોનેરી યાદોમાં ખોવાય ગયાં, આમપણ બાળપણ કોને ના ગમે…? જો દરેક વ્યક્તિની મનની ઈચ્છાઓ પૂરી થતી હોત તો દરેક વ્યક્તિ એકવાર પોતાનું બાળપણ તો પાછું માંગે જ તે…!

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

સમય : સવારનાં 11 કલાક

અખિલેશ પોતાની સાઇકલ લઈને શાળાએ જઈ રહ્યો હતો, એ પોતાની મોજમાં સાઈકલના પેન્ડલ મારતો જતો હતો, અને ગીતો લલકારતો જતો હતો, શાળા સ્કૂલથી 7 કિ.મી દૂર આવેલ હોવાથી અખિલેશ ઘરેથી એકાદ કલાક જેવું વહેલો નીકળી જતો હતો, આ તેનો દૈનિક કાર્યક્રમ હતો.

આજે પણ અખિલેશ પોતાનાં નિત્યક્રમ મુજબ સવારના 11 કલાકે પોતાના ઘરેથી સ્કૂલે જવા માટે નીકળ્યો હતો. ગામની બે કિ.મી જેટલું બહાર નીકળતાં, અખિલેશે જોયું કે તેની જેટલી જ ઉંમરનો એક છોકરો રોડની એકબાજુએ બેસેલ હતો, તેની બાજુમાં તેની સાઇકલ પડેલ હતી, જે જોતા એવું લાગતું હતું કે કોઈ અકસ્માત થવાને લીધે સાયકલનું હેન્ડલ, ટાયર અને તેનો પંખો વળી ગયેલા હતો, પેલા છોકરાને ગોઠણ અને કોણીના ભાગે ઇજા થવાને લીધે ત્યાંથી થોડુંક લોહી વહી રહ્યું હતું.

એ છોકરો બીજું કોઈ નહિ પરંતુ હાલની ડિજિટેક સોફ્ટવેર કંપનીનો સી.ઈ.ઓ દિક્ષિત શાહ જ હતો, જે ઇન્ડિયાની સૌથી મોટી સોફ્ટવેર કંપનીઓ માંથી એક હતી, આ પહેલા અખિલેશ અને દીક્ષિત એકબીજાને કલાસમેટ તરીકે ઓળખતાં હતાં, પરંતુ બનેવ વચ્ચે મિત્રતા જેવું કંઈ હતું નહીં. આથી અખિલેશે જેવી રીતે કારમાં હેન્ડ બ્રેક લાગે, તેવી જ રીતે પોતાની સાઈકલમાં બ્રેક લગાવી, સાયકલની ઘોડી ચડાવી અને દીક્ષિત તરફ દોડવા લાગ્યો. “દીક્ષિત ! શું થયું…?” – અખિલેશે એક શ્વાસે પૂછ્યું.

“અખિલેશ ! હું મારી સાયકલ લઈને સ્કૂલે જઈ રહ્યો હતો, એવામાં મારી પાછળથી એક કાર આવી, જે પુર ઝડપથી દોડી રહી હતી, મારી સામેથી એક ટ્રક આવી રહ્યો હતો, આથી હું મારી સાયકલ રસ્તાની એકબાજુ એ ચલાવવા લાગ્યો, અને મારી પાછળ જે કાર આવી રહી હતી તેણે પોતાની ઝડપ ઓછી કરવા માટે બ્રેક લગાવી, પરંતુ થોડીક સ્પીડ હોવાને લીધે મારી સાયકલને ઠોકર મારીને આગળ નીકળી ગઇ, અને હું સાયકલ માંથી નીચે રોડ પર પટકાય પડ્યો, રોડ પર પડવાને લીધે મને ઇજા થઇ, અને કોઈ આવીને મારી મદદ કરે તેની રાહ જોવા લાગ્યો, એટલીવારમાં મેં તને આવતો જોયો એટલે મારા જીવમાં જીવ આવ્યો.” – આટલું બોલી દીક્ષિત રડવા લાગ્યો.

“દીક્ષિત ! ચિંતા ના કરીશ..! હવે હું આવી ગયો છું, હું તારી મદદ કરીશ, અહીંથી 3 કી.મી દૂર સરકારી હોસ્પિટલ આવેલ છે, ત્યાં આપણે જઈએ, તું મારી સાઈકલમાં પાછળ બેસી જા…” – આટલુ બોલી અખિલેશ દીક્ષિતને પોતાની સાયકલ પર બેસાડીને નજીક આવેલા સરકારી દવાખાને લઈ જાય છે, ત્યાં ફરજ પર હાજર રહેલા મેડીકલ ઓફિસરે અખિલેશને પૂછ્યું.

“શું ! થયું ?” ત્યારબાદ અખિલેશે આખા બનાવ મેડિકલ ઓફિસરને જણાવ્યો, આ આખો બનાવની વિગતો જાણ્યાં બાદ, મેડિકલ ઓફિસરે નજીકનાં પોલીસ સ્ટેશને કોલ કરીને આ કેસની જાણ કરી અને ત્યારબાદ અખિલેશને કહ્યુ કે, “આ એક એમ.એલ.સી (મેડીકો લીગલ કેસ) છે, જેની ફોર્માંલીટી તમારે પુરી કરવી પડશે, હું હાલ સારવાર કરું છું, પોલીસ કર્મચારી તારૂં અને દીક્ષિતનું નિવેદન લેવા માટે આવશે, તેને પણ આ જ વિગતો સચોટ જણાવજો…!”

આટલું બોલી મેડિકલ ઓફિસર દીક્ષિતની સારવાર કરવા માટે ડ્રેસિંગ રૂમમાં ગયાં, એવામાં પોલીસ કર્મચારીઓ અખિલેશ અને દીક્ષિતનું નિવેદન લેવા આવ્યાં, ત્યારબાદ અખિલેશ પોતાનું નિવેદન આપ્યું, પોલીસ કર્મચારીએ પૂછ્યું. “દીક્ષિત ! તારો શું થાય…? એટલે કે તારે એની સાથે શું સબંધ છે..” “સાહેબ ! દીક્ષિત મારો બેસ્ટ ફ્રેન્ડ છે…!” – અખિલેશ ડ્રેસિંગરૂમ તરફ જોતાં – જોતાં બોલ્યો.

આ બાજુ દીક્ષિત ડ્રેસિંગ રૂમમાંથી આ બધું સાંભળી રહ્યો હતો, અખિલેશની પોતાના પ્રત્યે આટલી લાગણીઓ જોઈને પોતાની જાત પર ગર્વ અનુભવી રહ્યો હતો, આ બાજુ દીક્ષિતનાં હાથ- પગ પર પાટા બંધાય રહ્યાં હતાં, પરંતુ તેના હૃદયની અંદરથી મિત્રતાનું ધોધમાર ઝરણું ફૂટી નીકળ્યું હતું. જે જાણે મનમૂકીને વહેવા તરફડીયા મારી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું.

એકસમયે જેની સાથે બોલવાનો વ્યવહાર પણ ઓછો હતો, એવા અખિલેશને પોતાનાં ગળે વળગાવવા માટેની ઈચ્છા થઈ ગઈ. એટલીવારમાં મેડિકલ ઓફિસર ડ્રેસિંગરૂમમાંથી બહાર આવ્યાં અને અખિલેશને જણાવ્યું કે.. “ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કાર સાથે ટકરાવવાને લીધે દીક્ષિત રોડ પર પટકાય પડ્યો હતો, આથી તેને થોડુંક એબેરેશન થયેલુ છે, અને સેપ્ટિક ના થાય તે માટે બેનડેઝ લગાવેલ છે, તેની ઇન્જેક્શન ટી.ટી.(ટીટેનસ ટોક્ષટોઇડ – ધનુર) અને પેઈન કિલર આપેલ છે, અને એકાદ કલાક બાદ તમે તેને ઘરે લઈ જઈ શકો છો…!”

“તમારો ખુબ ખૂબ આભાર ! સાહેબ !” – અખિલેશ મેડિકલ ઓફિસરનો આભાર માનતા બોલ્યો. ત્યારબાદ અખિલેશ પોતે દીક્ષિતની સાથે એક કલાક હોસ્પિટલમાં રોકાયો, અને કલાકબાદ ફરી તેને પોતાની સાઇકલ પર બેસાડીને દીક્ષિતનાં ઘરે ઉતારી આવ્યો. દીક્ષિતે પણ આંખોમાં આંસુ સાથે અખિલેશનો હૃદયપૂર્વક આભાર માન્યો.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

એટલીવારમાં ટેબલ પર પડેલ દીક્ષિતનું મોબાઈલ ફોન રણકી ઉઠ્યો, અને બનેવ પોતાનાં બાળપણની યાદોની દુનિયામાંથી એક જ પળમાં બહાર આવી ગયાં, ” અખિલેશ ! મેં કયારેય નહોતું વિચાર્યું કે આપણે પછી મળીશું, પણ આજે વર્ષો પછી તને જોયા બાદ મનને એકદમ શાંતિનો એહસાસ થયો. જાણે વર્ષોથી સુકાયેલી કોરી જમીન પર જાણે એકાએક મુશળાધાર વરસાદ મન મુકીને વરસ્યો હોય એવું લાગી રહ્યું છે.” – દીક્ષિત લાગણીશીલ થતા બોલ્યો.

“હું ! અત્યારે આનંદ અનુભવી રહ્યો છું.” “ઓકે ! હવે તને મિ.ધ્રુવ તારી ઓફીસ બતાવશે.” – દીક્ષિતે અખિલેશને તેના જોઈનિંગ ઓર્ડરમાં સહી કરીને આપતા બોલ્યો. “થેન્ક યુ વેરી મચ” – અખિલેશ પોતાનો જોઈનિંગ લેટર લઈને મિ. ધ્રુવની ઓફીસ તરફ ચાલવા માંડે છે. ત્યારબાદ બનેવે મિત્રો આંખોમાં ખુશીઓનો આંસુ સાથે ભાવવિભોર થઈને એકબીજાથી છુટ્ટા પડે છે. બનેવ આજે ખુબ જ ખુશ હતાં.

અખિલેશનાં આનંદનો કોઈ પાર રહ્યો ના હતો, કારણ કે એ જે કંપનીમાં જોબ કરવા માંગતો હતો ત્યાં જોબ પણ મળી ગઈ, અને એ કંપનીનો સી.ઇ.ઓ બીજું કોઈ નહીં પરંતુ પોતાના નાનપણનો બેસ્ટ ફ્રેન્ડ દીક્ષિત જ હતો, આ જાણીને વધારે આનંદ થયો, પરંતુ અખિલેશ એ બાબતથી એકદમ અજાણ જ હતો કે તેની પોતાની લાઈફ અહીંથી એક અલગ જ વળાંક લેવાની છે, જેની પોતે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય.

અખિલેશ ખુબ જ ખુશ હતો, કારણ કે તેને ડિજિટેક સોફ્ટવેર કંપનીમાં જોબ તો મળી પણ સાથો – સાથ તેના બાળપણનો બેસ્ટ ફ્રેન્ડ દીક્ષિત પણ હવે તેને મળી ગયો હતો. અખિલેશ ખૂબ હોંશિયાર, ઉત્સાહી, મહેનતુ અને વિનમ્ર હતો, અને ડીજટેક સોફ્ટવેર કંપનીમાં તેને આપવામાં આવેલી કામગીરી તે ખુબ જ રસ અને ઉત્સાહ સાથે કરવાં લાગ્યો. ધીમે- ધીમે દિવસો, અઠવાડિયા અને મહિનાઓ વીતવા લાગ્યાં, જ્યારે આ બાજુ અખિલેશ સૌ કોઈનો માનીતો થઈ ગયો.

એકદિવસ અખિલેશ જ્યારે પોતાની ચેમ્બરમાં કામ કરી રહયો હતો, એવામાં એનો ફોન રણક્યો, મોબાઈલ ફોનની ડિસ્પ્લેમાં નજર કરી, તો તેમાં લખેલ હતું…દીક્ષિત., આ જોઈ અખિલેશે કોલ રીસીવ કર્યો. “હેલો…!” “હેલો ! અખિલેશ…! મારે તારૂ થોડુંક કામ છે, મારી ઓફિસમાં આવ…!” – થોડાક ભારે અવાજમાં દીક્ષિત શાહ બોલ્યા. “હા ! હું પાંચ જ મિનિટમાં પહોંચ્યો….!” – આટલું બોલી અખિલેશે, કોલ ડિસ્કનેક્ટ કરીને પોતાનો મોબાઈલ ખિસ્સામાં મુક્યો, અને દીક્ષિતની ઓફીસ તરફ ચાલવા લાગ્યો.

શાં માટે દીક્ષિતે એકાએક આવી રીતે કોલ કર્યો હશે..? શું મારી કોઈ ફરિયાદ કરી હશે કોઈએ..? શું દીક્ષિતને કોઈ મુશ્કેલીઓ આવી પડી હશે….? એવું તો દીક્ષિતને મારૂ શું કામ હશે જે મને તે ફોન પર ના જણાવી શકયો હશે…? શું મારાથી કોઈ ભૂલ થઈ હશે… ?” – આવા અનેક પ્રશ્નો અખિલેશનાં મનમાં રમી રહ્યાં હતાં.

થોડીવારમાં અખિલેશ દીક્ષિતની ચેમ્બર સુધી પહોંચી ગયો, ચેમ્બરની બહારની તરફ લગાવેલ કાચમાંથી અખિલેશની નજર દીક્ષિત પર પડી, દીક્ષિતને જોતા એવું લાગી રહ્યું હતું, કે જાણે ચિંતાઓએ દિક્ષિતને ચારે બાજુએથી ઘેરી લીધો હોય, દિક્ષિત થોડોક નર્વસ લાગી રહ્યો હતો, તેનો એક હાથ વારંવાર કપાળના ભાગે ફરી રહ્યો હતો, જે સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ જ્યારે ચિંતાતુર હોય ત્યારે થતું જ હોય છે, ટેબલ પર બે – ત્રણ મોટી- મોટી ફાઈલો પડેલ હતી.

અખિલેશ ચેમ્બરનો દરવાજો નોક કરીને દિક્ષિતની ચેમ્બરમાં પ્રવેશે છે, અખિલેશને આવતો જોઈ દિક્ષિતનાં કપાળ પર રહેલી ચિંતાઓની લકીરો થોડી ઓછી થઈ, અને તેના ચહેરા પર હળવું એવું સ્મિત આવ્યું.. “હા ! દીક્ષિત ! બોલ…!” – અખિલેશ થોડાક ગભરાયેલા અવાજે બોલ્યો. “અખિલેશ ! તું મારો કર્મચારી પછી છો, પરંતુ એ પહેલાં તું મારો બેસ્ટ ફ્રેન્ડ છો….!” – દીક્ષિત પોતાનો ખિસ્સામાં રહેલ હાથ બહાર કાઢીને, કપાળ પર ફેરવતા બોલે છે. “હા ! બરાબર છે….પણ તે મને અત્યારે તાત્કાલિક શાં માટે બોલાવ્યો…?”

“જો ! અખિલેશ મને તારી આવડત અને કાબેલિયત પર પૂરેપૂરો વિશ્વાસ છે, હાલ હું જો આખી કંપનીમાંથી કોઈ વ્યક્તિ પર વિશ્વાસ કરી શકતો હોઉં તો એ તું જ છો….તું એક જ મને મદદ કરી શકે એમ છો….!” “દીક્ષિત ! મને આખી વિગત વ્યવસ્થિત અને પૂરેપૂરી જણાવ….!”

“જો ! અખિલેશ…હાલ માર્ચ મહિનો ચાલે છે, એટલે આપણી કંપનીમાં રહેલા દરેક કર્મચારી પર થોડોક વર્ક લોડ વધારે છે, અને આ જ મહિનામાં આપણી કંપની દ્વારા ડેવલપ કરવામાં આવેલ સોફ્ટવેર “મેગા- ઈ” પણ માર્ચ મહિના જ લોન્ચ કરવાનો છે, અને આ “મેગા-ઈ” સોફ્ટવેર લોન્ચિંગ પ્રોગામ પણ નક્કી થઈ ગયો છે…!”

“ઓહ ! ધેટ્સ ગ્રેટ…!” – અખિલેશ દીક્ષિત સાથે હાથ મેળવતા બોલ્યો. “પરંતુ….!” “પરંતુ….પરંતુ શું દીક્ષિત…?” “હું ! આ લોન્ચિંગ ઇવેન્ટમાં હાજરી આપી શકુ તેમ નથી….!” “કેમ…?” – અખિલેશે આશ્ચર્ય સાથે પૂછ્યું.

“કારણ કે આ લોન્ચિંગ ઇવેન્ટનો સંપુર્ણ પ્રોગ્રામ દસ દિવસનો છે, એટલે કે 8 માર્ચથી 18 માર્ચ સુધી, જેમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ, ડિઝાઈનિંગ, રી-ડિઝાઇનિંગ, સોફ્ટવેર પ્રમોશન, સોફ્ટવેર સિક્યુરિટી, એડવર્ટાઇઝિંગ, માર્કેટીંગ, વગેરે મુદ્દા પર સેમિનાર પણ સાથે જ રાખેલ છે..અને બરાબર એ જ દસ દિવસ દરમ્યાન જ મારી પુત્રી આર્યા કે જે હાલમાં માત્ર સાત જ મહિનાની છે, તેની તબિયત સારી ન હોવાને લીધે, હું આર્યાને મારા જાણીતા પીડિયાટ્રિશિયન પાસે લઈ ગયો, તેણે તપાસ કર્યા બાદ મને જણાવ્યું કે તમારી પુત્રી આર્યાને હાલમાં હૃદયની તકલીફ છે, માટે તમારે કોઈ સારા એવાં પીડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટને બતાવવું પડશે, ત્યારબાદ તેણે મને ડૉ. જ્વલંત મોદી કે જે મુંબઈની ખ્યાતનામ નાણાવટી પીડિયાટ્રિક હોસ્પિટલમાં ફરજ બજાવે છે, ત્યાં જઈને તેમની પાસે એક્સપર્ટ ઓપિનિયન લેવા માટે સલાહ આપી.” – દીક્ષિત થોડા ચિંતિત અવાજમાં બોલ્યો.

“પણ ! તારા જાણીતા પીડિયાટ્રિશિયને શાં માટે પીડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટ પાસે એક્સપર્ટ ઓપીનયન લેવાં માટેની તને સલાહ આપી…? આર્યાને શું તકલીફ હતી…?” – અખિલેશે નવાઈ પામતાં દીક્ષિતને પૂછ્યું.

“મારી દિકરી આર્યાને, તકલીફમાં તો થોડીક શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, તેના હૃદયનાં ધબકારા થોડાક વધારે હતાં, અને ખાસ એ જ્યારે રડે ત્યારે તેનું આખે-આખું શરીર બ્લુ રંગનું થઈ જાય છે, આથી હું આર્યાને મારા જાણીતા પીડિયાટ્રિશિયનને બતાવવા માટે લઈ ગયો, તેમણે તપાસ કર્યા બાદ મને જણાવ્યું કે આર્યા હાલમાં એ.એસ.ડી થી પીડાય રહી છે….આ સાંભળી મને એક આઘાત લાગ્યો, અને મેં તેમને પૂછ્યું કે…

“સાહેબ ! આ એ.એસ.ડી એટલે શું…? એ થવાં પાછળનું કારણ શું હોય શકે…?” – દીક્ષિતે અચરજ સાથે પીડિયાટ્રિશિયનને પૂછ્યું. “જુઓ ! દીક્ષિત એ.એસ.ડી એ એક જન્મજાત હૃદયરોગ છે, જેનું પૂરું નામ છે, આટ્રીયલ સેપટમ ડિફેક્ટ, આપણાં હૃદયની ઉપરની તરફ ચેમ્બર આવેલ હોય છે, જેને એટ્રીયમ તરીકે ઓળખવામાં આવે છે, અને રાઈટ અને લેફ્ટ એટ્રીયમ એક પડદા દ્વારા અલગ થતાં હોય છે, પરંતુ અમુક બાળકોમાં આ પડદામાં જન્મજાત થોડુંક ઓપનિંગ રહી જાય છે, જેને એ.એસ.ડી તરીકે ઓળખવમાં આવે છે.. ” – દિક્ષિત અખિલેશને જણાવતાં બોલે છે.

“તો પછી ! તે ડૉ. જ્વલંત મોદીની અપોઈટમેન્ટ લીધી…?” – અખિલેશે ચિંતિત સ્વરમાં દિક્ષિતને પૂછ્યું. “હા ! અખિલેશ હું તને એ જ સમજાવવા માંગુ છું કે મને મહા મહેનતે ડૉ. જ્વલંત મોદીની 12 માર્ચનાં રોજ અપોઈટમેન્ટ મળેલ છે, આથી મારે આર્યાને લઈને ત્યાં જવું ખૂબ જ જરૂરી છે, માટે હું મેગા-ઈ સોફ્ટવેરની લોન્ચિંગ ઇવેન્ટમાં હાજર રહી શકુ તેમ નથી.” – દીક્ષિત હતાશા સાથે નિસાસો નાખતાં બોલ્યો.

“તો…હવે શું કરીશું….એનું કંઈ વિચાર્યું છે…?” “હા ! માટે મારી એવી ઈચ્છા છે કે આ આખી ઇવેન્ટ તું સંભાળ…મને તારા પર પુરે-પૂરો વિશ્વાસ છે કે આ આખી ઇવેન્ટ તું વ્યવસ્થિત હેન્ડલ કરી શકીશ…અને હું તને સી.ઈ.ઓ તરીકેનાં બધાં જ પાવર આપીશ….!” “દીક્ષિત..! તે મારા પર વિશ્વાસ મુકયો એ જ મારા માટે સી.ઈ.ઓ. નાં પાવર મળ્યા સમાન જ છે, તું ચિંતા ના કરીશ, હું બધું જ સંભાળી લઈશ…!” “થેન્ક યુ વેરી મચ…અખિલેશ…!” – દીક્ષિત હળવાશ અનુભવતા અવાજે બોલ્યો.

“દીક્ષિત ! આ કંપની, આ રૂપિયા, આ જાહોજલાલી એ બધું આપણી પાસે કાયમિક રહે એવી શક્યતા ઘણી ઓછી છે, પરંતુ આપણા બાળકનાં જીવનમાં આવતાં અમુક ચોક્કસ વળાંક પર આપણે તેની સાથે હોવા જોઈએ, જે વળાંક તેની આગળની લાઈફ નક્કી કરવામાં ખુબજ મહત્વનાં હોય છે, માટે તું ચિંતા ના કર, કંપનીમાં તારી જરૂર છે જ તે, પરંતુ એના કરતાં પણ વધારે આર્યાને હાલ તારી જરૂર છે, જો તું આ કંપની સાચવવામાં રહીશ તો આર્યાની કંપની હંમેશા માટે ખોઈ બેસીશ……….બાકી……..મને પાકું યાદ છે કે મારે ધોરણ 12 માં મારે 90% આવેલા હતાં, મારા હાથમાં માર્કશીટ હતી, પરંતુ અફસોસ એ સમાચાર સાંભળવા વાળા મારા પિતા આ ખુશીના સમાચાર સાંભળે તે પહેલાં જ દેહત્યાગ કરી ચુક્યા હતાં, એ સમયે મને ધોરણ 12ની માર્કશીટ એક કાગળના ટુકડા સમાન લાગી રહી હતી….” – આટલું બોલતાં અખિલેશ રડવા જેવો થઈ ગયો.

“હા ! અખિલેશ..હું પણ એ જ વિચારશ્રેણી ધરાવતો માણસ છું, અને હું એની સાથે સાથે નસીબદાર પણ છું કે મને તારા જેવો મિત્ર મળ્યો, કે જેના પર હું આંખો બંધ કરીને વિશ્વાસ મૂકી શકુ…” ત્યારબાદ દીક્ષિતે ટેબલ પર પડેલી ફાઇલ અખિલેશનાં હાથમાં સોંપતા દીક્ષિત બોલ્યો કે.. “અખિલેશ ! આ ફાઈલમાં આખી ઇવેન્ટની સંપૂર્ણ માહિતી અને વિગતો આપેલી છે, તું ધ્યાનથી વાંચી લે જે…જો કઈ કન્ફ્યુઝન હોય તો મને અડધી રાતે પણ કોલ કરી શકે છો…!

અખિલેશ ફાઈલ પોતાના હાથમાં લીધી, જેમાં ઉપર લેબલ કરેલ હતું….જે જોઈ અખિલેશને એક ઝટકા સાથે નવાઈ લાગી…જેના પર લખેલ હતું….”મેગા-ઈ” સોફ્ટવેર લોન્ચિંગ ઇવેન્ટ એટ ઊટી……! “દીક્ષિત….!” – એકાએક અખિલેશ બોલ્યો. “હા” – દિક્ષિત અખિલેશની સામે જોઇને બોલ્યો. “આ સોફ્ટવેર લોન્ચિંગ ઈવેન્ટ, આપણી કંપનીમાં(મુંબઈ) નથી….?” – નવાઈ સાથે અખિલેશે પૂછ્યું.

“સોરી…યાર…હું તને ચિંતા અને ઉતાવળમાં એ જણાવવાનું જ ભૂલી ગયો કે આ સોફ્ટવેર લોન્ચિંગની આખી ઇવેન્ટ આપણી કંપનીએ ઊટીમાં ઓર્ગેનાઇઝ કરેલ છે…” “ઓકે ! તો મારે આખરે ઊટી જવાનું થાશે…એમ ને…?” “હા” “તો ! હું ઊટી જવા માટેની ટીકીટ બુક કરાવી લઉં ને…?” “આ…રહી…તારી ઊટી જવાં માટેની ટીકીટ…” – પોતાના સૂટનાં ખિસ્સામાં રહેલ ટીકીટ અખિલેશનાં હાથમાં મુકતાં દીક્ષિત બોલ્યો.

“ઓકે ! ડોન્ટ વરી…!” “અખિલેશ..તું આ ઇવેન્ટમાં સી.ઈ.ઓ ની હેસિયતથી જઈ રહ્યો છો, આ સિવાય આપણી કંપની અન્ય કર્મચારીઓ પણ ત્યાં જ હશે, જે અગાવથી જ ઊટી પહોંચી જશે…બસ તારે બધાં પ્રેઝન્ટેશન વ્યવસ્થિત કરવાના અને કરાવવાના રહેશે….” “ઓકે…!”

“બીજું કે આ આખી ઇવેન્ટ ઊટીમાં એટલા માટે એરેન્જ કરવામાં આવી કારણ કે ઊટીએ એકદમ સુંદર અને નેચરલ વાતાવરણમાં આવેલ શહેર છે, કુદરતી મનમોહક વાતાવરણ, ઊંચી -ઊંચી પહાડીઓ, લીલાંછમ વૃક્ષો, ઝરમર-ઝરમર વરસાદ, નદીઓ, ખળ-ખળ કરતાં વહેતાં ઝરણાઓ વગેરે આહલાદક અને માણવા જેવું છે, જે તારી, અન્ય કર્મચારીઓની અને મહેમાનોની આખા દિવસની થકાવટ દૂર કરવામાં ખુબ જ મદદરૂપ થઇ શકશે…આથી ઊટી શહેર પસંદ કરવામાં આવેલ છે..!

“નાઈસ ! પ્લેસ સિલેક્શન ફોર સચ અ ગ્રેટ ઇવેન્ટ…” ત્યારબાદ અખિલેશ દીક્ષિતની રજા લઈ, હાથમાં ફાઈલ અને દીક્ષિતે આપેલ ટીકીટ લઈને અખિલેશ પોતાની ઓફીસ તરફ ચાલવા લાગ્યો, અને મનમાં આ આખી ઇવેન્ટ કેવી રીતે સફળ બનાવવી તેના વિશે વિચાર કરવા લાગ્યો. અખિલેશ આ ઇવેન્ટ માટે તૈયાર થઈ ગયો, કારણ કે એક બાજુ તેની મિત્રતા દાવ પર લાગેલ હતી, પરંતુ બીજી બાજુ અખિલેશની આખી જિંદગી દાવ પર લાગેલ હતી…જેનાં વિશે અખિલેશ એકદમ અજાણ હતો..!

ઊટીમાં “મેગા-ઈ” સોફ્ટવેર લોન્ચિંગ ઇવેન્ટ અખિલેશનાં જીવનમાં એવાં વળાંક લઈને આવશે જેની કલ્પના દીક્ષિતે તો ઠીક પરંતુ ખુદ અખિલેશે પણ નહીં કરી હોય..!

ક્રમશ :

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.

લેખક : મકવાણા રાહુલ.એચ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version