જલ્સા કરોને જેંતીલાલ

ધ ઊંટી – નવલકથા ભાગ 1 પિતાની આર્થિક સ્થિતિ હતી ખરાબ છતાં તેને ભણાવ્યો પણ આ દિવસે જ આવું થશે…

1.

સમય – સવારના 11 કલાક

સ્થળ – વેદાંત સાઈકિયાટ્રિક હોસ્પિટલ.

અખિલેશ સાઇકોથેરાપી માટેના રૂમમાં રહેલ લાંબી ખુરશી પર બેઠેલો હતો, તેની ફરતે સાઈકિયાટ્રિસ્ટ ડૉ. રાજન તેની હેલ્થ ટીમ સાથે ઉભેલ હતાં, જેમાં પોતે ઉપરાંત સાઈકિયાટ્રિક નર્સ, સોસીયલ વર્કર, સાઇકોથેરાપીસ્ટ, અને વોર્ડબોય વગેરે અખિલેશને ઘેરીને ઉભા હતાં.

અખિલેશના એક હાથ પર મલ્ટીપેરા મોનિટરનો પ્રોબ લગાડેલ હતો,અને બીજા હાથમાં બોટલ ચડાવવા માટેની સોય નાખેલ હતી જેમાંથી અખિલેશને બોટલ ચડી રહી હતી, અને મલ્ટીપેરા મોનિટરમાં અખિલેશના વાઈટલ સાઈન જેવા કે હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ, બ્લડપ્રેશર, કાર્ડિયોગ્રામ વગેરે દર્શાવી રહ્યાં હતાં, અને મલ્ટીપેરા મોનિટરમાંથી અલગ- અલગ એલાર્મ વાગી રહ્યાં હતાં. સૌ કોઈનાં ચહેરા પર ચિંતાની થોડીક રેખાઓ દેખાય રહી હતી.

એવામાં અચાનક અખિલેશ જોરથી એક બુમ પાડી ઉઠ્યો, મને બચાવો કોઈ મારી મદદ કરો, તે મને મારી નાખશે, મહેરબાની કરીને મને બચાવો, આટલું બોલી અખિલેશ એક ઝબકારા સાથે જાગી ગયો, તેના ચહેરા પર પરસેવો વળી ગયો, એક્દમથી હેબતાઈ ગયો, તેના હૃદયના ધબકારા તથા શ્વાસોશ્વાસ એક્દમથી વધી ગયાં.

આ જોઈ ડૉ. રાજને પરિસ્થિતિનો તાગ લગાવી લીધો, તેને ખ્યાલ આવી ગયો, તેને સમજાય ગયું કે પોતે અખિલેશને જે ડીપ કોમાં સાઇકોથેરાપી આપી રહ્યાં છે, તેની અખિલેશ પર સારી એવી અસર થઈ રહી હતી. ત્યારબાદ ડૉ. રાજનએ અખિલેશને શાંત પાડતાં કહ્યું કે ” ડરીશ નહીં, અખિલેશ, કોઈ તને કાંઈ નહીં કરી શકે..અમે લોકો તારી પાસે જ ઉભા છીએ.”

“પણ ! સાહેબ એ મારી એકદમ નજીક આવી રહ્યો છે, અને તે મને મારી નાખવાના ઈરાદા સાથે જ આવેલ છે.” – અખિલેશ વધારે ગભરાતા આવાજ સાથે બોલ્યો. “અખિલેશ ! તું એકદમ ધ્યાનપૂર્વક જો, એ કોણ છે જે તને મારવા માટે આવી રહ્યો છે.” – ડૉ. રાજન અખિલેશને શાંત પાડતા બોલ્યાં. “સાહેબ ! હું એ વ્યક્તિને નથી ઓળખતો, અને હું એને ક્યારેય પણ મળેલ નથી, પરંતુ ખબર નહીં કેમ તે મને મારવા માંગે છે…?” “આ ! પહેલા તે એ વ્યક્તિને ક્યાંય જોયેલ છે ખરો…?” – ડૉ.રાજને આતુરતાપૂર્વક અખિલેશને પૂછ્યું.

“હા ! સાહેબ આ વ્યક્તિ ઘણીવાર મારા સપનામાં આવે છે, અને સપનામાં પણ તે મને મારવા જ માગતો હોય છે.” – અખિલેશે જવાબ આપ્યો. “અખિલેશ ! તું એ વ્યક્તિનો ચહેરો ઓળખવા માટે પ્રયત્ન કર..!” – ડૉ. રાજને હિંમત આપતા કહ્યું. “સાહેબ ! મેં ઘણીવાર એ વ્યક્તિનો ચહેરો ઓળખવામાં માટે પ્રયત્નો કર્યા, પરંતુ તે બધાં જ વ્યર્થ ગયાં, કારણ કે તે વ્યક્તિનો ચહેરો દરવખતે મને ધુધળો જ દેખાય છે.” – નિસાસો નાખતાં અખિલેશ બોલ્યો.

“અખિલેશ ! ભગવાન જો તમારી જિંદગીમાં અંધકાર આપે છે, તો તે અંધકાર માંથી બહાર નીકળવા માટે કોઈ નાની એવી પ્રકાશરૂપી રોશની પણ આપે જ છે, આપણે જરૂર હોય છે તો તેને યોગ્ય સમયે ઓળખવાની, તું હજુ પણ ઝીણવટભરી નજરે જો તને એ વ્યક્તિને ઓળખવા માટે કઈંકને કંઈક તો અજુગતું દેખાશે…જ..” – ડૉ. રાજન બોલ્યાં.

“સાહેબ ! સાહેબ ! …..એ વ્યક્તિનો ચહેરો તો ધૂંધળો દેખાય છે, પરંતુ જ્યારે તેણે મારા તરફ માથું ઝુકાવીને મને મારવા માટે પ્રયત્ન કર્યો ત્યારે મેં જોયું કે તેના હાથનાં કાંડા પર એક અલગ પ્રકારનું કડલું પહેરેલું હતું અને ગળામાં એક ચેન પહેરેલો છે,જેમાં સિંહનાં મુખારવિંદ દેખાય રહ્યો છે…” – અખિલેશે ડૉ. રાજનને અધવચ્ચે જ અટકાવતા બોલ્યો.

“ઓકે ! અખિલેશ ! ખુબ સરસ તે નિરીક્ષણ કર્યું તે..તારૂ આ નિરીક્ષણ તને હાલ અને ભવિષ્યમાં આવનારી તકલીફો માંથી બહાર આવવા માટે ખુબજ ઉપયોગી સાબિત થશે.” – આટલું કહી ડૉ. રાજને અખિલેશને પેલી ખુરશીમાં બેઠા થવા માટેની સૂચના આપી. ત્યારબાદ મેડિકલ ટીમના અન્ય કર્મચારીઓએ મલ્ટીપેરા મોનિટર ના બધાં પ્રોબ હટાવ્યા અને જે નસમાં જે બોટલ ચડી રહી હતી તે ડિસ્કનેક્ટ કરી દીધી, અને અખિલેશને ડૉ. રાજને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો.

“સાહેબ ! હું અંદર આવી શકુ છું..” “યસ ! આવ ! અખિલેશ..!” “સાહેબ ! શું થયું છે મને..? શાં માટે તે વ્યક્તિ મને વાંરવાર સપનામાં આવે છે..? શાં માટે તે દરવખતે મને મારવા માટે પ્રયત્નો કરે છે…?..કોણ હશે તે વ્યક્તિ..?..જેને મેં રિયલ લાઈફમાં ક્યારેય જોયેલો જ નથી કે નથી ઓળખતો તો શાં માટે તે મારી સાથે આવું કરે છે..?..અખિલેશનાં મનમાં એકસાથે આવા ઘણાં પ્રશ્નો હતાં જેમાંથી એકપણ પ્રશ્નનો હાલમાં ડૉ.રાજન પાસે હાલ કોઈ જવાબો હતાં જ નહીં…”

“સાહેબ મહેરબાની કરીને મને આ તકલીફ માંથી ઉગારો..” – આટલું બોલાતાની સાથે જ અખિલેશની આંખોના ખૂણા ભીના થઈ ગયાં. “જો ! અખિલેશ, આપણે તને જે તકલીફ છે, તેના નિદાન માટેની પ્રોસેસ શરૂ કરી દીધી છે, પણ પાક્કું નિદાન કરવા માટે ઓછોમાં ઓછું તારે ચાર પાંચ વખત આવવું પડશે…!” – ડૉ. રાજને અખિલેશને સાંત્વના આપતા બોલ્યાં. “સાહેબ ! પાંચ વખત નહીં, તમે કદાચ તમે મને પચાસ વખત બોલાવશો તો પણ હું આવવા ત્યાર છું, બસ મને કોઈપણ કિંમતે આ મુશ્કેલીમાંથી બહાર કાઢો..”

“સ્યોર ! હું તારી મદદ કરીશ…!” “પણ…પણ..સાહેબ આ તકલીફને લીધે હું છેલ્લા 20 દિવસથી શાંતિથી ઊંઘી નથી શક્યો..” – લાચારી ભરેલા અવાજે અખિલેશ બોલ્યો. “ઓકે ! હું તને એક મેડિસિન લખી આપું છું, એ તારે રાતે સુતા પહેલા લેવાની છે, જેથી તને શાંતિથી સારી ઊંઘ આવી જશે..” – ડૉ. રાજન પ્રિસ્ક્રિપ્શન લખતાં – લખતાં બોલ્યાં. “થેન્ક યુ વેરી મેચ, સર” – અખિલશ ભાવુક બનતા બોલ્યો. ત્યારબાદ અખિલેશ ડૉ. રાજને આપેલ પ્રિસ્ક્રિપ્શન લઈને, હોસ્પિટલ કેમ્પસમાં આવેલા મેડિકલ સ્ટોરમાંથી મેડિસિન લઈને પોતાના ઘરે જવા માટે રવાનાં થયો.

આ બાજુ ડૉ. રાજને પોતાના કલાસમેટ અને બેસ્ટ ફ્રેન્ડ ડૉ. અભયને કોલ કરીને પોતાની હોસ્પિટલે બોલાવ્યો. ત્યારબાદ બનેવે અખિલેશના કેસ વિશે ડિસ્કશન કર્યું, ડિસ્કશન પૂરું કર્યા બાદ ડૉ. રાજન બોલ્યાં કે. “સી.! અભય….મેં અત્યાર સુધી ઘણાં બધાં કેસ સોલ્વ કરેલા છે..પરંતુ અખિલેશનો કેસ મને આ બધા કેસ કરતાં કંઈક અલગ જ લાગે છે, હાલમાં તો તેને મેં સાઇકોથેરાપી શરૂ કરી દીધેલ છે, અને મેડિસિન પણ લખી આપેલ છે, પરંતુ આ કેશમાં મારે તારી થોડીક મદદની જરૂર પડશે..તો તારે મારી મદદ કરવાની છે.”

“સ્યોર ! વ્હાઈ નોટ..! હું તને ચોક્કસ મદદ કરી…પ..ણ..!” “પણ..પણ…શું અભય…?” “અખિલેશનો કેસ તે જોયેલા બધા કેસ કરતાં અલગ તો છે જ તે અને સાથે-સાથે મિસ્ટરીયસ પણ છે, તેની આ બીમારી અખિલેશની જિંદગીમાં કેટ-કેટલાં તુફાનો, બદલાવો, તકલીફો, આશ્ચર્ય લઈને આવશે તેનો અખિલેશને સપનામાં પણ ખ્યાલ નહીં હોય..” “પણ ! જો અભય તું મારી મદદ કરીશ તો આપણે અખિલેશને આ બીમારી કે તકલીફમાંથી હેમખેમ બચાવી શકવામાં સફળ થશું..” “સ્યોર ! ઓફકોર્સ વી ડુ ધીસ ટુ ગેધર..”

ત્યારબાદ અભય અને રાજને થોડીક ગંભીર અને ગહન ચર્ચા કરી, અને પછી અભયે રાજન પાસે જવા માટેની પરમિશન માંગી, અને અભય પોતાની હોન્ડા સીટી કારનો સેલ્ફ મારી પોતાની હોસ્પિટલ તરફ જવા માટે રવાના થયાં. અખિલેશ કોમ્પ્યુટર એન્જીનીયરીંગનાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો, અખિલેશ નાનપણથી ભણવામાં હોશિયાર હતો, નાનપણથી તેને ગણિત વિષયમાં ખુબજ રસ હતો.

અખિલેશ એક મધ્યમ પરિવારમાંથી આવતો હતો, અખિલેશનાં પિતા જયેશભાઇ દરજીકામ કરતાં હતાં, જેમાંથી પોતાનું ગુજરાન રોળવી શકે એટલું માંડ કમાતા હતાં. અખિલેશ જ્યારે 10 ધોરણમાં 89 % લાવ્યો ત્યારે તેના ઘરનાં બધાં જ સભ્યો ખુશ હતાં, પરંતુ અખિલેશનના પિતા જયેશભાઇ થોડીક મૂંઝવણ અનુભવી રહ્યાં હતાં, જેનું કારણ હતું પોતાના પરિવારની આર્થિક સ્થિતિ.

ત્યારબાદ અખિલેશે પોતાના પિતા સમક્ષ વિજ્ઞાનપ્રવાહમાં એડમિશન લેવા માટે પોતાની ઈચ્છા જણાવી, આ સાંભળી જાણે જયેશભાઇ પર કોઈ મુશ્કેલીઓનું આભ તૂટી પડ્યું હોય તેવું લાગી રહ્યું હતું. ત્યારે જયેશભાઈએ કહ્યું કે, “બેટા ! દુનિયાનો કયો બાપ એવો હશે કે જે પોતાના સંતાનનું આવું સારું પરિણામ આવવા છતાંય ખુશ થવાને બદલે મૂંઝવણ અનુભવતો હશે….?” – લાચારીભર્યા અવાજમાં જયેશભાઇ બોલ્યાં. “કેમ ! પપ્પા ! તમે આવું કહો છો…?” – નવાઈ સાથે અખિલેશે તેના પિતાને પૂછ્યું.

“બેટા ! મેં મારા બે- ચાર મિત્રોને પૂછ્યું કે અખિલેશને ધોરણ 10માં 89% આવ્યા છે, અને અખિલેશની ઈચ્છા છે કે તે વિજ્ઞાનપ્રવાહમાં એડમિશન લે…! ત્યારે મારા મિત્રોએ મને જણાવ્યું કે મહેરબાની કરીને વિજ્ઞાનપ્રવાહ રહેવા દે, તેમાં ખુબ જ ખર્ચ થશે, અને તે ખર્ચને પહોંચી વળવું તારા ગજા બહારની વાત છે…” “તો…શું…પપ્પા…?” – અખિલેશે અચરજ સાથે પૂછ્યું.

“તો ! બેટા, તને તો આપણાં ઘરની પરિસ્થિતિ ખ્યાલ જ છે, હું આટલો બધો ખર્ચ ઉઠાવી શકુ તેમ નથી, માટે તું સામાન્ય પ્રવાહમાં એડમિશન લે તો આપણા બધાં માટે સારું છે…” – નિશાશો નાખતાં જયેશભાઇ બોલ્યાં. “પપ્પા ! તો પછી સામાન્ય પ્રવાહમાં એડમિશન લેવાનો કોઈ અર્થ નથી, હું એડમિશન લઈશ તો વિજ્ઞાનપ્રવાહમાં જ, નહીં તો તમારી સાથે હું દુકાને બેસી જઈશ, તો પછી મારે ભણવું જ નથી….!” – એક વિશ્વાસ સાથે અખિલેશ બોલ્યો. પિતા અને પુત્ર વચ્ચે જે વાતચિતો કે દલીલો ચાલતી હતી તેમાં આખરે દ્રઢ નિશ્ચય ધરાવતા અખિલેશની જીત થઈ, અને આ જીતનો આનંદ કદાચ આખી દુનિયા જીતયાના આનંદ કરતા પણ વધુ હશે…

“સારું ! બેટા ! તારા મક્કમ ઈરાદા સામે મારી આ દલીલોની હાર થઈ છે, તું તમ – તારે ચીંતા ના કરીશ, વિજ્ઞાનપ્રવાહમાં જ તારૂ એડમિશન લે, અને હું દરરોજ દુકાને 8 વાગ્યાં સુધી બેસતો હતો, તેના બદલે હવે 10 વાગ્યાં સુધી બેસીશ, અને જરૂર પડશે તો આપણું આ મકાન પણ હું વેચવા માટે તૈયાર છું, પણ તારૂ ભણવાનું કોઈપણ કિંમતે અટકવા નહીં દઈશ..” – જયેશભાઈ એક પિતા તરીકે પોતાનો રોલ ભજવતા બોલ્યા.

આ સાંભળી અખિલેશ અને જયેશભાઈની આંખોમાં શ્રાવણ-ભાદરવો આવી ગયો, અને એકબીજાને ગળે મળીને રડવા લાગ્યાં. જયેશભાઈએ સાબિત કરી દીધું કે પરિસ્થિતિ ભલે ગમે તેટલી નબળી હોય, પરંતુ જો તમે ધારો તો તે પરિસ્થિતિમાંથી ચોક્કસપણે બહાર આવી શકો છો, આખરે ક્યાં સુધી આ બધું દોષ નસીબ પર ઠાલવતા રહેશો…..? જ્યારે અખિલેશે તે સાબિત કરી દીધું કે તમારો નિર્ણય જો મક્કમ હોય તો પર્વતની પણ કોઈ ઔકાત નથી કે તમારા રસ્તામાં અડચણરૂપ બની શકે.

આથી જ આપણે ત્યાં કહેવત છે કે,

“હોય જેનાં કદમો અસ્થિર, તેને રસ્તો જડતો નથી,

અડગ મનમાં માનવીને, હિમાલય પણ નડતો નથી.”

ત્યારબાદ અખિલેશે પોતાની ઈચ્છા પ્રમાણે વિજ્ઞાનપ્રવાહમાં ‘એ’ – ગ્રુપમાં એડમિશન લીધું, મિત્રો ધીમે -ધીમે દિવસો, અઠવાડિયા, મહિના અને વર્ષો વીતવા લાગ્યાં, અને અખિલેશ પોતાનું મન પોરવીને પોતાનું સમગ્ર ધ્યાન અભ્યાસમાં કેન્દ્રિત કરી દીધું. કહેવાય છે કે દુનિયા ગોળ છે, તેવી જ રીતે જયેશભાઈએ દિવસ-રાત એક કરીને અખિલેશનું વિજ્ઞાનપ્રવાહમાં ભણવાનું સપનું અંતે સાકાર કર્યું, પરંતુ હવે જયેશભાઇની પણ ઉંમર થઈ ગઈ હોવાથી તેનું શરીર તેનો સાથ આપી રહ્યું ના હતું.

જોત-જોતામાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પણ અખિલેશનાં માથા પર આવી ગઈ, અખિલેશ દિવસ-રાત વધુ સખત મહેનત કરવા લાગ્યો, અને તેના આ કાર્યમાં તેના પરિવારના દરેક સભ્યોએ તેને મદદ કરી, પરીક્ષા પણ સારી ગઈ, જોતજોતામાં બોર્ડના પરિણામનો દિવસ પણ આવી ગયો. અખિલેશનાં પરિવારમાં બધા અખિલેશનાં પરિણામને લઈને ચિંતાતુર હતાં, જાણે પરિણામ અખિલેશનું નહીં, પરંતુ પરિણામ એક પિતાની કઠોર મહેનત, એક માંની સારી સંભાળ, અને એક બહેનનાં હરહંમેશનાં સાથ સહકારનું આવવાનું હોય તેવું લાગી રહ્યું હતું. સવારથી જ ઘરનાં બધાં જ સભ્યો અખિલેશનું સારું પરિણામ આવે તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં હતાં.

લગભગ સવારના 10: 30 કલાકની આસપાસ અખિલેશ પોતાની શાળાએ પોતાનું પરિણામ લેવાં માટે ગયો, થોડીવારમાં વર્ગશિક્ષક વાળા સાહેબ કલાસમાં આવ્યાં, અને પરિણામ જાહેર કર્યું, પરિણામ સાંભળી અખિલેશની ખુશીઓનો કોઈ પાર ના રહ્યો, કારણ કે અખિલેશે ધોરણ 12ની પરીક્ષામાં 90% સાથે જ્વલંત સફળતા હાંસલ કરી, પોતાના જિલ્લામાં સૌ પ્રથમ સ્થાન મેળવેલ હતું.

આથી વાળા સાહેબે અખિલેશને અભિનંદન આપતા કહ્યું કે તું આપણાં કલાસમાં તારી સફળતા વિશે થોડુંક જણાવ…ત્યારે અખિલેશ ઉભો થઈને બોલ્યો…કે…

“મિત્રો ! આપણે સૌ જાણીએ જ છીએ એ કે તાળી એક હાથે નથી વાગતી, તેના માટે બે હાથ જોઇએ, તેવી જ રીતે મારી આ સફળતા પાછળ ઘણાં લોકોનો હાથ રહેલ છે…સૌ પ્રથમ મારા ભગવાન….એ ફોટાવાળા ભગવાન નહીં..મારા ભગવાન, મારા પિતા જયેશભાઇ કે જે પોતાના પિતાની વર્ષો જૂની યાદગીરી સમાન અમારૂ મકાન, કે જયાં તેણે પોતાનું આખું બાળપણ વિતાવેલ હતું, તે મકાન પણ મારા અભ્યાસ માટે વહેંચવા તૈયાર થઈ ગયાં, મારી મમ્મી એટલે કે વર્ષાબેન કે જેણે મારી સાથે-સાથે કોઈપણ કારણ વગર આખી રાતનાં ઉજાગરા કર્યા છે, મારી બહેન સોનલ કે જે હરહંમેશ મારી સાથે સ્પોર્ટમાં ઉભી જ હોય છે, આ ઉપરાંત, પારસમણી જેવા મારા બધા જ શિક્ષકો કે જેણે એક પથ્થરને ઘસી-ઘસીને એક હીરો બનાવ્યો છે, એ બધાનો હું….આ…ભા…રી….છું…” – આટલું બોલતાં જ અખિલેશની આંખોમાં આંસુ આવી ગયાં અને તે રડવા લાગ્યો. ત્યારબાદ વાળા સાહેબે અને અખિલેશનાં મિત્રોએ તેને હિંમત આપી શાંત કર્યો.

ત્યારબાદ અખિલેશ બધાને મળીને પોતાની માર્કશીટ લઈને પોતાના ઘરે જવા માટે રવાના થયો, મનમાં ઘણો બધો ઉમંગ અને ઉત્સાહ હતો કે ઘરે જઈને પોતે મેલેવેલ સફળતા વિશે જલ્દીથી ઘરે પહોંચી જાય, દરરોજ જે રસ્તો કાપતાં અડધી – પોણી કલાક થતી હતી તે જ રસ્તો, આજે જાણે એકદમ નાનો બની ગયો હોય તેવું લાગતું હતું, ક્યારે અખિલેશનું ઘર જે વિસ્તારમાં આવેલ હતું તે એરિયા આવી ગયો એ ખ્યાલ જ ના રહ્યો.

પરંતુ મિત્રો કહેવાય છે કે જે લોકો સાચા અને સારા હોય છે, તેની ઈશ્વર કે કુદરત પરિક્ષા તો કરે જ છે, રાજા સત્યાવાદી હરિશ્ચંદ્રએ પણ આ પરીક્ષામાંથી પસાર થવાની નોબત આવી હતી, જે તેણે સફળતાપૂર્વક પાર કરી હતી, અખિલેશની જિંદગીમાં હવે જે વળાંક આવવાનો હતો તેના વિશે ક્યારેય તેણે વિચાર્યું નહીં હોય.

અખિલેશ સારૂ પરિણામ આવવાથી જમીનથી બે ફૂટ અધ્ધર ચાલી રહ્યો હતો, મનમાં ખુશી, આનંદ અને ઉત્સાહ હતો, હાથમાં માર્કશીટ હતી, તેને હતું કે મારૂ આ પરિણામ જોઈને મારા પિતાની છાતી ગર્વથી ગદગદ થઈને ફૂલી જશે.

જેવો અખિલેશ પોતાનાં ઘરે પહોંચ્યો તો તેની વિસ્મયતાનો કોઈ પાર ના રહ્યો, કારણ કે તેના ઘરની અંદરથી રડવાનો અવાજ આવી રહ્યો હતો, અને ઘરની બહાર બધા સફેદ કપડાં, અને ખભે ટુવાલ કે પનિયુ નાખીને ઉભા હતાં, ઘરની બહારની તરફ મૃતદેહને લઈ જવા માટેની ઠાઠડી પડેલ હતી, આ જોઈ અખિલેશને એકદમ થી આઘાત લાગ્યો, આથી તે બેબાકળો થતાં ઘરની અંદરની તરફ દોડવા લાગ્યો, અંદર જઈને જોયું તો અખિલેશના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય તેવું લાગ્યું, કારણ કે અખિલેશનાં ભગવાન એટલે કે તેના પિતા હવે આ દુનિયામાં રહ્યાં ન હતાં…અખિલેશ દોડીને તેના પિતાના નિષ્પ્રાણ દેહ પાસે જઈને ગોઠણિયા ભરીને રડવા લાગ્યો, અને પોતાની માર્કશીટ બતાવતા કહ્યું કે

“પપ્પા ! મને એમ હતું કે મારી માર્કશીટ જોઈને તમારી છાતી ગર્વથી ગદ-ગદ ફૂલી જશે, પરંતુ તમે તો તમારો શ્વાસ જ છોડી દીધો, હવે અમારું કોણ…?..કોણ હવે મારા માથાં પર હાથ ફેરવીને કહેશે કે, ” બેટા ! ચિંતા ના કર ! તારો બાપ બેઠો છે…!”

સોનલે અખિલેશનાં માથે હાથ ફેરવતા કહ્યું કે,” ભયલા ! તું ઘરેથી જ્યારે તારું પરિણામ લેવા માટે ગયો, ત્યારબાદ પપ્પાએ એકાએક જોરથી બુમ પાડીને કહ્યું કે મને છાતીમાં અસહ્ય દુખાવો થાય છે, મારો જીવ મૂંઝાય છે, મને હાથ-પગમાં ખાલી ચડે છે, શ્વાસ લેવામાં તફલીફ થાય છે, અને મેં તરત જ 108 ને ફોન કર્યો, એટલીવારમાં તો પપ્પા આપણને બધાને કાયમિક માટે અલવિદા કહીને હરહંમેશ માટે આપણાંથી વિખુટા પડીને દૂર થઈ ગયાં…!”

ત્યારબાદ જયેશભાઈના હિન્દુધર્મની વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં, આખા પરિવાર એવું અનુભવી રહ્યો હતો કે જાણે વર્ષોથી છત્રછાયા આપતાં વટવૃક્ષને કોઈએ જડમૂળથી જ કાપી નાખ્યું હોય.

ક્રમશ :

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.

લેખક : મકવાણા રાહુલ.એચ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version