ઝંડીયો કૂવો – દિવસે પણ કોઈ જતા ડરે એવી જગ્યાએ રાત્રે જવા માટે તેણે શરત લગાવી હતી…

હોળી ધૂળેટીનો તહેવાર આવવાનો થાય ને, ગામનો યુવા વર્ગ હેલે ચડે. હોળી માટે છાણાં કે લાકડાં ભેગાં કરવાની તૈયારીઓ ચાલતી હોય. એ પાછાં રાત્રે કોઈના વાડામાંથી ચોરીને લાવવાનાં. બીજા દિવસે વાડાના માલિકને ખબર પડે કે તેમના છાણાં કે લાકડાની ચોરી થઈ છે, તો કોઈ ટંટો-ફરિયાદ નહીં. આ દિવસોમાં મોડી રાત સુધી જાત જાતની હરિફાઈઓ ને શરતો સાથેની રમતોની મોસમ ઉઘડે.

એક જગ્યાએ “ગામના ચોરાથી ભૈરવના ખીજડા સુધી નાળિયેર કેટલા ઘા એ પહોંચાડવું ” તેવી હોડ લાગી હોય તો બીજા ઠેકાણે વળી “આંગળી હલાવતાં હલાવતાં શેર (500ગ્રામ) ખજૂર ખાવાની ” આ શરતમાં ખજૂર ખાધે જવાની ને જમણા હાથની તર્જની આંગળી હલાવવાની ચાલુ રાખવાની. જો ખાતાં ખાતાં આંગળી હલતી બંધ થાય તો શરત હારી ગયા તેમ ગણાય. કોઈ ઠેકાણે વળી આંખે પાટો બાંધી ચોક્કસ જગ્યાએ નક્કી કરેલા સમયે પહોંચવાની શરત લાગી હોય.

મિત્રો સાથે ગપ્પાં લડાવતાં લડાવતાં અડધી રાતે મારે પણ ગામથી થોડે દુર આવેલ, અવાવરું ઝંડીયા કૂવે જઈ આવવાની શરત લાગી ગઈ. શરતમાં મારે એટલું કરવાનું હતું કે નિશાન કરેલી બે ઈંટો લઈ જવાની. તેમાંથી એક ઈંટ કૂવામાં નાખવાની ને બીજી ઈંટ કૂવાના કાંઠે મૂકવાની. એક શેર (500ગ્રામ) પેંડાની સરત હતી.

કૂવાની આજુબાજુ ઊભેલાં લીમડાનાં ત્રણ ઝાડ અને ઝાડની ડાળીઓનું પ્રતિબિંબ ઝીલતું ત્રીસ હાથ ઊંડું કૂવાનું પાણી. ઊંડી ઊંડી બખોલમાંથી ઘૂ….ઘૂ…કરતો આવતો કબૂતરોનો અવાજ, અને તમે ડોકિયું કરી જુઓ તો માથું ફાડી નાખે તેવી તીવ્ર ગંધ, તેના વરસો જુના અવાવરૂપણા નો તમને ખ્યાલ આપી દે . એ છે અમારા ગામની આથમણી દિશાએ આવેલો ઝંડીયો કૂવો.

આ કૂવાની બાજુમાં થઈને ખેતરોમાં જવાનો રસ્તો. દિવસના સમયે સ્ત્રીઓ તો ઠીક, પુરુષો પણ જો આ રસ્તેથી પસાર થાય , ત્યારે એટલી ભોં કાપવી ભારે થઈ પડે. કોઈ નીકળે ત્યારે કૂવા તરફ નજર ના કરી શકે. કાળજાના થડકારા વધી જાય ને શરીરે પરસેવો છૂટી જાય. ગામના લોકોમાં વર્ષોથી ચર્ચાતી વાત પ્રમાણે રાતના સમયે તેમાં રહેલા અવગતિયા જીવો કૂવાના પાણીમાં ભૂસકા મારે છે, ત્યારે ત્રીસ હાથ ઊંડાં પાણીની છાલક ઠેઠ ઉપર ઊભેલા લીમડાની ડાળીએ અડે છે.

કોઈને હરામના હામેલ રહી ગયા, કોઈ એના ઘરવાળાથી તરછોડાઈ, કોઈને સહન ના થાય તેવું સાસરિયાનું દુઃખ, તેવી કેટલીયે અભાગણીઓને આ ઝંડીયાએ સમાવી લીધેલી છે. ગામની તો ઠીક પણ બાજુના ગામની એક દુખિયારીએ રાતના સમયે આવી આ ઝંડીયાને ગોઝારો કરેલો. એક બપોરે કાળી આંધી આવેલી. એ કાળી આંધીમાં આ કૂવામાં પડીને મરી ગયેલા, પેલા દેવા મેતરના બળદના બરાડા તો ઘણાને બપોરેય સંભળાય છે.

દસેક વર્ષ પહેલાં ચેલદાની કુંવારી છોડી, કમુએ એક રાતે આ કૂવો પૂર્યો હતો. તેની લાશતો ખબર પડતાં તરતજ કાઢવામાં આવી હતી. પરંતુ તેનો પાંચ માસનો ગર્ભ કૂવામાં ત્રીજા દિવસે તરીને ઉપર આવ્યો ત્યારથી ગામના લોકોએ કુવાનું પાણી પીવાનું બંધ કર્યું. બસ ત્યારથી કૂવો ગાંધાઈ ઊઠ્યો. લોકોને પણ નક્કી થઈ ગયું કે, કૂવો દર વર્ષે એક જીવનો ભોગ લે જ છે. આથી લોકોએ આપોઆપ કૂવો વાપરવાનો બંધ કર્યો ને કૂવાની પડતી આવી.

કેટલાંય રહસ્યો ને કેટલીએ લોકવાયકોઓને પોતાના પેટાળમાં ધરબીને વર્ષોથી બેઠેલા આ ફૂવે, રાતના સમયે જઈ આવી ને પોતાની બહાદુરી સાબિત કરવાની શરતો લાગતી. મૂળા ગામેતીનો છોકરો આ ફૂવે શરત પર ગયો હતો, ને બીજા દિવસે તેની ડગળી ચસ્કી ગઈ હતી, તે આજે પણ ગામમાં એજ હાલતમાં ફરે છે. આવા જોખમથી ભરેલા,રહસ્યમયી સ્થળે અડધી રાતે જઇ આવવાની મારે શરત લાગી ગયેલી.

સરત પર કૂવે જવા નીકળ્યો ત્યારે મનમાં થયેલું કે, ‘ શરત હારી જાઉંને ખોટું સહાસ કરવાનું માંડી વાળું. પાછો વળી જાઉં ! ‘ તેમ છતાં બે ઈંટો લઈને નીકળતાં તો નીકળી ગયો, પણ રસ્તામાં ડાબી બાજુએ, ચક…ચક…ચરરર….કરીને બિહામણા અવાજે બોલતી ચીબરીયે મને યાદ દેવડાવ્યું કે ઝંડીયેતો દિવસે પણ લોકો આવતાં અચકાય છે, જ્યારે હું તો રાતના સમયે જઈ રહ્યો છું . તે પણ શરત પર. ચિબરી આપણી જમણી બાજુએ બોલે તો શુકન ગણાતાં જ્યારે આતો ડાબી બાજુએ બોલતી હતી. મારા હૃદયના ધબકારા વધવા લાગ્યા.

અચકાતા પગલે હું જઇ રહ્યો હતો. ઝંડીયો નજીક આવી ગયો. નસીબ જોગે રાત અજવાળી હતી. આજુબાજુ નજર ફેરવ્યા વગર હું આગળ વધ્યો. હૃદયના વધતા ધબકારા ખાળવા મેઁ પ્રયત્ન કર્યો, ” આ…આ..ઇ..ઇ…” કાંઠે જવા લીમડાના નીચેથી પસાર થવાનું હતું. લીમડાના પડછાયામાં પગે કંઈક અથડાયું. ગોથું ખાઈ ઈંટોની સાથે હું નીચે પડ્યો. મોમાંથી જોરથી અવાજ નીકળી ગયો, ” મેરે અંગને મેઁ તુમારા કયા કામ હૈ, ” ઊભો થઇ મેઁ ઈંટો ઉપાડી. ” મેરે અંગને મેઁ તુમ્હારા….કયા…કામ..હૈ… “

કૂવાના કાંઠા પર ચડી નજર ઊંચી કર્યા વગર જ એક ઈંટનો કૂવામાં ઘા કર્યો. બીજી ઈંટ કાંઠા પર મુકવા ગયો, ત્યાં ગરમ અને પોચા ગાભા જેવો પદાર્થ જોરથી મો પર અથડાયો. મારાથી એક ધીમો આહકારો નીકળી ગયો.. તુમ્હારા.. કયા… કામ.. હૈ… મેરે અંગને મેં.. ધ્રુવક… ધ્રુવક… ઘુવડ મારા અવાજના ચાળા પાડતું લીમડા પરથી ઊડયું ! ઈંટ મૂકી વળતો થયો ત્યાં ચન્દ્રના અજવાળામાં લીમડાની ડાળનો હલતો પડછાયો મારાથી જોવાઇ ગયો. ” મેરે અંગને…મેઁ તૂમ્હારા…..કયા….કામ..હૈ ? ” દૂરથી આવતી શિયાળવાની તીણી લાળી સાથે મારો અવાજ ભળી ગયો…. બીડાઈ ગયેલી મુઠ્ઠીએ મારાથી એક ધીમી દોટ મૂકાઈ ગઈ અને છેવટે એ શરત હું…….

લેખક : સરદારખાન મલેક

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ