યુદ્ધ પહેલાં અર્જુને અહીં માની હતી માનતા, મા ભદ્રકાળીના લીધાં હતાં આશીર્વાદ અને કર્યું હતું કુરુક્ષેત્રમાં પ્રયાણ…

જય માતાજી, આજે અમે આપને ચૈત્ર નોરતાંની શરૂઆતમાં જ એક એવા અનોખા મંદિર અને તેની સાવ જ જુદી જ માનતા વિશે જણાવશું. આ ચમત્કારિક મંદિરમાં માનતા પૂરી થવાથી માતાજીના મંદિરમાં ચડાવાય છે ઘોડા. જી હા, જો આ મંદિરમાં લીધેલી માનતા પૂરી થાય તો ત્યાં સોનાના ઘોડાથી લઈને માટીના ઘોડા ચડાવવાની પ્રથા છે. આપણે ઘણાં મંદિરોની અલગ અલગ માનતાઓ અને પ્રસાદની પ્રથા વિશે જાણીએ ત્યારે વિચાર આવે કે આવો રીવાજ કેમ પડ્યો હશે?


આ મંદિરમાં સામાન્ય દિવસોમાં પણ ભક્તોની ખૂબ જ ભીડ હોય છે ત્યારે નવરાત્રીના પવિત્ર દિવસોની તો વાત જ શું કહેવી! આ મંદિર આવેલું છે હરિયાણાના કુરુક્ષેત્રમાં આવેલ આ મંદિરની અનોખી મહિમા છે. આ મા ભદ્રકાળીનું દેવીકૂપ મંદિર છે. મા આદ્યશક્તિના વિવિધ અંગો જ્યાં પડ્યાં અને શક્તિપીઠ સ્થપાયું એમાંનું આ એક દિવ્યમંદિર છે. કહેવાય છે કે મા ભગવતીનો અહીં ડાબા પગનો પંજો પડ્યો હતો. આ પ્રસિદ્ધ મંદિર મા ભદ્રકાળીના આઠ સ્વરૂપોમાંથી એક મંદિર અહીં હરિયાણાના કુરુક્ષેત્રમાં આવેલું છે. આ સ્થળના દર્શનનો મહિમા એટલો છે કે દેશભરમાંથી માઈ ભક્તો આશીર્વાદ લેવા આવે છે.

આવો, આ મંદિરના પ્રતાપ અને મહિમાની અનેરી વિશિષ્ઠતાઓ વિશે વધુ વિગતે જાણીએ. સાથે એ પણ જાણીએ કે માતાજીના ભક્તોમાં તેમના પરની આસ્થા વિશેની અનોખી માન્યતા શું છે?


આ મંદિરમાં બિરાજેલાં માતા ભદ્રકાલી શક્તિપીઠનો ઇતિહાસ માતા સતી કે જેઓ ભગવાન શિવશંકરના પહેલાં પત્ની હતાં તેમની સાથે સંકળાયેલ છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવ બ્રહ્માંડમાં સતીના મૃતદેહ લઈને ભટકવાનું શરૂ કર્યું, ત્યારે ભગવાન વિષ્ણુ સુદર્શન ચક્ર દ્વારા સતીના શરીરને ઘણા ભાગોમાં વહેંચ્યા. આ રીતે મા આદ્યશક્તિના શક્તિપીઠની સ્થાપના ત્યાં ત્યાં થઈ હતી જ્યાં દેવી સતીના અંગોના ભાગ પડી ગયા હતા.
માતા ભદ્રકાલીના જમણા પગની ઘૂંટી અને પંજો અહીં પડ્યાં હતાં તેવું પુરાણો અનુસાર, ખ્યાલ આવે છે. આજ વેદ પુરાણોમાં લખાયેલી કથા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના ભાઈ બલરામના બાળપણમાં અહીં જ મુંડન સંસ્કાર પણ થયા હતાં. આ મંદિરનો ઇતિહાસ મહાભારત સાથે પણ સંકળાયેલ છે. કહેવાય છે કે મહાભારતના એ ધર્મ યુદ્ધ પહેલા ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ભદ્રકાલી માતાની પૂજા કરવાનું કહ્યું હતું.


એક લોકવાયકા અનુસાર અર્જુને માનતા માનીને અહીં કહ્યું હતું કે યુદ્ધમાં વિજય મેળવ્યા પછી, તેઓ અહીં ઘોડો ચડાવવા ફરી પાછા આવશે. યુદ્ધ જીત્યા પછી, અર્જુને માતા ભદ્રકાળીને પોતાનો શ્રેષ્ઠ ઘોડો ધરાવ્યો હતો. ત્યારથી, એવું માનવામાં આવે છે કે અહીં ભક્તો માનતા અનુસાર અને તેમની આર્થિક શક્તિ પ્રમાણે માતાજીના દેવીકૂપમાં સોના, ચાંદી અને માટીના ઘોડાઓ પ્રદાન કરે છે.


કુરુક્ષેત્રમાં આવેલ પવિત્ર મંદિરમાં ચૈત્ર મહિનાના નવરાત્રીમાં અહીં મોટો મેળો ભરાય છે અને સેંકડો ભક્તો પોતાની મનોકામનાઓ સાથે અહીં દૂર – દૂરથી દર્શન કરવા આવે છે.