“પાર્ટનર” – મિત્રનાં ભરોસે પોતાની ભાવિ પત્નીને મૂકી દેવીએ કેટલું ઉચિત છે?

આયેશા બસ માંથી ઉતરી. એણે પીળું ટોપ અને બ્લ્યુ જીન્સ પહેર્યું હતું. ખુલ્લા વાળ હવામાં ઝાટકી તેણે ગોગલ્સ આંખોએથી લઇ ઉપર ચડાવ્યા. ખભે ટીંગાતુ પર્સ સરખું કરીને ચહેરા ઉપર ઘસી આવેલી ઝુલ્ફોને ત્રીજી અને ચોથી આંગળીઓ વડે કાન પાછળ ધકેલી આસપાસ જોયું કે જીતેશ કયાંય દેખાય છે કે નહી?

તે મોબાઇલ હાથમાં લઇને જીતેશનો નંબર ડાયલ કરી રહી હતી ત્યાં જ આંગળીમાં બાઇકની ચાવી ઘૂમાવતો ઘૂમાવતો જીતેશનો ખાસ ફ્રેન્ડ રાજન આયશા પાસે આવીને સહેજ ઝૂકયો અને પછી બોલ્યો : “હલ્લો ભાભી…હાઉ આર યુ ?”

આયેશાએ નંબર ડીસ્કનેક્ટ કરીને ચહેરો ઘૂમાવીને જોયું અને લાગલું જ તેના મ્હો માંથી નીકળી ગયું : તમે ? તમે આવ્યા ? જીતેશ ક્યાં ?
“એ નથી આવ્યો ભાભી…રાજને ઠાવકાઇથી કહ્યું : ભાઇસાબ તો હજી સૂતા છે મેં એને જગાડ્યો કે યાર, ભાભી આવે છે, તને ખ્યાલ નથી ? તારે તેડવા જવાનું છે…! તો પડખું ફરી જતાં બોલ્યો કે તું જ તેડવા જઇ આવને સો આયમ કેમ.. ભાભી અને પછી લૂંચ્ચુ હસતા કહે : આમતો તમારી રાહ મને પણ હતી મનમાં થતું પણ હતું કે ભાભી પણ ખરા છે ! “આવું” “ આવુ” કરે છે પણ આવતા નથી. એટલે આ તો એણે કહ્યું નહિતર હું કહી જ દેત, કે જેવો ભાભીનો ફોન આવશે એટલે તેડવા તો હું જ જઇશ. આજ અનાયાસે ઇચ્છા ફળી. બટ્યુ ડોન્ટમાઇન્ડ ! એ છે જ એવો બાય ધ વે, મૈ હું ના ? ચાલો, ગાડી બહાર જ પાર્ક કરી છે વેલકમ…

આયેશાને ન ગમ્યું કારણ સ્વભાવિક હતું કે પોતાની વાગ્દ્ત્તા અને ભાવિ પત્ની જયારે પોતાને મળવા અહીં સુધી દોડી આવી છે ત્યારે એને, મને પોતાને તેડવા આવવાની ફૂરસદતો નથી લાગણી પણ નથી. મિત્રનાં ભરોસે પોતાની ભાવિ પત્નીને મૂકી દેવીએ કેટલું ઉચિત છે? આયેશાને ગુસ્સો ચડ્યો. એટલામાં જ રાજન ગાડી લઇને આવી ગયો આયેશા થોડું અંતર રાખીને બાઇક પાછળ બેઠી “સરખી રીતે બેસી જજો હો કે ભાભી… આપણું ડ્રાઇવીંગ જરાક ફાસ્ટ..” રાજન બેહુદૂ હસ્યો અને પાનની પિચકારી ઉડાડી. આયેશાને જરાય ન ગમ્યું રાજનનું બાઇક બેફામ શું રસ્તા પર દોડવાં લાગ્યું. વચ્ચે વચ્ચે બમ્પ આવતાને બાઇક બેફામ ઉછળતું તો રાજનની પીઠ ઉપર આયેશાના શરીરનો સ્પર્શ થઇ જતો હતો. રાજને એનીં નોંધ લીધી અને અકારણ બ્રેક મારવાઅ લાગ્યો જેથી બાઇક આંચકો મારતું જેથી આયેશાનું બદન વારંવાર તેની પીઠ સાથે અથડાઇ જતું. આયેશાએ “ધીરે ચલાવોને ભઇલા” કરતું અલ્ટીમેટમ આપી દીધું પણ રાજનને ન ગમ્યું એટલામાં હોસ્ટેલ આવી ગઇ.

*****

સારું કર્યુ, તું આવી ગઇ…જીતેશે કહ્યું. “રાજન કેટલો ઉતાવળો થતો હતો ? મેં તો એને કીધું કે એ આવતી નથી હવે તો તું જ તેડી આવ…” “મારી સગાઇ તમારી સાથે થઇ છે, એની સાથે નહી” શબ્દો હોઠ ઉપર આવી ગયા પણ તે બોલી શકી નહી. થોડીવાર મૌન પથરાયું કે રાજન ઊભો થયો : “ભાભી, ચા, કોફી કે ઠંડું ?
“નહી, હું કશું જ નથી પીતી”

“નહી. કૈક તો લેવું જ પડશે. તમે આવ્યા છો તો સ્વાગત તો મારે કરવું જ જોઇએ ને ? એક કામ કરું, મિલ્ક શેઇક લેતો આવું” “ના રાજનભાઇ, નથી જવું…પ્લીઝ.”
“એ નહીં માને.” જીતેશે હસીને કહ્યું : “તારા પ્રત્યે એને કેટલી બધી લાગણી છે! એ લાગણીને ઠુકરાવતી નહીં. પ્લીઝ.”

“એક બીજી લાગણી પણ વ્યકત કરું ભાભી ? “રાજન આયેશાની આંખોમાં અનિમેષ તાકી રહ્યો પછી બોલ્યો: “મને, આ ‘રાજનભાઇ’, ‘રાજનભાઇ’ બિલકુલ પસંદ નથી. મને ખાલી ‘રાજન’ જ કહો. મારું સ્વીટનેમ ‘રાજુ’ પણ છે. તમે એ નામે મને બોલાવી શકશો ! મને ખૂબ ગમશે. “કહેતો ચાલતો થયો અને થ્રી ગ્લાસ મિલ્ક શેઇક લેવા ! પણ એ ગયા પછી આયેશએ બારણું બંધ કરીને જીતેશ પાસે બેઠી : આ તમારો ફ્રેન્ડ સાવ બમચીક લાગે છે.?’

“નહી તો..!!”
અરે હી ઇઝ એ બ્રીલીયન્ટ સ્ટુડન્ટ.. આ તો તારો ભ્રમ છે.”
“ભ્રમ નથી. એક બીજીય વાત કહી દઉ કે એ વાયડો પણ છે.”
“એ એની ટેવ છે. સ્ત્રી દક્ષિણ્ય બતાવવાની..”
“એ ટેવ સારી નથી. કોઇ મારા જેવી માથા ફરેલ મળી જશે તો સોંસરી નીકળી જશે. એની ટેવ.”
જીતેશ ખડખડાટ હસી પડ્યો. એટલામાં જ રાજન મિલ્ક શેઇક ના ૩ ગ્લાસ લઇને આવી પહોંચ્યો. સૌ એ મિલ્ક શેઇક ને ન્યાય આપ્યો.
“હવે શો પ્રોગ્રામ છે ! રાજને પૂછ્યું “

“જમવાનો..જીતેશે કહ્યું : “તું ત્રણ ટીફિન લઇ આવ, જા !”
“ના..ના, ટીફિન નથી લાવવું. આપણે હેવન માં જ જઇએ. ભાભીને અહીંની હોટેલ તો બતાવીએ યાર..”
“મૈ હું ના..યાર. એમાં શું મુંઝાઇ ગયો.? પણ કાલ સવારે ભાભીની કોઇ ફ્રેન્ડ પૂછે કે જમી ક્યાં? તો બેધડક કહી શકે કે ‘હેવન’ માં અને પછી ઊભો થતાં કહે : “ચલો ઝટપટ તૈયાર થઇ જાવ. વી મસ્ટ ગો ધેર.”
જવાબમાં જીતેશ ઊભો થયો : “તારો આગ્રહ છે તો તો જવું જ પડશે.” પછી ચપટી વગાડતા કહ્યું : લે, ચલ આયેશા”

આયેશા ઊભી થઇ રાજન બાઇક લાવ્યો : “થ્રી ઇન વન ચાલશેને ભાભી !
“અરે..” જીતેશે કહ્યું : “તું કહે તો તારી પાછળ પણ બેસી જાય. હું તો રીક્ષા મા ય આવી જાઉં.. ત્રણ જણમાં ટ્રાફિક પોલીસ હેરાન કરશે”
“બધુ થઇ પડશે યાર ચલ, તું બેસ એટલે ભાભી બેસે.”

બાઇક રસ્તા પર દોડવા લાગ્યું. ‘ હેવન’ માં પહોંચ્યા. રાજને ત્રણ ડીસનો ઓર્ડર આપ્યો. ૧૯ આઇટમ હતી. એમા પણ આયેશની સ્વતંત્રતા ઝૂંટવાઇ ગઇ હતી. કબાબમાં હડ્ડી જેવો આ રાજન કયાંથી ધૂસી ગયો? બે ફૂલ વચ્ચે-કાંટા જેમા તેને જીતેશ ઉપર પારાવાર ગુસ્સો ચડ્યો પણ મનમાં જ દબાવી રાખવો પડ્યો. તેને જીતેશ સાથેની પહેલી મુલાકાત યાદ આવી. આમ તો જીતેશ જોવા આવ્યો એની પહેલા પાંચ સાત છોકરા જોવા આવી ગયા હતા, પણ ગમ્યા નહોતા. જીતેશ પહેલી નજરમાં જ ગમી ગયો. એણે મીકેનિકલ એન્જિ. કર્યુ હતુ અને હિન્દુસ્તાન સ્ટીલ્સમાં નોકરી કરતો હતો. કંપનીની હોસ્ટેલ શહેરમાં હતી ત્યાંથી કંપનીનાં એમ્પ્લોયર્સને બસ લેવા મૂકવાં આવતી. બે વરસની નોકરીને અંતે પાંચ આંકડાનો પગાર જીતેશ કમાતો થયો હતો. વળી પોતાના કંટ્રોલમાં પણ રહે તેમ હતો આયેશાએ ‘યસ’ કરી દીધુ પણ ત્યારે ખબર નહોતી કે પડદા પાછળ બીજું પણ કોઇક છે!

*****

“અમે એક સિક્કાની બે બાજુ. ખોળિયા જૂદાં, જીવ એક..હું જે વિચારું એજ વિચાર તેનાં મગજમાં ચાલતો હોય ભાભી…’’રાજને કહ્યું
“હા હો આયેશા…મેં જે વિચારને અંતે સંકલ્પ કર્યો હોય એ તો એણે કલાક પહેલા જ કરી લીધો હોય. તારો ફોટો તેને બતાવ્યો તો એ તરત જ બોલ્યો : “આ છોકરીને મૂકાય જ નહીં. જયારે મેં કહ્યું કરરેકટ ! મેં આયેશાને પહેલે જ ધડાકે પાસ કરી લીધી છે. એટલે, અમારી પસંદગી પણ એક જ કેમ, એનો અખતરો થઇ ગયોને આજે ?”

“અખતરો શબ્દ આયેશાને વાગ્યો. એ સિવાય પણ ઘણું ઘણું વાગ્યું હૈયા ને ! એણે પૂછયું : જીતેશ, ધારો કે તમારા મિત્રને હું પસંદ ન આવી હોત તો? તો શું થાત ?
“તો મારે ને તારા નસીબ” જીતેશ હૈ હૈ હૈ કરતો હસી પડ્યો.
“મારા નસીબની વાત તો એકબાજુ, પણ એમણે હું પસંદ ન પડું તો તમે શું કરેલ ?”

“કશુંય નહી. હું શું કરેત ? પણ મને શ્રધ્ધા હતી કે એને તું પસંદ પડી જ જઇશ”
“મારી સગાઇ તમારી સાથે થઇ છે. હું તમારી પંસદગી છું. યુ હેવ સીલેક્ટ મી. પછી બીજાને વચ્ચે લાવવાની ક્યાં જરૂર જ છે?”
“અરે એ મારો મિત્ર રહ્યો ને ? મત લેવામાં વાંધો શું ? બરાબર ત્યાં જ બહારથી ધસી આવેલો રાજન” અરે ભાઇ, ૧૦૦૦ ટકા ભાભી મનેય પસંદ છે…બરાબરને ભાભી ? બોલતા બોલતા આયેશાનો હાથ પકડી લીધો. પણ આયેશાએ સલૂકાઇથી હાથ પાછો ખેંચી લેતા કહ્યું : “તમારા ફ્રેન્ડની પંસદગીનો આધાર તો તમે માત્ર છો. સારુ કર્યુ તમે પસંદ કરી મને નહિતર મારી પરિસ્થિતિ કફોડી થાત.”

“ઠીક ચાલો, વાતોના વડાં કરવાનો સમય નથી. આપણે મ્યુઝિયમ અને ઝૂ જોવા જવું છે” જવાબમાં આયેશાએ કહ્યું : “નહી હું આરામ કરીશ થાકી ગઇ છું.” પણ તરત જ જીતેશ બોલ્યો : “ એવું ન કર. રાજનનો આગ્રહ છે. તારે આવવું જ જોઇએ…” આયેશા મને ક મને તૈયાર થઇ. વળી પાછા એક જ બાઇકમાં ગોઠવાયા. રાજન વાતવાતમાં આયેશાનો હાથ પકડીને બધા પ્રાણીઓની ટેવ, ખાસિયત વાતાવરણની અસર.. બધુ સમજાવતો હતો તો વળી કયારેક તેના ચેહરા પર ટપલી મારી તેની પીઠને સ્પર્શી પણ લેતો હતો એટલામાં જીતેશ ગૂમ થઇ ગયો. આયેશાએ બહાવરી આંખે પૂછ્યું : એ ક્યાં ગયા? રાજને જવાબમાં પીળું પચ્ચ હસતા કહ્યું : ‘’એની શું ચિંતા કરો ભાભી ! ક્યાં જશે? હમણાં આવશે, લેટ અસ ગો ટુ ગાર્ડન. તમારુ દિલ ગાર્ડન ગાર્ડન થઇ જશે જોજો. આયેશા રાજનની પાછળ દોરવાઇ. એક જગ્યાએ રાજન બેઠો અને તેણે આયશાને પડખે બેસાડી પણ આયેશા દૂર હટી ગઇ. રાજન હસ્યો : “રીસાઇ ગયા કે મારાથી આટલી દૂર કરી?

“ ના રે”
“તો પછી આટલા દૂર કેમ ? નજીક આવો ને. મને તમારો સહવાસ માણવો ગમે છે.”
“બીજું શું ગમે છે ? નજીક ખસતી હવે આયેશા ટહુકી
“તમારી આંખો… ભીનો ભીનો થઇ જતો રાજન બોલ્યો : “તમારી આંખો માછલી જેવી છે.”
“અને મારું ફિગર?”
“પરફેક્ટ…ભાભી ૩૪-૨૬-૩૪… સહેજપણ ઓછું નહીં,સહેજપણ વધુ નહીં”
“તો તો મારો ફેઇસ તો બહુ જ ગમતો હશે”

“ઓફફો ભાભી…ફેઇસ જ નહીં, તમે આખે આખા ગમો છો…એન્ડ યોર ફેસ ? જાણે ગુલાબનો ગોટો “
“ તો મારા હોઠ? “
“ ઓહ ભાભી.. જાણે મોસંબીની ચીર…!! થાય છે કે એ હોઠ્ની મધુરિમા ઘટક ઘટક પી લઊ. “કહેતા રાજને આયેશાનો હાથ હાથમાં લઇ લીઘો: હુ તમને ચાહવા લાગ્યો છું રીયલી આઇ લવ યુ સો મચ.”
“ પણ મારી સગાઇતો તમારા બેસ્ટ ફ્રેન્ડ જીતેશ સાથે થઇ છે.”
“ અરે એ બુધ્ધુને જવા દો. મેન્ટલ છે. પ્રેમ તો મારી જેવા ક્યુટ અને સ્માર્ટ સાથેજ તમને થાય. અને હવે બેધડક કહી શકુ કે તમને મારી જોડે પ્રેમ થઇગયો છે. એ મેન્ટ્લને તમે ઓળખી ગયા છો

આયેશા કશો રિસ્પોન્સ આપે એ પહેલા જીતેશ આવી પહોચ્યો આયેશા ઉભી થઇ ગઇ અને જીતેશને ઉદેશીને કહે : “મને બસ સ્ટેન્ડે મૂક્વા આવોને મારે જવું છે..
“ અરે ..પણ.. પણ.. શુ બોલે છે ! હજુ તો આપણે પૂરાં મળ્યાં, ન મળ્યા.. યાર, તારે ને મારે, હજી તો.. બે ત્રણ દિવસ સાથે.. રાજનની સાથેય પણ પિકચર જોવાનું , જમવાનું, ફરવા જવાનું..યાર મારો પાર્ટનર છે એ…!! તારી પાછળ તો એણે ભવ્ય પ્લાન બનાવ્યો છે, તારે માટે, તારે વાસ્તે.. અને તું.?”

“ હું તમારી ભાવિ પત્ની છું તમારા બન્ને વચ્ચે નો કોઇ પાર્ટસ નથી કે નથી કોઇ પાર્ટનર વચ્ચેની દુકાન…!! જીતેશ તમે સાંભળી લો, હુ કોઇ મર્દ પુરુષ સાથે લગ્ન કરવા માંગુ છું. કાયર સાથે નહી ! અને, બીજુ કે, હવે કોઇ એવી છોકરી શોઘ જો કે તમારી બન્નેની તબિયત અને રાત રંગીન બનાવી શકે . હું એવી છોકરી નથી. ગુડ્બાય ! આજથી આપણા સંબંઘ પૂરા થાય છે, હવે મને બસસ્ટેન્ડ મૂકવાં આવવાની જરૂર નથી. “એમ કહીને આંગળીમાંથી સગાઇની અંગૂઠીનો ઘા કર્યોને પાછું જોયા વગર જ સડસડાટ ચાલતી થઇ ગઇ.

લેખક : યોગેશ પંડ્યા

દરરોજ આવી અનેક વાર્તા માટે લાઇક કરો અમારું પેજ – જલ્સા કરોને જેંતીલાલ 

 

ટીપ્પણી