“ખીજડો” – વ્યક્તિ જયારે લાગણીથી બંધાઈ જાય છે ત્યારે….

રાવજી આવીને સીધો જ ખીજડા હેઠે ખાટલો ઢાળીને સૂઇ ગયો. આખરે તો આ ખીજડો જ એનો આશરો હતો ને ! આ દેહ ગયઢો થયો ત્‍યાં લગી કામ ખેંચ્‍યું. હવે છોકરા-વહુઓને પોતે નકામો લાગવા મંડ્યો છે. આ ટાણે કંકુ જીવતી હોત તો કયાં કોઇ સવાલ જ હતો ? આ છોકરા-વહુઓના ત્રાસમાં બે મનિટિેય ભેગો નો રહેવા દેત, પણ હવે શું ? બસ, હવે તો માત્ર એને સંભારી સંભારીને જીવવાનું છે. છોકરા-વહુઓના ત્રાસે જીવ બાળી બાળીને રુદિયાને રાખ બનાવવાનું. જેને જેને પોતાના દેવ ગણીને પાળ્યા-પોષ્‍યા એ પોતાના જ લોહીને હવે નકામો લાગવા મંડ્યા છે. લાગણીની ભીંતને લૂણો ાગી ગયો છે. બીજું કાંઇ નહીં !

તેણે અમંખ ઉંચી કરીને, આંખમાં છલોછલ હેત ભરીને ખીજડાને જોઇ લીધો. બસ… એ જ બેફિકરાઇથી ફરફર ફરફરે છે. અને પોતે… પંચાવન પછીનું શરીર. એ શરીર નહોતું પણ ભારખાનું લાગતું હતું અને હવે એ ભારને ઉપાડી શકાય એવી પંડ્યમાં શકતિય નહોતી રહી. ઘરે બબ્‍બે ભેંસ દૂઝણી હતી. પણ સમ ખાવા પૂરતુંય ઘીનું ટીપું મળ્યું હોય તો. અરે, જયાં બે ટંક રોટલાનો દુકાળ હતો ત્‍યાં ઘી-દૂધની આશા કેમ કરવી ?

કંકુ પોતાને મૂકીને લાંબે ગામતરે હાલી ગઇ ત્‍યારે દુઃખ જરૂર લાગ્‍યું હતું કે હવે શું થશે ? પણ મનમાં ઉંડે ઉંડે એક આશ્વાસન પણ જરૂર ઉભું હતુ કે છોકરાવ તો છે ને ! જીવ્‍યા એટલુ કયાં જીવવું છે ? કંકુ નથી તો શું થયું ? સાવજ જેવા બેય દીકરાના ખભાનો સહારો રુદિયામાં પડેલા કારી ઘાને રૂઝવી દેશે. પણ હવે લાગતું હતું કે કંકુની હારોહાર ભગવાને મનેય બોલાવી દીધો હોત તો વધારે સારું હતું.

હવે તો આ જીંદગીનો એકમાત્ર આશરો હતો. આ ખીજડો. પોતાના સોળ વરસના આયખાની સાક્ષીએ પોતાને મોભી બનાવીને બાપા મોટા ગામતરે હાલ્‍યા ગયા ને ખેડ્યનો ભાર પોતાના પંડ્ય ઉપર આવી પડ્યો ત્‍યારે કોઇ આશરાની કે સહારાની જરૂર નહોતી પડી. કારણ ? પંડ્યમાં જુવાની તગતગતી હતી અને આંખ્‍યું માં વાડીની રંગત ફેરવવાનાં સમણાં હતા. મહેનત બાવડામાં હતી અને ચોમાહાં સારા હતાં. મોલપાણી સારા થયાં. ઉપજ આવવા મંડી. દેણા ભરાવા માંડ્યા ને ખાલી ઘરના ખૂણા ઉજળા થયા. આ જે કંઇ ગણો એ બધું વાડીમાંથી જ થયું. એવી વાડીમાં એકાએક ખીજડો ઉગી નીકળ્યો. રહેતાં રહેતાં ફાલ્‍યોફૂલ્‍યો. પછી તો રાવજીએ પડખો પડખ કરેણ, બદામ અને આંબલીય રોપી. પણ ખીજડા પ્રત્‍યે અપાર મમતા એટલા માટે હતી કે પોતાના ભર્યાભર્યા ભૂતકાળનો એ સાક્ષી હતો.

પોતાના લગ્‍ન થયાં. પરણયાની પહેલી રાતે નાત્‍ય અને ઘરના રિવાજ મુજબ આણાંતના ઓરડે પોતાને નહોતો જવા દીધેલો ને પોતે નિરાશ થઇ ગયેલો. ભાભીએ ઠોળ્ય કરીને કહી દીધું ‘બે દી છે, રાવજીભાઇ, ચપટી વગાડતામાં પૂરા થઇ જાશે.‘ પણ રાવજીના અંતરના તો ઓરતા અધૂરા રહી ગયા. સગપણ થયા કેડ્યે ભાભચીએ ઘણી વાર વાતવાતમાં કહેલું કે, ‘મારી દેરાણી તો રૂપરૂપના અંબાર ને ચાંદના કટકા રોખી છે.‘
એવી ચાંદના કટકા રોખી પોતાની પરણેતરનો ભાભીએ તરણેતરના મેળામાં મેળાપ કરાવી આપ્‍યો. રાવજી પોતાની વાગ્‍દત્તા કંકુના રૂપજોબન જોઇને એટલો બધો પોરસાઇ ગયેલો કે તેને એમ થયું કે પોતે ખરેખર ખાટી ગયો છે…! એવી, ચંદ્રની ચાંદનીને પણ પોતાના રૂપજોબનની આંટી મારી દે એવી પરણેતરનું મોઢું જોયા વગર રાત કાઢવી પડે એટલું જ નહીં, પણ આ તો સળંગ ચાર-ચાર દી…

એ રાત્રે તો રાવજી નિરાશ થઇ મેડે જઇને સૂઇ ગયેલો અને બીજે દિવસે તો સવારે ઉઠીને વાડીએ હાલ્‍યો ગયેલો. સોહાગરાતનાં અધૂરાં સમણાંને આંખોમાં સજાવતો ખીજડા હેઠે ખાટલો ઢાળીને સૂતો કે આંખ મળી ગઇ. પણ બંધ આંખે અચાનક કાન ઉપર કૈંક ફરકતું હોય એમ લાગ્‍ય્‍ું ને તે ઝબકીને જાગી ગયો. આંખ્‍યુ ચોળીને જોયું તો હાથ એકની ઘૂમટો કાઢીને કંકુ માથે ભાત લઇ ઉભી હતી અને એના હાથમાં હતુ મોરનું પીંછું.
તેની ધડકન તેજ બની ગઇ. કંકુની સામે નજર મળી ન મળી ને દેહની અંદર રગરગમાં રોમાંચના દરિયા ઉછળવા લાગ્‍યા. પોતે શરમાઇને કદાચ નથી બોલી શકતો એમ જાણી કંકુ હસી. જાણે ફૂલ ઝર્યા. રાવજીએ પણ વળતા પ્રતિસાદ રૂપે સ્મિત આપ્‍યુ.

કંકુ રાવજીની પડખોપડખ ખાટલા પર બેસી ગઇ. એકાંત અને યૌવનનો મેળાપ થયો અને પછી તો આંબાવડિયાના એકાંતમાં બેય જણાં એકબીજામાં એવાતો ગુંથાઇ ગયા કે કલશોર કરતા પંખીડા પણ શરમાઇ ગયાં.

કંકુ તો બપોર ચડતા ઘરે પાછી આવી ગયેલી. સાંજ ઢળ્યે રાવજી ઘરે આવ્‍યો ત્‍યારે ભાભી ઓસરીની ધારે ઉભાં રહી મોઘમમાં હસતા હતાં. એને સમજતા વાર ન લાગી કે આ મોકો ભાભીએ જ ઉભો કરી આપ્‍યો હતો.
એ આંબાવડિયુ પોતાની પહેલી પહેલી પ્રીતનું સાક્ષીરૂપ હતું. અહીં એવી કેટલીય રળિયામણી યાદો, સંભારણા ધરબાયેલાં હતાં, જેને યાદ કરીએ તોય દિવસ પણ રળિયામણો લાગવા માંડે. રાવજી હવે આંબાવડિયામાં ખાટલો ઢાળી સૂઇ રહેતો.

પણ ધીરે ધીરે દુકાળના વરસ આવવા લાગ્‍યાં. કૂવામાં પાણી ખલાસ થઇ ગયાં. તળનાં પાણી શોષાઇ ગયાં. આંબાવાડિયું સૂનું થઇ ગયું. ઝાડવાં સુકાઇ ગયાં. પંખીઓ ઉડી ગયાં. રહી ગયા પાછળ એકલા ટહુકા અને એ રૂડાં સંભારણાં… અને બીજો રહ્યો એક આ ખખડધજ ખીજડો. કુદરતની થપાટ ખમી ખમીને માંડ-માંડ ઝઝૂમીને ખડો રહી ગયેલો પોતાની જાત જેવો આ ખીજડો, જે રાવજીનો કાયમનો સાથી બની ગયો. રાવજી બસ હવે એના તલકછાંયડે સૂતો રહેતો. એની પાસે ખાટલો ઢાળી એના થડે માથું ટેકવી સૂઇ જતો ત્‍યારે લાગતું કે મારા ભાઇબંધે મારું માથું પોતાના ખોળામાં લઇ લીધું છે.

બેય દીકરાઓ અને બેય વહુની કોચમણીથી હૈયુ દુઃખી થતું, દીકરા વહરાં વેણ કાઢતાં ઇ વેણ હૈયામાં ભોંકાતા ત્‍યારે તે વાડીએ હાલ્‍યો આવતો અને ખીજડાને બથ ભરીને બે ઘડી રડી લેતો. ખીજડો જાણે મૂળમાંથી હલબલી ઉઠતો. ખીજડાના સ્‍પર્શ માત્રથી રાવજીને વહાલપનું સુખ અને સાંત્‍વન પ્રાપ્‍ત થતું હોય એમ પોતે ધીરેધીરે શાંત થઇ જતો.
દિવસો વીતવા લાગ્‍યા.

ને રાવજીને પંડ્ય ઉપર ઉંમરના થર ચડવા માંડ્યા… એક દિવસ વહેતી હવા વહેતાં વહેતાં ગામમાં વાત લેતી આવી કે બાજુના ડેમમાંથી આસપાસનાં ગામડામાં કેનાલ ખોદીને આ નપાણી ભોમકાને એ ડેમનું પાણી પૂરું પાડવાની સરકારે જાહેરાત કરી છે. વાત સાંભળીને આસપાસના પંથકમાં ખેડૂતો રાજી થઇ ગયા. આઝાદી મળ્યા પછી ગામનો થોડો વિકાસ તો થયો હતો. પણ ગામમાં કેનાલ નીકળે એ તો સોનામાં સુગંધ ભળ્યા જેવુ હતું. હરખની વાત હતી. એક દિવસ ગામમાં કોન્‍ટ્રાકટરનો માલસામાનેય ઉતરી પડ્યો હતો. સંિચાઇવાળાની ગાડીયું હડિયાપાટી લેવા માંડી.

બે દિવસ પહેલા હજી તો પોતે રોંઢો કરવા બેઠો હતો ને ત્‍યાં મોટી વહુએ પોતે સાંભળે એમ મે‘ણું માર્યુ હતું, ‘બાપાને ઘરમાં હવે શું દાટ્યું છે તે આખો દી ઘરમાં ને ઘરમાં પડ્યા રે‘ છે ? સાંજસવાર વાડીએ આંટો બાંટો મારતા હોય તો…‘ અને વળી પાછૂં દૂધવાળો દૂધ આપ્‍યા પછી ઉમેરણ રેડે એમ નાની વહુએય ઉમેરણ પૂરી દીધું, ‘બાપાને કદાચ એમ હોય કે બેય વહુઓ ભેગી થઇને પાછી ઘરને બટકાં ભરવા માંડશે તો શું કરીશ ? બાપાને આપણી ઉપર વિશ્વાસ ન હોય એટલે ચોકીપહેરોય રાખતા હોય…‘ અને પછી બેયના ખડખડાટ હાસ્‍યનો અવાજ –
પોતે સન્‍ન થઇ ગયો. વહરાં વેણ છાતીની આરપાર નીકળી ગયાં હતાં. જાણે થ્રી નોટ થ્રીની ગોળી સનનન… કરતી છાતીને વીંધતી‘ક ને પીઠના લોચા કાઢી આરપાર નીકળી જાય એમ…

રાવજી ખાતાં ખાતાં થંભી ગયો. અન્‍નદેવને પગે લાગી, પાણી પીને ઉભો ગયો. ખીંટીએ ટીંગાતુ ફાળીયું ખંભે નાખીને પગમાં પગરખાં પહેરતા એટલુ જ બોલ્‍યો, ‘બસ બાપા, બસ. મારાં મારાં અંજળપાણી પૂરા થઇ ગયાં. હવે મારે અહીં રહીને શું કામ છે ? સાંભળી લ્‍યો ! સૂરજદાદાના સમ ખાઇને બોલું છું કે હવે આ આંગણામાં ફરીને પગ નહીં મુકું. મારો જ રોટલો તમને ભારે પડતો હોય તો પછી… પછી.. મારે અહીં રહીને શું કામ છે ? … ને તેનો કંઠ તરડાઇ ગયો. હાલતાં હાલતાં કહેવાઇ ગયું ‘તમને તમારા ધણીના બાપુનું સહેજ પણ દાઝતું હોય તો સવાર-સાંજ બબ્‍બે બટકાં ભાતમાં મોકલી દેજો. એમ માનજો કે વાડીએ ત્રીજો કૂતરો પાળ્યો છે..‘
આખી જીંદગીમાં કોઇ દિવસ બે વહરા વેણેય નહીં બોલેલો આજે જે કંઇ બોલ્‍યો એ બળતરાનું બાષ્‍પીભવન હતું. ખણખણતા રોકડા રૂપિ‍યા જેવા નકદ વેણ સાંભળીને બેય વહુઓ ક્ષણભર સડક થઇ ગયેલી. પણ પછી તો…

વાડીએ આવીને રાવજી એટલુ બધું રોયો, એટલુ બધું રોયો કે ખીજડો મૂળમાંથી હચમચી ગયો ને પંખીડા સૂનમૂન થઇ ગયાં. ભેરુની પીડાથી મૂળથી ટોચ સુધી હલબલતો ખીજડો ધ્રુજતા ધ્રુજતાં જાણે કહેતો ન હોય કે બસ, ભઇલા, બસ… હવે વધુ ન બોલીશ. નહીંતર આંખ્‍યુરૂપી મારી ડાળીઓ પરથી પંદડારૂપી આંહુડા ખરી પડશે… ભાઇ, ખમી ખા… ખમી ખાવાનો વખત છે…!

એ દુઃખ અને વિષાદના દરિયામાં વમળાતો પોતે કયારે ઉંઘી ગયો એ જ ખબર ન રહી. પણ કોઇએ તેને હડબડાવ્‍યો ત્‍યારે જ ખબર પડી કે પોતે સૂઇ ગયો હતો. તેણે આંખ ચોળીને જોયું તો ડાબેજમણે પડખે પોતાના બેય છોકરા હતા અને દૂર વાદળી જીપ ઉભી હતી તે ખાટલામાં બેઠો થયો.
‘ ઉઠો, બાપા, કેનાલના ઇજનેર સાહેબ માપ લેવા આવ્‍યા છે…‘
‘ માપ ? શેનું માપ ? ‘
‘આપણા ખેતરમાંથી નહેર નીકળે છે ને એટલે…‘
એ ખાટલામાંથી ઉઠ્યો. સિંચાઇ ખાતાના ઇજનેર સાહેબ, કારકૂન અન ત્રણ ચાર મજૂર જેવા માણસો લાંબી સાંકળ – ચેન લઇ આમતેમ જમીન માપી રહ્યા હતા. રાવજી તેમની કોર સૂનમૂન થઇને જોતો રહ્યો. થોડીવાર પછી સાહેબ બોલ્‍યાઃ

‘ આ પડતર જેવો જમીનનો ભાગ રાખીએ જેથી તમને નુકસાન બહુ ઓછુ જાય…‘
વાંધો નહીં, સા‘બ… વાંધો નહીં…‘છોકરાઓ બોલ્‍યા.
સાહેબે દૂર રહ્યે રહ્યે બેય છોકરાઓ સાથે કશીક વાતચીત કરી મોટા છોકરાને એક કાગળિયું આપ્‍યું. જીપ ચાલી ગઇ અને પછી છોકરાઓ રાવજીને ઘરે તેડી લાવવામાટે કાલાવાલા કરવા મંડ્યા. રાવજી બોલી ઉઠ્યોઃ ‘ ત્‍યાં મારું શું કામ છે ? તમારી લૂલીઓને વશમાં નહીં રાખો તો એકદી, જેમ મને કાઢ્યો એમ તમનેય કાઢશે…‘

‘ અશ્‍શે, બાપા. પણ અહીંયા રહ્યે રહ્યે તેમ સારા નો લાગો અને ગામ આમને કહે કે છતે દીકરે બાપો વાડીએ દી ટૂંકા કરે છે…‘
‘મારું ઉપજણ જયાં ન હોય એવા ઘરમાં રહીને મરે શું લેવું છે ? ઇ ઘર તો સોંપી દીધુ તમને બેયને… અખિયાતું … વાપરી ખાજો… જાવ હવે ભલા થઇને.. હવે તો ભલી મારી વાડી ને ભલો મારો આ ખીજડો. માનજો કે ડોહો મરી ગયો છે…‘
છોકરાઓએ માન્‍યું કે બાપા માને એમ નથી એટલે એમની દુખતી રગ દબાવવી! મોટે છોકરે એના છોકરાના સમ આપ્‍યા. સમ સાંભળીને રાવજી ઢીલો થઇ ગયો. એ પોતરા તો રાવજીને કંઠવા‘લા હતા. એ લાચાર થઇ ગયો ને ઘરે આવવા તૈયાર થયો. છોકરાવને લાગ્‍યું કે અડધી બાજી જીતી ગયા છીએ.

છોકરાઓ રાવજીને ઘરે તેડી લાવ્‍યા. રાવજી ઘરે આવ્‍યો તો ખરો, પણ એની નવાઇનો પાર ન રહ્યો. ઘરનું વાતાવરણ સાવ બદલાઇ ગયું હતું પોતાના આવતાંની સાથે જ વહેુઓએ ગાદલુ પાથરી પથારાી કરી આપી સરસ મજાની ! વહુઓ આવ્‍યા પછી દૂધના બે ટીપાંય મળ્યા હોય તો પાણી અગરાજ. એને બદલે શેડકઢા દૂધની તાંસળી ભરીને આવી ગઇ. બાજરાના રોટલાની અંદર નખથી ઝીણા ઝીણા ખજૂરા પાડેલા અને એની અંદર વુલણથી વીરડા ગાળેલા. એ વીરડામાં ડૂબાડૂબ ઘી પૂરેલું અને એની ઉપર દેશી ગોળનાં થપેડા બાઝી ગયાં હતા. ભાણું પીરસીને મોટી વહુ લાજ કાઢી, અવળુ ફરી કહેવા લાગીઃ ‘છોકરમતમાં આડાંઅવળાં વેણ કઢાઇ ગયાં‘તા તી અમે ખોળા પાથરીએ છીએ. બાપા, અમે તો છોકરું ગણાઇએ છોરુ કછોરુ થાય, પણ માવતર કમાવતર નો થાય. અમારી ભૂલ માફ કરી દેશો ને .. ? ‘

રાવજીને ખાતાં ખાતાં કલેજે ટાઢક વળી ગઇ. ગળતે સાદે એટલુ જ બોલ્‍યો, ‘ વહુ બેટા, બાપ હોય કે સસરો હોય.. ભલે ઇ ‘મર‘ બોલે, પણ ‘મર‘ વાંચ્‍છે નહીં. અને મને તો ઇ તમારા વેણ મનસકમાંય નથી. તમતમારે ખાવ-પીવો ને મજા કરો. તમારું છે ને તમારે વાપરવાનું છે. હું તો હવે ખર્યુ પાન… કદાચ બે-પાંચ વરસ કાઢું.
તે દી ફરી વખત મોટી વહુ કહેવા લાગીઃ ‘બાપા, હવે તમારી ઉંમર થઇ તમારે તો ઘરે રહીને જ અમને ચાકરી કરવાનો લાભ આપવો જોઇએ. પછી કે‘દી આવી સેવા કરવાનો પરસંગ મળશે ? નાની વહુએ પણ એમાં ટાપશી પુરાવી.

રાવજીને સમજાયું નહીં કે આબધો ફેરફાર એકાએક કેમ થઇ ગયો ? શું કોઇએમૂઠ મારી હશે કે દેવ રિઝાણા ? કે‘વા વાળાએ કીધું હશે તેમારી વગે અછો અછો વાનાં કરવા મંડ્યા… પણ એક વાત છે. આવી સેવા તો કંકુની હયાતીમાં કોઇ દી ભોગવી નથી. આંખમાથું દુઃખેને કંકુ પગ દાબી દે એ ગનીમત, પણ આમ તે કંઇ… ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે…
દસબાર દી થઇ ગયા. મન મૂંઝાતુ હતું. વાડીએ આંટફેરો કરવા હૈયું ઝાવાં નાખતું હતું. છોકરાવને એણે બે – ચાર વાર કહેલું. ‘લ્‍યો. હું એક આંટો વાડીએ મારતો આવું… ‘ પણ છોકરા-વહુ સાથે મળીને ના પાડી દેતાં – ‘હવે ત્‍યાં કણે તમારું શું કામ છે, બાપા… ઘણું કામ કર્યુ. હવે તો બસ તમારે આરામ જ કરવાનો છે… ‘

પણ ખાટલામાં પડ્યાં પડ્યાંય રાવજીનું મન તો દોડીને વાડીએ પહોંચી જતું. આમ તો વાડીએ ગયાને પંદર દી જેવું થઇ ગયું હતું. એ વાડી, એ ઝાડવાં, એ પંખીડાં… અને ખાસ તો એના સુખદુઃખના સાક્ષી ખીજડાને આટલા દીથી ભાળ્યો નહોતો તેથી તે બેચેન બની ગયો હતો.
એક દી લાગ મળી ગયો અને તે છટકી ગયો. બપોરા ઢળ્યા હતા. સૂર્ય પશ્ચિમાકાશ તરફ દોડી રહ્યો હતો. રાવજીના પગમાં સૂર્યની ગતિ જેટલી ગતિ હતી. એ ભુરુ સમા ખીજડાની માયાને ઉત્‍કંઠામાં વાડી કયારે આવી ગઇ એ ખબર જ ના રહી…

પણ આ શું ? વાડીની ઝાંપલી પાસે આવતાં જ તેના પગ થંભી ગયા. વાડીના ઉપલા પડામાં પચાસથી સાઠ માણસો તીકમ-કોદાળી, પવડા, તબડકાંના અવાજોની બોછાર બોલાવતા હતા.
મારો ખીજડો… તેની બહાવરી આંખો આમતેમ ફરી વળી, પણ પોતાના સાથીદારના કયાંય કરતા કયાંય દર્શન ન થયાં. તેને લાગ્‍યું, કાળજું હમણા ફાટશે કે શું …

તે દોડ્યો. ત્‍યાં પહોંચીને જોયુ તો પોતાનો ખાટલો ઓરડીની આડશે મૂકી દેવાયો હતો. અને ખીજડો ? કપાયેલ ખીજડો તો ખોદાયેલ નહેરની ધૂળમાં રગદોળાતો આમતેમ હડસેલા ખાતો હતો.. છિન્‍નભિન્‍ન એનું થડિયું.. એના ડાળીડાંખળા… એના પાંદડાં…
કપાયેલ ખીજડાનાહાલ હવાલ જોતા ત્‍યાં ને ત્‍યાં પોક મૂકીને ધ્રુસ્‍કે ધ્રુસ્‍કે રડી પડ્યો. ને પછી એવો તો હીબકે ચડ્યો કે એવું તો કંકુનામોત ટાણે પણ નહીં રડ્યો હોય કદાચ –

દસ-બાર દી પહેલાં મોટે દીકરે એને એક કાગળિયું પકડાવી દીધું હતુ અને સમજાવી-પટાવી એમાં પોતાનો અંગૂઠો મરાવી લીધો હતો. અને એ પછી બે-ચાર દી પહેલા એનાહાથમાં નોટોના થોકડા… એણે અમસ્‍તું પૂછેલું, છોકરાએ જવાબ આપેલો કે કારખાનામાં ચારપાંચ્‍ મહિનાનો પગાર એક હારે કર્યો… આટલું તો દેણું થઇ ગયું છે. ઉફ્ ! … આ પંદર દી પૂરતા ઘરે પોતાનાં માનપાન…બધો જ તાગ મળી ગયો.. એ દોડીને સુકાયેલા ખીજડાના અચેતન થડને બથ ભરી ગયો. રહરહ આંસુડે રોતો કહેવા લાગ્‍યોઃ ‘અરે, મારા જેવા ગરીબ-રાંકના માળવા સમાન મારા ભેરુ મારા સુખ ખાતર તો તું ભલા, કપાઇ મૂઓ? હે ભગવાન, મારું નસીબ જ કોણ જાણે કેવું છે કે પહેલાં કંકુને મારાથી વિખૂટી પાડી દીધી અને હવે આ મારા દુખનો એકમાત્ર વિસમો હતો તે પણ છીનવી લીધો ? ‘

રાવજીએ થડ ઉપર માથાં પછાડ્યાં. લોહી નીકળ્યું. પોતાના સ્‍વજનના મૃત્‍યુના દુઃખથી પણ વધારે ખીજડાના કપાઇ જવાના દુઃખથી એનો આત્‍માએટલો બધો કકળી ઉઠયો કે એણે પોતાના મગજનું સંતુલન ગુમાવી દીધું અને એ આઘાતમાં જ એનું પ્રાણપંખેરૂ ઉડી ગયું. માણસ ભુગું થઇ ગયું હતું. ગામમાં છોકરાઓને પણ જાણ થતા દોડી આવ્‍યા. બાપ ફાની દુનિયા છોડીને પરલોક સિધાવી ગયો હતો.

સૂર્યાસ્‍ત ઢળવાને આરેવારે રાવજીના મૃતદેહને સ્‍મશાને લાવવામાં આવ્‍યો ત્‍યારે ત્‍યાં અગ્નિદાહ દેવામાટેની ચિતા તૈયાર થઇ ગઇ હતી… વિધિના સંજોગ એવા ઉભા થયા હતા કે એ ચિ બીજા કશાનાં લાકડાંની નહીં, પણ રાવજીના જોડીદાર ખીજડાની જ બનાવેલી હતી. .

મૃતદેહને ચિતા પર મૂકવામાં આવ્‍યો. મોટા દીકરાએ જમણા પગના અંગૂઠે અગ્નિદાહ આપ્‍યો અને ગણતરીની ક્ષણોમાં જ ચિતા ભડભડ સળગી ઉઠી. ખીજડાના થડિયા પર ચત્તું પાટ પડેલું શબ સળગવા લાગ્‍યું, તડતઙ.. ફડફઙ.. ભડભઙ… શરીરમાંથી પાણી છૂટવા લાગ્‍યું ને ઘીની આહુતિઓ અપાવા લાગી… ભડભડ સળગતી ચિ. કોની ? રાવજીની સાથે સાથે ખીજડો પણ રાખ બનવા લાગ્‍યો.

થોડીક વેળા ગઇ ને શબ કમરમાંથી બેઠું થઇ ગયું. સાથે સાથે ખીજડાનું થડિયું પણ બેઠું થયું. રાવજી જાણે ભડભડ બળતા અગ્નિના લપકારા વચ્‍ચે બોલતો સંભળાયોઃ ‘બસ… ભાઇ… બસ… મારા લાલ ! હું તો છતી આંખ્‍યુએ આંધળો તે રૂપિયાના લોભમાં કાંઇ નો સમજ્યો તે તને છોડીને ઘરે હાલ્‍યો આવ્‍યો, પણ તુ તો મર્યાના મઠ લગી મારી હાર્યે ને હાર્યે જ રહ્યો. ભડ છો, ભાઇ, રંગ છે તારી ભાઇબંધીને, તારી વફાદારીને કે મને ઠેઠ લગી એકલો જ નો પડવા દીધો… હાલ્‍ય ભાઇ, હાલ્‍ય… હાલવા મંડીએ. મોડું થાય છે… ‘

કોઇ ડાઘુએ વાંહડાથી શબને નીચે બેસાડ્યું… ને ચિ ફરી વાર ભડભડ બળવા લાગી… રાવજી જાણે બથ ભરીને ખીજડાને ચોંટી ગયો હતો… બસ…. પછી તો ધીરે ધીરે શાંત થતા ગયા.. રાવજી… અને ખીજડો… ધીરે ધીરે… !!!

લેખક : યોગેશ પંડ્યા

દરરોજ આવી અનેક વાર્તા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી