“કડલાંની જોડ” – ખુબ સુંદર વાર્તા તમે પણ એ સમયમાં પહોંચી જશો..

આજે ભાદરવી અમાસ !

ભાદરવાની વહેલી સવાર વાતાવરણમાં પુષ્કળ ભેજ હતો.ગઇકાલે રાતનાં બાર સાડા બાર લગી આડેધડ ખાબકેલા વરસાદને લીધે જળસ્થળતળ બધું તરબતર ભીંજાયેલું હજી નજરે ચડતું હતું આકાશ હજી કાળી ભમ્મર રીંછડીઓથી ઘેરાયેલું હતું. નેવા ચૂતાં હતાં. આમ તો અઠવાડિયાથી ધરાઇ ધરાઇને વરસતો વરસાદ આ રાતે માંડ માંડ જંપ્યો હતો. દેડકાનાં ડ્રાંઊ ડ્રાંઊના લયબધ્ધ અવાજ વાતાવરણમા ચોમાસાની ભીની મસ્તીની અસર ઊભી કરતા હતા. ફલકું અને લીડિયો બે કાંઠે વે’તા હતા..

આવા મંગળ ટાણે અરજણે નહાઇ-ધોઇને ધોળીસબાક ચોરણી પહેરી એની ઉપર પ્યોર ગુલાબી અતલસનો જરિયાન બુશકાર્ટ ચડાવ્યો ખભે નાખી શાલ, હાથમાં પહેર્યા કડાં અને દસેય આંગળીઓએ પહેર્યા વેઢ ! ખભા લગ પૂગી જતાં ઓડિયાંમાં ધૂપેલનું તેલ સીંચીને એ બહાર નીકળતાં બોલી ઊઠયો : બાપુ, હું જવ સું…’

‘હા બેટા. પણ વેલાસર ઘરભેગો થઇ જાજે. ભાદરવાનું આભને બૈરાનો ગાભ…એનું કાંઇ નક્કી નહીં ભઇ…’ મેરામણ ડોસાએ ખાટલીમાંથી બેઠા થતાં કહ્યું અને તૈયાર થઇને મોજડી પહેરતા પોતાના જુવાનજોધ આભને ટેકો દઇ દે એવા દીકરાને તૈયાર થયેલો જોઇ એની છાતી ગજગજ ફૂલી પણ ગઇ : મનમાં ઊગી પણ આવ્યું : આજથી પચ્ચીસ વરસ મૌર્ય હું પણ જોબનપરને મેળે જવા આમ જ તિયાર થતો’તો. બસ એ જ રંગ એ જ રૂપ, એ જ ઢબ, એજ હાલચાલ અને એ જ ભાવ… લખમી ખોટું નહોતી કહેતી કે આપણો દિકરો અદ્દલ તમારા ઉપર જ ઊતર્યો સે…

વહેલી સવારમાં ભલીભોળી લખમીનું સ્મરણ થઇ આવ્યું ને હૈયાની ઉપરની ભીની ભોંમા જાણે તરડા પડી ગયા હૈયાનાં બંધ ગળાનો ડૂમો બનીને કંઠે સલવાઇ ગયો. પણ ત્યાં જ આડી સાંકળ કરતાં અરજણ બોલી ઊઠયો : ‘અવ હું જાવ સું. તમે ટેમે ખાઇ-પી લેજો…બાપુ…’

‘એ હા બેટા’ કહેતા ડોસાએ બીડી જેગવી. ચોમાસાની ભીનપ ખોળિયામાં આવીને બેસી ગઇ હતી તે બીડીને લીધે જરાક ઓછી થઇ અરજણ તો એનાં ભાઇબંધોની સંગાથે નીકળી ગયો ને મેરામણ ડોસા જુવાનીની ગલીઓમાં ભૂલા પડી ગયા.. જલતી બીડીનાં નીકળતા ગોટમોટ ધુમાડાની હારોહાર હૈયામાંથી નીકળતી એ સ્મરણોની વણઝારમાં ધીરે ધીરે પોતેય ખોવાય ગયા.

આ જોબનપરનો મેળો ઇ વખતેય ભરાતો. ઇ વખતેય સરખે સરખા જુવાનજુવતીઓની જોડીઓ ‘ગોઠિયા’ બની મેળામાં હારોહાર રાહડા લેતાં, મેરામણ ડોસાએ આભમાં નજર કરી. કાળી-ધોળી વાદળીઓની રીંછડીઓ આમથી તેમ દોટું દેતી,

બસ એ જ રુદિયામાં એક જુવતીય.આવી જ એ ભાદરવી અમાસ હતી. આવો જ સમો હતો. અને મેળાનો મમત અને મોહ પણ આવાં જ હતાં બાર બાર મહિનાથી સરખે સરખાં જુવાન-જુવતીઓ ‘ગોઠિયા’ બનીને જોબનપરને મેળે કયારે મહાલે એની વાટ્ય જોયા કરતાં હતાં : જેમ કોઇ પાંચ-પાંચ વરહથી સાગરખેડુ આજ દેશમાં પાછો આવતો હોય અને એની પત્ની સોહાગણના સોળેય શણગાર સજીને ઓરડાની માલીપા આવેલાં રંગત ઢોલિયા ઉપર પગ ઢાળીને વાટ જુએ એમ મનગમતી છોડી હાર્યે ગઇ સાલની અધૂરી રહેલી પ્રીતને, એ વાતુંને આ વરસના મેળામાં સંબંધનો નવો જ આકાર આપી દેતાં અને પછી ભવભવના કોલ આપી ધણી-ધણીયાણી બની જતાં.

મેરામણની જુવાની તે દી’ કયાંય છબતી નહોતી. માથા ઉપરએ જુવાનીનો તોર અને આંખ્યુમાં એ હીંગળોક્વો નશો છવાયેલો રહેતો. મૂછનો દોરો ફૂટું ફૂટું થઇ રહ્યો હતો. ખભા લગ પહોંચતા કાળા ભમ્મર ઓડિયાં, મેળામાં માલતી જુવાતીઓનું આકર્ષણ બની ગયાં હતા અને એની લીંબુનીએ ફાડ્ય જેવી આંખ્યુમાં કેટલાંય રૂપ સમાઇ જતાં હતા.. માથે લાલ વાયલનો ફટકો બાંધી એ જયારે હલકદાર ઘેઘુર અવાજે રાસડાનું ગાણું ઉપાડતો ને યુવતીઓ પાણી પાણી થઇ જતી…એવા જ મીઠા સમે એણે હલકદાર ઘેઘુર અવાજે ગાણું ઉપાડ્યું હતું :

‘એ હાલો હાલો જોબનપરને મેળે
… જોબનપરનું જોબનીયું….
‘વાહ જુવાન વા… થવા દે, થાવા દે… ભારી રંગ જામ્યો હો ભઇ તારા ગાણાનો તો શું તારો ઉપાડ સે.. રાસ લેતા કોઇ આધેડ જાજરમાન આદમીએ મેરામણને રંગ ચડાવ્યો ને મેરામણે એ ગાણું પૂરું થતાં જ બીજું ગાણું ઉપાડ્યું
‘એ તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે…
મને ગમતું રે,
આ તો કહું છું વાલીડા મને ગમતું..’

રંગની રમઝટ બોલાવતા મેરામણે પછી તો ગળાનો મોરલો છુટ્ટો મેલી દીધો. આસપાસનું લોક બધું અહોભાવે મેરામણ તરફ તાકી રહ્યું… પણ સામે છેડેથી કટારની ધારનેય કાપી માખે એવી કોઇ જુવતીનાં કંઠે ગાણું ઊપડ્યું :
‘એ લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે…
એ…ઊડતો આવે તારી પાસે એવો…હલકદાર છે
એ લેજો…

અને મેરામણ હવે રંગમાં આવી ગયો. એ જુવતી તરફ મલકાયો જુવતી પણ મલકાઇ. વીસ વરસનું જોબનવંતું રૂપ મેરામણની આંખ્યુંમાં સમાઇ ગયું હતું. કમળનાં પાંદડાં જેવી આંખ્યું, લંબગોળ મુખડું, ઊડતો ધન કેશ-કલાપ, લાલ-ચટક બાંધણીમાં સોહતું રૂપ લીલા રંગના કપડાની કસ માંથી ફાટફાટ થતું જોબન…! મેરામણના અંગે અંગમાં જાણે તીખા તીખા ચટકા ભરી ગયું. ગાણું તો પૂરું થયું પણ એ પહેલાં બેય હૈયાએ મનોમન હૈયાની આપ-લે કરી લીધી હતી. મોકો મળતાં જ એ, નદીને કાંઠે રહેલા શિવાલય જઇને ઊભો રહ્યો ને ઘડી-બે ઘડી પછી પેલી જુવતી પણ આવીને ઊભી રહી : ‘મને ખબર હતી તે તમે આવશો’ મેરામણ ટહુક્યો.
‘તમે નહી, મારું નામ રાણક છે. રતનપર મારું ગામ.’
‘વાહ રાણક વાહ ! બાકી તે તો રંગ રાખ્યો. શું તે ગાણું ગવરાવ્યું છે…’

‘તમારી કરોને….એટલે તો મને પોરહ ચડ્યો..
અને બેય જણ મૂંગાં થઇ ગયાં આગળ શું બોલવું તે સૂઝયું નહી. મેરામણે તેને કહ્યું ‘કંઇક બોલ તો ખરી..? પણ રાણકની નજર શરમાઇને નીચી ઢળી પડી. જોબનપરની નદીને કાઠે ઊભેલી લીલોતરી ઝાડવાં, ડુંગરાની ગાળીઓ.. જાણે રાણકની નજરમાં સમાઇ ગયાં. પીઠ પર પથરાઇને પડેલા નાગણ જેવા કાળા ભમ્મર ચોટલાનાં ફૂમતાંને રમાડતો મેરામણ બોલ્યો : ‘હેબતપર જોયું સે ?’

‘ના..’ રાણક બોલી કે મેરામણ બોલ્યો : ‘નો જોયું હોય તો એક દી’ તારી હાર્યે ચોરીના ચાર ફેરા ફરીને પછી જોવડાવીશ રાણક ! પણ હેબતપર મારું ગામ અને ‘મારુડો’ મારું નામ. આવતા મેળે ભેગાં થાશું તે દી’ કડલાની જોડ લાવીને તારા કૂણા માખણ કાંડામાં પેરાવીશ ને લોક જુએ એમ તને તેડીને લઇ જાઇશ. આજ, હાલ્ય તને ઓલી હાટડી માંથી કાંચના ગોળવા લઇ દઉં..’

‘નક્કામો વાયદો કરીને મને ભવની ભવાટવીમા રખડાવતો નહીં મારુ ! એવા તો કેટલાય વાયદા આ મેળા માં થાય સે પણ બાર મઇનામાં ભૂલી જવાય સે ! કાયાના પટારાને વીંખી લીધા પછી કોઇ એનું મોઢિયું ય બંધ કરતું નથી મારુ ! તું મને ‘કડલાંની જોડ’ પહેરાવે એવો વશવા નથી…’

‘ઓહ રાણક..’ મારઉએ રાણકને બથમાં બાંધીને કહ્યું : ‘આ ભોળિયાનાથની સાખે મારા ગળાના હમ ખાઇને કવ સું કે હું આવીશ. અને તે દી’ આયથી જ લઇ જઇશ. પણ તે દી’ કે’ તી નહી કે મારા બાપુને પૂછવાવાટ સે.’

‘ઇ આ રાણક નહી. મા-બાપ માને તો ઠીક નહીંતર પછી તારા પગલે પગલે હાલી આવીશ, પણ તારા પગલાં મને આડા અવળા તાણી નો જાય એનું ધ્યાન રાખજે. કારણ કે એક તારા વશવાએ હું તારી વાંહે હાલી આવતી હોઇશ..’ કહી એણે મારુની છાતીમાં પોતાનું મુખ છુપાવી દીધું…

મેળો પૂરો થઇ ગયો. ચાર ગાઉ હાર્યોહાર્ય ચાલ્યા પછી ડુંગરાની ગાળ્યું પૂરી થઇ ને પોતપોતાના ગામના મારગ જુદા પડ્યા : ‘હવે ચ્યારે મનમેળા થાશે ?’ કહી રાણક ઊભી રહીને મારુએ… ગજવેલા કટકા રોખા નક્કર અવાજે કીધું : ‘આવતે વરહ. આ જ ઠેકાણે. આ જ ટાણે… હું ખાતરી આપું છં, આવીશ..’ અને રાણકે કાચના ગોળવા(બંગડી) ખખડાવતાં કહ્યું : ‘તારી યાદ આવશે ત્યારે આ ગોળવાને હૈયે લગાડીશ…’ અને તે હાલતી થઇ ગઇ મેરામણ એકીટશે તેનું ઊડતું ગવન જોઇ રહ્યો..અને તે હાલતી થઇ ગઇ. ભારેખમ નિહાકો મૂકીને પોતાને મારગે ચડ્યો પણ હવે રાણક આઘી જાતી નહોતી !

દિવસો પસાર એ થયા. એક કડલાંની જોડ ખરીદવાની હોંશ હતી પણ ’૭૪-૭૫નાં દુકાળે એના અરમાનોનો ભાંગીને ભુક્કો કરી નાખ્યો ખીજડાવાળા ખેતરમાં હળિયા વડે પાડેલા ચાહ એમને એમ પડ્યા રહ્યા…દુષ્કાળનાં કાળઝાળ રાક્ષસે કૈંકનાં જડબાં ફાડી નાખ્યાં. કૈંકને ગામ મેલાવ્યું એવા કપરા સમે મેરામણ સોરઠ ભણી રળવા ઊપડી ગયો. ગયો તે ગયો જ… આખું ચોમાહું ને ઉપર જોબનપરનો મેળોય હાલ્યો ગયો.. પણ કુટુંબને વાસ્તેતે મેળે ન જઇ શક્યો તે ન જ જઇ શક્યો..તે દી’ ની ઘડી ને આજનો દી’.. બસ, પછી તો દેવાયેલા વચન પળાંયા નહી ને મેળાનો મોહ ભાંગીને ભુક્કો થઇ ગયો…

વિચારમાં ને વિચારમાં આખો દી’ પસાર થઇ ગયો. કયારે સાંજ ઢળી કયારે રાત પડી એય ઓહાણ બહાર જ ગયું…. એ તો અરજણ આવ્યો ત્યારે ખબર પડી કે આ તો રાત પડી ગઇ છે.

પોતે રાધેલું ધાન એમ ને એમ જ પડ્યું છે એ જોઇને અરજણ નરવા સાદે બોલી ઊઠયો : બાપુ, તમે ખાધુંય નથી ? આખો દી’ ભૂખ્યે ભૂખ્યા ?’
‘હા દિકરા, મને મજા નથી..’ કહી ડોસા ઊભા થયા.
‘લ્યો હાલો, મેળા માંથી ગાંઠિયા ને મેસુબ લાયો સું… તમને બહુ ભાવેસને?’

ગાંઠિયા ને મેસુબનું પડીકું જોતા જ ડોસાના જઠરમાં પડેલી ભૂખ સળવળી. થયું કે દીકરો કેવું ધ્યાન રાખે છે ! એ ઊભા થયા ને અરજણની પડખે જઇને બેસી ગયા. ગાંઠિયાનો બુકડો ભરતાં અરજણ બોલી ઊઠયો : ‘બાપુ, આજ તો એક બનાવ બન્યો ને કે-

‘શું બન્યો ?’
‘એક સાવ ગાંડા જેવી બાઇ, ઓલ્યા મંદિરના પગથારે બેઠી બેઠી ગાંડા કાઢતી જાતી બોલતી હતી : ‘હેબતપરનો મારુડો આવ્યો સે? મારી સાટુ કડલાંની જોડ્ય લાવવાનો હતો…’ અને રોવા મંડી.. ઘડીક રોવે ને પાછી તરત જ છાની રહી જાય, ઓલ્યા વીરમનાં હાથમાં રહેલાં કડલાં જોઇને એ વીરમ હારે બાઝી પડી. રોતી જાય ને બોલતી જાય : ‘તારી હાર્યે એણે મોકલાવ્યાં ? ઇ નો આવ્યો ?’ અને પછી વીરમનો હાથ પકડી રાખીને બોલી : ‘ઇને કે’ જે એક વાર મુંને મળી જાય. આમ અધવચ રખડાવીને કયાં હાલ્યો ગયો ?’

‘ઓહ..’ એકસામટી હજાર વીછીંના ડંખની પીડા મેરામણ ડોસાના અંગે ફરી વળી ને એ ઊભા થઇ જતાં બોલ્યા : ‘અવ મારાથી નંઇ ખવાય,
તું ખાઇ લે બેટા..’ પણ પછી બોલી ઊઠ્યા : ‘બાઇ કેવડી’ક હતી ?’
‘હતી તો પિસ્તાલી-પચ્ચાહ વરસની, પણ એમ કેમ પૂછો છો બાપુ..?
પણ મેરામણ ડોસા કંઇ બોલી શક્યા નહી. દીકરાનો જવાબ તો એની આંખ્યુંએ આપી દીધો હતો…!

લેખક : યોગેશ પંડ્યા

દરરોજ અવનવી વાર્તા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી