લેખન અને સર્જન એ લેખકની જિંદગી છે. સાહિત્‍યના પ્રકાર તો એક ફોર્માલીટી છે….

‘ ડૂમો-ડૂસકું-દુઃખ-ડચૂરો
કંઠે આવી અરધે અટકે,
પણ ઠલવાતા કાગળિયે તો,
એવું લાગે જીવીએ છીએ.
– મનોજ ખંડેરરીયા

મેક્સમૂલર કહે છે : ‘ભાષા એ માનવમનની આત્‍મકથા છે.‘ તો સીસેરો કહે છે, ‘‘પુસ્‍તકો વગરનો ખંડ એ આત્‍મા વગરના શરીર જેવો છે.‘‘ હેન્રી બ્રેકર પણ લખે છે, : ‘‘પુસ્‍તકો કંઇ ઘરની શોભા વધારતુ રાચરચીલુ થવા માટે સર્જાયા નથી, પણ પુસ્‍તકો કરતાય વિશેષ શોભા વધારી શકે એવું કશું જ ઘરમાં હોતુ નથી.‘‘

અઅર્નેસ્‍ટ હેમિંગ્‍વેએ લખ્‍યું છેઃ ‘‘તમારે લેખક થવું છે? ક્યાં છે તમારા જખ્‍મો? આ સર્જન પ્રક્રિયા નિજી પીડા સાથે જ સાંગોપાયગેલી જોવા મળે છે. કોઇ શાયર પોતાની શાયરીમાં દિલની વ્‍યથા અભિવ્‍યક્ત કરતો જોવા મળે છે તો કોઇ કવિ પોતાની કવિતામાં અનુભવેલી વ્‍યથા-કથાને પ્રતિબિંબિત કરે છે. એ કવિતા પછી મેઘાણીની ‘છેલ્‍લો કટોરો પી જજો બાપુ…‘ હોય કે પછી ‘જુનુ ઘર ખાલી કરતા‘ કવિતામાં ઘર છોડતી વખતે પોતાના હાડ માંસ લોહીના પિંડ સમો મૃતપુત્ર કવિને કહી ઉઠે છે કે ‘‘ના ભૂલ્‍યા કશું એક ભૂલ્‍યા મને કે?‘‘ હોય કે પછી ‘વળાવી બા આવી‘ સોનેટમાં ત્રણેય દિકરા વહુ, પૌત્રો-પૌત્રીને વળાવીને આવતી અને ઘરના મુખ્‍ય દરવાજાના ઓટલે જ વ્‍યથા વિરહથી બેસી પડતી મા હોય, પણ જ્યાં સુધી સર્જકના સર્જનમાં પોતીકી પીડાનો અનુભવ નથી હોતો એ સર્જન પણ એટલું અસરકારક નથી હોતું. મલયાલમ ભાષના નવલકથાકાર એમ.ટી. વાસુદેવન નાયરે લખ્‍યું છે કેઃ ‘‘લેખકે હંમેશા જીવનની તડકી છાંયડી જોવા માટે તૈયાર રહેવું. તેમણે કદી પણ ફરિયાદી ન બનવું તેણે લેખન ચાલુ રાખવું અને આશા રાખવી કે આ લેખન થકી જ તે એક દિવસ તેના આત્‍માને ટાઢક આપશે.‘‘

ગુજરાતી ભાષાના પ્રસિધ્‍ધ કવિ રમેશ પારેખ એટલે જ કહે છેઃ ‘‘પરિસ્થિતિ પછી તે આગંતુક હોય કે પછી અંદરની, ઉભયને યથાવત સ્‍વીકારી લેવાની મારી માનસિક તૈયારી હોતી નથી. પરિણામે માનસિક રોગીને હવામાં ભૂતો દેખાય એમ મને પરિસ્થિતિમાં ચેલેન્‍જ દેખાય છે અને હું પ્રત્‍યગ્ર થઇ જાઉં છું. અને મારામાં રહેલો લડાયક કારીગર રંધો ને ફરસી લઇ ઝનુન પુર્વક પરિસ્થિતિના પિંડને છોલવા માંડે છે. ને એનું રૂપ પરિવર્તન સારૂં કે નઠારૂં કરીને જ જંપે છે. અને કવિતા એમાં ક્યારેક પ્રાણ પ્રતિષ્‍ઠા કરી જાય છે.‘‘

આમ, લેખન પ્રક્રિયા એ શરીરથી થતી પ્રક્રિયા નથી પરંતુ લેખકની આંતરિક ચેતનામાંથી સ્‍ફુરેલી શબ્‍દગંગાની ધારા છે. કોઇ પરકાયા પ્રવેશની રાસલીલા છે. મનનાં મ્‍હોરેલા માંડવા નીચે શણગારેલા ઓરડામાં પ્રેરણાના પાંદડાની સુખપથારી પર કલ્‍પના અને મંથન વચાળેની સંગતનું સાયુજ્ય રચાય છે. અંતે જે ચીજનો પ્રસવ થાય છેતે શબ્‍દ છે. શબ્‍દ સત્‍ય છે. શબ્‍દ બ્રહ્મ છે. શબ્‍દ ચિરંજીવી છે. શબ્‍દ મૂર્ત છતાં અમૂર્ત છે.
ફિલ્‍મ ‘તારે જમી પર‘ના લેખક પ્રસુન જોશી કહે છેઃ ‘‘હું ન લખી શકું તો મને લાગે છે કે મેં કંઇક ખોઇ નાખ્‍યુ છે. હું કારમાં લખું છું, રીસેપ્‍શનમાં લખું છું, તો કોઇની વાટ જોતા જોતા પણ લખું છું. ક્યારેય પણ લખવાનું શરૂ કરી શકું છું.‘‘

લેખન અને સર્જન એ લેખકની જિંદગી છે. સાહિત્‍યના પ્રકાર તો એક ફોર્માલીટી છે. એ ચાહે કવિતા હોય, ગઝલ હોય, શાયરી હોય, વાર્તા હોય, નાટક, નવલકથા કે એકાંકી હોય પણ લેખકોને માટે પોતાના શ્ર્વાસ છે. નવલકથાકાર બધાજ પાત્રોના આત્‍મામાં પ્રવેશીને બહાર નીકળે છે. જ્યારે નવલકથા પુરી થાય છે ત્‍યારે સઘળા પાત્રોને છોડીને જાણે પોતે ડીપ્રેશનમાં આવી ગયાનું ફિલ કરે છે. અને પાત્રોના વિરહમાં લગભગ ઝુરતો દેખાય છે. જાણીતા નવલકથાકાર ડો.કેશુભાઇ દેસાઇ કહે છેઃ ‘‘મારા સર્જનના મૂળમાં જાતે જ ઝીંકેલા ઘા ધરબાયેલા છે.‘‘
વિખ્‍યાત લોકપ્રિય નવલકથાકાર હરકિશન મહેતાની જિંદગીનો એક પ્રસંગ અહિં ટાંકવા જેવો લાગે છે. એકવાર તેમની સુપુત્રીના શુભલગ્‍ન પ્રસંગે ઘર મહેમાનોથી ભર્યું ભર્યું હતુ. એ વખતે તેમની ધારાવાહિક નવલકથા ‘દેવદાનવ‘ નું પ્રકરણ લખવાનું બાકી રહી ગયેલું. એ દરમિયાન આ શુભ પ્રસંગ આવ્‍યો. પ્રકરણ લખીને તાત્‍કાલીક મોકલવાનું હતુ. અંતે તેઓ મહેમાનોથી બચવા અને પ્રકરણ લખવા બાથરૂમમાં ચાલ્‍યા ગયા ત્‍યાં કપડા સુકવવાના ઊંચા લાકડાના ટેબલ-ઘોડાના ટેકે ઊભા ઊભા એ નવલકથાનું પ્રકરણ પુરૂં કરવુ પડ્યું.

‘ઘોડાગાડી અને ગીતલેખન‘ વચ્‍ચે શું સંબંધ હોઇ શકે? એવો આપણને પ્રશ્ન જરૂર થાય. પણ આશ્‍્ચર્યની વાત છે કે હિન્‍દી ફિલ્‍મ ‘‘રતન‘‘ જેવી જેમિની દિવાનની ૧૯૪૪ના વર્ષમાં પ્રદર્શિત થયેલી સુપર ડુપર હિન્‍દી ફિલ્‍મના ગીતો મુન્‍શી દિનાનાથ મધોકે લખ્‍યા હતા. જે ગીતો (૧) પંછી બાંવરા ચાંદ સે પ્રીત લગાયે, (ર) ઘટા ઘનઘોર, મોર મચાયે શોર, (૩) હિન્‍દુસ્‍તાન કે હમ હૈ.. (૪) અખિયા મિલાકે જિયા ભરમાકે.. (૫) મિલકે બિછડ ગઇ દુનિયા, (૬) સાવન કે બાદલો ઉનસે યે જા કહો, (૭) ઓ જાનેવાલે બાલમવા… આ બધા ગીતો લખવાની પ્રેરણા મધોક સાહેબને ચાલુ ઘોડાગાડીમાં જ મળી હતી. ગાડીમાં બેસી કોચવાનને તેઓ ઘોડાગાડી ગમે તે દિશામાં ચલાવ્‍યે રાખવાનું કહેતા.જ્યાં સુધી ગીત લખાઇ ન જાય ત્‍યાં સુધી ઘોડાગાડી ચાલુ જ રહેતી. આવી જ રીતે બારેક વાગ્‍યે શરૂ થયેલ સફર સવારે છ વાગ્‍યે. અટકી, ત્‍યારે ગીત પુર્ણ થયેલું : એ ગીત હતું ‘‘પંછી જા… પીછે જા રહા હે બચપન તેરા… ઉસકોલા… પંછી જા…‘‘

સંવેદન અભિવ્‍યક્તિમાં માહિર માવજી મહેશ્‍્વરી મુળ તો સંગીત પ્રેમી જીવે ય છે. તેમની એક વાર્તા ‘‘હિજરત‘‘ ની સર્જન પ્રક્રિયા વિષે જણાવે છે કે બસમાં ભૂજથી અંજારના ‘બન્‍ની‘ વિસ્‍તારના માલધારી નેસડાની વચ્‍ચે એકવાર બસની બારીમાંથી એંસી વર્ષની ડોશી માથે હાથ મૂકીને બેઠી હતી. બસ, આજ દ્રશ્‍ય માનસપટ ઉપર ક્લિક થઇ ગયું અને એમાંથી સર્જાઇ વાર્તા હિજરત.

સર્જકો ધુની અને ખુબ સેન્‍સેઠટવ હોય છે. બીજા ઘણા કામો માટે અેક કરતા અનેક સાધનો પ્રા૫ય હોય છે. પરંતુ વાર્ત, કવિતા, નાટક કે નવલકથા લખવા માટે કોઇ ગાઇડ, ચોપડી કે માર્ગદર્શિકા ઓછી મળે છે? એ તો અંદરથી જ ઉદભવે છે. કેટલાક દ્રશ્‍યોનો સ્‍ફોટ ચિતમાં કશુંક લખવાનું ઉદી્પન જગાડે છે. ‘ગુજરાત મિત્ર‘ દૈનિક ના પત્રકાર અને બહુશ્રુત વિદ્વાન સર્જક મુ. ભગવતીકુમાર શર્મા તેમની લેખન પ્રક્રિયા વિશે જણાવે છે કે, ‘હું નવલકથા કે વાર્તા શરૂ કરૂં તે પછી તેને પુરી કર્યા વગર મને જરાયે જંપ વળે નહિં.‘ તેમણે તેમની પ્રથમ નવલકથા ‘‘આરતી અને અંગારા‘‘ સિર્ફ બાવીસ વર્ષની ઉંમરે લખી હતી. તેઓ વિશેષમાં લખે છે કે મારી સિસૃક્ષા હજીયે એવી પ્રબળ છે કે મને કશુંક લખાવી ને જ છોડે.
વર્ષ ૨૦૦૨ની એક રાત્રે આ લખનાર સાથે ગુજરાતી ભાષના ખ્‍યાતનામ નવલકથાકાર અને હવે (સ્‍વ.) દિલીપ રાણપુરા સાથે બોટાદ ખાતેના આરામગૃહમાં રહેવાની તક મળેલી ત્‍યારે એમણે એમના વાર્તાકાર ધર્મપત્‍ની સવિતા બહેનની કેન્‍સરની બીમારી વખતની આર્થિક સમસ્‍યા અને લેખન સંદર્ભે ખુબ જ વાતો કરેલી. ‘હું સામયિકોના તંત્રીઓ પાસે વાર્તા વહેંચવા જતો.‘ એવી વાતો કરીને દિલની વ્‍યથા ઠાલવેલી. ખિસ્‍સામાં પુરા પચ્‍ચાસ રૂપિ‍યાય ન હોય અને તેમને તેમના પત્‍ની માટે દવા લાવવાની હોય, ઇન્‍જેકશન લાવવાના હોય અને એ પાછા અત્‍યંત જરૂરી અને ટાઇમબિઇંગ હોય એવી કારમી દારૂણ પરિસ્થિતિમાં મને સાહિત્‍યેજ સધિયારો આપ્‍યો છે. પાંચ રૂપિ‍યા થી પાંચસો રૂપિ‍યાનો આધાર મારો ‘શબ્‍દ હતો‘ એમ તેમણે જણાવેલું.

બેચરદાસ પંડિત નામના જૈન વિદ્વાન લેખક અડધી રાત્રેય લખવા બેસી જતા તો, તેમના પત્‍નીને અડધી રાત્રેય તેમની પાસે જાગતા બેસવું પડતું. તેમને પેન, શાહીનો ખડિયો અને કાગળો એમના પત્‍ની જ તૈયાર કરી આપે. પંડિતજીના પત્‍નીને ચા પણ તૈયાર કરી દેવી પડતી. વર્જીનિયા વુલ્‍ફ નામની પ્રસિધ્‍ધ લેખિકાના પતિ મહાશય લેખિકાની તમામ સગવડોનો પ્રબંધ કરતા. પતિદેવ લિયોનાર્ડ વુલ્‍ફ, વર્જીનિયા બીમાર પડી જાય તો તેની સારવાર પણ કરતો.

બ્રિટિશ જર્નલ ઓફ સાયકિએટ્રીમાં ડો. ફેલિક્સ પોસ્‍ટ જણાવે છે કે વાર્તાકારો કરતા કવિઓ વધુ લાગણીશીલ અને પ્રેમાળ હોય છે. તેઓમાં સ્‍ત્રી દાક્ષ્‍િણ્‍યની ભાવના ખુબજ પ્રબળ અને આવેગી હોય છે. રોમન કવિ હેરીસ તેમની ઉતરાવસ્‍થામાં પ્રેમકાવ્‍યો જ લખતા. કવિ કેપ્‍યુલસની પ્રેમિકા લેસ્વિયન હતી. કવિ બન્‍સની લેસવી, ગેટેની લોટૃી અને કવિ બેટસમેનની જુઆન ડન હતી. કવિ કલાપીની પ્રેમિકા શોભના હતી. કવિ પાર્થ મહાબાહુએ તેમની ગઝલના મક્તામાં ‘હે સકીન! ‘ નો આવિષ્‍કાર કર્યો છે. રમેશ પરિખના સોનલ કાવ્‍યો પ્રસિધ્‍ધ છે. કાવ્‍ય સર્જનમાં કોઇ અજાણી ચેતના તેમને કાવ્‍ય લખાવતી રહે છે. એવું તેમનું કહેવું છે.
ફ્રાન્‍સીસ કિંગે કહેલું છે કે લેખકના/ કવિના સારા નરસા મૂડનો સૌપ્રથમ ભોગ બને છે તેની પત્‍ની જ. લેખક નાણાકિય બાબતમાં ખુબ જ ગરીબડો હોય છે. એ તેનો ચિત્‍કાર ગુસ્‍સાની પ્રતિક્રિયારૂપે ઘણીવાર પત્‍ની સામે પેશ કરે છે.

થોમસ કર્લાઇલ જેવા લેખકની પત્‍ની બનવું અત્‍યંત કપરૂં હતું. જેન વેલ્‍સના લેખક પતિ થોમસ કર્લાઇલ પેટના રોગ આફરા અને અપચાથી પીડાતા રહેતા. તેમનો સ્‍વભાવ ચીડીયો હતો. લગ્‍ન પછી તેમની પત્‍ની જેનને લાગતું કે આવા તુંડમિજાજી લેખકને મજબુત મનવાળી સહનશીલ પત્‍નીની જરૂર છે. એક ધનિક સ્‍ત્રી સાથે કર્લાઇલને પ્રેમ થઇ ગયો. કર્લાઇલે તેને લેટર લખ્‍યો, તેમાં તેને ‘માય ગ્‍લોરિયસ ક્વીન‘ સંબોધન કરેલું. એ પત્ર પાછો એમણે (જેન) ને જ પોસ્‍ટ કરવા આપ્‍યો. એ વખતની પીડા મીસિસ કર્લાઇલ (જેન) ને કેવી થઇ હશે? તેમ છતાં કોઇએ તેને પુછ્યું કે તમારા પતિ બીજી સ્‍ત્રીના પ્રણયમાં રત છે તેની તમને ઇર્ષ્‍યા આવતી નથી? તો શ્રીમતી કર્લાઇલે સસ્‍મીત કહેલું, ‘ના‘! ‘‘ફ્રેડરીક ધ ગ્રેટ‘‘ નામની ઐતિહાસિક વાર્તા લખવા કર્લાઇલે કલમ હાથમાં ઉપાડીને વર્ષો સુધી લખ્‍યા કર્યું ત્‍યારે જેનને લાગ્‍યુ હતુ કે આ પુસ્‍તક મારી શૌક્ય છે. કારણ કે ૨૪ કલાકમાંથી ૨૦ મિનિટ માત્ર મને મળતી હતી.

કવિ બ્રાઉનિંગ અને તેમના પત્‍ની એલિઝાબેથ બંને લેખક અને કવિ હતા. પણ કવિ બ્રાઉનિંગ અત્‍યંત રૂપાળી અને પૈસાદા સ્‍ત્રીઓ આકર્ષાતી ત્‍યારે એલિઝાબેથને ઇર્ષ્‍યા થતી ન હતી પણ પોતાના કરતા પતિ વધુ પંકાય ત્‍યારે ચોક્કસ ઇર્ષ્‍યા થતી.

લેખકોને ‍પ્રિય ઉદાસી હોય છે. એક તીવ્ર વૈરાગ્‍ય અને હતાશા તેમની સર્જન પ્રક્રિયાના ઉદગમ બિંદુ છે. નિરાશાનો એક પ્રકાર બાયપોલરડિઓર્ડર છે. જે અસ્‍થાયી પ્રકારનું અસંતુલન છે. આ રોગના શિકાર બનેલા લોકોમાં મોટાભાગે સામાન્‍ય કરતા વધારે રચનાત્‍મકતા, સહનશીલતા હોય છે. એવા ઘણા સાહિત્‍યકારો, સંગીતકારો, ફોટોગ્રાફરો, ચિત્રકારો જોવા મળે છે જેમનામાં કોઇને કોઇ પ્રકારનું બાયપોલર ડીસઓર્ડર જોવા મળ્યુ છે. અને તેઓ પોતાની સર્જકતાનો યશ આ સ્થિતિને આપે છે.

લેખકો કેવી સ્થિતિમાં લખી શકે છે? અથવા તો લખતી વખતે તેમનું આંતરિક ભાવજગત કેવું હોય છે એ જાણવાની જુગુપ્‍સા આપણને હોય છે. ગુજરાતી ભાષાના લેખક યશવંત મહેતા કહે છે કે તેઓ રાત્રે જમ્‍યા પછી ૧૦ થી ૧૧ના ગાળામાં જાતે ચા બનાવે છે. તેમની ચા કડક-મીઠી-આદુ-મરીના મસાલા યુક્ત હોય છે. તેઓ રાત્રીના ૧૧ વાગ્‍યાથી મોડી રાત સુધી લખે છે.

સુપ્રસિધ્‍ધ નાટ્યલેખક બર્નાડ શો પોતાના લેખો સ્‍કાયબ્‍લ્‍યુ કલરના કાગળો પર જ લખતા. તો ગુરૂદેવ ટાગોર કોઇ ગીતની કડી ગણગણતા રહેતા. તો જ તેમને કવિતા સ્‍ફુરતી. ગાઇ શકાય તેવી સંગીતસૂઝનો તેઓ કવિતા લેખનમાં ઉપયોગ કરતા. આપણા ગુજરાતી લેખક બક્ષીબાબુ પણ ઉંચી જાતના કાગળો અને રંગરંગની પેનો વાપરવાનો આગ્રહ રાખતા. તેવી જ રીતે બંગાળી સાહિત્‍યકાર શરદચંદ્ર ચટૃોપાધ્‍યાય પણ સારા કાગળો જ વાપરતા. લખતા પૂર્વે તેમને ચુંગી પીધા વગર ચેન મળતું નહીં. રશિયન વાર્તાકાર ચેખોવને જે કંઇ વિચાર સ્‍ફુરે તેને એક કાગળ પર ઉતારી લેતા પછી ‍નિરાંતે લખતા. હિન્‍દી ચિત્રપટના જાણીતા ગીતકાર પ્રસૂન જોષી એક એડ (જાહેરાત) કઇ રીતે સ્‍ફુરી તેનું બયાન આપતા કહે છે કે તેઓ હાપુડ રેલ્‍વે સ્‍ટેશનથી ટ્રેન ઉપડવાની રાહ જોતા હતા. ખુબ જ ગરમી હતી. પરંતુ ટ્રેન જ્યારે ઉપડી ત્‍યારે તેમને હાશ થઇ. ટ્રેનની બારીમાંથી પ્‍લેટફોર્મ પર એક મજુરને સૂતેલો જોયો. એ સામાનના ઢગલામાં સૂતો હતો. આ દ્રશ્‍ય જોતા જ ‘ઠંડા મતલબ કોકાકોલા‘ એવી કોકાકોલાની જાહેરા સર્જાઇ અને એમને ૨૦૦૩ના ફિલ્‍મ ફેસ્ટિવલમાં ગોલ્‍ડન લાયન્‍સ એવોર્ડ અપાવ્‍યો.

ઝવેરચંદ મેઘાણીને રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીએ ‘રાષ્ટ્રિય શાયર‘ નું બિરૂદ આપેલું. વર્તમાન દૈનિક ‘ફૂલછાબ‘ ના તેઓ આદ્યસ્‍થાપક કે આદ્યતંત્રી જે ગણો તે! એ વખતે ‘ફૂલછાબ‘ રાણપુરથી પ્રગટ થતું. ઝવેરચંદભાઇ બોટાદથી રાણપુર ટ્રેનમાં આવતા-જતા પણ એમની સાથે એમનું સાહિત્‍ય અને થેલો સાથે જ હોય! એમને પણ લખવામાં કદી કોઇ સ્‍થળનું બંધન નડતું નહીં. તેઓએ પોતાનું ઘણું જ સર્જન ટ્રેનમાં બેઠા બેઠા લખ્‍યું છે ! તો ગુણવંતરાય આચાર્યે એકી બેઠકે એક રાતમાં આખી નવલકથા પુરી કરી છે.

આમ, લેખકો, સર્જકો, કવિઓ માટે સીર્જન સમયની મનઃસ્થિતિ ભિન્‍ન ભિન્‍ન હોય છે. ઘણીવાર સામાન્‍ય લાગતો અને બાજુેમાં રહેતો માણસ હોનહાર લેખક નીકળે છે ત્‍યારે તેની અને આપણી દિનચર્યાનો તફાવત જોવાના આપણને જુગુપ્‍સા અને કૌતુક જાગે છે. પણ લેખનકલા એ માણસની આંતરપ‍્રક્રિયા છે. ક્યારેક સુક્ષ્‍મ સંવેદનાના ફૂલ આપણા ખોળામાં આવીને ખરી પડે છે ત્‍યારે આપણને એમના ચૈતસિક આનંદની અનુભૂતિ થાય છે.

લેખક : યોગેશ પંડ્યા

દરરોજ અવનવી માહિતી અને વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી