વાત એક બાપની…. – એક વાર્તા જેમાં કહાની છે એક બાપની મજબુરીની, પ્રેમની વાંચો અનોખી વાર્તા…

વાત એક બાપની….

ધીરેકથી બાપજીની આંખો ઉઘડી. પાંપણો હળવે થી ઉંચી થઇ શુષ્‍ક હોઠો પરથી ક્ષીણ અવાજ આવ્‍યોઃ ‘‘ પાણી…‘‘
પડખે બેઠેલો સેવક સમુદાય હાંફળો ફાંફળો થઇ ગયો. અમુક બે ચાર જણા તો બિસ્લેરીની બોટલમાંથી પાણીનો ગ્‍લાસ ભરવા લાગ્‍યા પરંતુ સેવક સમુદાયનો મોવડી પ્રભુદાસ એ ટાણે જ મસાલો ચોળતો ચોળતો બહારથી આવ્‍યો અને એની નજરે બાપુને પાણી પાવા માટે તૈયારી કરી રહેલા બીજા સેવકોને જોઇને એણે ગુસ્‍સાથી રાડ પાડતા કહ્યુઃ ‘‘ એ ડોબાવ, પાણી નથી પાવાનું. ડોકટર સાહેબે ના પાડી છે…‘‘

‘‘ અરે પણ…‘‘ એક સેવકે ચિંતાતુર અવાજે કહ્યુઃ ‘‘ બાપજી કયારનાય પાણી પાણી કરે છે અને હવે તો ત્રણ કલાક પૂરીય થઇ ગઇ છે. અને હવે તો લગભગ ભાનમાંય આવી ગયા છે. અને હવે જો પાણી નહીં પાઇએ તો પાણી વગર વસમુ લાગી જશે.‘‘

‘‘ એલા ભાઇ, તુ ડોકટર છો ? ‘‘ પ્રભુદાસને ગુસ્‍સો ચડી ગયો. ‘‘ તને બધી ખબર પડે છે ? કયારે પાણી પાવું, ન પાવું ! અરે તને જો ખબર પડતી હોત તો બાપજીને આપણે આશ્રમમાંથી અહીંયા હોસ્‍પીટલમાં લાવવાની જ કયાં જરૂર હતી ?

‘‘ તારી નિગરાણી હેઠળ આશ્રમમાં જ ઇલાજ થઇ જતે. નાહકના આપણે બાપજીને દુઃખી કર્યાને ? ‘‘
પ્રભુદાસના શબ્‍દોથી સેવક ઠરી ગયો પણ બાપજી એ હજી રટણ ચાલુ રાખ્‍યુ હતુઃ ‘‘ પાણી… કોઇ પાણી આપો..‘‘‘

‘‘ બાપજી…‘‘ હવે પ્રભુદાસ બાપજીની પાસે તેમના ઓશિકાની બાજુમાં બેઠો. અને તેમના માથા ઉપર હળવે હળવે પંપાળતો રહ્યો. ‘‘ બાપજી, દાકટર સાહેબ તમને પાણી આપવાની ના પાડીને ગયા છે. એક તો તમને નિશો (કલોરોફોર્મ) બરાબરનો ઉતર્યો પણ નથી. અને જયાં સુધી નિશો ઉતરે નહીં ત્‍યાં સુધી પાણી પાવાનુંય નથી. જો તમને પાણી પાઇએ એ ભેળી જ ઉલટી શરૂ થઇ જાય અને આમ પણ તમને એપેન્‍ડીકસ નું ભારે ઓપરેશન હતું. બાપજી, ઘડીકવાર જાળવી જાવને ? અને આમ જુઓ તો જાળવી લેવાનું, જાળવી રાખવાનું અને જાળવી જવાનું તમે તો અમને શિખડાવ્‍યું છે… અને હા, હવે ફકત બે કલાક જ કાઢવાના છે… આ આટલો ટાઇમ તમે કાઢી નાખ્‍યો તો હવે બે કલાક નહીં નીકળે બાપજી? થોડા કઠણ થઇ જાવ.‘‘

પ્રભુદાસના ‘‘ આટલો ટાઇમ તમે કાઢી નાખ્‍યો તો હવે બે કલાક નહીં નીકળે ? ‘‘ એ શબ્‍દોથી તો પોતે કયાં ના કયાં પહોંચી ગયા ? પોતાના પૂર્વાશ્રમમાં… જયાં બાપુ હતા, બા હતા, નાના બે ભાઇઓ હતા… એક બહેન પણ હતી. મીઠી હતું એનું નામ ! અને એ બહુ મીઠડી હતી. રક્ષાબંધન ઉપર પોતાને રાખડી બાંધતી ત્‍યારે કહેતી કે ભગવાની તારી હંમેશન રક્ષા કરે ભઇલા ! ભગવાન તને કાંઇ ન થવા દે… એ એને એક રૂપિ‍યાની નોટ આપતો પણ એ પૈસા લેવાની ના પાડતી. સમજણો થયા પછી એક વાર નાની બેન માટે બંગડીઓ લઇ આવેલો અને એ રાજી રાજી થઇ ગયેલી.

એની બહેનપણીઓને બતાવતી કહેતીઃ ‘‘ જુઓ જુઓ.. મારો ભઇલો લાવ્‍યો છે…‘‘

બહેનની તીવ્ર યાદે એમની આંખો ડબડબી થઇ ગઇ. પણ હવે એ તો બધુ ખૂબ પાછળ… દૂર દૂર દૂર… કયાંનું કયાં રહી ગયું.

નાનો હતો ત્‍યારે પેટમાં દુઃખ્‍યા કરે ઝણિું ઝણિું! તાવ એકાંતરા આવ્‍યા કરે. ગામના વૈદરાજને બતાવ્‍યુ તો એમણે કહ્યુ કે આ ટાઇફોડ છે. આને ઉતારવા દેશી દવાઓ ની પડીકીઓ આપુ છું પણ આ એકાંતરીયા તાવનો ઇલાજ છે લાંઘણ ! આને અઠયાવીસ દિવસની લાંઘણ (ઉપવાસ) કરાવો. તો જ એ તાવ ઉતરશે.

‘‘ પણ અઠયાવીસ દિવસ મારો છોકરો ભૂખ્‍યો કેમ રહી શકશે વૈદરાજ..!‘‘ બાપુએ કહેલુઃ ‘‘એક તો બિચારાના અઢી હાડકા વધ્‍યા છે એમાંયે લાંઘણ‘‘

વૈદરાજે કહ્યુઃ ‘‘ એને ચીકુ, સફરજન અને પોપૈયો આપો. બીજુ કશું જ નહીં આપવાનું જો સાજો કરવો હોય તો હું કહુ એ પ્રમાણે ચાલો. નહિંતર પછી મોટા દવાખાના ભેગા થઇ જાવ. ‘‘

અને અઠયાવીસ દિવસની લાંઘણ શરૂ થઇ ગઇ. રોજેરોજ ચીકુ, પપૈયુ, મોસંબી, સફરજન…

પોતે તો થાકી ગયો પણ કદાચ બાપુય થાકી ગયા હશે આ ફ્રુટ લાવવાના પૈસા નહોતા બાપુ પાસે. અને એને માટે થઇને એમણે એમની સાયકલ વેચી દીધી. એ પોતાને કયાં ખબર હતી ? સાજો થયા પછી, ધીમે ધીમે ચાલતો થયો. પણ વંડીની ઓથે પડેલી સાયકલ જોવા ન મળી. બાપુને પૂછ્યુ તો કહે, એ બેટા તારે શું કામ છે ? ‘‘
એણે બા ને પુછ્યુ ત્‍યારે બા એ કહ્યુ કે ‘‘ હા તારા બાપુને કોઇ ઉછીના પૈસા ય નહોતું આપતું એટલે પછી – ‘‘
એ બાપુની નજર સામે નજર નહોતો મિલાવી શકયો પણ બાપુ ‘‘ભાઇ… ભાઇ…‘‘ કરતા રહેતા.

ચૌદ પંદર દિવસની લાંઘણ પછી સફરજન અને ચીકુ એને કરડવા જાણે દોડતા. એક નું એક ફ્રુટ… તેને ઉબકા કરાવી દેતુ ત્‍યારે બાપુ તેના પ્રેમથી માથામાં હાથ ફેરવતા ફેરવતા સમજાવતાઃ ‘‘ ભાઇ… આટલા દિવસો તે કાઢી નાખ્‍યા… હવે આઠ દિવસ સાટું થઇ ને ? … તને ભાવે કે ન ભાવે, પણ તાવ જડમૂળમાંથી કાઢવો છે ને આપણે ? પછી તું તારે જે ખાવુ હોય ઇ લઇ આવી દઇશ બસ ? ‘‘

‘‘ ગાંઠીયા, જલેબી, મોહનથાળ, બરફી…‘‘

એ બોલી જતો અને બાપુ કહેતા હા ભાઇ હા, અઠયાવીસ દિવસ તારા પુરા થાય, વૈદબાપા હા પાડે એટલે પાળિયાદ જઇ ભાવસારની દુકાનેથી ગાંઠીયા, પેંડા, જલેબી અને મોહનથાળના મોટા મોટા પડીંકા ભરીને લેતો આવીશ બસ ? ‘‘
પોતાના મોઢામાં પાણી આવી ગયુ… અત્‍યારે પણ એ એના સ્‍વાદના જાણે ઘૂંટડા ભરી રહ્યા. જાણે તૃપ્‍ત‍િ થઇ ગઇ. હવે આ પાણીની જરૂર જ ન રહી જાણે…

પેટે પાટાબાંધીને બા અને બાપુએ ચારેય ભાંડરડાઓને ઉછેર્યા. ભલે ખેતમજૂરી કરતા પણ ખવડાવવા પીવડાવવામાં કચાશ નહોતી રાખી. અને નહોતી કચાશ રાખી ભણાવવામાં! ગામડેથી બહારગામ હાઇસ્‍કૂલમાં ભણવા માટે જવાનું થયું ત્‍યારે ફરી એક વખત ઉછીના પાછીના કરીને સાયકલ લઇ દીધેલી. ભલેુ જૂની તો જૂની, પણ ચાલે એવી હતી. પણ પોતાને જ હીરા ઘસવાની લગની લાગી. તે સૂરત ભાગી ગયો. ત્‍યાં આઠ વરસ હીરા ઘસ્‍યા દરમ્‍યાન બાપુનો દેહ કંતાઇ ગયો હતો. જેમતેમ ચારેય પ્રસંગ કર્યા ન કર્યાને બાપુ જતા રહ્યા. પાછળ બા પણ એકલતાથી પીડાણી અને વાજોવાજ જ મોટું ગામતરું કર્યુ. હવેુ ત્રણેય ભાઇઓ જુદા જુદા હતા. સૌ નો વસ્‍તાર હતો. એમાં પોતાને ખબર નહીં કુમત્‍ય સૂઝી કે બે લાખ વ્‍યાજે લાવીને હીરાનું કારખાનું કર્યુ. એ જ વખતે સુરતમાં એક મોટી પાર્ટીનું ઉઠમણું થયુ ને હીરાનો તૈયાર માલ સલવાયો. કારીગરોને તો દસ દસ હજારનો ઉપાડ આપી દીધો હતો ચાર મહીના વ્‍યાજ ન ભરાણું. ડાલા મથ્‍થાં સિંહ જેવા વ્‍યાજની વસુલાત કરવાવાળા રણમલ અને દેહુર આવવા લાગ્‍યા.
બે વખત ગાળાગાળી થઇ એક બે વાર હાથા પાઇ પણ થઇ. ઘંટીનો સામાન તેઓ લૂંટી ગયા પછી પણ મુદ્દલ તો માગતા જ હતા. અને ન આપે તો મારી નાખવાની ધમકી આપતા હતા. અને દિવસ અડધી રાત્રે ઘર છોડી દીધું. રાતોરાત પાંચસો ગાઉનો પલ્‍લો કાપી નાખ્‍યો. કયાં પાળીયાદ જેવડું પંચાળનું ગામ અને કયાં ધરમપુર વાસંદા જેવો આદિવાસી વિસ્‍તાર. પણ હનુમાનજીની દેરીએ આવીને બેઠા ઇ બેઠા. વરસ થઇ ગયા સતર… બસ પછીતો આશ્રમ બની ગયો. ગરીબોને અનાજ કપડા અને વિધવાઓને સહાય.. દાન આવવા લાગ્‍યુ. નીતિ ચોખ્‍ખી હતી. મા બાપના સંસ્‍કાર નો વારસો હતો. પોતાને તો બે ટંક રોટલા છાશ મળે ઘણું ઘણું…!! સેવક સમુદાય વધતો ચાલ્‍યો. એક ટીપામાંથી સમંદર બની ગયો..

પણ કયારેક અડધી રાત્રે ઝબકીને જાગી જતો ત્‍યારે પોતાનો પોલિયોગ્રસ્‍ત પુત્ર સાંભરી જતો. ગૃહલક્ષ્‍મી જેવી પત્‍ની પણ યાદ આવી જતી. નાનકી વહાલી મીઠડી ટબૂડી.. દીકરી.. કાનમાં આવીને કહેતીઃ ‘‘ પપ્‍પા.. હું મોટી થઇ ગઇ છું હો કે ! હવે તો મારા લગ્‍ન પણ લેવાના છે. કન્‍યાદાન કરવા તો આવશોને પપ્‍પા?..‘‘ અને એ છાને ખૂણે રડી લેતો…

‘‘ કેમ છે ભાઇ ? ‘‘

ગળામાં સ્‍થેટોસ્‍કોપ ઝૂલતું હતુ અને જનસેવા હોસ્‍પીટલના આ બુઝૂર્ગ ડોકટર તેને તપાસી રહ્યા હતા… આટલા વર્ષે તેને કોઇ ‘‘ ભાઇ..‘‘ કહીને બોલાવતું હતુ. જાણે બાપુ ડોકટરની કાયામાં પ્રવેશીને બોલતા હતા કે શું ? ‘‘ પાણી પીવુ છે એમને.‘‘ પ્રભુદાસે કહ્યુ. ડોકટરે હસીને કહ્યુઃ ‘‘આઇસક્રીમ આપો પાણીનું પછી કહીશ..‘‘ કહી ચાલ્‍યા ગયા.
બીજે દિવસે જયારે આવ્‍યા ત્‍યારે પ્રભુદાસે ડોકટર આગળ ફરીયાદ કરીઃ ‘‘ સાહેબ, બાપજી અનાજ લેવાની ના પાડે છે. કહે છે કે નવરાત્રીનું અનુષ્‍ઠાન કરવુ છે.‘‘

ડોકટરે હસીને તેની સામે જોઇ રહ્યા. એ ડોકટરની આંખોમાં તાકી રહ્યો. ડોકટરે હસીને કહ્યુઃ ‘ભાઇ શાસ્‍ત્ર કયાં તમને ભૂખ્‍યા રહેવાનું કહે છે ? અરે શરીર સારું હશે તો ધર્મ આપોઆપ સચવાઇ જશે. કહ્યુ જ છે ને કે… શરીરમ્ ખલૂ ધર્મ સાધનમ્. ‘‘ પછી કહેઃ ‘‘ મારે તમારા પેન્‍ક્રીયાઝ અને સ્‍ટમક જોવાના છે. તમને પચે છે કે પછી કોઇ તકલીફ ઉભી થાય છે… હા, તમે સાવ સાજા થઇ જાવ પછી છૂટ.. અને હવે કાઢ્યા એટલા દિવસ કયાં કાઢવાના છે ? .. પ્‍લીઝ, એક ટાણા છોડો અને થોડું થોડું જમવાનું ચાલુ કરો.. જય સીયારામ..!! ‘‘
અડધી રાત્રે આખો વોર્ડ ગાજી ઉઠ્યો. સ્‍નેક બાઇટનો કેસ હતો એક ચૌદ વરસના દીકરાને સાપે ડંશ દીધો હતો ને એનો બાપ તેને બચાવવા ચોધાર આંસુએ રડી રહ્યો હતો. પેલા અનુભવી બૂઝૂર્ગ ડોકટર તેને આશ્વાસન આપી રહ્યા હતાઃ પ્‍લીઝ, તમે શાંત થઇ જાવ.. હું સારવાર શરૂ કરુ છું.. પણ બાપ હતો એ…

હાથ જોડી આજીજી કરતો હતો. શાયબ, ગમે તે થાય પણ મારા દીકરાને બચાવી લો.. શાયબ…

એ બાપની પીડાને અનુભવી રહ્યો. આખીરાત એ ડોકટરની સારવાર તાકી રહ્યો. છેક સવારે આઠ વાગ્‍યે છોકરાની આંખ ખૂલી. ડોકટરે તેના બાપમના ખભે વાત્‍સલ્‍ય ભર્યો હાથ ફેરવતા કહ્યુઃ ‘‘ ભાઇ, મારી દવા કરતા તારી દુઆ બહુ જવનદાર નીકળી. તારો છોકરો હવે ભય મુકત છે..‘‘

પાંચમે દિવસે એને રજા આપી. એ કૃશ પગલે સામેના પલંગે ગયો. છોકરો બાપના ખોળામાં માથુ રાખી, હસી રહ્યો હતો અને પોતાના બાપ જોડે કાલીઘેલી વાતો કરી રહ્યો હતો, બાપ દીકરાની વચ્‍ચેના સબંધનું અમીટ ચિત્ર આંખોમાં ભરીને એણે ડગલુ ભર્યુ…

અચાનક જ પોતાના પોલિયા ગ્રસ્‍ત પુત્રની યાદ આવી. અપાહિજ દીકરો તેની આંખ આગળ આવીને તેના પગ પકડી રહ્યો જાણે. એની આંખો ચૂઇપડી. તેને થયુઃ કે એક સન્‍યાસી ભલે હું બની શકયો, પણ એક પિતા ન જ બની શકયો…

લેખક : યોગેશ પંડ્યા

દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર. વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી આપજો.

ટીપ્પણી