એક જાન્નિસાર દોસ્તની વાર્તા – યે દોસ્તી હમ નહી તોડેંગે, તમને પણ તમારો મિત્ર યાદ આવી જશે.. યોગેશ પંડ્યાની કલમે…

એક જાન્નિસાર દોસ્તની વાર્તા

યે દોસ્તી હમ નહી તોડેંગે

સંદીપ અંદર આવ્યો કે રમેશે મોઢું ફેરવી લીધું. સંદીપના ચહેરા ઉપર સ્મિત ફરી વળ્યુ તેણે ધાર્યુ હતું એવું જ થયું એટલે રમેશના બોલ્યા વગર જ તે ખુરશી ઉપર બેસી જતા બોલ્યોઃ ‘ તો તું મારાથી રીસાયો છો ખરું ને ? ‘
‘ ના માત્ર રીંસાયો જ નથી પણ વહેમાયો પણ છુ ‘
‘ એટલે ? હું સમજ્યો નહીં રમેશ ‘
‘ એ તારી જાતને પૂછને, કે તું મારાથી વિમુખ કેમ થઇ ગયો ? ‘
‘ તુ ધારે છે એવું નથી યાર. તું મારો દોસ્ત છે અને જીંદગીભર રહેવાનો છે. બાળપણના લંગોટીયા આપણે છેક જીંદગીના છેલ્લા શ્વાસ સધી તો દોસ્તીના પહેલા શ્વાસ ને કેમ ભૂલીએ? ‘
‘ તારી ભાષા ઉપરની પકકડ હવે મને ભીંજવી નહીં શકે સંદીપ. બાટલી ઉપરના લેબલ, જયારે બાટલી ઉપર પાણી ઢોળાય ત્યારે નીકળી જતા હોય છે. આપણી ભાઇબંધી, એ તારે માટે તો માત્ર બાટલી પરનું લેબલ જ હતી. અત્યાર સુધી હું જીવ્યો તો ભ્રમમાં જીવ્યો. સારુ કર્યુ કે એ ભ્રમ બાટલી પેઠે ફૂટી ગયો અને અંદરના ઝેર ઢોળાઇ ગયા. નહીંતર એ ઝેરના ઘૂંટડા એક દિવસ મારે જ પીવા પડત ને ? ‘ અને સંદીપ ચીખી ઉઠ્યોઃ ‘રમે..શ ! તે શું ધારી છે? તું મને એવો ફરેબી સમજે છે ! મારો ખુલાસો તો રજુ કરવા દે‘

‘ ડ્રાફટીંગ કરેલા કાગળ જયારે એપ્રુવ્ડ થવા જાય છે ત્યારે ભાષાની ક્ષતિ અને વાકય રચનાના દોષ નીકળી જતા હોય છે. તારો ખુલાસો મારે માટે તારી એક સફાઇદાર રજૂઆતથી વિશેષ કશું નથી ‘

‘ તું નહીં સમજે રમેશ કે બહેનના પ્રસંગમાં કેમ ન આવી શકયો ! તને સાચું કહુ તો એ જ વખતે મારા નાના ભાઇના વાઇફને દવાખાને દાખલ કર્યા હતા. ભાઇ એકલો હતો. મારે તારી ભાભીને લઇને જવું પડ્યુ હતું અને પરિસ્થિતિ બહુ ગંભીર હતી અને હું એવી ખરાખરીની વેળા વખતે જ નીકળી જાઉ તો ભાઇને કેટલુ દુઃખ થાય ? ‘

‘ થાય, થાય ! લાગણી હોય તો દુઃખ થાય, પથ્થરને થોડું થાય ? મારી બેન મનિષાનેય નહીં થયું હોય ? ‘

‘ તું મારી બહેન, મારી બેન ન બોલ. મનિષા મારી પણ બહેન છે ‘

‘ હતી હવે નથી. એ સબંધ તો પૂરો થયો ‘
‘ હું મનિષા આગળ માફી માગી લઇશ અને સાચી વાત રજૂ કરી દઇશ. પણ, મહેરબાની કરીને આવા સમા શબ્દ કાઢ નહી. મને બહુ દુઃખ લાગે છે. હવે તારા ઘરે પ્રસંગ હોય અને હું આવુ તે દિવસે આપણી ભાઇબંધી પૂરી ! આઇ વીલ પ્રુવ્ડ ધેટ આઇમ એમ સચ યોર ફ્રેન્ઙ. પ્લીઝ એક તક આપ ‘

‘ સારું હું જોઇશ‘રમેશે કહ્યુ અને સંદીપ ચા પીને ઘરે રવાના થયો. આ વાતનેમાંડ મહિનો થયો હશે કે,સંદીપની બદલી મુંબઇ હેડ ઓફિસમાં થઇ.

રમેશે તેને કહ્યુઃ ‘ તુ હવે મને ભૂલી જઇશ ને ?‘

‘ ના રમેશ. મારો પ્રયત્ન આ બાજુ આવવાનો જ હશે. વતનને ભલા, એમ થોડું ભૂલી જવાય ? ‘

‘ હું જોઇશ ‘

‘ રમેશ, તુ દરેક વાતને જાણે એક શરતરૂપે જુએ છે. બદલી બંધ રખાવી શકુ તેવી મારી પહોંચ, લાગવગ કે છેડા નથી. જો તુ બંધ રખાવી શકતો હોવ તો બંધ રખાવી દે. તું કહે એ ખર્ચો કરવા તૈયાર છુ‘ જવાબમાં રમેશ કશું ન બોલ્યો.
આ વાતને એક વર્ષ પુરૂ થવા આવ્યુ. આ દરમિયાન સંદીપ, રમેશ સાથે ટેલિફોનિક સંપર્ક જાળવી રાખ્યો હતો. એકવાર સંદીપ ઓફિસીય લટુર ઉપર અમદાવાદ સુધી આવ્યો હતો. પણ સર્વિસ અને ફરજની હાજરીની કશમકશને લીધે વતન સુધી આવી ન શકયો અને એ બાબતનો અફસોસ કરતો પત્ર પણ લખ્યો. રમેશે તેના જવાબમાં લખ્યુ કે ‘ મને ખ્યાલ જ હતો કે, આપણી ભાઇબંધી કરતા તારે મન તારી નોકરીનું વધારે મહત્વ છે અને એ મહત્વ જ આપણા સબંધોની પાટીને કોરી કટ્ટ કરી નાખશે એવી મને શ્રધ્ધા પણ છે ! પત્ર વાંચીને સંદીપ હચમચી ઉઠ્યો. ‘શ્રધ્ધા‘ જેવા પવિત્ર અને પાવક શબ્દને રમેશે કેવો બેહૂદો તો બનાવ્યો. સાથોસાથ કદરૂપો અને જોખમી પણ બનાવી દીધો. વળતા દિવસે એણે બહુદુ હસતા કહી દીધુ કે હું જે બોલ્યો છુ તે બરાબર છે ! ‘ સંદીપે ફોન મૂકી દીધો, ત્રણેક મહિના પછી એક દિવસ, સંદીપ ઓફિસે આવ્યો ત્યારે એક કાર્ડ પડ્યુ હતુ. સંદીપેજોયુ તો રમેશના ઘરનું વાસ્તુ હતુ. આવતી ૧૦ તારીખે ! તે રાજી થઇ ગયો. ઘરે આવીને તેને શુભદા ને વાત કરી બન્ને જણાએ ત્યારે જ નકકી કરી નાખ્યું. શુભદા એ કહ્યુ ‘ આપણે રમેશભાઇને સરપ્રાઇઝ આપવી છે. અત્યારે એમને કશું કહેવુ નથી. બરાબર પ્રસંગ વખતેજ આપણે ઓચિંતાના ટપકશું તો તે પણ આશ્ચર્યચકિત થઇ જશે ‘
‘વેરી ગુડ આઇડીઆ….‘

પરંતુ બન્યુ એવુ કે, બીજે દિવસે ફેકસ મેસેજ દ્વારા દિલ્હીની ઓફિસેથી સંદીપને નવી ટેકનોલોજીની ટ્રેનીંગ માટે પરદેશ જવાનું થયું. ટ્રેનીંગ બંધ રખાવવા અને ન જવા માટે તેણે ઘણી કોશિષ કરી. પરંતુ તેની રીકવેસ્ટ મંજૂર રહી નહીં. આથી તેણે શુભદાને એકલા તો એકલા, ગમે તે ભોગે પ્રસંગમાં હાજરી આપવાની સૂચના આપી અને પોતે સ્પેશ્યલ વિઝા દ્વારા નીકળી ગયો. આ બાજુ એવું બન્યું કે મુંબઇમાં ધોધમાર વરસાદને લીધે સઘળો ટ્રેન વ્યવહાર બંધ થઇ જતા, શુભદા પણ ન નીકળી શકી. બે મહિના પછી સંદીપ ટ્રેનિંગમાંથી પરત આવ્યા પછી ત્રીજે જ દિવસે તેઓ વતનમાં જવા નીકળી ગયા. પણ બન્નેને નવા ઘરના આંગણામાં આવ્યા જોઇને રમેશ જાણે દુશ્મનને કહેતો હોય એમ ત્રાડ્યોઃ ‘ હવે શું મોઢુ લઇને આવ્યો છો ? ‘

‘ અમે પ્રસંગમાં હાજરી આપી નથી શકયા એટલે….‘

‘ તમારી જરૂર નહોતી ‘

‘ પણ અમારે તારી જરૂર છે રમેશ‘ .. સંદીપ આગળ આવ્યો. ‘ મારે ટ્રેનીંગમાં ફોરેનજવાનુ; અચાનક નકકી થયું અને એ દરમિયાન મુંબઇમાં ધોધમાર વરસાદ પડ્યો એટલે તારી ભાભી પણ ન નીકળી શકી. અમે પરિસ્થિતિથી મજબુર હતા.‘
‘ દર વખતે કોઇને કોઇ મજબૂરી તમને વળગે છે. અરે,ઇચ્છુ જ હોય તો ભાભી પ્લેનમાં પણ આવી શકેત. પણ લાગે છે કે તેમ એમ કરવાની રજા નહીં આપી હોય ‘

‘ મારી રજાનો કોઇ પ્રશ્ન જ નથી પણ શુભદા પ્લેનમાં કદી બેઠી નથી એન તેવો આઇડીઆ પણ ન આવ્યો હોય ‘

‘ જો સંદીપ, તારુ તરત જૂઠ પકડાઇ જાય છે એટલે હવે જૂઠ્ઠુ બોલવાની કોશિષ ન કરતો પણ પ્લેનના ભાડા ના રૂપિયા તારા ગળે વળગ્યા હશે. પણ મિત્રતા નિભાવવી હોય ને, ત્યારે પૈસા સામું ન જોવાનું હોય,પણ મને ખબર છે કે તું સ્વાર્થી પહેલો જુએ છે. સબંધ નહીં ! સંદીપ, પૈસા તો હાથનો મેલ છે. તું સબંધોને સંપતિના ત્રાજવાથી તોલવાનું રહેવા દે ‘

‘ રમેશ, તુ મને ખોટા મીનીંગમાં સમજે છે ભાઇ ‘

‘ નહીં, સંદીપ મને જુઠ્ઠા સબંધો ગમતા નથી અને તું ચિંતા ન કર. હું કદી તારી પાસે પૈસા નહીં માંગુ. જો કે મને એ ખ્યાલ પણ છે કે તારી પાસે અત્યારે પુષ્કળ પૈસો થઇ ગયો છે. ખેર,સંદીપ તને મિત્રમાંથી તને ભાઇ બનાવ્યો પણ હવે ભાઇથી આગળ વધતો નહીં. નહીંતર સબંધોને ઝાંખપ લાગી જશે ‘ અને સંદીપ શુભદાને લઇને પાછો ચાલ્યો ગયો.
આ વાતને બે વર્ષ વીતવા આવ્યા, ને એક દિવસ રમેશનો ફોન આવ્યો.
સંદીપે કહ્યુઃ ‘ બોલ રમેશ…‘

‘ સંદીપ, મારા ઘરે બે પ્રસંગો આવ્યા. પણ તું ન આવ્યો. હવે આમંત્રણ મોકલવાની મુર્ખામી કરતો નથી. પણ મારા જય-વિજયની જનોઇ છે તું આવી શકીશ? ‘

‘ હું કોશિષ કરીશ રમેશ ‘

‘ હું એવા જવાબની જ અપેક્ષા રાખતો હતો. પણ હવે ત્રીજીવાર હું મૂર્ખ બનવાની અપેક્ષા રાખતો નથી. મને ચોખ્ખો જવાબ જોઇએ છે. હા કે ના ? ‘

‘ જો રમેશ, અહીં, મુંબઇ આવ્યા પછી મારી જ જવાબદારી વધી છે. અત્યારે હું કંપનીના પ્રોડકશન મેનેજર તરીકે છું. એક ક્ષણ પણ હું નીકળી શકું એમ નથી. છતાંય આઇ વીલ ટ્રાય માય લેવલ બેસ્ટ‘
રમેશે સામેથી ફોન મૂકી દીધો ! જો કે સંદીપની ઘણી બધી ઇચ્છા હોવા છતાં એ ન જઇશકયોઅને શુભદા આટલા વર્ષો પછી પ્રેગનન્ટ હતી. લગનના પંદર વર્ષ પછી બન્નેના જીવનમા; સંસાર બાગમા; એક પુષ્પનું આગમન થઇ રહ્યું છે. ડોકટરે બેડરેસ્ટ કરવાનું કહ્યુ હતું. એટલે બન્નેની ખૂબ ઇચ્છા હોવા છતા બન્નેમાંથી કોઇ પણ જઇ ન શકયું અને પ્રસંગની તારીખ આવીને ઉભી રહી. પણ સંજોગવશ પ્રસંગમાં હાજરી ન આપી શકવાનો અફસોસ તો સંદીપને પીડતો જ હતો ! એણે એ અફસોસ શુભદા આગળ પણ વ્યકત કર્યો. પણ બન્નેએ ન છૂટકે મન મનાવી લીધું. પણ પાંચ દિવસ પછી એક ભૂખરુ મોટુ પરબીડીયું ઘરના સરનામે આવી ચડ્યુ. શુભદાને થયું કોણે મોકલ્યુ હશે? મોકલનારનું નામ સરનામુ પણ નહોતું. શુભદાએ કવર મૂકી દીધું. રાત્રે જયારે ઓફિસેથી સંદીપ આવ્યો ત્યારે એ કવર સંદીપને આપતા શુભદાએ કહ્યુ- કુરીયરમાં આવ્યુ છે. સંદીપને આશ્ચર્ય થયુ. એણે કવર ખોલ્યું તો અંદરથી જૂની ડાયરી, પેન, ગ્રીટીંગ્સ, હેપી બર્થડે કાર્ડ નીકળ્યા. એ ચમકી ગયો. અંદર એક બીજુ નાનુ કવર પણ હતુ જે ખોલ્યુ તો અંદરથી પત્રો, ફોટોગ્રાફસ, છબીઓ નીકળી. એની આંખો ફાટી રહી. કેમ કે આબધી‘સ્મૃતિ‘ ઓ રમેશ તરફથી પરત મળી હતી. કેટલીક પ્રેઝન્ટ પોતે રમેશને આપી હતી. એક ફોટોગ્રાફને તે જોઇ રહ્યો એ ફોટોગ્રાફ બન્નેએ હાઇસ્કુલમાં ભણતી વખતે સ્કૂલના ચોગાનમાં ફેલાયેલા લીમડા હેઠે એકબીજાના ખભે હાથ મૂકીને પડાવ્યો હતો. એ હતો એક બીજો ફોટોગ્રાફ સ્કૂલમાંથી જ પાવાગઢના પ્રવાસે ગયેલા ત્યાર નો હતો. કંઇ કેટલાયે બીજા ફોટો હતા.

એક ગ્રુપ ફોટો હતો. રમેશે એ તમામ ઉપર ચોકડી મારી દીધી હતી. અંદરથી એક કાગળ મળ્યો રમેશનો,લખ્યુહતુઃ આપણા સબંધો અહીં ખત્મ થાય છે. ભવિષ્યમાં કોઇને પણ મહેરબાની કરીને આપણી દોસ્તીની વાતો કરતો નહીં. તારા મોઢેથી મારું નામ બોલાય એવું હરગીઝ હું ઇચ્છતો નથી. લેબલ, કરાર, દસ્તાવેજ અને નકલી નોટો જેવી દોસ્તી મને ખપતી નથી. ભૂલી જજે કે રમેશે તારી સાથે દોસ્તી બાંધી હતી. અને રમેશ નામનો એક દોસ્તાર હતો….‘ પત્ર વાંચીને સંદીપ રહી ન શકયો અને શુભદાને વળગીને ધ્રુસ્કેધ્રુસ્કે રડી પડયો. શુભદાએ તેને રડવા દીધો. હૈયાનાડૂમા આજ ગળાનાબંધનેતોડીને વહેતા હતા. આખરે સંદીપની નજર એ પત્રો /પ્રેઝન્ટ અને ફોટોગ્રાફસ ઉપર પડી આવેશમાં આવીને એ બધુ ફાડી નાખવા ગયો કે, શુભદાએ તેને વાર્યોઃ ‘ નહીં સંદીપ નહીં … એને ફાડો નહીં એ તમારી પવિત્ર દોસ્તીનો પુરાવો છે. જગતમાં કદાચ દોસ્ત બેવફા બની જાય પણ દોસ્તી નામન રિશ્તો બેવફા નહીં બની શકે ! આ અસ્કયામત છે સંપતિ છે. એ સંપતિ દુભાવવાથી તો ઉલટાનું આપણને પાપ લાગશે. એનો નાશ કરવો એ તો આપણી પવિત્રતાનો નાશ કરવા બરાબર છે. ‘
‘ પણ તુ જો તો ખરી આ બધુ….‘

‘ રહેવા દો એક ક્ષણ એવી પણ આવશે કે રમેશભાઇને આ બધું કર્યા બદલનો પસ્તાવો પણ થશે…‘ સંદીપે બધુ મૂકી દીધુ.

આ વાતને છ મહિતા પસાર થઇ ગયા. અચાનક એક દિવસ દોસ્ત,રાજેશનો ફોન આવ્યોઃ ‘ સંદીપ,રમેશના પત્નીની તબિયત બહુ ખરાબ છે. ઓપરેશન માટે મુંબઇ લાવવી પડે એમ છે. બ્રેઇનસ્ટ્રોક છે. તું કશુંક કર. એ તારો મિત્ર છે. એ ભલે ભૂલી ગયો હોય પણ છોકરા- મા વગરના ન થઇ જાય એ જોવાનું રહ્યુ. રમેશ ભાંગી પડ્યો છે. સંદીપ‘
સંદીપ પ્લેનમાં અમદાવાદ આવ્યો. વળતા પ્લેનમાં જ રમેશ અને તેના પત્નીને તેડી ગયો. એક જ કલાકમાં છ લાખ રૂપિયા પાણીની જેમ વાપરી નાખ્યા. રમેશ ભીની આંખે જોતો રહ્યો. ડોકટરો સફળ થયા સર્જરી સરસ થઇ. રમેશની પત્ની મોતને હાથતાળી આપીને પાછી ફરી. બરાબર આજે સાંજ કંપનીને કેન્દ્ર સરકાર તરફથી એક એવોર્ડ મળવાનો હતો જેની પાછળની મહેનત સંદીપની હતી. છતા એ એવોર્ડ સ્વીકારવા માટે સમારંભમાં તેના આસીસ્ટન્ટને મોકલી દીધો. રમેશ માત્ર ભીના કંઠે એટલુ જ બોલ્યોઃ ‘ સંદીપ, આ એવોર્ડઝ માટે તુ જ- ‘
‘ ના રમેશ. જેટલી કિંમત મારે મન આપણી દોસ્તીની છે એટલી એવોર્ડની નથી. એવોર્ડની પાછળ મગજ છે. દોસ્તી પાછળ હ્રદય છે. જે દોસ્તીએ મને ઘણું આપ્યુ છે. જેટલુ કંપનીએ નથી આપ્યુ. ભલા મારા ભાભીને જીંદગી આગળ કોઇ એવોર્ડઝ માટે વિસાતમાં નથી પણ પ્લીઝ, એકવાર તારા બોલાયેલા શબ્દો પાછા ખેંચી લે. પ્લીઝ,રમેશ… મે તારા મોઢે એવી અપેક્ષા નહોતી રાખી. છેલ્લા ત્રણ ત્રણ વર્ષ કાળજુબાળીબાળીને, ઝૂરી ઝૂરીનેકેમકાઢ્યાછે એ ખબર છે ? મારું મન જાણે છે. ફકત એકવાર કહી દે કે તું જે બોલ્યો હતો તે માત્ર મશ્કરી હતી. રમેશ, એ શબ્દોને પાછા ખેંચી લે, એ શબ્દોને પાછા ખેંચી લે…‘ પણ, શબ્દો પાછા ખેંચી લેવાને બદલે રમેશેસંદીપને પોતાની બાથમાં ખેંચી લીધો ત્યારે બન્ને દોસ્ત ધ્રુસ્કેધ્રુસ્કેરઢી પડ્યા !!!

લેખક : યોગેશ પંડ્યા.

વાહ અનોખી દોસ્તીની અનોખી વાર્તા,ટેગ કરો એ મિત્રને જે તમારાથી ખુબ દૂર છે, પણ હૃદયથી પાસે છે… દરરોજ આવી અનેક વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી