તેરે કારન…તેરે કારન…તેરે કારન…મેરે સાજન… પોતાના પ્રિયતમની પ્રતિષ્ઠા માટે કુરબાની આપતી પ્રેમિકા…

તેરે કારન.. તેરે કારન…. તેરે કારન… મેરે સાજન

માગસરની મતવાલી રાત અવનિ ઉપર ખાંગી થઇ ગઇ હતી. અને કોઇ રૂપાંગનાની આંખોમાં અંજાયેલ કાજલ સમુ કાળુ ભમ્‍મર અંધારૂ ધરતી માથે ત્રાટકી ગયું હતું. આમ તો જળેય જંપી ગયા હતા આવા ટાણે ગામના દરબારગઢની ઊંચી મેડીના ઊંચા ઝરૂખા દીવાના અજવાસથી ઝળહળ થતા હતાં. અને એની અંદર સસલાની કુમાશ જેવા રૂ ના બનાવેલ ગાદલામાં આડે પડખે થયેલ વિક્રમસિંહે થ્રી એક્સ રમ બ્રાન્‍ડના દારૂથી ભરેલી સુરાહી પકડી રાખી હતી. ડાબે પડખે અમેરિકન બ્રાન્‍ડ રીવોલ્‍વર ભરેલા કારતુસ સાથે પડી હતી અને એમનો બીજો હાથ કમલીના કચ્છી ભરત ના પહેરેલા લાલગુલાબી લીલાપીળા અતલસી કાપડાની બહાર છલછલ છલકતી જુવાન પીઠ ઉપર બંધાયેલી સરકણી ગાંઠ ઉપર હતો. કમલી સ્‍હેજ હસી. એની હસવાની માદક અદા વિક્રમસિંહને ઘાયલ કરી ગઇ. કમલીએ મીઠું અટકચાળું કરતા વિક્રમના હાથમાં રહેલ સુરાહીને રજવાડી ટિપોઇ ઉપર મુકતા કામણગારું હસી :‘‘કાં તો હું અને કાં તો આ !! તમે એક જ મ્‍યાનમાં બે તલવાર રાખવાનું છોડો મારા રાજવી !!‘‘

વિક્રમસિંહની રતુંબલ આંખોમાં અજબનો નશો છવાઇ ગયો હતો એ હતો કમલી તરફના અનહદ પ્‍યારનો નશો ! એમના શરીરમાં પણ એવી જ પૌરૂષી જોશની નદી હવે બેફામપણે વહી રહી હતી. એમણે ઝાપટ મારીને કમલીએ પહેરેલા કાપડાની સરકણી ગાંઠનો છેડો અંતે ખેંચી જ નાંખ્‍યો ! અને હણહણતી ઘોડી જેવી કમલીની ધોળી માખણ જેવી પીઠ ખુલ્‍લી થઇ ગઇ. વિક્રમના તરસ્‍યા હોઠ કમલીની માખણના પીંડા જેવી પીઠ પર ચંપાઇ ગયા આથી કમલી દૂર હટી ગઇ. અને ઠાલો ગુસ્‍સો કરતા છણકી :

‘‘બસ સાહેબ, બહુ થયું. મેં તમને પહેલા જ કહ્યું કે…‘‘

‘‘કમલીની…‘‘
વિક્રમે તેના ગાલે ટપલી મારતાં કહ્યું :

‘‘દારૂ મારા માટે ડાબી આંખ છે અને તું છે મારી જમણી આંખ ! અને માણસને જેટલી ડાબી આંખ વહાલી હોય છે એટલી જ વહાલી હોય છે જમણી ! તું સમજે છેને કે ગમે તે આંખ ફૂટે તો નુકસાન તો એવું જ થવાનું છે. દારૂ કે પ્રિયતમા… મારે બેય સરખા… હું બેમાંથી એકેયને પણ ખોવા ઇચ્છતો નથી.‘‘

‘‘પણ ધારો કે હું જ ક્યારેક મારી મેળે ખોવાઇ ગઇ તો ?‘‘

‘‘ક્યાં ?‘‘

વિક્રમ આંચકો મારીને બેઠો થઇ ગયો.
‘‘તું મારા હાથમાંથી ક્યાં ખોવાઇ જવાની વળી ? હું તને એમ ખોઇ દેવા માંગતો નથી સમજી… પગલી.‘‘

‘‘તો પછી ધક્કો મારી દેવા ઇચ્છો છો ?‘‘

‘‘ક્યારેય પણ નહીં. નો, નેવર….‘‘

‘‘પણ તમારા પેટ બહું ઊંડા હોય દરબાર ! અને એ રાજ રમતમાં ક્યારે પગે કમાડ વળી જાય અને ક્યારે હું ફેંકાઇ જાઉં એની તો મને ખબરેય નહીં પડે. અને તે દિવસે હું તમારી સન્‍મુખ આવીને ઊભી રહીશ તે દિ‘ તમે મોઢું ફેરવી જવાના. પુછીશ તો કહેશો કે ચલ ફૂટ ! ઉપડ સાલ્‍લી.. હું તો તને ઓળખતો પણ નથી.‘‘

‘‘કમલીની… વાયડી…‘‘
વિક્રમનો અવાજ આભ ફાટે એમ ફાટી ગયો. :

‘‘તેં મને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી નાંખી. અરે ગાંડી, મેં તને પ્રીત કરી છે. સાચા દિલથી પ્રીત કરી છે અને હું જેને ચાહું છું તેને છેલ્‍લા શ્વાસ સુધી છોડતો નથી. મારી ઉંમર ભલે નાની હોય પણ વટ, વચનને વેરના પાઠ તો અમે અમારી માના કોઠામાં હોઇએ ત્‍યારે જ ભણી લીધા હોય છે. પણ આ તારી વાતું સાંભળીને થાય છે કે, કાં તો મેં ખારામાં વાવ્‍યું ને કાં તો તેં આદમીને ઓળખવામાં થાપ ખાધી. કમલી, તારા મોઢેથી આવા શબ્‍દો સાંભળતા સાંભળતા મારા કાળજે તેલ રેડાય છે, અને દિલમાં દરદ પણ થાય છે. ‘‘
‘‘અરે યાર ! મારો તો આવો મજાકિયો સ્‍વભાવ છે. પણ તમે ક્યાં અમથે અમથા ઉકળી ઉઠ્યા !‘‘

‘‘તારે આવી મજાક ન કરવી.‘‘

‘‘તો એક વાત પુછું ?‘‘

‘‘એક નહીં, હજાર પુછ. તારો હક્ક છે.‘‘

‘‘તો એમ કહો કે તમે મને કેટલો પ્રેમ કરો છો ?‘‘

‘‘આ નવખંડ ધરતીની જેટલો અને આંખે દેખાય એટલા આકાશ જેટલો.‘‘

‘‘અચ્છા, તો એમ કહો કે તમે મને ક્યાં સુધી પ્રેમ કરશો ?‘‘

‘‘જિંદગીના છેલ્‍લા શ્વાસ સુધી કરીશ… કમલી… તને આખી જિંદગી સુધી હું પ્રેમ કરતો રહીશ. તને ચાહ્યા કરીશ. અને એટલું જ નહીં, તારી સાથે અગ્નિની સાક્ષીએ ચોરીના ચાર ફેરા ફરીને તને કાયદેસરની મારી પત્‍નીનો દરજ્જો પણ આપીશ.‘‘

કમલી આ શબ્દો સાંભળી તૃપ્‍ત થઇ ગઇ પણ વળતી જ પળે તેના દિલમાં ખટાકો થઇ ગયો. વિક્રમ તેની સામે જોઇ રહ્યો પણ કમલી કશું બોલી નહીં.

‘‘કમલી ઇ ઇ…‘‘

વિક્રમે તેને બોલાવી પણ કમલીની પાંપણ ઊંચી ન થઇ.

‘‘તેં મને જવાબ ન આપ્‍યો કમલી‘‘
વિક્રમે ખાલી કરેલી સુરાહી ટિપોઇ પર પાછી મૂકી અને કમલીની ચિબુક હડપચીને પકડીને કહ્યું :
‘‘તારો જવાબ.‘‘

‘‘નહીં દરબાર. હું તમારા કામની નથી. તમારા ખપની નથી.‘‘
‘‘શું ?‘‘

વિક્રમે ચમકીને અધુકડા બેઠા થઇ જતાં કહ્યું.

‘‘હા વિક્રમ… આપણી પ્રીત સાચી. પ્રીતની રીત પણ સાચી. તેં મને હથેળીમાં રાખી અને હજીય પણ મર્યાના મઠ લગી રાખીશ મને વિશ્વાસ છે પણ મારી સાથે ચોરીના ચાર ફેરા ફરવાનું રહેવા દે ! વિક્રમ આ ઓરડામાં એજ ખાનદાનનું લોહી શોભે જે ખાનદાન રાજનું બીજ હોય. જેણે ક્ષત્રિયાણીના પેટે જનમ લીધો હોય. વિક્રમ, હું તો સાવ રાંક જાત ! મારો વરણ નોખો. તમારી જાત ઊંચી, કાલ સવારે ઉઠીને કોઇ આપણા સંતાન સામે આંગળી ચીંધે અને વર્ણશંકરની ગાળ દે, તો હું એ ગાળ સાંખી નહીં શકું અને મને એ મંજુર પણ ન હોય ! તમે મને સવાયું સુખ આપ્‍યું. મારી એકને પછવાડે મારા ઘરના સાત જણના પેટની ક્ષુધા સંતોષાઇ. અલબત, તેની પાછળ પણ મારા તન-મનની તૃષ્‍ણા અને રાજીપો જ હતો પણ હવે હું કોઇનો હક્ક હિસ્‍સો ઝુંટવી લેવા માંગતી નથી. વિક્રમ ! તારી દરેક શરત સર આંખો પર, પણ તારું વાગ્‍દાન અને તારા નામની ચુંદડી ઓઢીને હાલારમાં બેઠેલી તારી વાગ્‍દાતા નિલમબાના નિસાસા મારે નથી લેવા. કે નથી મારે તેનો હક્ક છિનનવો ! બસ, હું તૃપ્‍ત છું અને મને સંતોષ છે. હું તને હરદિન યાદ કરતી રહીશ. હું ભલે ગમે ત્‍યાં હોઇશ પણ મારા જીગરમાં તો હંમેશા તું જ સંતાયેલો રહીશ. અને મારે મો એ પુરતું છે….. ‘‘
કહેતી કમલીની આંખમાં આંસુ ઝળહળી ઉઠ્યા. અને વિક્રમ કમલીની પીઠને ફરીવાર ચૂમી રહ્યો.

લેખક : યોગેશ પંડ્યા

દરરોજ આવી જ અનેક રોચક વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી