“શિકાર”- “એલા, તારી જેવી માછલી ઝપટમાં ન આવે તો બગલાને ખાવુ શું ?”

વૈશાખનો સૂરજ હજી તો ઉગીને સ્‍હેજ ઉંચો ચડ્યો હતો પણ ત્‍યાં જ તેના નેત્રોમાંથી અગ્નિના તણખા ફૂટવા લાગ્‍યા હતા. હજી તો સવારના નવ જ વાગ્‍યા હતા પણ આકરા સૂરજનો તડકો જાણે ધોમ ધખતી બપોર એવા સમયે ભરચક ગિરદીનો સામનો કરતો કરતો એક હાથમાં મોટા બે થેલા અને એક પાર્સલ સાથેનું ટીનીયુ હાથમાં રાખીને જગજીવન બસમાં ચડ્યો. નસીબજોગે જગ્‍યા પણ બરાબર કંડકટરની સામેની ત્રણ બેઠકની સીટમાં જ મળી ગઇ. નીચે બારણા પાસે ધકકામુકકીમાં પીસાતા પેસેન્‍જરોને તે જોઇ રહ્યો. આવી પરિસ્થિતિમાં પણ જગ્‍યા મળી ગઇ એ બદલ, મનોમન ભગવાનનો આભાર માન્‍યો. નહિતર છેક ધંધુકા કે અમદાવાદ સુધી ઉભા ઉભા જ જવુ પડત. પણ હવે બહુ થાકી જવાય
છે. થેલામાં રાખેલો નેપકીન કાઢીને એણે પરસેવો છૂછ્યો. પછી પગ નીચે થેલા, પાર્સલ અને ટીનીયુ બરાબર વ્‍યવસ્થિત મુકીને એણે આગળ પાછળ ઉપલક નજરે જોયુ. બસ છલોછલ હતી ને દસ પંદર જેટલા પેસેન્‍જર તો ઉભા હતા. ભલે થોડી ધકકામુકકીમાં પીસાવુ પડ્યુ.
પણ એનો લાભ એ થયો કે જગ્‍યા મળી ગઇ. નહિતર પેલા પેસેન્‍જરોની જેમ… અચાનક કંડકટરે બે બેલ માર્યાને તેની વિચારધારા અટકી. બસ ઉપડી. દસ મીનીટ પછી કંડકટરે તેને પૂછ્યું, ‘ કયાંની અમદાવાદની આપુ ને?‘‘

‘હા‘
‘એકસો બોંતેર રૂપિ‍યા આપો‘ કહી, કંડકટરે ટીકીટ તેના હાથમાં મુકી દીધી. અને એક સીટ આગળ વધ્‍યો. જગજીવને બુશર્ટના ખિસ્‍સામાં હાથ નાખ્‍યો પણ પૈસા શર્ટના ઉપલા ખિસ્‍સામાં નહોતા. એટલે શર્ટ ઉંચો કરીને સીવડાવેલા ગંજીના બનાવેલા ‘સિક્રેટ‘ ખિસ્‍સામાં હાથ નાખ્‍યો. તો ત્‍યાંથી કશુ જ ન મળ્યુ, તેને થયુ કે, હજાર હજારની વીસ નોટોની ગડીને
બાકીના છુ્ટા પાંચ મળીને પચ્‍ચીસ હજારનું બંડલ બરાબર યાદ છે કે ગંજીના ખિસ્‍સામાં જ નાખ્‍યુ હતુ તો ગયુ કયાં ? ભૂત ગળી ગયુ ?

એક અમંગળ વિચાર આવ્‍યોને એ વિચાર પર પોતે જ ગળગળો થઇ ગયો. એક તો નાનકી દુકાનની આટલી ઉઘરાણી માંડ માંડ પતી હતી અને અમદાવાદ રતીલાલ ભાઇચંદ શેઠનો બાકી ચાલી આવતી ઉઘરાણી પેટે પચ્‍ચીસ જમા કરાવવાના હતા અને આ રૂપિ‍યા પચ્‍ચીસ હજાર ગયા કયાં ? તેના ચહેર ઉપર પરસેવો ફુટી નીકળ્યો. કંડકટર હજી ટીકીટના પૈસા રાહમાં હતો. જગજીવનને થયુ બીજા છુટ્ટા પૈસાની પણ કયાં ગયા ? જગજીવનને ઉંચો નીચો, રઘવાયો થતો, ખિસ્‍સા ફંફોસતો જોઇ બોલ્‍યો, તમતમારે નિરાંતે ગોતીને આપો‘. ત્‍યાં સુધીમાં હું બુકીંગ પતાવી દઉ‘
‘ અરે પણ માસ્‍તર, પચ્‍ચીસ હજારનું બંડલ હતુ એ કયાં ગયુ હશે ? ‘
‘ પેન્‍ટના ખિસ્‍સામાં હશે. જુઓને. ‘
‘ પણ મે ગંજીના ખિસ્‍સામાં જ મૂકયુ હતુ‘

‘ એવુ ય બને કે પાટલૂનના ખિસ્‍સામાં ય મુકી દીધા હોય, ફેરફાર થયો હોય‘
‘ અરે હા‘ કહેતા તેના ચિદકાશમાં ઝબકારો થયો. ‘ એ કેમ યાદ ન આવ્‍યુ ? ‘ અરે ઘરે
પત્‍નીને બસ્‍સો રૂપિ‍યા ઘર ખર્ચના આપવા માટે બંડલ સાથે રહેલી પાંચસો અને સો-સો ની નોટમાંથી જ સ્‍તો સો-સો ની બે નોટ એ બંડલમાંથી કાઢીને તો આપેલી અને પછી એ બંડલ પેન્‍ટના ખિસ્‍સામાં જ મૂકેલુ.‘ એ હસ્‍યો. ‘ સાલ્‍લુ, ભૂલી કેવુ જવાય છે ?‘ એ ઉભો થઇ ગયો ને પેન્‍ટના ખિસ્‍સામાં ઝડપથી હાથ નાખ્‍યો. હાથ નાખ્‍યો તો ખરો પણ પેન્‍ટના ખિસ્‍સામાં ગયેલો હાથ બાયપાસ થતો સીધો સાથળની ચામડીને અડી ગયો. તે રઘવાયો થઇ ગયો કેમકે ખિસ્‍સુ કપાઇ ગયુ હતુ. ને
પચ્‍ચીસ હજાર જેટલી રોકડ રકમ કોઇ ગઠીયો બઠાવી ગયો હતો. છતા એણે ફરી વખત હાથ નાખ્‍યો પણ ઉફ, ખિસ્‍સા કાતરૂએ બહુ વ્‍યવસ્થિત રીતે પોતાને પછાડી દીધો હતો. બંડલ ગુમ જ હતુ. તેણે ડાબી તરફના ખિસ્‍સામાં હાથ નાખ્‍યો, પણ કંઇ હોય તો હાથ આવે ને ?
અમદાવાદ વાળા વેપારીની ઉઘરાણીનું પોસ્‍ટકાર્ડ હાથમાં આવ્‍યુ. તેના ચહેરા પર પરસેવો ફૂટી નીકળ્યો. કંડકટર બુકીંગ પતાવીને આવ્‍યા, જગજીવનને પૂછ્યુ, ‘ કાં શું થયુ ? ‘

‘ ભારે કરી માસ્‍તર‘
‘કાં‘
‘ખિસ્‍સુ કપાઇ ગયું‘
‘હોય નહિ‘
‘હા, માસ્‍તર પચ્‍ચીસ હજાર ગયા‘
‘પણ કઇ રીતે ?‘ જવાબમાં એણે ઉભા ઉભા જ પેન્‍ટનું ખિસ્‍સાનું કાપડ અંદરથી બહાર કાઢ્યુ. ને રડમસ થઇ ગયો. ‘માસ્‍તર, મારા પુરા પચ્‍ચીસ હજાર… રળી કમાણી…‘
‘ પણ આપણે ધ્‍યાન રાખીએ ને ? હું એટલે જ કહેતો હોઉ છુ કે ધકકામુકકીમાં ચડવાનું
બંધ રાખો. પણ કોઇ સમજે તો ને ? આ લેવા દેવા વગરની પચ્‍ચીસ હજારની ઉઠીને ? ‘
‘ હું અમદાવાદ ઉતરીને તમને ટીકીટના પૈસાની વ્‍યવસ્‍થા કરી આપીશ‘
‘ અરે, ટીકીટના પૈસા હું કયાં માંગુ છુ, હું તો તમારૂ પચ્‍ચીસ હજારનું કાટલુ કરી ગયા એના દુઃખની વાત કરૂ છુ. હું કયાં તમને નથી ઓળખતો ? ખિસ્‍સામાં કાંઇ પૈસા છે કે નહિ ?‘
‘એક પાંચીયુ પણ નથી ? ‘
‘ તમે પણ ખરા છો. આટલા બધા હોંશિયાર ને નાની અમથી વાતમાં થાપ ખાઇ ગયા ?
થોડા થોડા પૈસા જુદા જુદા ખિસ્‍સામાં મુકાય, આમ આવી રીતે એક સામટા ન જાય…‘

જગજીવનની આંખોમાં ઝળઝળીયા આવી ગયા અને ઝળઝળીયા આવે એ વ્‍યાજબી હતુ. કારણ કે એક તો માંડ માંડ મહિને દાડે બે સવાબે હજારનો નફો આપતી દુકાનની અઢી ત્રણ મહિનાની કમાણી એક જ મીનીટમાં કપાણ્‍યે તણાઇ જાય તો કોને ઝળઝળીયા ન આવે ? પણ, જગજીવન તો સાચો સાથ અસ્‍વસ્‍થ પણ થઇ ગયો હતો. કારણ કે ચાર પાંચ ધકકે આ ઉઘરાણી હાથમાં માંડ આવી હતી. અને આજે એ માલ ખરીદવા અમદાવાદ જતો હતો. હવે માલ તો એકકોર પડ્યો રહ્યો પણ અગાઉનું બીલ ચુકવ્‍યા વગર વેપારી બીજો માલ પ્‍ણ ઉધારે ન આપે. જગજીવન કિકર્તવ્‍યમૂઢ બનીને ઉભો ર્યો અને નેપકીનથી પરસેવો લૂછતો રહ્યો. અડખે, પડખે, આગળ પાછળના ત્રણ ચાર સીટવાળાને ગજીવનનું ખિસ્‍સુ કપાયાનો ખ્‍યાલ આવી ગયો અને સૌ પોતપોતાનું ખિસ્‍સુ ફંફોસવામાં પડી ગયા. કયાંક પોતાનું ખિસ્‍સુ તો નથી કપાઇ ગયુ ને ?
ત્‍યારે જ સૌથી છેલ્‍લી સીટે બેઠેલા આપા હરૂએ મોટેથી પૂછ્યુ, ‘ કાં શું થયુ ભાણા ? ‘

જગજીવને એ સાંભળ્યુ ને જોયુ તો પોતાના ગામના જ દરબાર આપા હરૂ. જગજીવન એને ‘મામા‘ કહેતો. કયારેક પોતાની દુકાની પાસેથી નીકળતા ત્‍યારે જગજીવન બીડી- સીગારેટ, ચા પાણીનો આગ્રહ કરતો. જગજીવન બોલી ઉઠ્યો ‘ ભરે કરી મામા…‘
‘ કાં, શું થઇ ગયુ ? ‘ આપા હરૂ ઉભા થઇને જગજીવન પાસે આવ્‍યા.
‘ ખિસ્‍સુ કપાઇ ગયુ‘
‘ હોય નહિ‘
‘ મા મામા, મારી તો છ મહિનાની કમાણી એળે ગઇ‘
‘ એમાં આટલો બધો મુંઝાય છે ? ‘
‘ મુંઝાઉ તો ખરો જ ને ? આજે માંડ માંડ ઉઘરાણી પતી‘તી ને હું માલ લેવા અમદાવાદ જાતો‘તો‘

‘ વાંધો નહિ, હું આપીશ, ચિંતા ન કર. શાંતિથી બેસી જા‘ કહીએ કંડકટર પાસે આવ્‍યા. બોલ્‍યા, ‘માસ્‍તર, ટીકીટના પૈસા તો એણે આપ્‍યા કે નહિ ? ‘
કંડકટર હસ્‍યા, ‘એ પણ નથી‘
‘ભારે કરી ભાણા, તુ ભારે ભોળો‘ બોલી આપા હરૂએ બંડીના ખિસ્‍સામાંથી સો-સોની બે નોટ કાઢીને અંબાવી, ‘લ્‍યો માસ્‍તર, લઇ લ્‍યો. ગમે એમ તો ય ગામનો જણ, ગામનું કુતરૂ હોય તો ગામનું સગપ્‍ણ અને આ તો મારો ભાણો‘ આપા હરૂએ જગજીવનનો વાંસો ઠપકાર્યો ‘ એમાં આટલો બધો ઢીલો શું પડે છે ? ‘ રૂપિ‍યા તો હાથનો મેલ છે. આજ છે ને, કલ નથી.
રળી લેવાશે, ચિંતા ન કર. અમદાવાદ તારૂ કામ પતી જશે પછી શું ? ‘
‘ પણ મામા, પચ્‍ચીસ હજાર પુરા હતા‘

‘ હું આપીશ બસ ? ભલે મારૂ નામ ન થાય પણ એ પૈસા તારા ખપમાં તો આવશે ને ?
આપણા મામા-ભાણાનો સબંધ શું કામનો ? ‘
‘ મામા એવુ નથી કરવુ. હું પાછો વળી જાઉ‘
‘ગાંડો થયો છો ? તારે કેટલી નુકસાની વેઠવી પડે ઇ બોલ, તારે ગમે ત્‍યારે માલ તો નાખવો જ પડશે ને ? ‘

‘હા, મામા‘
‘ તો બસ, હું પછી તારે કોઇ ચિંતા કરવાની નથી. સમતા રાખ. ધીરજ રાખ‘ આપા હરૂ પોતાની સીટે બેસી ગયા. અમદાવાદ ઉતરીને જગજીવન સાથે જ રહ્યા અને તેનો હિસાબ કિતાબ પતાવીને પછી જ નીકળ્યા. જગજીવન ગાડાના પૈડા જેવા ઉપકારના ભારતળે દબાઇ ગયો. આ વાતને લગભગ અઠવાડીયુ દસ દિવસ વીતી ગયા. બે પાંચ – બે પાંચ કરતા હરજીવને આઠ દસ હજાર ભેગા કર્યા અને એકદિ‘ સાંજે ખિસ્‍સામાં દસ હજાર લઇને આપા હરૂના ઘરે જગજીવન બિચારો ગરીબ વાણિયો, ઉપકારના ભાર હેઠળ આંખ ભીની કરી બેઠો. મામા, તમારો ઉપકાર કયારેય નહિ ભુલુ. તમે ભગવાન બનીને મારી સખાતે આવ્‍યા, લ્‍યો,
દસ લાવ્‍યો છુ‘

‘ગાંડો થયો છે ? આપા બોલ્‍યાઃ ‘આવી વેવલી વાતુ કરીશ નહિ અને હું કયાં કો‘ક છુ ?
અમથુ તો આપડુ વાડીપડુ બાજુ બાજુમાં છે. અહુરસવાર તુ અમારા શેઢાનું ધ્‍યાન રાખે જ છે ને ? આ મે તારા વહેવારનું ધ્‍યાન રાખયુ‘
‘ હશ્‍શેમામા, પણ તમારૂ ઋણ – ‘
‘ ગાંડો થામા, ગાંડો, તુ સરનામુ ભૂલ્‍યો. મે કયાં માંગ્‍યા? અરે જયારે તુ પહોંચી શકે ત્‍યારે આપજે. નિરાંતે ધંધો કર.‘

જગજીવનને આપા હરૂ માણસ નહિ દેવપુરૂષ લાગ્‍યા. તેની આંખમાંથી અશ્રુ દદડી ગયાઃ મામા, અટાણે દસ રાખી લો. હું મારી વેતરણમાં જ હાલ્‍યો છુ. બાકીના કટકે કટકે વહેલી તકે આપી દઇશ. આટલા તો રાખો‘
‘ અરે ભલા મે તને કીધુ તો હતુ કે થાય ત્‍યારે આપજે ઉતાવળ નથી‘
‘ના મામા, આટલા તો રાખો‘
‘ એક કામ કર, એક સામટા આપજે‘
‘ જગજીવન કશુક વિરતા બોલ્‍યોઃ ‘ એક સામટા તો થોડીક વાર લાગી જશે‘

‘ જયારે થાય ત્‍યારે બસ ? આ દસ તો મારે અરચૂરણ પરચૂરણમાં વપરાય જાય‘ આપા હરૂ થોભ્‍યા. પછી બોલ્‍યાઃ ‘ જો ભાણા એમાંય કોઇ ઉતાવળ નથી. મહિને, બે મહિને, ચાર છ આઠ મહિને, અરે તુ તારે બાર મહિને બસ ? અને ખભે લાકડી નાખીને ટક ટક ટક.. કરતા હલાી નીકળ્યા. જગો એમને જતા જોઇ રહ્યો. વખત વીતવા માંડ્યો.
જોતજોતામાં આ વાતને છ મહિના વીતી ગયા. જગજીવનના નસીબ કહો કે બદનસીબ. આ તરફ ઉઘરાણી સમયસર પતી નહિ, પેલી બાજુથી ઉઘરાણી કાગળ આવ્‍યા કરે ને તેણે અમદાવાદ પૈસા આપવા જવુ પડે. અડખે પડખેની તથા ગામની જ પંચોતેર હજારની ઉઘરાણી અટવાઇ પડી. પણ હૈયે નિરાંત હતી કે મામા કયાં પૈસાની ઉતાવળ કરે છે ? ઓણ સાલ ચોમાસુ સારૂ થયુ છે. કપાસની સીઝન આવી, ઇ ભેળી ઉઘરાણી પતી જવાની અને આ બાજુ પોતાના ત્રણ વિઘા જેવી જમીનમા ય પીસ્‍તાલીસ પચાસ મણ કપાસ ઉતરવાનો.

પંદર વીસ હજારની ઉપજ રહે, એમાંથી મામાને આપી દેવાશે. આમ તો વાડી વગરનું ખેતર ફકત ચોમાસાની મોસમ જ આપતુ. ઇ પણ નહી જેવી. એમાંથી ય બે વરસ પહેલા મોટી દીકરીના લગનનો ખર્ચનો ખાડો હજી પુરાતો નહોતો. જગજીવન આમ તો વરસોથી સપનાના ઘોડા દોડાવતો પણ ‘ બે પાંદડે‘ ન થયો તે ન જ થયો. કાંઇક ને કાંઇક નુકસાન આવી જતુ.

આમ ને આમ…પેલી વાતને બીજા છ મહિના નીકળી ગયા. હવે એને થયુ કે, મામાના પૈસા હવે તો આપવા જ પડે. એટલે તો આ વખતે ઉઘરાણી આવી એટલે જેમ તેમ કરીને સાંધા સડીયા કરીને આપા હરૂએ આપેલા ત્રેવીસ હજાર પાંચસો રૂપિ‍યા ખિસ્‍સામાં નાખીને નીકળ્યો, મનમાં પહાડ જેવડુ ઋણ ફેડ્યાની હળવાશ હતી. આપા હરૂના ઘરે ગયો ત્‍યારે આપા સેવરધન સોપારી કાતરીને એનો ભૂકકો મોંમા મૂકતા હતા. જગજીવને પગ મૂકયો કે એ આવકારો આપતા બોલ્‍યાઃ ‘ એ આવ, આવ ભાણા‘
‘ હા મામા‘
‘ બોલ, શું કામે આવવુ પડ્યુ ? કોઇ તકલીફ ?‘

‘ અરે તકલીફ તો તમે મીટાવી દીધી. ઇ ઋણ ફેડવા આવ્‍યો છુ. મામા, તમારા
પૈસા…‘
‘ અરે, બહુ ઉતાવળો હો ભાણા‘
‘ પણ લીધા હોય એના દેવાતો પડે જ ને.. આજ નહિ તો કાલે અને તમે મારૂ આટલુ
રાખયુ.. એ વાત હું ભૂલી જાઉ તો નુગરો કહેવાઉ‘ કહેતા એણે ખિસ્‍સામાંથી રૂપિ‍યાની થોકડી કાઢી.

‘ કેટલા લાવ્‍યો ભાણા ? ‘
‘પુરેપુરા. તેવીસ પાંચ્‍સો…‘
‘ તુ વ્‍યાજ જ લાવ્‍યો ભાણા ? એન એ ય અડધુ જ ? મુદલ બાકી રાખ્‍યુ ? ‘
જગજીવન કશુ સમજ્યો નહિ. એટલે બોલ્‍યો. ‘મામા, હું કશુ સમજ્યો નહિ‘
આપા હરૂ ખડખડાટ હસ્‍યા અને સૂડી સોપારી એકબાજુ મૂકી બીડી જગવી ઉંડેથી એક-બે કસ લીધા, બે ઘડી વિરમાં પડ્યો અને પછી બોલ્‍યા, ‘ મે તને રૂપિ‍યા આપ્‍યા તેને કેટલો ટાઇમ થયો ? ‘ આપાએ આંખ જીણી કરી જગજીવન તરફ નોંધીઃ ‘ માનુ છુ કે એક વરસ થયુ હશે બરાબરને ? એ દિવસે હું મારી જમીનના કેસ માટે વકીલ ની ફી નો હપ્‍તો આપવા જતો હતો, ઇ મને ખબર છે‘

‘ હા મામા, પછી આપણે તમારા વકીલ પાસે ગયેલા પણ ખરા‘
‘ તો બસ તને એટલુ યાદ છે ને કે મે વકેલને શું કહેલુ ? ‘
‘ હા તમે બોલ્‍યા હતા કે મારી પાસે પૈસા હતા પણ આ મરા ગામનો જણ અને સબંધે મારો ભાણો.. એનું ખિસ્‍સુ કપાઇ ગયુ એટલે એને આપી દીધા. હવુ આવતા જતા અઠવાડીયામાં મોકલી આપીશ‘
‘… હા તો બોલ ભાણા, એને તો આપવા જ પડે ને ? પણ.. હં ન આપી શકયો. કેમ કે એ જ વખતે મારા મોટા દીકરા ભાભલુને ઝેરી કમળો થઇ ગયો. દવાખાનુ શરૂ થયુ. મારી પાસે તો બીજી મૂડી હતી નહિ એટલે મારે ભભલુને દવાખાનાના ખર્ચા માટે આપા રાવતુ પાસે દોડવુ પડ્યુ…‘
‘ઓહ..‘
‘ અને પછીની વાત, તુ નહિ માને.. પણ મારે માસિક સાત ટકાના વ્‍યાજે પુરા પચ્‍ચીસ હજાર લેવા પડ્યા‘
‘ અરે, મામા, તો મારી પાસેથી માંગી ન લેવાય ? ‘

‘ મને શરમ આવી ભાણા, શરમ આવી.. તારા બાપાની આંખોની શરમ.. એ તો બિચારા મોટા ગામતરે હાલ્‍યા ગયા પણ હતા તો મારા પાકા ભાઇબંધ, એની બદદુઆ લાગે મને ? અરે, ઇ તો મને સપનામાં આવી ને વઢે કે ભલા માણસ, મારા દીકરા પાસે ઉઘરાણી કરે છે ? એટલે તારી પાસે હું માગી શકતો નહોતો…‘
‘ તો હવે મારે શું કરવાનું છે ? ‘
‘ બસ, ત્રેવીસ પાંચસો મે તને આપ્‍યા‘તા એ અને બીજુ એનું વ્‍યાજ અને વ્‍યાજનું યાદ રાખજેને. હજાર દોઢ હજાર જેવુ હું ખમી લઇશ, આપણો સબંધ શું કામનો ?
‘ પણ એકસામટા આટલા બધા તો હું કઇ રીતે આપી શકીશ ? ‘

‘ તો ય તુ તારે વાંધો નહિ. અમથાય આ ચોમાસા મોળા આવે છે ને, તમારે વાણિયાના દીકરાને જમીનનો શું મોહ વળી ? વાણિયા જમીન ન રાખે. આમ તને કહુ તો વિઘાના પચાસ હજાર બોલાય છે. એટલે તારા બે વિઘાના કટકામાંથી એકાદ વિઘા જેટલી જમીન હું મારા પડખેરહેલા ચાર વિઘાના કટકા હારોહાર ભેળવી દઉ તો મારે પાંચ વિઘાનું કટકુ થઇ જાય, બીજી તુ કાંઇ ચિંતા કરીશ નહિ. હું મારી રીતે જ તારાંથી એટલુ લઇ શેઢો વાળી ખૂંટા જનાખી દઇશ. ઇ તો પછી તલાટી આવે ત્‍યારે કાગળીયા કરી લેશુ એની તો કયાં મારે ઉતાવળેય છે ? તુ તારે જલ્‍સા કર…‘

જગજીવનને થયુ કે અત્‍યારે મારા બાપને યાદ કરીને ધરાઇ ધરાઇને રોઇ લઉ.. પણ તે તેમ ન કરી શકયો અને ચાલતો થઇ ગયો. જગજીવનના ગયા પછી આપા હરૂ મનમાં ને મનમાં હસ્‍યા અને પછી સ્‍વગત બબડયાઃ ‘ આ તારો મામો કાંઇ અમથો નથી ફોરવ્‍હીલ ફેરવતો થયો, અરે, તારા જેવા મુરઘા ન મળે તો ડીઝલનો ખર્ચો કયાંથી નીકળે ?‘ પછી નોટોના બંડલને પંપાળતા પંપાળતા બોલ્‍યાઃ ‘ એલા, તારી જેવી માછલી ઝપટમાં ન આવે તો બગલાને ખાવુ શું ?

લેખક : યોગેશ પંડ્યા

શેર કરો આ હૃદયસ્પર્શી વાર્તા તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.