એક રસ્‍તા, દો રાહી – વૈભવી જીવન જીવવા માટે છોડી દીધો પોતાના પ્રેમીને.. અને પછી અચાનક…

એક રસ્‍તા, દો રાહી.

બીલેશ્વર!

વીંછીયા-રાજકોટ હાઇવે પર આવેલ હિંગોળગઢના રાજમહેલ પાસેના જમણા હાથે વળી નીકળતા રસ્‍તાને અંતિમ છેડે આવેલું પ્રાચીન તીર્થધામ ! ડુંગરોની ગોદમાં પોઢેલું ભગવાન શિવજીનું પુરાણું સ્‍થાનક !

દર્શનાર્થીઓમાં ઉમંગ છે. નાના બાળકોએ ફૂલવાડીયા આનંદ કિલ્‍લોલ કરે છે. એમની વચ્‍ચે, હજી હમણાં જ સ્‍નાનાદિથી પરવારી પૂજાપાઠમાંથી ઊઠેલો એક ત્રીસેક વર્ષનો યુવાન સંન્‍યાસી જમણાં હાથે માળાના જલળપાત્રમાં પાણી ભરીને મંદિરના મુખ્‍ય પ્રવેશદ્વાર આગળ આવીને ઊભો રહી જાય છે.
શિવજીને જળભિષેક કરીને એ હજી હમણાંજ મંદિરમાંથી બહાર નીકળ્યો છે. અચાનક એક હોન્‍ડાસીટી કાર ત્‍યાં આવીને અટકી ગઇ ધીમેથી કારનો દરવાજો ખૂલ્‍યો. પાછલી સીટમાંથી એક સ્‍ત્રી બહાર નીકળી. તેણે સાડી સહેજ ઠીકઠાક કરી. ત્‍યાં જ ડ્રાઇવર ગાડીને યોગ્‍ય પાર્કિંગમાં મૂકવા માટે કાર દોરી ગયો. અચાનક પેલા સંન્‍યાસીનું ધ્‍યાન પેલી સ્‍ત્રી તરફ પડ્યું. આગંતુક સ્‍ત્રી પણ ઘડીભર જોઇ રહી અને પછી વર્ષો પછી જાણે ખોવાયેલી ચીજ પાછી મળી જાય એવી ખુશી તેના ચહેરા ઉપર છલકી ઉઠી. સહસા તેના હોઠ પરથી નીકળી ગયું : ‘‘આકાશ તું ?‘‘

કોઇએ તેને પૂર્વજીવનનાં નામથી ઉલ્‍લેખ્‍યો એવો ખ્‍યાલ આવતાં જ તે બે ડગલાં પાછળ હટી ગયો પણ પેલી સ્‍ત્રીની સાથે નજરો મેળવવાથી તેની પહેચાન છતી થઇ ગઇ.

તે ધરતી હતી. ‘‘આકાશ મને ન ઓળખી ? હું ધરતી…‘‘ એકદમ નજીક આવતા બોલી ઉઠી.
‘‘હા, ઓળખી. તને એમ થોડો સાવ જ ભૂલી જાઉં !‘‘ આકાશના અવાજમાં રૂક્ષતા આવી. ‘‘સાવ એટલી વારમાં જ એ

ઝખમનું વિસ્‍મરણ ન થાય ધરતી…‘‘

‘‘આઇ એમ સોરી આકાશ ! હું દિલગીર છું. તને ઝખમ આપીને તરછોડી દેવાના મારા ગુનાને લીધે તું મને કોઇ પણ સજા આપી શકે છે. મને તમાચા માર, મારી આંખો ફોડી નાખ, અરે, મારું ખૂન કરી નાખીશ તો પણ હું એક શબ્‍દ નહીં બોલું બસ ! લે, આ શરીર તારે હવાલે…‘‘

‘‘જો એવું જ કરવું હોત તો તો ઘણા રસ્‍તા હતા. પણ હું તારા જેવો હિંસક પ્રાણી નથી. પણ, એક વાત અત્‍યારે તને કહી દઉં છું કે મને સાવ ખોટા નરાતાળ વચનો આપીને ફરી જવું નહોતું. યુ નો, કે હું તને ચાહતો હતો. અને એ ચાહનાનું, પ્રેમનું તે ઠંડે કલેજે ખૂન કરી નાખ્‍યું?‘‘

ધરતીની આંખોમાં આંસુ હતા.

આકાશ બોલતો હતો, ‘‘મેં તને મેળવવા ખૂબ જ પ્રયત્‍નો કર્યા. તારા ઘરે પણ આવ્‍યો. તારા પપ્‍પાએ તો ન કહેવાના શબ્‍દો કહ્યા. પણ મને ક્યાં ખબર હતી કે જેને હું પ્રેમ માનતો હતો, તેને તું છલના માનતી હતી. તો પછી એ પ્રેમના નાટક માટે મારા જેવા ભલા ભોળા અને પ્રેમાળ માણસની જ શું કામ પસંદગી કરી ? બોલ, ધરતી બોલ ! તારી પાસે એનો જવાબ છે ?‘‘

‘‘મારી ભૂલ થઇ ગઇ હતી આકાશ ! જુવાની અને નાદાનિયતમાં તારા હૃદયમાં રહેલી ચાહત અને પ્રેમને હું ન પહેચાની શકી. ને ઊંડા કુવામાં ખાબકી ગઇ. કાશ ! જો તારી સાથે લગ્‍ન કર્યા હોત તો આ દર્દને મારે સહેવું ન પડત, મને માફ કરી દઇશ આકાશ ? મારા કર્મનું અને તારી બદદુઆનું ફળ મને મળી ચૂક્યું છે. જો કે તારી માફીથી પણ બદનસીબ ધરતીના પાપ નહીં ધોવાય, આકાશ…‘‘ બોલતી બોલતી ધરતી ધ્રુસકે ધ્રુસકે રડતી આકાશના પગ આગળ જ ઢગલો થઇ ગઇ.
આકાશ ગરીબ મા-બાપનો એકનો એક દીકરો. ગ્રેજ્યુએટ થયા પછી ખૂબ સંઘર્ષને અંતે નોકરી મળી તો પણ કંડક્ટરની ! પણ નિષ્‍ઠાપૂર્વક ફરજ બજાવતો. બોટાદ-રાજકોટ રૂટમાં એ કંડક્ટર હતો. વીંછિયા ગામથી પાંચ-છ છોકરીઓ બોટાદ કોલેજ કરવા આવતી. સાથે સાથે ખૂબસુરત ધરતી પણ આવતી. આકાશને જાણે સપનાની પરી મળીચુકી હતી. એટલે જ એક દિવસ આકાશે ધરતીને કહી દીધું : ‘‘ધરતી આ મારી આંખોની ભાષા તો તું વાંચી શકતી હોઇશ. જો વાંચી શકે તો સમજી શકીશ કે હું તને શું કહેવા માંગુ છું ?‘‘

‘‘પચ્‍ચીસ વર્ષનો છોકરો અઢાર વર્ષની છોકરીને શું કહેવા માંગતો હોય એટલી નાની અમથી વાત હું ન સમજી શકું એવી બુધ્‍ધુ તો હું નથી જ પણ…‘‘ ધરતીએ પોતાના દાંતમાં નીચલો હોઠ દબાવતા કહ્યું : ‘‘પણ મારી આંખોની ભાષા અત્‍યાર સુધી તું ન સમજી શક્યો એટલે તું તો બુધ્‍ધુ ખરો જ…‘‘

‘‘ડોબો જ કહેને…‘‘ આકાશ ધન્‍ય ધન્‍ય થઇ જતા બોલ્‍યો. ‘‘એ તો છો જ. બાકી આમ છોકરી જેમ શરમાતા શરમાતા પ્રેમનોએકરાર ન કર્યો હોત ખરું ? ‘‘
જવાબમાં સાચ્‍ચે જ આકાશની પલકો મુગ્‍ધા જેમ ઢળી ગઇ હતી. અને ધરતી ખડખડાટ હસી પડી હતી. એ હાસ્‍યમાં શું હતું? એ આકાશ સમજી શક્યો નહતો. એ તો બસ પહેલા પહેલા પ્‍યારના ખ્‍વાબમાં જ ખોવાઇ ગયો હતો. પણ આકાશ જેને પ્‍યાર સમજતો હતો તેને ધરતી બે ઘડીની રમત સમજતી હતી. એટલે આકાશને સહેજ પણ ખ્‍યાલ આવવા દીધા વગર ગ્રેજ્યુએશન પુરૂં કરીને તરતજ ક્ષિ‍તિજ જેવા ગર્ભશ્રીમંત પિતાના એકના એક પુત્ર સાથે પરણી ગઇ. આકાશને જ્યારે ખબર પડી ત્‍યારે તે હચમચી ઉઠ્યો. તે ચીખતો રહ્યો, ચીલ્‍લાતો રહ્યો પણ અંતે બધું જ વ્‍યર્થ. એક દિવસ ધરતીને ઘરે ગયા અને ક્ષિ‍તિજનું સરનામું માંગ્‍યું.

જવાબમાં ધરતીના બાપના હોઠોમાંથી શબ્‍દો નીકળ્યા : ‘‘ઝાંઝવા પાછળ દોડવાનું રહેવા દે. તારામાં ધરતીને પરણવાની કોઇ હેસિયતજ નથી.‘‘ આકાશના હાથની મુઠ્ઠીઓ વળી ગઇ જડબું તંગ થયું. એના બાપે કહ્યું : ‘‘થમ છોકરા થમ આગળ વધવાની કોશીશ ના કર, વધારે કંઇ સાંભળવું ન હોય તો ચાલ્‍યો જા.‘‘ પણ આકાશે ચીસ પાડીને કહ્યું : ‘‘ધરતી ક્યાં છે ?‘‘ જવાબમાં, એની શોધ કરવાની માંડી વાળ, નહીંતર હાડકા પાંસળા એક થઇ જશે. તું ખોવાઇ જઇશ. અને તારું કુટુંબ નિરાધાર બની જાશે. હું શામ, દામ, દંડ અને ભેદ એ ચારેય રીત અખત્‍યાર કરી જાણું છું. કહી તેણે તાળી પાડી. જવાબમાં બે હટ્ટાક્ટા પહેલવાન આવ્‍યા. આકાશ થથરી ગયો. તેના કાને શબદો સંભળાયા, ‘‘ધરતીને ભૂલી જવામાં જ તારૂં શ્રેય છે સમજ્યો ? ચલ, ઉપડ બે બદામનો મુફલિસ. ફરી ચડતો નહીં આ ઘરના ઉંબરે નહિંતર…‘‘ એણે ચપટી વાગડી અને એક પહેલવાને તેના ખભાને થપથપવ્‍યો આકાશ બેવડ વળી ગયો. એ ઊભો થઇને બહાર નીકળી ગયો. પાછળથી અટ્ટહાસ્‍ય સાથે શબ્‍દો સંભળાયા ‘‘સાલ્‍લો કંડક્ટર…‘‘
આ બધી ઘટનાઓ યાદ આવતા અત્‍યારે પણ આકાશનો સમગ્ર દેહ કંપી ઉઠ્યો અને પાછો હટી ગયો. ધરતી ઊભી થઇ. ડુસકાં ધીરે ધીરે શમતા હતા. આકાશ બોલ્‍યો : ‘‘ધરતી, ખૂબ સહન કર્યું છે એનો ઇતિહાસ તને નથી કહેતો. પણ કંડક્ટરની નોકરી તો મેં ક્યારનીય છોડી દીધી છે. મારા પૂર્વ જીવન સાથે જ આપણાં ઇતિહાસને વીતી ગયેલી ક્ષણો નીચે મેં ધરબી દીધો છે. આજે હું આકાશ નથી પણ આનંદ છું, સ્‍વામી આનંદ ! અને હવે હું નથી ઇચ્છતો કે આપણાં પૂર્વ જીવનના કોઇપણ સ્‍મરણો અત્‍યારે તું તારા મોઢે લાવે. મારી જિંદગીનો ટ્રેક ફરી ગયો છે. માંડ માંડ સ્થિર થયો છું. બસ, હવે તું ભગવાન શિવજીના દર્શન કરીને ચાલી જા. અને ભવિષ્‍યમાં મને આવી રીતે મળવાનો પ્રયત્‍ન કરતી નહીં.‘‘
‘‘પ્‍લીઝ આકાશ, આપણાં પ્રેમની એ યાદો તારા મોઢેથી સાંભળીને હું તૃપ્‍ત થઇ જઇશ.‘‘

‘‘આપણો પ્રેમ ?‘‘ આકાશ ખડખડાટ હસી પડ્યો. ‘‘આપણો પ્રેમ તો પાળિયાદ, સરવા, વીંછિયા, જસદણ, આટકોટ અને સરધારની સીમમાં મેં ફાડીને ફેંકી દીધેલાં ટીકીટના વધેલા કાઉન્‍ટરફોલ સાથે કાળા ઇતિહાસ બનીને અહીં તહીં વેરણ છેરણ બનીને ઉડ્યા કરે છે. એ વાતને હવે તું ભૂલી જા…‘‘
‘‘તોય તારા નસીબમાં એક ટિકીટ સાવ કોરી બચી છે આકાશ ! તારા પ્રેમને ઠોકર મારીને ક્ષિ‍તિજ જેવા પૈસે ટકે ખૂબજ શ્રીમંત સાથે પરણી તો ગઇ. ધન, દોલત, નોકર, ચાકર, ગાડી, બંગલા મને બધું મળ્યુ ! પણ એક સ્‍ત્રીને જે મળવુ જોઇએ એ એક સ્‍ત્રી તરીકે, એક પત્‍નીને મળી ન શક્યું.‘‘

‘‘એટલે ?‘‘

‘‘ક્ષ્‍િતિજ એબનોર્મલ હતો આકાશ ! જોકે, મને એ ખૂબ ચાહતો હતો. ખૂબ પ્રેમથી રાખતો હતો પણ બેડરૂમમાંથી રાત્રે નીકળતા અમારા ફળફળતા નિ:શ્વાસ દામ્‍પત્‍યજીવનમાં ધીરે ધીરે આભાસ ઊભો કરતા ગયા આકાશ, એક દિવસ તેણે ગદગદીત સ્‍વરે મને કહ્યું કે મેં તને છેતરી છે. મને ભૂલી જઇ બીજે પરણી જા. પણ મેં માત્ર પતિસુખને ઝાઝું લક્ષ નહોતું આપ્‍યું. અંતે એણે જંતુનાશક દવા પીને આપઘાત કર્યો અને હું કુંવારી વિધવા બની ગઇ. સાવ વર્જીત આકાશ.‘‘
આકાશના મનમાં વંટોળ ઉઠ્યો.
‘‘પ્‍લીઝ આકાશ, તારા માટે હું તડપતી રહી. અંતે મને ભૂલ સમજાઇ મને ખબર પડી કે તેં તો સન્‍યાસ ધારણ કરી લીધો છે એટલે તારી શોધમાં હું હરિદ્વાર, ઋષિકેશ, કન્‍યાકુમારી, કાશ્‍મીર, હિમાલય, હેમાદ્રિ, કોલકતા, કર્ણાટક,… મઠ, મંદિરને ગુફા ખોળતી રહી. વૃંદાવનની કુંજગલીઓમાં રાધા બનીને ફરી વળી. મેવાડમાં મીરા બનીને આથડી. પણ તું મને ક્યાંય ન મળ્યો. આપણે છુટા પડ્યા પછી આજે તું મને મળ્યો, હું ય નવા સ્‍વરૂપે જ છું આકાશ.‘‘

‘‘પણ સમય નો સા આપણી વચ્‍ચે લક્ષ્‍મણરેખા બનીને પડ્યો છે. એ રેખા હું ન ઓળંગી શકું.‘‘

‘‘પણ મારી વાત સાંભળી લે. પછી હું સદાને માટે ચાલી જઇશ.‘‘

‘‘બોલ.‘‘

‘‘આ જન્‍મ સંન્‍યાસી બનીને ઠેરઠેર ભટકીશ, પૂજા અર્ચના, જપતપ, યોગ, સાધના, કે તપશ્ચર્યાને અંતે તું પણ માટીમાં ભળી જઇશ. તારું પુણ્ય પ્રગટશે ભલે, પણ મારી દુઆ મળશે તો એક સતકર્મ કર્યાની તપશ્ચર્યા ઉજાગર થશે અને તારું સમર્પણ અને ત્‍યાગ પ્રગટી ઉઠશે.‘‘ ધરતીની આંખો સજળ હતી.

‘‘તારા અંતરનો બોજ હળવો કરવા માટે મારી પાસે સમય નથી રહ્યો, કે આ પોશાકની પૂજ્યતામાંથી બહાર નીકળવા માટે કોઇપણ પ્રકારનો વિકલ્‍પ રહ્યો નથી. મેં હમણાંજ તને કહ્યું કે, હું હવે આકાશ નથી. પણ સ્‍વામી આનંદ છું. એથી મજબૂર છું. પણ એક વાત કરું, તારી કથની સાંભળ્યા પછી લાગે છે કે કોઇ યોગ્‍ય પુરૂષને શોધી પરણી જા…‘‘
‘‘કોઇ પુરૂષને પરણીને તો હું નહીં ઠરી શકું, કે નહીં તેને ઠારી શકું ! તારા પ્‍યારની તડપમાં મારા હૈયામાંથી જે ફળફળતા નિ:શ્વાસ નીકળશે એ પેલા પુરૂષનેય દામ્‍પત્‍યની આગમાં બાળીને ભસ્‍મી ભૂત કરી દેશે.‘‘

‘‘તો ?‘‘

‘‘હું તારી પાસે પાલવ પાથરું છું. તને મેળવવા આવી છું.‘‘ ‘‘હવે આ ભગવા ઉતારીને જિંદગીના દોજખમાં પાછું પડવું નથી ધરતી ! તું મને ભૂલી જજે. હવે તું જા, નહિતર હમણાં મારા ગુરૂજી આવશે તો કૈંક જૂદું જ ધારશે એના કરતા બહેતર છે કે…‘‘ પણ એનું વાક્ય પુરું થાય એ પહેલા જ તેના ગુરુ સ્‍વામિ વિશ્વાનંદજીનો ધીરો, હેતાળવો અને ગંભીર સ્‍વર સંભળાયો, બેટા આકાશ, ધરતી જે કાંઇ કહે છે તે બરાબર છે. તમારી વાતો મેં સાંભળી છે. ધરતીએ તારી સાથે જે પ્રતારણા આદરી હતી તેનું ફળ તો તેને મળી ચૂક્યું છે. બલ્‍કે પશ્ચાતાપની પવિત્ર ધારામાં ધોવાઇને તેનું દિલ હવે પવિત્ર, નિર્મળ અને તેજોમય બની ચૂક્યું છે. એ કાચ જેવા કોમળ દિલને હવે પથ્થર બનીને ફોડવાની કોશિશ ના કર ! મન, મોતીને કાચ, એકવાર તૂટે પછી સંધાતા નથી. તારા વગર હવે એ જશે તો પોતાના હૈયામાં દર્દના ઉભરાતા દરિયા લઇને જશે. જેમાં કદાચ એ ડૂબી પણ જાય. અને, જે પૂર્વજીવનની ક્ષણોને ઉલ્‍લેખી છે, તો એના વગર હવે જો તું અહીં રહીશ તો એ ક્ષણોની કપૂર કાચલી એક દિવસ ફૂટી જશે તો તું પણ પાગલ થઇ જઇશ. એના કરતા બહેતર છે કે, તું તારું ઘર વસાવી લે. આ ખંડેરને વળગી રહેવાથી તને ક્યારેય સુખ પ્રાપ્‍ત નહીં થાય આકાશ.‘‘
‘‘પણ આ સંન્‍યાસ… આ ભગવા, ગુરુજી….‘‘

‘‘મેં આદેશ કર્યો હતો અને તેં પહેર્યા હતા. બસ, એમ જ આજે આદેશ આપું છું કે એ વસ્‍ત્રોને ફંગોળીને એકબાજુ નાખી દે એ પણ મારો જ આદેશ છે.‘‘

‘‘ગુરુદેવ.‘‘ આકાશ ગુરુદેવના પગમાં પડી ગયો, ‘‘તમને છોડીને હું ક્યાંય નહીં જાઉં.‘‘

‘‘ના, આકાશ ! અહીં કરતા તારી વધારે જરૂર ત્‍યાં છે. સુખી થજે અને સમગ્ર સંસારને સુખી કરજે. સંસારમાં રહીને પણ દ્વેષ, અહંકાર, ક્રોધ, મોહ, વાસનાઓ ત્‍યજીને ઘણું પૂણ્ય કમાઇ શકીશ. મારા શુભ આશિર્વાદ છે…. ‘‘
ધરતી પણ ગુરુદેવને વંદન કરવા નીચે વળી. ગુરુદેવે આશિષ આપ્‍યા. બંને આંખો ભીની હતી. ગુરુદેવનો કંઠ તરડાયેલો હતો. બંને નીકળ્યા. રસ્‍તો એક હતો બે હતા રાહી.

લેખક : યોગેશ પંડ્યા

દરરોજ આવી અનેક સમજવા જેવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી