“ભગવાનની મૂરત” લાગણી સભર વાર્તા છે આજે જ વાંચો

ભગવાનની મૂરત

પૂર્વમાં દિ‘ઉજાવણહાર સૂર્યનારાયણ ભગવાને ક્ષિ‍તિજેથી ઉંચકાઇને ઉપર ડોકું કાઢ્યું કે રણછોડે દાતરડું, પાવડો, કોદાળી, તગારા જેવા નીંદામણના ઓજારો, સાધનો, સાંતીસંચા ગાડામાં નાખ્‍યા. અને ઠેકડો મારીને અંદર બેઠો કે રોજની જેમ ટેવાયેલા કાળિયા અને ધોળિયાએ ડગલું ભર્યું. ઓણસાલ ખૂબ વરસાદ પડ્યો હતો અને એનો હરખ દરેક ખેડૂતના હૃદય માં હતો. એ હરખ આજ રણછોડના હૈયા વાટે થઇને હોઠ ઉપરથી નીકળી પડ્યો. ગાણાં રૂપે : ‘‘એ… તમારા દલડાં ને વારો, મારા રે સમ માળોજી રે… તમારા રૂદિયાને વારો મારા રે સમ માળો જી રે…‘‘

પણ ગાડુ પાદર થઇને વાડીના રસ્‍તે ચડ્યું કે રણછોડે કાંઇક અનોખું કૌતુક દીઠું. : વરસોથી અપૂજ એકાકી રહેતી સુખિયા હનુમાનજીની દેરીએ કોઇ જોગી બેઠો હતો. રણછોડ આ મૂર્તિને તાકી રહ્યો. : ‘‘આ વળી કોણ?‘‘ જટાજુટ દાઢી, જટા, ભગવા કપડા, કપાળમાં ત્રિપુંડ, અર્ધખુલ્‍લો દેહ, ડાબે ખભ્‍ભે જનોઇ, ગળામાં રૂદ્રાક્ષની માળા… જીણી પણ તગતગતી આંખો… રણછોડ ગાડાને સંન્‍યનસી પાસે લઇ જઇને હાથ જોડીને બોલ્‍યો: ‘‘અલ્‍લખ નિરંજન બાપુ… ‘‘

‘‘અલ્‍લખ નિરંજન… ભાઇ‘‘ બાપુએ દાઢીમૂછ જટા ઉપર હાથ પસવાર્યો કે રણછોડ ચમક્યો : ‘‘અરે, આ અવાજ તો ક્યાંક સાંભળ્યો હોય એવું લાગે છે.

‘‘બાપુ… કયાં રહેવા?‘‘

જવાબમાં બાપુ હસ્‍યા: ‘‘ભાઇ સાધુના શું નામ, ને સાધુના શું ગામ? સાધુ તો ચઇલતા ભલા…‘‘

‘‘અરે હોય બાપુ… ક્યાંકને ક્યાંક તો એનું નામ ઠામ ઠેકાણું હશે જ ને! કોઇ મા એ તો એને જનમ આપ્‍યો હશેને? કોઇ ગામ તો એની જનમ ભોમકા હશેને?.. આપણે મનુષ્‍ય અાભમાંથી થોડા અવતર્યા છીએ?‘‘ જવાબમાં બાપુએ ઊંડો ફળફળતો નિશ્વાસ નાખતા કહ્યું : ‘‘હા ભાઇ, એ ખરું. પણ આ સાધુ થયા પછી જૂના સગપણો બધા શરીર ઉપરથી લૂગડા બદલાય એમ ઉતરી જાય. આત્‍મા જેમ શરીર છોડે એમ મા-બાપ, ભાઇ-બેન, ગામ-વતન, ભાઇ-ભેરું બધું છૂટી જાય. હવે શું ભાઇ, શું ભોજાઇ? શું મા, શું બાપ?‘‘

‘‘ ઠીક સારૂ લ્‍યો…‘‘ રણછોડે કહ્યું : ‘‘પણ એક વાત તો ક્યો?‘‘

‘‘બોલો ભાઇ.‘‘

‘‘કે બાપુ, મને એમ કેમ થાય છે કે મેં તમને ક્યાંક જોયા છે, તમારો અવાજ સારી પેઠે સાંભળ્યો છે… ક્યાંક મળ્યા છીએ.. એમ કેમ લાગતું હશે?‘‘ જવાબમાં બાપુ હસ્‍યા : ‘‘એ તો એવું છે ને કે આ ભવની નહીં તો ઓલ્‍યા ભવની ઓળખાણ હોય! ક્યારેક આપણને સાવ અજાણ્યું અંગત લાગવા માંડે.‘‘  ‘‘ના.. ના.. બાપુ, એમ તો સાવ નથી પણ અેવું થાય છે કે…‘‘ અને અચાનક રણછોડની તીક્ષ્‍ણ નજર બાપુના જમણા હાથના ખભાની નીચે ગઇ તો ભગવી શાલની નીચે એક ‘ઓળખ‘ પ્રગટ થઇ ચૂકી હતી. તે હતું કાળું લાખું! અને એ લાખું બદરી ને હતુ. અને બદરી લગન થયાને ચોથે દિવસે નવી નવેલી નવોઢાને મૂકીને આજથી બાવીસ વરસ પહેલા ભાગી ગયો હતો. રણછોડે એ લાખું ધ્‍યાનથી જોયું અને પછી નજરમાં તીક્ષ્‍ણતા ભરીને અવાજમાં દબાવ આપીને પૂછ્યું :‘‘તું લક્ષ્‍મીશંકર કાકાનો બદરી છો. સાચું કે નહી?‘‘

અને મૂર્તિ સજ્જડ થઇ ગઇ. કશું બોલી શકી નહી. રણછોડ નજીક આવ્‍યો. અને ફરી પૂછી બેઠો: ‘‘એ બદરી, કે જે લગનનાં ચાર દિવસ પછી જ સાવ ફૂલડાં જેવી નવીનવેલી  વિદ્યાભાભીને મૂકીને જતો રહ્યો એ બદરી… સાચું બોલ, તું બદરી જ છો ને?‘‘

અને બદરી ઝૂકી ગયો : ‘‘હા… રણછોડ, હું એ જ બદરી છું. અને આજ વીસ બાવીસ વર્ષે જનમભોમકાના ઝાડવાં જોવા આવ્‍યો છું. પણ રોકાવાનો નથી. પગપાળા નીકળ્યો‘તો, પડખેના ગામથી સીધો રસ્‍તો હતો જ. અમારો સંઘ પણ સાથે હતો પણ આપણી પડખેના ગામેથી આ કાળિયા ડુંગર ઉપર બેઠેલી જોગમાયા ચામુંડાનાં મંદિરની વાવટા જેવી ધજા ફરકતી દેખાણી કે રહી ના શક્યો, અને સંઘને છોડી, હિમાલયનો રસ્‍તો છોડી આ બાજુ વળી નીકળ્યો. ગમે તેમ તોય પામર મનુષ્‍ય…‘

‘‘તો સારૂ કર્યું ને બદરી એમાં તેં કંઇ ખોટું જરાપણ નથી કર્યું. અને હવે આવ્‍યો છો તો ગામના સહુને મળી ને જ જાજે. પછી ક્યારે આવીશ, કોને ખબર? અને ભાઇ, આપણે તો સરખે સરખા ભાઇબંધ. ટાણે, અવસરે, પ્રસંગે, તહેવારે અને આવા ચોમાહે તો તું અમને સૌને ખૂબ યાદ આવ્‍યા કર્યો છો. બાળપણમાં ખોડિયાર વાળા ધરા ઉપરની ભેખડેથી આપણે કેવા ધૂબકા મારતા હતા! ઇ ખબર છે ને?‘‘

‘‘હા ભાઇ… ઇ તો કેમ ભૂલાય જ તે?‘‘ કરતાં ‘ભાવગીરી‘ બનેલા બદરીએ હૃદયના ઉદ્દ્ગાર કાઢ્યા.

‘‘તો લે ભાઇ.. હું ગાડુ પાછુ વાળુ છું. હવે તારી પધરામણી કરાવું છું.‘‘

‘‘ના ભાઇ ના રણછોડ, હું આજનો દિ‘ આ સુખિયા હનુમાનજીની સાંખે વિતાવીશ અને કાલ સવારે નીકળી જઇશ. કેમકે સંઘ અહીંથી તેંત્રીસ કિલોમીટર દૂર વલ્‍લભીપુરની સીમમાં રોકાવાનો છે બે દિવસ. અને હું એમની ભેગો થઇ જવા માંગુ છું.‘‘

‘‘હવે ગયાને ખાધા! વલ્‍લભીપુર ક્યાં આઘુ છે? ઇ તો મારો છોકરો તને ફટફટીયા ઉપર મૂકી જશે. હમણાં આવ્‍યો છો તો બે દિ‘ રોકાઇ જા…‘‘

‘‘પણ અહિંયા જ… કોઇના ઘરે નહીં‘‘  બદરીએ કહ્યું.

‘‘સારુ, અત્‍યારે અહીયા બેસ. પણ હું ઘરે જાઉ અને તારું બપોરનું જમવાનું તૈયાર કરાવું અને ગામવાળાને પણ કહું ને કે લક્ષ્‍મીશંકર ગોરનો બદરી આ જ આવ્‍યો છે..‘‘

*     *    *

વાત તો ફૂલની ખૂશ્‍બુ પેઠે સઘળે મહેકી વળી. વહેતો વાયુ બધે આ વાત કહેતો ફરી વળ્યો, થોડી વારમાં તો અબાલ વૃધ્‍ધ સૌ ટોળે વળીને, હડીયાપાટી કરતા સુખિયા હનુમાનજીની દિશા તરફ દોડવા લાગ્‍યા… વર્ષોથી એકાકી હનુમાનજીની દેરીએ આજ લોકમેળા જેવી હકડેઠઠ જામી ગઇ. લોકો રૂપિ‍યા પૈસા, ફૂલ, શ્રીફળ, કંકુ સાકર, અબીલ ગુલાલ, ફૂલ ફળ.. જે હાથમાં આવ્‍યુ તે ભાવગીરીના પગમાં મૂકી ઝૂકી ઝૂકી લળી લળી પગે પડી રહ્યા… બે દાયકા ગામ છોડ્યાને થયા હતા પણ ગામલોકોનો પ્રેમ જોઇ બદરી લાગણીથી પીગળી ગયો. એ આંખથી નીતરી રહ્યો… નવી પેઢી ભલે તેને ઓળખતી નહોતી પણ પોતાના પ્રત્‍યેના એ પેઢીની લાગણી અને પૂજ્યભાવ અછાના ન રહ્યાં. યુવાનો યુવતીઓ સૌ કોઇ પગમાં પડી પોતાના આશિર્વાદ પામીને ધન્‍યતા અનુભવી રહ્યા હતા. તો પોતાની મા-બાપની ઉમરના વડીલો પણ તેને પગે પડતા હતા. ગામના સરપંચ લાલુભા દરબાર, હઠુકાકા મુખી, રામુદાદા, કાશીરામ મહારાજ, જેશંકર દાદા, ગુલાબગીરી બાપુ, હનુકાકા લખાણી, સીધરમામા, દાસકાકા… આ બધા પોતાના બાપની ઉમરના હતા અને તેઓ પણ હવે પોતપોતાના ઘરે પધરામણી કરવા ક્યારનાય વિનંતી કરી રહ્યા હતા. સુખિયા હનુમાનજીની દેરીએ અઢળક માનવ મેદની જામી ગઇ હતી. સવારના પહોરમાંથી જ….

*     *    *

દસેક વાગ્‍યા એટલે બાજરાની એક ચાનકી, બે રીંગણાનું શાક બનાવીને પાર્વતીબા ને થયું કે પડખે લખમણને ત્‍યાંથી છાશ લેતી આવું. એટલે મોતિયા ઉતરાવ્‍યા પછીના નંબરના ચશ્‍મા પહેરીને ધીરે ધીરે ખડકી ઉઘાડીને શેરીમાં આવ્‍યા. પણ શેરી સાવ સુની હતી. કોઇ અવરજવર નહોતી. એ ધીરેધીરે લખમણના ડેલે ગયા તો ડેલે તાળુ હતુ. :‘‘અરે, આવડા આ અત્‍યારના પહોરમાં ક્યાં ગયા હશે વળી?‘‘ બબડતા તેઓ અરજણના ઘર તરફ વળ્યા. તો ત્‍યાંય નાની વહુ સિવાય કોઇ નહોતું. : ‘‘અરે વહુ, તારા ઘરના બધા ક્યાં ગયા છે?‘‘ કરતા પગથિયે બેસી પડ્યા. :‘‘લખમણના ડેલે ય તાળુ છે.તો થયું કે તારે ત્‍યાંથી પાવળું‘ક છાશ લઇ આવું.‘‘ નાની વહુએ છાશની તપેલી ભરી દેતા કહ્યું: ‘‘બા, ગામ આખું સુખિયા હનુમાને ગયું છે. કહે છે કે વર્ષો પહેલા ગામ છોડી બાવા થઇ ગયેલા ભાઇ આજ પાછા આવ્‍યા છે. અને સુખિયા હનુમાને બેઠા છે. મારા સાસુ-સસરા, જેઠ-જેઠાણી છૈયા છોકરા લઇને બાપુને પગે લાગવા ગયા છે. હું આ ઢોરનું વાસીદુ કરવાનું બાકી હતુ તે નથી ગઇ..‘‘  ‘‘પણ વર્ષો પહેલાનો કોઇ ભાઇ બાવો બનીને .. આજ પાછો…‘‘ એ શબ્‍દે પાર્વતી બા નું ચિત ચકરાવે ચડ્યું : ‘‘કોણ, મારો બદરી તો નહીં હોય?‘‘

તપેલી ઘરે મૂકી પણ રહી ન શક્યા. ખેંચાણ એમને દેરીના રસ્‍તે લઇ ગયું. ધીરે ધીરે કૃશ પગલે .. પણ આ શું? અહીંતો કીડિયારું ઉભરાણું હતું. એ જેમ તેમ રસ્‍તો કરી એ મૂર્તિ સુધી પહોંચવાના વલખાં મારી રહ્યા પણ.. કામિયાબ ન નીવડ્યા. યુવાન છોકરાઓના ધક્કા તેમને વાગતા હતા. વહુઆરૂઓ કહેતી હતી : ‘‘ડોશીમા… આઘા હટો નહિંતર આ ઉમરે હાથપગ ભાંગશે તો ચાકરી કોણ કરશે તમારી?..‘‘

છતા એ ભીડને વીંધવાનો પ્રયત્‍ન કરી રહ્યા કે એક હડદોલો આવ્‍યો.. સીધા ભીડની બહાર…!

તેઓ પાછા વળ્યા. રસ્‍તે કટલાક બુઝુર્ગો મળ્યા. બોલ્‍યા: ‘‘માડી, જઇ આવ્‍યા? દર્શન કરી આવ્‍યા બાપુના? એ ભીની આંખે એ બુઝુર્ગોને તાકી રહ્યા અને પછી ચાલતા થઇ ગયા…

 

‘‘બહુ મજા આવી રણછોઙ.. તારા ઘરે જમવાની! આટલા વર્ષે? કેટલા વરસે?‘‘ બપોરે આખા રીંગણાનું શાક અને બાજરીના રોટલાનું ભોજન લઇને રણછોડે બાપુને કહ્યુ: ‘‘હા બદરી, મારું આંગણુંય પાવન થઇ ગયું. પણ હવે હાલો તમારા દર્શનથી પાવન થવા વાળા બીજા ઘણાય લોકો છે જે મારા ફળિયામાં ક્યારનાય રાહ જુએ છે…‘‘ અને ભાવગીરી બનેલા બદરીને રણછોડ પાછલી પરસાળ સુધી દોરી લાવ્‍યો. બદરી પાટ ઉપર બેઠો અને લાઇનમાં ગોઠવાળીને એક પછી એક આવતા દરેક સ્‍ત્રી પુરૂષને હાથ ઉંચો કરી ‘‘શુભસ્‍તં.. સુખસ્‍તું‘‘ નો આશિર્વાદ આપતો રહ્યો પણ… અત્‍યાર સુધી ન દેખાયા પિતાજી, માં કે નાની બેન. છેક દિ‘ આથમ્‍યે હૈયાની વાત બહાર પ્રગટી: ‘‘રણછોડ, મારા બાપુજી, મા, નાની બહેન.. મારી-‘‘

‘‘બદરી..‘‘ રણછોડે તેની પીઠ ઉપર હાથ પસવારતા કહ્યું: ‘‘હવે કોઇ નથી. વિદ્યાભાભી બિચારી પૂરા ત્રણ વર્ષ સુધી તારી રાહ જોઇને બેઠી રહી. પછી એના માવતર તેને તેડી ગયા. તારી નાની બહેન હંસાના તો પછી હાથ પીળા કરી દીધા અને લગનનો ખર્ચો ય ગામલોકોએ જ ભોગવ્‍યો. તારા બાપુજી તો હંસાના લગનના બીજા વર્ષે જ દેવ થઇ ગયા… હા, એક તારી બા… છે. જે આયખાને ઉંબરે પહોંચી ગયા છે.‘‘

‘‘ઓહ.. મને તેં બધુ અત્‍યારે કહ્યું.‘‘

‘‘તને દુ:ખ લાગેને ભાઇ એટલે. અને આમ પણ તેં કહ્યું કે હવે શા સગપણ? હવે શી સગાઇ?  એટલે ન કહ્યું.‘‘

‘‘પણ મારે મારી માને મળવા જવું છે…‘‘

‘‘ચાલ…‘‘

*     *    *

દિ‘આથમ્‍યા પછી દિવાબતી કરીને પાર્વતીબા વાળુ પાણી કરીને સૂઇ જવા વિચારી રહ્યા હતા પણ આજ મનનું પંખી ડાળે બેઠું નહોતું. સવારથી ચિતડું ચકડોળે ચડ્યું હતું.: ‘‘કોણ હશે એ? ક્યાંક મારો બદરી તો નહીં હોય ને?‘‘

પાર્વતીમાંની આંખોમાંથી બદરીનું ઘેરું સ્‍મરણ હૈયાને અત્‍યારે પણ હલબલાવી ગયું. અને આંખમાંથી આંસુ નીતરી રહ્યા… બરાબર ત્‍યાં જ ખડકીનું કમાડ કિચુડાટ કરતું ખુલ્‍યું. જાણે વર્ષો પહેલાના બંધ થઇ ગયેલા બંધિયાર જીવતર ના ખંડેરના દરવાજા ખૂલ્‍યાં. એમનો કૃશ ચહેરો અને આંખો ખડકીની દિશામાં સ્થિર થયા તો એક ભગવી કંથામાં એક સંન્‍યાસી અને પાછળ ગામનો જાણીતો જણ…

પણ એ જ ચાલ, એ જ શરીર, એ જ હાવભાવ.. ‘‘ બદરીઇઇ… ‘‘ પર્વતી મા ના ગળામાંથી લાગણીનો ધોધ વછૂટયો.

‘‘હા.. મા હું બદરી..‘‘ બદરી એટલું બોલતા માંતો જાણે ઢગલો થઇ ગયો મા ના ચરણોમાં! વર્ષો પછીના મા દિકરાના મિલનથી સૌ કોઇની આંખો ભીંજાઇ રહી… ડૂસકાં ભરતા બદરી બોલતો હતો : ‘‘મા, ચારધામ ફર્યો, અડસઠ તીરથ ફર્યો, દેરા દેરીએ દર્શન કર્યા અને પીરપાળિયા પૂજ્યા… પણ ક્યાંય શાંતિ ન મળી મા !!! બસ એક આ તારા ચરણ.. એ જ મારા માટે હવે સાચું તીરથ… મા ! મારી મા એજ મારો ભગવાન… મારી મા એજ મારો સાચો આત્મસાક્ષાત્‍કાર… મા! તું જ તેજ છો. તું જ તત્‍વ છો. તું જ મારો ઇશ્વર છો.

લેખક : યોગેશ પંડ્યા 

રોજ રોજ નવી વાર્તાઓ તમારા મોબાઈલમાં વાંચવા માટે આજે જ અમારું પેજ : ” જલ્સા કરોને જેંતીલાલ” લાઇક કરો 

ટીપ્પણી