યે જો દેશ હૈ મેરા – ૧૬ મી ઓગસ્ટે ખાસ વાંચવું અને વિચારવું !!

કાલે પંદરમી ઓગષ્ટ હતી. ભારતનો એકોતેરમો સ્વાતંત્ર્ય દિવસ ! 1947માં આ જ દિવસે આપણે આઝાદ થયા હતા. નવું, પણ ખંડિત ભારત બન્યું હતું. રખે મને કોઈ ઇતિહાસનો અભ્યાસી સમજી લેતાં. આપડે તો સાવ નાના માણસ ! આ બધી વાતોની ખબર રાખવા જેટલી મગજમારી કોણ કરે ! આ તો સવાર સવારમાં વ્હોટ્સએપ અને ફેસબૂક પર આંખો ધખાવીને સ્ટેટસો વાંચ્યા, ત્યારે બ્રહ્મજ્ઞાન લાધું. કઈ રીતે ક્રાન્તિકારીઓએ આઝાદી માટે સંઘર્ષ કર્યો, શહીદી વહોરી એના એકાદ-બે લેખ વાંચ્યા. થોડી વાર તો જોશ-જોશમાં વંચાઈ ગયું, પણ પછી જરા કંટાળા જેવું લાગવા માંડ્યું એટલે લેખ અધૂરો મૂકીને બીજા નમૂનાઓની પોસ્ટ જોવા માંડ્યો. પણ આ શું !?

બધાની ટાઇમલાઈન પર તિરંગો, દેશભક્તિની શાયરીઓ ને ગીતો અને બીજી એવી જ કેટ-કેટલીય પોસ્ટ હતી. આપણને મૂકીને એક જ રાતમાં બધા (ઓલી લવલી પ્રિયા, એંજલ પૂજા જેવી ફેક આઈડી વાળા ટણપાઓ પણ !! ) દેશભક્ત થઇ ગયા બોલો ! સાલ્લું, તો તો આપડે પણ કઈંક મૂકવું જોવે હોં ! મનમાં ‘આજ કુછ તૂફાની’ કરવાનું નક્કી કરીને બંદો વહેલી સવારની મીઠી નીંદર માણવાની તૈયારી કરતો જ હતો, કે એલાર્મ વાગ્યું… એલાર્મ ઘડિયાળ વાળું નહીં, મારા સાસરેથી આવેલું, મેડ ફ્રોમ સાસુજી-સસરાજી વાળું !

” એય, ઝટ ઉઠો ! ચીંટુને શાળાએ લઇ જવાનો છે. આજે એની શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ છે. ”

ચંડીનો હુકમ સર આંખો પર ! ના માનીએ તો મહાભારત ઉભું કરી નાખે. હશે, કજિયાનું મોં કાળું, કહીને આપડે મન મનાવ્યું.. (બીજું હું થઇ શકવાનું હતું !)

કાર્યક્રમનો સમય સવારે આઠ વાગ્યાનો હતો. આવડું વહેલું તે કંઈ ધ્વજવંદન કરાતું હોય યાર ? એમાં આ વખતે સાતમ-આઠમ પણ ભેગા ! એક તો સાતમની આખી રાત આપડે શકુનિમામાના આજ્ઞાંકિત શિષ્ય બનીને, પત્તા ટીચીને થાક્યા હોઈએ, સાતસો રૂપિયા હારી પણ ગયા હોઈએ, ને એમાં સવારે કોઈ વહેલું ઉઠાડીને આમ ફિલ્ડીંગ ભરાવે, તો કેવું લાગે !! ખેર, ઘરે રહીને શ્રીમતીજી સાથે શોએબ અખ્તરવાળી કરવા કરતાં દીકરાને લઈને શાળાએ જઈ આવવું સારું !

સાડા સાતે અમે નીકળી પડ્યાં. આઠમા પાંચ બાકી હતી, ત્યારે પહોંચીને જગ્યા સંભાળી લીધી. આઠ ના સાડા આઠ થયા ત્યારે સાહેબોએ કાર્યક્રમ શરુ કર્યો. સમયના કેવા પાબંદ !! ઘસાયેલી, પીટાયેલી, નિરસ, જુસ્સાવિહીન ભાષણબાજી પછી તિરંગા ઝંડાને સલામી અપાઈ. રાષ્ટ્રગીત ગવાયું, વિધાર્થીઓએ પોતપોતાની કૃતિઓ રજૂ કરી. આપડો (મતલબ અમારો) ‘સિંહ પુત્તર’ ભગતસિંહ બન્યો હતો. કોઈક પીચરના બે-ત્રણ જોરદાર ડાયલોગ તેણે ચિપકાવી દીધા. તાળીઓનો ગડગડાટ થયો અને મારી છાતી ગજગજ ફૂલીને છપ્પન ઇંચની થઇ ગઈ.

કાર્યક્રમ પૂરો થયો. વિધાર્થીઓમાં ચોકલેટ્સ વંહેચાઈ. ( હમારે જમાનેમે તો સાટાની મીઠાઈ વહેંચાતી. મીઠાઈની લાલચે જ અમે રજાના દિવસે પણ શાળાએ જવા હોંશે હોંશે તૈયાર થતાં !! ) દીકરાને લઇ હું ઘેર જવા નીકળ્યો. પછી યાદ આવ્યું કે ઓલી ‘તૂફાની’ કરવાની તો રહી ગઈ. હવે શું કરવું ? મગજને વિચારવાની તસ્દી અપાઈ જ રહી હતી કે સામેથી રાષ્ટ્રધ્વજ વેચતા એક પંદરેક વર્ષના કિશોર પર મારી નજર પડી. જલ્દીથી બાઇક ભગાવી મૂક્યું, તે જઈને સીધું એના પગ પાસે જ ઉભું રાખ્યું. બિચારો ડઘાઈને જરા પાછળ ખસી ગયો.
” એ છોકરા ! આ ઝંડાના કેટલા છે ? ” એક તિરંગો હાથમાં લઇ મેં પૂછ્યું.
” સાહેબ એકના દસ ! ”

” આવડા મોંઘા ! ત્રીસના ચાર આપીશ ? ”
” સાહેબ ના પોહાય ! ” તેણે જરા દયામણું મોઢું કરીને કહ્યું.
” ઠીક છે, આજે તારો દિવસ છે બચ્ચુ ! આપી દે હાલ, ચાર આપી દે. ”
પેલો તો રાજી થઇ ગયો. તરત ચાર મસ્ત ફરફરતા તિરંગા તેણે કાઢી આપ્યા. મેં બે મારા ભૂલકાને પકડાવ્યા અને બે મારી બાઈકના મિરર પાસે ખોડયા. પેલાં લઘર વગર કપડાંવાળા છોકરા સાથે એક સેલ્ફી લઇ લીધી. દેશ માટે કોઈ મોટું પરાક્રમ કરી નાખ્યું હોય, એવી લાગણી થવા માંડી. ગદગદ થઈને આપડે તો પહોંચ્યા ઘેર ! દીકરાને ઉતારીને જરા માવા પાર્ટી કરવા મનુ પાનવાળાની કેબિને જઈ શાહી સવારી થોભાવી.
” વટ પડી ગયો તમારો તો મૌલિકભાઈ ! ગાડી પર તિરંગો શોભે છે હોં ! ” મનુ એક પાન પર ચૂનો ચોપડતે ચોપડતે બોલ્યો.

” છે ને ? તો પછી ! ચાલ, હવે કાચી પાંત્રીસનો માવો બનાઈ આલ. ” મેં ગર્વિલા અવાજે વાક્યનો પ્રાસ બેસાડીને કહ્યું.

એક માવો ખાઈ, ત્રણ પાર્સલ બંધાવીને ઘેર આવ્યો ત્યારે દોઢેક વાગ્યા હતા. જમી પરવારીને કંઈ ખાસ કામ ન હતું, એટલે ટી. વી. ચાલુ કરી. પણ એમાંય એ જ ! બધા સમાચાર ચેનલ પર પહેલા ક્યારેય ન જોયેલા થોબડાવાળા ‘અવનવા’ નેતાજીઓના દેશભક્તિથી ભરપૂર ભાષણો આવી રહ્યા હતાં. પીચરો પણ બધી એવી જ ! આખરે સમાચારમાં એમના નકલી રોદણાં અને દંભી પ્રામાણિકતા જોવા કરતાં અભિનેતાઓના અભિનય પર પસંદગી ઉતારી…. વિચાર આવ્યો કે ફેસબૂક પર એકાદ પોસ્ટ મૂકીને મારી દેશભક્તિ બતાવું. મસ્ત બે-ત્રણ લાઈનો ગોતી અને સાથે ઓલી સેલ્ફીવાળો ફોટો પોસ્ટ કરીને દેશપ્રેમ છલકાવી દીધો. લાઇક્સ પર લાઇક્સ આવવા માંડી. બસ આપડી પંદરમી ઓગષ્ટ ઉજવાઈ ગઈ ! બબ્બે તહેવાર હોય, એટલે બપોર સુધી પંદરમી ઓગષ્ટ અને બપોર પછી જય મુરલીધર ! દેશ માટેના, આવા થોડા ઇમોશનલ ટાઈપના તહેવારો આમેય આપણને વધુ વાર મજા ન કરે !!

રાતે મેળામાંથી આવીને દોસ્તારો સાથે ફરી થોડીવાર જમાવટ થઇ. મોટી મોટી રમતો રમાઈ અને બંદો ફરી સાડા આઠસો હારી ગયો. હવે રમવું જ નહીં, એવું નક્કી કરીને હું ઉભો થયો. ઘેર જતી વખતે જોરદાર પવનને લીધે એક તિરંગો ઉડી ગયો. દેશભક્તિ અડધી રાખવા કરતા ન રાખવી સારી…. એટલે ગાડી ઉભી રાખી, આજુબાજુ સૂમસામ માહોલ જોઈ, દૂર અંધારા ખૂણામાં બીજા તિરંગાને પણ મૂકી આવ્યો. ના, મેં કચરામાં નહોતું નાખ્યું… બસ, સમ્માન કે સાથ પોતાનાથી દૂર કર્યું, પછી એનું જે થવાનું હોય તે થાય, એના નસીબ….!!!!

ગુસ્સો આવ્યો ? મેં આમ કહ્યું, ગુસ્સો આવ્યો ? આ વંચાતું હશે ત્યારે એકાદ દિવસની દેશભક્તિની થોડી ઘણી અસર હજી જીવંત હશે, તો જરૂર આવ્યો હશે ! કરો, બિન્દાસ કરો, પણ એકવાર પોતાની જાતને પૂછી લેજો, શું આવી જ વિચારધારા દરેક મધ્યમવર્ગીય પિતા-પતિ-પુત્રની નથી ? છે જ ! શું આ એક નાનકડા પ્રસંગમાં ક્યાંક ને ક્યાંક તમને પોતાપણું ન લાગ્યું ? જાણે તમારી પોતાની જ વાત થઇ રહી હોય એવી લાગણી ન થઇ ? જવાબ ના માં હોય, તો પણ બડે દુઃખ કે સાથ કહેવું પડે કે તમે હજી પોતાનાથી દગાબાજી કરી રહ્યા છો ! સ્વાતંત્ર્ય દિને અને ગણતંત્ર દિને દરેક નાગરિક દેશભક્ત હોય છે (કે હોવાના નાટક કરે છે ! ) પણ બીજા દિવસે ફરી એ જ ઘરેડમય જિંદગી. કોનો વાંક ? એક રીતે બધાનો અને એક રીતે કોઈનો નહીં ! વર્ષોથી ગુલામી ભોગવી છે ને બકા, એટલે બીજાના હુકમોને “ જી હુજુર ” કહીને અનુસરવાની આપણી આદત થઇ ગઈ છે.

એમાં ખોટુંય શું છે ? અમીરો, નેતાઓ જલસા કરે, ગરીબો લાભ મેળવી જાય, પીસાય કોણ ? આપણાં જેવા, મહેનત કરીને કમાવવા વાળા ! ન ઘરના, ન ઘાટના બનીને પણ નોટબંધીને આપણે કોઈ વિરોધ વગર સ્વીકારી લીધી, જીએસટીને દિલથી આવકારી, પૂરેપૂરી ત્રેવડ ન હોવા છતાં રાંધણગેસની સબસિડી છોડી દીધી… એક નાગરિક તરીકે એટલું પૂરતું તો નથી, પણ સંતોષકારક તો કહી જ શકાય ને.. બદલામાં આઝાદીના સિત્તેર વર્ષોમાં શું મળ્યું ? અનામતનો ઢોંગ રચાવીને તેજસ્વી વિધાર્થીઓને અન્યાય, બહેન-દીકરી સાથે દુર્વ્યવહાર કરનાર કોઈ વગદાર ગુંડા સામે કાયદાની નિ:સહાયતા, સરહદ પર ખડેપગે ઉભા રહેતા સિપાહીઓની વગર ગુનાએ શહીદી… રાજ્યો અને સંઘ ( આરએસએસ નહીં ! ) વચ્ચે કાયમી ઝઘડાઓ, વિરોધપક્ષોની દરેક મુદ્દામાં ટાંગ અડાવવાની બેશરમ વૃત્તિને લીધે સંસદની અકાર્યક્ષમતા !! આ બધાથી કોને નુકસાન થાય છે ?

અલબત્ત આપણને સૌને જ… વાત કયા પક્ષની સરકાર છે એના પર આધારિત નથી. પણ કહેવત છે ને કે ચોરના ભાઈ ઘંટી ચોર ! સરકારો કાર્યક્ષમ નથી એવું કહેવાનો તો જરાય મતલબ નથી, પણ કામ કરવાની ઈચ્છા કેટલી સરકારોએ દર્શાવી છે ? બહુ જૂજ ( જેમાં સદનસીબે આ વખતની સરકાર પણ આવી જાય છે. ) પણ મૂળભૂત સમસ્યાઓ તો હજી પણ અકબંધ જ રહી છે ને..!

ભ્રષ્ટાચાર દૂર થયો ? ના..
કાળુનાણું પાછું આવ્યું ? ના…
જાતિગત ભેદભાવ દૂર થયા ? ના….
દેશવાસીઓમાં રાષ્ટ્રવાદી ભાવનાઓનો ઇચ્છીત વિકાસ થયો ? ના….
ધર્મનિરપેક્ષતાના નામે ચાલતા ઢોંગ બંધ થયા ? ના…..
અનામતના નામે ચાલતી વોટબેંકની રાજનીતિ દૂર થઇ ? ના….

આ બધા મૂળભૂત પ્રશ્નો છે.. અને જો એમનો જવાબ ના માં હોય, તો સમજવું કે આધુનિક આઝાદીનો પાયો જ નબળો છે, અને નબળા પાયા પર બનેલી સમાજવ્યવસ્થા દેશને સુપરપાવર ન બનાવી શકે. હરગીઝ ન બનાવી શકે.. ખોટું લાગ્યું ? ખોટું લાગ્યું હોય, તો માફ કરજો સાહેબ ! ( આપડો સ્વભાવ ઓલા ધૂલા જેવો નથી, એટલે એના જેમ અઠ્ઠે… વાળું ડાયલોગ ન બોલી શકાય. ) પણ આવા વાતાવરણમાં દેશનો એક મીડલક્લાસ માણસ એનાથી વધુ સારું કેમ વિચારી શકે ! પ્રચાર-ગેરપ્રચાર, સારા-નરસા, દેશભક્ત-દેશદ્રોહી, આ બધાને ઓળખવામાં મૂંઝવણ જ એટલી છે, કે ભૂલે ચૂકે પણ આના વિશે વિચાર કરતાં કરતાં માથું ચકરાય, તો દુખાવાની ગોળી ખાધા સિવાય આરો ન આવે !

આપણી દેશભક્તિ તારીખોમાં એટલા માટે જ જાગે છે, કારણકે આપણી આદત જ એવી પાડવામાં આવી છે. જો આ ભાવના એવરગ્રીન હોત, તો તો આજે આપણે ઇઝરાયેલ કે બ્રિટન ન હોત ? આગળ પણ નેતાલોગની કૃપાથી આવી જ સ્થિતિ રહેવાની છે…. બસ, આ જ કારણ છે, કે આપણે અહીં છીએ.

જ્યાંનો રાજા વેપારી, ત્યાંની પ્રજા ભિખારી ! અહીંના રાજાઓ તો અભણ પણ ખરાં ! કેટલાય વર્ષો સુધી મહેનત કરીને, હજારો ચોપડાઓ, થોથાઓ ભણીને એક માણસ આઇ.પી.એસ કે આઈ.એ.એસ બને છે, અને છેવટે એક અભણ નેતાની સહી થકી તેનું ટ્રાન્સફર થઇ જાય. પૈસાથી તેની પ્રામાણિકતા ખરીદાઈ જાય, એનાથી વધુ કરુણાજનક વાત શું હોઈ શકે !! કંઈ જ નહીં.. બસ, તો એવી શાસન પ્રણાલીમાં પ્રજા ફેસબૂક-વ્હોટ્સએપ પર સ્ટેટસ મૂકીને દેશભક્તિ જતાવવા સિવાય બીજું કશું કરવાની ન જ હોય.

આમાંથી ઉગરવાનો કોઈ ઉપાય ખરો ? ખરેખર ઉપાય જાણવા ઇચ્છુક છો ? દેશ માટે કેટલે સુધી બલિદાન આપવાની તૈયારી છે ? ચિંતા ન કરો, સરહદ પર નથી જવાનું. સરહદ પર તો ગીરના સિંહ સમા જાંબાઝો બેઠા છે, આપણે દેશની અંદર રહીને પ્લાસ્ટરીંગ કરવાનું છે. જે ક્ષેત્રમાં હોવ, ત્યાં જ કામ આરંભી દો… જો શિક્ષક હોવ, તો તમારા વિધાર્થીઓમાં રાષ્ટ્રવાદ જન્માવો. કલાકાર હોવ, તો દેશ માટે તમારી કલા અજમાવો. ડોક્ટર, એન્જિનિયર હોવ, તો વિદેશમાં જવાને બદલે દેશમાં રહીને અહીંના લોકોને પોતાની સેવાનો લાભ આપો. વેપારી હોવ, તો ટેક્સ સમયસર ભરો. સરકારી અધિકારી હોવ, તો પોતાની ડ્યુટી ખંતથી નિભાવો !! અને ખાસ વાત….

ગમે તે ક્ષેત્રમાં હોવ, પણ સંવિધાને મતાધિકાર તો બધાને આપ્યો છે ને, બસ એનો યોગ્ય ઉપયોગ કરતાં શીખો. શાસન કરવા લાયક કોઈ મુરતિયો ન મળે તો ‘નોટા’ બટન દબાવતા પણ ખચકાવું નહીં !! યાદ રાખજો, શાસન વ્યવસ્થામાં પરિવર્તન 4જી ની ઝડપે નથી આવતાં…. સમય લાગે છે, વર્ષો વીતી જાય છે, સતત, થાક્યા વગર પ્રયાસો કરવા પડે છે… જો આટલી રામાયણ માંડ્યા પછી પણ અસક્ષમતા દૂર કરવાની તૈયારી ન હોય, તો ગમે તેવા નાલાયક શાસકને વખોડવાનો તમને અધિકાર નથી… મહેનત ન કરવી હોય, તો ભોગવવાની તૈયારી રાખજો, બીજું શું…. જે ખરેખર કામ કરવા માંગે છે એમને કોઈ ફર્ક નથી પડવાનો… અમે અમારુ કાર્ય જારી રાખીશું.. ફિર જો હોગા, દેખા જાયેગા… જય હિન્દ, ભારત માતા કી જય.

લેખક : પ્રતીક. ડી. ગોસ્વામી

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી