દુનિયા – એક માની દ્રષ્ટિએ , વાંચો અદભૂત વાર્તા…..

“મમ્મી, તમને એક વારમાં ખબર નથી પડતી. એકના એક સવાલ શું દસ વાર પૂછ પૂછ કરો છો?” મારો છોકરો એટલો ગુસ્સામાં બોલ્યો કે હું શરૂઆતમાં તો ડરી ગઈ. આમ તો આવું પહેલી વાર નથી થયું, પણ અચાનક જ જેને હું મારી દુનિયા માનીને ચાલતી હતી, એ જ મને પ્રશ્ન પૂછવા મજબુર કરે છે

શું આવી જ છે મારી દુનિયા?’ એક માં નું હ્રદય તો હા જ પાડવાનું. પણ આ લાગણીઓ તો થોડી કોઈનાથી છુપી રહેવાની. આંસુની ધાર આવી ગઈ આંખ માંથી.

“બે યાર ! હવે આમાં શું રડવા જેવું હતું ? દર નાની નાની વાતે તું રડવા લાગે છે.” મારો છોકરો ફરીથી એના એ જ ગુસ્સામાં બોલ્યો.
આંસુઓથી રડતી આંખો અને વિંધાયેલી લાગણીઓ સાથે હું બોલી ઉઠી,

“એક માં તરીકે માન ક્યારે તું મને આપીશ !” “મમ્મી, હું માન તો આપું જ છું ને…પણ તમારા આ એકના એક સવાલથી મને IRRITATE થાય છે.”
“મને હજી એ યાદ છે એ દિવસ, જયારે તું અંગ્રેજીમાં IRRITATEનો સ્પેલિંગ દર વખતે ખોટો લખીને આવતો હતો. બહુ શીખવાડ્યો હતો એ સ્પેલિંગ. થોડો ઘણો માર પણ માર્યો હતો. પણ મને નહતી ખબર કે એ જ શબ્દથી તું ભવિષ્યમાં મને જ મારીશ.”

“તમને ૧૦ વાર મેં સમજાવ્યું છે કે મોબઈલમાં ફેસબુક વાપરવું હોય તો અહી ટચ કરવાનું. કમેન્ટ કરવી હોય તો અહી અને લાઈક કરવી હોય તો અહી ટચ કરવાનું. પણ રોજ સાંજે ઘરે આવું એટલે એકનો એક સવાલ ફરીથી…દર વખતે પૂછો, તો હું પણ કંટાળી જ જાઉં ને.”
“મેં પણ તને ગણિત આવી જ રીતે શીખવાડ્યું હોત ને, તો તું આજે એન્જીનીયર પણ ન બન્યો હોત.” મારી લાગણીઓથી ભરપુર જવાબ સામે મારો છોકરો પાછો પડ્યો.

“શું ભૂલ અમારી? તમને મોટા કરવામાં અમે તમને અમારી દુનિયા બનાવી બેઠા એ? કે પછી બદલાતા જમાના સાથે અમારો રાસ ન બેઠો એ?” મારી લાગણીઓ વહેવા લાગી.

“કોણે કીધું કે તું મને તમારી દુનિયા બનાવો ! મમ્મી, આ દુનિયા બહુ મોટી છે. એને મારા પુરતી સીમિત ન રાખો. પ્લીસ…આ બે હાથ જોડીને કહું ! ”

જવાનીના જોશમાં આપેલા એ જવાબને મેં ‘સારું, તું સાચો.’ કહી દીધું અને વાત ખતમ કરી દીધી પણ આ સવાલનો ખરો જવાબ, એમને જયારે એમના છોકરાઓ પૂછશેને , ત્યારે મળી જશે.

લેખક: યશ મોદી