રશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ સ્કીલ્સ કમ્પીટીશન 2019માં ભારતનો ડંકો ! પ્રથમવાર ભારતીય મહિલાએ આ ક્ષેત્રે જીત્યો મેડલ.

આજે વિશ્વ સ્તરે ભારતીય મહિલા એથલિટો ભારતનો વિશ્વમાં ડંકો વગાડી રહી છે પછી તે પીવી. સિંધુ હોય, માનસી જોશી હોય, મનુ બાકેર હોય, હિમા દાસ હોય કે પછી ભાવના ટોકેકર હોય. હવે ફરી એકવાર ભારતીય યુવતિએ વિશ્વસ્તરે ભારતીયોનું માથું ગર્વભેર ઉંચું કરી દીધું છે. જો કે આ વખતે કોઈ સ્પોર્ટ ફિલ્ડમાં નહીં પણ એક અલગ જ ક્ષેત્રમાં.

આજે વિશ્વસ્તરે વિવિધ ક્ષેત્રે ભારત પોતાની પ્રખર હાજરી નોંધાવી રહ્યું છે. પછી તે વિજ્ઞાન ક્ષેત્રે હોય અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે હોય કે પછી ટેક્નોલોજી ક્ષેત્રે હોય, ટેક્સટાઇલ ક્ષેત્રે હોય કોઈપણ ક્ષેત્રમાં ભારત કોઈ પણ દેશ કરતાં પાંછુ પડે તેમ નથી. દર વર્ષે વિશ્વ સ્તરે અનેક કૌશલ્યોને ધ્યાનમાં રાખીને વર્લ્ડ સ્કીલ્સ કમ્પીટીશનનું આયોજન કરવામાં આવે છે. જેમાં વર્ષે વર્ષે ભારત આગળને આગળ વધતું જઈ રહ્યું છે.

આ વખતે પણ ભારતે કુલ 19 મેડલો જીતીને આ સ્પર્ધામાં 13મો ક્રમાંક હાંસલ કર્યો છે. અને દરેક ભારતીયને ગર્વ અનુભવવાનો અનેરો અવસર આપ્યો છે. આ સ્કીલ્સ કમ્પીટીશનમાં ભારતે કુલ 48 ક્ષેત્રોમાં ભાગ લીધો હતો. જેમાં 19 ક્ષેત્રોમાં ભારતે પોતાના કૌશલ્યને પ્રદર્શિત કરીને મેડલો મેળવ્યા છે.

શ્વેતા રતનપુરા ભારતની પ્રથમ એવી મહીલા સ્પર્ધક બની છે જેણે વર્લ્ડ સ્કીલ્સમાં ભારતને મેડલ અપાવ્યું છે. આ સ્પર્ધાનું આયોજન કાઝાન, રશિયામાં કરવામાં આવ્યું હતું. અહીં તેણીએ ભારતને ગ્રાફીક ડીઝાઈનની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યું છે.

આ સ્પર્ધામાં કુલ 63 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તેમાં 1350થી પણ વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ પ્રકારની સ્કીલ્સ એટલે કૌશલ્યનો સમાવેશ કવરામા આવ્યો હતો. જેમાં ભારતનો મેડલ જીતવામાં 13મોં ક્રમાંક રહ્યો છે.

આ સ્પર્ધામાં ભારતે કુલ 19 ચંદ્રકો જીત્યા છે. જેમાં એક ગોલ્ડ, એક સિલ્વર બે બ્રોન્ઝ અને બીજા 15 શ્રેષ્ઠતા ચંદ્રકોનો પણ સમાવેશ થાય છે. આ પ્રસંગ નિમિતે ભારતીય સ્કીલ્સ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી તરફતી એક નિવેદન આપવામાં આવ્યું હતું. “કાઝાન, રશિયા ખાતેની વર્લ્ડ સ્કીલ્સ ઇન્ટરનેશનલ કંપીટીશન 2019માં 48 સભ્યોની ભારતીય ટીમે ભાગ લીધો હતો જેમાં કુલ 19 ચંદ્રકો જીતીને આંતરરાષ્ટ્રિય સ્તર પર ભારતે ગૌરવનું પગેરું જગમગાવ્યું છે ”

ઓડિશાની એસ અસ્વસ્થાએ વોટર ટેક્નોલોજીમાં ગોલ્ડ મેડલ, કર્ણાટકના પ્રણવ નુતાલપાટીએ વેબ ટેક્નોલોજીમાં સિલ્વર મેડલ, વેસ્ટ બેંગાલના સંજોય પ્રમાણિકે જ્વેલરીમાં બ્રોન્ઝ મેડલ અને મહારાષ્ટ્રની શ્વેતા રતનપુરાએ ગ્રાફિક ડીઝાઈનીંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

આ ઐતિહાસિક જીત સાથે ટીમ ઇન્ડિયાએ માત્ર મેડલ જ નથી જીત્યા પણ સાથે સાથે વિશ્વસ્તરે કૌશલ્યના નવા ધોરણો પણ સ્થાપિત કર્યા છે. છેલ્લી વખતે આ સ્પર્ધા 2017માં અબુ ધાબી ખાતે યોજાઈ હતી. તે વર્ષની સરખામણીએ આ વખતે ભારતે વધારાના બે મેડલ જીત્યા છે. તે વખતે ભારતે 11 મેડલ જીત્યા હતા અને 19મું સ્થાન મેળવ્યું હતું.

ભારતનું યુવાધન આજે હરણફાળે સમયની સાથો સાથ અને ક્યારેક તો સમયને હંફાવીને આગળ વધી રહ્યું છે. આજે વિશ્વસ્તરે ટેક્નોલોજીની બાબતમાં ભારતના કૌશલ્યની નોંધ લેવાઈ રહી છે. આશા છે કે આવનારા વર્ષોમાં પણ ભારત આ ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરી તેની રેંકમાં ઓર વધારે સુધારો કરે અને ધીમે ધીમે દેશને ટોચ પર લઈ જાય.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ