તમે તમારા ઘરમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે કેટલું ધ્યાન આપો છો? વાંચો અને વધુ ધ્યાન આપો…

વધારે નહીં, પણ ઍવરેજ વીસ મિનિટ જેટલી ઊંઘ સ્ત્રીને પુરુષ કરતાં વધુ જોઈએ છે. પરંતુ હકીકત એ છે કે આપણી સ્ત્રીઓને જરૂરી એવી ૮ કલાકની રાતની ગાઢ ઊંઘ મળતી નથી, જેને લીધે ઊંઘ-સંબંધિત પ્રૉબ્લેમ્સ અને રોગો પણ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સમજીએ કે સ્ત્રીઓને બીજું સુખ આપી શકીએ કે નહીં, પરંતુ તેમને પૂરતી ગાઢ ઊંઘનું સુખ ચોક્કસ આપીએ.

સામાન્ય રીતે કોઈ પણ ઘરમાં રાત્રે સૌથી મોડી સૂવાવાળી વ્યક્તિ અને સવારે સૌથી વહેલી ઊઠતી વ્યક્તિ એ ઘરની સ્ત્રી જ હોય છે. કામકાજી હોય કે ગૃહિણી હોય, મોટા ભાગના ઘરમાં ઘરની અને ઘરના લોકોની સંપૂર્ણ જવાબદારી સ્ત્રી જ સંભાળતી હોય છે અને આ જવાબદારી તે સંભાળતી હોવાને કારણે તે નાનાં-મોટાં બલિદાન આપતી હોય છે, જેમાં સૌથી મોટું બલિદાન તે આપે છે તેની ઊંઘનું. સામાન્ય રીતે વયસ્ક સ્ત્રીએ હેલ્ધી રહેવા માટે ૮ કલાકની રાતની ગાઢ ઊંઘ લેવી જરૂરી છે. મોટા ભાગનાં ઘરોમાં જો સ્ત્રી ૮ કલાક સૂતી હોય તો એ રાતના કલાકો નહીં હોય. જો રાતના ૮ કલાક હોય તો તેની ઊંઘ ગાઢ નહીં હોય અને રાતની ગાઢ ઊંઘ હોય તો એ ૮ કલાકની તો નહીં જ હોય. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે દરેક પુરુષે એ પ્રયત્ન કરવો રહ્યો કે બીજું કોઈ સુખ ન આપે તો વાંધો નહીં, પરંતુ તે પોતાનાથી જોડાયેલી દરેક સ્ત્રીને ૮ કલાકની રાતની ગાઢ ઊંઘ મળે એ માટે પ્રયત્નશીલ બને. આજે જાણીએ સ્ત્રીઓ અને ઊંઘ વચ્ચેનો સંબંધ.

વધુ ઊંઘ જરૂરી

બાયોમેડિકલ અને સોશ્યલ સાયન્ટિફિક સ્ટડીઝ જણાવે છે કે સ્ત્રીઓને પુરુષો કરતાં વધુ ઊંઘની જરૂર રહે છે. આ બાબત સાથે સહમત થતાં સ્લીપ ડિસઑર્ડર ક્લિનિક, બાંદરાના સ્લીપ ડિસઑર્ડર સ્પેશ્યલિસ્ટ અને ન્યુરોલૉજિસ્ટ ડૉ. પ્રીતિ દેવનાણી કહે છે, ‘ઊંઘ માટે જરૂરી સમયમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદ રહેલો છે જ; પરંતુ એમાં પણ કોણ કેટલું કામ કરે છે, કોના પર કેટલી જવાબદારીઓ છે, કોઈ દિવસે સૂવે છે કે નહીં અને રાત્રે કેટલી વાર ઊઠે છે આ બધી બાબતો પર પણ આ સમય નિર્ધારિત થતો હોય છે. જો સ્ત્રી પર જવાબદારી ઓછી અને પુરુષ પર વધુ હોય અને સ્ત્રી બપોરે પણ સૂઈ જતી હોય તો એમ ન કહી શકાય કે સ્ત્રીને વધુ ઊંઘની જરૂર છે. પરંતુ સામાન્ય રીતે જેમ જોવા મળે છે એમ સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ સમય જ સૂતી હોય છે. એ ભેદ વધુ મોટો નહીં પણ પાંચ મિનિટથી લઈને ૨૮ મિનિટ સુધીનો હોઈ શકે છે. પરંતુ એટલો સમય તેને વધુ જોઈતો હોય છે.’

શા માટે વધુ ઊંઘ?

પણ સ્ત્રીઓને વધુ સમય સૂવાની જરૂર કેમ છે? આ પ્રશ્નનો જવાબ આપતાં પ્રીતિ દેવનાણી કહે છે, ‘આપણા સમાજમાં જ્યારે ઘરના લોકોની સંભાળ રાખવાની હોય છે ત્યારે એની જવાબદારી સ્ત્રીઓ પર જ જોવા મળે છે. ઘરમાં કોઈ માંદું હોય કે બાળક નાનું હોય એની સંભાળ માટે રાત્રે ઊઠવાની જવાબદારી મોટા ભાગે સ્ત્રીઓની જ જોવા મળે છે. રાત્રે ઊંઘમાંથી ઊઠવાનું સંપૂર્ણ સ્લીપ-ક્વૉલિટીને બગાડે છે. એટલે સ્ત્રીઓને એ ઊંઘની ભરપાઈ કરવા વધુ ઊંઘની જરૂર પડે છે. જોકે અમુક કેસમાં તો વધુ ઊંઘવા છતાં એ ભરપાઈ કરી શકાતી નથી. બીજી થિયરી એમ કહે છે કે સ્ત્રીઓ હંમેશાં મલ્ટિ-ટાસ્કર હોય છે, જેને લીધે તેમનું મગજ પુરુષો કરતાં વધુ કામ કરતું હોય છે અને એટલે તેમના મગજને પણ આરામની વધુ જરૂર રહે છે. આ સાબિત થયેલી થિયરી છે.’

કારણો

ઘણાં રિસર્ચ એ સાબિત કરી ચૂક્યાં છે કે સ્ત્રીઓમાં પુરુષો કરતાં વધુ ઊંઘ-સંબંધિત રોગો જોવા મળે છે. આ પાછળનાં કારણો જણાવતાં બૉમ્બે હૉસ્પિટલના ચેસ્ટ ડિપાર્ટમેન્ટનાં હેડ અને સ્લીપ ડિસઑર્ડર સ્પેશ્યલિસ્ટ ડૉ. અમિતા દોશી નેને કહે છે, ‘આપણી પાસે આના આંકડાઓ તો નથી, પરંતુ અમેરિકાના નૅશનલ સ્લીપ ફાઉન્ડેશન અનુસાર

૩૦-૬૦ વર્ષની ઍવરેજ સ્ત્રી સોમથી શુક્રવાર સુધીમાં ૬ કલાક અને ૪૧ મિનિટ સૂવે છે, જ્યારે રેકમન્ડેશન અનુસાર તેમણે ૮ કલાક સૂવું જોઈએ. જોવા મળે છે એ અનુસાર સ્ત્રીઓને ઊંઘમાં સૌથી વધુ તકલીફ માસિક દરમ્યાન, પ્રેગ્નન્સી દરમ્યાન અને મેનોપૉઝ દરમ્યાન જોવા મળે છે. એનું કારણ એ જ છે કે સ્ત્રીનાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હૉર્મોન્સ સ્ત્રીની સર્કાડિયન રિધમ એટલે કે શરીરની જે બાયોલૉજિકલ ઘડિયાળ છે એમાં ફેરફાર લાવી શકે છે, જેની સીધી અસર ઊંઘ પર થાય છે.’

શું થાય?

જો સ્ત્રીઓમાં અપૂરતી ઊંઘની સમસ્યા હોય કે તેમની ઊંઘ ગાઢ ન થતી હોય તો તેમને શું તકલીફ થવાની શક્યતા રહે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. પ્રીતિ દેવનાણી કહે છે, ‘ઘણી વખત પ્રેગ્નન્સી દરમ્યાન ઓછી ઊંઘને કારણે સ્ટ્રેસ એટલું વધી જાય છે કે પ્રી-ટર્મ બાળક જન્મી શકે છે. જે સ્ત્રીઓ પોતાના બાળકને સ્તનપાન કરાવે છે તેમના દૂધ પર તેમની અપૂરતી ઊંઘની અસર દેખાઈ શકે છે. તેમનું દૂધ ઓછું આવી શકે છે. આ સિવાય ઊંઘની કમીને કારણે સ્ત્રી ડિપ્રેશનમાં સરી પડી શકે છે. અમુક રિસર્ચ એ સાબિત કરી ચૂક્યાં છે કે જે સ્ત્રીઓ નાઇટ-શિફ્ટ વધુ કરે છે તેઓ પર ડે-શિફ્ટ કરતી સ્ત્રીઓ કરતાં બ્રેસ્ટ- કૅન્સરનું રિસ્ક બમણું હોય છે, કારણ કે જ્યારે મેલૅટોનિન શરીરમાં ઘટે તો એસ્ટ્રોજનનું પ્રમાણ વધે છે; જેને કારણે બ્રેસ્ટ-કૅન્સરનું રિસ્ક વધે છે.’

સ્ત્રીઓને થતા ઊંઘને લગતા રોગ

ઊંઘ-સંબંધિત રોગોનું પ્રમાણ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. કયા રોગો અને કેટલું એનું પ્રમાણ છે એ જાણીએ ડૉ. પ્રીતિ દેવનાણી પાસેથી.

૧. પ્રેગ્નન્ટ સ્ત્રીઓમાં કુલ મળીને ૧૪ ટકા સ્ત્રીઓને નસકોરાંની તકલીફ હોય છે, જેમાંથી ૭ ટકા સ્ત્રીઓને સ્લીપ ઍãપ્નયાની તકલીફ જોવા મળે છે એટલું જ નહીં; ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ ઍãપ્નયાની તકલીફ ડિલિવરી પછી સ્ત્રીઓમાં ઘણી પ્રબળ થતી જોવા મળે છે.

૨. ડિલિવરી પછીના એક વર્ષ સુધી ૭૨ ટકા સ્ત્રીઓ ઊઠે ત્યારે એકદમ ફ્રેશ ફીલ કરતી નથી. ડિલિવરી પછી ૯૦ ટકા સ્ત્રીઓ એમ માને છે કે તેના બાળકની રાત્રે સંભાળ રાખવાની જવાબદારી તેના માથે જ હોવાથી તે રાત્રે ઘણી વાર ઊઠે છે, જેમાંથી ૧૯ ટકા સ્ત્રીઓ પોસ્ટ પાર્ટમ ડિપ્રેશનનો શિકાર બને છે.

૩. મેનોપૉઝ પણ સ્ત્રીનો એક એવો સમય છે જેમાં તેને ઊંઘ-સંબંધિત તકલીફો ઉદ્ભવી શકે છે. પ્રીમેનોપૉઝલ સ્ટેજમાં ઊંઘની તકલીફો ૧૬-૪૨ ટકા સ્ત્રીઓમાં જોવા મળે છે, જ્યારે પેરિમેનોપૉઝલ સ્ટેજમાં ૩૯-૪૭ ટકા સ્ત્રીઓને ઊંઘની તકલીફો કે રોગો જોવા મળે છે અને પોસ્ટમેનોપૉઝલ સ્ટેજમાં ૩૫-૬૦ ટકા સ્ત્રીઓને ઊંઘ-સંબંધિત રોગો જોવા મળે છે.

૪. રેસ્ટલેસ લેગ સિન્ડ્રૉમની બીમારી પણ ઊંઘ-સંબંધિત તકલીફો ઊભી કરતી હોય છે જેમાં રાત્રે સૂતી વખતે પગમાં એટલું અજુગતું લાગે કે જેને લીધે વ્યક્તિ સૂઈ શકતી નથી. પ્રેગ્નન્ટ સ્ત્રીઓમાં ૨૦-૨૫ ટકા સ્ત્રીઓને રેસ્ટલેસ લેગ સિન્ડ્રૉમની તકલીફ હોય છે. મોટા ભાગે પહેલા ચાર મહિના પતી જાય પછી જ એ શરૂ થતું હોય છે અને ડિલિવરી પહેલાં કે એના પછી એ એની મેળે જતું રહે છે. મોટા ભાગે જે સ્ત્રીઓમાં લોહતત્વની કમી, ફોલેટની કમી, હૉર્મોન્સનો બદલાવ થયો હોય એને કારણે પણ આ રોગ પાછલી ઉંમરે આવે છે.

૫. ૮૪ ટકા જેટલી પ્રેગ્નન્ટ સ્ત્રીઓને પોતાની પ્રેગ્નન્સી દરમ્યાન અમુક દિવસો કે અઠવાડિયા સુધી ઊંઘની તકલીફ રહે જ છે, જેને ઈન્સોમેનીયા એટલે કે અપૂરતી ઊંઘની તકલીફ કહે છે.

સૌજન્ય : મિડ ડે 

દરરોજ નવી નવી માહિતી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ. શેર કરો આ માહિતી તમારા મિત્રો સાથે.