વિન્ટરમાં ઉપયોગી એવા કેટલાક એસેન્શિયલ ઑઈલ વિશે…

તેલનું નામ પડતાં સૌથી પહેલાં માથું અને વાળ યાદ આવે છે. પરંતુ, તેલની વિશેષતા આના કરતાં ખૂબ વધુ છે. જે રીતે રસોઈ માટે જુદાં-જુદાં તેલીબિયાંમાંથી નીકળતા તેલનો વપરાશ છે એ જ પ્રમાણે ત્વચાની માવજત માટે પણ કેટલાક પ્રકારનાં એસેન્શિયલ અને હર્બલ ઑઇલનો ઉપયોગ કરી શકાય છે. તેલથી ઠંડીમાં સુકાઈ જતી ત્વચાને મૉઇસ્ચર મળે છે તેમ જ ત્વચા ચમકીલી અને સુંદર પણ બને છે. અરોમા થેરપીમાં પણ તેલનો વપરાશ ખૂબ થાય છે. તો જાણીએ આવાં જ કેટલાંક ઉપયોગી તેલ વિશે.

આલમન્ડ ઑઇલ

બદામનું તેલ દેખાવમાં ફીકા પીળા રંગનું અને હલકી મીઠી સુગંધવાળું હોય છે. આ તેલને ત્વચા પર ડાયરેક્ટ અથવા કોઈ બીજા ફેસપૅકમાં મિક્સ કરીને લગાવી શકાય છે. આ તેલ ત્વચા પર લગાવતાં તરત જ ઍબ્સૉર્બ થઈ જાય છે. તેમજ એ વધુપડતું ચીકણું ન હોવાને લીધે સ્પામાં આલમન્ડ ઑઇલનો વપરાશ ખૂબ થાય છે. તેનાથી સ્કીન ઊજળી, સૉફ્ટ, ચમકીલી અને સ્મૂધ બનાવવામાં મદદ મળે છે. તેથી જ ત્વચા માટે બદામના તેલનો ઉપયોગ ખૂબ પ્રમાણમાં કરવામાં આવે છે. બદામમાં રહેલા વિટામીન્સ ત્વચાને મુલાયમ બનાવવાની તાકાત ધરાવે છે જેને લીધે આલમન્ડ ઑઇલ સૌંદર્ય માટે એક ખાસ સામગ્રી ગણાય છે. શિયાળામાં બદામ ખાવાનું પણ ઘણું મહત્વ છે.

ઑલિવ ઑઇલ

શિયાળામાં હોઠ સુકાઈ જવાની તકલીફ વધારે થતી હોય છે ત્યારે ઑલિવ ઑઇલથી હોઠ પર હળવા હાથે મસાજ કરવાથી હોઠ સુકાશે નહીં. તડકાને કારણે ટૅન થયેલી સ્કીન પરની કાળાશને પણ ઑલિવ ઑઇલ ઘસીને દૂર કરી શકાય છે. ડાયટ અને હેલ્થ-કૉન્શિયસ લોકોનું ફેવરિટ એવું આ એકમાત્ર ઑઇલ ત્વચા અને શરીર બન્ને માટે ફાયદાકારક છે. ઑલિવ ઑઇલમાંથી વિટામિન એ, કે અને ઈ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. સ્કીનને સ્મૂધ બનાવવા માટે ઑલિવ ઑઇલથી મસાજ કરતાં ફાયદો થાય છે.

ઍવકાડો ઑઇલ

ઍવકાડો ઑઇલ જો કોઈ પ્રૉબ્લેમ્સમાં સૌથી વધારે અસરકારક હોય તો એ છે સ્કીનના એજિંગ પ્રૉબ્લેમ્સ. સ્કીનને લચકતી અટકાવવા માટે ઍવકાડો ઑઇલ બેસ્ટ છે. આમ તો ઍવકાડો ઑઇલનો સમાવેશ હર્બલ ઑઇલ્સમાં નથી થતો, પણ સ્કીન માટે એના ઉપયોગ ઘણા છે. વિટામિન એ, ડી અને ઈથી ભરપૂર આ વેજિટેબલ ઑઇલ સ્કીનમાં ઊંડે ઊતરીને અસર કરે છે એટલે જ એ યુથ મિનરલ તરીકે પણ ઓળખાય છે.

જોજોબા ઑઇલ

જોજોબા સ્કીન પર ઉદભવતા બૅક્ટેરિયાને નાબૂદ પણ કરે છે તેમ જ ત્વચાનાં રોમછિદ્રોને બ્લૉક કર્યા વગર સ્કીનને જરૂરી એવું મૉઇશ્ચર પૂરું પાડે છે. જોજોબાનું તેલ મેક-અપ રિમૂવલ તરીકે પણ સારું છે. કાજલ, બ્લશ તેમ જ કોઈ પણ પ્રકારનો મેક-અપ ચહેરા પરથી દૂર કરવા માટે રૂના પૂમડાને જોજોબા ઑઇલમાં બોળીને ચહેરા પર ઘસવાથી મેક-અપ દૂર થાય છે અને સાથે-સાથે ભરપૂર માત્રામાં વિટામિન ઈ ધરાવતા હોવાથી ચહેરાને ઑઇલનું પોષણ મળે છે. ત્વચામાં તેલના પ્રમાણને નિયંત્રિત કરે, નેચરલ સ્કીન ક્લીન્ઝર, ત્વચાની ક્રેકસ્ રૂઝવે, સન ટૅન દુર કરે, અંડર આઈ સર્કલ દુર કરે, પ્રેગ્નન્સી સ્ટ્રેચ માર્કસ્ દુર કરે, વાળમાં ચમક લાવે, વાળને કંડીશનીંગ કરે, ઝડપી હેર ગ્રોથમાં મદદ કરે જેવા સ્કીન અને હેર સંબંધિત ફાયદાઓ ધરાવતો આ તેલ એરોમા થેરાપીમાં લોશન, ક્રીમ, બામમાં બેઝ ઑઈલ કે મસાજ ઑઈલ તરીકે વપરાય છે.

લવંડર ઑઈલ

લવંડર ઑઈલ એસેન્શિયલ ઑઈલ તરીકે તો પ્રખ્યાત છે જ સાથે સાથે તે એન્ટી બેકટેરીયલ, એન્ટી ડિપ્રેશન્ટ અને એન્ટી ઈન્ફલેમેટ્રી ઈફેક્ટ પણ ધરાવે છે. કફ, શરદી, તાવ સામે લડવામાં મદદ કરે છે તો શિયાળામાં શુષ્ક થતી ત્વચાને જરૂરી નમી પુરી પાડે છે. મચ્છરને દુર ભગાડવા માટે લવંડર ઑઈલને શરીરે ચોપડી દેવું. મચ્છર આસપાસ ફરકશે પણ નહી. એક સંશોધન અનુસાર લવંડર આૅઈલ ના નિયમિત વપરાશથી અનિદ્રાથી પીડાતા લોકોને પણ સારી નિદ્રા આવે છે. તેમજ આ ઑઈલના ઉપયોગથી સ્ટ્રેસ અને એન્ઝાયટી દુર થતા હોવાથી અરોમા થેરાપીમાં વિવિધ રીતે વાપરવામાં આવે છે.

રોઝમરી ઑઇલ

રોઝમરી ઑઇલ સ્કીનને સુંવાળી અને ચમકીલી બનાવે છે. રોઝમરી ઑઇલ સ્કીન પર એસ્ટિન્જન્ટ તરીકે કામ કરે છે. આ ઑઇલમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરીયલ પ્રૉપર્ટીઝ આવેલી છે. આ એક પ્રકારનાં બારમાસી જેવાં ફૂલોનું તેલ છે જે સ્કિન પર લગાવતાં બ્લડ-સર્ક્યુલેશન ઇમ્પ્રુવ કરીને સ્કીનમાં નવીનતા લાવે છે. આ તેલથી સ્કિન પરના પિમ્પલ તેમ જ કોઈ પણ પ્રકારના ચામડીના રોગોથી મુક્તિ મળે છે.

ઑરેગાનો ઑઈલ

ઑરેગાનો એસેન્શિયલ ઑઈલ ઈમ્યુનિટી બુસ્ટીંગ, એન્ટી વાઈરલ, એન્ટી ફંગલ, એન્ટી ઈન્ફલેમેટ્રી, એન્ટી બેક્ટેરીયલ જેવા ગુણધર્મો ધરાવે છે. આ બધા ગુણધર્મો ને કારણે તમે બીમારી સામે લડી, ઈમ્યુનિટીને મજબુત કરી શકો છો. તેથી શિયાળા માટે કોઈ એક તેલ પસંદ કરવું હોય તો ઑરેગાનો ઑઈલને પસંદ કરી શકાય.

પેપરમીન્ટ ઑઈલ

પેપરમીન્ટ ઑઈલ મુડ બુસ્ટર ઑઈલ છે. તેમજ ઈમ્યુનિટી વધારનારા ગુણધર્મો ધરાવે છે. શિયાળામાં ડિપ્રેશનગ્રસ્ત લોકોમાં ડિપ્રેશન ઘેરું બનતું હોય છે તેમાં પેપરમીન્ટ ઑઈલની મદદથી સુધાર આવી શકે છે. જો તમને સાઈનસની તકલીફ હોય તો પેપરમીન્ટ ઑઈલ નાખેલ પાણીની વરાળ લેવાથી સાઈનસને લીધે માથાનું દર્દ મટે છે તેમજ નાક ખુલી જાય છે.

લેખન સંકલન : ઉર્વી શેઠિયા

દરરોજ ઉપયોગી માહિતી તમારા ફેસબુક પર મેળવો લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી