દેશભરમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું જોખમ વધી રહ્યું છે. આ બધા વચ્ચે એક એવી વાત સામે આવી છે કે બીજા વેરિએન્ટની સરખામણીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું ફેફસાના ટેશ્યુ સાથે વધુ જોડાણ જાણવા મળ્યું છે. કોરોનાનો વધુમાં વધુ ખતરનાક ગણાતો ડેલ્ટા વેરિઅન્ટ હાલ ૯૬ દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. જ્યારે ૧૭૨ દેશો આલ્ફા વેરિઅન્ટથી પ્રભાવિત છે તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનાં વડા ગેબ્રેયેસિસે જણાવ્યું હતું. આવનાર સમયમાં ડેલ્ટા વાઈરસ વધુ ખતરનાક બની શકે છે. બ્રિટનમાં નવા ૯૦ ટકા કેસ ડેલ્ટા વેરિઅન્ટથી પ્રભાવિત થયેલા છે. નિષ્ણાતોનાં મતે ડેલ્ટા વેરિઅન્ટ આલ્ફા કરતા ૫૫ ગણો વધુ ખતરનાક છે. બ્રિટનનાં મળેલો આલ્ફા વેરિઅન્ટ હાલ ૧૭૨ દેશમાં વકરી રહ્યો છે.WHO દ્વારા યુરોપનાં દેશોમાં ત્રીજી લહેર ગમે ત્યારે આવી શકે તેવી ચેતવણી આપવામાં આવી છે.
12 રાજ્યોમા અત્યાર સુધીમાં 51 કેસ

કોરોના વાયરસના નવા સ્વરૂપ ડેલ્ટા પ્લસની 11 જૂનના રોજ ઓળખ થઈ. હાલમાં તેને ‘ચિંતાજનક સ્વરૂપ’ તરીકે પણ વર્ગીકૃત કરાયો છે. દશના 12 રાજ્યોમાંથી અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 51 જેટલા કેસ સામે આવી ચૂક્યા છે. આ વેરિએન્ટથી સંક્રમણના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે.
‘વધુ ચેપી કે ગંભીર બીમારીનું કારણ નથી’

કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ અંગે NTAGI ના કોવિડ-19 કાર્ય સમૂહના પ્રમુખ ડો. એન કે અરોરાએ કહ્યું કે અન્ય સ્વરૂપોની સરખામણીમાં ફેફસા સાથે તેનું વધુ જોડાણ છે. જો કે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેનો અર્થ એ નથી કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ગંભીર બીમારીનું કારણ બનશે કે પછી તે વધુ ચેપી છે. ડો. એન કે અરોરાએ કહ્યું કે ‘અન્ય વેરિએન્ટની સરખામણીમાં ડેલ્ટા પ્લસની ફેફસાની અંદર હાજરી વધુ જોવા મળી છે. પરંતુ તે વધુ નુકસાન પહોંચાડે છે તેની પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી. તેનો અર્થ એ પણ નથી કે તે ગંભીર બીમારી હશે કે તે વધુ ચેપી છે.
ડેલ્ટા વેરિઅન્ટ સુધરતી ઈકોનોમી માટે ખતરો
WHO એ કહ્યું હતું કે ડેલ્ટા વેરિઅન્ટ જે ઈકોનોમી કોરોનાનાં આંચકામાંથી બહાર આવી રહી છે તેવી ઈકોનોમી માટે ફરી ખતરો સર્જી શકે છે. આને રોકવા માટે અનેક દેશોએ ફરીથી પ્રતિબંધાત્મક આદેશો લાગૂ પાડવા જરૂરી છે.
ભારતમાં ડેલ્ટા વેરિઅન્ટનું બદલાતું સ્વરૂપ ઘાતક બની શકે

ભારતમાં જીવલેણ બીજી લહેર માટે ડેલ્ટા વેરિઅન્ટને જવાબદાર માનવામાં આવે છે. WHOનાં માનવા મુજબ ડેલ્ટા વેરિઅન્ટ તેનું સ્વરૂપ ઝડપથી બદલી રહ્યો છે જે ભારત માટે વધુ ઘાતક પૂરવાર થઈ શકે છે. નવા સ્વરૂપને ડેલ્ટા પ્લસ નામ અપાયું છે. તે બમણી ઝડપે સંક્રમણ ફેલાવે છે.
આખા વિશ્વમાં ૧૮.૩૦ કરોડ લોકો સંક્રમિત

આખા વિશ્વમાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા ૧૮.૩૦ કરોડને વટાવીને ૧૮,૩૦,૯૦, ૫૪૦ થઈ છે. કોરોનાએ કુલ ૩૯,૬૫,૦૧૪ લોકોનો ભોગ લીધો છે. ૧૬.૭૬ કરોડથી વધુ લોકો કોરોનામુક્ત થયા છે. ૧,૧૪,૭૬,૮૬૭ કેસ એક્ટિવ છે જેમને સારવાર અપાઈ રહી છે.
બ્રિટનમાં એક જ દિવસમાં ૨૬૦૦૦થી વધુ કેસ

બ્રિટનમાં કોરોના વકરી રહ્યો છે. એક જ દિવસમાં ત્યાં ૨૬,૦૦૦થી વધુ કેસ નોંધાતા સત્તાવાળાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. આ અગાઉ ૨૯ જૂને ત્યાં ૨૦૩૨૫ નવા કેસ નોંધાયા હતા. બ્રાઝિલમાં એક જ દિવસમાં કોરોનાનાં નવા કેસ ૨૭૦૦૦થી વધીને ૬૪૦૦૦ થઈ જતા સત્તાવાળાઓ ભડકી ગયા છે અને સંક્રમણને વધતું રોકવા દોડધામ વધી છે.
વિશ્વનાં અનેક દેશોમાં કોરોના વકર્યો

યુરોપનાં કેટલાક દેશો ફરી તેમની સરહદો બંધ કરી રહ્યા છે. કવોરન્ટાઈન ફરી શરૂ કરાયું છે અને ટ્રાવેલ બેન આવી રહ્યું છે. બાંગ્લાદેશમાં ગારમેન્ટ ફેકટરીનાં મજૂરો લોકડાઉનને પગલે વતન તરફ જઈ રહ્યા છે.સાઉથ કોરિયા અને ઈઝરાયેલ દ્વારા કોરોનાને વકરતો રોકવા નવા પ્રતિબંધો લગાવવા વિચારાઈ રહ્યું છે. ચીનમાં નવેસરથી ક્વોરન્ટાઈન સેન્ટરો બંધાઈ રહ્યા છે. જ્યાં ૫૦૦૦થી વધુ વિદેશી પ્રવાસીઓને ક્વોરન્ટાઈન કરી શકાશે.
‘ડેલ્ટા પ્લસ વિરુદ્ધ રાજ્યો બનાવી રહ્યા છે યોજનાઓ’

ડો. એન કે અરોરાએ કહ્યું કે ‘સૌથી મહત્વપૂર્ણ ચીજ એ છે કે જીનોમ સીક્વેન્સિંગનું કામ તેજ થયું છે અને તે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. રાજ્યોને પહેલેથી જણાવી દેવાયું છે કે આ ચિંતાજનક સ્વરૂપ છે અને તેના માટે પગલાં લેવાની જરૂર છે. આથી અનેક રાજ્યોએ પહેલેથી એવા જિલ્લાઓ માટે સુક્ષ્મ સ્તરે યોજનાઓ બનાવવાની શરૂ કરી દીધી છે જ્યાં વાયરસની ઓળખ થઈ ગઈ છે. જેથી કરીને તેના પ્રસારને નિયંત્રિત કરી શકાય. નિશ્ચિતપણે તે જિલ્લાઓમાં રસીકરણ વધારવું પડશે.’