નવી પ્રાઇવસી પોલીસીના કારણે અમદાવાદની 4 સ્કૂલોએ વોટ્સએપનો ઉપયોગ કર્યો બંધ, સાથે કર્યુ…

ઓનલાઇન શિક્ષણ માટે વ્હોટ્સએપ પર આધાર રાખતી સ્કૂલો હવે નવી પ્રાઈવસી પોલિસીને લઈ વ્હોટ્સએપનો ઉપયોગ બંધ કરવા લાગી છે. અમદાવાદની ઉદગમ સ્કૂલ સાથે સંકળાયેલી ચાર સ્કૂલે વ્હોટ્સએપને ત્યજીને કાયઝાલાનો ઉપયોગ શરૂ કર્યો છે.

image source

યુઝર્સ ડેટાની સલામતીની ચિંતાને ધ્યાનમાં લઈને ઉદગમ કન્સલ્ટન્સી સાથે સંકળાયેલી અમદાવાદની ચાર સ્કૂલે વ્હોટ્સએપ પ્લેટફોર્મને ત્યજવાનો નિર્ણય કર્યો છે. ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન, સેટેલાઈટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન એમ કુલ 4 સ્કૂલે વ્હોટ્સએપની સરખામણીએ વધુ ઝડપી અને સુરક્ષિત એવી માઇક્રોસોફ્ટ કાયઝાલા મેસેજિંગ એપનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે.

ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ વ્હોટ્સએપનો વપરાશ બંધ કરવાના નિર્ણય અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે અમારા તાબા હેઠળની ચાર સ્કૂલમાં અલગ અલગ કરીને કુલ 243 વોટ્સએપ ગ્રુપ્સ છે, જેનો ઉપયોગ આશરે 13,700થી વધુ પેરેન્ટ્સ કરે છે.

image source

વ્હોટ્સએપે તેની નવી પ્રાઈવસી પોલિસી જાહેર કરી છે જે તેને પોતાના દરેક ગ્રાહકો માટે સ્વીકારવુ ફરજિયાત કર્યું છે. વ્હોટ્સએપની પેરન્ટ કંપની એટલે કે ફેસબુક વિરુદ્ધ પ્રાઈવસી બાબતે આખી દુનિયામાં ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે, એવા સમયે ગ્રાહકોનો વ્હોટ્સએપ પરનો વિશ્વાસ ઊઠી ગયો છે.

આ વિશે ડિરેક્ટર મનન ચોકસીએ આગળ જણાવ્યું છે કે અમારા માટે અમારા સ્ટાફ અને વાલીઓની ડેટા પ્રાઈવસી અને સુરક્ષા ખૂબ જ મહત્વની છે, તેથી અમે વ્હોટ્સએપને ત્યાગીને માઇક્રોસોફ્ટ કાયઝાલામાં શિફ્ટ થવાનો નિર્ણય કર્યો છે. કાયઝાલા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જાહેરાત પર આધાર રાખતી નથી. તે એના ગ્રાહકોની ડેટાની ગોપનીયતા અને સલામતીની જાળવણી પણ કરે છે.

image source

ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન, સેટેલાઈટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના શિક્ષકો સ્ટાફ, સ્ટાફ મેમ્બર્સ અને વાલીઓને સ્કૂલના ઓફિશિયલ મેસેજીસ માટે વ્હોટ્સએપનો ઉપયોગ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. તેમને તેમના ડેટાનો બેકઅપ લેવા અને IOS અને એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર મફતમાં ઉપલબ્ધ માઇક્રોસોફ્ટ કાયઝાલા એપ ઈન્સ્ટોલ કરવા જણાવવામાં આવ્યું છે.

માઇક્રોસોફ્ટ ઈન્ડિયાના એજ્યુકેશન એડવોક્સી વિભાગના ડિરેક્ટર ડૉ.વિન્ની જૌહરીએ કાયઝાલા એપના ફીચર્સ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કાયઝાલા ફોન નંબર આધારિત એપ છે. જે વ્યક્તિગત કે ગ્રુપ કોઈપણ પ્રકારના ચેટને એન્ડ ટુ એન એન્ક્રિપ્શન પૂરૂં પાડે છે. આ એપનો ઉપયોગ ચેટિંગ, ફોટો શેરિંગ અને ડોક્યુમેન્ટ શેરિંગ માટે પણ કરી શકાય છે. કાયઝાલામાં ગ્રુપમાં સભ્યોની સંખ્યા અંગે કોઈ મર્યાદા નથી.

ડિરેકટર મનન ચોક્સીએ આગળ કહ્યું હતું કે,ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન, સેટેલાઈટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન ઓનલાઈન શિક્ષણ માટે માઇક્રોસોફ્ટ ટીમનો ઉપયોગ કરી રહ્યા છે અને પ્લેગ્રુપથી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે લાઈવ ક્લાસ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે.

image source

વોટ્સએપમાંથી કાયઝાલામાં શિફ્ટ થવાથી વિદ્યાર્થીઓને પણ મદદ મળશે, કારણ કે તેઓ પોતાના ડેસ્કટોપ કે લેપટોપ પર સ્કૂલની નોટિસ જોઈ શકશે અને વાલીઓએ તેમના બાળક માટે અલગ ફોનની વ્યવસ્થા નહીં કરવી પડે. આ ઉપરાંત એનાથી વાલીઓ, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની પ્રાઈવસી અને ડેટા સુરક્ષિત રહેશે.

શું છે વ્હોટ્સએપની નવી પોલિસી?

વ્હોટ્સએપે પોતાની પ્રાઇવસી પોલિસી અપડેટ કરી છે અને એના ગ્રાહકોને આ અંગે નોટિફિકેશન પણ મળવા લાગી છે. એમાં લખવામાં આવ્યું છે કે વોટ્સએપ ગ્રાહકોએ નવી શરતોનું પાલન કરવું પડશે. આ પોલિસી 8 ફેબ્રુઆરી, 2021થી લાગુ થવા જઈ રહી છે. જો યુઝર્સ આ નવી શરતોને મંજુર નહિ કરે તો તેનું અકાઉન્ટ ડિલિટ થઈ જશે. હાલ પોલિસીમાં એગ્રી અને નોટ નાઉનો ઓપ્શન મળી રહ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે અમારી સર્વિસીઝ ઓપરેટ કરવા માટે તમે વ્હોટ્સએપના જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અને રિસીવ કરો છો એને કંપની ક્યાંય પણ યુઝ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રિબ્યુટ અને ડિસ્પ્લે કરી શકે છે.

image source

વોટ્સએપે નવી પોલિસી લાગુ કરી એ પછી વ્હોટ્સએપ પોતાના 200 કરોડથી વધારે યુઝર્સના ડેટાનો એક્સેસ કરી શકશે એટલે કે કંપની આ ડેટા અન્ય પ્લેટફોર્મ પર શેર કરી શકશે..નવી પોલિસી મુજબ, વ્હોટ્સએપ યુઝર્સનો ડેટા તેની પેરન્ટ કંપની ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સાથે શેર કરશે.