ગુસ્સા ને ‘કન્ટ્રોલ’ કરવાની જરૂર નથી-મેનેજ કરવાની જરૂર છે…

એરીસ્ટોટલે કહ્યું છે કે, ” ગુસ્સે કોઈ પણ થઇ શકે છે, પણ યોગ્ય માત્રામાં , યોગ્ય કારણથી , યોગ્ય વ્યક્તિ પર , યોગ્ય સમયે અને યોગ્ય રીતે ગુસ્સે થવું એ મુશ્કેલ કામ છે “.

દુનિયામાં બધાને, એટલે કે વય્સ્યકોને, બાળકોને, વૃધ્ધોને, પ્રાણીઓને અને અરે ભગવાનને પણ ગુસ્સો આવે છે . ખરેખર તો ગુસ્સો ખરાબ નથી હોતો, પણ ગુસ્સા દરમિયાન એ વ્યક્તિ દ્વારા એ સમયે થયેલું ખરાબ વર્તન તેને ખરાબ બનાવે છે . એ વર્તન જે બીજાને નુકશાન કરે છે તે ખરાબ છે . આપણાંમાં એવી શક્તિ છે કે આપણે આપણા ગુસ્સા ને સારા કે ખરાબ રસ્તે વળી શકીએ . પ્રાણીઓમાં એ શક્તિ નથી . કોઈ પણ ઘટનાનું તે ફક્ત ‘ રીએક્શન ‘ જ આપી શકે છે . તમે કોઈ પણ કૂતરાની પૂંછડી ઉપર જોરથી પગ મુકો તો તે તમને કરડવાનું જ છે . તેની પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી . તે તમને માફ કરવાનું વિચારી શકતો જ નથી . પણ આપણે તો મનુષ્ય છીએ , આપણી પાસે પ્રતીભાવ આપવાની સત્તા છે . આપણે વિચારી શકીએ છીએ .

આપણે ગુસ્સો કરીએ છીએ ત્યારે તેની આપણા જીવન ઉપર શું અસર થશે તેનો વિચાર નથી કરતા . કારણકે આપણે ગુસ્સામાં હોઈએ છીએ ત્યારે વિચારવાની શક્તિ ખોઈ બેસીએ છીએ . કિંજલ પટેલ નામના મારા પેશન્ટનું ઉદાહરણ જોઈએ . છેલ્લા સાત વર્ષથી તેને ખુબ ગુસ્સો આવતો હતો . આ માટે તેઓ દવા પણ લેતા હતા . પણ ગુસ્સામાં કોઈ ફરક નહોતો પડતો . તેમનો ગુસ્સો એટલી હદનો હતો કે તેમને કોઈ ભાન નહોતું રહેતું . આના કરણે તેમને શારીરિક અને માનસિક તકલીફો થતી હતી . તેમને સંબંધોમાં અને વ્યવસાયમાં પણ ખુબ પ્રશ્નો ઉભા થયા હતા . આખરે તેઓ મને મળવા આવ્યા . તેમને જાગ્રત લેવલ પર બધું સમજાવવામાં આવ્યું અને પછી તેની જાગ્રત લેવલ અને અર્ધજાગ્રત લેવલ પર સારવાર કરી . જેમાં હિપ્નોથેરેપી અને ઈમોશનલ ફ્રીડમ ટેકનીક (EFT) નો ઉપયોગ કર્યો . દવાથી ફક્ત થોડા સમય માટે શાંત રહી શકાય છે પણ મનના ઊંડાણમાં જઇને જો સારવાર થાય તો લાંબા સમય માટે ફર્ક પડે છે .

કિંજલભાઈની જેમ લાખ્ખો લોકોની જીંદગી ગુસ્સાને કારણે ખોરવાય છે . અસ્થમા, કેન્સર, ડાયાબીટીસ, હાઈ બ્લડ પ્રેશર, માથાનો દુખાવો, પીઠનો દુખાવો , વગેરે ગુસ્સાના ખતરનાક પરિણામો છે . અનિદ્રા અને ચીડ્યાપણું પણ ગુસ્સાને કારણે થાય છે . સંબંધોમાં કડવાશ, સમાજથી વેગડાપણું, ધ્યાનમાં કમી, નીરશતા, કાર્યક્ષમતામાં ઘટાડો, ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો, એ ઉપરાંત કેટલાક ખતરનાક પરિણામો પણ જોવા મળે છે, જેમકે હિંસક હુમલો, આત્મહત્યા કે પછી સામુહિક હત્યા વગેરે .

કિંજલને બે વાત ઉપર ખાસ ધ્યાન આપવાનું મેં જણાવ્યું. આ બે વાતને ફોલો કરીને તમે પણ તમારો ગુસ્સો મેનેજ કરી શકો છો .

1. ગુસ્સાને કારણે તમને ભૂતકાળમાં થયેલા નુકશાનને ઓળખો
2. તમારા ટ્રીગરને ઓળખો

ચાલો આ વાત ને વિગતવાર સમજીએ.

જયારે આપણે ગુસ્સામાં હોઈએ ત્યારે આપણે પોતાનું અને બીજાનું મોટું નુકશાન કરતા હોઈએ છીએ . આ નુકશાનનું એક વખત શાંતિથી બેસીને લીસ્ટ બનાવો . હવે પછી જયારે પણ ગુસ્સો આવે ત્યારે એ લીસ્ટને યાદ કરો .

ટ્રીગર એટલે કે એવી વાતો અથવા ઘટના કે જેનાથી તમને ગુસ્સો આવે છે. જેમકે તમે બધું વ્યવસ્થિત મુકવાના આગ્રહી હો અને ઘરમાં બધું અવ્યવસ્થિત પડ્યું હોય તો તમને ગુસ્સો આવે. તમે સાચું બોલવાના આગ્રહી હો અને કોઈ તમારી સાથે જુઠ્ઠું બોલે તો તમને ગુસ્સો આવે. તમે ન્યાયપ્રિય હો અને તમે કોઈને અન્યાય થતો જુવો તો તમને ગુસ્સો આવે.
અવ્યવસ્થા, જુઠ્ઠું બોલવું અને અન્યાય થવો એ બધા ટ્રીગર થયા. તમારે તમારા ટ્રીગર શોધવાના છે. હવે નક્કી કરો કે જયારે પણ આવા ટ્રીગર મારી સામે આવશે ત્યારે હું તેને શાંતિ થી અને પોઝીટીવલી હેન્ડલ કરીશ.

‘એન્ગર મેનેજમેન્ટ’નો મતલબ છે કે ગુસ્સાને તમારે નેગેટીવના બદલે પોઝીટીવલી વાપરવાનો. ખુશીની વાત એ છે કે આ પસંદગી અને શક્તિ તમારી પાસે છે.

લેખક : જીતેન્દ્ર અઢિયા

દરરોજ આવી અનેક માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી