ડીડીએલજે માટે આનંદબક્ષીજીએ શું ભવિષ્ય ભાખ્યુ હતું?​

ડીડીએલજે માટે આનંદબક્ષીજીએ શું ભવિષ્ય ભાખ્યુ હતું?

હિન્દી સિનેમાની એ સદાબહાર ફિલ્મ, ડીડીએલજી નાઈન્ટીઝની એક એવી ફિલ્મ છે જે તે સમયના કોઈ જૂવાનિયાએ ભાગ્યે જ નહીં જોઈ હોય તેમ બને. અને સ્વાભાવિક છે કે જે ફિલ્મનું નામ ઈતિહાસમાં સુનહરા અક્ષરોએ લખાવવાનું હતું તે ફિલ્મની પડદા પાછળની કંઈ કેટલીય એવી ખટ્ટમધુરી યાદો હોય જ જે આ ફિલ્મને વધુ રસપ્રદ બનાવે. આપણાં ભારતમાં સાચે જ ફિલ્મો અને ફિલ્મી અભિનેતા કે અભિનેત્રીઓના દિવાના પગલપનની હદ સુધીના હોય છે. આવા દેશમાં એક વ્યક્તિ એવી છે કે જે ફિલ્મોના પોસ્ટર્સ કલેક્ટ કરે છે અને વેચે પણ છે. આ વ્યક્તિનું નામ છે શેન્કી. હિન્દી સિનેમાજગતના લોકો તેને ‘શેન્કી ધ પોસ્ટરબોય’ના નામથી જ ઓળખે છે. શેન્કી, ડીડીએલજે વિશે વાત કરતાં કહે છે કે, ડીડીએલજે ફિલ્મ આવી ત્યારથી લોકો આ ફિલ્મ માટે રિત્તસર ગાંડા થઈ ગયા છે. કોઈના લગ્ન હોય તો લોકો આ ફિલ્મનું પોસ્ટર ફ્રેમ કરાવીને ભેટ આપતાં હતાં. લગ્નના વરઘોડાથી લઈને દરેક ફંક્શનમાં આ ફિલ્મના ગીતો વાગતા હતાં. એટલું જ નહીં આજે આટલાં વખત પછી પણ ફિલ્મ પોસ્ટરના કલેક્ટર્સ તથા શાહરૂખ કે કાજોલના કેટલાંય દિવાના અમારી પાસે આ ફિલ્મનું પોસ્ટર શોધતા આવે છે.
આ ફિલ્મની કેટલીક મિઠી યાદો આપણી સાથે વહેંચતા કાજોલ કહે છે કે, હું જોઘપુર શૂટિંગ માટે ગઈ હતી જ્યાં શૂટિંગની વચ્ચે જ અચાનક એક માણસ મારી પાસે આવે છે અને કહે છે કે, હું અહીં આ યુનિટમાં શેફ છું અને મેં તમારી ડીડીએલજે જોઈ અને ત્યારબાદ હું રોજ એક છોકરી કે જે મારી મિત્ર હતી તેને આ ફિલ્મ જોવા લઈ જતો હતો અમે બંનેએ આ ફિલ્મ લગભગ ૨૫વાર જોયાબાદ એક દિવસ ફિલ્મની મધ્યમાં મેં તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને આજે તે મારી પત્ની છે.
આ ફિલ્મ દ્વારા લિજેન્ડરી દિગ્દર્શક યશ ચોપરા પોતાની આગલી પેઢીને ફિલ્મ બનાવવા વિશે કે દિગ્દર્શન વિશે એજ્યુકેટ કરી રહ્યા હતાં એમ કહીએ તો ચાલે. કારણ કે આ એ ફિલ્મ હતી જેમાં તેમના નામની સાથે આદિત્ય ચોપરાનું નામ જોડાવા જઈ રહ્યું હતું એટલું જ નહીં યશ જોહરના દીકરા કરન જોહર પણ તેમને આસિસ્ટ કરી રહ્યા હતાં અને સાથે જ આ યુનિટમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતાં ઉદય ચોપરા. શાહરૂખખાનને સ્ક્રીપ્ટ નરેટ કરવાથી લઈને તેમને આ ફિલ્મ કરવા વિશે કન્વીન્સ કરવા સુધીનું કામ આદિત્ય ચોપરાએ કર્યું હતું. કારણ કે આપણે આગળ કહ્યું તેમ શાહરૂખખાન પહેલાં આ ફિલ્મ કરવા નહોતા માગતા. એટલું જ નહીં કાજોલ પણ આદિત્યની સારી મિત્ર હતી આથી યશજીએ તેને સ્ક્રીપ્ટ નરેટ કરવાનું અને તેની પાસે આ ફિલ્મ સાઈન કરાવવાનું કામ પણ યશજીએ આદિત્યને જ સોંપ્યુ હતું.
આ રીતે રીઅલ લાઈફના મિત્રો એક ફિલ્મ કરવા સાથે ભેગા તો થયા પરંતુ, ફિલ્મનું પહેલું ગીત, મેરે ખ્વાબો મેં જો આએ… શૂટ કરવાનું હતું ત્યારે, પહેલાં તો કાજોલે આદિત્ય ચોપરાને ના કહી દીધી હતી. તેણે કહ્યું કે, આદિત્ય આ મારાથી નહીં થાય, એક આખુ ગીત ટોવેલમાં શૂટ કરવાનું? તું પાગલ થઈ ગયો છે? પરંતુ, આદિત્યને વિશ્વાસ હતો કે તે આ કામ સારી રીતે કરી શકશે. આથી તેણે કાજોલને કન્વીન્સ કરી કે, ચિંતા નહીં કર, બધું સારી રીતે થઈ જશે અને અમે પુરેપૂરી કાળજી રાખીશું કે તને કોઈ તકલીફ નહીં પડે, કોઈ ઓકવડ સીચુએશનમાં તારે નહીં મૂકાવું પડે. ફિલ્મીસ્તાન સ્ટૂડિયોમાં તે આખાય ઘરનો સેટ ઊભો કરાયો હતો અને તે ગીત ફિલ્માવાયુ હતું. અચ્છા જ્યારે આ ગીતના શૂટની વાત નીકળી છે તો, એક બીજી વાત યાદ આવે છે. સામાન્ય રીતે કોઈ ડ્રામેટીક સીન હોય કે લાગણીશીલ મુવમેન્ટ શૂટ કરવાની હોય ત્યારે જે-તે એક્ટર પોતાને તે માટે તૈયાર કરવા માટે ક્યાં તો એકલામાં ખુબ રિયાઝ કરે છે, કોઈ શાંત થઈ તે સીન માટે પોતાને તૈયાર કરે છે. પરંતુ, કાજોલ? કાજોલ આ બધાથી વિપરીત આવા શૂટ પહેલાં લોકેશન પર ખુબ ધમાલ મચાવતી હતી. બધાને પરેશાન કરી મૂકે એટલી હદ સુધીની તે મસ્તી કરતી અને પછી શૂટિંગ શરૂ થાય ત્યારે, કૅમેરા ઓન થાય અને રોલ સ્ટાર્ટ, એક્શનની બૂમ પડે અને કાજોલ જાણે… અચાનક જ તે શૂટમાં આવી ગઈ હોય તેમ જબરદસ્ત અભિનય કરી બધાને અચંબિત કરી મૂકતી. અને આ જ કારણથી આ આખીય ફિલ્મના શૂટિંગ દરમિયાન યશ ચોપરા કાજોલને ‘પગલી’ કહીને બોલાવતા હતાં.
કાજોલની આવી જ ધમાલમસ્તીની વચ્ચે આ ફિલ્મના મુખ્ય કોરિયોગ્રાફર સરોજખાન આ ફિલ્મને યાદ કરતાં જે વાતો કહે છે તેમાં અજાણતા જ કાજોલના કુદરતી વ્યક્તિત્વની ઝાંખી મળી જાય છે. યાદ છે પેલું સુપરહિટ ગીત, ‘મહેંદી લગા કે રખના…’ આ ગીતની કોરિયોગ્રાફી સમયે સરોજજી કાજોલને ચહેરા પરથી ઘૂંઘટ હટાવવાવાળી મુવમેન્ટ સમજાવતા હોય છે અને તેઓ ત્યારે કહે છે કે, આમ કરતાં તારે થોડા શરમાઈ જવાનું છે. ત્યારે કાજોલ અચાનક જ તેમને પૂછી બેસે છે કે શર્મા? આ શર્મા કોણ છે? મતલબ કે કાજોલને એ ખબર જ નથી કે શરમાવુ એટલે શું? આ માનવામાં નહીં આવે તેવી વાત પણ છે પરંતુ, સાચે જ કાજોલને તે સમજાયુ નહોતું અને આખરે આદિત્ય ચોપરાએ તે આખોય શૂટ કાજોલને એક્સપ્રેશન સાથે કરી દેખાડવો પડ્યો હતો. અને સાચે જ થયું એવું કે વારંવાર પ્રેકટીસ અને વારંવાર શૂટ કરવા છતાં એ એક્સપ્રેશન અને એ મોમેન્ટ નહોતી મળી રહી જે ખરેખર ડાયરેક્ટરને કાજોલ પાસે જોઈતી હતી. આખરે સરોજ ખાને તેમની સામે બેસી જવું પડ્યું અને એક એક શબ્દસહ, મોઢાના એક્સપ્રેશન દેખાડતાં જવું પડ્યુ જેની કાજોલે રિત્તસર કોપી કરી અને આખેર સીન પૂર્ણ થયો.
અને હવે સમય છે ડીડીએલજેના ક્લાઈમેક્સને વાગોળવાનો. આપણને બધાને ખબર છે કે આદિત્ય ચોપરાની દિગ્દર્શક તરીકે આ પહેલી ફિલ્મ હતી અને તે પપ્પા યશ ચોપરાની ગાઈડલાઈન અને ઈનપુટ્સ સાથે કામ કરી રહ્યા હતાં. પરંતુ, સાથે જ આદિત્ય ક્યાંક પોતાની અંદરના દિગ્દર્શકને પણ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં. હવે એમાં ઘણીવાર એવું બનતું કે આદિત્યના કોઈક કામ કે પોઈન્ટ ઓફ વ્યુ સાથે તેની ટીમના કેટલાંક સિનીયર આર્ટીસ્ટો સહમત નહીં હોય. ત્યારે શાહરૂખ કે કરન જોહર જેવા તેના મિત્રો તેમને સમજાવતા કે કદાચ તે લોકોની વાત સાચી પણ હોય, તારે તેમની વાત માની લેવી જોઈએ. ત્યારે આદિત્ય કહેતો કે, હું મારી અંદરના દિગ્દર્શકને વાચા આપી રહ્યો છું અને હું આ ફિલ્મ એ રીતે બનાવવા માગૂ છું જે રીતે મેં તેનું ક્રાફ્ટ વિચાર્યુ છે. હું ભૂલ કરતો હોઈશ તો મને કરવા દો, જો હું ભૂલ નહીં કરીશ તો મને કઈ રીતે સમજાશે કે મેં ક્યાં ભૂલ કરી હતી? અને હું નવુ કઈ રીતે શીખી શકીશ? આ જ રીતે જ્યારે તેમણે ક્લાઈમેક્સનો સીન શૂટ કર્યો ત્યારે પણ સરોજખાન અને આદિત્ય ચોપરાના કૅમેરામેન મનજી આદિત્યના પોઈન્ટ ઓફ વ્યુ સાથે સહમત નહોતા. તેમણે કહ્યું કે આ રીતે શૂટ નહીં કરાય, સીન બગડી જશે. ત્યારે આદિત્ય ચોપરા કહે છે કે હું ભૂલો નહીં કરીશ તો સીખીશ કઈ રીતે? આપણે મેં કહ્યું તે રીતે જ શૂટ કરશું. આખરે, ફિલ્મનો ક્લાઈમેક્સ આદિત્ય ચોપરાએ જે રીતે સ્ટાર્સને અને કૅમેરામેનને નરેટ કર્યો તે જ રીતે શૂટ થયો અને પરિણામ આપણી નજર સામે છે. ટ્રેનનો એ સીન, કાજોલનું એ દોડવું અને શાહરૂખનું એ હાથ લંબાવવુ… આ બધી મોમેન્ટ હવે જાણે આઈકોનિક મોમેન્ટ બની ગઈ છે. અને લોકો હજી આજેય તેની કોપી કરતાં થાકતા નથી.
અને છેલ્લે એક અનુભવી ગીતકાર, હિન્દી સિનેમાના માંઘાતાની ભવિષ્યવાણીની વાત સાથે ડીડીએલજેની કહાણીઓને પૂર્ણવિરામ આપીએ. આદિત્ય ચોપરા, આનંદ-મિલિન્દના રેકોર્ડીંગ સ્ટૂડિયોમાં આવીને સ્ક્રીપ્ટનું નરેશન આપે છે અને આ નરેશન પૂર્ણ થયા બાદ, લિજેન્ડરી ગીતકાર આનંદ બક્ષી, આનંદ-મિલિન્દને કહે છે કે, ‘યે લડકા જો યે પિક્ચર સૂના રહા હૈ, યે ઉસકી આધી ભી બના ગયા ના, તો યે પિક્ચર કભી ઉતરેગી નહીં.’ અને જૂઓ, બક્ષી સાહેબે કેવી જબરદસ્ત ભવિષ્યવાણી કરી હશે કે, આજે પણ ડીડીએલજે મુંબઈના મરાઠા મંદિર થિયેટરમાં ચાલૂ છે. અને હજી આજે પણ શૉ હાઉસફૂલ પણ થાય છે.

લેખન : આશુતોષ દેસાઈ

આપને આ માહિતી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો, દરરોજ આવી અનેક માહિતી અને બોલીવુડની જાણી અજાણી વાતો વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી