જલ્સા કરોને જેંતીલાલ

વોશિંગ મશીન કોઈપણ હોય આજે શીખો તેને સાફ કેવીરીતે રાખશો…

આપણે અગાઉના લેખમાં વોશીંગમશીનના ઈતિહાસ, તેના પ્રકાર, દરેકની વિશેષતા અને ઉપયોગ વિશે વિસ્તારપૂર્વક જોઈ ગયા છીએ. આજે આપણે જાણીશું વોશીંગમશીનની સફાઈ વિશે. ઘણાબધા લોકોને વોશીંગમશીનનો એ લેખ માહિતીસભર લાગ્યો. તેમના નિખાલસ પ્રતિભાવ મને ફરીથી વોશીંગમશીનને લગતો લેખ લખવા માટે પ્રેરી ગયા એટલે એ શ્રેણીમાં આગળ વધતાં આજે આપણે જાણીશું વોશીંગમશીનને સ્વચ્છ કેમ રાખવું.


કોઈપણ ચીજવસ્તુ હોય, સમયાંતરે તેને ઘસારો લાગે જ છે અને અમૂક સમય બાદ તેને રિપ્લેસ કરવી પડે છે. પણ જો તેની સારસંભાળ વ્યવસ્થિત રાખીએ તો આ સમયગાળાને લંબાવી શકાય છે. વસ્તુનો ચીવટથી ઉપયોગ કરીએ અને સમયાંતરે રેગ્યૂલર સર્વિસ કરાવીએ તો ઘસારો ઓછો લાગે છે. વોશીંગમશીન આપણો ઘણો બધો સમય બચાવીને આપણું કામ ઓછું કરી આપે છે તો આપણે પણ તેની દરકાર રાખવી જરૂરી બની જાય છે. જો તેની વ્યવસ્થિત સફાઈ ન થાય તો પાણીવાળા ભાગ પર રજકણો અને ફૂગ થઈ જવાને કારણે કપડાંમાંથી પણ ગંધ મારવાનું ચાલુ થઈ જાય છે. તો ચાલો આજે જાણીએ વોશીંગમશીનના સફાઈઅભિયાન વિશે..


ફ્રન્ટલોડ મશીન – ફ્રન્ટલોડ મશીન એનર્જી સેવીંગમાં ઘણી બચત કરી આપે છે. આ સિવાય તેનો સહુથી મોટો ફાયદો એ છે કે તેને સાફ કરવા માટે વધારે મહેનત નથી કરવી પડતી. ફ્રન્ટલોડ મશીનને સાફ કરવા નીચે મુજબની ઘરમાં વપરાતી રોજીંદી વસ્તુઓની જ જરૂર પડશે.

વસ્તુઓ – 2 કપ વિનેગાર , એક ચોથાઈ કપ બેકીંગ સોડા, એક ચોથાઈ કપ પાણી અને વાસણ ધોવામાં વપરાતું સ્પંજ


રીત – બેકીંગ સોડા અને પાણીને મિક્ષ કરી તેને મશીનના ડિટરજન્ટ ડિસપેન્સરવાળાભાગમાં ભરી દો. વિનેગારને સ્પંજ વડે મશીનની અંદર કપડા ધોવાનાં ડ્રમની દિવાલો પર લગાવી દો. હવે મશીનનો દરવાજો બંધ કરી તેને ગરમ પાણી સાથે નોર્મલ મોડ સેટીંગમાં ચાલુ કરો. તમારે કશી મહેનત કરવાની જરૂર નથી. જૂઓ, મશીન આપોઆપ સાફ થઈ જશે. થોડીવાર પછી મશીનને સાદા પાણીથી ફરી સાફ કરી નાખો. દર મહિને-બે મહિને આ રીતે મશીન સાફ કરતાં રહેવાથી તેની આવરદા વધે છે અને તે કાર્યક્ષમ રહે છે.


ફ્રન્ટલોડ મશીનનું વોશર કઈ રીતે સાફ થાય તે જોયું, હવે ડ્રમ સાફ કરવાની રીત જોઈએ. તે માટે ગરમ પાણીમાં સાબુ પલાળીને લિક્વીડ તૈયાર કરો. (અથવા બજારમાંથી મળતા વોશીંગમશીન ક્લિનીંગ લિક્વીડનો પણ ઉપયોગ કરી શકાય. ) આ લિક્વીડમાં કોઈ નકામું કપડું પલાળીને તેના વડે ડ્રમને લૂછી નાખો. ફરીથી કોઈ સૂકા કપડાં વડે તેને સાફ કરી નાખો. એ પછી દરવાજો થોડીવાર માટે ખુલ્લો રાખો જેથી બધી જ ગંધ દૂર થઈ જશે.


હવે જોઈએ, ડ્રાયરને કઈ રીતે સાફ કરવું જોઈએ. ડ્રાયરમાં લિંટ ફિલ્ટરને (મેલને ફિલ્ટર કરવા માટેની થેલી) સાફ કરવાની ખાસ તકેદારી રાખવી જોઈએ. વેક્યૂમ ક્લીનર વડે બને તેટલો આ ભાગને સાફ કરવો જોઈએ. વાસણ ઘસવાના કૂચાનો પણ ઉપયોગ કરી શકાય. આ સિવાય ડ્રાયરનો અંદરનો ભાગ અને દરવાજાને પણ ફીણવાળા પાણીનો ઉપયોગ કરી ઘસીને સાફ કરવો જોઈએ જેથી રજકણો રહી ન જાય. કોઈપણ જગ્યાએ હવા બહાર નીકળી ન શકે તે પ્રકારનું બ્લોકેજ ન હોવું જોઈએ.


આ સિવાય એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, કે જ્યારે પણ ડ્રાયરનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તેમાં સૌપ્રથમ જૂના કપડાં જ નાખવા જોઈએ.

હવે જોઈએ ટોપલોડ મશીનને સાફ કરવાની રીત-


તેને પણ ફ્રન્ટલોડ મશીનની જેમ જ સાફ કરવામાં આવે છે. મશીનને સાફ કરતાં પહેલા તેને હાઈએસ્ટ (સહુથી વધારે) લોડ સાઈઝ, ગરમપાણી અને લોંગેસ્ટ વોશ સાયકલ સેટીંગમાં તૈયાર કરો. વિનેગાર કે બ્લીચને ગરમપાણીમાં બ્લીચીંગ પાવડર સાથે ભેળવી એક લિક્વીડ બનાવી તેને ડ્રમમાં લગાડી મશીન ચાલુ કરી દો. મશીન આપમેળે સાફ થવા લાગશે. એકવાર આ રીતે સાફ થઈ જાય પછી ફરીથી તેને માત્ર સાદા પાણીમાં સાફ કરી દો. આ રીતે બે વાર સાફ કરવાથી મોટાભાગનો મેલ નીકળી જશે.


વસ્ત્રોની સફાઈ વોશીંગમશીનની ફરજ છે અને આપણી ફરજ છે તેને તંદુરસ્ત રાખવાની.

સમાપન વખતે વોશીંગમશીનમાં ઉપયોગમાં લેવાતા પાવડર વિશે –


વાત જ્યારે વોશીંગમશીનના પાવડરની થઈ રહી હોય તો સ્વાભાવિક રીતે આપણને નિરમાની પેલી ટેગલાઈન “દૂધ કી સફેદી..” જ યાદ આવે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં સૌપ્રથમ વોશીંગમશીનના પાવડર તરીકે ક્રેડિટ નિરમા પાવડરને નહીં પણ સર્ફ પાવડરને જાય છે. સર્ફ પાવડરની શરૂઆત પાકિસ્તાનમાં સન 1948માં થઈ હતી, જેણે સન 1959માં ભારતમાં પ્રથમ વોશીંગમશીન પાવડર તરીકે થઈ. આજે પણ સર્ફ એક્સેલ વેચાણમાં સહુથી વધારે માર્કેટશેર ધરાવે છે.


તમે પણ આવી કોઈ ટીપ્સ જાણતા હોવ તો કોમેન્ટમાં જણાવી શકો છો.

સંકલન – ધવલ સોની

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી જાણવા અને વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

Exit mobile version