ચાલવું – સ્વસ્થ રહેવા માટેનો ઉત્તમ ઉપાય પણ કેટલું અને કેવીરીતે…

ચાલવું – સ્વસ્થ રહેવા માટેનો ઉત્તમ ઉપાય

વર્તમાન જીવન પદ્ધતિ માં શરીર ને પૂરતો શ્રમ મળતો નથી. સરળ સુલભ વાહનો ને લીધે આપણું જીવન એકદમ આરામદાયી અને બેઠાડું બની ગયું છે. શ્રમ નું મહત્વ ધીમે ધીમે ઘટતું જાય છે. ચાલી ને કામ પર જવામાં કે અન્ય શ્રમ કરવામાં લોકો ને હવે નાનપ લાગે છે. સ્થૂળતા દિવસે દિવસે વધતી જાય છે. એમાં પણ જો બાળકો ને સ્થૂળતા હોય તો તે મોટાભાગે કાયમ રહેવા નો ડર રહે છે.

હવે એ નિર્વિવાદ સાબિત થયું છે કે શરીર માં વધુ પડતી ચરબી થી હૃદય રોગ , હાઇબ્લડપ્રેશર, ડાયાબીટીસ, સાંધા નો વા , હાડકા વહેલા ઘસાય જાવા અને અમુક પ્રકાર ના કેન્સર પણ થઈ શકે છે. શરીર માં જમા થયેલ ચરબી અનેક રોગો ઉતપન્ન કરીને અંતે આયુષ્ય ઘટાડે છે.

વજન વધવાના કારણો તેની સારવાર ગૂંચવાડા ભરેલી છે. જરૂર કરતાં વધુ કેલરીઆહારમાંલેવાથીવધારા ની કેલેરી ચરબી રૂપે જમા થાય છે. આ વધારા ની કેલેરી એટલે કે ચરબી ને બાળવા શ્રમ કરવો પડે છે , પરસેવો પાડવો પડે છે . તંદુરસ્તી ને બજાર મ ખરીદી ના શકાય . એના માટે નિયમિત વ્યાયામ કરવો પડે છે. આ વ્યાયામ માં ચાલવું, યોગાસનો, જોગિંગ, સાયકલિંગ, સ્કેટિંગ, તરવું વગેરે નો સમાવેશ થાય છે, આમાંની કોઈ પણ કસરત દરેક વ્યક્તિ પોતાની રીતે પસંદ કરી શકે છે . ચાલવું એ સરળ , સહજ અને બિન ખર્ચાળ હોવાથી દરેક વ્યક્તિ આસાની થી સમજદારી પૂર્વક કરી શકે છે.

નિયમિત ચાલવા ના ફાયદા :-

• સ્નાયુઓ ની સ્ફુર્તિ, શક્તિ અને જોમ વધે છે. સાંધા તેમ જ લીગમેન્ટ્સ સમૃદ્ધ બને છે અને શરીર ચેતનવનતું થાય છે.
• હૃદય ના સ્નાયુઓ મજબૂત બને છે, અને હાઈ બ્લડપ્રેશર માં ફાયદો થાય છે.
• ચરબી અને વજન ઘટે છે. • લોહી માં ગ્લુકોઝ નો વપરાશ વધતાં ડાયાબીટીસ ઘટે છે, અને દવા અથવા ઇન્સ્યુલિન નું પ્રમાણ ઘટે છે. જે લોકો ડાયાબીટીસ ના શરૂઆત ના તબક્કા માં હોય તેઓ આ રોગ ને વિલંબિત કરી શકે છે.
• ધ્રુમપાન,તમાકુ જેવા વ્યસન છોડવા માટે માનસિક શક્તિ વધે છે .
• લાભદાયી ગણાતું HDL કોલેસ્ટેરોલ વધે છે અને નુક્શાણકારી ગણાતું LDL કોલેસ્ટેરોલ અને ટોટલ કોલેસ્ટેરોલ ઘટે છે.
• પેટ ના દર્દો ઘટે છે, પાચનશક્તિ સુધરે છે અને કબજિયાત માં ફાયદો થાય છે.
• હાડકા વધુ કેલ્શિયમ ગ્રહણ કરી શકે છે અને મજબૂત બને છે. હાડકા માં કેલ્શિયમ ઓછું થવાની પ્રક્રિયા (ઓસ્ટીયોપોરોસીસ ) ની પ્રગતી ધીમી પડે છે . • શરીર ના તમામ ભાગો માં લોહી નું પરિભ્રમણ વધે છે. જ્ઞાનતંતુ ઓ ની સંવેદનશીલતા સતેજ બને છે.
• મન સ્વસ્થ રહે છે, તનાવ ઘટે છે , તનાવ ના પ્રસંગો ને હલ કરવાની શક્તિ વધે છે . ઉત્સાહ અને આશાવાદ વધે છે. આત્મવિશ્વાસ વધે છે .

• ઊંઘ સારી આવે છે. અમુક લાભદાયી કેમિકલ્સ ઉત્પન્ન થતા મન ની પ્રસન્નતા જળવાય રહે છે અને જીવન આનંદદાયી બને છે.• રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
• વૃદ્ધાવસ્થા દૂર ઠેલાય છે.

• નિરોગી શરીર રેહવાથી બીમારી ના દિવસો ઘટે છે . કામકાજ ના કલાકો વધે છે જે ખાનગી હિત તો છે જ પણ રાષ્ટ્રીય હીત માં પણ છે.
ચાલવાની સાચી રીત

ચાલવાથી આટ આટલા ફાયદા થાય છે એ તો આપણે અહીં જાણી લીધું , પણ તમે કદાચ કદી વિચાર પણ નહીં કર્યો હોય કે ચાલવાની પણ એક સાચી રીત હોય છે.

દરેક પગલાં વખતે શરીર નું વજન એડી થી અંગુઠા અને આંગળીઓ ના મૂળ સુધી પગ ના પંજા પર આવે છે. પ્રથમ એડી નો ભાગ જમીન ને અડે પછી પંજા નો મધ્યભાગ અને છેલ્લે અંગુઠો વળે છે. પગલું ભરવામાં સમતોલ પણું રાખવું જરૂરી છે. જો તમારા શૂઝની એક બાજુ વધુ ધસારો લાગતો હોય તો સમજવું કે ચાલતી વખતે તમારું વજન એક સરખું વહેચાતું નથી અને એડીના એક ભાગ પર વધુ દબાણ આવે છે આથી લાંબા સમયે પગ ના સ્નાયુઓના દુખાવા ની તકલીફો ઉભી થવાની શક્યતા છે.

ચાલતી વખતે તમારો અંગ વિન્યાસ સાચી રીત નો હોય તે અગત્ય નું છે.

બંને હાથ બાજુ પર છૂટ થી ઝૂલવા જોઈએ. ઝડપી ચાલથી લાંબા પણ આરામદાયી પગલાં ભરવા જોઈએ. ઝડપ થી ચાલવા માટે સહેજ આગળ થી નમીને ચાલો, ઊંડા શ્વાસ લો અને વાતચીત બિલકુલ ના કરો. પગ ઢસડી ને ન ચાલતા ઉપાડી ને ચાલો, લટાર મારવા નીકળ્યા હોય તેમ ચાલવું, બગીચા માં ફરતા હોય તેમ ચાલવું કે બજાર માં ખરીદી માટે ગયા હોય તે રીતે ચાલવાને વ્યાયામ માં ગણવામાં આવતું નથી. ચાલવા ની આદર્શ રીત પ્રમાણે મસ્તક ટટ્ટાર , પીઠ સીધી, પેટ સપાટ અને નજર સીધી રાખવી જોઈએ.

ચાલવાનું વિજ્ઞાન :-

જેઓ બેઠાડું જીવન જીવે છે તેમણે પહેલે દિવસ થી બધું કરી લેવાની ઉતાવળ ન કરવી. શરૂઆત હળવે થી કરો અને ધીરે ધીરે પ્રમાણ વધારો. શરૂ માં ‘વોર્મિંગ’ કરો તેનાથી શ્વાસોચ્છવાસ , લોહી નું પરિભ્રમણ અને શરીર નું ઉષ્ણતાપમાન વધે છે અને શરીર કસરત માટે તૈયાર થાય છે . શિયાળા માં રક્તવાહિનીઓ સંકોચાયેલી હોય છે ત્યારે એકદમ વધુ વ્યાયામ કરવાથી લોહીના પરિભ્રમણ માં મુશ્કેલી સર્જાય છે . ‘વોર્મિંગ’ માં હાથ પગ હલાવવા, કમર થી આગળ પાછળ અને બાજુ પર નમવું અને એક સ્થાન પર ઉભાઉભા દોડવું વગેરે થઈ શકે.

‘વોર્મિંગ’ પછી કન્ડિશનિંગ નો સમય આવે છે, આ દરમિયાન ઝડપી ચાલે 30 -35 મિનિટ ચાલવું જોઈએ. આ દરમિયાન શરીર ના ધબકારા વધવા જોઈએ અને પરસેવો થવો જોઈએ. આ માટે દર કલાકે 5 km ની ઝડપ પૂરતી છે. એથી વધુ ઝડપે ચાલવાની જરૂર નથી, નુકશાન થઇ શકે છે.

કન્ડિશનિંગ પછી કુલિંગડાઉન માટે ધીમે પગલે પંચ મીનીટ ચાલવું , શરીર ને ધીમે ધીમે હળવું થવા દો. ઝડપ થી ચાલી ને આવીને તુરત સુઈ જવું કે બેસી જવું યોગ્ય નથી. હળવે હળવે ઘરમાં કે આજુબાજુ માં ચાલવાનું રાખવું.

ચાલવાનું યોગ્ય પ્રમાણ :-

હૃદયરોગ કે અન્ય બીમારી ના દર્દીઓએ ડૉક્ટર ની સલાહ લઈને પછી તે પ્રમાણે ચાલવું. બહુ શ્વાસ ચડે કે અતિશય થાક લાગે તે પ્રમાણે ચાલવું નહિ. સ્વસ્થ વ્યક્તિઓ એ પેહલા દિવસ થી એક સામટુલાબું અંતર ચાલવાની કોશિશ ન કરવી. શરૂ માં માફકસર થોડું ચાલો અને પછી ધીરે ધીરે અંતર અને ઝડપ વધારતા રહો.

ચાલવાનો સમય :-

ચાલવાનો સૌથી યોગ્ય સમય વહેલી સવારનો છે. તેમ છતાં વ્યવસાય નો સમય , કૌટુંમ્બિક અનુકૂળતાઓ મુજબ અને અંગત પસંદગી પ્રમાણે સાંજ નો સમય પસંદ કરી શકાય. સમય એ પ્રમાણે પસંદ કરવો કે તમે રોજ નિયમિત રીતે ચાલવાનું શરૂ રાખી શકો અને વારંવાર અટકાવવું ના પડે. ગરમી કે તડકા માં ચાલવા નું સલાહભર્યું નથી, નુકશાન થઇ શકે.

ચાલવા માટે પગરખાં (શૂઝ ) :-

• ચાલવા માટે ચપ્પલ કે સ્લીપર નો ઉપયોગ ન કરવો.
• હલકા વજન ના આરામદાયી અને પંજાનાવળાકવાળા ભાગ ને પૂરો ટેકો મળી રહે તેવા શૂઝ સારા ગણાય.
• શૂઝ પહેર્યા પછી અંગુઠા આગળ અડધો ઇંચ જેટલી વધારાની ખાલી જગ્યા હોવી જોઈએ જેથી ચાલવામાં અનુકૂળતા રહેશે.
• શૂઝ ના તળિયા કરતા એડી પોણો ઇંચ ઊંચી હોય તે જરૂરી છે.
• ઋતુ પ્રમાણે ખુલતા,હળવા, પાતળા કપડાં પહેરવા.

આરોગ્યના અન્ય નિયમોનું પાલન :-

• નવરાશ ની પળો માં ઊંડા ઊંડા શ્વાસ લો.
• ઘરમાં તથા વ્યવસાય ના સ્થળે ,ખાસ કરીને જમવાના સ્થળે તદ્દન ચોખ્ખાઈ રાખવી.
• માનસિક ચિંતા કલેશ દૂર કરવા માટે અનુકૂલનવૃત્તિ, ઉદારર્દષ્ટિ કેળવવી, સદવાંચન, સદપ્રવૃત્તિ, સેવપ્રવૃત્તિ, સારા મિત્રો નો સંપર્ક અને ઈશ્વર માં શ્રદ્ધા રાખવી.
• પાણી અને ખોરાક તદ્દન શુદ્ધ હોય તે ખૂબ જરૂરી છે. બહાર ની ખાણીપીણી બંધ કરવી.
• તમાકુ, બીડી, સિગારેટ બિલકુલ બંધ કરી દો. સોપારીમાં પણ મેરિકોલાઈન નામનું કેન્સર પેદા કરતું તત્વ રહેલ છે.
• ધૂળ ,ધુમાડો વગેરે પ્રદુષણ થી દુર રહો.
• બજાર મા મળતા ઠંડાપીણા માં અતિ નુક્શાનકારીરસાયણો હોય છે. તેથી તેનો ઉપયોગ પૂર્ણ રીતે બંધ કરો.

નોંધ ::

• માત્ર ચાલવાની કસરત જ ઉપયોગી છે તેવું નથી. ચાલવા શીવાયની કસરતો પણ બહુ જ મહત્વ ની છે. ચાલવાનું દરેક વ્યક્તિ આસાની થી કરી શકે છે તેથી એ વિષય પર ભાર મુકવા માં આવ્યો છે.

લેખન સંકલન : ડૉ.ઘનશ્યામ દોશી

સાભાર : રૂચી શાહ

દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર, તમે લાઇક કર્યું કે નહિ આપણું પેજ.

ટીપ્પણી