પેટ – આ પાપી પેટની રસપ્રદ વાતો પહેલા ક્યાય નહિ વાંચી હોય વાંચો અને મોજ કરો…

આ કોઈ તબીબી વિજ્ઞાનને લગતો કે આરોગ્યની ટિપ્સ આપતો લેખ નથી તેથી બે ધડક આગળ વાંચતા રહો

માનવ શરીરના પ્રમુખ અંગો મોટેભાગે બે અક્ષરના નામથી ઓળખાય છે જેમકે વાળ, ભાલ,આંખ, નાક, હોઠ, દાંત, છાતી, પેટ, કટી (કમ્મર) પગ વી.વી.પરંતુ એ બધામાં પેટ મહત્વનું છે અને એટલેજ શરીરના મધ્યભાગમાં ઈશ્વરે એની રચના કરી છે.

આપણે કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે જો પેટ ન હોત, (અથવા ભગવાને ન આપ્યું હોત તો શું થાત ?)
હું એમ માનું છું કે જો ઈશ્વરે માનવીને પેટ રૂપી પેટી ન આપી હોત તો શારીરિક રચનામાં તો ભગવાને જે કરવું હોત તે કરત , પણ વિશ્વભરની મોટાભાગની સમસ્યા કદાચ તેથી નિવારી શકાય હોત.

મને સૌ પહેલો વિચાર ભાવનગર ના શેઠ બ્રધર્સ નો આવ્યો, કે જો પેટ જ ન હોત તો એનું કાયમ ચૂર્ણ પણ કદાચ અસ્તિત્વમાં ન હોત.એમ કહેવાય છે મોટાભાગના રોગો પેટને કારણે ઉદભવે છે કબજિયાત, ઝાડા,ગેસ, અપચો, મંદાગ્નિ અને ખૂબી એ છે કે શરીરના અન્ય ભાગની જેમ પેટની અંદર રહેલ મશીનરી આપણે જોઈ પણ શકતા નથી, કે દર્દનો ખ્યાલ પણ આવે, આમ પેટની મશીનરી પેટીમાં પુરાયેલી રહે છે પરિણામે મોટાભાગની પેટની બીમારી વિના ચેતવણી પણ આવી પડે છે.

પેટ એ યજ્ઞશાળા છે, હોજરી/જઠર એ યજ્ઞ કુંડ છે, જેમ જેમ તમે ખોરાકનો એક એક કોળિયો પેટમાં પધરાવો છો, ત્યારે એ યજ્ઞકુંડમાં સમર્પિત કરેલી આહુતિ રૂપ છે, સતત મળતી આહુતિ થી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને ખોરાકનું પાચન સરળ બને છે, આવી મારી સાદી સમજ છે

પેટ ન હોત તો ? તો પછી અર્થોપાર્જન વ્યાપાર, કે વ્યવસાયની જરૂરતજ ક્યાં રહી ?
કાંદિવલીથી મુંબઈ સેન્ટ્રલ કાયમ સવારે સાડા છ વાગ્યે જઈને રાત્રે દશ વાગે કામ ઉપરથી પાછા ફરતા કોઈ આધેડ ને પૂછશો કે ભાઈ આ જિંદગી આખી તું દોડાદોડી શું કામ કરે છે તો નિશ્ચિત રીતે એના જવાબમાં એ પોતાની પત્ની અને ચાર બાળકો નું પેટ પુરવાની સમસ્યા બતાવશે

એ ઉપરાંત પણ ખોટાને સાચા ઠરાવતા કાનૂનવિદો પણ મહદ અંશે નવરા થઇ જાય, કારણકે પેટ ન હોવાથી ચોરી ચપાટી ઓછી થવાની છે, અને ધારાશાસ્ત્રીને પણ પેટ ન હોવાથી કોઈ મહેનત કરવી પડતી નથી
જિંદગી આખી ભાગદોડ, જંજટ, ખોટું-સાચું,કાવા દાવા વિગેરે પેટ માટે થઈનેજ કરવું પડતું હોય છે
શરીરમાં પેટ મહત્વનું અને લાડકું સ્થાન ધરાવે છે એમાં બે મત નથી તમે કોઈ સ્થૂળ દેહધારીનું મોટુ પેટ ધરાવતી વ્યક્તિને પલાંઠી વાળીને બેસેલી જોઇ છે ? જયારે એ દૃશ્ય જોશો ત્યારે તમને ખાતરી થશે કે આ સ્થૂળ વ્યક્તિએ જાણે કેમ પોતાના પેટને પોતાની ગોદમાં બેસાર્યું હોય ? અને ગોદમાં તો વ્હાલું હોય એજ બેસે ને ?
આપણી રોજબરોજ વપરાતી તળપદી ભાષામાં પેટને લગતા કેટલાં વિશેષણો/કહેવત, વિગેરે છે એ ખ્યાલ છે ?
તો જુઓ આ પેટ ઉપર થી બનેલા કેટલાંક વાક્યો/શબ્દો/કહેવત

1 પેટ ઉપર પાટુ મારવી ( કોઈની રોજી છીનવી લેવી )
2 પેટ ચોળીને શૂળ ઉભું કરવું ( હાથે કરીને મુશ્કેલી વ્હોરવી )
3 પેટ કરાવે વેઠ
4 પાપી પેટને ખાતર
5 પેટે પાકેલા (કુખે જન્મેલ)
6 દુખે પેટમાં, અને ફૂટે માથું
7 પેટની પીડા ( અંદરની વ્યથા )
8 પેટમાંથી કઢાવવું ( ગોપનીય વાત જાણવી )
9 પેટ સાફ આવવું (કુદરી હાજત સંતોષકારક હોવી )
10 ભરેલ પેટનો (સંતોષી જીવ )
11 પેટનો ખાડો પુરવો ( ક્ષુધા તૃપ્ત કરવી )
12 પેટ ફોડી નાખવું ( આત્મહત્યા કરવી )
13 કોઈ ન પહોંચે તેને એનું પેટ પહોંચે ( સંતાન નો બળવો )
14 પેટમાં રાખવું ( ગોપનીયતા જાળવવી )
15 પેટે પાટા બાંધવા ( આર્થિક સંકડામણ ભોગવવી )
16 પેટ ચોંટી જવું ( ભૂખ લાગવી )
17 પેટમાં દુખવું ( કંઈક વાંકુ પડવું ) [ અહીં દર્દ તરીકે નથી ઉલ્લેખાયું ]
18 મોટા પેટનો (ઉદાર જીવ)
19 પેટમાં બિલાડા બોલવા ( ભૂખ લાગવી )
20 પેટનો મેલો ( કપટી,મીંઢો )
21 પેટ ઉપર પોટલાં બાંધવા ( સામાન્ય ક્ષમતાથી વધુ આરોગવું)
22 પેટમાં પેસીને પગ પહોળા કરવા (વિશ્વાસ સંપાદન કરીને દગો દેવો )
23 બિલાડીના પેટમાં ખીર ન ટકે ( ગોપનીયતા ન જાળવી શકવું )
( આથી વિશેષ કાંઈ હોય તો ઉમેરવાની છૂટ છે)
કદાચ આટલા વિશેષણો શરીરના કોઈ અંગો માટે કદાચ નહીં વપરાતા હોય એજ પેટનું મહત્વ દર્શાવે છે

લેખક : વ્યોમેશ ઝાલા

દરરોજ આવી અનેક માહિતી અને રસપ્રદ વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી