અમદાવાદનો એક અનોખો રીક્ષાવાળો જેનામાં લેખકને થયા સાક્ષાત જગન્નાથજીના દર્શન…

વર્ષો પહેલાની અષાઢી બીજની આ વાત છે.

જૂનાગઢથી અમદાવાદ આગલી રાત્રે એસ.ટી.ની બસમાં મુસાફરી કરી વહેલી સવારે પાંચ વાગ્યે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડએ હું અને મારી પુત્રી નિશા ઉતર્યા.

અષાઢી બીજનો દિવસ હોય, ભગવાન જગન્નાથજીની રથયાત્રાને કારણે અમદાવાદ ચારે ખૂણેથી પોલીસ અને એસ.આર.પી.થી ઘેરાયેલું હતું. વળી ગીતા મંદિરની નજીક જ સંવેદન શીલ વિસ્તાર હોવાને કારણે બસ સ્ટેન્ડ ઉપર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ખાખી ધાડા ઉતરી પડ્યા હતા.

અમે વિચાર્યું કે સવારમાં વહેલા રિક્ષાચાલકો ડોઢું ભાડું વસુલાત હોય નારણપુરા સુધી વધુ પૈસા ખર્ચીને જવાને બદલે સવારના ચા-નાસ્તો બસ સ્ટેન્ડ ઉપર પતાવી, ફ્રેશ થઈ અને દિવસ ઉગતા સામાન્ય રીક્ષાભાડામાં ઘેર જશું. એવું વિચારતા બસ સ્ટેન્ડે બસ આવી ઊભી, સમાન સાથે અમો બન્ને ઉતરતા હતા ત્યાં એક અજાણ્યા રીક્ષાવાળાએ મારા હાથમાંની બેગ ઉપાડતા પૂછ્યું

“સાહેબ, ક્યાં જવું છે ?”

આખી રાતનો બસનો ઉજાગરો અને સાત કલાકની એકધારી બેઠી મુસાફરીથી થાકેલ હોઈ, આંખ પણ બળતી હતી.

અર્ધ મીંચેલી આંખે મેં રીક્ષા વાળાને કહ્યું,  “ભાઈ, હજુ વાર છે, હંમણાં નથી જવું.”

ચાલક રીક્ષાવાળો સાચું કારણ સમજી ગયો અને બોલ્યો, “સાહેબ હું ડોઢું ભાડું લીધા વિના સામાન્ય મીટર ભાવે લઈ જઈશ.”

મારા સાચા ઈરાદા અંગે સ્પષ્ટતા તેણે કરતા મને નવાઈ તો લાગી પણ હું કબૂલ્યો અને રસ્તામાં દૂધ લેવા રીક્ષા ઊભી રાખવાની શરતે અમે સમાન મૂકી રીક્ષામાં ગોઠવાયા.

રસ્તેથી અમૂલની થેલી લઈ સીધા નારણપુરા પહોંચ્યાં.

ઘર આવ્યું. રીક્ષાવાળાએ સમાન ઉતાર્યો. સમાન પહેલે માળે મૂકી ગયો.

મેં પૂછ્યું, “કેટલા આપવાના ?”

રીક્ષાવાળાએ કહ્યું “સાહેબ, કઈ નહિ. મારી આ રોજી તમારે હિસાબે અને તમારી મહેરબાનીને કારણે છે. આપના પૈસા ન લેવાય.”

“હું ઘણા સમયથી આપને શોધતો હતો પણ આજે આપ મળ્યા.” આશ્ચર્યમાં ડૂબી ગયેલ હું ઘડીભર માની ન શક્યો કે આ શું બોલે છે.

મેં કહ્યું, “ભાઈ, હું સવાર સવારમાં બોણી ના સમયે મફત મુસાફરી નહિ કરું. હું તમને ઓળખતો પણ નથી તો આમ શું કામ ?”

પછી એણે જે જવાબ આપ્યો એ આજે ત્રીસ વર્ષે પણ દર અષાઢી બીજને દિવસે હું મનોમન યાદ કરું છું.

તેણે કહ્યું, “સાહેબ આપ મને ઓળખતા નથી. પણ હું બરાબર આપને આટલા વર્ષે પણ ઓળખી ગયો. અહીંની વાસણા રોડની બેંક ઓફ બરોડામાં આપ મેનેજરના ચાર્જમાં હતા અને આપે મારી આજ રીક્ષાની લોન કોઈ પણ જાતની અપેક્ષા વિના મંજૂર કરી હતી, એ હું કેમ ભૂલું ? તમારા પહેલાના મેનેજર સમયની મારી લોન અરજી બેંકમાં ઘણો વખત ધૂળ ખાતી પડી હતી. પણ તે મેનેજર સાહેબની ‘વ્યવહાર સાચવવાની’ની શરત મને બચરવાળ ગરીબને પોસાય એમ ન હતી. ભગવાને મારી સામું જોયું અને આપ મેનેજર તરીકે આવ્યા અને જૂની લોન અરજીના નિકાલ કરતા મને ‘વ્યવહાર કર્યા’ વિના આપે લોન મજૂર કરી આપી એ શું  મારા ઉપરની મોટી મહેરબાની નથી ? તે પછી પણ હું આજે તમારા ભાડા ના પૈસા લઉં ? સાહેબ, ભગવાન મને માફ ન કરે.”

મેં રીક્ષાવાળાને બેસાડ્યો. ચા બનાવરાવી ને પાઈ અને ધરાર એના ખિસ્સામાં રૂપિયા 50ની નોટ મૂકી. અને એની ખાનદાનીની કદર રૂપે દોઢું ભાડું ચૂકવ્યું.

સાચું કહું ? ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે જ મને એ ડ્રાયવરમાં સાક્ષાત જગન્નાથજીના દર્શન થયા.

સાહેબ, ખાનદાનીના ખોરડે ધજા ન ફરકતી હોય એ આનું નામ.

લેખક : વ્યોમેશ ઝાલા

દરરોજ આવી અનેક અવનવી અને રસપ્રદ માહિતી અને વાર્તાઓવાંચો ફક્ત આપણાં પેજ પર.

ટીપ્પણી