મોગરાની મહેક – એણે સપનેય ખ્યાલ ના આવે એવું બની ગયું… લાગણીસભર વાર્તા…

” મોગરાની મહેક “

(પ્રિય વાંચકોને વિનંતી કે વાર્તા વાંચતા રૂમાલ હાથમાં રાખવો જરૂરી છે.)

વસુંધરા સાથેના લગ્નજીવનને પંદર વર્ષ પુરા થઇ ગયા.
સુખ અને આનંદના દિવસો કેટલા ઝડપથી પસાર થઇ જાય છે, તેનો ખ્યાલ સુદ્ધા નથી રહેતો.
વસુંધરા સંસ્કારી, સુશિક્ષિત, ઉમદા અને કુટુંબવત્સલ પત્ની હોવાનું મને ગર્વ છે.
સતત ગૃહપ્રવૃત્તિ, પુત્ર ગોટુની સારસંભાળ, મારી કાળજી, સિવાય તેના જીવનમાં બીજું કઈ નહોતું.
વહેલી સવારે છ વાગ્યે ઉઠે, સ્નાનાદીકાર્ય પતાવી,ઘરના અને મંદીરના દેવોની પૂજા, મારા અને ગોટુના સવારના ચા-નાસ્તા બનાવવા, ગોટુનો લંચબોક્સ તૈયાર કરવો, સાડા સાતને અરસે ગોટુને ઉઠાડી,
સ્નાન કરાવી તૈયાર કરવો પછી તેને અભ્યાસ કરવા બેસારવો એમ કરતા સાડા દસ જેવું થતા મને જમાડવો,
મારા બેન્કે ગયા પછી ગોટુને જમાડી, સ્કુલે મુકવા જવો ત્યાંથી પાછા ફરતા બજારની પરચુરણ ખરીદી કરવી, લાઈટ, ટેલીફોન, હાઉસ ટેક્સના બીલ ભરવા, વીમાનું પ્રીમીયમ ભરવું, ત્યાં સુધીની બધી જવાબદારી એકલે હાથે ઉપાડવા છતાં કદી મેં તેને થાકેલી, કંટાળેલી કે ગુસ્સે થતા જોઈ નથી. હમેશા હસતુ જ મોઢું.
બપોરે આરામના સમયે તેમની સહેલીની બન્ને પુત્રીઓ B.A. નું સંસ્કૃત શીખવા આવે .
ફરી સાઇકલ ઉંધી ફરે, સાંજે ગોટુને સ્કુલે લેવા જવો, તેને ચા, નાસ્તો પીરસવા ત્યાં સાડાછ એ હું બેન્કેથી આવું તે પહેલા સાયંસ્નાન કરી, તૈયાર થઇ, માથામાં મોગરાની વેણી સજી, મને સત્કારવા તૈયાર જ હોય,

ડોરબેલ મારું અને દરવાજે સસ્મિત હાજર.
ઘરના પગથીએથી જ મારી બ્રિફકેસ લઇ, તેને યથાસ્થાને ગોઠવી, મારા ચા નાસ્તાનો પ્રબંધ કરે. ફરી, રાતની રસોઈ. જમ્યા બાદ ગોટુનું હોમવર્ક તથા અભ્યાસ અને બસ આમ દિવસ પૂરો.
વસુને મોગરાના ફૂલનો જબરો શોખ. રોજ સાંજે અચૂક મોગરાનીવેણી તેના ચોટલા પર મલપતી જ હોય.
વર્ષમાં બે દિવસે હું તેના માથામાં મોગરાનીવેણી મારા હાથે સજાવતો, એક તેના જન્મદિને બીજો અમારા લગ્નની તિથીને દિને. હું સરપ્રાઈઝ ભેટ આપી મારા હાથે વેણી નાખી આપતો અને વસુ ખુશ ખુશાલ રહેતી,
રવિવારની સાંજ હતી, બંગલા બહારના બગીચામાં હિંચકે અમે બન્ને બેઠા ગામ ગપાટા મારતા હતા, એવામાં ગંભીરતા પૂર્વક મારી સામું જોઈ વસુએ મને પૂછ્યું ” સુહાસ, એક વાત કહું ?”

“બોલને?”

“સુહાસ, છેલ્લા પંદર વર્ષથી તમે મને મારા જન્મદિને નિયમિત રીતે
ચુક્યા વિના કિમતી ભેટ આપો છો. ભેટ પણ કેવી? મારી અપેક્ષાથી ક્યાય ઉંચી, અને ધારણાથી અતિ વધુ કિમતી, કોઈ વર્ષે ભેટ અંગે નથી મારે કહેવું પડ્યું, માગવું પડ્યું, યાદ આપવું પડ્યું કે સૂચવવું પડ્યું તમે કેટલા દીર્ઘદ્રષ્ટા છો.
આ વર્ષે મને એવો વિચાર આવે છે કે, આવતા જન્મદિનની ભેટ હું માગું તે તમે મને આપો તે કિમતી નહી હોય, પણ અમુલ્ય જરૂર હશે તમને યાદ છે ? એક વર્ષે તમે પારૂલબેન પાસે પેરીસથી મંગાવીને ચાંદીના તાર ગૂંથેલ મોજડી મને આપી હતી? બીજે વર્ષે સિંગાપુરની “મ્યુસીક્લ મેકઅપ બોક્સ”, અને ગયે વર્ષે મેં ના પાડી તો એ ધરાર મને “બ્લેકબેરી” અપાવ્યો હતો ” આજે હવે હું જે માંગીશ તે તેટલી કિમતી ભેટ નહી હોય તેની ખાત્રી આપું છું. ”

” વસુ, હું જે કાઈ તારા માટે કરું છું, તેની પ્રસંશા ન હોય, તું કોઈ પારકી છો ? પંદર, પંદર વર્ષથી તું મારા અને મારા પરિવાર પ્રત્યે, જયારે સંપૂર્ણ સમર્પિત થઇ ગઈ હોય, તો હું વર્ષમાં બેવાર તને ખુશ ન રાખી શકું ?
તું મારી શક્તિ, અને મર્યાદા જાણે છે તેને અનુલક્ષીને જો તારી માંગણી હશે તો હું અવશ્ય તે આપીશ,
મને ખાત્રી છે કે તું મને આભના તારા તોડી લાવવાનું નહી કહે ” મેં જવાબ વાળ્યો.“શ્યોર? તમે મને વચન આપો ” વસુ ઉત્સાહી થઇ ઉછળી પડી.

” બિલકુલ, પણ જ્યાં સુધી હું તારી માંગણી ન જાણું ત્યાં સુધી હું તને વચન કેમ આપું? તું તો કૈકઇથી પણ ચડી ગઈ ? પણ હું થોડો રાજા દશરથ છું, કે માગણી જાણ્યા વિના વચન આપી દઉં ? તને ખબર છે ને કૈકઈના વચનને કારણે જ દશરથે પુત્ર વિયોગમાં પ્રાણ ગુમાવ્યા ” થોડા હળવામુડમાં મેં કહ્યું

વસુ હસીપડી,”વાહ, સંત, તુલસીદાસજી વાહ ! તો લ્યો તમે સાંભળો. “ એમ કહીને પોતાના આગામી જન્મદિનની ભેટ વિષે જણાવતા કહ્યું. “સુહાસ, આપણા લગ્ન જીવનના પંદર વર્ષ આંખના પલકારે વીતી ગયા, તે દરમ્યાન આપણા વચ્ચે કૈક મીઠી નોકજોક, સવાદ, મજાક, મશ્કરી, અને એવા કેટલાયે યાદગાર પ્રસંગો બન્યા છે.

તો હું એમ વિચારું છું કે તે બધા પ્રસંગોને તમે તમારી કલમ દ્વારા શબ્દોમાં ઢાળી એક પુસ્તક લખો, અને આગામી મારા જન્મદિને તે પુસ્તક મને ભેટ સ્વરૂપે આપો. મારા જીવનનું આ સૌથી વધુ કિમતી ઘરેણું હશે.”

હું હાસ્ય રોકી ન શક્યો, અટ્ટહાસ્ય છૂટી પડ્યું અને કહ્યું “અરે, પગલી, હું સરવાળા બાદબાકીનો માણસ, મારેને સાહિત્યને શું લેવા દેવા? અરે, મને 35,લીટીનો નિબંધ લખતા ન આવડે તે તું પુસ્તકની વાત કરે છે ?
હું કોઈ લેખક છું? સાહિત્યકાર છું ? તે તો ગજબ કરી, તેન્ડુલકરના ગળામાં સ્ટેથેસ્કોપ નાખી દીધું,
પ્લીઝ, જવાદે યાર, એ મારું કામ નહી. ”

“જુવો, તમને ખબર છે ને કે હું લગ્ન પહેલા શિક્ષિકા હતી, તેથી હું આઠમાં ધોરણના વિદ્યાર્થીનો નિબંધ વાંચું છું એમ સમજીને હું તે પુસ્તક વાંચીશ. હું ખાત્રી આપું છું કે તમારા તે લખાણ અંગે ખાનગીમાં કે જાહેરમાં ક્યારેય ટીકા ટિપ્પણ હું નહી કરું બસ ?”

મારો બચાવ કરતી એક વધુ દલીલ મેં શરુ કરી. “માની લે, કે મેં તે પુસ્તક લખ્યું. ત્યારબાદ તું તેનું શું કરીશ ?”
“એકવાર, બે વાર, દસ વાર, કે વીસ વાર તે વાંચીને કંઠસ્થ કરીશ, પણ પછી અંતે શું ? ઠીકછે કે તું સ્મૃતિ ઈરાનીની બહેન નથી, નહીતો તું યુનીવર્સીટીના અભ્યાસક્રમમાં પાઠ્ય પુસ્તક તરીકે ફીટ કરાવી દે ”

“સુહાસ, તમને મજાક સુજે છે, પણ તમે જાણો છો ? કે તે પુસ્તક આપણી યુવાનીનો પડછાયો હશે, તે આપણી વૃદ્ધાવસ્થામાં, એકલવાયા જીવનમાં આપણને જીવવાની પ્રેરણા આપશે, આપણા પ્રસન્ન દામ્પત્ય જીવનનો તે કીર્તિ સ્તંભ હશે, આપણે યુવાનીમાં અપાર મુશ્કેલી રૂપ અફાટ ધસમસતા મોજા વચ્ચે પાર કરેલ જીવનસાગરની એ દીવાદાંડી હશે.
આપણો ગોટુ મોટો થશે અને લગ્ન કરશે, ત્યારે તે પુસ્તક હું તેની પત્નીને વાંચવા આપી, કહીશ, કે જુવો અમારા જમાનામાં અમે પણ આમ જીવ્યા છીએ. સુહાસ, મારી દરેક વાતના પ્રતિભાવમાં તમારો જવાબ વિનોદી, અને બુદ્ધિયુક્ત, તથા હાજર જવાબી હોય છે, જે મને સાંભળવો બહુ જ ગમે છે, અને જયારે તેને શબ્દદેહ મળશે ત્યારે તે વાંચીને હું રોમાંચિત થઇ મારા ભુલાયેલા ભૂતકાળના દિવસો યાદ કરીશ.

પ્લીઝ, મારી માંગણી સ્વીકારો.” એમ કહેતા વસુ ભાવુક બની ગઈ. તેની આંખો છલકાઈ પડી.

“ચાલ, તારી માંગણી મંજુર બસ ?” એમ જવાબ આપતા જ,

“પણ સુહાસ,,,,,

મને સતત એક અજ્ઞાત ભય ડરાવે છે કે ઈશ્વરને આપણા સુખની જો ઈર્ષ્યા આવશે તો આપણા દાંપત્ય જીવનની પ્રસન્નતા ખેદાન મેદાન થઇ જશે. ભગવાને આપણને આપેલું બધુજ સુખ છીનવાઇ જશે ”
ચિંતિત સ્વરે, વિહવળતા સાથે વસુ બોલી.

વસુની આશંકાએ ઘડીભર તો મને પણ અંદરથી હચમચાવી દીધો છતાં, મારા અવાજમાં કે ચહેરાપરના ભાવમાં કોઈ પરિવર્તન લાવ્યા વીના મેં, હસીને જવાબ દીધો, “તું પાગલ છો? ભગવાને જો છીનવવું જ હોય, તો આપણને તે આપે શું કામ ?

ખોટા વિચાર કરીને તારું મગજ બગાડ નહી. ભગવાને આપણને એકબીજા માટે સર્જ્યા છે. જેમ “સીતારામ” કે “રાધેકૃષ્ણ” એક શબ્દમાં બે જોડાયેલ છે, તેમ, આપણા બન્નેના નામનો પહેલો અક્ષર જોડ.આ “વસુ” શબ્દમાં હું તારામાં ઓગળી ગયો છું, મારું અસ્તિત્વ તારા નામમાં સમાઈ ગયું છે પછી ભગવાન આપણને શા માટે જુદા પાડે?”“ના, ના, સુહાસ તમે ભૂલો છો કોઈનો વિશ્વાસઘાત કરવો તે મનુષ્ય ઈશ્વર પાસેથી શીખ્યો છે, જયારે કોઈને એકવાર આપેલું, પાછું છીનવી લેવું તે ઈશ્વર માણસ જાત પાસેથી શીખ્યો છે અને તેમાં ભગવાન ઘણો માહિર છે.”

“ચાલ, હવે, ખોટા વિચાર છોડી દે, અને રાતનું ભોજન બનાવવાનું શરુ કરી દે. ” એમ કહીને રસોડા તરફ અમે ગયા.
બીજે દિવસથી વસુના સૂચન મુજબનું પુસ્તક લખવાના શ્રીગણેશ કર્યા.

દિવસ, રાત, પરોઢના ચાર વાગ્યા સુધી જાગીને નવા જોશ , ઉમંગ, ઉત્સાહ, અને ઝનુનથી હું પુસ્તક લખવા માંડી પડ્યો. લેપટોપ, પર ટાઇપ કરી પેનડ્રાઈવમાં સેવ કરતો જાઉં,અને તૈયાર થયેલ પેનડ્રાઈવ પ્રેસમાં મોકલી દર બે દિવસનું લખાણ, ત્રીજે દિવસે છપાઈને તૈયાર થતું. બેંકમાંથી અઠવાડિયાની રજા પણ લીધી. જોત જોતામાં, 180પાનાનું દળદાર પુસ્તક લખી નાખ્યું, અને પુસ્તક છપાઈ પણ ગયું પરંતુ એટલું પુરતું નહોતું . હજુ ઘણું બાકી હતું, જન્મ દિવસની તારીખને માત્ર હવે 20 દિવસ જ બાકી હતા. પ્રૂફ જોવાનું, મુખ પૃષ્ઠ પરની તસ્વીર પસંદ કરવી, તેને લેમીનેશન કરાવવું તેમ હજુ મુશ્કેલ કામ બાકી હતું પણ જોતજોતમાં પંદર દિવસમાં તે બધું આટોપાઈ ગયું, પુસ્તક તૈયાર થયું.

બીજી બાજુ શહેરની પ્રતિષ્ઠિત હોટેલમાં જન્મદિન નીમ્મિતનું ડીનર પણ ગોઠવાઈ ગયું. મિત્ર વર્તુળ, લેડીઝ કલબની મેમ્બરો, સ્ટાફ, સગા-સ્નેહીઓ મળી લગભગ 45/50ની જોગવાઈ પણ થઇ ગઈ.
પુસ્તકનું નામ આપ્યું “મોગરાની મહેક” તેના પ્રથમ પાને નોંધ પણ મૂકી

” મારી પ્રિય પત્ની, વસુંધરાને, તેમના જન્મદિન નિમિત્તે, સપ્રેમ ભેટ ” —- સુહાસ .

પુસ્તકને સોનેરી ગીફ્ટ પેપરમાં લાલ રીબીનથી લપેટી મેં મારી તિજોરીમાં મુક્યું, ગણત્રીના દિવસોમાં આવનારા જન્મદિનની સાંજની પ્રતિક્ષા કરતો હતો.

એક મોટા નિરાંતના શ્વાસ, અને અપાર આંનદની અનુભૂતિથી મારું મન તે દિવસની પ્રતિક્ષામાં થનગનતું હતું.

********

તારીખ:-4/07/2015,શનિવાર (અધીકઅષાઢવદ ત્રીજ,)

આજે સ્વર્ગસ્થ વસુંધરાનો જન્મદિવસ છે.

વસુના અવસાનને આજે પાંચ દિવસ થયા. વસુનાં જન્મદિનની પ્રતિક્ષા, કુદરતે એકજ ઝાટકે આંસુમાં ફેરવી નાખી.

બન્યું એવું કે અઠવાડિયા પહેલાના શનિવારે સવારથીજ વસુ, ગોટુનાં પાઠ્ય પુસ્તકો, નોટબુકસ, યુનિફોર્મ, રેનકોટ, રેઇન શુઝ, છત્રી જેવી ખરીદી માટે નીકળી પડી, ત્યાંથી ટ્યુશન ક્લાસના શિક્ષક સાથે ટ્યુશનનો સમય નક્કી કરી, બપોરના અઢી વાગ્યા નાં અરસામાં ધૂમતડકે પાછી ફરી, અસહ્ય ઉકળાટ, સખત ગરમી, તથા પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે મહિના ભરથી મીઠા વિનાનું મોળું એક જ સમય ભોજન લેવાથી લોહીનું પરિભ્રમણ કુદરતી રીતે અનિયમિત થઇ ગયું. બીપી, ઘટ્યું, છાતીમાં થોડો દુખાવો પણ થયો પરંતુ આવીને ગરમ કોફી પીધા પછી તેને કૈંક રાહત જણાઈ.
બીજે દિવસ, રવિવારે પવિત્ર પુરુષોત્તમ માસની સુદ અગ્યારસ હોય, મહિલા ક્લબની સભ્યોએ નર્મદા કિનારે આવેલ, નારેશ્વર મંદિરે દર્શન કરવા, તથા, પવિત્ર નર્મદાસ્નાન કરવાનો પ્રોગ્રામ કર્યો હતો તેથી ત્યાં જ્વામાંટે વહેલી સવારે ચાર વાગ્યા માં અમારા બાપ, દીકરાની રસોઈ તૈયાર કરી અને પ્રવાસ માટે નીકળી.

રાત્રે સાડા આઠવાગ્યેપરતફરી, તે થાકેલ હતી. થાક, શ્રમ, ભૂખની નબળાઈ તેના ચહેરા ઉપર વર્તાતી હતી.
આવતાવેત જ પલંગ પર સુઈ ગઈ, છાતીમાં દુખાવા સાથે શરીર પરસેવાથી લથબથતું હતું

” સુહાસ, હું બહુજ થાકી છું, વળી મને છાતીમાં થોડું દર્દ પણ છે, પ્લીઝ, મને કોફી બનાવી આપશો?” તેણે કહ્યું

“ઓફ કોર્સ, વ્હાઈ નોટ?” કહી મેં કોફી બનાવી તેને પાઇ.

મેં પૂછ્યું, “ડોક્ટરને બોલાવવા છે ? હમણા જ હું ફોન કરી દઉં ?”

“સુહાસ, તમે પણ ખરા છો? મને કઈ નથી, હું જાણું છું કે આ છેલા બે દિવસના શ્રમ, કાલના ઉપવાસ, અને એક ટાઈમ મોળું ખાવાને કારણે લાગેલી નબળાઈ છે મને અગાઉ પણ ઘણીવાર આવું થયું છે, તમે ડોક્ટર પાસે લઇ જઈ, એક્સ-રે, કાર્ડીઓગ્રામ, સ્ક્રીનીંગ, અને કોલેસ્ટર તપાસરાવ્યા છે, અને જયારે રીપોર્ટ આવે ત્યારે ડોક્ટર કહેતા “ચિંતાનું કારણ નથી, આ તો “મસ્ક્યુલરપેઈન” છે, અને દુખાવાની સામાન્ય ગોળીથી હું ફરી સ્વસ્થ થઇ જતી, આ વખતે પણ એમજ છે. પ્લીઝ, ચિંતા કર્યા વિના હવે સુઈ જાઓ.”

રાત્રે લગભગ દસ વાગ્યાને આરસે અમે બધા સુઈ ગયા.

રાત્રીના 3:45 નો સમય હતો. વસુએ મને ઊંઘમાંથી જગાડ્યો.

“સુહાસ, મને ગભરામણ થાય છે, મારી છાતીમાં શૂળ ભોંકાતા હોય તેવી પીડા થાય છે. છાતીના પાટિયા ભીસાય છે. પ્લીઝ ડોક્ટરને ફોન કરોને?”

હું ઉઠ્યો, જોયું, શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું હતું, કપાળ, હાથ, પગ ઠંડા થઇ ગયા હતા.

મેં ડોક્ટરને ફોન કરી તુરત આવવા વિનંતી કરી.
દરમ્યાનમાં વસુએ ઠંડુપાણી પીવા માગ્યું હું ફ્રીઝમાંથી ઠંડુપાણી લઇ, સુતા, સુતાજ અદ્ધરથી તેના મોઢામાં ધીરી ધારે રેડીને પાયું તેણે આંખ ખોલી, ધીમું મલકી, મારો હાથ પોતાના હાથમાં લઇ અને બોલી “સુહાસ, તમે કેટલા સારા છો, કે અર્ધી રાતે પણ મારી સેવામાં ખડેપગે હાજર છો ?” મેં ઈશારો કરી વધુ બોલવાની નાં પાડી.

થોડીવારે ફરી તેણે પીવા પાણી માગ્યું, ફરી ફ્રીઝમાંથી પાણી લઇ અગાઉની માંફ્ક અદ્ધરથી રેડ્યું.

પણ,,,,,,,,,,,,,,,,,,

આ વખતે તે પાણી ગળે ઉતરવાને બદલે બધુજ બહાર નીકળી ગયું,

વસુ આંખ તારવી ગઈ, અને ડોકી એકબાજુ ઢળી પડી.

તત્ક્ષણ ડોરબેલ રણકી, દરવાજો ખોલ્યો, ડોક્ટર પ્રવેશ્યા. પહેલીજ નજરે વસુ તરફજોતા પરિસ્થિતિ પામી ગયા. તેમ છતાં કૃત્રિમ શ્વાચ્છોશ્વાસ આપવાનો શરુ કર્યો. લગભગ અર્ધી કલાકની જહેમત પછી ડોક્ટર બોલ્યા
“સુહાસ, આ માસીવ હાર્ટએટેક હતો, ગઈકાલે, અને આજે સાંજે થયેલ છાતીનો દુખાવો હૃદય ઉપરનો હળવો હુમલો હોઈ શકે, પણ માસીવ એટેક કોઈ સારવારની તક આપતો નથી. I am sorry સુહાસ, હું ભાભીને બચાવી શક્યો નહી.”

વસુની અંતિમ ઈચ્છા મુજબ ચક્ષુદાન અને દેહદાન કર્યા.

અને આમ પંદર વર્ષનો રોમેન્ટિક ઈતિહાસ એક રાતમાં જ પૂરો થયો.

******

માણસ ધારે છે શું અને ઈશ્વર કરે છે શું ? આજે વસુના જન્મદિનની ઉજવણી હતી. ત્યારે તેજ દિવસે તેની પ્રાર્થના સભા યોજાણી, વિશાલ હોટેલમાં, જાક જમાળ રોશની વચ્ચે મ્યુઝીક સાથે ડાન્સ પાર્ટી હતી, તેની જગ્યાએ ઘરના એક ખંડમાં, સુમસામ વાતાવરણમાં ટ્યુબલાઈટના અજવાળે સહુ ભેગા થયા હતા, રંગીન ફેશનેબલ સુંદર વસ્ત્રોની જગ્યાએ સફેદ સાડીમાં મહિલાઓ હાજર હતી. જન્મદિનની ભેટ સોગાદને બદલે હાથમાં ફૂલની માળા હતી. પુસ્તકના વિમોચન સમયે થતા દીપ પ્રાકટ્યની જગ્યાએ માત્ર એક મીણબત્તી મીણ રૂપી આંસુ સારતી એકલી અટૂલી ઉભીં હતી, ઉપસ્થિત સ્નેહીઓને વિમોચિત કરેલ”મોગરાની મહેક”ને બદલે “વિષ્ણુ સહસ્ત્રનામ” ની પુસ્તિકા વિતરિત થઇ.
જ્યાં આનંદ, ઉલ્લાસ અને મોજ મજાનું વાતાવરણ હોવું જોઈતું હતું, ત્યાં અખંડ નિરવ શાંતિ છવાઈ ગઈ હતી. આજે સુહાસનું સ્વજન સ્વ.જન બની ગયું છે.

પ્રાર્થનાસભા પુરી થતા સુહાસઉભો થયો, સોનેરી કાગળમાં, રીબીનથી લપેટેલી “મોગરાનીમહેક” ખોલી.
પુસ્તકના પહેલા પાને લખેલી “ભેટ નોંધ”માં વસુંધરાના નામ આગળ સ્વ, શબ્દ ઉમેરી તેના ફોટા સમક્ષ મૂકી પુસ્તક ઉપર મોગરાની વેણી મુકતા મીણબત્તી પેટાવી, નવ વર્ષનો નિર્દોષ ગોટુ બોલ્યો “પપ્પા, મમ્મીના વતી હું આ મીણબત્તીને ફૂંક મારું,? સજળ નયને સુહાસે કહ્યું “બેટા, આપણા જીવનની મીણબત્તીને ઈશ્વરે ફૂંક મારી ઓલવી નાખીને પ્રકાશ લુંટી લીધો છે.” ક્હેતાજ સુહાસ ભાંગી પડ્યો, ધ્રુસકે ધ્રુસકે, રડતા બોલ્યો “વસુ, તું મને દીર્ઘદ્રષ્ટા કહેતી હતી ને? પણ ખરેખર તું દીર્ઘદ્રષ્ટા હતી, તારી વાત સો ટકા સાચી હતી. તે કહ્યું હતું ને કે “એકવાર આપેલું પાછું છીનવી લેવું તે ઈશ્વર માણસ જાત પાસેથી શીખ્યો છે અને તેમાં ભગવાન ઘણો માહિર છે” તે સાચું ઠર્યું.

કાળનો ક્રૂર પંજો અકાળે તને ભરખી ખાશે તેવો અંદેશો આજથી છ માસ પહેલાજ ઈશ્વરે તને આપી દીધેલો અને એટલેજ તે મને પુસ્તક લખવાનો આગ્રહ કરતા કહ્યું હતું કે “આ પુસ્તક આપણી યુવાનીનો પડછાયો હશે,

તે આપણી વૃદ્ધાવસ્થામાં, એકલવાયા જીવનમાં, આપણને જીવવાની પ્રેરણા આપશે આપણા પ્રસન્ન દાંપત્ય જીવનનો તે કીર્તિ સ્થભ હશે, આપણે યુવાનીમાં અપાર મુશ્કેલી રૂપ અફાટ ધસમસતા મોજા વચ્ચે પાર કરેલ જીવનસાગરની એ દીવાદાંડી હશે” જે ઈશ્વરે માત્ર મારા માટેજ તારા મુખે બોલાવેલું કટુ સત્ય હતું “

ઉપસ્થિત મિત્રોએ સાંત્વના આપી સુહાસને ઠંડો પાડ્યો.

આજથી રોજ નિયમિત રીતે સુહાસ વસુંધરાના ફોટા પાસે ધુપદીપ કરી તે પુસ્તક ઉપર મોગરાની વેણી મુકતા વિચારે છે કે “ક્યારે ગોટુ મોટો થશે, ક્યારે પરણશે, અને ક્યારે તેની વહુ આ પુસ્તકનું પુઠું ખોલી પુસ્તક વાંચશે? ત્યાં સુધી વણ ખુલ્યું પુસ્તક રોજ મોગરાની મહેક માણશે.

લેખક : વ્યોમેશ ઝાલા

વાર્તા વિશેના અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો.

દરરોજ આવી અનેક વાર્તાઓવાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી