નક્ષત્ર નવલકથા આજે વાંચો પ્રકરણ – 9… હું પણ આગળનો ભાગ વાંચવાની રાહમાં જ છુ..

વાંચો પ્રકરણ 2  વાંચો પ્રકરણ 3 વાંચો પ્રકરણ 4   વાંચો પ્રકરણ 5 વાંચો પ્રકરણ 6 વાંચો પ્રકરણ 7   વાંચો પ્રકરણ 8

પ્રકરણ – 9…..

વહેલી સવારે સુરજ કોઈ બાળકની જેમ વહેલો ઉઠી આકશમાં ફેલાયેલ અંધકારને દુર કરવા પોતાના અજવાળાની પીંછી ચલાવી રહ્યો હતો. હું ઉઠી એ પહેલા એણે લગભગ મોટાભાગના અંધકારને ભગાડી મુક્યો હતો. ઝાંખા સુરજના કિરણો કોઈ ગળણામાંથી ગળાઈને આવતા હોય એમ લાગી રહ્યું હતું. તેજસ્વી દેખાતા વાદળો જાણે ઊંઘમાંથી ઉઠી ગયા હતા અને દરિયાની મુલાકાત લેવા દક્ષીણ તરફ જઈ રહ્યા હતા.

વાતાવરણના દરેક ઘટકમાં ઉત્સાહ દેખાઈ રહ્યો હતો પણ મારા હ્રદયમાં કોઈ ઉત્સાહ નહોતો કેમકે હું જાણતી હતી કે આજે કપિલ કોલેજ નથી આવવાનો. મારો કોલેજનો આજનો દિવસ એક વરસ જેવડો થવાનો હોય એમ મને લાગી રહ્યું હતું.
હું કોલેજ જવા નહોતી માંગતી પણ મમ્મીને કેમ નથી જવું એ બતાવી શકાય તેવું કોઈ કારણ પણ નહોતું અને ઘરે પણ દિવસ કઈ રીતે પસાર થશે એ ડરથી હું કોલેજ જવા તૈયાર થઇ.

હું કોલેજ ગઈ. કલાસમાં મારી આંખો એની રાહ જોઈ રહી. એ હમણાં આવશે એના પેલા સુકલકડી દોસ્ત સાથે લોકર રૂમમાં હશે. મનમાં થતું હતું પણ એનો એ સુકલકડી દોસ્ત હવે આ દુનિયામાં ન હતો. મને તો એનાથી બરાબર પરિચય કરવાનો અવસરે ન હતો મળ્યો.
આજે એ મારાથી ખફા હોય એમ દુર નહી બેસે. આજે એ મારી નજીક બેસશે. હું એની ડીપ આંખોને જોતી રહીશ અને એના સ્થિર હોઠ આછા સ્મિતમાં મલકાશે. પણ એવું કાંઈજ ન થયું

એ કોલેજમાં કે કલાસમાં ન આવ્યો. મને ખબર હતી કે એ નથી આવવાનો. એ છતાં હું એની રાહ જોઈ રહી હતી. મને એના વગર કલાસમાં ગુંગળામણ થઈ રહી હોય એમ લાગતું હતું. મને કોલેજનું વાતાવરણ મારી જૂની કોલેજ જેવું જ લાગી રહ્યું હતું જ્યાં હું હજારોની ભીડમાં એકલી હતી.

લંચ ટાઈમ પછીના બંને લેકચર કયારે પુરા થઇ ગયા અને એમાં શું શીખવ્યું એ મને કાંઈજ ખ્યાલ ન હતો. જયારે ફાઈનલ બેલ વાગ્યો હું કોઈ યંત્રની જેમ મારું બેગ લઇ ઉભી થઇ અને બધાની સાથે બહાર નીકળી. દરવાજા સુધી એકલી એકલી ગઈ. મને ખબર હતી કે કપિલ કોલેજમાં નથી છતાં મારી આંખો એને પાર્કિંગ લોટમાં શોધી રહી હતી પણ એની કાર ત્યાં ન હતી. એ ત્યાં ન હતો.

કોણ જાણે કેમ આજે પાર્કિંગ લોટમાં રોજની જેમ ભીડ ન હતી. બાઈકો અને એકટીવા હતા પણ મોટાભાગની કારો ન હતી. મને થયું કદાચ બધા કપિલને ત્યાં ગયા હશે. મારે પણ જવું જોઈએ. હું ત્રીજા દિવસે મમ્મી સાથે ત્યાં જઈશ એમ મેં નક્કી કર્યું. અમારામાં ત્રીજા દિવસે બેસણું ગણવામાં આવે.

હું કોલેજ ગેટથી બહાર નીકળી.
“નયના.” જરાક આગળ ચાલી ત્યાજ મને કિંજલનો અવાજ સંભળાયો.
મેં પાછળ ફરીને જોયું. કિંજલ ઉતાવળે ડગલે મારી તરફ આવી રહી હતી.
“હેય, મારાથીયે ગુસ્સે છે કે શું? મારી રાહ પણ ન જોઈ?”
“સોરી યાર, આજે હું શું કરું છું એજ મને ખયાલ નથી. સોરી, યાર.” મેં કિંજલની માફી માંગી.

ખરેખર મને પસ્તાવો થયો. મારે ગેટ પાસે એની રાહ જોવી જોઈતી હતી. એટ લીસ્ટ એ એક જ તો મારી ફ્રેન્ડ હતી. પણ મારું મન એટલું વ્યગ્ર હતું કે મને કાંઈજ સુજી નહોતું રહ્યું.
“ઇટ્સ ઓકે. છોટી છોટી કોલેજોમે એસી બડી બડી બાતે તો હોતી રેહતી હે.” એણીએ ફિલ્મી ડાયલોગ બોલતા કહ્યું. મને ખબર ન હતી કે ડાયલોગ સાચો હતો કે ખોટો પણ બસ એ મને હસાવી મારી ઉદાસી દુર કરવા માંગતી હતી. કિંજલ મને મારા જેવી જ સરળ લાગતી. મને એની સાથે ફરવું ખુબજ ગમતું.

અમે વાતો કરતા કરતા લગભગ કોલેજથી એકાદ કિલોમીટર દુર ગયા હતા. ફરી એ જ પહેલા દિવસવાળી કાર આમારી પાછળ હોર્ન વાગાડતી આવી રહી હતી પણ એ દિવસે કારની સ્પીડ એકદમ ધીમી હતી. એટલી ધીમી કે કદાચ એ કાર પહેલા ગીયરમાં હશે.
કાર અમારી પાસેથી પસાર થઇ ત્યારે એમાં ડ્રાયવર સીટની બાજુમાં બેઠેલ કાળા શર્ટવાળા એક છોકરાએ મારા અને કિંજલ તરફ જોઈ કહ્યું, “હાય, પીસ ઓફ સ્વીટ, લેટ્સ ગો ફોર રાઈડ.”

કિંજલ કાઈજ ન બોલી. કદાચ એ ડરતી હતી. જરૂર કરતા થોડુક વધારે ડરતી હતી. પણ મેં એવા નાલાયક છોકરાઓને મારી જૂની કોલેજમાં જોયેલ હતા. હું જાણતી હતી કે એમને કેવો જવાબ આપવો જોઈએ તો એ ફરીથી નામ ન લે.
“તારી મમ્મીએ કોઈ પીસ ઓફ સ્વીટને જનમ આપ્યો હોય તો એને રાઈડ પર લઇ જા.” મેં જોરથી કહ્યું. એટલા જોરથી કે મને ખાતરી હતી કે એણે સાંભળ્યું હતું. કેમકે એમની ક્રિટા અમારાથી માંડ દસ કદમ જેટલી આગળ નીકળી હતી.

કિંજલે મારા તરફ જોઈ કહ્યું, “આ તે શું કર્યું?”
“વોટ..?” મેં કહ્યું.
“યુ જસ્ટ રુઇન…” કિંજલ પોતાનું વાક્ય પૂરું ન કરી શકી. અમને એ કારના વિલની ચિચિયારી સંભળાઈ. કદાચ ડ્રાયવર સીટ પર બેઠેલ રેડ ટી-શર્ટવાળા છોકરાએ પોતાનો પગ પૂરી તાકાતથી બ્રેક પર દબાવી દીધો હશે. એણે કારને ત્યાજ રસ્તાની વચ્ચેજ પુલ અપ કરી. એના પરથી એટલું તો નક્કી હતું એમને ત્યાં કોઈનો ડર ન હતો.

મને એકપળ માટે થયું મારે ન હતું બોલવું જોઈતું. બીજી જ પળે થયું કાસ મારી સાથે કપિલ હોત તો? અને ત્રીજી પળે જયારે મેં એમને કારમાંથી ઉતરતા જોયા બધા વિચારો અદશ્ય થઇ ગયા અને એક જ વિચાર રહ્યો. હવે શું થશે? એ લોકો શું કરશે? મારું હ્રદય જોરથી ધબકવા લાગ્યું.
મેં એક નજર કિંજલ તરફ કરી. એ પણ મારા જેટલી જ ગભરાયેલી લાગતી હતી. સાચું કહું તો એ મારાથી પણ વધારે ગભરાયેલી લગતી હતી. એના ખભાના હલન ચલન પરથી જ દેખાઈ આવતું હતું કે એ ઉતાવળે શ્વાસ લઇ રહી હતી. કદાચ એના હ્રદયને પણ મારી જેમ જ વધુ ઓક્સીઝનની જરૂર હતી અને એ પૂરો પાડવા માટે એ હાંફતી હોય એ રીતે શ્વાસ લઇ રહી હતી. એની ગભરાહટ પરથી જ હું સમજી ગઈ કે એ કારમાંના છોકરા કેટલા ખરાબ હશે કેમકે કિંજલ એક વરસથી એ કોલેજમાં હતી ને એમને સારી રીતે જાણતી હતી. મને ફરી એકવાર થયું કાશ હું ચુપચાપ ચાલ્યે ગઈ હોત તો?

મેં આસપાસ નજર કરી કદાચ કોઈ એવું દેખાઈ જાય જેની હાજરીમાં એ લોકો કઈ વધારે હિંમત ન કરે પણ મારી એ આશાયે નઠારી નીવડી. અમારી જ કોલેજની એક બે છોકરીઓ અમારાથી થોડીક આગળ જઈ રહી હતી પણ મને ખબર હતી કે એ મારા જેટલી મુર્ખ નહી હોય કે વચ્ચે આવે.

મેં ફરી એક નજર ફેરવી અમે સરકારી હાઈસ્કૂલથી થોડાક આગળ હતા. એ શાળાના બે ચાર છોકરાઓ બહાર ફરી રહ્યા હતા. શાળાના ગણવેશમાં બહાર ફરતા એ છોકરાઓમાંથી એક છોકરો બારમાં ધોરણનો હોય એવું લાગતું હતું. બાકીના તો દસમાં કે નવમાં ધોરણમાં હોય એવા લાગતા હતા.
કદાચ મારા નસીબ એ દિવસે મારી સાથે ન હતા. મને એ છોકરાઓમાંથી કોઈ એવું ન લાગ્યું કે જેની હાજરીમાં એ લોકો અમારી સાથે બદ્સલુખી કરતા ડરે.

કેમ આજે મારુ નસીબ મારી સાથે ન હતું??? મેં વિચાર્યું. આજે તો મેં મારી લકી પર્પલ ટી-શર્ટ પહેરી હતી??? એતો લકી ટી-શર્ટ હતીને??? તો કેમ ફરી કૈક ખરાબ થવા જઈ રહ્યું હતું?? કેમ???
“હેય, પીસ ઓફ સ્વીટ, વોટ યુ વેર બાર્કિંગ?” કાળા શર્ટવાળા છોકરાએ કહ્યું. એના લાંબા વાળ એણે ગરદન પાછળ ચોટલીમાં બાંધેલા હતા. દેખાવ પરથી જરાયે ન હતું લાગતું કે એ એવા ગંદા નેચરનો હશે.
“નથીંગ.” મેં ગભરાતા કહ્યું.

આસપાસ ચાલતી રોજની ભીડ જાણે અમારા સાથે શું થઈ રહ્યું છે એ બધાથી અજાણ હોય એમ ચાલ્યા જતા હતા. મેં સાંભળ્યું હતું કે આપણા દેશની પ્રજા મૂંગી બહેરી છે પણ આંધળી છે એ ખબર મને એ દિવસે જ પડી. ત્યાંથી પસાર થનાર અનેક લોકોમાંથી કોઈને એ તરફ જોવાની તસ્દી પણ ન હોય એમ મને લાગ્યું.

“નો, નો, નો, ડીયર યુ વોઝ બાર્કીંગ સમથીંગ…” પેલા રેડ ટી-શર્ટવાળા છોકરાએ કહ્યું. એના ગંદા શબ્દો એના ચહેરા સાથે મેળ ખાઈ રહયા હતા.
“સોરી, જેમ્સ… સી ઇઝ ન્યુ… સી ડોન્ટ નો યુ…. સોરી…” કિંજલ તેની સામે કરગરવા લાગી.
“બટ યુ નો અસ..” બોલતી વખતે એના ચહેરા પરના ભાવ સતત ક્રુઅલ બન્યે જતા હતા.

“યા.. સોરી, નીલ…” કિંજલે પેલા બ્લેક શર્ટવાળા છોકરા તરફ જોઈ કહ્યું.
“હેય, સી ઇસ ગર્લ ફ્રેન્ડ ઓફ સ્ટેચ્યુ…” ત્રીજા એકે કહ્યું. જે ગાડીમાંથી હમણા જ ઉતર્યો હતો. હું એનો ચહેરો ઓળખાતી હતી. એ મારા કલાસમાં જ હતો. એ છેલ્લેથી ત્રીજી બેંચ પર બેઠેલ હતો. કલાસમાં મેં એને જોયો ત્યારે મને એ જરાયે એવો નહોતો લાગ્યો. મને ફરી એકવાર થયું પપ્પા સાચું કહે છે કોઈને માત્ર ચહેરો જોવાથી ઓળખી શકાતું નથી.
“પેલા પૂતળાની ગલફ્રેન્ડ છે એમ… મને ડર લાગી ગયો એ પુતળાનું નામ સાંભળી…” રેડ ટી શર્ટે કહ્યું. એ હસ્યો એના હસવા અને બોલવામાં મને એક અજીબ ભાવ દેખાયો.
“પણ બોસ પહેલે જ દિવસે બ્રેક અપ થઇ ગયું છે.” ત્રીજે જવાબ આપ્યો જે મારો કલાસમેટ હતો.

“બિચારી દુ:ખી છે જેમ્સ, જવા દે એને..” સ્ટાઇલીસ સન ગોગલ્સમાં પહેરેલી અને પિંક સ્લીવલેસ ટી શર્ટવાળી એક છોકરીએ કહ્યું, એ બોલી ત્યારે જ મારું ધ્યાન એના તરફ ગયું, એ કારમાંથી ક્યારે ઉતરી એનું મને ધ્યાન જ ન રહ્યું.
“સોનિયા પ્લીસ, તું તો સમજ, એ નવી છે.” કિંજલે એ છોકરી તરફ જોઈ કહ્યું.
“નવી છે તો જેમ્સનું ઇન્સલ્ટ કરશે, મારા જેમ્સનું?” એ છોકરીએ પોતાના ભૂરા વાળમાં હાથ ફેરવતા કહ્યું. એ કોલેજ ગર્લ હતી પણ એની બધી જ સ્ટાઈલ મુંબઈની કોલગર્લ જેવી હતી.

“સી ડઝ નોટ નો હીમ… પ્લીસ…” કિંજલે ફરી આજીજી કરી. મને નવાઈ લાગી રહી હતી કે આ રોડ પર લોકોની અવર જવર વધુ હોત તો કેવું સારું.
“લેટ્સ ગો ટુ રાઈડ બેબી…” કહેતા એ ચોટલીવાળો છોકરો જેનું નામ જેમ્સ હતું એ મારી તરફ આવ્યો. એ મારી એકદમ નજીક ઉભો હતો. એટલો નજીક કે એના શ્વાશમાંથી આવતી સિગરેટની વાસ હું મહેસુસ કરી સકતી હતી.

“સોરી…” મેં ફરી કહ્યું. મારા મનમાં હજારો ઇચ્છાઓ હતી એને નાલાયક અને સન ઓફ બીચ જેવી ગાળો દેવાની પણ મારા મોમાંથી સોરી સિવાય એકપણ શબ્દ ન નીકળ્યો. કદાચ ડર કોને કહેવાય એ હું સમજી રહી હતી.
“આઈ થીંક યુ સુડ ટોક વિથ અ મેન..” એક નવો અવાજ સંભળાયો.
એ અવાજ અલગ હતો. મેં એ તરફ નજર કરી. હાઇસ્કુલના એ સ્કુલ યુનિફોર્મવાળા છોકરોમાંનો જે છોકરો બારમાં ધોરણમાં હોય એમ લાગતો હતો એ અમારાથી થોડેક દુર ઉભો હતો. એ ક્યારે ત્યાં આવ્યો એ મને ખબર ન હતી. કદાચ મારું ધ્યાન એ ગંદા જેમ્સ તરફ હતું એટલે. જેમ્સ અને તેના મિત્રોએ પણ એ છોકરા તરફ જોયું.

“વિથ અ મેન બટ યુ આર અ કીડ.” નીલે એ છોકરા તરફ જોઈ કહ્યું.
મને એક પળ માટે એમ લાગ્યું કે નીલ સાચો હતો એ હજુ કીડ જ હતો. માંડ સોળ કે સતર વરસનો હશે. એની મુછ પર જરાક વાળ ફૂટેલા હતા બાકી દાઢીના વાળ તો હજી આવ્યાએ ન હતા. એની હડપચી નો આકાર પણ હજી તરુણ છોકરા જેવો જ હતો.

“લેટ હર ગો એન્ડ આઈ વિલ શો યુ વોટ ઇઝ મેન.” પેલા છોકરાએ કહ્યું.
એની ઉમર જોતા એનું શરીર મજબુત હતું અને હાઈટ પણ સારી હતી. લગભગ મારા જેટલી જ હાઈટ હતી એની. હદમાં હદ પાંચ પાંચ હશે. પણ એ જે રીતે જેમ્સ, નીલ અને તેના ત્રીજા સાથી સામે વાત કરી રહ્યો હતો એ જોતા મને લાગતું હતું એને વચ્ચે ન હતું આવવું જોઈતું. કેમકે જેમ્સ અને નીલના ચહેરા પર પૂરી દાઢી મુછ આવી ગયા હતા. તેઓ જામેલા યુવાન હતા એમ કહો તોયે ચાલે. એમનું શરીર જોતા એમ જ લાગતું હતું કે ત્રણ ત્રણ વાર કોલેજમાં ફેલ થયા હશે અને પચીસ વરસના તો હસે જ.
“નીલ, જરા એને બતાવી આવજે મર્દ કોને કહેવાય…..” જેમ્સે નીલ સામે જોઈ કહ્યું.

નીલ એ છોકરા તરફ જવા લાગ્યો. હું ગભરાતી હતી મને હતું કે હમણા નીલ એનું નાક તોડી નાખશે કે પછી એને એ ડામરના રોડ પર પછાડી એના ધૂંટણ અને કોણી છોલી નાખશે. મેં એક પળ માટે વિચાર્યું એ છોકરો વચ્ચે ન આવ્યો હોત તો સારું… હું કાઈ બોલીજ ન હોત તો સારું… આ બધું થાત જ નહિ ને એ વચ્ચે જ ન આવત..!!!

***

હું એ વિચારતી હતી ત્યાં સુધીમાં નીલ ત્યાં પહોચી ગયો હતો. મેં નીલના જમણા હાથની મુઠ્ઠીને અક્કડ બંધ થતા જોઈ. એનો હાથ ઉંચકતા જોયો. એની મુઠ્ઠી એ છોકરાના જડબા પર… ના, એની મુઠ્ઠી એ છોકરાના જડબા સાથે ન અથડાઈ એને બદલે મેં નીલને એક ચીસ સાથે નીચે બેસી જતા જોયો… એ છોકરાનો હાથ ક્યારે મુઠ્ઠીમાં વળ્યો એ મને ખબર જ ન પડી, કદાચ હું ગભરાહટમાં હતીં એટલે મેં ન હતું જોયું અને ચોકસ નીલે પણ એ ન હતું જોયું.

“નીલ…” જેમ્સે એ તરફ જોઈ બુમ પાડી.
નીલે અમારી તરફ જોયું… એના નાકમાંથી લોહી વહી રહ્યું હતું… એના નાક પર એટલો જોરદાર ફટકો લાગ્યો હતો કે જાણે એનું નાક એના ચહેરામાં ધુસી ગયું હોય એમ લાગતું હતું.

જેમ્સ એ તરફ દોડ્યો.. એ છોકરો પણ જેમ્સ તરફ દોડ્યો અને જયારે બંને એક્બીજા સાથે અથડાયા, જેમ્સ નીચે પડી ગયો. કોઈ જાડ પરથી પવનમાં સુકું પત્તું ફેકાઈ જાય એમ ફેકાઈ ગયો, એરેનામાં કોઈ જુના રેસલર સામે નવો ખેલાડી ટકી શકે એટલી વારે એ પેલા છોકરા સામે ટકી ન શક્યો.
એ છોકરો અમારી તરફ આવવા લાગ્યો.. એ અમારી તરફ આવી રહ્યો હતો ત્યારે જેમ્સ ભાંખોડિયા ભેર ઉભા થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.. નિષ્ફળ પ્રયત્ન… એ જમીન પર ત્યાજ બેસી રહ્યો… પેલી સ્ટાઈલીશ સન ગલાસીસ લેડી એની તરફ દોડીને ગઈ ને એની પાસે જઈ બેસી ગઈ.
“હાય, નયના મેવાડા, હાઉ આર યુ?” એ છોકરાએ મારી પાસે આવી કહ્યું, એનો આવાજ હજુ તરુણ છોકરા જેવો જ હતો, પણ એનો અવાજ એટલો શાંત હતો જાણે કશુ થયુ જ ન હોય.

હું કાંઈજ જવાબ આપ્યા વિના એને જોઈ રહી.
“એન્ડ યુ વોન્ટ ટુ નો વોટ ઇઝ મેન?” એણે જેમ્સના ત્રીજા સાથી તરફ જોઈ હસીને કહ્યું, પણ પેલાએ કઈ જવાબ આપવાને બદલે પોતાની કાર તરફ જવામાં જ પોતાનું હિત જોયું હોય એમ એ એ તરફ ચાલ્યો ગયો.
“તું મારું નામ કઈ રીતે જાણે છે?” મેં એની તરફ જોઈ કહ્યું.
“તને યાદ નથી પણ આપણે એકબીજાને ઓળખીએ છીએ.” એણે હસીને કહ્યું.
“વોટ..?” મેં કહ્યું.

“હું વિવેક, નીલમનો ભાઈ, તારા પપ્પા અને મારા પપ્પા મિત્રો છે, બચપણમાં તું ઘણીવાર અમારા ઘરે આવતી નીલમ પાસે.”
“વિવેક… નીલમ… નીલમ ક્યાં છે હમણાં? અમારી કોલેજમાં છે?” મને યાદ આવ્યું હું અને નીલમ સાથે ભણતા, પ્રાથમિકમાં.
“એણીએ ભણવાનું છોડી દીધું બારમા પછી.” વિવેકે કહ્યું.
“કેમ?” મેં એકદમ નવાઈ પામી કહ્યું, મને યાદ હતું નીલમ એકદમ હોશિયાર હતી.
“એને કોલેજ જવું ન ગમ્યું. એક બે વાર કોઈક આવા જ છોકરાઓએ એને સતાવી એટલે એણીએ ભણવા જવાનું બંધ કરી દીધું.”

“એમ કાઈ ભણવાનું થોડું છોડી દેવાય.” મેં કહ્યું.
“મેં અને પપ્પાએ પણ સમજાવી હતી. પપ્પાએ ઘણુંએ પૂછ્યું હતું કે એ છોકરાઓ કોણ હતા બસ નામ આપી દે એ તારું તો શું પણ કોઈનુંયે નામ નહિ લે.” એણે જેમ્સ તરફ એક નજર કરી અને કહ્યું.
જેમ્સ પેલી સ્ટાઈલિશ ગર્લના સહારે એની કાર તરફ જઈ રહ્યો હતો. મને નવાઈ લાગી રહી હતી કહેવાતા એ કોલેજના ડોને હું તને જોઈ લઈશ કે આ તને બહુ મોંઘુ પડશે એવો કોઈ ડાયલોગે ન સંભળાવ્યો.

“પછી એણીએ નામ આપું?” મેં ફરી વિવેક તરફ જોઈ પૂછ્યું.
“ના એણીએ કહ્યું હવે મને ભણવામાંથી રસ ઉઠી ગયો છે અને વાતને વધારીને શુ ફાયદો. એને ખબર હતી પપ્પા પોતાના ગુસ્સા પર કાબુ નથી રાખી શકતા એટલે એણીએ નામ ન આપ્યા.” વિવેકે કહ્યું એને એક નફરત ભરી નજર જેમ્સ અને તેના સાથીઓ તરફ કરી. એ લોકો ગાડી સ્ટાર્ટ કરી જઇ રહ્યા હતા.
મારુ ધ્યાન અચાનક કિંજલ તરફ ગયું. એ હજુ ડરેલી હતી.
“આર યુ ઓલરાઇટ..?” મેં કિંજલને પૂછ્યું.

“યા…” એનો જવાબ એના એક્સપ્રેશન સાથે મેળ ન હતો ખાતો.
“શુ થયું? હવે એ લોકોનો કોઈ ડર નથી.” વિવેકે કિંજલ તરફ જોઈ કહ્યું.
“પણ હવે એ લોકો આ ગુસ્સો અમારા પર કોલેજમાં કાઢશે…..” કિંજલે કહ્યું. હજુયે એના અવાજમાં એક ધ્રુજારી હતી જે બતાવતી હતી કે એ ડરેલી હતી.
“એ ફરી તમને નહિ સતાવે અને જો એ ફરી કઈ બોલે તો એમને કહેજો કે તમે મુકેશ કોરસના સાગા છો એ ફરી તમારી નજીક પણ નહિ ફરકે.” વિવેકે કહ્યું.
“એ કોણ છે?” કિંજલ પૂછયું.
“એ એના પપ્પા છે.” વિવેક જવાબ આપે એ પહેલા જ મેં કહ્યું.
“ઓહ! આઈ સી.”

“ધેન લેટ્સ ગો.” વિવેકે હસીને કહ્યું.
“બટ આઈ ડોન્ટ અંડરસ્ટેન્ડ.” મેં કહ્યું.
“વોટ?”
“એ તારા પપ્પાને કઇ રીતે ઓળખસે?” મેં નવાઈથી પૂછ્યું.
“પપ્પાએ એમને એમના બે સિનિયરો અને એમનો સાથ આપતા એક કોલેજ પ્રોફેસર બધાને ખોખરા કર્યા હતા.”
“પણ કેમ?”
“નીલમનું ભણવાનું છોડાવ્યું એટલે.”
“પણ તે હમણાં જ કહ્યું કે નિલમે નામ ન હતું આપ્યું એ લોકોનું….”
“તને ખબર છે ને મારા પપ્પા શુ છે?” વિવેકે પૂછ્યું, પણ એ પ્રશ્નમાં એક જવાબ હતો જે હું જાણતી હતી.

“જાદુગર.” મેં કહ્યું, મને યાદ હતું તેઓ ટીવી સ્ટેજ પર જાદુના ખેલ કરતા.
“હા તો એમને કેટલીવાર થાય એ ખબર પાડતા.”
“ઓહ! આઈ સી.” મેં કહ્યું અને અમે ત્રણે ત્યાંથી ચાલ્યા.
રસ્તામાં મેં કિંજલ અને વિવેકનો એકબીજાથી પરિચય કરાવ્યો.
“તને ડર ન લાગયો…? તું એકલો હતો ને એ ત્રણ હતા.” થોડોક પરિચય થયા પછી કિંજલે પૂછ્યું.
“અમે મદારી પરિવારમાંથી છીએ. ગમે તેવા ઝેરી સાપનેય હાથથી પકડી લઈએ છીએ. આતો બસ મામુલી છોકરા હતા જે કોલેજ ભણવાને બદલે બીજાનું ભણવાનું બગાડવા આવે છે.”

“તારી ઉમર કેટલી છે?” કિંજલે એની તરફ જોઈ પૂછ્યું. કિંજલ એનાંથી ખુબ રસ લઈને વાત કરી રહી હતી. મને કાઈ બોલવાનો મોકોય નહોતી આપી રહી. મને લાગતું હતું એને વિવેકથી વાત કરવી ગમતી હતી. કદાચ પહેલી જ મુલાકાતમાં એને પસંદ કરવા લાગી હતી. મારી જેમ એ પણ કદાચ લવ એટ ફર્સ્ટ સાઈટ….. મેં વિચાર્યું.
“મને સોળ વરસ પુરા થયા છે. ઓક્ટોમ્બર સાતના દિવસે મારો સત્તરમો જન્મદિવસ છે.” વિવેકે કહ્યું.

“આટલી નાની ઉમરમાં આટલી બધી શક્તિ કઈ રીતે?” કિંજલે પૂછ્યું. કિંજલના પ્રશ્ને મને પણ વિચારતી કરી મૂકી. હા, જરાક વાત અજીબ હતી. એની ઉમર મુજબ એનામાં વધારે શક્તિ હતી, ઘણી વધારે. અહી વધારે એટલે એક હદથી વધારે એમ કહી શકાય. મને એક પળ માટે થયું, કપિલ અને વિવેક બંનેમાં કાઈક સામ્યતા છે, કપિલ પણ કૈક ન સમજાય તેવી શક્તિ ધરાવે છે, જયારે મને સાપ કરડ્યો ત્યારે એ મને કાર સુધી એ રીતે ઊંચકીને લઇ ગયો હતો જાણે કે મારું વજન પંચાવન કિલો નહી પણ પાંચ કિલો હોય.

“કેમ શક્તિને ઉમરથી લેવા દેવા હોય એવું કોણે કહ્યું? એવું હોત તો વૃધોમાં જ સૌથી વધારે શક્તિ હોત.” વિવેકે હસીને જવાબ આપ્યો. એજ હસવાની રીત, કપિલની જેમ જ એ પણ કઈક છુપાવતો હોય એવું મને લાગ્યું.

મને એકાએક થયું જો એ કપિલ જેવો જ હશે તો એના હાથમા પણ વીંટી હશે. એ નક્ષત્ર વાળી ચાંદીની વીંટી. મેં એના હાથ તરફ જોયું, એના હાથ પર વીંટી ન હતી, મેં ફરી નિરાશ થઇ એના હાથ તરફથી નજર હટાવી ત્યાજ મારા મગજે મને જાટકો આપ્યો. મારા મનમાં એક જબકારો થયો. મેં એના હાથ પર કઈક તો અલગ જોયું હતું. શું હતું? મેં ફરી એના હાથ પર નજર કરી. એના હાથ પર પહેલી આંગળી અને અંગુઠાના સાંધાથી થોડાક ઉપરના ભાગેમાં લખેલું ટેટુ દોરેલ હતું અને કાંડાથી જરાક ઉપરના ભાગે એક ત્રિશુળનું ટેટુ હતું.

આ એ જ ટેટુ હતું જે મેં નિશાના હાથ પર જોયું હતું. બે વ્યક્તિના હાથ પર ત્રિશુલનું ટેટુ હોય એ સામાન્ય વાત હતી પણ બંનેના હાથ પરનું ત્રિશુલ એક જ જેવું હતું. ટેટુ બનાવનાર તો અનેક સ્ટાઇલ જાણતા હોય છે, એ લોકો તો એકનું એક નામે અલગ અલગ વીસથીયે વધુ રીતે લખી શકતા હોય છે. તો ત્રિશુળ એક જ જેવું અને એક જ સાઈઝનું કેમ બનાવે? મેં વિચાર્યું.

“તે આ ટેટુ ક્યાં બનાવડાવ્યું છે?” મેં વિવેક તરફ જોઈ કહ્યું.
“કેમ?” એને એકદમ નવાઈ લાગી હોય એમ એણે કહ્યું. ખરેખર આ સવાલથી કોઈને નવાઈ લાગે એ જરા નવાઈની વાત હતી.
“મારે પણ બનાવવવું છે, લાગે આ ટેટુની ફેસન છે મેં કોલેજમાંયે એક બે જણના હાથ પર એ જોયું છે.” મેં કહ્યું. હું એટલું સામાન્ય રીતે બોલી કે એને ખબર ન પડી કે હું જુઠ્ઠું બોલી રહી છું.
“એ ફેશન નથી.”
“તો?”

“એ અમારા સમાજનું પ્રતિક છે. અમારા પૂર્વજો એ ટેટુ દોરવતા અને હજીયે અમારા માના મોટા ભાગના જુના રીવાજોમાં માનનારા એ દોરાવે છે.”
“તું એ જુના રિવાજોમાં માને છે?” મેં નવાઈ પામતા કહ્યું.
“પપ્પા જાદુગર છે અને હું પણ જાદુગર બનવા માંગું છે. એ શીખવા માટે જુના રિવાજોમાં માનવું પડે છે.”
“તો શું તમે સ્ટેજ પર સાચે જ છોકરીનું ગળું કાપો છો?”

“ના એમાની મોટાભાગની ટેકનીક અને હાથચાલાકી હોય છે.”
“તો અસલી જાદુની જરૂર કયા પડે?”
“ગાયબ થવામાં, પિતાજી એ તકનીક નથી જાણતા પણ મને અમારા એક વૃદ્ધ મદારી પાસે એ તકનીક શીખવા મોકલે છે. જેમાં અસલી જાદુની જરૂર પડે છે. પિતાજી ઈચ્છે છે કે હું સ્ટેજ પર પહેલો શો ગાયબ થવાનો કરું.” વિવેકે ઉત્સાહમાં આવી કહ્યું, એ પોતે અસલી જાદુ શીખી રહ્યો છે એ બાબત પર કદાચ એને ગર્વ હતો.

“તો આ શક્તિ એ જાદુની હતી?” મેં પૂછ્યું.
“ના, એ હું જૂની લડાઈની કલારીપુકમ કળા શીખું છું એનાથી.”
“તો એ ત્રિશુળ?”
“એ અમને દરેક નાગથી બચાવે છે. જ્યાં સુધી અમારા શરીર પર આ ત્રિશુલ હોય નાગ અમારું કઈ બગાડી શકતો નથી.”
“પણ તમે હવે ક્યાં સાપ પકડવાનું કામ કરો છો?”
“એ સાપ નહી..”
“મતલબ? કયા સાપ…?” મેં નવાઈ પામી કહ્યું.

“એ જ પણ જે એકદમ ઝેરી હોય તે એન્ડ બાય ધ વે અમે જરૂર પડે તો હજુયે સાપ પકડવાનું કામ કરી લઈએ. ભણવાથી કઈ અમે અમારી જૂની કળા ભૂલી નથી ગયા. મારા પપ્પાને હજુયે બીન વગાડતા આવડે છે.” વિવેકે એમની પરંપરાઓ પર ગર્વ લેતા કહ્યું પણ એણે જે એ સાપ નહી કહ્યું હતું એ પરથી મને લાગ્યું કે ખરેખર એ કોઈ બીજા જ સાપની વાત કરી રહ્યો હતો પણ પછીથી એ ભૂલમાં બોલી ગયો હોય એમ ફેરવી નાખ્યું હતું.
“નીલમના લગન થઇ ગયા?” મેં પૂછ્યું.
“ના, સગાઇ કરી છે આવતા વરસે લગન છે.” વિવેકે પૂછ્યું.
“કયા?”
“જોગ નગરમાં.”

વાતોવાતોમાં અમે ઝવેરી નગર ચાર રસ્તા સુધી પહોચી ગયા હતા. ઝવેરી નગરમાં વિવેકનું ઘર હતું. હું એના ઘરે નીલમ પાસે ઘણી વાર ગઈ હતી. એમનું ઘર ખાસું મોટું છે, એના પપ્પા ખાસ અમીર તો નથી પણ જાદુગર તરીકે મુંબઈની કોઈ કંપનીના જાદુના-શોમાં કામ કરે છે એટલે એમની આવક સારી એવી હતી.
એ અમને બાય કહી ઝવેરી નગર તરફ વળ્યો. કિંજલે અને મેં પણ એને બાય કહ્યું અને ફરી એકવાર એનો આભાર માની અમે એસ્પન તરફ જવા લાગ્યા.

લેખક : વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

ક્રમશ: વધુ આવતી કાલે…..

દરરોજ રાત્રે 9 વાગે વાંચો નવો ભાગ.

ટીપ્પણી