“નક્ષત્ર” – નવલકથાનો આજે ભાગ 8. વાંચો અને તમારો અભિપ્રાય જરૂર આપજો…

વાંચો પ્રકરણ 1 , વાંચો પ્રકરણ 2  વાંચો પ્રકરણ 3 વાંચો પ્રકરણ 4   વાંચો પ્રકરણ 5 વાંચો પ્રકરણ 6 વાંચો પ્રકરણ 7

  પ્રકરણ – 8…..

હું જયારે ઉઠી ત્યારે પાંચ વાગી ગયા હતા. ખરેખર મેં ક્યારેય બપોરે ન લીધી હોય એટલી લાંબી ઊંઘ એ દિવસે બપોરે મેં લીધી. આમ તો મને બપોરે ઊંઘવાની આદત જ ન હતી, પણ આ શહેરમાં આવ્યા પછી મારી આદતોનું ક્યાં કઈ મહત્વ જ રહ્યું હતું? આમ તો મને કોઈ ઇગ્નોર કરે એની ફિકર કરવાની પણ મને આદત ન હતી પણ હું કપિલની ચિંતા કરી રહી હતી, મારી જાત કરતા પણ વધુ.

બપોરની એ લાંબી ઊંઘે જાણે કોઈ ચમત્કાર કર્યો હોય એમ મારું મન હળવું ફૂલ બની ગયું. હું ઉઠી ને બહાર આવી ત્યારે કિંજલ ટીવી પર કોઈ ફિલ્મ જોઈ રહી હતી, હું પણ એના બાજુમાં સોફા પર ગોઠવાઈ. મેં ટીવી સ્ક્રીન તરફ નજર કરી એ કોઈ જુનું ફિલ્મ જોઈ રહી હતી એમાં જુનો હીરો અને કોઈ જૂની હિરોઈન હતી જેને હું ન હતી ઓળખતી.
“હું જાઉં હવે કિંજલ.” મેં રજા માંગતા કહ્યું.
“બેસ ને થોડીક વાર.. થાય છે… જવાય છે હવે.”

“પણ કોલેજ હવે તો છૂટી ગઈ હશે મમ્મી ઘરે આવશે તો ચિંતા કરશે.”
“કેમ ફોન નથી રાખતી તું?”
“હા, છેને.”
“તો પછી મમ્મી ફોન કરી લેશે, ચિંતા ન કર, ને આમેય તું કયા કપિલ સાથે ડેટ પર ગઈ છે તે ડરે છે. બહેનપણીના ઘરે જ તો છે.” કિંજલે ફરી હસીને મજાકમાં કહ્યું.
“ફરી પછી તું ચાલુ થઇ ગઈ.” મેં કહ્યું.

“ચલ હજુ ઊંઘમાં હોય એવો તારો અવાજ છે. હું ચા બનાવી લાવું, કૈક મૂડમાં આવે તું.”
“હમમમ…” મેં કહ્યું.
કિંજલ ઉભી થઇ અંદર ચા બનાવવા ગઈ. મેં એને ન રોકી કેમકે મને ઊંઘમાંથી ઉઠ્યા બાદ ચા પીવાની આદત હતી. જ્યાં સુધી ચા ન પીવું એવુ જ લાગતું જાણે હજુ પથારીમાં જ સુતી છું.
કિંજલ ચા બનાવવા ગઈ એટલે હું ટીવી તરફ જોઈ સમય પસાર કરવા લાગી.
“તારા ચહેરાનો રંગ કેમ બદલાઈ ગયો.” ટીવીમાંની અભિનેત્રીએ એના પ્રેમી તરફ જોઈ કહ્યું.
“કારણ કે એક પછી એક લોકો મરી રહ્યા છે?” અભિનેતા એ જવાબ આપ્યો, એ કોઈ જુબુ ફિલ્મ હતું એટલે હું અભિનેતાને નહોતી ઓળખતી. હું ખાસ જુના ફિલ્મો ન જોતી પણ મારા અંદાજ મુજબ એ રિશી કપૂર હતો.

“પણ કેમ?” અભિનેત્રીના એક્સપ્રેશન એકદમ બદલાઈ ગયા.
“કેમકે નાગીન એનો બદલો લઇ રહી છે.” અભિનેતાએ એજ ફ્લેટ વોઈસ માં કહ્યું.
“મને તારી ફિકર થાય છે. તને એ નગીન કઈ કરી દેશે તો?” અભિનેત્રી ગભરાઈ રહી હતી.
“જ્યાં સુધી મારા ગાળામાં આ તાવીજ છે એ મારું કાંઈ જ નહી બગાડી શકે.” એ અભિનય કરનાર યુવકે એવા મક્કમ અવાજે કહ્યું જાને કે એને એ તાવીજ પર ખરેખર ભરોસો હોય. મને નવાઈ લાગી કે આ અભિનેતા લોકો આવો અભિનય કાઈ રીતે કરતા હશે.
“પણ બાકીના બધાના ગાળામાં પણ એ તાવીજ તો હતુ જ ને?” અભિનેત્રીએ પોતાનો ડાઉટ રજુ કર્યો.
“પણ એ લોકો પાસે નાગીને એ તાવી જ ઉતરાવી નાખ્યું હશે.” વળી એક નવી સંભાવના અભિનેતા દ્વારા રજુ કરાઈ.

મને ફિલ્મમાં કઈ રસ ન પડ્યો એટલે મેં ચેનલ બદલી, બી ફોર યુ મ્યુસિક ચેનલ લગાવી, મને ફિલ્મ જોવા કરતા સીરીયલ અને નવા ગીતો સંભાળવા ગમતા, પણ મોટા ભાગે સવારથી અને સાંજે જ નવા ગીતો આવે બાકી દિવસભર તો જુના ગીતો જ આવે, પણ અધૂરું ફિલ્મ જોવા કરતા ગીતો સાંભળવા સારા. પછી ભલે એ જુના હોય.
“તેરે સંગ પ્યાર મેં નહિ….” કોઈ એકદમ જુનું ગીત વાગી રહ્યું હતું, મને લાગ્યું કદાચ જી મ્યુસિક પર નવા ગીત હશે મેં ફરી રિમોટ હાથમાં લીધું ત્યાજ અચાનક મારા ધ્યાનમાં આવ્યું આ તો એજ ગીત હતું જેની રીંગ ટોન કપિલના મોબાઈલમાં હતી.

મેં ચેનલ ન ફેરવી હું એ ગીત સાંભળવા લાગી, ગીત સંભાળવામાં તો સારું હતું, મ્યુજિક પણ સારું હતું, વીડિઓ કંટાળા જનક હતો, બસ એજ નાગ નગીનની કહાની, આજે કોઈ નાગનો પોતાનો દિવસ હતો કે શું? મને થયું.
“આપકી ચાય.” કિંજલે ચા ટીપોય પર પર મુકતા ફિલ્મી અદામાં કહ્યું.
“કેમ હિન્દીમાં?” મેં પણ એ જ સ્મિત સાથે પૂછ્યું.
“તું હિન્દી ગીત સાંભળી રહી હતી એટલે મને લાગ્યું કે તને ચા પણ હિન્દી જ ગમશે.”
“ના એવું નથી, મને ગુજરાતી ગીતો પણ ગમે છે.” મેં કહ્યું.
“ પેલું ફિલ્મ બદલી કેમ નાખ્યું?”
“હું ફિલ્મ અધૂરું જોઉં તો મને પછી એના જ વિચારો આવે કે આગળ ફિલ્મમાં શું થયું હશે, મને પૂરું ફિલ્મ દેખાવાનો સમય મળે તો જ હું જોઉં છું.”
“તો પૂરું જોઇને જ જજે.”
“ના, મારે હવે નીકળવું પડશે.” મેં કહ્યું.

“હા, પણ ચા તો પીશ કે? યાદ કરાવ્યું એટલે ઉભા થઈને ચાલવા માંડવાનું.” કિંજલ ફરી હસી પડી.
મેં ચા પીધી, એનાથી હું થોડીક વધારે ફ્રેશ થઇ ત્યારબાદ પણ અમે થોડી આડાઅવળી વાતો કરી અને ત્યાર બાદ મેં રાજા લીધી, કિંજલ મને દરવાજા સુધી વળાવવા આવી, મને થયું ખરેખર કિંજલ એક સારી દોસ્ત હતી, સ્વભાવમાં અને સમજવા બંનેમાં સરળ.
કિંજલને બાય કહી હું રોડ તરફ જવા લાગી, મેં એક નજર કિંજલના બાજુના ઘરમાં કરી, ઉત્સુકતાવશ, મને થયું કિંજલની મમ્મી શું કરી રહી છે જોઈ લઉં,

કિંજલના મમ્મી ત્યાજ બાજુના ઘરમાં બહારથી દેખાય એમ બેઠા હતા, મેં જોયું કે તેઓ વાતો કરી રહ્યા હતા, પહેલા તો હું ચોકી ગઈ પણ પછી યાદ આવ્યું કે એ લીપ રીડીંગ જાણતા હતા, વર્ષોથી સાથે રહેવાને લીધે પડોસી પણ કિંજલની જેમ લીપ રીડીંગ શિખી ગયા હશે……

હું મુખ્ય રોડ પર આવી ત્યાંથી એસ્પન બહુ દુર ન હતી અને હવે મારું માથું પણ ભારે ન હતું એટલે મેં ચાલતા જ ઘરે જવાનું વિચાર્યું. મને ઓટોમાં વિના કારણે બેસવું ગમતું નહિ. એક તો મને એકલા ઓટોમાં બેસતા જરાક ડર રહેતો. મુંબઈમાં ભણતી ત્યારે ઘણા એવા કિસ્સા સાંભળેલા હતા એટલે બંધ ગાડીમાં અને ઓટોમાં બેસતા મને ડર લાગતી.

આમેય એ દિવસે ચાલતા જવામાં મજા આવે એમ હોય એવું મને લાગ્યું, વાતાવરણ એકદમ આહલાદક હતું, આકાશ વાદળોથી ઘેરાયેલું હતું અને ગમે ત્યારે વરસાદ ચાલુ થઇ જશે એમ લાગતું હતું, ઠંડો પવન મનને પ્રફુલિત કરી રહ્યો હતો અને હવામાં પણ જાણે વરસાદ આવવાનો છે એ ખુશીમાં એક ગજબની સુગંધ ભળી ગઈ હતી. મને થયું કાશ કપિલ અહી મારા સાથે હોત તો કેટલું સારું? આવા આહલાદક વાતાવરણમાં હું અને એ એકબીજાના હાથમાં હાથ… ફીન્ગરલોક કરી ચાલતા હોત…
મારા વિચારો એકદમ અટકી ગયા મને લાગ્યું જાણે કે સામેથી કપિલ આવી રહ્યો હતો, મારો ભરમ છે…

એ ક્યાંથી અહી આવે…. એતો અશ્વિની અને રોહિતની અંતિમવિધિમાં વ્યસ્ત હશે…. ફરી એ બધું યાદ કરી મારું મન ઉદાસ થઇ ગયું… પણ ના કપિલ સાચે જ સામેથી મારા તરફ આવી રહ્યો હતો… સો ટકા મારો ભ્રમ હતો….. હું ઘર તરફ જઇ રહી હતી એ મારા ઘર તરફથી કઈ રીતે આવી શકે….??
“નયના.” એણે નજીક આવતા જ કહ્યું, ના એ ખરેખર મારી સામે હતો, મારો ભરમ ન હતો.
“કપિલ, તું અહીં?” મને નવાઈ લાગી આજે એ સફેદ શર્ટ અને એવા જ કલરના પતલુનમાં હતો, અમારા પ્રદેશમાં કોઈ નજીકના સગાના મૃત્યુબાદ લોકો આવાજ કપડા પહેરે છે.

“હા હું તારા ઘરે ગયો હતો.” એણે કહ્યું, જાણે કે એ મને જ શોધી રહ્યો હોય એવું એની આંખો પરથી લાગતું હતું, ક્યારેક ક્યારેક મને થતું એની આંખો જરૂર કરતા વધારે આયનો હતી.
“કેમ?” મેં નવાઈ સાથે કહ્યું, મને સમજાઈ ન હતું રહ્યું એ મારા ઘરે કેમ ગયો હશે.
“તારું કામ હતું?”
“શું?” વિસ્મયથી મારી આંખો પહોળી થઇ ગઈ.
“તું સુરક્ષિત નથી.” એણે કહ્યું, એની આંખો તડકાને લીધે કે કેમ પણ આજે ફિક્કી ન હતી.

“હું કોનાથી સુરક્ષિત નથી?” મેં ચોકીને કહ્યું.
“એ બધું હું તને પછી સમજાવીશ અત્યારે હું તને આ તાવીજ આપું એ પહેરી લે.” એણે થોડાક ગભરાયેલા અવાજે કહ્યું અને પોતાના જીન્સ પોકેટમાંથી એક લાલ કલરનું કાપડનું બનેલ અને પહેરવા માટે કાળી દોરી વાળું તાવી જ બહાર કાઢ્યું.
“તું જ્યાં સુધી મને નહી કહે શું છે ત્યાં સુધી હું આ તાવીજ નહી પહેરું.”
“કેમ?”
“કેમકે મને એવા તાવીજોમાં વિશ્વાસ નથી.”
“પણ મને છે.”

“તને કોણે કહ્યું કે તાવીજ મારું રક્ષણ કરી શકશે?”
“મારા વિશ્વાશે, મને વિશ્વાસ છે એ તાવીજ પર.” એને એ તાવીજ પર પોતાની જાત જેટલોજ ભરોસો હોય એવી મકકમતાથી એણે કહ્યું.
“પણ મને નથી.” મેં કહ્યું, હું ખરેખર એવી ચીજોમાં વિશ્વાસ ન કરતી.
“પણ તને મારા પર તો વિશ્વાસ છે ને?”
“પોતાની જાતથીયે વધુ.” મેં દઢતાથી કહ્યું. મારા અવાજમાં એના પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ છલકતો હતો.
હું એ તાવીજ પહેરવા ન હતી માનતી પણ એની આંખોમાં કે ન જાણે એની વાતોમાં એવું કૈક જાદુ હતું કે મારા હાથ આપમેળે કામે લાગ્યા અને એ તાવીજ મેં અનિચ્છાએ પણ પહેરી લીધું.

“શુ તમારા પરિવારથી કોઈ નાગીન બદલો લઈ રહી છે? શું તમે કોઈ નાગીનના ગુનેગાર છો?” મેં પૂછ્યુ, મને જ ખબર ન હતી એને એવું પૂછવાની મારામાં હિંમત ક્યાંથી આવી, કદાચ એ દિવસનો એનો પ્રેમ જોઇને આવી હશે.
“કેમ? તને એવું કેમ લાગ્યું? “ એણે એકદમ ચોકીને કહ્યું. એના એક્સપ્રેશન બ્લર હતા સમજી ન શકાય તેવા ધૂંધળા.
“મેં આજેજ એક ફિલ્મમાં લોકોને આવા તાવીજની મદદથી નાગીનથી બચતા જોયા હતા. અને તું મને એવુ જ કોઈ તાવીજ પહેરાવી રહ્યો છે.” મેં ક્લેરીફીકેસન કર્યું.

“એ બધું ફિલ્મોમાં હોય, હકીકતમાં એવું કઈજ હોતું નથી.” એણે જરાક આછા સ્મિત સાથે કહ્યું પણ મને ખાતરી હતી કે એ બનાવટી સ્મિત હતું.
“ના એ બધી હકીકત હોય છે, જો નાગીન સાથે કઈ ખરાબ કર્યું હોય તો તે ઇંતકામ લઈને જ રહે છે. મને કહે જો એવું હોય તો આ તાવીજ મને નહિ બચાવી શકે. તારે મને કઈક હકીકત તો કહેવી જ પડશે.” મેં કહ્યું, ખરેખર તો હું નાગ-નાગીન એવામાં માનતી ન હતી પણ એને લાગે કે હું એ તાવીજની બાબતમાં સીરીયસ છું એટલે મેં કહ્યું.

“એવું કંઈ નથી.” એણે ખાતરી આપતા કહ્યું.
“મારા માથા પર હાથ મૂકી કહે કે એવું કંઈ નથી.” મેં એના પર દબાણ કર્યું.
“હા, હું આપણા પ્રેમના સોગંન ખાઈ કહું છું એવું કંઈ નથી.” પોતાની તરફથી વિશ્વાસ અપાવવાની પૂરી કોશિશ કરી.
“તો શું છે?” મેં કહ્યું.
“એ હું નહિ કહી શકું, તું ફરીફરીને એ વાત પર જ કેમ આવે છે?” કપિલે જરાક કંટાળેલા અવાજે કહ્યું.

“કેમકે મને તારી ફિકર છે.” ખરેખર મને ડર લાગી રહ્યો હતો, મારા મનમાં કઈક ખરાબ બનશે એવો ડર હતો.
“બસ એટલું સમજી લે કે કોઈકને મારી પાસેથી કૈક જોઈએ છે જે મેળવવા માટે એ આ બધું કરી રહ્યું છે. એ એના માટે તારો પણ ઉપયોગ કરી શકે માટે તું સુરક્ષિત નથી.”

“તો આ તાવીજ મને એનાથી સુરક્ષિત રાખશે?” મેં અવિશ્વાસ સાથે કહ્યું.
“હા, રાખશે મને ખબર છે તને વિશ્વાસ નથી તારા આવાજમાં અવિશ્વાસ દેખાઈ રહ્યો છે.” એણે જરાક ઉદાસ સ્વરે કહ્યું.
“હા, મને વિશ્વાસ નથી કેમકે હું કોલેજમાં ભણતી આજની યુવતી છું.” મેં કહ્યું.
“તને મારા પ્રેમ પર તો વિશ્વાસ છે ને?”

“પોતાની જાત કરતા પણ વધુ.”
“તો બસ આ તાવીજ ક્યારેય ન ઉતારીશ, એને મારા પ્રેમની નિશાની સમજી રાખજે.” એણે કહ્યું.
“એમાં મને વાંધો નથી, આપણા પ્રેમ માટે આ તાવીજ તો શું હું ફાંસો પણ ગળે બાંધવા તૈયાર છું.” મેં કહ્યું, મારા અવાજ અને આંખોમાં કૈક અલગ જ હતું જે મને મહેસુસ થતું હતું પણ શું હતું એ મને ખબર ન હતી કે કદાચ એ કહેવા મારી પાસે કોઈ શબ્દો નથી.

“કોઈપણ સંજોગોમાં તું એ ઉતારીશ નહિ. હું કહું તો પણ નહીં.” એણે મારી એકદમ નજીક આવી કહ્યું, એને મારો હાથ પોતાના હાથમાં લઇ ઉમેર્યું, “અને બીજીવાર ક્યારેય આ ફાંસાની વાત ન ઉચ્ચારીશ.” એની આંખોની ચમક એક પલ માટે મેં ઓછી થતી જોઈ, હું સમજી ગઈ એ મને કેટલું ચાહતો હતો, એની આંખો બધું કહી રહી હતી, કાશ આ બધી સમસ્યાઓ ન હોત તો હું એની એ આંખોને વાંચતી જ રહોત… વાંચતા વાંચતા જ એમાં ડૂબી જાત… કાયમને માટે… ટાઈટેનીક દરિયામાં ડૂબ્યું એમ જ….!!!!

“હું કહું તોયે ન ઉતારીશ આ તાવીજ ક્યારેય, નયના હું શું કહું છું એ તને સમજાય છે?” એણે મને એમ ખોવાયેલી જોઈ કહ્યું.
“ખાસ તો નથી સમજાતું પણ તું શું કામ મને એવું કહે?” મેં એની આંખોમાંથી નજર હટાવતા કહ્યું, કારણ કે એ આંખોમાં જોઈ હું લોજીક સાથે જવાબ આપી શકું તેમ ન હતી.. એ આંખો મને કલ્પનાની દુનિયામાં લઇ જતી હતી.

“એ હું નહિ…..એ તું નહિ સમજે. બસ આ યાદ રાખજે એ તાવીજ આપણા પ્રેમની નિશાની છે એને ક્યારેય ઉતારીશ નહિ.”
“ઓકે, બાબા જીવની જેમ સાચવીશ બસ.” મેં કહ્યું.
“હવે મારે જવું પડશે, અને કોલેજમાં નિશાથી બને એટલી દૂર રહેજે.” એને મારું છેલું વાક્ય સાંભળી રાહત થઇ હોય એમ મને લાગ્યું.
“કેમ?” મને નવાઈ લાગી હવે નિશામાં શું પ્રોબ્લેમ છે, એના બદસુરત ચહેરા ને છોડીને.

“કેમકે એ દિવસે પણ…”
“શું એ દિવસે?” એ વચ્ચે જ અટકી ગયો એટલે મેં કહ્યું.
“કઈ નહિ..” એ કૈક છુપાવતો હોય એવું મને લાગ્યું.
“ના મને કહે શું વાત છે?” મેં જીદ કરતા કહ્યું.
“તે એના ચહેરા વિશે વિચાર્યું ત્યારે તને સાપ કરડ્યો હતો.”
“તને કઈ રીતે ખબર કે અમે સગુન પાસે મળ્યા હતા?”
“હું તમારી પાછળ જ હતો.”
“તું નહોતો.”
“હું હતો, ત્યારે તું મને ઓળખતી ન હતી એટલે તારું ધ્યાન નહી ગયુ હોય મારા પર.”

“માન્યું કે તું હતો પણ મેં એના વિશે શું વિચાર્યું એ તને કઈ રીતે ખબર?”
“કેમકે હું તને ચાહું છું, તને પ્રેમ કરું છું, તારા દિલ અને મન બંને ને સમજુ છું, તું શું વિચારે એ હું જાણી શકુ છું.” એણે મજાક કરતા કહ્યું.
મને ખબર હતી કે એ કૈક છુપાવી રહ્યો છે પણ હું જાણતી હતી કે પૂછીશ તો પણ એ કઈ નહિ કહે એટલે હું કશુંજ ન બોલી.
“મારે હવે જવું જોઈએ, મમ્મી એકલી છે.”
“કેમ પપ્પા?”
“મુંબઈ ગયા છે.”

“મુંબઈ…?” મને નવાઈ લગી ઘરે આવો પ્રસંગ થઇ ગયો હોય ને કોઈ મુંબઈ કેમ જાય.
“અમારા ટ્રાન્સપોર્ટના બિઝનેસના કામે મુંબઇ ગયા છે, એક ટ્રકનો અકસમાત થયો છે.”
“કોઈ જાનહાની તો નથી થઈ ને?”
“ના. માત્ર કાનૂની કાર્યવાહી. ટ્રકના માલીક તરીકે ત્યાં સાઈન કરવા જવું પડ્યું છે. તો હવે હું જાઉં.”
“હા.”
“બાય…” એણે જતા પહેલા કહ્યું.
“બાય..” મેં કહ્યું. હું ત્યાંજ થોડીક વાર ઉભી રહી, હું એને જતો જોઈ રહી.

***

કપિલથી છુટા પડી હું ઘરે ગઈ. મમ્મી પપ્પા હજુ આવ્યા ન હતા. મેં હાથ મો ધોઈ પિંક ટી-શર્ટ અને લૂઝ નાઈટી પહેરી. એ મારા ફેવરીટ હતા. ઘરમાં હું હમેશા લુઝ કપડા પહેરાવાનુ જ પસંદ કરતી.
ઘરે આવ્યા પછી જરાક ભૂખ જેવું લાગ્યું કેમકે રોજની આદત હતી. રોજ મમ્મી મારા માટે નાસ્તો બનાવીને રાખતી પણ એ દિવસે મમ્મી હાજર ન હતી એટલે જાતે જ નાસ્તો બનાવ્યો. જાતે નાસ્તો બનાવવાનો હોય ત્યારે હું મેગી જ બનાવતી એમાં વધુ સમય પણ ન થાય અને ખાસ આવડતની જરૂર પણ ન પડે.

હું મોટાભાગે હોસ્ટેલમાં જ રહી હતી. મેં ખાસ ક્યારેય કિચનમાં કામ નહોતું કર્યું. મને રસોઈ કામમાં કંટાળો આવતો. પ્રમાણીકતાથી કહું તો મને રસોઈ કામ બરાબર આવડતું જ ન હતું. ચા કે મેગી બનાવી લઉં એ અલગ વાત હતી. આમતો રોટલી પણ બનાવી નાખતી પણ મમ્મી પપ્પા અને હુ જ ખાઈ શકીએ એવી…!! કોઈ મહેમાન કે બહારના વ્યક્તિને ન અપાય કેમકે એ ભારતના નકશા જેવા આકારની રોટલી કોને પસંદ આવે?

નાસ્તો કરી હું ઘરમાં બેસવાને બદલે એક નોટબુક અને પેન લઇ બહાર બેઠી. હું વિચારવા લાગી શુ હશે? કેમ કપિલ આજે વધુ પડતો રોમેન્ટિક હતો? મને એ તાવીજ પહેરાવવા માટે?
કદાચ એમ જ હતું. હુ એની વાત માની તાવીજ પહેરી લઉં એ માટે એ થોડોક વધુ પડતો રોમેન્ટિક બની રહ્યો હતો. એમાં ખોટુ પણ શું હતું? એ મને તાવીજ પહેરાવી મારી સલામતી જ ઈચ્છતો હતો ને?

ભલે હું એ બધા તાવીજ અને દોરા ધાગામાં નહોતી માનતી પણ કમસેકમ એને તો એવું લાગતુ જ હતું કે એ તાવીજ મારી રક્ષા કરશે.
મેં તાવીજ તરફ જોયું એ લાલ કાપડના નાના ટુકડાને સીવીને બનાવેલું હોય એવુ લાગતું હતું. કાળા દોરાની મદદથી મારા ગાળામાં લટકી રહ્યું હતું. મને કોઈ ખાસ ચીજ એમા દેખાઈ નહિ. મને એ વાત પર હજી પણ વિશ્વાસ ન હતો થતો કે એ તાવીજ કોઈને મરતા બચાવી શકે. એવું હોત તો અશ્વિની અને રોહિતે તાવીજ કેમ ન પહેર્યું? જરૂર કોઈ બાવા કે ફકીર પાસે બનવડાવ્યું હશે. મેં વિચાર્યું. એ ભણેલ ગણેલ છે છતાં અંધશ્રદ્ધામાં કેમ માનતો હશે?

પણ શું કરે બિચારો? એણે પોતાના ભાઈ ભાભી ગુમાવ્યા હતા. ત્યારબાદ અશ્વિનીના માતા પિતા એટલે કે એના અંકલ આંટી. હવે અશ્વિની અને રોહિત એટલે કે બહેન અને ખાસ મિત્રને… આટલા બધા લોકોને ગુમાવ્યા બાદ વ્યક્તિ પાગલ થઈ જાય અંધશ્રદ્ધા તો શું ગમે એમાં માનવા લાગે.
એકલી બેસી હું ખુદને જ સવાલ પૂછે જતી હતી ને પોતે જ જવાબ આપે જતી હતી. જરાક અજીબ અને ન સમજાય તેવું છે પણ ખરેખર હું એવું કરી રહી હતી. કોણ જાણે કેમ પણ મને લાગી રહ્યું હતું કે હું એ પહેલીને ઉકેલીને જ રહીશ. કોઈ પણ રીતે હું એ રહસ્યને જાણીને જ રહીશ.
“કૃણાલ, ભાવના, અશોક, રોહિણી, અશ્વિની, અને રોહિત.” મેં નોટબુકમાં નોંધ લખી.

એ બધા એક જ કોલેજમાં ભણતા હતા. એમણે દરેકે આત્મહત્યા કરી હતી અથવા તો એમની હત્યા થઈ હતી. આત્મહત્યાની શકયતા વધુ પણ એક જ કોલેજમાંથી આટલા બધા લોકો કેમ આત્મહત્યા કરે?

મેં શક્યતાઓ નોંધી.
કોઈ સિરિયલ કિલર જે કોલેજના પ્રેમીઓને પોતાનું ટાર્ગેટ બનાવતો હોય?
ના, એ શકયતા ન હતી કેમકે કપિલના કહેવા મુજબ અશ્વિનીના માતા પિતા પણ અકસ્માતને બદલે… તો સિરિયલ કિલરની શકયતા નથી કેમકે એ પોતાની પેટર્ન છોડીને હત્યા ન જ કરે. મેં નોટબુકમાં સિરિયલ કિલરની શકયતા આગળ ચોકડી મૂકી.

બીજી શકયતા એ બધા લોકોએ આત્મહત્યા જ કરી હોય?
તો કેમ?
એ જવાબ ન હતો એટલે હાલ પૂરતી એના પર ચોકડી જ મુકવી પડે.. મેં વિચાર્યું.
બધા મરનાર લોકોને વીંટી સાથે સંબંધ હતો… એ પણ એક ચાંદીની એવી વીંટી કે જેના પર કોઈને કોઈ નક્ષત્ર કંડારેલા હતા… શુ આ મામલો ભૂતપ્રેતનો હોઈ શકે?
શુ કોઈ આત્મા એમને આત્મહત્યા કરવા પ્રેરી રહ્યો હશે?
કદાચ એ શકયતા હોઈ શકે… હું પણ જરાક અંધશ્રધ્ધાળુ બનતી જતી હતી?..
કોઈ કાળો જાદુ?
કોઈ નાગીન બદલો લઇ રહી હોય?
પણ કેમ? મારા મને સવાલ કર્યો.
એનું આ લોકોએ કાઈ ખરાબ કર્યું હોય… મેં જવાબ આપ્યો.
“શું ખરાબ કર્યું હોય?

એ જવાબ તો માત્ર એ લોકો જ આપી શકે.
પણ એ તો મરી ગયા છે? મને થયું.
કપિલ… કદાચ કપિલ પણ સાથે હોય… માટે એ કોઈ તાંત્રિકની વીંટી પહેરતો હોય?
પણ કપિલ કોઈનું ખરાબ કરે એવો નથી. ખરાબ લોકો કોઈનો જીવ બચાવતા નથી એ લોકો તો જીવ લે છે… મારા મને કહ્યું.
એણે મને તાવીજ આપ્યું મતલબ કે એને મારી ફિકર હતી.. ખરાબ લોકો કોઈની ફિકર કરતા નથી.

શુ હોઈ શકે? આખરે મેં કંટાળી નોટબુક બંધ કરી… કઈ સમજાય તેમ ન હતું. કઈક ને કઈક તો ખૂટી રહ્યું હતું. કોઈક તો અંધારામાં હતું જેનો ચહેરો નહોતો દેખાઈ રહ્યો. કોઈ મોટું રહસ્ય જરૂર હતું..
હું ઉઠીને અદર ગઈ. નોટબુક ટેબલના નીચેના ડ્રોઅરમાં છુપાવી જેથી મમ્મી પપ્પાના હાથમાં ન આવે. હું સોફા પર બેસી અમારી જૂની બોક્સ ટીવી ચાલુ કરી મમ્મી પપ્પાના આવવાની રાહ જોવા લાગી.

લગભગ મોટા ભાગની ચેનલો ફેરવી જોયું પણ કઈ જોવા લાયક લાગ્યું નહી કે પછી હું વ્યાકુળ હતી અને તણાવને લીધે મને કઈ જોવામાં રસ નહી પડ્યો હોય.
લગભગ મારે એકાદ કલાક એ જુના ટીવીને જોતા રહેવું પડયું ત્યાર બાદ પહેલા મમ્મી એ પછી પપ્પા આવ્યા.
મમ્મીને તો કઈ ખબર ન હતી પણ પપ્પા જંગલ ખાતામાં હતા એટલે એમને એ ઘટનાની ખબર હતી.
“તમારી કોલેજના છોકરા છોકરી વિસે જાણી બહુ દુઃખ થયું.” પપ્પાએ પોતાની ગન ટેબલના ઉપરના ડ્રોઅરમાં મુકતા કહ્યું.

“હા પપ્પા મને પણ, કોલેજમાં બધા દુ:ખી થઇ ગયા છે. શુ થયું હતું કઈ ખબર?” હું ત્યાં હતી એ વાત પપ્પાથી છુપાવતા મેં પૂછ્યું. મેં એમને હું ત્યાં હતી એ ન કહ્યું કેમકે મમ્મી પપ્પા નાહક ચિંતા કરવા લાગે.
“કઈ ખાસ તો નહીં પણ બીજા કર્મચારીઓ વાત કરતા હતા કે આત્મહત્યાનો મામલો છે.” પપ્પા એ મારી પાસે સોફા પર બેસતા કહ્યું.
“પણ પપ્પા કોલેજમાં તો બધાનું માનવું છે કે હત્યાનો મામલો છે. પોલીસ પણ આવી હતી.” કદાચ પપ્પા પાસેથી વધુ માહીતી મળી જાય એ હેતુથી મેં કહ્યું.

“પોલીસને બીજું કરવાનું પણ શું હોય છે? બાળકો મર્યા ત્યાંથી તો કોઈ સાબિત મેળવી નહિ શકયા હોય. પણ કોલેજ જઈ હત્યાનો મામલો છે એમ ટ્રસ્ટીઓને ડર બતાવ્યો હશે.” પપ્પાએ કહ્યું. એમના અવાજમાં પોલીસ પ્રત્યેની ઘૃણા સ્પષ્ટ હતી.

“પણ કેમ? કેમ પોલીસ ટ્રસ્ટીઓને ડરાવે?”
“મર્ડર કેસથી કોલેજની રેપ્યુટેસન ખરાબ થશે એ ડરથી ટ્રસ્ટીઓ એ આપ્યા હશે પચાસેક હજાર. કોઈ મરે એટલે આ પોલીસને તો સિઝન પાકે છે.”
“પણ કોલેજ કેમ આપે? અને સંચાલકો એ નાણાં ક્યાંથી લાવે?” મને કાઈ સમજાઈ ન હતું રહ્યું.
“ઘણુંએ કમાય છે ડોનેશનને નામે.. તારું એડમિશન કરાવવાયે દસ હજાર આપ્યા હતા.” પપ્પાએ ફોડ પાડતા કહ્યું.
અમે ઘણીવાર સુધી વાતો કરી પણ મને કાઈ નવું જાણવા ન મળ્યું હું સમજી ગઈ કે પપ્પા એટલું જ જાણતા હતા જેટલી મને ખબર હતી.
“આ પહેલા પણ આત્મહત્યા થઇ છે આ કોલેજમાં?” મેં અજાણ્યા બની પૂછ્યું.

“હા, થઇ છે. એટલે જ તો પોલીસને ઘી કેળા છે. તેઓ સંચાલકોને આરામથી ડરાવી શકશે કે તમારી કોલેજમાં જ કેમ આવું થાય છે?”
“પપ્પા તમને કઈ શક જેવું નથી લાગતું?”
“મને તો કઈ શક જેવું નથી લાગતું, લોકો પહેલા આડા રસ્તે ચડી જાય છે ને પછી…”
“પણ પપ્પા કોલેજમાં બધા કહે છે કે એ લોકો એવા ન હતા.” મેં એમને અટકાવી વચ્ચે જ કહ્યું.

“બેટા, આજકાલ માણસને બહારથી ઓળખવુ મુશ્કેલ થઈ ગયુ છે. આમેય આ આત્મહત્યા અને ગુના કરવાની પ્રવૃત્તિ તો એક ગાંડપણ છે. એ માનસ પર કયારે સવાર થઇ જાય એ આત્મહત્યા કે ગુનો કરનાર માણસને પોતાનેય ખબર નથી હોતી તો અન્ય કોઈ કઈ રીતે જાણી શકે?”
“પણ એ લોકો ખુશ હતા. બધા કહે છે. મેં પણ એમને જોયા હતા.એ લોકો એકબીજા સાથે ખુબ જ ખુશ હતા.” મેં દલીલ કરી.
“એ લોકો દુ:ખી હશે એટલે જ એ લોકો વધુ ખુશ હોવાનો દેખાવ કરતા હશે.”
“એટલે?” મને કશું સમજાયું નહિ.

“જે લોકો અંદરથી ઉદાસ હોય છે એ લોકો બહારથી હસતા રહે છે કેમકે એમને ડર હોય છે કે લોકો એમની અંદરની ઉદાસીને જાણી જશે.”
પપ્પાના શબ્દો સાંભળી મને ફરી એકવાર મારી જૂની કોલેજ યાદ આવી ગઈ. મને લાગ્યું પપ્પાના શબ્દે શબ્દ સાચા હતા. ત્યાં મારી હાલત કૈક એવી જ હતી. મારી એકલતા અને ઉદાસી છુપાવવા મારે મારા ચહેરા પર હમેશા સ્મિત સજાવીને ફરવું પડતું હતું. એ તો શહેર જ એવું હતું ત્યાં મોટાભાગના લોકો એક ચહેરા પાછળ બીજો ચહેરો લઈને જ ફરે છે.
“હું જંગલ ખાતામાં નોકરી કરું છું. આખો દિવસ જંગલમાં રહું છું. ત્યાં પ્રાણીઓને એકબીજાનો શિકાર કરતા જોઉં છું કેમકે ત્યાં કોઈ નિયમ નથી પણ આ શહેર એવું હોય છે જે ભુખ્યા વરુની જેમ લોકોને પોતાનો કોળીયો બનાવી નાખે છે. એ પણ કોઈ જ નિયમ તોડ્યા વગર. અહી મોટા ભાગના કાયદા અને કાનુનનો ઉપયોગ નિર્દોષ લોકોનો શિકાર કરવા માટે થાય છે એમને બચાવવા માટે નહી.”

પપ્પાના શબ્દોએ મને વિચારોમાંથી બહાર લાવી અને ફરી વિચારતી કરી દીધી. કપિલે પણ કૈક એવુ જ કહ્યું હતું એ લોકો નિયમોનો ઉપયોગ અમારો શિકાર કરવા માટે કરે છે.

“પપ્પા કોણ નિયમોનો ઉપયોગ શિકાર કરવા માટે કરે છે?” મેં પૂછ્યું.
“બધાજ, બેટા અહી બધાજ લોકો નિયમોનો ઉપયોગ શિકાર કરવા માટે કરે છે. અમારા ખાતામાં જ જોઈએ તો એકાદ ઝાડ કાપનારને અધિકારીઓ નિયમોનો ઉપયોગ કરી સજા કરે છે. રાત્રે એ જ અધિકારીઓ હજારો વ્રુક્ષોને એક સાથે મોટી ફેકટરીઓમાં પહોચાડે છે. દરેક એ જ કરે છે. પોલીસ પણ એજ.”

હું સમજી ગઈ પપ્પા સર્વદેશી વિધાનો વાપરી રહ્યા હતા ને કપિલ એક્દેશી. પણ એકદેશી વિધાન અને સર્વદેશી વિધાન વચ્ચે ક્યાં લાંબો તફાવત છે હ અને હા અથવા ન અને ના. બસ એકાદ યોગ્ય તાર્કિકકારક મુકો અને સર્વદેસી વિધાન પરથી એક્દેશી વિધાન મળી જાય છે બસ જરૂર છે તો યોગ્ય તાર્કિકકારકની અને એ હું મેળવીને જ રહીશ. આ વિધાનના અવ્યાપ્ત પદને વ્યાપ્ત પદમાં ફેરવીને જ જંપીશ. ભલે જે હોય તે પણ આ બધી હત્યાઓ અને પેલી વીંટી વચ્ચે કોઈક સંબંધ તો છે જ પછી એ વ્યાપ્ત હોય કે અવ્યાપ્ત. હું એની સત્યતા તો ચકાસીને જ રહીશ, ભલે એ માટે મારે ઉદાહરણ સહિત વ્યાપ્તીની જરૂર પડે. મેં મનોમન નક્કી કર્યું.

અમે વાતોમાં સમય પસાર કર્યો એટલામા મમ્મી એ જમવાનું બનાવી લીધું હતું. અમે ત્રણેય ભેગા મળી સાંજનું ભોજન લીધું. મોટા ભાગે અમે ત્રણે ભેગા જ ડીનર કરતા. પપ્પા આઠ વાગ્યા પહેલા તો ઘરે આવી જ જતા. હું કોલેજથી આવી નાસ્તો કરી લેતી એટલે મમ્મી આઠેક વાગ્યે જ જમવાનું બનાવતી.

જમવાનું પતાવી હું ઉપર મારા રૂમમાં ગઈ. રૂમમાં જઇ ફિલોસોફીના પ્રોજકટ પર કામ કરવાનો પ્રયાસ કર્યો પણ મન ન લાગ્યું એટલે સુઈ ગઈ. રોજ કરતા ઘણી વહેલી સુઈ ગઈ. કદાચ જંગલમાં ચાલવાને લીધે મારુ શરીર થાકી ગયું હતું કે સવારની એ ઘટનાને લીધે મારું મન. જે હોય તે પણ હું સાડા દસ વાગતા પહેલા ઊંઘી ગઈ.

લેખક : વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

ક્રમશ: વધુ આવતી કાલે…..

દરરોજ રાત્રે 9 વાગે વાંચો નવો ભાગ.

ટીપ્પણી