“નક્ષત્ર” – દિલને સ્પર્શી જનારી અને ખુબ રહસ્યમય નવલકથાનો આજે 7 ભાગ વાંચો..

વાંચો પ્રકરણ 1 , વાંચો પ્રકરણ 2  વાંચો પ્રકરણ 3 વાંચો પ્રકરણ 4   વાંચો પ્રકરણ 5 વાંચો પ્રકરણ 6

પ્રકરણ – 7…..

હું અને કપિલ હજુ જંગલમાં જ હતા જંગલ પરના કાળા વાદળો વધુ કળા થઈ રહ્યા હતા. સુકી હવામાં એકદમ નમી ફેલાવા લાગી હતી. કપિલ કાર તરફ જઇ રહ્યો હતો અને હું પણ તેને અનુસરી રહી હતી. વેસ્ટર્ન સ્કાયમાં ક્યાંકથી એકાએક આવી ચડેલા વાદળો સૂર્યના કિરણોનો રસ્તો રોકવા લાગ્યા હતા. બપોરના સમયે પણ સાંજ જેવું લાગવા માંડ્યું હતું. અમે અહી આવી રહ્યા હતા છેક ત્યારથી જ મને લાગી રહ્યું હતું કે સુરજના કિરણોમાં જાજું જોર ન હતું એટલે કદાચ વરસાદ આવી જશે, પણ મને કોઈ જ પરવા ન હતી જાણે. કદાચ એ વખતે મારા મનમાં આસમાનથી પણ મોટું કોઈ તુફાન આકાર લઇ રહ્યું હતું.

“કપિલ, તું મને આમ જોઈ કેમ રહ્યો છે? મને જવાબ કેમ નથી આપી રહ્યો? “ મેં કહ્યું.
“આ બધું તારે જાણવું ન જોઈએ, તારે આ બધાથી દુર રહેવું જોઈએ.” એણે ફરી એ જ કહ્યું.

“પણ કેમ? હું જાણવા માંગું છું. અશ્વિની મારી પણ દોસ્ત હતી. હું તને પ્રેમ કરું છું. આપણે એકબીજાની વાત જાણવી જોઈએ. તું મને કઈ કહે તો કદાચ આ કેસમાં મારા પપ્પા આપણી મદદ કરી શકે.” મેં એની નજીક જઈ સમજાવતા કહ્યું.
“આમાં કોઈ જ મદદ ન કરી શકે. હું તને કે તારા પરિવારને આમાં સંડોવી તમારા જીવનને જોખમમાં ન મૂકી શકું.” કપિલે ફરી મારા તરફ જોતા કહ્યું.
“એવું શું છે કે મારો જીવ જોખમમાં મૂકાઈ જાય. હું મુંબઈમાં રહી છું. મેં આ બધું જોયું છે, મને ડર નથી. હું જાણવા માંગું છું.” હું દલીલ માટે તૈયાર હતી.
“આ મુંબઈ નથી. આ જંગલ છે જે લાખો રહસ્યો પોતાનામાં સમાવીને બેઠું છે.”

“હું એ રહસ્ય જાણવા માંગું છું.”
“પણ હું કહેવા નથી માંગતો, મેં એક ભૂલ કરી છે તારા નજીક આવવાની હવે હું તને આમાં સંડોવી બીજી ભૂલ નથી કરવા માંગતો.”
“મારાથી દોસ્તી કરવી એ તારા માટે એક ભૂલ છે??” મેં ચોંકીને કહ્યું.
“હા, કેમકે રોહિતને પણ અશ્વિનીએ ખુબ જ સમજાવ્યો હતો કે એણે અશ્વિનીને ન ચાહવું જોઈએ. પણ એ માન્યો નહી એટલે એને પણ આજ અશ્વિની સાથે જીવ ખોવો પડ્યો. એ લોકોને રોહિત સાથે કોઈ જ મતલબ ન હતો. જો એ અશ્વિનીથી દુર રહ્યો હોત તો હું આજે બહેન અને દોસ્ત બંને એકસાથે ન ગુમાવત.”

“મારો શક સાચો હતો કે તું જાણે છે કે એમને કોને માર્યા છે. તે પોલીસને કેમ ન જણાવ્યું? શું તું નથી ઈચ્છતો કે અશ્વિની અને રોહિતને ન્યાય મળે? શું તું એમના કતીલોને સજા નથી આપવાવા માંગતો?” મેં એકાએક આવેશમાં આવી કહ્યું. મારા શબ્દો સાંભળી એ અટકી ગયો, એણે મારા તરફ જોયું. એની આંખમાં હજુ એ અજબ ભાવ એમના એમ હતા કદાચ એ પરા માનસ હતા, કોઈનાથી પણ કળી ન શકાય તેવા.

“કેમકે કોઈ સાબિતી નથી. અશ્વિનીના મમ્મી પપ્પાને પણ એ લોકોએ એ જ રીતે માર્યા હતા. કાર અકસમાતમાં. મારા મમ્મી પપ્પાએ ખુબ જ તપાસ કરાવી હતી. ખુબ જ મહેનત કરી હતી પણ કાંઈ જ ન થયું. કેશ એકસીડન્ટ તરીકે બંધ થઇ ગયો.” કપિલના શબ્દોમાં એનો ગુસ્સો અને એની લાચારીનું મિશ્રણ હતું. હું એની હાલત શમજી શકતી હતી.
એકાએક એનો એ ગુસ્સો આકાશમાં ચાલ્યો ગયો હોય એમ આકાશે એક ગુસ્સા ભરી ગર્જના કરી. એકાએક આકાશમાં છવાયેલા કાળા વાદળોના એ પડદાને ચીરતો એક વીજળીનો લીશોટો થયો. આકાશ વરસાદની આગાહી આપવા લાગ્યું. સામાન્ય સ્થિતિમાં મેં એ તરફ ધ્યાન આપ્યું હોત પણ એ દિવસે હું પણ જાણે કપિલ જેવી બની ગઈ હતી, મને લાઈટનીંગની જરાય અસર ન થઈ.

“એવું કોણ છે જે આ બધુ કરે છે? શા માટે એમણે અશ્વિનીના માતાપિતાને માર્યા? એમણે માર્યા બાદ પણ કોઈ અશ્વિનીને કેમ નથી છોડતું? કોઈ કઈ વાતનો બદલો લઇ રહ્યું છે?”
“બદલો એ નથી લઇ રહ્યા પણ બદલો તો હવે મારે લેવાનો છે.” કપિલે કહ્યું, એના ચહેરા પર ગુસ્સાના ભાવ ઉતરી આવ્યા એની ફિક્કી આંખો ફરી ચમકદાર બની ગઈ, કોઈ વાઘ શિકાર કરે એ વખતે એની આંખમાં ચમક હોય એ ચમક એની આંખમાં મને દેખાઈ રહી હતી.
“તું બદલો લેવા શું કરીશ?” મેં ગભરાઈને કહ્યું.

“હું એ બધાને મારી નાખીસ.”
“અને પછી મારું શું થશે, તારા મમ્મી પપ્પાનું શું થશે? તારું શું થશે?” મેં એકદમ ગભરાયેલ અવાજે કહ્યું.
“જે થશે એ જોયું જશે પણ હવે હું નિયમોમાં બેસીને પોતાના લોકોને મરતા નહી જોઈ શકું. એમણે બનાવેલા નિયમોમાંથી છટકવાના રસ્તા એ લોકો શોધી લે છે પણ આ વખતે હું એમને નહી છોડું. આ વખતે મારે કોઈ જ સાબિતીની જરૂર નહી પડે.”
“કેવા નિયમો? કોણે બનાવ્યા છે એ નિયમો અને એ લોકો કોણ છે જેમને તું મારવાની વાત કરી રહ્યો છે.?”
“હું તને નહી જણાવી શકું એ નિયમની વિરુદ્ધ છે.”
“કેવા નિયમ? આપણે એકબીજાને ચાહીએ છીએ અને તારી દરેક વાત જાણવાનો મને હક છે.” મેં જરાક ગુસ્સે થઇ કહ્યું.
“હું, તને બધું પછી જણાવીશ.”

“ક્યારે?”
“સમય આવશે ત્યારે, અત્યારે તો મારે તને કોલેજ છોડી દેવી જોઈએ.” કહી એ કાર તરફ આગળ વધ્યો.
અમારા વિસ્તારમાં ક્યારે વરસાદ પડે એ કહેવું મુશ્કેલ હોય છે પણ આ પરિસ્થિતિમાં વરસાદ આવશે એવું મેં નહોતું ધાર્યું. હું કપિલને કહેવા માંગતી હતી કે હું બધુ જ જાણ્યા વિના કારમાં નહી બેસું પણ એજ સમયે આકાશ આખું એકાએક નીતારવા લાગ્યું. હેવી ડ્રોપ્સ કોઈ ભીડને પણ વિખેરી દેવા સમર્થ હતા. મારે ન છુટકે પણ કારમાં બેસવું પડ્યું.
હું એને ઘણું બધું પૂછવા માંગતી હતી ઘણું બધું જાણવા માંગતી હતી પણ ફરી મને એનાથી ડર લાગવા માંડ્યો હતો.

અમે કાર માં બેઠા એણે કાર સ્ટાર્ટ કરી. જે સ્પીડે અમે અહી આવ્યા હતા એજ સ્પીડે એ કાર વરસાદના હેવી ડ્રોપ્સ ને ચીરતી પાછી જવા લાગી, મને નવાઈ લાગી રહી હતી કે બધું બ્લર થયેલ હતું છતાં એ એટલી સ્પીડથી કાર કઈ રીતે ચલાવી શકતો હતો?
મને એ કોલેજના ગેટ સુધી મૂકી ગયો. હું ઉતાવળે કોલેજમાં દાખલ પણ મારું મન જરાયે લાગી નહોતું રહ્યું. આખી કોલેજમાં પણ આ સમાચાર ફેલાઈ ગયા હતા.

હું કલાસમાં જવાને બદલે કેફેટેરિયામાં જઈને બેઠી. કેફેટેરિયા ખાલી હતું કેમકે બધા કલાસમાં હશે અને વરસાદ ચાલુ થઇ ગયો હશે એટલે પછી કોઈ બહાર નહિ આવ્યું હોય. મારા કપડા ગેટથી કેફેટેરિયા આવી ત્યાં સુધીમાં પણ થોડાક પલડી ગયા હતા. કેફેટેરિયા ચલાવનાર મોહનભાઈ થોડીકવાર બાદ મારી પાસે આવ્યા. મેં ઓડર કર્યા વગર જ તેઓ એક કપ ચા લઈને આવ્યા હતા. મને થયું કદાચ મારો ચહેરો જોઈ એ સમજી ગયા હશે કે મને ચાની જરૂર હતી. કદાચ મારા ભીના કપડા અને ઉદાસ ચહેરાએ એમને કહી દીધું હશે કે મને ગરમ ચાની જરૂર હતી. પણ વેઈટરને બદલે એ પોતે જ કેમ આવ્યા એ જરાક નવાઈ લાગે તેવું હતું.
“શું થયું હતું બેટા?” એમણે કહ્યું. એમની ઉમર પિસ્તાળીસેક વરસની હતી અને તેઓ મોટા ભાગના છોકરાઓને બેટા કહીને જ બોલાવતા. ખાસ તો કદાચ એમને અમારા બધાના નામ ખબર નહી હોય એટલે.
“અશ્વિની અને રોહિત સાથે શું થયું હતું?” એમણે ફરી પૂછ્યું અને તેઓ મારા ટેબલ પર સામેની ખુરસીમાં ગોઠવાયા.

“તમને કઈ રીતે ખબર પડી?” મેં ચોકીને કહ્યું.
“પોલીસ આવી હતી.”
“કેમ?”
“તપાસ કરવા… એમને શક છે કે એમનું ખૂન થયું છે, તું ત્યાં ગઈ હતી તને શું લાગે છે?”
મને એકપળ માટે તો થયું કે એમને શું લેવા દેવા પણ પછી થયું કપિલ, અશ્વિની અને રોહિત અહી રોજ બેસતા એટલે એમનેય દુખ થયું હશે અને પોતાના કોઈ પરિચિતનું ખૂન થાય કે એ આત્મહત્યા કરે શું થયું હતું એ જાણવાનો પ્રયત્ન તો બધા કરે જ. એમાય મોહનલાલ તો બધાને પોતાના પરિવાર જેવા સમજે છે.

“મને આત્મહત્યા જેવું લાગે છે.” મેં કહ્યું.
“પણ એ બંને તો એકબીજા સાથે બહુ ખુશ હતા.”
“કોઈ ફેમીલી પ્રોબ્લેમ?” મેં જાણકારી મેળવવા માટે કહ્યું. કેમકે મને લાગ્યું કે કદાચ મારા કરતા વધુ માહિતી એમની પાસે હતી. કદાચ હું કૈક એવું જાણી શકું જે કપિલ મારાથી છુપાવી રહ્યો હતો.
“ના,ના એવુયે કઈ ન હતું. કપિલને એમના પ્રેમની ખબર હતી. એને કોઈ વાંધો ન હતો. કારકુન મેમ પણ બધું જાણતા હતા.”
“તો પછી રોહિતના કોઈ સગા?”

“ના એ લોકો તો ખુશ હતા. રોહિત એક ગરીબ પરિવારનો છોકરો હતો એના પિતા મારા મિત્ર છે. એમનુ ઘર અમારા વિસ્તારમાં જ છે. એ લોકો તો શહેરના સૌથી અમીર ઘરમાં સબંધ થતો જોઈ ખુશ હતા.” મોહન ભાઈએ એક નિશ્વાસ નાખી કહ્યું.
“તો શું હોઈ શકે?” પ્રશ્ન એ જ હતો તારણ અલગ અલગ!
“એજ તો નથી સમજાતું, આ કોલેજમાં આ ત્રીજો કિસ્સો છે.” એમણે ફરી એક નિશ્વાસ સાથે કહ્યું.
મને થયું દુનિયા કેવી અજીબ છે આ માણસને પોતાને ત્યાં આવી ચા નાસ્તો કરી જનાર અશ્વિને અને રોહિતની મોતનું દુ:ખ છે અને કોઈક એવું છે જે વગર લેવાદેવાએ એમને મારી રહ્યું છે. પણ કોણ? હું જાણીને જ રહીશ. મેં નક્કી કર્યું.

“પહેલા કોની હત્યા થઇ હતી, અંકલ?” મેં પૂછ્યું.
“રોહીણી અને એનો મિત્ર અશોક…”
“એ લોકો પણ એકબીજાને ચાહતા હતા?” મેં એમને વચ્ચે જ અટકાવી પુછ્યું.
“હા, એ લોકો પણ એકબીજાને ચાહતા હતા પણ તમે ચાહો એમ નહી. અશ્વિની અને રોહિત ચાહતા એનાથી પણ એમની ચાહત અલગ હતી.”
“મતલબ?” મેં નવાઈ પામી કહ્યું. મેં બહારની તરફ જોયું વરસાદ ધીમે ધીમે બંધ થવા લાગ્યો હતો. મને થયું કદાચ એ મને મારા સવાલોના જવાબ મેળવતી રોકાવાજ ન આવ્યો હોય!!

“એમણે ગાયેલા પ્રેમના ગીતો આ કોલેજને હમેશા યાદ રહેશે. રોહીણી સારી ગાયક હતી અને અશોક ગીટાર વગાડવામાં હોશિયાર. જયારે પણ કોલેજમાં કોઈ પણ ફંક્સન હોતું. અશોક ગીટાર વગાડતો અને રોહીણી ગાતી, એમના સુર અને સંગીત પર આખી કોલેજ નાચી ઉઠતી. આખી કોલેજમાં કોઈ એમની પ્રેમ કહાનીથી અજાણ્યું ન હતું. પણ બિચારા…” તેમણે ફરી એક નિશ્વાસ નાખ્યો.
“શું થયું હતું?” મેં ઉતાવળી થઇ પૂછ્યું.

“એક દિવસ એ પણ કોલેજથી એકાએક ગાયબ થઇ ગયા બધાને એમ લાગ્યું કે એ લોકો એકબીજા સાથે પ્રેમ કરતા હતા અને પરિવારે મંજુરી ન આપી એટલે ક્યાંક ભાગીને જતા રહ્યા હશે. પણ બીજા દિવસે કોલેજ પાછળની રેલ્વે ટ્રેક નીચેથી બંનેના ટુકડાઓમાં ફેરવાયેલા શરીર મળ્યા. લોકો કહે છે કે એમણે આત્મહત્યા કરી હતી.” વાત કહેતી વખતે પણ મોહનકાકાની આંખમાં પાણી આવી ગયું.
“શું એ કપિલના સગા હતા?” મેં અધીરાઈથી પૂછ્યું.
“ના, એ સ્વામી હતા મારા અંદાજ મુજબ.”
“કોણ ડોક્ટર માથુર સ્વામી?”
“હા, એજ….”
“તમે એ બંનેથી પરિચિત હતા?” મેં પૂછ્યું.

“હા, તમારી બધાની સાથે છું એનાથી પણ વધુ પરીચિત હતો એમની સાથે. ક્યારેક ક્યારેક તો રોહીણી ગુસ્સે થઇ જતી ત્યારે અશોક આખો દિવસ આજ ટેબલ પર બેસી એને મનાવતો. તેઓ કલાસમાં જતા જ નહી. અહી બેસી રહેતા અને વાતો કરતા. ઘણા દિવસ સુધી તો મને નવાઈ લાગતી કે આ લોકો અઠવાડિયામાં બે વાર ઝઘડે છે કેમ? પણ પછી ખબર પડી કે રોહીણી કલાસમાં ન જવું પડે અને બહાર બેસી અશોકથી વાતો કરવા મળે એ માટે રીસાયાનું નાટક કરતી.” મોહન ભાઈએ કહ્યુ, એ વાત કહેતી વખતે એમના ચહેરા પર એક નજીવી ખુશી મને દેખાઈ જાણે પોતાના જ દીકરાને યાદ કરી રહ્યા હોય તેવો ભાવ એમના ચહેરા પર હતો.
“રોહીણી રોજ અહી બેસતી તો કદાચ તમે એના હાથ પર કોઈ વીંટી જોઈ હતી?” મેં કહ્યું

“હા, રોહીણીના હાથમાં કપિલ અને અશ્વિની જેવી જ એક વીંટી હતી એટલે જ તો મને લાગે છે કે આ આત્મહત્યા નથી કોઈ જુદો જ મામલો છે કારણ દરેક મરનારની આંગળી પર એ વીંટી હોય છે.”
“ત્રીજું કોણ હતું?” મેં પૂછ્યું.
“કૃણાલ અને ભાવના એ પાંચ વરસ પહેલા આ કોલેજમાં હતા. ત્યારે હું અહી નવો હતો એ જ વરસે મેં કેન્ટીન ભાડે રાખી હતી. ત્યારે આ કોલેજ પણ બહુ મોટી ન હતી અને આ કેન્ટીન પણ.”

“એમની સાથે શું થયું હતું?”
“એજ, એમણે એક ઝાડની ડાળ પર ફાંસો ખાઈ લીધો હતો. બધાએ એ જ માન્યું કે એ આત્મહત્યા હતી.”
મારા શરીર માંથી ગજબ ભયની ધ્રુજારી વહી ગઈ. સ્વસ્થ થતા મેં માંડ પૂછ્યું, “પણ તમને શું લાગે છે?”
“કૈક રહસ્ય… કૈક એવું રહસ્ય જે આખા શહેરથી છુપાવવામાં આવી રહ્યું છે.. બસ એ આપણી કોલેજના કોઈ ખૂણે દફન છે.”
“ભાવનાના હાથ પર પણ એ વીંટી હતી?” મેં પૂછ્યું.
“ના, કૃણાલની આંગળીમાં.” મોહનલાલે કહ્યું.
“કૃણાલ કપિલની જાત નો હતો?” મેં પૂછ્યું.

“એ એનો ભાઈ હતો, કારકુન મેમનો મોટો દીકરો.” એમણે કહ્યું. હું ફાટી આંખે એ સંભાળતી રહી. હું આગળ કૈક પૂછવાનું વિચારતી હતી ત્યાજ મને લંચ ટાઈમનો બેલ સંભળાયો.
“હવે કસ્ટમર સંભાળવા પડશે, દીકરા.” કહી મોહનભાઈ ઉભા થઇ કોર્નર તરફ ગયા. હું હજુ ત્યાજ બેસી રહી. મને કૃણાલ કપિલનો ભાઈ હતો અને એની સાથે શું થયું એ સાંભળ્યા પછી એકદમ ગભરાહટ થવા લાગી હતી.
હું ખુબજ અકળામણ અનુભવી રહી હતી.. મારું મન એક જ ડરથી ધ્રુજી રહ્યું હતું કદાચ કૃણાલની જેમ કપિલ સાથે પણ… કદાચ કૃણાલ અને ભાવનાની જેમ મારી અને કપિલ સાથે પણ… મને ચક્કર આવતા હોય એવું લાગી રહ્યું હતું.
“હાય.” મેં કિંજલનો અવાજ સંભાળ્યો એનું હાય આજે ફિક્કું હતું. કદાચ એ પણ અશ્વિની અને રોહિત વિસે જાણતી હતી.

”હાય…..” મેં પણ એજ ફિક્કા અવાજે કહ્યું. કિંજલ મારી સામેની ખુરસી પર ગોઠવાઈ, જ્યાં થોડીકવાર પહેલા મોહનભાઈ બેઠા હતા. તેણીએ પેન્સિલ નેરો જીન્સ અને પર્પલ ટોપ પહેરેલ હતું. એને જોતાજ ફરી એકવાર મને અશ્વિની યાદ આવી જયારે એ મને પહેલીવાર મળી ત્યારે એણીએ પણ પર્પલ ટોપ પહેરેલ હતું. કેટલી સારી હતી બિચારી?? મને થયું.કાસ એને કઈ ન થયું હોત?? કાસ એ પણ મારી ફ્રેન્ડ બની ગઈ હોત અને અહી મારી સાથે ટેબલ પર બેઠી હોત!!!

“શું થયું હતું?” એણીએ એ જ સવાલ કર્યો
મેં કૃણાલ અને ભાવનાની વાત ન સાંભળી હોત તો હું એને અશ્વિની અને રોહિતને શું થયું એ કહેવાની હાલતમાં હોત પણ મારી માનસિક સ્થિતિ સારી ન હતી… જેટલી હું અશ્વિની અને રોહિતના મૃતદેહ આંખો સામે જોઈ ડરી હતી એનાથી પણ વધુ હું ચાર વરસ પહેલાની એ ઘટના સાંભળીને ડરી હતી.. કદાચ મને મારો અને કપિલનો પણ એ જ અંજામ થશે એ વિચારી ડર લાગવા માંડી હતી.

***

મને ચક્કર આવી રહ્યા હતા. મને એમ લાગી રહ્યું હતું જાણે મને હમણા ઉલટી થઇ જશે. કેન્ટીનનું શાંત વાતાવરણ પણ મને ગૂંગળાવી રહ્યું હતું. પીઝા અને પફની સ્મેલ પણ મને ગમી નહી. કદાચ મારું મન પળવારમાં એ સ્થળથી ઉબી ગયુ હતું. હું કોઈ અઘોર વનમાં એકલી હોઉં એવું મને લાગી રહ્યું હતું.

“શું થયું?” કિંજલે કહ્યું, મારી તબિયત જોઈ એના ચહેરા પર ચિંતા દેખાતી હતી.
જીવનમાં બે અલગ અલગ તબક્કા હોય છે ક્યારેક ક્યારેક લોકો આપણી વધારે પડતી કાળજી લેવા માંડે છે અને ક્યારેક ક્યારેક આપણી કાળજી લેવા માટે કોઈ જ નથી હોતું. પણ સદનસીબે ત્યારે મારો પ્રથમ સમય ચાલતો હતો.
“મને ચક્કર આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.” મેં કહ્યું, મારો અવાજ બહુ ઊંડાણમાંથી અને ઘણી મહેનત બાદ માંડ આવતો હોય એવું મને લાગીં રહ્યું હતું. કદાચ હું નોસ્ટાલજીયા ફિલ કરી રહી હતી. મારી માનસિક સ્થિતિ કમજોર બની રહી હતી.

“એક મિનીટ..” કહી એ ઉભી થઇ અને કાઉન્ટર તરફ જવા લાગી.
પહેલા તો મને સમજમાં ન આવ્યું કે એ શું કરી રહી છે પણ એકાદ મિનીટ બાદ મને સમજાયું જયારે એ હાથમાં સોડા બોટલ લઇ પાછી આવી.
કિંજલે ટેબલ પર રહેલ કાચના ગ્લાસમાં એ બોટલમાંથી સોડા ભર્યા. કેન્ટીનના બધા ટેબલો પર બે ત્રણ ગલાસ અને એક પાણીનો જગ ગોઠવેલ જ રહેતા.
મેં સોડા પીધા. એનાથી મને જરાક રાહત જેવું લાગ્યું. પણ હજુયે માથું એકદમ ભારી હોય એવું લાગી રહ્યું હતું.

“ચાલ હું તને ઘરે છોડી જાઉં.” કિંજલે કહ્યું.
કિંજલ એક સાચી દોસ્ત હતી. તે મમ્મીની જેમ મારી નાની નાની બાબતે કાળજી લઈ રહી હતી.
“ના, હું લંચ ટાઈમ પતે પછી કલાસમાં આવીશ.” મેં ઇનકાર કર્યો.
“પણ તારી તબિયત કલાસ જોઈન કરે એવી નથી લાગતી, તારે આરામની જરૂર છે.” કિંજલે જીદ કરતા કહ્યું, ક્યારેક ક્યારેક મિત્રોની જીદ મીઠી લાગે છે અને એ પળ મારા માટે એજ અનુભવ કરાવનાર હતી.
“પણ મારા ઘરે કોઈ નથી, પપ્પા નોકરી પર ગયા છે અને મમ્મી બહાર. સાંજ પહેલા એકેય પાછા નહી આવે, હું ઘરે વધારે કંટાળી જઈશ.” મેં કહ્યું.
“તો આપણે મારા ઘરે જઈએ, ત્યાં તું આરામ કરજે અને હું હોઈશ એટલે તને કંટાળો પણ નહી આવે.” કિંજલે કહ્યું.

“ના, ના તારું ભણવાનું….. હજુ લેકચર બાકી છે.” મેં કહ્યું.
“તારી તબિયત કરતા વધુ મહત્વનું નથી.” કિંજલે કહ્યું.
મને થયું આ કોલેજમાં મને માત્ર આટલા ટૂંકા ગાળામાં સારા દોસ્તો અને કપિલ મળી ગયો હતો જયારે ત્યાં વરસો સુધી એક સાચો કહી શકાય તેવો મિત્ર પણ ન હતો મળ્યો.
“હા, તો એ ઠીક રહેશે.” મેં કહ્યું, અમે બંને ઉભા થયા અને કોલેજ બહાર ગયા.

હવે વાસદ બંધ થઇ ગયો હતો પણ હવામાં હજુ એક નમી હતી જે બતાવી રહી હતી કે આકાશ હજુ નીતરી શકે તેમ હતું. જમીન પર પાણીના ખાબોચિયા ભરાયેલા હતા. પણ કોલેજ આગળ પાકો રોડ હતો એટલે ખાસ કીચડ જેવું ન હોતું. આમેય અમે લોકો વરસાદ અને કીચડથી ટેવાયેલ હતા. જંગલ વિસ્તાર નજીક રહેતા દરેક લોકો એવી સ્થિતિથી ટેવાયેલ હોય છે.
રોડ પર ઉભા રહી અમે ઓટોની રાહ જોવા લાગ્યા. કોલેજ બહુ ભીડવાળા વિસ્તારમાં ન હતી છતાં અમારે બહુ રાહ ન જોવી પડી. ત્યાં રોડ પરથી અમને થોડીક જ વારમાં ઓટો મળી ગઈ, અમે ઓટોમાં કિંજલના ઘરે ગયા.

ઓટોવાળાએ અમને કિંજલના ઘરના દરવાજે જ ઉતાર્યા એટલે અમારે ખાસ ચાલવું પડ્યું નહી, કિંજલનું ઘર સોસાયટીમાં બીજી ગલીમાં રોડ પર જ હતું.
કિંજલનું ઘર ખાસ્સું એવું મોટું હતું. એ બે માળનું હતું અને કોઈ પણ મધ્યમ વર્ગીય માણસના ઘર જેવુ જ હતું. ઉપરના માળની બાંધકામ શૈલી નીચેના માળ જેવી જ હતી. ઘરના આગળના ખુલ્લા ભાગમાં નાનકડો ગાર્ડન પણ ડેવલપ કરેલો હતો. મને એ ઘર પસંદ આવ્યું કેમકે મને ગાર્ડન પસંદ હતો.

અમે ઘરમાં દાખલ થયા, ઘર બહારથી જેટલું સુંદર લાગતું હતું એનાથી પણ વધુ સુંદર એ અંદરથી હતું. મુખ્ય હોલમાં પ્રવેશતા જ આધુનિક ફર્નીચર અને બારીઓ પર મખમલી પડદા આવનારનું ધ્યાન ખેચે એવા હતા.
“બેસ.” કિંજલે સોફા તરફ ઈશારો કરતા કહ્યું.
હું સોફા પર ગોઠવાઈ અને કિંજલ રસોડામાં ગઈ. મેં સામેની દીવાલ પર લાગેલ સ્માર્ટ ટીવી તરફ જોયું. લગભગ ચાળીસેક ઈંચનું એ સોનીનું ટીવી હતું. એની આસપાસ રહેલ લાકડાના એલ.સી.ડી. શો-કેશને લીધે એ વધારે સારું લાગી રહ્યું હતું.

“પાણી.” કિંજલે કહ્યું ત્યારે મારું ધ્યાન એ તરફ ગયું. એણીએ ફ્રિજમાંથી લાવેલ ઠંડી બોટલમાંથી એક ગલાસ ભરી મને આપ્યો.
ઠંડા પાણીથી મને જરાક રાહત થઇ. ત્યારબાદ કિંજલ શો-કેશના ડ્રોવરમાં કઈક શોધવા લાગી.
“શું શોધે છે?” મેં પુછ્યું.
“ટેબલેટ. મમ્મી અહી જ રાખે છે, મમ્મીને પણ માથું દુખવાની સમસ્યા છે એટલે અમારા ઘરમાં પેઈનકીલર હોય જ છે. તને રાહત થશે એનાથી.”
“ના, ના, ચાલશે હવે થોડુક સારું છે.”

“ના, એમ કેમ ચાલે? તું બેસ હું મમ્મીને બોલાવી લાવું એ બાજુમાં જ હશે.” કહી કિંજલ બહાર ગઈ અને તેણીએ ઘરના આગળના બગીચામાંથી જ બાજુના ઘરના બગીચામાં ડોકિયું કરી એની મમ્મીને બુમ મારી.
એ ફરી પાછી આવીને મારી પાસે બેઠી, “ મમ્મી આવે છે.” એણીએ કહ્યું.
“મમ્મીને હેરાન કરવાની શું જરૂર હતી.” મેં કહ્યું.
“કેમ? મને લાગે તું મને હજુ ફ્રેન્ડ નથી સમજતી.” કિંજલે ઠપકાભરી આંખે મારી તરફ જોયું.

“ના, એવું નથી.” મેં જરાક સંકોચ પામતા કહ્યું.
અમે વાતચીત કરી રહ્યા હતા ત્યારે એના મમ્મી ઘરમાં દાખલ થયા. કિંજલને પણ મારી જેમ બધું મમ્મી તરફથી જ વરસામાં મળ્યું હોય એવું લાગતું હતું. એની મમ્મીનો શારીરિક બાંધો, ઉંચાઈ અને આંખો બધુ જ કિંજલ જેવુ જ હતું. મેં વિચાર્યું જયારે તેઓ કિંજલની ઉમરના હશે ત્યારે કિંજલ જેવા જ લગતા હશે અને જયારે કિંજલ એમની ઉમરની થશે ત્યારે આવી જ લાગશે.
એના મમ્મી અમારી સામે આવી ચુપચાપ ઉભા રહ્યા. મને નવાઈ લાગી કેમકે કોઈ વ્યક્તિ એમ ચુપચાપ કેમ ઉભું રહે? કમસેકમ આવનારને વેલકમ તો કહે જ.

પણ બીજી જ પળે હું સમજી ગઈ કે એ કેમ ચુપચાપ ઉભા રહ્યા હતા. કિંજલ હાથના ઇશારાથી એમને કૈક સમજાવવા લાગી અને તેઓ પણ વળતા કઈક ઈશારા કરી પૂછવા લાગ્યા. હું સમજી ગઈ કે તેઓ બોલી ન હતા શકતા. કદાચ સાંભળી પણ નહી શકતા હોય.
એમના ઈશારાની વાતચીતમાં મને કઈ ખાસ તો ખબર ન પડી પણ એટલી ખબર પડી કે કિંજલે એમને મારી ઓળખાણ આપી હતી. તેઓ થોડી થોડી વારે મારી તરફ જોઈ ઈશારો કરતા હતા. આખરે કિંજલના મમ્મીએ નીચેના ડ્રોઅરમાંથી ટેબલેટ શોધી કિંજલને આપી અને રસોડામાં ચાલ્યા ગયા.
“મારા મમ્મી બોલી કે સાંભળી નથી શકતા.” કિંજલે મને ટેબલેટ આપતા કહ્યું.

“સોરી.” મેં ટીપોય પર પડેલ બોટલથી ગલાશ ભરતા કહ્યું.
“ઈટ’સ ઓકે.” એણીએ કહ્યું, “ હું કે પપ્પા એકેય આખો દિવસ ઘરે નથી હોતા એટલે મમ્મી કંટાળી જાય છે, માટે બાજુમાં જઈને બેસે છે. એ લોકો હવે એનાથી ઈશારામાં વાત કરતા શીખી ગયા છે.”
હું ચુપ રહી, શું બોલવું મને કઈ સમજાતું ન હતું. એક પળ પહેલા જે ઘર જોઈ મને થયું હતું કે મારું ઘર પણ આવું હોત તો! એજ ઘર એમાં રહેનાર માટે કોઈ જ કામનું ન હતું, માત્ર એકલતા અને કંટાળો આપનાર હતું, એ સમય પસાર કરવાયે બાજુમાં જવું પડતું હતું, મેં વિચાર્યું.

“ઘર માં તમે ત્રણ જ છો?” મેં પૂછ્યું.
“હા, મારે ભાઈ નથી અને બહેન પણ નથી. હું એક જ છું.”
“મારે પણ કોઈ ભાઈ બહેન નથી.”
“ભાઈ બહેન વગર બાળપણમાં ખુબ જ એકલું લાગતું, નહી?”
“હા, અને હવે ચિંતા, કે આપણા ગયા પછી મમ્મી પપ્પા એકલા પડી જશે.” મેં કહ્યું.

“પણ હું તો મમ્મીને છોડીને જવાની જ નથી, કોઈ છોકરાને અહી મારી સાથે રહેવાની શરત મંજુર હશે તો જ લગન કરીશ.” કિંજલે કહ્યું.
“સારો વિચાર છે, પણ કોઈ પોતાના પરિવારને છોડીને આવશે ખરો?” મેં કહ્યું.
“હું કોઈ એવાને શોધી લઈશ જેને પરિવાર જ ન હોય.” કિંજલે મજાક કરતા કહ્યું.
“તને તો ખબર જ હશે ને કે અશ્વીનીને પરિવાર ન હતો?” મેં વાત બદલી.
“હા, એ અનાથ હતી પણ એને પરિવાર ન હતો એમ ન કહી શકાય. ક્લાર્ક મેમ અને એમનો પરિવાર અશ્વીનીને પોતાની સગી દીકરીની જેમ રાખતા.”

“ક્લાર્ક મેમનું નામ શું છે?” મેં પૂછ્યું.
“કેમ? કપિલને નથી પૂછ્યું.
“એ મને ક્યાં કોઈ જવાબ જ આપે છે?”
“પણ સાસુમાનું નામ જાણવાનો તો તારો હક છે.” કિંજલે મજાક કરતા કહ્યું.
“કેને હવે?” મેં એને જરાક ધક્કો મારતા કહ્યું.
“છાયાબેન, પણ કોલેજમાં બધા એમને કલાર્ક મેંમ તરીકે જ ઓળખે છે.”
“આ વીંટીનું શું રહસ્ય છે?” મેં વાત નીકાળવાનો પ્રયાસ કર્યો.
“એ મને ખબર નથી, મને શું કોલેજમાં કોઈનેય ખબર નથી.”
“કૈક રહસ્ય તો છે જ…..” મેં કહ્યું.

“હા, રહસ્ય તો છે જ.. કાઈ ન હોય તો લોકો એટલી અલગ અલગ વાતો ન કરે.”
એટલામાં કિંજલના મમ્મીએ ચા બનાવી લીધી હતી. તેઓ ચાના બે કપ લઈ ફોયરમાં આવ્યા. ટ્રે સાથે કપ ટીપાઈ પર મુક્યા. ટીપાઈ પર ચા મૂકી તેઓ કિંજલ તરફ કઈક ઈશારો કરી બહાર ગયા, કિંજલે પણ એમના તરફ કૈક ઈશારો કર્યો પણ મને કઈ ખબર ન પડી.
“શું કહ્યું મમ્મીએ?” મેં ચાનો કપ હાથમાં લેતા કહ્યું.
“એજ કે તમે નિરાંતે બેસી વાતો કરો, હું બાજુમાં જ છું.”
“કેમ એમને આપણી વાતોમાં રસ ન પડ્યો??”

“એવું નથી પણ એને રસ પડે એ માટે આપણે ઈશારાઓની ભાષામાં વાત કરવી પડે જે તને નહી ફાવે.”
“આઈ સી, પણ એમને કૈક હોઠ ફફડાવી કહ્યું હતું, શું એ બોલવાનો પ્રયાસ કરી રહ્યા હતા?”
“ના, હું લીપ રીડીંગ જાણું છું એટલે.”
“શું કહેતા હતા?”
“કઈ કામ હોય તો ફરી બોલાવજે.”
“હમમ…”
“તને હવે સારું હોય તો એકવાત પૂછું?”
“હા પૂછ.”
“અશ્વિની અને રોહિતને શું થયું હતું?”

“એમના હાથની નશો કોઈકે કાપી નાખી હતી, કદચ એમણે જાતે જ કાપી નાખી હોય એવું લાગતું હતું.” ફરી એક વાર હું ધ્રુજી ઉઠી.
“પણ એ લોકો એવું કેમ કરે?”
“એજ તો નથી સમજાતું, ત્યાં બીજું કોઈ હોવાની કોઈ જ નીશાની પોલીસને નથી મળી.”
“એ લોકો ઇક્જેટલી ક્યાંથી મળ્યા?”
“ભેડા પરથી…”
“એ જગ્યા મેં જોયેલી છે, મારા બે ત્રણ જન્મ દીવસ પર હું અને મમ્મી પપ્પા ત્યાં ગયા હતા.”

“મને પણ પપ્પા ત્યાં ઘણીવાર ફરવા લઇ જતા.”
“તો પોલીસે સિક્યુરીટી કેમેરા ચેક કર્યા?”
“શું?” કિંજલના પ્રશ્નથી હું જરાક ચોકી ગઈ.
“સિક્યુરીટી કેમેરા….. ભેડા પર સિક્યુરીટી કેમેરા લગાવેલા છે, હું ગયા મહીને જ ત્યાં સલીનનો જન્મ દિવસ ઉજવવા ગઈ હતી.”
“ના, સિક્યુરીટી કેમેરા તો ધ્યાનમાં જ નથી આવ્યા.”
“એ ભેડાથી ઉપરના ભાગે ટેકરાળ વિસ્તારમાં છે, જંગલના પ્રાણીઓના અજીબ દ્રશ્યો મેળવવા માટે કોઈ સરકારી સંસ્થાએ લગાવેલા છે, કદાચ એમાં એ લોકોની હત્યાનું રેકોર્ડીંગ થઇ ગયું હોય…!!”

“મારે જવું જોઈએ…..” મેં કહ્યું
“કેમ?”
“કપિલને આ બધી માહિતી આપવા માટે.”
“તારે હમણાં એને આ બધી માહિતી ન આપવી જોઈએ.” કિંજલે કહ્યું.
“કેમ?” મેં વિસ્મયથી કહ્યું.
“કેમકે એકતો તારી તબિયત સારી નથી તારે આરામની જરૂર છે અને બીજું એમના ઘરે આખું શહેર હશે. કેટલાયે લોકો આવેલા હશે. એ લોકો પૈસાદાર અને મોટા માણસો છે. કપિલની હાજરી ત્યાં જરૂરી છે. જો રેકોર્ડીંગ આવ્યું હશે તો ક્યાય નહી જાય.”
“પણ કોઈ રેકોર્ડીંગ ડીલીટ કરી દેશે તો?” મેં સંભાવના દર્શાવી.
“એ સરકારી કેમેરા છે. એમનો રેકોર્ડ મહિનાઓ સુધી સાચવી રાખવામાં આવે છે. ચિંતા જેવું કશુ જ નથી.”

“ઓકે, આમ તો તારી વાત સાચી છે એ લોકોને અત્યારે ખલેલ ન પહોચાડવી જોઈએ એમને એમની સામાજિક અને ધાર્મિક વિધિ કરવા દેવી જોઈએ, પણ જો સીધું પોલીસને કહીએ તો?” મેં પૂછ્યું.
“એમાયે એક જોખમ છે?”
“શું?”
“કદાચ પોલીસના માણસો ગુનેગારો સાથે ભળેલા હોય તો રેકોર્ડીંગનું સબુત મિટાવી નાખે અને આપણું નામ પણ એ ગુનેગારો સુધી પહોચાડી દે.”

“તો કપિલને કહીશું ત્યારે એ લોકો એવું નહી કરે?”
“ના.”
“કેમ?”
“કેમકે એ મોટા લોકો છે. સીધા જ પોલીસની સાથે ત્યાં જશે. પોતાની હાજરીમાં એ બધું કામ કરાવશે. પોલીસ રેકોર્ડીંગ જુવે ત્યાં એ લોકો હાજર રહી શકશે અને પોલીસને કોઈ ગોટાળો કરવાનો મોકો નહી મળે. એ લોકોને સીધી મીનીસ્ટર સાથે ઓળખાણ છે એ પોતાની મરજી મુજબ પોલીસ પાસેથી કામ લઈ શકે.”
“એ પણ ખરું.” મેં કહ્યું.

મને લાગી રહ્યું હતું કે ખરેખર કિંજલ ખુબ હોશિયાર છે અને હું બહુ ભોળી છું જો હું હોત તો સીધી કપિલ પાસે કે પીલીસ પાસે જાત. એ હોશિયાર હોય જ ને ભગવાને એને મૂંગી બહેરી મા આપી હતી એણીએ પોતાની જાતને જાતે જ તો સંભાળવી પડી હશે. મને થયું કદાચ જેની કાળજી લેવા માટે ભગવાન કોઈને નથી મોકલતો તેની શક્તિઓ પણ એટલી વધારી નાખે છે કે તે એકલા હાથે પણ આ સંસાર સામે લડી શકે છે.
એકાદ કલાક સુધી મેં અને કિંજલે આડાઅવળી વાતો કરી. કિંજલના ઘરે ગયા બાદ મને રાહત તો થઇ હતી. પણ માથું ભારે જ હતું, મને એવું લાગી રહ્યું હતું કે મારે થોડાક આરામની જરૂર હતી અને મેં એજ કર્યું હું કિંજલના રૂમમાં જઈ સુઈ ગઈ.

લેખક : વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

ક્રમશ: વધુ આવતી કાલે…..

દરરોજ રાત્રે 9 વાગે વાંચો નવો ભાગ.

ટીપ્પણી