“નક્ષત્ર” – દિલધડક નવલકથાનો આજે વાંચો 6 ભાગ…

વાંચો પ્રકરણ 1 , વાંચો પ્રકરણ 2  વાંચો પ્રકરણ 3 વાંચો પ્રકરણ 4   વાંચો પ્રકરણ 5

પ્રકરણ – 6

હું બાય કહું એ પહેલા કપિલ નીકળી ગયો. મને આ વખતે એના આમ એકાએક ચાલ્યા જવાનું દુ:ખ ન થયું કેમકે હું જાણતી હતી કે હવે એ મારો હતો, એણે મારા પ્રેમને સ્વીકારી લીધો હતો. હું કલાસમાં ગઈ, એજ બેંચ પર બેઠી પણ કપિલ હજુ કલાસમાં નહોતો આવ્યો, મને થયું કદાચ એ કોલેજ નહી આવે તો? એ મારાથી વાત કરી ચાલ્યો ગયો હશે તો?

મને ડર લાગવા માંડી હતી પણ એ થોડીક વારમા જ કલાસમાં દાખલ થયો અને મારા ધબકારા મેં ફરી મેળવી લીધા. એ સીધો જ મારા બાજુની બેંચ પર જઈ બેઠો, એ મારા પાસે ન બેઠો અને એના પછી આવનાર એક છોકરો જેની બેંચ પર કપિલ બેઠો હતો એ મારી બેંચ પર મારી સાથે બેઠો. કદાચ કપીલે જ તેને એવું કરવાનું કહ્યું હશે? મને એવું લાગ્યું. પણ કેમ?
પહેલું લેકચર શીતલ મેમ નું હતું. હું બહુ ખુશ હતી. કપિલ આજે મારી બેંચ પર ન હતો બેઠો, એ મારી બાજુની બેંચ પર બેઠો હતો અને એ બાજુની બેંચ પર બેસનાર છોકરો કપિલની જગ્યાએ બેઠો હતો. મને થયું હવે વળી શું થયું? એ કેમ મારાથી દુર બેઠો? કદાચ એના મિત્રોથી એ અમારા પ્રેમ વિશે છુપાવવા માંગતો હશે? જે હોય તે પણ એ ક્યારેક ક્યારેક મારી સામે જોઈ લેતો હતો અને એના સ્થિર હોઠો પર એ જ આછું સ્મિત એક પળ માટે રમી અને ચાલ્યું જતું હતું. બસ હું એટલાથી જ ખુશ હતી.

હું પણ મારી આંખના ખૂણેથી એને જોઈ રહી હતી. પણ મારી એને જોવાની લાલસા વધતી જ જતી હતી. હું એની તરફથી નજર હટાવવા જ નહોતી માંગતી. એમ થતું હતું કે બસ એને જોયા જ કરું. એનો એ સુંદર ચહેરો મારી આંખોમાં સમાવી લઉં.. કોઈએ વશીકરણ કર્યું હોય એવું લાગી રહ્યું હતું. પણ મને એ ગમતું હતું..!!!

મેમના ધ્યાનમાં આવી જશે તો? કલાસના ધ્યાનમાં આવી જશે તો એ ડરથી મેં લેકચરમાં ધ્યાન આપવા માંડ્યું, મેં કેટલીયે કોશિશ કરી મારી જાતને એની તરફ જોતા રોકવાની છતાં પણ મારી નજર એને ક્યારેક ક્યારેક જોઈ લેતી હતી.

એની તરફ જોઉં ત્યારે મને એમ લાગતું હતું જાણે કે એ મારા વાળમાંના સ્ટ્રોબેરી ફ્લેવર સેમ્પુની સુવાસ માણી રહ્યો હતો. જાણે એ મને જોઈ રહ્યો હતો, જાણે એની આંખોની મોહિની મારી આંખોને ઠંડક આપી રહી હતી. મને એમ લાગી રહ્યું હતું જાણે એ મારી બાજુમાં જ બેઠો હોય. હું ફરી ડે-ડ્રીમર બની રહી હતી, કદાચ પ્રેમમાં દરેકની સાથે આમ જ થતું હશે.
એ દિવસે હું કોલેજમાં નહી પણ જાણે સ્વર્ગમાં હતી. શીતલ મેમે એમનું લેકચર ખેચ્યે જતા હતા અને હું મારા સપનાઓના મહેલ બનાવ્યે જતી હતી. હું લંચ ટાઈમ વખતે એનાથી શું વાતો કરીશ એનું આયોજન કરી રહી હતી. નવાઈ લાગશે પણ મારે એનાથી શું વાત કરવી એ મારે પહેલેથી જ વિચારી રાખવું પડતું હતું કેમકે એ સામે આવે ત્યારે તો મારું મન મંત્રમુગ્ધ થઇ જતું.

મારામાં કઈ વિચારવાની ક્ષમતા જ ન રહેતી. એ મારી સામે હોય ત્યારે શું બોલવું અને શું ન બોલવું એ મને સમજાતું જ નહી, કદાચ હું સ્થિતપ્રજ્ઞ બની જતી, કદાચ મારી ઇન્દ્રિયો કામ કરવાનું બંધ કરી દેતી એટલે તેના સાથે શું વાત કરવી એ હું પહેલેથી જ વિચારી રાખતી કે કદાચ એ મારી સામે હોય ત્યારે એના ચહેરાની સુંદરતા જોવાને બદલે વિચારવામાં સમય બગડવાનું મને પસંદ નહી હોય એટલે.

શીતલ મેમ પોતાનું લેકચર પૂરું કરીને ગયા અને શર્મા સર પોતાની બુક સાથે કલાસમાં દાખલ થયા ત્યા સુધીના સમયનો સદઉપયોગ મેં એની આંખોમાં ડૂબી રહેવામાં કર્યો. એના સુંદર ચહેરાને જોવામાં કર્યો, એના સાથે જીવન જીવવાના સપના જોવામાં કર્યો.

શર્મા સર એમનું રોજ મુજબનું જ્ઞાન વહેચે જતા હતા પણ કદાચ મારે એ દિવસે કોઈ જ્ઞાનની જરૂર ન હતી, કદાચ એ દિવશે મને પ્રેમજ્ઞાન મળી ગયું હતું કહેવાય છે કે એનાથી મોટું જ્ઞાન કોઈ નથી, હિન્દીમાં કઈક કહેવત છે ને કે પોથી પઢકર જગ મુવા ભયો ન પંડિત કોઈ ઢાઈ અક્ષર પ્રેમકે જો પઢે સો પંડિત હોઈ. કદાચ કહેવતના શબ્દોમાં કોઈ ફરક હોઈ શકે કેમકે મારી યાદશક્તિ એટલી મજબુત નથી પણ લાગણીઓમાં કોઈ જ ફરક નથી શર્મા સરના લેકચર બાદ લંચ ટાઈમ હતો. અમે બધા બહાર આવ્યા.

હું એ જ લાકડાના ટેબલ પર જઈને ગોઠવાઈ જ્યાં હું પહેલા દિવસે બેઠી હતી. મારે વધારે સમય કિંજલની રાહ જોવી ન પડી. કિંજલ થોડીક જ વારમાં આવી અને મારી સામેની સીટ પર ગોઠવાઈ.
“હા તો આજે કૈક અલગ જ મૂડમાં લાગે છે?” તેણીએ આવતા જ મારી આંખો વાંચી લીધી. મારી ટોફી બ્રાઉન આંખોએ મારા મનની બધી જ વાત જાણે એને કહી ન દીધી હોય?
“ના એવું કઈ ખાસ નથી.” મેં છુપાવવાનો ઢોંગ કર્યો.
“પણ તારી આંખો તો કૈક અલગ કહી રહી છે.” કિંજલે મારી આંખોમાં જોઈ કહ્યું.

“એનાથી આજે સવારે વાત થઇ.” મેં કહ્યું, મને લાગતું હતું કે આપણે મિત્રોથી કાઈ છુપાવી નથી શકતા, એમાયે આપની ખુશી તો નહિ જ. ખરેખર હું છુપાવવા માંગતી જ ન હતી. મારે મારી ખુશી કોઈથી સેર કરવી હતી. હું કોઈને કહેવા માંગતી હતી કે હું કોલેજમાં નહી સ્વર્ગમાં છું અને સદભાગ્યે કોલેજમાં કિંજલ હતી જેને એ સંભાળીને ખુશી થાય એમ હતી.
“કોનાથી?” કિંજલે જાણી જોઇને અજાણ્યા બનતા કહ્યું.
“તને ખબર નથી…” મેં કહ્યું.
“હું થોડી ભગવાન છું કે મને ખબર પડે.” કિંજલે જરાક મો બનાવી કહ્યું, આ તેની પરટીક્યુલર સટાઈલ હતી.

“એમ નહિ તું ગેસ તો કર? હું આટલી બધી એક્સાઈટેડ કેમ હશું?”
“ઓકેય, હું ગેસ કરું છું સ્યોઅર નથી.. કપિલથી?” એણીએ ગેસ કરવાનો ડોળ કર્યો. યુવાની પણ કેવી હોય છે એમાં ઘણીવાર આપણે જાણી જોઇને બાળક બની જતા હોઈએ છીએ!. હું અને કિંજલ પણ કઈક એવુજ કરી રહ્યા અમને બંનેને ખબર હતી કે અમે બંને એ વાત જાણીએ છીએ છતાં ગેસ કરવાની જાણે રમતના રમી રહ્યા હોઈએ? મને એ બાબત પર પપ્પાનું એક વાક્ય યાદ આવી ગયું કે જયા સુધી મોટા થયા બાદ પણ તમને બાળક જેવું વર્તન કરવાનું ગમે સમજી લેવાનું કે તમારા હ્રદયમાં હજી નીર્દોષતા સંગ્રહાયેલ છે.
“યુ ગેસ રાઈટ.. હા કપીલથી વાત થઈ.” મારા ચહેરા પરના ખુશીના ભાવ વર્ણવવા મુશ્કેલ હતા.
“શું વાત થઇ એની સાથે?” એને જાણવાની ઉતાવળ હોય એમ એણીએ કહ્યું.

“હી ઈઝ ઇન લવ…” મારો અવાજ પણ ઓવર જોય હતો, “હી સેઈડ, હી ઈઝ ઇન લવ વિથ મી.”
“એન્ડ યુ?” કિંજલે ટુકાક્ષારી પ્રશ્ન કર્યો.
“ઓફકોર્સ.. મેડલી… આઈ એમ ફેલિંગ ફોર હીમ.”
“આર યુ રીયલી મેડ?” કિંજલે કહ્યું, એના અવાજમાં આશ્ચર્ય હતું, “તું પાગલ થઇ ગઈ છે, એ તારાથી લવ કરે છે, એ આજે એમ કહેશે ને કાલે એનો મૂડ નહી હોય ત્યારે?”

“હવે એવું નહી થાય એણે પ્રોમિસ કર્યું છે.” હું જુઠ્ઠું બોલી, એણે એવું કોઈ જ પ્રોમિસ ન હતું કર્યું. અમારા વચ્ચે એવી કોઈ જ વાત ન હતી થઇ પણ કિંજલ ખુશ રહે એ માટે મેં એવું કહ્યું.
“એ પેલા ટેબલ પરથી તને જ જોઈ રહ્યો છે.” કિંજલે કહ્યું.
“આર યુ સ્યોર? એ મને જ જોઈ રહ્યો છે?” મેં ખાતરી માટે કહ્યું.
“સ્યોર યાર હું તો આ કોલેજમાં વરસથી હતી.. મને જોવી હોત તો ક્યારનીય જોઈ લીધી હોત એ તને જ જોઈ રહ્યો છે.” કિંજલ ફરી જરાક કોમેડિયન બની ગઈ.

મેં એ તરફ નજર કરી અમારી નજર એકબીજાથી જરાક મળી અને મેં નજર ફેરવી લીધી. હું એના રોજના ટેબલ તરફ ફરીને બેઠી હતી, મને એમ કે એ આવશે એટલે કિંજલ સાથે વાત કરતી વખતે એને જોઈ રહી પણ એ અલગ ટેબલ પર બેઠો હતો, મને થયું એ કેમ બીજા ટેબલ પર બેઠો હશે? કેમ એ કલાસમાં પણ અલગ બેચ પર બેઠો અને કેન્ટીનમાં અલગ ટેબલ પર?? મને ગુસ્સો આવ્યો એના પર. કદાચ એના સાથે એક દિવસ બેસવાની અસર હતી હું ધીમે ધીમે એના જેવી થઇ રહી હતી, હું એના જેવી થવા પણ માંગતી હતી.

“હા તો…” હું કિંજલ તરફ જોઈ કહેવા જતી હતી પણ કિંજલે મને અટકાવી કહ્યું, “ એ તને બોલાવી રહ્યો છે.”
મેં પાછળ ફરી જોયું એ પોતાનો હાથ ઉંચો કરી મને બોલાવી રહ્યો હતો.
“હું હમણાં જ આવી.” કહી હું કિંજલ કઈ જવાબ આપે એ પહેલા જ ઉભી થઇને એના ટેબલ તરફ જવા લાગી, મને એક પળ માટે થયું કિંજલને ખરાબ લાગશે પણ પછી થયું એય એક છોકરી છે, એણીએ પણ કોઈને પ્રેમ કર્યો હશે, એ સમજી જશે એનામાં કેવી ઉતાવળ ફિલ થાય છે. મને એક પળ માટે થયું મારે આમ મારી ફ્રેન્ડને ટેબલ પર એકલા છોડી ન જ જવું જોઈએ પણ બીજી જ પળે થયું લોકો તો પ્રેમમાં મા બાપ પરિવારને છોડીને ચાલ્યા જાય છે એ પણ કાયમી માટે તો હું તો માત્ર ફ્રેન્ડને ટેબલ પર એકલા છોડી જઈ રહી હતી એ પણ થોડીક વાર માટે…

મારું ઓવર એક્ટીવ મન વધુ પડતું એ વિશે વિચારવા લાગ્યું. મેં તમને કહ્યું હતું ને હું એવીજ હતી કોઈ પણ વાત મહત્વની ન હોય તો પણ મને એ વિશે વધુ વિચારવાની આદત હતી. ઉદાહરણ સહીત વ્યાપ્તિ આપું તો હું ક્યાંક એક ચપ્પલ જોઉં તોય વિચારવા લાગતી આ કોનાપગનું હશે? એની સાથે ગર્ભિતાર્થ સંબંધ ધરાવતું બીજું ચપ્પલ ક્યા હશે? કદાચ તત્વજ્ઞાનની મારા પર ઘણી ઊંડી અસર થયેલ હતી.
હું કપિલના સામે ટેબલ પાસ જઈ ઉભી ન રહી. મને હવે એનો ડર લાગતો ન હતો. એનો પેલો સુકલકડી મિત્ર ત્યાં ન હતો.
“વેર ઇસ યોર ફ્રેન્ડ?” મેં કહ્યું.
“ખબર નહી આજે કોલેજ નથી આવ્યો,”
“ક્યાંક બહાર ગયો હશે.” મેં અંદાજ લગાવતા કહ્યું.
“ હા આજે અશ્વિની પણ નથી આવી જરૂર ફિલ્મ જોવા ગયા હશે.”
“તમને ઘરમાં બધાને ખબર છે કે અશ્વિની અને રોહિત એકબીજાને ચાહે છે.”

“ હા મારા મમ્મીને ખબર છે.”
“બેસ તો ખરા કે ઉભા ઉભાજ વાત કરવી છે?” એણે જરાક હસી કહ્યું.
“તો કોઈને કાઈ વાંધો નથી?” મેં તેના સામેની ખુરસી પર બેસતા કહ્યું.
“શેમાં?”
“અશ્વિની અને રોહિતના લવમાં.”
“ના. કેમ?” તને વાંધા જેવું લાગે છે?”
“ના આ તો એમનો વાંધો નથી તો આપણ ને પણ એપ્રોવલ મળી જશે ને?” મેં જરાક શરમાઈ ને કહ્યું અને નીચે જોઈ લીધું. એ વળતો કઈ જવાબ આપે ત્યાં સુધી શું કરવું એ મને કઈ સુજી ન હતું રહ્યું, હું મારા વાળની લટ સાથે રમવા લાગી.
“વાંધો પરિવારનો નથી…” એ બોલ્યો.
“તો?” મેં નવાઈ થી કહ્યું, “તો શું વાંધો છે?”

“કઈ નહી એ તો એમજ.” એ ફરી મને ન સમજાય તેવી વાત કરવા લાગ્યો.
“તું આજે મારાથી દુર કેમ બેઠો?”
“ખાલી આમજ, તું બાજુમાં હોય તો મારું ધ્યાન લેક્ચરમાં નથી રહેતું એટલે.”
“અને કેન્ટીનમાં અહી પણ આજે અલગ ટેબલ પર કેમ બેઠો?”
“અરે આમજ… આજે અલગ ટેબલ પર બેઠો.. તું બહુ સવાલો કરે છે, નહી?”
“તારે સાંભળવાની આદત પાડી દેવી જોઈએ, લગન પછી હું એનાથીયે વધુ સવાલો કરીશ. વિશ્વાસ ન હોય તો મારી મમ્મીથી એકવાર વાત કરી લેજે.”
“ચોક્કસ પણ તું મમ્મીથી મળી લે પછી. હું અને મમ્મી તારા ઘરે આવીએ ત્યારે.” એ ફરી હસ્યો, એજ આછેરો મલકાટ.

“એક સવાલ પુછું?” મેં કહ્યું. એને જરાક સારા મૂડમાં જોઈ મને સવાલ કરવાની હિમ્મત થઇ.
“હા પૂછ?” એનો અવાજ સરળ હતો.
“તું ગુસ્સે નહી થાય?” મેં ખાતરી કરી.
“ના.”
“ચોકસ?” હું ડરી ન હતી રહી પણ એના ચહેરાને ઉદાસ થતો જોવો મને ન હતું ગમતું.
“હા પ્રોમિસ.”
“અને તું જવાબ પણ આપશે?”

“એ તો સવાલ પર નક્કી કરે. મને જવાબ ખબર હશે તો હું આપીશ.”
“તારો વ્યવહાર આમ એકાએક બદલાઈ…” હું મારો પ્રશ્ન પૂરો કરું એ પહેલા જ એના મોબાઈલની રીંગ વાગી.
એ કોઈ જુના ગીતની રીંગટોન હતી, “તેરે સંગ પ્યાર મેં નહિ છોડના, ચાહે તેરે પીછે જગ પડે છોડના…….” એવું કોઈ જુનું ગીત હતું મને નવાઈ લાગી એ આટલો મોડર્ન દેખાતો હતો ને આવી જૂની રીંગ કેમ રાખતો હશે?
મને થયું કદાચ એને જુના ગીતો જ ગમતા હશે. મને કમસેકમ એની એક પસંદ વિશે તો જાણવા મળ્યું, હવેથી હું પણ જુના ગીતો સંભાળીશ મેં વિચાર્યું અને આ “તુજ સંગ પ્યારમે…” ગીત ઘરે જઈ ડાઉનલોડ કરી લઈશ એનું ફેવરીટ હશે. કોઈક વાર એને એકલા હોઈશું ત્યારે ગાઈ સંભળાવીસ, મારો અવાજ સારો હતો ,મને થોડુક ગાતા પણ ફાવતું એમાયે હિન્દી ગીત ખાસ.

ફોન પર એ શું વાત કરી રહ્યો હતો એ તરફ પહેલા તો મારું ધ્યાન ન ગયું હું પેલા રીંગટોનના વિચારોમાં ખોવાયેલી હતી પણ જયારે એ થોડુક જોરથી બોલ્યો “કયા?” ત્યારે મારું ધ્યાન એ તરફ ગયું.
મેં એની તરફ જોયું, હું એનો ચહેરો જોઈ ડરી ગઈ, હું શું કોઈ પણ એ ચહેરો જોઈ ડરી જાય, એની આંખો માંથી આંશુ વહી રહ્યા હતા અને આખો ચહેરો ઉદાસ થઇ ગયો હતો, એવું લાગતું હતું જાણે એને કોઈએ બહુ જ ખરાબ સમાચાર આપ્યા હોય.

“શું થયું?” મેં ગભરાયેલા અવાજે પુછ્યું પણ એણે મારા પ્રશ્ન તરફ ધ્યાન ન આપ્યું.
“ક્યારે?” એ એટલાજ ચિંતાભર્યા અવાજે બોલ્યો.
સામેથી શું જવાબ મળ્યો હશે એ મને સાંભળ્યું નહી. મેં અંદાજ લગાવવાનો પ્રયાસ કર્યો પણ હું કોઈ અંદાજ પણ લગાવી શકી નહિ.
“હા.” એ ફરી બોલ્યો. હજી એની આંખોમાં પાણી હતું.
“હું હમણાજ આવું છું.” એણે કહ્યું અને ફોન કાપી નાખ્યો.
“શું થયું?” મેં ફરી ગભરાયેલા અવાજે પૂછ્યું.

“મારે જવું પડશે.”
“હા પણ પહેલા મને કહે શું થયું?” મેં જરાક જીદ કરતી હોઉં એમ કહ્યું.
“કઈ નહિ.”
“કઈ ન થાય તો કોઈની આંખમાં આંશુ ન આવે. તું મને પ્રેમ કરે છે તો મારાથી બધું છુપાવે છે શું કામ?” મેં કહ્યું.
“તારે બધું જાણવું જ છે તો સાંભળ અશ્વિની અને રોહિતની લાશ મળી છે.” કહેતા એ ફરી ખુરસી પર ફસડાઈ પડ્યો.
હું આવક બની એ સંભાળતી રહી. શું બોલવું એ મને સમજાઈ ન હતું રહ્યું.
“શું થયું એમને ?” એકાદ મીનીટે કળ વળી એટલે મેં પૂછ્યું

“ખબર નહી હું ત્યાં જાઉં છે. શું થયું એ ત્યાં ગયા પછી જ ખબર પડશે કોઈ ફોનમાં કઈ કહેતું નથી.”
“કયા?” મેં કહ્યું.
“તારા ઘર પાછળ ના જંગલમાંથી. ભેડા ઘાટ પર એ લોકોના શબ મળ્યા છે. જે ડર હતો એજ થયું છે.” કહી એ ફરી ખુરસીમાંથી ઉભો થયો.
“શું ડર હતો? એમને શું થયું છે?”
“કહ્યુંને કે કોઈ કાઈ જ કહેતું નથી. હું જાઉં ત્યારેજ બધી ખબર પડશે. ત્યારબાદ એ જાણે સ્વગત જ બબડ્યો હતો. “શું થયું હશે એમને?”
“હું પણ આવું છું.” મેં કહ્યું.

“તારે એ બધું ન જોવું જોઈએ. ત્યાં એ લોકોના….?” એ પોતાનું વાક્ય પુરું ન કરી શક્યો, હું એની મનોદશા સમજી શકતી હતી… હું એની મનોદશા સમજી શકતી હતી. હું જાણતી હતી કે એવા કપરા સમયે એને મારી જરૂર હતી એટલે જ હું એની સાથે જવા માંગતી હતી. મેં ક્યારેય કોઈને મરતા જોયું ન હતું. મને ખરેખર એ જોતા બહુ ડર લાગતી પણ કપિલ એકલો ન પડે, કોઈ એનો સાથ આપનાર ત્યાં હોય, કોઈ એના આશુ લૂછનાર ત્યાં હોય, કોઈ એને સાત્વના આપનાર ત્યાં હોય એમાટે હું એની સાથે જવા માંગતી હતી. કદાચ અમારા સાતફેરા બાકી હતા. પણ એથી શું થઈ ગયું? અમે એકબીજાને પતિ પત્ની તરીકે સ્વીકારી લીધા હતા અને તેથી હું એ ફેરા લીધા પહેલા જ પત્નીધર્મ નિભાવવા માંગતી હતી.
“મારા પપ્પા એજ જંગલમાં અધિકારી છે. કોઈ સમસ્યા હશે તો આપણી મદદ કરી શકશે.” મેં કહ્યું.
કોણ જાણે કેમ પણ એને મારી દલીલ વાજબી લાગી

“ધેન લેટ્સ ગો.” એણે કહ્યું અને ચાલવા માંડ્યો હું પણ એની પાછળ જવા લાગી અમે પાર્કિંગ લોટમાં આવ્યા અને કપિલની રીટ્ઝમાં બેઠા. કપિલે એન્જીન સ્ટાર્ટ કરી ગાડીને રીવર્સમાં લીધી. બીજી જ પળે તીર છૂટે એમ એ ગાડી પાર્કિંગ લોટમાંથી જવેરીનગર પાસેની ભીડમાંથી પસાર કરી જંગલ તરફ ઉપડી. મેં કપિલના ચહેરા તરફ જોયું હજુ એના ચહેરા પર એજ ડર અને હતાશાના ભાવ છવાયેલા હતા, એનામાં એજ ઉદાસી હતી. હું સમજી શક્તિ હતી અશ્વિની અને રોહિત એના હ્રદયથી કેટલા નજીક હતા. હું એના ઉદાસ ચહેરાને વધુ જોવો સહન ન કરી શકી. મેં એના ચહેરા પરથી નજર હટાવી, હું સ્પિડોમીટર તરફ જોવા લાગી. કપિલ એ દિવસે ઓવર સ્પીડ ચલાવી રહ્યો હતો. કદાચ જંગલને માર્ગે ચડ્યા એ પહેલાજ સ્પીડોમીટર પર સોથીયે વધુ પર કાંટો આમતેમ હલી રહ્યો હતો.

***

નાગપુર શહેરના રસ્તાઓ પર રોજની ભીડ પોતાના આધુનિક જીવન સાથે ફરી રહી હતી અને અમારી કાર એ રસ્તાને ચીરતી ત્યાંથી પસાર થઇ રહી હતી. બપોર થવા આવી હતી, સુરજ માથા પર આવેલ હતો છતાયે એના કિરણોમાં ઝાજુ જોર ન હતું લાગી રહ્યું. એકંદરે વાતાવરણ સામાન્ય હતું.

રસ્તા પર અન્ય કેટલીયે આલીશાન ગાડીઓ દોડી રહી હતી પણ એ માંથી કોઈ જ અમારી જેટલું ઉતાવળું હોય એવું મને ન લાગ્યું. લોકો પોતા પોતાના કામમાં વ્યસ્ત ફરી રહ્યા હતા મને એક પળ માટે થયું આ માનવ જીવન કેવું હોય છે એક પળે જ્યાં કેટલાક લોકો ખુશીથી ખરીદી કરી રહ્યા હોય છે તો બીજી તરફ કોઈ મૃત્યુનો શોક માનવી રહ્યું હોય છે.

એ ભીડને ચીરતી અમારી કાર સતત હોર્ન વગાડતી ત્યાંથી નીકળી ગઈ. થોડીકવારમાં અમે એસ્પન પાસેથીં પસાર થયા. મને મારું ઘર દેખાયું એકપળ માટે મને થયું મમ્મી શું કરતી હશે? પણ અત્યારે એ વિચારવાનો સમય ન હતો ફરી મેં કપિલ તરફ જોયું એના ચહેરા પરના ભાવ સતત બદલી જતા હતા હું સમજી ગઈ કે એના મનમાં વિચારો અવિરત પણે દોડી રહ્યા હતા અને એના ચહેરાના ભાવ એના વિચારો મુજબ બદલાઈ રહ્યા હતા. ક્યારેક ક્યારેક એના ચહેરા પર ઉદાસી તરી આવતી હતી તો ક્યારેક ક્યારેક એના લમણાની નશો તંગ થઇ જતી હતી.

એસ્પન વટાવતા જ જંગલ વિસ્તાર શરુ થઇ ગયો. એ માનવમેદની ક્યાય ગાયબ થઇ ગઈ. રસ્તાની બંને બાજુ દેખાતા મકાનો અને શોપિંગ મોલની જગ્યા વિશાળકાય વ્રુક્ષોએ લઇ લીધી. મને એમ લાગી રહ્યું હતું કે હું ત્યાના એક એક વ્રુક્ષથી પરિચિત છું. અહી ટ્રાફિકની કોઈ સમસ્યા ન હતી એટલે કપિલે કારની સ્પીડ વધારી લીધી. મને ડર હતો કે ક્યાંક કોઈ જંગલી પ્રાણી વચ્ચે આવી ગયું તો? પણ હું કાંઈ જ ન બોલી. કપિલના ચહેરાના ભાવ જોતા એને ટોકવો મને યોગ્ય ન લાગ્યું.

લગભગ દસેક મિનીટ બાદ કાર જંગલમાંથી પસાર થઇ ભેડા તરીકે ઓળખાતા એક સ્થળ પાસે અટકી. એ સ્થળ જંગલમાંના સુંદર સ્થળમાનું એક હતું. ભેડા એ એક ઘાટ હતો જેની નજીક જ એક વોટર ફોલ હતો. એ સ્થળથી હું બાળપણથી જ પરીચીત હતી. પપ્પા જંગલ અધિકારી હતા એટલે જંગલના દરેક જોવા લાયક સ્થળથી પરિચિત હતા અને મને પણ એવા જોવા લાયક દરેક સ્થળનો પરિચય એમણે બાળપણમા જ કરાવેલો હતો. પરંતુ એ દિવસે એ સ્થળમાં મને જરાય સુંદરતા ન દેખાઈ. જાણે એ ઝરણાનો કલરવ પણ મને શહેરના શોર જેવો લાગી રહ્યો હતો. આખો કુદરતી નજારો ઉદાસીની ઘોર પછેડી ઓઢીને સુતો હોય એવું લાગતું હતું.
કપિલે કાર જરાક બાજુમાં એક વ્રુક્ષ નીચે પુલ અપ કરી. અમે કારમાંથી નીચે ઉતર્યા. કપિલ ઝડપથી થોડેક દુર દેખાતી ભીડ તરફ જવા લાગ્યો. હું પણ એની પાછળ જવા લાગી પણ એ બહુ ઝડપથી ચાલીં રહયો હતો. એટલો ઝડપથી કે લગભગ હું ધીમું ધીમું દોડી ત્યારે એનો સાથ કરી શકી.
એ ભીડની નજીક જ પોલીસ જીપ પાર્ક કરેલી હતી. કોઈ પણ ઘટના જોઈ એક થઇ જતી એ ભીડના લોકો અંદરો અંદર કઈ વાતચીત કરી રહ્યા હતા. કોઈ રાજનૈતિક ભાષણ હોય અક્સ્માત હોય કે કોઈનું મૃત્ય લોકો માટે એ બસ કુતુહલ અને ચર્ચાનો વિષય જ બની જાય છે.

હું સમજી ગઈ કે જરૂર કૈક થયું છે કેમકે અહી કોઈ અકસ્માતથી તો મૃત્યુ પામે જ નહી કાં’તો અશ્વિની અને રોહિતે આત્મહત્યા કરી હશે અથવા તેમની હત્યા થઇ હશે.

હું બહુ સંભાળીને ડગલા ભરી રહી હતી. મારે એની સાથે રહેવા ઉતાવળ કરવી પડતી હતી એટલે હું એકાદ બે વાર તો સંતુલન ગુમાવી પડતા પડતા માંડ બચી હતી. મને નવાઈ લાગી રહી હતી હું બચપણથી આ જંગલમાં ચાલવા ટેવાયેલી હતી છતાં મને ઝડપથી ચાલવું મુશ્કેલ લાગી રહ્યું હતું જયારે કપિલ એવી રીતે ચાલી રહ્યો હતો જાણે એ રોડ પર ચાલી રહ્યો હોય. એની નજર એ ભીડ તરફ જ હતી અને એ ડગલા ભરતી વખતે નીચે પણ ન હતો જોતો છતાં એનો પગ એક પણ વાર લથડ્યો ન હતો.
અમે એ ભીડ પાસે પહોચ્યા. હું થાકી ગઈ હતી પણ કપિલ પર ચાલવાના થાકની કોઈ જ અસર ન હતી એટલું બધું ઉતાવળે ચાલવા છતા પણ!
કપિલ એ ભીડને ચીરીને અંદર ઘુસ્યો. હું પણ તેને અનુસરી ભીડમાં દાખલ થઇ. અશ્વિની અને રોહિત બંને ઘાસ પર પડ્યા હતા. એમની આસપાસના ઘાસ પરથી કયાંક એવું લાગતું ન હતું કે અહી કોઈ ઘટના થઇ હશે. કપિલ એમની પાસે જઈ ઘૂંટણીએ પડી બેસી ગયો. એની આંખોમાં આંસુ ન હતા. બસ એની કોરી ફિક્કી આંખો એ બંનેને જોઈ રહી હતી. મેં સપનામાં મારી જાતને અને કપિલને આ ઘાટ પર અનેક વખત જોયા હતા પણ વાસ્તવિકતામાં આ પરિસ્થિતિમાં અમે બંને આ સ્થળે આમ ભેગા હોઈશું એવી ક્યારેય કલ્પના ન હતી કરી. મેં એક નજર આકાશ તરફ કરી, ખુશીઓના રંગોથી સતત રંગાયેલું રહેતું એ નભ મને શૂન્ય ભાસ્યું.

હું કોર્પસની જરાક વધુ નજીક ગઈ. મેં જોયું કે બંનેના હાથના કાંડા પર એક એક ઊંડો ઘા હતો. લોહી વહી જવાથી એ લોકો મૃત્યુ પામ્યા હોય એવું લાગી રહ્યું હતું.
“એમના હાથ..” મેં કપિલ તરફ જોઈ કહ્યું.
કપિલે અશ્વિની અને રોહિતના હાથ તરફ જોયું એ ફાટી આંખે જોતો જ રહ્યો. એ કશુ જ બોલી શકવા સમર્થ ન હોય એવું લાગી રહ્યું હતું.
“તમે એના શું સગા થાઓ છો?” એક પાતળા ખાખી વર્દીધારી પોલીસવાળાએ કપિલની નજીક આવી પૂછ્યું. મને લાગ્યું એ હજુ નવો જ હશે.

“એ મારી કઝીન છે.” કપિલે કહ્યું.
મને એના અવાજમાં એક ધ્રુજારી અનુભવાઈ. હું સમજી ગઈ કે એ કેટલો દુ:ખી હતો. મને થયું કે હું એના માટે અપરીચીત હતી છતાં એ પાગલની જેમ દોડી મને દવાખાને લઇ ગયો હતો તો અશ્વીની તો એની બહેન હતી. એના પર શું વીતી રહી હશે એ એના ચહેરા પરથી જ દેખાઈ આવતું હતું.
“એના માતા પિતા કેમ નથી આવ્યા હજુ?” પોલીસવાળાએ સવાલ કર્યો.
“એના માતા પિતા નથી. એ અમારી સાથે અમારા ઘરમાં જ રહેતી હતી.” કપિલે કહ્યું.

મને પણ એ વાતની ત્યારે જ ખબર પડી કે હમેશા ખુશ દેખાતી અશ્વિની અનાથ હતી. મેં ફરી એક વાર અશ્વિની અને રોહિત તરફ જોયું એના શરીર પર એકદમ નવું સફેદ ચૂડીદાર, પિંક કમીઝ અને સફેદ દુપટ્ટો હતો. તેના દુપટ્ટાનો છેડો તેના લોહીથી ભીંજાયેલ હતો. મને થયું અશ્વિની તો મોડર્ન ડ્રેસ વધુ પહેરતી હતી. એ કોઈ કારણથી જ અહી નવા ચડીદારમાં આવી હશે. કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવા માટે નવા ચૂડીદાર પહેરી શું કામ આવે? એ પણ ટ્રેડીશનલ કપડા જે સામાન્ય સ્થિતિમાં એ પસંદ ન કરતી હોય?

“કોઈ અન્ય?”
“હા, મારા મમ્મી પપ્પા હમણા આવતા જ હશે .” કપિલે કહ્યું.
મને ત્યારે જ ધ્યાનમાં આવ્યું કે હું અને કપિલ એકલા અહી આવી ગયા હતા. કપિલ એની મમ્મીને લેવા ન હતો રહ્યો. એણે કોઈને ફોન પણ ન હતો કર્યો. એના મમ્મી પપ્પાને કોણ ખબર આપશે? મને થયું પણ હું ચુપ રહી. મને એ સમયે વચ્ચે બોલવું યોગ્ય ન લાગ્યું.
“કોઈ પ્રોબ્લેમ હતો એમને તમારા તરફથી?” પોલીસવાળાએ પુછ્યું.
પોલીસ કોઈની લાગણી સમજી જ ન શકતી હોય તેમ ગમે ત્યારે તપાસ ચાલુ કરી નાખે છે. બસ એમને એમના કામથી જ મતલબ હોય એવું મને લાગ્યું.
“કેમ?”
“કેમકે અશ્વિની અને એના મિત્રે આત્મહત્યા કરી છે.”

“ના, અમે બધાએ એમના પ્રેમને મંજુરી આપેલી હતી એ લોકો આત્મહત્યા ન કરી શકે.” કપિલે એ જ ઉદાસ સ્વરમાં કહ્યું.
“પણ અહી એમના બે સિવાય કોઈ ત્રીજું આવ્યું હોય એવું કોઈ જ નિશાન નથી. કે એમના આસપાસના ઘાસ પર પણ કોઈ ત્રીજા વ્યક્તીના પગલાના નિશાન નથી.”
“પણ આત્મહત્યા શું કામ કરે?” કપિલે બેબાકળા બની કહ્યું.
“એ પોલીસ જલદીથી ખબર પાડી દેશે.” એ પાતળા પોલીસવાળાથી જરાક દુર ઉભો રહી બધું અવલોકન કરી રહેલ બીજા એકે કપિલની નજીક જતા કહ્યું. એના કપડા અને આવાજ પરથી લાગતું હતું કે એ ઉપરી હશે. હું વર્દી કે સ્તર પરથી એનું પદ જાણી તો ન શકી મને એ બાબતનું ખાસ નોલેજ ન હતું પણ મેં અંદાજ લગાવ્યો એ જરૂર ઇન્સપેક્ટર હશે.

ઈન્સ્પેકટરે જે કહ્યું એના પરથી હું સમજી ગઈ એના કહેવાનો મતલબ શું હતો. એ કપિલ અને એના પરિવાર પર શક કરી રહ્યો હતો. પરોક્ષ રીતે કહી રહ્યો હતો કે જો એમણે એમને માર્યા હશે તો એ એમને પકડી લેશે.
“કોઈકે એમની હત્યા કરી છે.” કપિલે કહ્યું, કપિલના કપાળની નશો મેં તંગ થતા જોઈ.
“કોઈ એમની હત્યા કેમ કરે, શું તમને કોઈના પર શક છે?” ઈન્સ્પેક્ટરે કહ્યું
મને એમ્બ્યુલન્સના હોર્નનો અવાજ સંભળાયો, મેં એ તરફ જોયું. અમે જે રસ્તેથી આવ્યા હતા એને બદલે ઉપરના લાંબા રસ્તેથી એમ્બ્યુલન્સ એ તરફ આવતા દેખાઈ.

હું સમજી ગઈ કે એ ટૂંકા રસ્તેથી છેક ભેડા સુધી નથી પહોચાય એમ એટલે એમ્બ્યુલન્સ ચાલકે લાંબો રસ્તો અપનાવ્યો હશે. એણે ઉપરનો માર્ગ પસંદ કર્યો હશે જેથી છેક ભેડા સુધી આવી શકે. કદાચ ત્યાં આવેલી પોલીસ જીપ પણ એ માર્ગે જ ત્યાં આવી હશે. મેં વિચાર્યું.
“શક તો કોઈના પર નથી.” કપિલે કહ્યું.
“તો તમને એવું કેમ લાગે છે?
“કેમકે અશ્વિની અને રોહિત ક્યારેય આત્મહત્યા ન જ કરે.” કપિલની આંખોમાં ઉદાસી પણ અવાજમાં મક્કમતા હતી.

“હત્યા થઇ હોય એમ માનીએ તો પણ એના પાછળ કોઈ કારણ તો હોવું જ જોઇને? હત્યા લુંટ માટે પણ નથી થયેલ મૃતદેહ પરથી એક પણ કીમતી વસ્તુ ગાયબ નથી, ગાળામાં પહેરેલ સોનાની ચેન પણ એમની એમ જ છે.” ઇન્સ્પેક્ટરે ડેડ બોડી જોડે બેસતા કહ્યું.
મેં ફરી એકવાર અશ્વિની અને રોહિતના મૃતદેહ તરફ જોયું. ઇન્સ્પેકટરની વાત સાચી હતી કોઈ જ ઘરેણું ગાયબ ન હતું.
“એની અંગુઠી ગાયબ છે?” એકાએક મારા ધ્યાનમાં આવ્યું એટલે મેં કહ્યું.
“શું?” કપિલે નવાઈ પામી કહ્યું.

“હા, અશ્વિની એક ચાંદીની વીંટી પહેરતી એ ગાયબ છે?” મેં કહ્યું.
“હા, અશ્વિનીના હાથ પરની વીંટી ગાયબ છે.” કપિલે પણ નવાઈ પામી કહ્યું.
“કોઈ વ્યક્તિ સોનાની ચેન અહી છોડી ચાંદીની વીંટી કેમ લઇ જાય? એણીએ જાતે જ એ ઉતારી દીધી હશે.” ઈન્સ્પેકટરે એની ધારણા કરી.
“ના એ વીંટી જાતે ક્યારેય ન ઉતારે.” કપિલ ના અવાજમાં ભારોભાર મક્કમતા વર્તાઈ રહી હતી.
“કેમ એ વીંટીમાં શું હતું.” ઈન્સ્પેકટરે ચોકી કહ્યું.

“એ એના માતા પિતાની આખરી નિશાની હતી.”
એમ્બ્યુલન્સ આવી પહોચી હતી, મેં એ તરફ જોયું. એમ્બ્યુલન્સનો દરવાજો ખુલતા જોયો, એમાંથી બે સફેદ કપડાવાળા કંપાઉન્ડર સ્ટ્રેચર સાથે ઉતર્યા, તેઓ અમારી પાસે આવ્યા અને પહેલા અશ્વિની અને ત્યારબાદ રોહિતના મૃતદેહને સ્ટ્રેચર પર લઇ જઈ અમ્બ્યુલન્સમાં ગોઠવ્યા.
“મૃતદેહને પોસમોર્ટમ માટે રેફરલ મોકલી રહ્યા છીએ, કાનૂની વિધિ પતિ જાય એટલે તમને સોપી દેવામાં આવશે.” એમ્બ્યુલન્સ ચાલુ થઇ એટલે ઈન્સ્પેકટરે કપિલ તરફ જોઈ કહ્યું.

કપિલે કઈ બોલવાને બદલે માત્ર હકારમાં માથું હલાવ્યું.
“મિસ્ટર….” કહી ઇન્સ્પેકટર અટકી ગયો.
“કપિલ..” કપિલે ઉદાસ સવારે કહ્યું.
“રેપોર્ટ આવે એટલે બધું ક્લીયર થઇ જશે, માફ કરજો હું સમજી શકું છું પણ પોલીસનું કામ જ એવું છે, જો જરૂર પડશે તો તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે, અમુક ફોર્મ પર સાઈન કરવા.” ઈન્સ્પેકટરે કહ્યું.
“વાંધો નહી.” કપિલે નરમાશથી જવાબ આપ્યો.

ઇન્સ્પેક્ટર અને થોડેક દુર ઉભેલા બે હવાલદારો પોલીસ જીપમાં બેસી એમ્બ્યુલન્સ જે રસ્તે ગઈ એજ તરફ રવાના થયા. ધીમે ધીમે ત્યાં થયેલ લોકોની ભીડ પણ વિખેરાવા લાગી પણ હજુ કપિલ ત્યાજ જમીન પર બેઠો હતો. એ જ કોરી આંખોથી ભીના ઘાસને જોઈ રહ્યો હતો જ્યાં થોડીક વાર પહેલા અશ્વિની અને રોહિત ચીર નિદ્રામાં સુતા હતા, એવી નિદ્રા કે જેમાંથી તેઓ ફરી ક્યારેય ઉઠવાના ન હતા.
“કપિલ, તારી જાતને સંભાળ.” મેં એના ખભા પર હાથ મુકતા કહ્યું.
“એમની હત્યા થઇ છે અશ્વિની.” એણે મારી તરફ જોઈ કહ્યું, એની આંખોમાં કૈક વિચિત્ર ભાવ હતો જે મારા માટે એકદમ અજાણ્યો હતો.
“કોણે એમની હત્યા કરી હશે અને કેમ?” મેં કહ્યું.

“વીંટી માટે?” એણે કહ્યું.
“પણ કોઈ વીંટી માટે કેમ ખૂન કરે? અને આ વીંટી શું છે? તમે બધા કેમ એ પહેરો છો?” મેં હિમ્મત કરીને પૂછ્યું મારી જાણવાની ઉત્શુકતા વધી રહી હતી.
“તારે એ બધું જાણવું ન જોઈએ.” એણે મારી તરફ જોઈ કહ્યું. ફરી એક વખત એની આંખો ભાવશૂન્ય હતી, કોરા કાગળ જેવી જેમાંથી હું કશું ન વાંચી શકી.
“પણ કેમ?” મેં કહ્યું. હવે મને કપિલથી ડર ન હતો લાગતો.

“કારણ કે હું તને અશ્વિની અને રોહિતની જેમ મરતી નથી જોવા માંગતો.” કપિલે કહ્યું.
“કોણ મારશે મને? કેમ મારશે?”
“મારાથી દુર રહેવામાં જ તારી ભલાઈ છે, હવે આપણે અહીથી જવું જોઈએ.” કપિલે કહ્યું અને તે કાર તરફ જવા લાગ્યો. મને એની આંખો પરથી લાગતું હતું કે એ જાણતો હતો કે અશ્વિની અને રોહિતની હત્યા કેમ થઇ છે અને કોણે કરી છે. હું એની પાછળ જવા લાગી.

“તું કેમ બધાથી છુપાવી રહ્યો છે?” મેં એને કહ્યું.
“શું?” મારા તરફ જોઈ કહ્યું. સારું હતું કે હવે તે પહેલા જેટલો ઝડપી ચાલી ન હતો રહ્યો.
“એજ કે અશ્વિની અને રોહિતની હત્યા કોણે કરી છે?” મેં કહ્યું.
એ નવાઈથી મારી સામે જોઈ રહ્યો. મને લાગ્યું કે એને મારા તરફથી આવા પ્રશ્નની આશા નહી રાખી હોય.

લેખક : વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

ક્રમશ: વધુ આવતી કાલે…..

દરરોજ રાત્રે 9 વાગે વાંચો નવો ભાગ.

ટીપ્પણી