“નક્ષત્ર” – દિલધડક નવલકથાનો આજે વાંચો 5 ભાગ…

વાંચો પ્રકરણ 1 , વાંચો પ્રકરણ 2  વાંચો પ્રકરણ 3 વાંચો પ્રકરણ 4

 પ્રકરણ – 5…..

કપિલ ચાલ્યો ગયો એણે મારા તરફ જોયું પણ નહી. મેં આંસુઓને રોકવાની હજાર કોશિશ કરી પણ વ્યર્થ. એ હજાર સપનાને હજાર આશાઓ તુટવાના દુ:ખ સામે મારી કોશીશોનું શું ગજું?

મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા જાણે કોઈ બાળકે જીદ કરી હોય અને એ વસ્તુ એને ન મળતા એ રડે એમ હું રડી રહી હતી, જાણે કોઈએ વરસોથી સાચવેલ એની અમુલ્ય વસ્તુ ખોવાઈ જાય ને એ રડે એમ હું રડી રહી હતી. મારા આંસુઓ પર મારો કોઈ કાબુ ન હતો. ચોમાસામાં ધસમસતી નદીના પુરની જેમ એ વહી જતા હતા.
“નયના.” મને અવાજ સંભળાયો, એ કિંજલ હતી, હું એને ભેટી પડી.
લગભગ દસેક મિનીટ એણીએ મને સમજાવી ત્યારે હું માંડ ચુપ થઇ. છતાયે હજુ એના એ શબ્દો “આપણે મળવું જ ન હતું જોઈતું. આપણા વચ્ચે દોસ્તી થવી જ ન હતી જોઈતી. એ મને નફરત કરે છે.” મારા મનમાં ગુંજ્યા કરતા હતા.

હું એના એ વાક્ય અને આંસુઓને મારાથી દુર ધકેલવાનો પ્રયત્ન કરી રહી હતી અને એ બન્ને ચીજો વારવાર મારામાં ડોકિયું કરી રહી હતી. હું કલાસમાં ગઈ. હું એજ બેંચ પર જઈ બેઠી. એ પણ એજ બેંચ પર બેઠો હતો. હું બેઠી એટલે એ બેન્ચના પેલી તરફ ખસી ગયો, એનાથી જેટલું ખસી શકાય એટલો ખસી ગયો, એ છેક બેન્ચની કિનાર પર બેઠો હતો, એટલો છેડે કે કોઈ એને જરાક ધક્કો આપે તો એ નીચે પડી જાય. હું જઈને બેઠી પણ એણે મારા તરફ જોયું પણ નહિ. છતાં મેં એની તરફ જોયું, એના ચહેરા પર ગુસ્સાના ભાવ ન હતા, એ ગુસ્સાના ભાવ જે પહેલા દિવસે મેં જોયા હતા એ ક્યાંક અદ્રશ્ય હતા, એ ગુસ્સાના ભાવ જે મેં સવારે જોયા હતા એ ક્યાંક ખોવાઈ ગયા હતા. એની આંખો પણ શાંત હતી કોઈ નીલા તળાવ જેવી એ આંખોમાં કોઈ અનેરું કામણ હતું, કોઈ ગજબની મોહિની હતી, કદાચ એનામાં સમોહન હતું.

શર્મા સર કલાસમાં આવ્યા અને એમને ઉદાહરણ સાથે વ્યાપ્તિ વિશે સમજાવવાનું શરુ કર્યું.
“પેલા પર્વત પર ધુમાડો છે માટે ત્યાં આગ હશે. આ વિધાન માટે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં આગ હોય જ છે. આગ અને ધુમાડા વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ છે. એવું આપણે એક સામાન્ય ઉદાહરણ વડે બતાવીશું. ચૂલામાં ધુમાડો હોય છે અને ત્યાં આગ પણ હાજર હોય છે.”

મારું મન એ દિવસે જરાય ભણવામાં ન હતું પણ છતાં હું એ તરફ ધ્યાન આપતી હોઉં એમ ડોળ કરી બેસી રહી. મને એ સમજુતી એકદમ વાહિયાત લાગી. અહી તો એક તરફ આગ હતી તોય બીજી તરફ કોઈ અસર ન હતી તો ધુમાડાથી શું થાય?? મેં આંખને ખૂણેથી ફરી એકવાર કપિલ તરફ જોયું, એનો ચહેરો એ જ હતો, એની એનેટોમીમાં કોઈ જ ફેરફાર ન હતો, એ શાંત ચિતે શર્મા સરના શબ્દો સાંભળી રહ્યો હતો કે પછી ખબર નહી એ શબ્દો સંભાળવાનો ડોળ કરી રહ્યો હતો…!!
મેં ફરી નજર શર્મા સર તરફ ફેરવી લીધી.

“કાગડાને પાંખો હોય છે અને તે પક્ષી છે. મોરને પાંખો હોય છે અને તે પક્ષી છે. હંસ ને પાંખો હોય છે અને તે પક્ષી છે. આ ત્રણ એક્દેસી વિધાન પરથી આપણે એક સર્વદેશી વિધાન મેળવી શકીએ કે દરેક પક્ષીને પાંખો હોય છે. જે સાચું છે. પણ દરેક વખતે એક્દેશી વિધાન પરથી મેળવેલ સર્વદેશી વિધાન સાચું નથી હોતું. આપણે એક શહેર પર એક ઉદાહરણ જોઈએ. મહેશ અમદાવાદી છે અને લોભી છે. નરેશ અમદાવાદી છે અને લોભી છે. જનક અમદાવાદી છે અને લોભી છે. આ ત્રણ એક્દેશી વિધાન પરથી આપણે એક સર્વદેશી વિધાન તારવીએ કે સર્વ અમદાવાદી લોભી છે. તો એ વિધાન સાચું નથી.”

હું ફરી લેકચર સંભાળવાનો ડોળ કરવા લાગી, વિચારોને વિચારોમાં શર્મા સરનું લેકચર ક્યારે પતિ ગયું મને ખબર પણ ન પડી. ત્યારે બાદ શીતલ મેમ ફરી એ જ હું જે ગયા વરસે ભણી ચુકી હતી એ સમજાવવા લાગ્યા. મેં શીતલ મેમના લેકચર દરમિયાન ફરી એકવાર એની તરફ જોયું, આ વખતે કદચ હું એની તરફ જોઈ રહી છું એનો એને ખયાલ આવી ગયો હશે એટલે એણે પણ મારી તરફ જોયું, પણ એની આંખો અલગ હતી… એ ડીપ ગોલ્ડ આંખો અલગ હતી… એની આંખો એના પુરા ચહેરાને સુંદર બનાવતી હતી એ જ આંખો મને તેના ચહેરા પ્રત્યે મોહિની જગાડી રહી હતી. પણ મને બીજી જ પળે ખ્યાલ આવ્યો કે એની આંખોમાં કોઈ અજીબ ઉદાસી હતી, એ ડીસ્ટર્બ હોય એમ લાગતું હતું.

મને એમ કે એ નજર ફેરવી લેશે પણ એણે નજર ન ફેરવી એ નિસ્તેજ આંખો મને જોતી જ રહી… મેં કોસિસ કરી મારી નજર ફેરવવાની પણ હું નજર ન ફેરવી સકી…
“નયના, અબાઉટ વોટ વોઝ આઈ એકસપ્લેનીંગ?” શીતલ મેમે કહ્યું, એમની યાદદાસ્ત એકદમ તેજ હતી, એમણે મારું નામ એક જ વાર સાંભળ્યું હતું, મેં પહેલા દિવસે મારો પરિચય આપ્યો ત્યારે છતાયે એમને મારું નામ યાદ હતું.

હું ઉભી થઇ, એમના તરફ જોઈ રહી..
“કેન યુ પ્લીઝ આન્સર મી?” મેમે ફરી કહ્યું.
“સોરી મેમ, નો આન્સર.” મેં કહ્યું.
“સીટ ડાઉન, પે એટેનશન અધરવાઈઝ ડોન્ટ અટેન્ડ માય ક્લાસ.”
“સોરી મેમ, આઈ વિલ કીપ ઇન માઈન્ડ.” કહી હું બેસી ગઈ.
“કપિલ.” મેમે કપિલ તરફ નજર ફેરવી કહ્યું.

“ડાઉરી સીસ્ટમ…..” કપિલે કોઈ યંત્રની જેમ ઉભા થઇ કહ્યું અને મેમ સીટ ડાઉન કહે તેની રાહ જોયા વિના જ એ પાછો બેસી ગયો, એ જ યંત્રવત રીતે.
“ગુડ.” કહી મેમ પોતાના ટોપિક પર આગળ વધ્યા. હું મેમ તરફ જોઈ બેસી રહી… હું બધું ભૂલી ગઈ હતી જાણે… જાણે કે એને મારું કલાક પહેલા અપમાન ન કર્યું હોય… જાણેકે એણે કાઈ જ ન કર્યું હોય… મારો બધો ગુસ્સો એવી રીતે અદ્રશ્ય થઇ ગયો જેવી રીતે જાદુના શોમાંથી કોઈ છોકરી કે કબુતર અદશ્ય થાય…!!

એ આંખો કેમ આટલી નિસ્તેજ છે? એના ચહેરા પર આટલી ઉદાસી કેમ છે? એને મારી સાથે એવું કર્યું છતાં મારો ચહેરો એના જેટલો ઉદાસ ન હતો… શું થઇ રહ્યું હતું મને કઈ સમજાઈ ન હતું રહ્યું… એ આટલો ગુસ્સામાં કેમ હતો.. કોણ જાણે કેમ મને રડવાનું મન થઇ રહ્યું હતું… એ કેમ ઉદાસ છે એ જાણવાનું મન થઇ રહ્યું હતું… એને પૂછવાનું મન થઇ રહ્યું હતું કે શું થયું છે? પણ એ ગુસ્સાવાળા મૂડમાં હશે તો??? મારી એને પુછવાની હિંમત ન હતી થઈ… અને મારી પાસે જાણવાનો બીજો કોઈ રસ્તો પણ ન હતો.

લંચ બ્રેકનો બેલ વાગ્યો એટલે હું વિચારોના ચક્રવાતમાંથી બહાર આવી… શીતલ મેમ એમના હાથમાંની બુકને કોઈ મા પોતાના બાળકને વહાલથી છાતીએ ચાંપે એમ વહાલથી લઈને બહાર નીકળી ગયા.. બધા છોકરા છોકરીઓ પોતાની જગ્યા પરથી ઉભા થઇ કલાસ બહાર જવા લાગ્યા.. બધા જ મારી અને કપિલની તરફ એક નજર કરીને જ જતા હતા… હું પણ ઉભી થઇ ને એ બધાની સાથે બહાર જવા લાગી દરવાજે પહોચી મેં એક નજર મારી બેંચ તરફ કરી, કપિલ ત્યાજ બેઠો હતો, એ પોતાની બેગમાં પુસ્તકો ભરી રહ્યો હતો, હું કલાસ બહાર નીકળી ગઈ.
મને ભૂખ ન હતી છતાં હું કેફેટેરિયા તરફ ગઈ, કેમકે મારી પાસે લંચ ટાઈમ પસાર કરવા માટે બીજી કોઈ જ જગ્યા ન હતી.

હું કેફેટેરિયામાં દાખલ થઇ, મેં ત્યાં એકલા બેસી રહેવાને બદલે કોફી મંગાવવાનું નક્કી કર્યું. મારે એ દિવસે કોફીની ખરેખર જરૂર હતી. રાંધવાના તેલની સુવાસ ચારે તરફ ફેલાયેલી હતી. સમોસા અને બ્રેડ પકોડા તળાઈ રહ્યા હતા. પણ એ દિવસે મને એ સુવાસ જરાય ન ગમી. કોઈ સામાન્ય દિવસ હોત તો ગ્રામ ફ્લોર અને બેસનની સ્મેલે મને હિપ્નોટાઈઝ કરી મૂકી હોત.

હું કાઉન્ટર પર પહોચી અને કોફી ઓડર કરી. કેટલમાંથી કોફીને પેપરકપમાં રેડાતી જોઈ મને જરાક રાહત થઇ. હું કોફી કપ હાથમાં લઇ, પહેલા દિવસે જે ટેબલ પર બેઠી હતી એજ ટેબલ પર જઈને બેઠી. મેં પેપર કપ ટેબલ પર મુક્યો અને એને જોઈ રહી. એ કોફી મારા આજના કાળા દિવસ જેટલી જ કાળી દેખાઈ રહી હતી.

મને ઊંઘવાની ઈચ્છા થઇ રહી હતી, મને ઘરે જવાની ઈચ્છા થઇ રહી હતી, મને એ કોલેજ છોડી ક્યાંક ચાલ્યા જવાની ઈચ્છા થઇ રહી હતી. થોડીક વારમાં કિંજલ મને કંપની આપવા ત્યાં આવી ગઈ.
“હાય, નયના.” તેણીએ મારા સામેની ખાલી ખુર્સીને પોતાની તરફ ખેચી કહ્યું.
“હાય.” મેં મારા અવાજમાં રોજની મીઠાસ લાવતા કહ્યું પણ હું નિષ્ફળ રહી.
“સાપનું કૈક સાંભળ્યું હતું…”
“હા આછો ભૂરો બેલ હતો, ખાસ ઝેરી ન હતો.”

“અને કપિલે તને….” એ કઈક બોલવા જતી હતી પણ મેં એને અટકાવીને કહ્યું, “એનું તો નામ જ ન લેતી.”
“કેમ શું થયું?” કિંજલના પ્રશ્નની જ હુ રાહ જોઈ રહી હોઉં એમ સવારે જે થયું એ બધું મેં એને કહ્યું, કદાચ હું કોઈ એવા વ્યક્તિને એ બધું કહેવા માંગતી જ હતી જે મને સાંભળે.
“ઓહ! આઈ સી.” કિંજલે કહ્યું અને ત્યાર બાદ એ પફ ઓડર કરી આવી.
“એની કાઈ ખબર જ નથી પડતી, એ ક્યારે કેવા મૂડમાં હોય છે, મેં તને પહેલા જ દિવસે ચેતવી હતી.” કિંજલે જરાક ઠપકા ભરી નજરે મારી સામે જોતા કહ્યું.

“બટ…” હું અટકી ગઈ કહું કે નહી.
“વોટ બટ…?”
“નથીંગ.”
“ઓહ! કમ ઓન, ટેલમી, આઈ એમ યોર ફ્રેન્ડ, યાર.”
“આઈ એમ ઇન લવ વિથ હીમ, લવ એટ ફસ્ટ સાઈટ.” મેં કહ્યું.
“વોટ?” કિંજલના મો માંથી એક પ્રશ્નાથ વાક્ય સરી પડ્યું, એના ચહેરા પર નવાઈના ભાવ હતા, આઈ એમ સ્યોર, એ નેચરલ હતા એ જરાયે ઓવર રીએક્ટ ન હતી કરી રહી.

“યસ, ધેટ ઈઝ ઈટ.” મેં કહ્યું.
“એની કોઈ દોસ્તી નથી કરતુ કે નથી એ કોઈની દોસ્તી કરતો, આખા વરસમાં માંડ એણે એક મિત્ર બનાવ્યો છે, એવા ડમ્બથી તું લવ કરે છે!” હજુયે મને કિંજલનું વાક્ય વિધાનને બદલે પ્રશ્નાથ વધારે લાગતું હતું.
બેક્ડ પફની સ્મેલ મારા નાક સુધી પહોચી અને ત્યારબાદ વેઈટર અમારા ટેબલ પર બે પફ મૂકી ગયો. એ કેન્ટીન કોન્ટરેકટ પર આપેલી હતી એટલે બધી સારી સુવિધા મળતી.

“મને ભૂખ નથી.” મેં કહ્યું.
“જરાક ખાઈ લે ફરી એનાથી લડવાનું થયું તો શરીરમાં શક્તિની જરૂર પડશે.” કિંજલે હસતા કહ્યું. મેં એની વાત માની લીધી.
“એની આંખો ક્યારેક ક્યારેક એકદમ ઉદાસ કેમ હોય છે?” મેં ફર્સ્ટ મોર્સેલમાં જ પૂછી લીધું. હું એના વિશે જાણવા બહુ ઉતાવળી હતી.
“એતો ખબર નથી, પણ એના મમ્મી કલાર્ક મેમ પણ ક્યારેક ક્યારેક એના જેટલા જ ઉદાસ હોય છે.”
“કેમ?”
“એતો ખબર નથી, પણ એક સીક્રેટ કહું?”
“હા.”

“એ લોકો જયારે ઉદાસ હોય ત્યારે એમની આંખોની ઉદાસી બધુ જ કહી જાય છે એ લોકો પણ તારા જેમ એમની ઉદાસી છુપાવી નથી શકતા… તમારા વચ્ચે કોઈ સંબંધ હોય એવું લાગે છે.”
“હા, મેં પણ એને ઉદાસ જોયો.” મેં કહ્યું, “કેમ?”
“એ તો ખબર નથી, પણ એક બીજુ યે રહસ્ય છે, એ પરિવારના લોકો જ્યારે મરજી હોય ત્યારે પોતાનું રૂપ સુંદર બનાવી શકે છે.”
“એના પરિવારમાંથી અન્ય કોઈ આ કોલેજમાં છે?”
“હા અશ્વિની એની કજીન છે, એનો સુકલકડી દોસ્ત અશ્વીનીનો બોયફ્રેન્ડ છે અને જયેશ પણ એના પરીવારમાંથી જ છે.”

“અશ્વિની તો તારી ફ્રેન્ડ છે ને તને ખબર હશે એ ક્યારેય ઉદાસ હોય છે?”
“હા, ક્યારેક ક્યારેક.”
“એનીયે સુંદરતામાં બદલાવ આવે છે?
“કપિલથીયે વધારે. એને જરાક દુ:ખ લાગે એવું કોઈ કહે તોયે એની આંખો ફિક્કી બની જાય છે.”
“તે ક્યારેય એને એ વિશે કઈ પૂછવાની કોસિસ નથી કરી?”
“ના.”
“કેમ?”
“કેમકે એ સારી મિત્ર છે અને હું એની દોસ્તી તોડવા નથી માંગતી.”
“મતલબ..?”

“મતલબ એ કે એને એવું કાંઈ જ પૂછનારથી ફરી એ ક્યારેય વાત નથી કરતી.”
“શું એને પહેલા કોઈ છોકરી સાથે અફેર હતો? શું કોઈએ તેની સાથે ટ્રેચરી કરી હતી?” મેં એક સામટા ઘણા બધા સવાલો કિંજલને કરી નાખ્યા.
“એતો ખબર નથી.. આ કોલેજમાં તો એના કોઈ અફેર વિશે સાંભળ્યું નથી પણ કાદાચ એને હાઈ સ્કુલમાં કોઈ ટ્રેચરીનો અનુભવ થયો હોય.”
“કદાચ એવુ જ હશે કેમકે હાઈ સ્કુલમાં જ એના સાથે કોઈ ઘટના થઈ હશે જેની એના હ્રદય પર ઊંડી અસર થઇ હશે અને એથી જ એ સારા સ્વભાવનો હોવા છતાં આટલો રૂડ અને ગુસ્સાવાળો છે.” મેં કહ્યું.
“હોઈ શકે. પણ ક્યારેય એને એવું કાઈ પૂછીશ નહી.”

“હા હું સમજી સકું છું કે એને એ પસંદ ન આવે પણ કઈક તો…” હું મારું વાક્ય પૂરું કરું એ પહેલા લંચ ટાઈમ ઓવર થયાનો બેલ વાગ્યો. અમે ટેબલ પરથી ઉભા થયા અને કલાસ તરફ ગયા. હું કલાસ તરફ જતી વખતે વિચારતી હતી કે શું હજી કપિલ એજ ગુસ્સામાં હશે પણ મને એ જાણવા ન મળ્યું કેમકે એ લંચ ટાઈમ પછી એ કલાસમાં આવ્યો જ નહી. મેં માંડ કોલેજ ન સમય પસાર કર્યો અને કિંજલ સાથે ઘર તરફ ગઈ.
મારા દિવસો કોઈ ભયાનક ફેન્ટાસી ફિલ્મની કહાની જેમ પસાર થઇ રહ્યા હતા….. એક વધુ દિવસ એવી રીતે જ ગયો….. દિવસે ને દિવસે રહસ્યો વધુ ઘેરા થઇ રહ્યા હતા…..

***

બીજા દિવસે હું થોડીક મોડી ઉઠી કારણકે મેં એ જ વિચિત્ર સપનું જોયું હતું જે સપના મને હોસ્ટેલમાં આવતા હતા. એ જ સપનું..!!! પણ હોસ્ટેલના સપના હમેશા અધૂરા હોતા આજે સપનું પૂરું તો ન હતું પણ પહેલા કરતા લાંબુ હતું. મને ઘણી બધી એ ચીજો દેખાઈ હતી જે મને પહેલા નહોતી દેખાતી. રોજ સપનામાં દેખાતો એ યુવાન આજે પણ અંધારામજ હતો પણ એણે જે કહ્યું તે મને એકદમ ચોખ્ખું સાંભળ્યું હતું, એણે કહ્યું હતું કે મારી મહોબત તને બસ દુ:ખ અને તકલીફ જ આપી શકે તેમ છે. કોણ જાણે એ કોણ હતો, એ સપના મને કેમ આવતા હતા?

હું ફટાફટ તૈયાર થઇ અને સાડા દસ વાગ્યે તો કોલેજ પહોંચી ગઈ અમારી કોલેજનો સમય અગિયારથી ચારનો હતો. પણ હું એ દિવસે વહેલી ગઈ કારણકે મારે કિંજલ સાથે કેફેટેરીઆમાં બેસી વાતો કરવી હતી સાચું કહું તો એ બહાને કપિલ જયારે સામેના ટેબલ પર આવીને બેસે ત્યારે એને ધ્યાનથી જોવો હતો. મારે ખબર પાડવી હતી કે એ કેમ મારાથી નારાજ છે. એવું શું થઇ ગયું કે અચાનક એને મારી દોસ્તી કર્યાનો પણ અફસોસ થવા લાગ્યો. મને બચાવ્યાનો પણ એને અફસોસ હશે તો નવાઈ નહી? એ કેમ અમારી મુલાકાત જ ન થઇ હોત તો સારું એમ વિચારી રહ્યો હતો?
હું કોલેજના ગેટમાં દાખલ થઇ અને મારી નજર કિંજલને શોધવા લાગી પણ મને કિંજલ ક્યાય ન દેખાઈ. હું કેફેટેરિયા તરફ વળી કદાચ કિંજલ ત્યાં હશે કે પછી ત્યાં નહી હોય તો એ લોકર રૂમમાં તો જરૂર હશે. હું કેફેટેરીઆમાં દાખલ થઇ. કેફેટેરિયામાં મુકેલ ટેબલ પર નજર દોડાવી પણ કિંજલ ત્યાં ન હતી. હા કપિલ ત્યાં હતો એના એ જ સુકલકડી મિત્ર સાથે પણ હું ત્યાં એકલી બેસવા નહોતી માંગતી.

કિંજલ ત્યાં હોય તો વાત અલગ હતી. સાચું કહું તો મને હવે કપિલથી થોડીક ડર લાગવા માંડી હતી. હું એને પ્રેમ તો કરતી જ હતી. મને એનાથી ડર લાગી રહી એ એક અલગ વાત હતી અને હું એને ચાહતી હતી એ પણ એક અલગ વાત હતી.

મેં એકપળ માટે કપિલ તરફ જોયું. મેં ખુદને રોકવાની લાખ કોશીસ કરી હતી પણ મારા મને કહ્યું કે કેફેટેરિયા છોડતા પહેલા એની તરફ એક વાર જોઈ લઉં. મેં એની તરફ જોયુ એ જ પળે જાણે એને ખબર પડી ગઈ હોય એણે પણ મારી તરફ જોયું. મેં નજર હટાવવાનો પ્રયત્ન કર્યો પણ એ આંખોમાં કોઈ જાદુ હતું કે પછી કેમ હું એ તરફ જોઈ રહી. એકાદ પળ પછી કપીલે જ મારા તરફથી નજર હટાવી લીધી. મને રાહત થઇ મને લાગ્યું હવે હું આરામથી કેફેટેરિયા બહાર જઈ સકીશ.

મને એટલી રાહત થઇ જાણે કે હું કોઈ જાદુગરની જાદુની અસરમાંથી મુકત થઇ હોઉં. શું સાચે જ એની આંખમાં હિપ્નોટીઝમ હતું?
હું હજી પાછી ફરીને કેફેટેરિયા બહાર નીકળવાની તૈયારીમાં જ હતી. મારું ધ્યાન ગયું કે કપિલે મારા તરફ હાથનો ઈશારો કરીને મને બોલાવી. મને એ કઈ રીતે દેખાયું? હું તો એના પરથી નજર હટાવી ચુકી હતી કે પછી હું હજુયે સ્પેલબાઉન્ડ હતી?

એક પળ માટે થયું હું કેમ જાઉં એના બોલાવવાથી એની પાસે? હજી ગઈ કાલે જ તો એણે મારું ઈન્સલ્ટ કર્યું હતું. અંદરથી મારું મન કહી રહ્યું હતું કે જા કપિલ તને બોલાવી રહ્યો છે. મગજમાં રહેલો ઘમંડ મને ત્યાં જતા રોકી રહ્યો હતો તો જે દિલને એણે ગઈ કાલે જ તોડી દીધું હતું એ જ દિલમાં સચવાયેલો પ્રેમ એ તરફ જવાનું કહી રહ્યો હતો અને આખરે પ્રેમ જીતી ગયો…!! અને મારા પગ એની તરફ જવા માટે ડગલા ભરવા લાગ્યા. ઘમંડે ઘણી કોસિસ કરી એમને રોકવાની પણ ઘમંડ, ઈગો, ડર કે એ જે હોય તે એ મારા પગને એ તરફ જતા અટકાવી શક્યા નહિ.

હું એના ટેબલ પાસે જઈ હભી રહી. મને ખબર ન હતી કે શું બોલવું? આમેય હું ગમે ત્યાં પહેલા બોલતા ડરતી. હું ક્યારેય બોલવાની શરૂઆત ન કરતી. કોઈ કાઈ પૂછે પછી જવાબ આપતી અને વાતચીત શરુ થતી.
“હાય.” એણે કહ્યું.

ફરી એ વખતે એનો બોલવાનો અંદાજ એકદમ બદલાયેલો હતો. એના અવાજમાં કે ચહેરા પર ક્યાય ગુસ્સો ન હતો. પણ હું કાઈ જ ન બોલી.
“રોહિત, એને બેસવા દે.” એણે એના સુકલકડી મિત્ર તરફ જોઈ કહ્યું. મને ત્યારે ખબર પડી કે હું જેને સુકલકડી નામથી ઓળખતી હતી એને એક નામ પણ હતું રોહિત.
“આઈ એમ જસ્ટ કમિંગ.” કહી રોહિત ઉભો થયો અને લોકર રૂમ તરફ જવા લાગ્યો.

હું સમજી ગઈ કે એણે ઇશારામાં રોહિતને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું હતું એનો અર્થ એ હતો કે મારા સાથે કૈક ખાસ મહત્વની વાત કરવા માંગતો હતો અને ખાનગી પણ.
મેં રોહિત બેઠો હતો એ ચેર ને જરાક મારા તરફ ખસેડી અને હું એના પર ગોઠવાઈ, મેં એના તરફ જોયું એની આંખો આજે ફરી એજ ડીપ ગોલ્ડ બની ગઈ હતી, જેને જોઈ ડર ન લાગે પણ ન જાણે શું થઇ જાય??? એની આંખોમાં જાણે કોઈ મોહિની હતી, એની આંખોમાં કોઈ અજબ સમોહન શક્તિ હતી. શું એ કોઈ જાદુગર હતો?

“નેકસ્ટ વિકેન્ડ પીકનીક પર ન જઈશ.” એણે મારી તરફ જોઈ કહ્યું, એના અવાજ પરથી મને એમ લાગી રહ્યું હતું જાણે એ મને આદેશ આપી રહ્યો હોય.
“કેમ? તું મને સમજે છે શું? તું કોણ મને ના પાડનાર?” મેં ગુસ્સે થઇ કહ્યું.
“કેમકે નેક્સ્ટ વિકેન્ડ હું તને મારા ઘરે લઇ જવા માંગું છું”
“કેમ?” મેં એ જ ફ્લેટ એક્સપ્રેસન સાથે કહ્યું, મને એની વાતથી ખુબ જ નવાઈ લાગીં રહી હતી પણ મેં મારી ઉત્સુકતાને છુપાવી.

“કેમ કે હું મમ્મીને એની થનાર વહુથી એકવાર મુલાકાત કરાવવા માંગું છું.” એણે કહ્યું.
કોલેજના યુવકોની જેમ ‘આઈ લવ યુ’ કે કોઈ અન્ય અંગ્રેજી શબ્દોના ઉપયોગ વગર એણે મને પ્રપોસ કર્યો. એ પણ એવો પ્રપોસ કે કોઈ સેન્સીટીવ ગર્લ રીજેક્ટ ન કરી શકે. ક્મશેકમ હું તો નહી જ!! હું એ રીજેક્ટ ન કરી શકી.

હું ઘણું બધું બોલવા માંગતી હતી પણ કઈ બોલી શકી નહી. મને શું બોલવું એ જ સમજાઈ ન હતું રહ્યું. ફરી એકવાર કોરું કાગળ બનેલું મારું મન હજારો ફૂલોના રંગોથી રંગાઈ ગયું.
“કેમ?” હું બોલી, મને સમજાઈ જ ન હતું રહ્યું કે હું શું પૂછી રહી હતી.
“કેમકે સાસુ વહુ પહેલેથી એકબીજાને ઓળખતા થઇ જાય તો પાછળથી ઝઘડા ન રહે.” એના સ્થિર હોઠ એક આછા સ્મિતમાં ફરક્યા અને ફરી એક્વાર મને થયું કોઈ આટલું સુંદર કઈ રીતે હોઈ શકે?
“પણ….” હું અટકી ગઈ.
“ગઈ કાલની વાતથી નારાજ છે..”

“ના.” મારાથી અનાયાસે ના પડી ગઈ.
“તો?”
“ખબર નહી.” મને ફરી એવુ જ લાગી રહ્યું હતું, હું શ્વાસ લેવાનું ભૂલી રહી હતી. કદાચ આ વખતે ખુશીના ઓવરડોઝને લીધે, કદાચ એના એ શબ્દો સાંભળવા માટે જ હું આજ સુધી જીવી રહી હતી એમ મને લાગ્યું. કદાચ હું એના એ શબ્દો સાંભળવા જ જન્મી હતી એમ મને લાગ્યું.
“તને કઈ રીતે ખબર હું પીકનીક પર જવાની છું?” મેં કહ્યું.
“કિંજલ જવાની છે એટલે..”
“પણ તને કેમ ખબર?”
“મેં તમને વાત કરતા સાંભળ્યા હતા.”

“તું ગઈ કાલે અમે વાત કરી ત્યારે ત્યાં ન હતો..” મેં ખાતરી સાથે કહ્યું કેમકે મને યાદ હતું કે લંચ ટાઈમ પછી એ ન હતો આવ્યો.
“હું તારું મન વાંચી સકું છું.” એણે ધીમેથી કહ્યું પણ એના મો માંથી શબ્દો એ રીતે નીકળ્યા કે મને લાગ્યું કે એ જે બોલી રહ્યો હતો એ એકદમ સીરીયસ હતું, કોઈ મજાક ન હતી.
“ખરેખર?” મેં સવાલ કર્યો.
“હા, હું તારું મન અને દિલ બંને વાંચી સકું છું.” એણે એ જ મક્કમતાથી કહ્યું. એના શબ્દોમાં કોઈ એવી તાકાત હતી કે એ ન માની સકાય એવી વાત પણ સાચી હોય એમ મને લાગ્યું.

“તો પછી ગઈ કાલે મારા દિલને કેમ ન હતો વાંચી શક્યો?” મેં કહ્યું.
“વાંચી શક્યો હતો એટલે જ તો તારાથી દુર જઈ રહ્યો હતો.”
“વોટ? યુ મીન તને ખબર હતી કે હું તને…” હું ઈમોશનલ થઇ ગઈ, મારી આંખોમાં ઝળઝળિયાં આવી ગયા હું આગળ કઈ ન બોલી શકી.
મેં એની તરફથી નજર હટાવી આસપાસ જોયું પણ હજુ વહેલું હતું કેફેટેરિયા ખાલી હતું. બધા જ જુના ટેબલ તેમના પર કોઈ આવીને બેસે તેની રાહ જોઈ રહ્યા હતા.

“હા, હું તારાથી દુર જઈ રહ્યો હતો, કેમકે મને ચાહવું તારા માટે ફાયદાકારક નથી. આપણે એકબીજાને ચાહવું ન જોઈએ.” એણે કહ્યું. ફરી એની એ આંખો ફિક્કી થઇ ગઈ એના ચહેરાનો કલર બદલાઈ ગયો. એક પળમાં એના ચહેરાના રંગો બદલાઈ ગયા.
“હું બધું જ બગાડી રહ્યો છું. મારે જવું જોઈએ.” કહી એ ઉભો થવાની તૈયારી કરવા લાગ્યો.

“પણ કેમ? અને જો એવુ જ હોય તો તે મને કેમ અહી બોલાવી? કેમ જે સપનું હું ગઈ કાલે દફનાવી ચુકી હતી એને ફરી મારા હ્રદયમાં ધબકતું કર્યું?” મેં ઉદાસ થઇ કહ્યું.
“કેમકે હું મારી જાતને તારા પાસે આવતી રોકી સકતો નથી.”
“તું મને ચાહે છે હું તને ચાહું છું તો પછી વાંધો શું છે?” મેં કહ્યું.
“એ ઠીક નથી.” એની આંખો વધુ ને વધુ ઉદાસ થયે જતી હતી.
“શું ઠીક નથી મને કઈ સમજાય એમ બોલ.”
“એ તારા માટે જોખમી છે, મારી મહોબત તને દુ:ખ અને તકલીફ સિવાય કઈ નહી આપી સકે.” એણે કહ્યું.

“તે શું કહ્યું હમણા?” મેં નવાઈ પામી કહ્યું.
“એજ કે મારી મહોબત તને દર્દ અને તકલીફ સિવાય કાઈજ નહી આપી સકે.” એણે એ જ વાત ફરીથી દોહરાવી.
“હા, આજ વાક્ય મેં સપનમાં હજારો વાર સાંભળ્યું છે. એ બોલનાર દરેક વખતે અંધકારમાં હોય છે મને એનો ચહેરો નથી દેખાતો પણ આ જ અવાજ.” મેં કહ્યું, એ કહેતા મારા શરીરમાંથી એક ધ્રુજારી ઉત્પન્ન થઇ હોય એવો અહેસાસ મને થયો.

“વોટ? સપનામાં?” એણે નવાઈ પામી કહ્યું.
“હા, હું હોસ્ટેલમાં હતી ત્યારથી મને એ સપના આવતા, કોઈ અદ્રશ્ય તાકાત મને અહી ખેચી લાવી છે. હુ મારા સપનાના પ્રેમને શોધવા અહી નાગપુરમાં આવી હતી અને મને પહેલે જ દિવસે તું મળી ગયો, મને આ અવાજ અહી ખેચી લાવ્યો છે. આપણા વચ્ચે કઈક સંબંધ તો જરૂર છે.” મેં કહ્યું.

“જે ડર હતો એ જ થયું…. આપણે…”
“શું થયું? શું ડર હતો?” મેં એને વચ્ચે જ અટકાવી કહ્યું, “મને કઈ સમજાઈ નથી રહ્યું.”
“આપણે એકબીજાની નજીક આવવું જોઈએ જ નહિ?” એના અવાજમાં પણ એની આંખોની ઉદાસી ઉતરી આવી હતી.

“પણ કેમ?” કેમકે એ સપના તને અધૂરા દેખાય છે પણ મને પુરા..” એણે કહ્યું.
એ એકદમ ગભરાઈ ગયો.. એ એટલો ગભરાયેલો લાગતો હતો જાણે કોઈ મોટી ઘટના થઇ ગઈ હોય. કોણ જાણે કેમ એનો ચહેરો ડરથી ડઘાઈ ગયો હોય એમ લાગ્યું.. એ પહેલા મેં કોઈને આટલું ગભરાયેલ ન હતું જોયેલ.
“તને શું થઇ રહ્યું છે?” મેં ચિંતા ભર્યા અવાજે કહ્યું.

“શું?”
“તારો આખો ચહેરો બદલાઈ ગયો છે તું એકદમ ડરી રહ્યો હોય એમ લાગે છે.” મેં કહ્યું.
“મારે હવે જવું જોઈએ, આપણે સાથે ન હોવું જોઈએ.” કહેતા એ ઉભો થઇ ગયો.
“તે મારા સવાલનો જવાબ નથી આપ્યો.?” મેં કહ્યું
“હું તને વિકેન્ડ પર મળીશ. બસ યાદ રાખજે પીકનીક પર ન જઈશ.”
“ક્યાં મળીશ?”

“તારા ઘર પાછળના બગીચામાં. ત્યાંથી આપણે મારા ઘરે જઈશું અને તને તારા બધા સવાલોના જવાબ મળી જશે.”
હું કાઈ જ જવાબ આપું કે એને બાય કહું એ પહેલા એ ઉતાવળે નીકળી ગયો. હું એની પીઠને જોતી રહી, મને સમજાઈ ન હતું રહ્યુ શું ચાલી રહ્યું છે, શું એ કોઈ માનસિક બીમાર હતો? પણ જો એ માનસિક બીમાર હોય તો એને મેં સપનામાં સાંભળેલ વાત કઈ રીતે ખબર હોય? મને ખરેખર કાઈ જ ન હતું સમજાઈ રહ્યું. મને લાગે હું પાગલ થઇ રહી હતી.

લેખક : વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

ક્રમશ: વધુ આવતી કાલે…..

દરરોજ રાત્રે 9 વાગે વાંચો નવો ભાગ.

ટીપ્પણી