નક્ષત્ર નવલકથા આજે વાંચો આ દિલધડક કહાનીનું ૩ પ્રકરણ..

પ્રકરણ ૩ 

જે મિત્રને પ્રકરણ ૨ વાંચવાનું બાકી હોય એ અહિ ક્લિક કરો.

લંચ બ્રેક બાદ અમે કલાસમાં ગયા. હું એજ બેંચ પર જઈને બેઠી, થોકીકવાર બાદ શીતલ મેમ પોતાનું લેકચર લેવા આવ્યા. મારું ધ્યાન લેકચરમાં જરાય ન હતું. હું વારે વારે દરવાજા તરફ જોતી હતી પણ મારી સાથે બેંચ શેર કરનાર કપિલ કલાસમાં ન આવ્યો. ત્યારબાદના મનોવિજ્ઞાનના લેક્ચરમાં પણ એ ન દેખાયો, કદાચ એને તત્વજ્ઞાનમાં જ રશ હશે.

કોલેજનો પહેલો દિવસ હતો, મને ડર હતો કે કોઈ મને હેરાન કરશે પણ ઉલટુ જ થયું કોઈ મારા લીધે કલાસ છોડીને ગયું હતું. ના,ના, એવું ન હોય કિંજલે કહ્યું હતું કે એ આમેય ગમે ત્યારે કલાસ છોડીને જતો રહે છે. હું મારું મન મનાવતી રહી કે એ મારા લીધે નહી ગયો હોય.

સાયકોલોજીના લેકચર પછી ફાઈનલ બેલ સંભળાયો અને અમે બધા કલાસ બહાર નીકળ્યા. મોટા ભાગના છોકરા છોકરીઓ પોત પોતાના ટુ-વીલર લેવા પાર્કિંગ લોટ તરફ વળ્યા. કેટલાક જે કાર લઈને આવતા હતા એ લોકો પોતાની કાર તરફ ગયા. મને સવારે પપ્પા છોડવા આવ્યા હતા પણ વળતા તો મારે ચલાતા જ જવાનું હતું. વાતાવરણ મારી સાથે હતું, હવામાં જરાક નમી ઉતરી આવી હતી, આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું, ઠંડો પવન જાણે ખબર લઈને આવ્યો હતો કે વરસાદ આવવાની તૈયારી હતી. એકંદરે ચાલતા જવામાં પણ ઉત્સાહ રહે એવું આહલાદક વાતાવરણ હતું. હું કોલેજના દરવાજા સુધી ગઈ ત્યાજ કિંજલ મારી પાસે આવી, “તું ચાલતી આવે છે?”

મેં હકારમાં જવાબ આપ્યો.
“હું પણ.” તેણીએ ટૂંકમાં કહ્યું.
“હું એસપનમાં રહું છું.” મેં કહ્યું.
“હું કાદમ્બરીમાં, આપણે એકબીજાની નજીકની સોસાયટીમાં જ રહીએ છીએ.” કિંજલે જરાક ખુશ થઇ કહ્યું.

“હા, સારું છે એકલા એકલા તો ઘર સુધી નહી જવું પડે.” મેં કહ્યું.
“તમે એસ્પનના કયા છેડે રહો છો?”
“જંગલ તરફના છેડે.” મને એ સવાલ ન ગમ્યો છતાં મેં એને જવાબ આપ્યો, અમે જંગલ તરફના છેડે આવેલા સસ્તા મકાનમાં રહેતા એટલે મને એ વિશે વાત નીકળે ત્યારે જરાક શરમ મહેસુસ થતી. મને હજુ સુધી નવાઈ લાગતી પપ્પાએ શું વિચારીને ત્યાં મકાન લીધું હશે? એ જ કિમતમાં શહેરમાં પણ મકાન મળી શકત… થોડુક નાનું મળત તોય શું ફેર પડત?
“કપિલ ક્યાં રહે છે?” અમે કોલેજ ગેટથી જરાક આગળ ગયા એટલે મેં પૂછ્યું. મને પોતાની જાત પર ગુસ્સો આવ્યો, હું કેમ એના વિશે જ પૂછ પરછ કરતી હતી એ મને જ નહોતું સમજાતું.

“એક દિવસમાં એટલો બધો રસ પડી ગયો એનામાં!” કિંજલે હસીને કહ્યું.
“ના, ના, એવું કાઈ નથી, આતો મારી બેંચ શેર કરે છે એટલે પૂછ્યું.” મેં જુઠ્ઠું બોલવાનો પ્રયાસ કર્યો, હું સફળ થઇ કિંજલે મારી વાત માની લીધી હોય એવું લાગ્યું. આમેય મને જ ખબર ન હતી કે હું સાચું બોલી રહી છું કે જુઠ્ઠું તો એને ક્યાંથી હોય?
“એ પારસ સોસાયટીમાં રહે છે.” કિંજલે કહ્યું.
“પણ એ સોસાયટી તો ખુબ જૂની છે ને ત્યા તો કોઈ રહેતુય નથી.”
“હા, પણ એ લોકો ત્યાજ રહે છે, આખી સોસાયટીમાં માત્ર ત્રણ ચાર ઘરમાં જ લોકો રહે છે બાકી તો બધા બંધ પડ્યા છે.”

અમે ચર્ચા કરતા ચાલતા હતા ત્યારે અમારી બાજુમાંથી એક કાર સતત હોર્ન વગાડતી પસાર થઇ. એ કાર પસાર થયા પછી પણ મને એવું લાગતું હતું જાણે કે મારા પેટમાં કઈક થઇ રહ્યું હોય! એ કાર પસાર થઇ ત્યારથી જ મને જરાક ડર લાગવા માંડ્યો હતો, કાર અમારા પાસેથી પસાર થઇ ત્યારે એ કારમાં રહેલ છોકરાઓ અમારી સામે જ જોઈ રહ્યા હતા. અમારાથી આગળ નીકળી ગયા બાદ પણ તેઓ કારની બાજુમાં રહેલ રીયર વ્યુ મિરરમાં અમને જ જોઈ રહ્યા હતા, કેમકે એ કારમાં બેઠેલ છોકરાઓ મારી અને કિંજલ પર હસીને ગયા હતા. મને ડર લાગવા માંડયો ક્યાક એ કોલેજ જેમ અહી પણ છોકરાઓ મને સતાવવાનું શરુ ન કરી દે?
“ડર્ટી ડોગ્સ, સન્સ ઓફ બીચ.” કિંજલે કહ્યું, જો હું અહી જ મોટી થઇ હોત તો મને એના શબ્દો સાંભળી નવાઈ લાગત પણ હું મુંબઈમાં ભણી હતી ને ત્યાં હાઈસ્કુલની છોકરીઓને પણ અંગ્રેજી ગાળો ભાંડતા જોયેલી હતી એટલે મને નવાઈ ન લાગી.

“લેટ ધેમ ગો ઇન હેલ.” મેં વાતનો ટોપિક બદલવા કહ્યું.
“એ આપણી કોલેજના જ છે, ફાઈનલ યરના સ્ટુડેન્ટસ છે ને ઉપરથી અમીર બાપની ઓલાદો છે, બધાને એમનો ત્રાસ છે,” કિંજલે ચિડાઈને કહ્યું.
“લેટ ધેમ ડાઈ. ફોર્ગેટ ઇટ.” મેં એને જરાક શાંત કરવાનો પ્રયાસ કર્યો.
“ઓકે, લેટ્સ ટોક અબાઉટ કપિલ. આર યુ રીઅલી નોટ ઇન્ટરેસ્ટેડ ઇન હિમ?” કિંજલે મારા ખભા પર હાથ મુકયો, જાણે અમે વર્ષો જુના મિત્ર હોઈએ!
“ઓહ! કમ ઓન.” મેં એને જરાક કોણી મારતા કહ્યું.

અમે વાતો વાતોમાં ચાર રસ્તા પર આવેલ શગુન સુધી પહોચી ગયા હતા. શગુન અમારા નાનકડા શહેરની ઝેડ બ્લુ કે એલ એન્ડ સોલી જે કહો તે હતી, શહેરમાં સૌથી સારા કપડા ત્યા જ મળતા, જેન્ટ્સ, લેડીઝ અને ચિલ્ડ્રન વેર બધા જ, તહેવારોમાં ત્યાં ભીડ રહેતી. હું શગુન બહાર મેનીકીન પર લગાવેલ ચેક્સ શર્ટ અને કાર્ગો પેન્ટને જોઈ રહી હતી, આજે કપિલે પણ આવો જ શર્ટ અને સેમ કાર્ગો પહેરેલ હતા, શું એણે અહીથી ખરીદ્યા હશે? મેં વિચાર્યું.

“હાય, કિંજલ.” મને એક મીઠો અવાજ સંભળાયો, મેં મારું ધ્યાન પેલા મેનીકીનથી ખસેડ્યું અને કિંજલને હાય કહેનાર એ પાતળી ભૂરા વાળવાળી છોકરી તરફ જોયું. મને નવાઈ લાગી જેનો ચહેરો આટલો બદસુરત હોય એનો અવાજ આટલો મીઠો કઈ રીતે હોઈ શકે. મારે કહેવું તો ન જોઈએ પણ એ છોકરી ખરેખર બદસુરત હતી, કદાચ કોઈ ડરપોક છોકરું એને રાતે જોઈ લે તો છળીને મરી જાય એટલી હદે એ બદસુરત હતી, થેન્ક્સ મમ્મી… મેં મનોમન મમ્મીનો આભાર માન્યો કે મને એના તરફથી ગોરી સ્કીન વારસામાં મળી હતી, હા એ ગોરી સ્કીન પર કોઈ ખાસ ધ્યાન ન આપતું એ અલગ વાત હતી.

“હાય નિશા, વાય આર યુ નોટ એટ કોલેજ ટુડે?” કિંજલે પોતાના હીરોઈન જેવા અંદાજમાં કહ્યું.
“શોપિંગ, હું આ વિકેન્ડ બીચ ફરવા જવાની છું એટલે આજે ખરીદીમાં નીકળી હતી.”

“ઓહ ગુડલક ફોર હેપ્પી વિકેન્ડ.” કિંજલે જરાક હસીને કહ્યું.
“અ ન્યુ ફ્રેન્ડ?”
“ઓહ! સોરી, હું પરિચય આપવાનું ભૂલી ગઈ, મીટ માય ન્યુ ફ્રેન્ડ નયના, નયના મેવાડા.” કિંજલે એને મારો પરિચય આપ્યો.
“હાય, નયના…” નિશાએ કોઈ કલાકારની અદાથી કહ્યું અને પછી હોલીવુડ મૂવીની સ્ટાર જેમ જરાક નીચા નમી મારી સાથે શેક-હેન્ડ કર્યો, હું સમજી ગઈ કે એ ઓવર સ્ટાઈલથી પોતાને હોશિયાર બતાવવા માંગે છે, બાકી એને આમ એકદમ નમવાની કોઈ જરૂર ન હતી, એ એક ડગલું આગળ આવીને પણ શેક-હેન્ડ કરી શકી હોત.

“હાય, નિશા.” મેં પણ એના જેમ અદાકાર બનાવાનો પ્રયત્ન કરતા કહ્યું, હા હું એના જેટલી વાંકી વળીને ન હતી બોલી કે ન તો હું એના જેમ બોલતી વખતે મારું મો આમ-તેમ મરડતી હતી.

શેક હેન્ડ કરતી વખતે મારું ધ્યાન એના હાથ પર ગયું, આમ તો સામાન્ય રીતે શેક હેન્ડ કરતી વખતે લોકો એકબીજાના ચહેરા તરફ જ જુવે પણ મેં એના હાથ તરફ જોયું, કેમકે એનો હાથ મને એકદમ ગરમ લાગ્યો, મને એવું લાગ્યું જાણે કે એને એકદમ ભારે તાવ આવેલો હોય, પણ એના ચહેરા પરથી એવું નહોતું લાગતું કે એને તાવ આવેલો હોય, એ એકદમ હેલ્થી હોય એવું લાગતું હતું! કદાચ એના બદસુરત ચહેરા પરના ભાવ વાંચી શકાય એમ ન હોય તોયે એટલું તો ચોકસ હતું કે કોઈ છોકરી આટલા તાવમાં શોપિંગ કરવા ન નીકળે.

ફરી એકવાર એના ચહેરાને મનોમન બદસુરત કહેવા બદલ મને પસ્તાવો થયો. ખરેખર મારે કોઈના વિશે એવું ન વિચારવું જોઈએ, મને થયું કે કદાચ મારો ચહેરો એના જેવો હોત તો? ખરેખર એ બિચારીને સહાનુભુતીની જરૂર હતી.

“આર યુ ઓકે?” મેં એને પૂછ્યું, મને લાગ્યું મારે એના તરફ સહાનુભુતિ દર્શાવવી જોઈએ.
“યા, આઈ એમ ફાઈન.”
“આઈ થીંક યુ હેવ ફીવર.” મેં જરાક વધુ સહાનુભુતી બતાવી.
“નો, નો, ઇટ્સ ઓ.કે. મેં પેઇનકીલર લીધી છે.” નિશાએ કહ્યું.
“તારે ડોક્ટરને બતાવવું જોઈએ,” કિંજલે પણ કહ્યું.
“નથીંગ લાઇક વરી. બે દિવસ પહેલા પણ મને તાવ આવ્યો હતો, પેઈન-કીલરથી ઉતરી ગયો હતો.” નિશા એ કહ્યું, તેના અવાજમાં મને ઊંડે ઊંડે ક્યાંક દુ:ખની લાગણી દેખાઈ.

“આર યુ સ્યોર?” મેં ફરી એકવાર ખાતરી કરી.
“હન્ડ્રેડ પર્સન્ટ.” નીશાએ હસીને કહ્યું.
“તો પછી હવે ક્યારથી જોઈન કરીશ?” કિંજલે પૂછ્યું.
“આફટર વિકેન્ડ. સોમવારથી.”
“સ્યોર?” કિંજલે ટૂંકો પ્રશ્ન કર્યો.
“સ્યોર, બાય.” કહી એ અમારી તરફ વેવિંગ કરતી ચાલી ગઈ.
“એકદમ વિચિત્ર છોકરી છે, આટલા તાવમાંયે ખરીદી કરવા નીકળી છે!” મેં કિંજલ તરફ જોઈ કહ્યું.

“એ અડધી પાગલ છે.”
“એટલે?”
“એની સંભાળ લેનાર આ દુનિયામાં કોઈ નથી. એ અનાથ છે. એ અને તેની બીજી બે બહેનપણીઓ.”
“તો એમને ભણવાનો ને જમવાનો ખર્ચ?” મેં પ્રશ્ન કર્યો.
“ડોક્ટર સ્વામીએ એમને ગોદ લીધેલ છે.”
“ડોક્ટર માથુર સ્વામી?”

“હા, એમણે એ ત્રણે છોકરીઓને કોઈ અનાથાશ્રમમાંથી લાવેલ છે.”
“એના હાથ પર ત્રિશુળ જેવું કઈક ટેટું બનાવેલું હતું, મારી સાથે એણીએ હાથ મિલાવ્યો ત્યારે મેં જોયું.” મને ક્યારનોય થતો પ્રશ્ન મેં કર્યો.
“હા, એ ત્રણેય બહેનોના હાથ પર ત્રીશુળના ટેટું છે.”
“આ જમાનામાં કોઈ છોકરી પોતાના હાથ પર આવું ટેટું બનાવે, જરા અજીબ નથી? મેં પુછ્યું.
“એના માટે નહિ, કદાચ એ કોઈ પછાત વિસ્તારની હશે ને એમના મમ્મી-પપ્પા એ એમને આશ્રમમાં છોડી એ પહેલા જ એમના હાથ પર એ ટેટું બનાવ્યા હશે.” કિંજલે કહ્યું

“જે હોય તે પણ આ કોલેજ જરાક વિચિત્ર છે.”
“કેમ?” નિશાએ સવાલ કર્યો ત્યારે અમે લગભગ કાદમ્બરી સોસાયટીના ગેટ સુધી આવ્યા હતા.
“કેમકે કોઈ ત્રિશુળના ટેટુ રાખે છે અને કોઈ નક્ષત્ર કંડારેલી ચાંદીની વીંટી, મેં કલાર્ક મેમ અને તારી ફ્રેન્ડ અશ્વિનીનીના હાથ પર અજીબ ચાંદીની વીંટીઓ જોઈ હતી.” મેં કહ્યું.

“તો તે તારા પાર્ટનર, આઈ મીન, તારા બેંચ પાર્ટનરની આંગળી પર એ વીટી ન જોઈ?”
“કપિલ ના હાથ પર?” મેં સામો સવાલ કર્યો. પછી ઉમેર્યું, “ના, મેં કઈ ખાસ ધ્યાન નથી આપ્યું એના હાથ પર.”
“ચહેરા પરથી ધ્યાન હટે તો હાથ પર ધ્યાન આપેને.” કિંજલે મને ચીઢવતા કહ્યું. અમે બંને પહેલે જ દિવસે સારા મિત્રો બની ગયા હતા.
“જાને….” મેં કહ્યું.

“બાય.” કહી એ પોતાની સોસાયટીના ગેટમાં વળી અને હું મારા ઘર તરફ જવા લાગી, કપિલના હાથ પર એ વીંટી કેમ હશે મારા મનમાં એ સવાલ ઘુમરીઓ લઇ રહ્યો હતો, હું મારા મનમાંથી એ સવાલ અને કપિલ બંનેને નીકાળવા મથતી, એસ્પનના દરવાજામાં પ્રવેશી. ત્યારે મને કયા ખબર હતી કે એ વીંટી એનું જીવન હતી અને હું એના મોતનું કારણ હતી…!! કાશ! એણે મારા માટે એ વીંટી ન ઉતારી હોત!

***

કિંજલને બાય કહી હું એસ્પનમાં દાખલ થઇ. એસ્પનમાં અમારું ઘર છેક છેડે હતું એટલે મારે લગભગ દસેક મિનીટ ચાલવું પડ્યું. મને કોલેજથી ઘરે આવતા પૂરો અડધો કલાક થયો. હું ઘરે પહોચી.

અમારી કોલેજ રેપ્યુટેડ અને સેલ્ફ ફાયનાન્સ કોલેજ હતી એટલે ડે કોલેજ હતી જયારે હું ઘરે આવી લગભગ સાડા ચાર વાગી ગયા હતા. પપ્પા રોજની જેમ જ પોતાની ડ્યુટી પર ગયેલા હતા, એસન્ટ દરવાજા પાસે પાર્ક કરેલી હતી, પપ્પાને ડ્યુટી પર જંગલ ખાતાની જીપ મળતી એટલે ગાડી તેઓ રોજ ઘરે જ છોડીને જતા. એ ક્યારેય એ જીપનો ઉપયોગ અમારા વ્યક્તિગત કામ માટે ન કરતા, કોણ જાણે કેમ એમને એ સરકાર સાથે બેઈમાની થઇ એવું લાગતું કે પછી મારી અને મમ્મીની જેમ એ લાલ પીળા પટ્ટાવાળી જીપ લઇ શહેરમાં ફરવું એમને ગમતું નહી…!!

જે હોય તે સારું જ હતું, એ જીપ જંગલમાં જ રહેતી, નહીતર પપ્પા મને એમાં કોલેજ મુકવા આવત તો કોઈને મારા પર હસવા માટે બીજું કારણ શોધવાની જરૂર ન પડત.
હું ઘરમાં દાખલ થઈ, ત્યાં જ મમ્મીનો અવાજ સંભળાયો, “નયના, બેટા હાથ મો ધોઈ લે નાસ્તો તૈયાર છે.”

હું કોલેજથી ઘરે આવું ત્યારે મમ્મીએ નાસ્તો તૈયાર જ રાખેલ હોય, કોઈવાર બટાટા પૌવા તો કોઈવાર મેગી, મમ્મીને હજી એમ જ લાગતું કે હું નવમાં ધોરણમાં છું ને મને એ બાળપણમાં પસંદ હતા એ નાસ્તા હજુ એટલા જ પસંદ છે જેટલા ત્યારે હતા.

“નયના, બેટા ઠંડુ થઇ જશે.” હજુ હું ચેંજ કરતી હતી ત્યાજ મમ્મીનો અવાજ સંભળાયો.
“આવી મમ્મી.” કહી હું ફટાફટ મારા હાથ બ્લેક ટી-શર્ટની બાયમાંથી પસાર કરી, મારી પિંક નાઈટીમાં નીચે ગઈ. મને ઘરે લુઝ કપડા જ ગમતા. મને યાદ નથી ક્યારેય હું બીજી છોકરીઓની જેમ ઘરે જીન્સમાં રહી હોઉં કે રાત્રે પણ ફીટ કપડા પહેરીને ઊંઘી હોઉં.

નીચે જઈ કાયમની એ જ વાતચીત, કોલેજમાં દિવસ કેવો ગયો? કોઈ બહેનપણી બનાવી કે હજી એકલી એકલી જ ફરે છે? એવા બે ચાર મમ્મીના સવાલો સાંભળતા અને એ સવાલોના મમ્મીને વાજબી લાગે તેવા જવાબ આપતા મેં મેગીની ડીશ પતાવી.

એકાએક કઈક યાદ આવતા હું મારા રૂમમાં ગઈ. મેં મારા સપનામાં જોયેલ બધી ચીજોના સ્કેચ બનાવ્યા હતા. મેં મારા બેડના ડ્રોઅરમાંથી એ સ્કેચીસ બહાર કાઢ્યા, મારી પાસે કોઈ તસ્વીરમાં એનો ચહેરો તો ન હતો પણ મારી કમર પર વીંટળાયેલો એનો હાથ હતો.

મેં એક પછી એક સ્કેચ જોવા માંડયા અને મારો શક સાચો નીકળ્યો લગભગ દસેક સ્કેચ બાદ મને એક એવો સ્કેચ મળી ગયો જેમાં મેં એ હાથ પરની વીંટી ચીતરેલી હતી. એ એજ વીંટી હતી જેના પર નક્ષત્ર કંડારેલ હતું. એજ વીંટી જે ક્લાર્ક મેમ અને અશ્વિનીના હાથમાં હતી, એજ વીંટી જે કિંજલના કહેવા મુજબ કપિલના હાથમાં હતી. એનો અર્થ એ હતો કે કદાચ કપિલ જ મારા સપનામાં આવનાર વ્યક્તિ હતો..??? કે કદાચ એ કોઈ કો-ઇન્સીડેન્સ હોઈ શકે..???

મેં બધા સ્કેચ પાછા બેડના ડ્રોઅરમાં ગોઠવ્યા. તત્વજ્ઞાન સિવાયના અન્ય કોઈ વિષયનું હોમવર્ક ન હતું અને એમેય હોમવર્કમાં મારું મન એ દિવસે લાગે તેમ ન હતું એટલે મેં ઘર પાછળના બગીચામાં થોડુક ટહેલવાનું વિચાર્યું. એ બગીચો તો ન કહી શકાય. અમારા ઘરની પાછળથી જંગલ શરુ થઇ જતું એટલે થોડાક જંગલી વુક્ષો અને થોડાક મમ્મીએ ઉછેરેલા ફૂલ-છોડને ભેગા કરીને અમે અમારો બગીચો બનાવી લીધેલો. અમારું ઘર છેલ્લું હતું એટલે અમે એ બગીચો બનાવ્યો એનાથી કોઈ વ્યક્તિને કોઈ વાંધો હતો નહી ને જંગલ ખાતામાં પપ્પા નોકરી કરતા એટલે એ તરફથીયે કોઈ સમસ્યા ન હતી.

હું નાસ્તો કરી બગીચામાં ગઈ. થોડીકવાર આમ તેમ ફર્યા બાદ, ડાબી તરફને ખૂણે વાવેલા સુરજમુખીના ફૂલો તરફ ગઈ, હજુયે મારા મનમાં કપિલ, પેલી વીંટી અને નિશાનો ચહેરો અવારનવાર આંટા માર્યા કરતા હતા..!!! સાચું કહું તો એ બધું મગજમાંથી નીકાળવા માટે જ હું હોમવર્ક કરવાને કે ટીવી જોવાને બદલે બગીચાના શાંત વાતાવરણમાં ગઈ હતી.
મારું ધ્યાન એક નવા ઉગેલા છોડ પર ગયું, એ બિચારો હજી વેતભરીનો હતો ને બાજુમાં રહેલ આશોપાલવના નીચે પડેલ સુકા પાંદડાઓથી ઢંકાઈ ગયેલ હતો. એને તડકો ન મળે તો એ સુકાઈ જશે એમ વિચારી તેના પરથી સુકા પત્તા હટાવવા મેં હાથ લંબાવ્યો. હજી મારો હાથ એ છોડ સુધી પહોચ્યો પણ ન હતો ને મને લાગ્યું કે બગીચાની મારા ઘર તરફને છેડે કોઈ છે. કદાચ મમ્મી હશે એમ મેં વિચાર્યું.

મારું ધ્યાન હજુયે એ તરફ હતું ને મારો હાથ એ છોડને અડ્યો, ના એ છોડ ને નહોતો અડ્યો, છોડનો સ્પર્શ આવો ન હોય હું જાણતી હતી, અને બીજી જ પળે મારી બીજી આંગળી પર કાળી બળતરા થવા લાગી. મારા મોમાંથીં એક ચીસ નીકળી ગઈ. મેં મારા હાથ તરફ જોયું, એક આછા છીંકણી રંગનો સાપ મને કરડીને જડપથી આસોપાલવના ઝાડ તરફ સરકી ગયો.

મને આખો બગીચો ગોળ ગોળ ફરતો હોય એમ લાગવા માંડ્યું, આટલી ઝડપથી ઝેરની અસર તો ન થાય પણ કદાચ હું સાપ મને કરડ્યો છે એ વાતથી એટલી બધી ડરી ગઈ હતી કે મને ચક્કર આવવા લાગ્યા, હું મારી જાતને સ્થિર રાખવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ મને એવું લાગતું હતું કે હું પડી જઈશ. મેં વિચાર્યું કદાચ હું એ આસોપાલવના ઝાડ સુધી પહોંચી જાઉં તો એ પકડીને સ્થિર રહી શકું, મેં એ ઝાડ તરફ પગલું ભરવાનો પ્રયાસ કર્યો પણ જેવો એક પગ ઉપાડ્યો કે બીજા પગે જવાબ આપી દીધો, મારો બીજો પગ મને સ્થિર રાખવામાં નિષ્ફળ રહ્યો, હું મારું સમતુલન ગુમાવી બેઠી, હું પાછળની તરફ પડવા લાગી, મેં આંખો બંધ કરી નાખી અને ક્યારે મારી પીઠ જમીન સાથે અથડાય એની રાહ જોવા લાગી, એ બધું બે ત્રણ સેકંડમાં થઇ ગયું.

હું ગભરાઈ રહી હતી કે હમણા મારું શરીર જમીન સાથે અથડાશે અને પેલી આંગળી પર કાળી બળતરા થઇ એમ જ વળી આખા શરીરને અથડાવાની અસર થશે.

હું પડી રહી હતી, મારી આંખો બંધ હતી પણ મને લાગી રહ્યું હતું કે હું જમીનથી એકાદ ફૂટ દુર હતી, મારી પીઠ અને એ જંગલની આકરી, માટીયાળ જમીન વચ્ચે એક કે દોઢ ફૂટનું અંતર હતું. ડરને લીધે મારા મગજમાં એડ્રીનેલીનનું પ્રમાણ વધી રહ્યું અને બીજી જ પળે મારું શરીર જમીન સાથે અથડાયું, ના મને અથડાવાથી જરા પણ વાગ્યું નહીં, ના હું જમીન સાથે અથડાઈ જ ન હતી, કોઈકે મને પકડી લીધી હતી, મને લાગ્યું મમ્મી તો ક્યાય નજીકમાં ન હતી, મેં આંખો ખોલી, કપિલના ઘૂંટણ જમીનને અડકેલ હતા અને હું એના હાથમાં હતી, એના ખોળામાં હતી કહું તોયે ચાલે.

મને અત્યંત નવાઈ લાગી, એ અહી ક્યાંથી આવ્યો?? હું એને કઈક પૂછવા ચાહતી હતી પણ બોલી ન શકી, કદાચ હું બેભાન થઇ રહી હતી કે કેમ પણ મને એવું લાગ્યું જાણે કે એની કાળી મોટી આંખોની કીકીઓ સોનેરી બની રહી હતી એની કાળી આંખો ધીમે ધીમે ભૂરી બની રહી હતી, મને એમ લાગ્યું જાણે હું એ ઊંડી સોનેરી આંખોમાં ડૂબી રહી હતી. મને મમ્મીનો અવાજ સંભળાયો, “ શું થયું એને?”

મને એમ લાગતું હતું કે કોઈ મને પોતાના બંને હાથમાં ઊંચકી ને લઇ જઈ રહ્યું હતું. હું આંખો ખોલવા માંગતી હતી પણ ખોલી ન શકી. હું બધુ સાંભળી શકતી હતી. કપિલ મમ્મીને કહી રહ્યો હતો કાઈ વાંધો નથી એ સાપ ખાસ ઝેરી નથી હોતો, ભૂરો બેલ હતો કઈ નહિ થાય. એને કઈ રીતે ખબર કે એ કયો સાપ હતો એ આવ્યો એ પહેલા તો સાપ ત્યાંથી જતો રહ્યો હતો. કદાચ મમ્મી ગભરાઈ ન જાય એ માટે એ આશરે કહેતો હશે. અમારા વિસ્તારમાં એ સામાન્ય રીતે જોવા મળતો સાપ હતો અને એ સાપ જ સૌથી ઓછો ઝેરી હોય છે એટલે એણે અંધારામાં તીર લગાવ્યું હશે જે સાચુ પડ્યું હતું. મમ્મી એને પૂછી રહી હતી બેટા તને કાર ચલાવતા આવડે છે. મમ્મી એને એ દિવસે પહેલી જ વાર મળી હતી પણ એવી રીતે એનાથી વાત કરી રહી હતી જાણે કે એ એકબીજાને લાંબા સમયથી ઓળખતા હોય.

કપિલ હતો જ એવો. મનેય એને મળ્યાને કયા લાંબો સમય થયો હતો. આજે જ તો હું એને મળી હતી છતાં મને એવું લાગતું હતું જાણે હું એને વરસોથી ઓળખાતી હોઉં. મને તો એવું લાગતું હતું જાણે વરસોથી નહિ સદીઓથી હું એને ઓળખતી હોઉં. જાણે અનેક જન્મોથી હું અને એ બંને એકબીજાને ઓળખતા હોઈએ, કદાચ મને ઘેન ચડી ગયું હતું, કદાચ મને પહેલે જ દિવસે એનાથી પ્રેમ થઇ ગયો હતો, કદાચ પ્રેમમાં આવું થતું હશે એકદમ અજાણ્યો પણ વરસોનો પરિચિત લાગતો હશે, મારું મન અનેક વિચારોના ચકડોળે ચડેલું હતું.

હું અર્ધ બેભાન હતી, બધું સાંભળી શકતી હતી પણ બોલી નહોતી શકતી! બધું અનુભવી શકતી હતી પણ કશું જોઈ નહોતી શકતી. મારી પાંપણ એટલી બધી વજનદાર થઇ ગઈ હતી કે હું એને ખોલી નહોતી શકતી. મેં પાંપણને હાથથી ખોલવાનું વિચાર્યું પણ મારો હાથ મારા કહ્યામાં ન હતો. હું મારા હાથને મારી આંખો સુધી જવાનો આદેશ આપતી રહી પણ જાણે કે એણે હઠ લીધી હોય એમ એ માન્યો જ નહી.

મને કારનો બેક ડોર ખુલવાનો અવાજ સંભળાયો, અમારી કાર જૂની હતી એટલે દરવાજો ખોલો ત્યારે જરાક ચી….એવો અવાજ થતો, મેં એ અવાજ સાંભળ્યો અને ત્યારબાદ મારી પીઠ પર કારની સીટના લેધરની ઠંડક અનુભવી, હું સમજી ગઈ કે હવે હું એના હુંફાળા હાથમાં નહિ પણ કારની ડમ્બ સીટમાં હતી, મેં મમ્મીને મારા બાજુમાં બેસી મારા માથા પર હાથ મુકતી અનુભવી, હું એ હાથના સ્પર્શને ઓળખતી હતી, એ પ્રેમાળ કોમળ હાથ મારી મમ્મીનો જ હતો.

ત્યારબાદ એન્જીનના ચાલુ થવાનો ઘૂરકાટ અને ગાડી ઉપડી એનો આંચકો મારા શરીરે અનુભવ્યો, ગાડીના આંચકા સાથે મારું શરીર સીટમાંથી આગળની તરફ ખસી ગયું, મને એકસાથે બે હાથે પડતા રોકી લીધી એક હાથ મમ્મીનો હતો, એજ કોમળ, પ્રેમાળ સ્પર્શ અને બીજો…. બીજો કપિલનો હાથ હતો, એજ હુંફાળો અને મજબુત સ્પર્શ… એ કારની આગળની સીટ પર હતો, એ કાર ચલાવી રહ્યો હતો, છતાં એને કઈ રીતે ખબર પડી હશે કે હું સીટમાંથી પડી રહી છું, એણે એક હાથે સ્ટેરીગ અને એક હાથે મને… કઈ રીતે મેનેજ કર્યું હશે? મારા મનમાં સવાલો થયા. શું એ કારમાં ચાલક સીટની ઉપરની તરફ લગાવેલ પાછળનું વાહન જોવાના અરીસામાં મને જોઈ રહ્યો હશે? એટલે જ તો એને ખબર પડી કે હું સીટમાંથી પડી રહીં છું. બાકી બીજી કઈ રીતે પડે? એ મને કેમ જોઈ રહ્યો હશે? શું એ પણ… શું એ પણ મારી જેમ… શું એ પણ મને ચાહવા લાગ્યો હશે? મારું મન એવા કેટલાયે સવાલો કે જેમના જવાબ મારી પાસે ન હતા એમના વિશે વિચારતા વિચારતા બેભાન થઇ ગયું.

લેખક : વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

(ક્રમશ: વધુ આવતી કાલે…..)

દરરોજ રાત્રે 9 વાગે વાંચો નવો ભાગ

ટીપ્પણી