નક્ષત્ર ભાગ – ૨, વાંચો આજે બીજો ભાગ દિલધડક પ્રેમકહાનીનો…

પ્રકરણ – 2…..

જે મિત્રોને ભાગ 1 વાંચવાનો બાકી હોય એમના માટે અહિ ક્લિક કરો.

અમે ગાડીમાંથી ઉતર્યા અને ઘર તરફ જવા લાગ્યા. ઘર હજુ એજ હાલતમાં હતું જે હાલતમાં પપ્પાએ ખરીદ્યું હતું. એના મૂળ માલિકે કરાવેલ આછો ગુલાબી રંગ દીવાલોને સુંદર બનાવી રહ્યો હતો. ક્યારેક ક્યારેક તો મને થતું એ રંગ હજુ સુધી કઈ રીતે ટકી રહ્યો હશે? કદાચ તડકામાં રહીને આટલા વર્ષે એ આછો પડી ગયો હશે કે મૂળ માલીકને આછો રંગ પસંદ હશે એટલે તેણે એવો રંગ જ કરાવ્યો હશે? જે હોય તે પણ અમારે ફરી રંગ માટે ખર્ચ કરવાની જરૂર નહોતી પડી. એ વોટરપ્રૂફ કલર હતો એટલે હજુ ટકી રહ્યો હતો. ખબર નહી કદાચ પ્લાસ્ટિક પેઇન્ટીગ પણ હોઈ શકે. કદાચ પપ્પાએ ઘર ખરીદ્યું એ વખતે પ્લાસ્ટિક પેઇન્ટીગનું ખાસ ચલણ ન હતું એટલે એ તો નહી જ હોય.

અમે ઘરમાં ગયા, પપ્પા ફોયરમાં રહેલ કોચ પર બેસી પોતાની ડાયરીમાં કઈક ટપકાવવા લાગ્યા. મેં એમાં ડોકિયું ન કર્યું, હું જાણતી હતી પપ્પાને રોજમેળ લખવાની આદત હતી, પણ સાંજે જયારે મેઈન બુકમાં લખવા બેસે ત્યારે બધું ભૂલી જતા એટલે દિવસભર જે ખર્ચ કરતાએ પોતાની ડાયરીમાં નોધી રાખતા, હું છેક નાની હતી ત્યારથી મેં પપ્પાને એવું કરતા જોયેલા. મધ્યમવર્ગનું જીવન એટલે ગણિત મુજબ ચાલવું પડે, મહિનાના અંતે કેટલો ખર્ચ થયો? એમાંથી કેટલો જરૂરી ને કેટલો બિનજરૂરી? કયા ખર્ચમાં કાપ મૂકી શકાય તેમ છે? એ બધું મમ્મી પપ્પા વચ્ચે સતત ડિસ્કસ થતું.

હું નાની હતી ત્યારે મને જરાક અજુગતું લાગતું કે મમ્મી પપ્પા કેમ આવો પાઈપાઈનો હિસાબ રાખતા હશે, પણ જયારે અગીયારમાં ધોરણ પછીના વેકેશનમાં પડોશી કમળાબેનને કહેતા સાંભળ્યા કે બીચારાને છોકરી જ છે, છોકરો તો કઈ છે નહિ, છોકરી તો કાલે પરણીને સાસરે જશે પછી ક્યાં એમને કોઈ કમાવનારું છે, એ ઘરડા થાય ત્યારે? ને ત્યારથી હું સમજી ગઈ કે પપ્પા મમ્મી કેમ પાઈપાઈનો હિસાબ રાખે છે.

મમ્મી રસોડામાં જઈ ચા બનાવવા લાગી, અમારા ઘરમાં બધાને જો ક્યાયથી થાકી કે કંટાળીને આવ્યા હોય તો ચા ની આદત, મુસાફરીથી માથું ચડ્યું હોય તોય ઉતરી જાય. અમે પેઈનકીલરને બદલે ચા લેતા એમ કહીએ તો પણ ચાલે.

હું મારા રૂમમાં ગઈ એ ઉપરના માળે હતો, અમારું મકાન બે માળનું હતું ને ઉપર જવાની સીડી પણ અંદર જ હતી. શહેરના અંદરના વિસ્તારોમાં તો આવડું મકાન અઢાર વીસ લાખનું ગણાય પણ આ વિસ્તાર જરા છેવાડે, જંગલ વિસ્તારની એકદમ નજીક એટલે અહી એ જ મકાન આઠેક લાખનું ગણાય. પપ્પાએ તો દસેક વરસ પહેલા સસ્તામાં ખરીદેલ, પપ્પાને વસ્તુઓ સસ્તામાં ખરીદવાની આદત હતી. એમનો શોખ પણ ગણી શકાય! કોઈક વસ્તુ સસ્તામાં મળતી હોય અને જરૂરી ન હોય તો પણ ઉપાડી લાવે. મમ્મી પપ્પા વચ્ચે એ બાબતે ઘણીવાર ચર્ચાઓ થતી અને અંતે મહિનાનું બજેટ ગોઠવાયું હોય એમાની કેટલીક ચીજોમાં કાપ મુકવાનો વારો આવતો.

હું મારા રૂમમાં ગઈ, હું નવમા ધોરણમાં હતી ત્યારે એ રૂમ જેવો હતો એવો જ હજીયે હતો, કોઈ જ ફેરફાર નહિ, છ બાય અઢીની એક જૂની સેટી, સસ્તી કિમતના લાકડામાંથી બનાવેલ એક ત્રણ પાયાવાળું ટેબલ ડાબી તરફના ખૂણામાં, મને નવાઈ લાગતી કે પપ્પા જંગલ અધિકારી હતા, બીજા અધિકારીઓ ગાડીઓ ભરીને મોઘા લાકડા વેચતા હતા તો પપ્પાએ કેમ ત્રણ પાયાવાળું ટેબલ હલકી કક્ષાના લાકડામાંથી બનવડાવ્યું હશે? જરાક મોઘું લાકડું લાવ્યું હોત જંગલમાંથી તો કઈ મોટી બેઈમાની ન થઇ જાત, અને આમેય ક્યાં આપણા દેશમાં નેતાઓ ઈમાનદાર છે તે બે ચાર ઈમાનદાર અધિકારીઓથી આપણા દેશની પ્રજાનું ભલું થઇ જવાનું હતું?

મેં બેડની સીટ હટાવી, અને બેડમાંથી એક જૂની બૂક બહાર કાઢી, હું એ બૂકને જોઈ રહી, એ બૂક મારા બાળપણ સાથે જોડાયેલ હતી. એને જોતા જ મને મમ્મીના શબ્દો યાદ આવ્યા. “આ કોમિક બૂક મારી મમ્મીએ મને બાળપણમાં આપી હતી અને હું તને આપી રહી છું.” એ બુક જાણે વારસો હોય!

હું પાંચમાં ધોરણમાં ભણું ત્યારે મને મમ્મીએ એ આપી હતી મમ્મીએ એને આટલા વરસોથી પૂરી માવજત કરી ને સાચવી હતી.
એકવાર ભૂલમાં મારાથી એના પન્ના ખુલ્લા પડી ગયા હતા. મેં એને સાજી કરવા માટે ખુબજ મહેનત કરી હતી. મમ્મીએ અડધો દિવસ તો તેના પર હાથ સિલાઈ કરવામાં વિતાવ્યો હતો.

મેં મમ્મીને પૂછેલું કે એ એના પાછળ કેમ એટલી મહેનત કરી રહી છે. આપણે બજારમાંથી નવી પણ લાવી શકીએ ત્યારે મમ્મીએ જે કહ્યું એ મને હજુ યાદ છે ત્યારે મમ્મીએ કહ્યું હતું કે એ કોમિક બૂકમાં એક છોકરીની જીવન સામેના સંઘર્ષની સાચી કહાની છે.

ત્યારે તો માત્ર મમ્મીના કહેવાથી જ મેં એને પાછી ઘરમાં લાવી મૂકી દીધી હતી પણ, જેમ જેમ હું મોટી થતી ગઈ હું સમજી ગઈ કે માનવ જીવન પણ એ કોમિક જેવું જ છે, બહરના દેખાવનું કોઈ જ મહત્વ નથી, કોણ કેટલું સહન કરી શકે છે અને સહન કર્યા બાદ કેટલું ટકી શકે છે એનું મહત્વ છે.
માત્ર સુખમાં જીવન વિતાવ્યાનું કોઈ જ મહત્વ નથી પણ જીવન સામે સંઘર્ષ કરવાનું મહત્વ છે, આ બધું મને મારી કોલેજના પહેલા વર્ષે જ સમજાઈ ગયું હતું.
મેં એ બૂકને ફરી બેડમાં એની મૂળ જગ્યાએ મૂકી દીધી, પોતાની જગ્યાએથી ઉભી થઇ અને હજુ હું મારું જુનું કબાટ ફેદવા જતી હતી ત્યાજ મમ્મીએ ચા માટે બુમ લગાવી.

હું નીચે ગઈ અને મમ્મી સાથે ટી પાર્ટીમાં જોડાઈ ગઈ.
ચા સાથે અમે મારી જૂની કોલેજ અને મારા ગયા વરસના પરિણામ વિશે વાતો કરી, સદભાગ્યે મારું ગયા વરસનું પરિણામ સારું હતું એટલે ચર્ચા દરમિયાન મમ્મી પપ્પા ખુશ હતા.

ત્યારબાદ ઉપર જઈ મેં મારા રૂમની સફાઈ કરી. આમતો રૂમ સાફ જ હતો. રૂમ આમેય લોક હતો અને મમ્મી ક્યારેક ક્યારેક ખોલીને સફાઈ કરી જતી હશે એવું મને સફાઈ દરમિયાન લાગ્યું. પણ હવે મારે અહી રહેવાનું હતું એટલે એક વ્યવસ્થિત સફાઈ કાર્યક્રમ તો જરૂરી જ હતો!
એ રાત્રે મને બરાબર ઊંઘ ન આવી, ભલેને એ પોતાનું ઘર હોય ઘણા દિવસે એય અજાણ્યું લાગે છે. મને એ દિવસે હોસ્ટેલની યાદ આવી. અને જરાક અલગ અલગ લાગ્યું. અને એમાય અધૂરામાં પૂરું એમ એ રાતે વરસાદ ચાલુ થઇ ગયો હતો. મકાનને અડીને જ બનાવેલ શેડ પર પડતા વરસાદના ટીપાનો અવાજ ઊંઘમાં ખલેલ પહોચાડવા માટે પુરતો હતો.
આમેય મને ઊંઘ તો નહોતી જ આવી રહી અને એમાં પણ વરસાદનો અવાજ!

હું મોડા સુધી વિચારોમાં ખોવાયેલી રહી, લગભગ ખાસ્સો સમય તો મેં પેલા મંદિરે જોયેલ અજાણ્યા સ્ત્રી અને પુરુષ વિશે વિચાર્યું અને ત્યારબાદ ક્યારે મારી આંખ મળી ગઈ એ મને ખયાલ ન રહ્યો.

હું સપનામાં હતી. મેં સફેદ ફ્રોક પહેરેલ હતું જેના પર સફેદ અને નેવી બ્લુ કલરના સ્ટોનની ભાત હતી અને તે ફલોરલ ડીઝાઇનથી શણગારેલું હતું. હું એ ફ્રોકમાં એકદમ સુંદર લાગી રહી હતી. કદાચ મારા પર એનાથી વધુ શોભે તેવો કોઈ ડ્રેસ ન હતો. તે મારા પર પરફેક્ટ ફીટ હતો. હું અમારા ઘર પાછલના જંગલમાં ઉભી હતી. હું એ જંગલમાંના એક વોટરફોલ પાસે હતી અને કુદરતે ખોબે ને ખોબે વેરેલી સુંદરતાને નિહાળી રહી હતી. અચાનક મેં મારી કમર પર એક હાથ નો સ્પર્શ અનુભવ્યો. એ હાથ મારી કમર ફરતે વિન્ટળાયો, પણ મને જરાય ડર કે કઈ પણ અજાણ્યું ન લાગ્યું. જાણે કે હું એ હાથના સ્પર્શને ઓળખતી હતી. મેં એ સપનું ઘણીવાર જોયું હતું દર વખતે એ હાથ મને પોતાની તરફ ખેચી લેતો અને એ સપનાનો સોદાગર મને ચુબનોના વરસાદમાં નવડાવી દેતો. હું પણ એ સોદાગરને એટલો જ પ્રેમ આપતી, હું એને એ રીતે ચાહતી જાણે હું એના માટે જ બની હોઉં પણ બસ સપનામાં જ!

મેં સપનામાંયે એનો ચહેરો ક્યારેય જોયો ન હતો, કદાચ જોયો હશે તો પણ મને સવારે એ ચહેરો ક્યારેય યાદ નથી હોતો. બહાર કોઈ પક્ષીના બોલવાના અવાજથી હું એકદમ જાગી ગઈ, એ સપના વિશે વિચારી મારા ગાલ લાલ થઇ ગયા, મને શરમની અનુભૂતિ થતી હતી, હું જરાક ઉદાસ પણ હતી કેમકે રોજની જેમ મને આ વખતે પણ એનો ચહેરો દેખાયો ન હતો.

હું એના વિશે જ વિચારતી બેડમાંથી ઉઠી ત્યારે પોણા નવ વાગી ગયા હતા. સુરજના કિરણોને બારીના પડદા રોકવા મથી રહ્યા હતા અને જ્યાંથી પવનને લીધે પડદો ખસી જતો હતો ત્યાંથી એ કિરણો રૂમમાં ઘુસણખોરી કરવામાં સફળ થઇ રહ્યા હતા. પડદાના હલન ચલન મુજબ રૂમમાં તડકો છાયડો સંતાકુકડીની રમત રમી રહ્યા હતા, ક્યારેક તડકો સંતાઈ જતો હતો તો ક્યારેક છાયડો.

પપ્પા પોતાની ડ્યુટી પર રોજની જેમ જંગલ ગયા હતા, મને ક્યારેય ન સમજાયું તેઓ કેટલી હદ સુધી ઈમાનદાર હતા, અને કોઈ વ્યક્તિ એટલી હદ સુધી ઈમાનદાર કઈ રીતે રહી શકે? મેં બાળપણથી હજુ સુધી ક્યારેય એમને ડ્યુટી પર મોડા જતા નહોતા જોયા. મને થતું ત્યાં જંગલમાં કોણ જોવા બેઠું છે કે એ સમયસર ગયા હતા કે નહિ. એમની જગ્યાએ હું હોઉં તો આરામથી નવ વાગે ઉઠું ને બાર વાગ્યે જાઉં.

મમ્મી રસોડામાં હતી. કાર ઘરની બહાર ખુલ્લામાં પાર્ક કરેલી હતી, તેના પર તડકાથી તેને બચાવવા માટે કવર ઢાંકેલું હતું. મને ખબર હતી એ કામ પપ્પાએ જ કર્યું હશે. કેમકે પપ્પા ક્યારેય કારનુ કોઈ કામ કોઈના ભરોસે છોડીને ન જાય અને એમાય એમની કારની ખાસ દુશ્મન એવી મમ્મીને ભરોશે તો નહી જ! અમે ઘરમાં બહુ ઓછા લોકો હતા એટલે કારને સભ્યમાં ગણી લેતા.

નવેક વાગી ગયા હતા ઉઠવામાં એ પરથી હું સમજી ગઈ કે હું લગભગ રાતે બે એક વાગ્યે ઊંઘી હોઇશ. હોસ્ટેલમાં બાર વાગ્યા સુધી જાગતા તોયે હું સવારે સાતના ટકોરે ઉઠી જતી. મને બારેક વાગ્યા સુધી જાગવાની આદત હતી પણ એથીયે લેટ ઊંઘી હોઈશ એટલે જ સવારે મોડી ઉઠી.
લગભગ એકાદ અઠવાડિયું મને હોસ્ટેલ અને એ મોટા શહેરની યાદ આવી, આમ તો કાઈ યાદ કરવા જેવું મારી પાસે ન હતું, બસ હોસ્ટેલની એકાદ બે સારી ગણી શકાય તેવી બહેનપણીઓ સિવાય.
એક અઠવાડિયામાં હું ફરીથી મારા ઘરમાં સેટ થઇ ગઈ, પોતાના શહેરમાં સેટ થઇ ગઈ. ત્યારબાદ પપ્પાને વેકેશન મળ્યું ને અમે ફરીથી રાજસ્થાન ફરવા ગયા- ત્રણ દિવસ માટે.

ના, આ વખતે અમારી કારે અમને હેરાન ન કર્યા. એ ત્રણ દિવસ મારા માટે યાદગાર રહ્યા અને ત્યારબાદ આખું વેકેસન ક્યારે પસાર થઇ ગયું ખબરે ન પડી, પપ્પાને વેકેશન હતું એટલે હું, મમ્મી અને પપ્પા આખો દિવસ સાથે જ હોતા, અને પોતાના લોકો સાથે સમય બહુ ઝડપી જાય છે.
અંતે એ દિવસ આવી ગયો જેને હું સારો અને ખરાબ એમ બંને તરીકે નોધી શકું, સારો દિવસ એટલા માટે કે એ દિવસે મારી કપિલથી મુલાકાત થઇ અને ખરાબ દિવસ એ માટે કે એ મારો કોલેજનો પહેલો દિવસ હતો અને પહેલા જ દિવસે મારા અને કપિલ વચ્ચે અણબન થઇ હતી.
એ દિવસે પણ હું એ જ સપનું જોઇને ઉઠી હતી, એજ હાથને મેં મારી કમર ફરતે વિન્ટળાતા જોયો હતો અને એ જ હોઠોના ચુબન મેળવીને મારા ગાલે લાલી મેળવી હતી. પણ બધુ જ સ્વપ્નમાં. એ કયારે હકીકત બનશે એ વિચારો સાથે હું બેડમાંથી ઉભી થઇ.

હું બહુ જ ખુસ હતી, મારી ખુશીના બે કારણો હતા. એક તો રોજ દેખાતું એ સ્વપ્ન અને બીજું એ મારો કોલેજનો પહેલો દિવસ હતો. હું કેમ ખુશ ન હોઉં હું મમ્મી પપ્પાને મારી જીદ મનાવી એ કોલેજમાં આવી હતી. હું કોલેજ જવા જેટલી ઉત્સાહિત હતી એટલી નર્વસ પણ હતી કેમકે એ કોલેજનો પહેલો દિવસ હતો. મારા મનમાં સતત વિચારો ઘૂમરી લઈ રહ્યા હતા. હું કોલેજના પહેલા દિવસને લઈને જરાક ડરતી હતી.

પપ્પા મને કોલેજના દરવાજા સુધી છોડી ગયા હતા, વાતાવરણ જરાક તોફાની હતું એમ લાગતું હતું જાણે હમણાં વરસાદ ચાલુ થઇ જશે, જંગલ પાસેના અમારા વિસ્તારમાં વરસાદ વધુ રહેતો. હું એ દિવસે મારા પેન્સિલ નેરો જીન્સ અને પરપલ ટોપમાં હતી, પરપલ મારો ફેવરીટ કલર હતો, અને એ ટોપ પણ. એ ટોપ મમ્મીએ મને ગયા બર્થ-ડે પર ગીફ્ટ કર્યું હતું. હું એ જયારે હોસ્ટેલમાં પહેરતી ત્યારે મારો દિવસ સારો જતો એટલે હું એને લકી માનતી, આમેય મમ્મીએ ગીફટમાં આપેલી ચીજ લકી જ હોય! આજે કોલેજમાં પહેલો દિવસ હતો એટલે હું એ લકી ટોપ પહેરીને ગઈ.
હું કોલેજના મેઈન ગેટ પાસે પહોચી, મારી નજર કોલેજના બિલ્ડીંગ પર ગઈ, જયારે હું અહી રહેતી અને અમે કોલેજ આગળથી પસાર થતા ત્યારે મોટી લાગતી એ બિલ્ડીંગ મને નાની અને સામાન્ય લાગી, કેમકે હું એને મુંબઈની કોલેજ બિલ્ડીંગ સાથે સરખાવી રહી હતી, સાચું છે દરેક વસ્તુ એમની એમ રહે છે બસ એને જોવા વાળી દ્રષ્ટિ બદલાઈ જતા એ બદલાયેલી લાગે છે.
હું એ નાનકડી દેખાતી કોલેજ બિલ્ડીંગમાં દાખલ થઇ, મને પપ્પા ડ્રોપ કરવા આવ્યા હતા એટલે મારે બીજોની જેમ પાર્કિંગ લોટમાં જવાની કોઈ માથાકૂટ ન હતી. તમારી પાસે ટુ વીલર કે ફોર વિલાર ન હોય એનો બસ આ એક જ ફાયદો છે.

મારા ચહેરા પર એક સ્મિત હતું, કેમ ન હોય એ મારો કોલેજનો પહેલો દિવસ હતો. એકાએક મને લાગ્યું કયાંકથી મને કોઈ દેખી રહ્યું હતું. મેં એજ બે આંખોને મને જોતા અનુભવી જે આંખો મારા સપનામાં આવી મને અનહદ પ્રેમ કરતી હતી. મેં ચારે તરફ એક નજર દોડાવી, કોઈ ન હતું, મેં ખુદને જ એક સ્મિત આપ્યું અને આગળ વધી.
મારે ઓફીસ શોધવા માટે ઘણી મેહનત ન કરવી પડી. અંદર પ્રવેશતા જ મને સામેની ડાબી તરફ રહેલ એક રૂમ પર કાર્યાલય લખેલું જુનું પાટિયું દેખાયું.

હું ઓફિસમાં દાખલ થઇ, ઓફિસમાં ત્રણ જુના અને મોટા ટેબલ હતા એ જોતા જ મને લાગ્યું કે કદાચ એ મારા ઘર પાછળના જંગલના વૃક્ષોને કાપીને બનાવાયા હશે. એ વિશે મારા મને વધુ વિચાર્યું નહી કેમકે વિચારવા માટે મારી પાસે એ દિવસે ઘણું બધું હતું, મારો કલાસ ક્યાં હશે? કલાસમાં કેવા વિદ્યાર્થીઓ હશે? મારી પાટલી પર બીજું કોણ હશે? પહેલો દિવસ કેવો જશે? હું મારો પરિચય આપતી વખતે ગભરાઈશ તો નહી ને? વગેરે વગેરે વગેરે…. કોલેજના પહેલા દિવસે એક સામાન્ય છોકરીના મનમાં જે પ્રશ્નો હોય એ બધાજ પ્રશ્નો મારા મનમાં હતા.
“ન્યુ એન્ટ્રી?” વચ્ચેના મોટા ટેબલ પાછળ બેઠેલ એવા જ મોટા શરીરવાળી એક મેડમે મારી તરફ જોઈ પૂછ્યું.

મેં માત્ર હકાર ડોકું ધુણાવ્યું. મને ખાસ મનમાં જ બોલવાની આદત હતી, કોઈના સામે હું ઓછુ જ બોલતી, ઓછુ બોલી શકતી એમ કહીએ તો વધુ સારું અને વધુ સાચું ગણાય.
“યોર ગુડ નેમ?” મેડમે પોતાના ચશ્મા જરાક ઊંચા કરતા પૂછ્યું.
“નયના મેવાડા.” મેં કહ્યું. હું સુથાર હતી, પિતાજીએ દાખલામાં સુથારને બદલે મેવાડા અટક લખાવેલી. સારું જ હતું. મને મેવાડા થોડુક ઇમ્પ્રેસિવ લાગતું. બીજા કોઈને લાગતું કે નહિ એ ખબર નહી.
મેં પોતાનો ટૂંકો પરિચય આપ્યો એટલે એ મેડમ પોતાના ટેબલ પર પડેલ એક લાલ પાકા પુંઠાના ચોપડાને ફેદવા લાગી, લગભગ પાંચેક મિનીટ હું ચુપચાપ ઉભી રહી ત્યારબાદ એ મેડમેં ઉપર જોયું, એ મારી આરપાર જોતા હોય એમ ઘડી પર મને જોઈ રહ્યા, હું નર્વસ ફિલ કરતી હતી, પણ ત્યાં ઉભા રહ્યા વગર કોઈ છુટકો જ ન હતો.

એક તો એ મેડમને મારું નામ રજીસ્ટરમાંથી શોધતા આટલો સમય કેમ લાગ્યો એ મને નવાઈ લાગી કેમકે કોલેજમાં માંડ સાડા ત્રણ સો સ્ટુડેંટસ હતા. એમાં મારા ક્લાસમાં હશે તો માંડ પચાસ, અને એમાય નવા આવનાર કેટલા? બે કે ચાર? તો એ બે કે ચાર નામમાંથી મારું નામ શોધતા એમને કેમ પાંચ મિનીટ થઇ હશે? મેં વિચાર્યું. મેં આગળ કહ્યું એમ મને દરેક વાતે વધુ વિચારવાનો એક રોગ હતો!
“તું હરેશભાઈ મેવાડાની દીકરીને?” એમણે પ્રશ્ન કર્યો, એમની આંખો હજુ મારું અવલોકન કરી રહી હતી, એ આંખો જરા અજીબ હતી. ભૂરી હતી કે કાળી એ જ નક્કી કરવું મુસ્કેલ હતું. કઈક તો અલગ હતું જ એ આંખોમાં. પણ શું? હું જાણી ન શકી.
“હા.” મેં ટૂંકો જવાબ આપ્યો.

અમારું શહેર નાનું એટલે લગભગ બધા એકબીજાને ઓળખતા જ હોય, અને આમેય પપ્પા જંગલ ખાતામાં નોકરી કરતા એટલે જયારે કોલેજની પીકનીક ગોઠવાય એમની જ મદદ લેવાતી. એ કોલેજના વિધાર્થીઓ માટે કેમ્પીંગ લાયક જગ્યા શોધી આપતા અને અધિકારીઓ જોડેથી લોગ ફાયરની પરવાનગી પણ. કોલેજ કેમ્પીંગમાં પપ્પા મદદરૂપ થતા એટલે કોલેજનો મોટા ભાગનો સ્ટાફ પપ્પાને ઓળખતો.
“આ કાર્ડમાં તે ભરેલા તાસની નોધ કરાવવાની, ટીચરની સાઈન કરાવવી જરૂરી છે, સેમ પૂરું થાય ત્યારે એ કાર્ડ જોઈ તારું પ્રોગ્રેસ રીપોર્ટ બનશે.” કહી મેડમે મારા તરફ એક આછા વાદળી કલરનું કાર્ડ ધર્યું.

“હા, સમજી ગઈ.” કહી મેં એ કાર્ડ એમના હાથમાંથી લીધું. એમના હાથમાંથી કાર્ડ લેતી વખતે મારું ધ્યાન એમની ત્રીજી આંગળીમાં પહેરેલ રીંગ પર ગયું. એ રીંગ ચાંદીની હતી ને એના પર કોઈ એક નક્ષત્ર કંડારેલું હતું, મેં યાદ કરવાનો પ્રયત્ન કર્યો કે એ કયું નક્ષત્ર હતું પણ મને યાદ ન આવ્યું, બસ મેં ન્યુઝપેપરમાં ગયા બુધવારે જ એ ચિત્ર જોયું હતું એટલે મને ખબર હતી કે એ કોઈ નક્ષત્રનું ચિહન હતું. કદાચ ગુજરાત સમાચારની ધર્મ-લોક પૂર્તિમાં જ મેં એ જોયું હતું. પણ હું સ્યોર ન હતી.
“ડાબી તરફનો ત્રીજો રૂમ.” એમણે કહ્યું એટલે હું એ નક્ષત્રના વિચારોમાંથી બહાર આવી.

“થેન્ક્સ, મેમ.” કહી હું કાર્યાલયમાંથી બહાર આવી.
મારા મનમાં હજી એજ પ્રશ્ન ઘૂમરી લઇ રહ્યો હતો એ કયું નક્ષત્ર હતું? કુલ કેટલા નક્ષત્ર હોય છે? એ મેડમ ઊંચા પગારની નોકરીમાં હતા, જુના ક્લાર્ક હતા એટલે ચાલીસેક હજાર પગાર તો હોય જ, તો એમને ચાંદીની વીંટી કેમ પેહરી હશે? કોઈ સ્ત્રી સોનાના દાગીના પહેરવા સક્ષમ હોય તો એ ચાંદીની વીંટી કેમ પહેરે? અને પહેરી તોયે એમના પતિના નામના સ્પેલિંગનો પહેલો લેટર વીંટી પર હોવો જોઈએ, એ વીંટી પર નક્ષત્ર શું કરતુ હતું? કોઈ જ્યોતિષે સલાહ આપી હશે. ધન પ્રાપ્તિનો નુસખો કે પછી કોઈ સમસ્યામાંથી છુટકારો મેળવવાનો ઉપાય??

એવા કેટલાયે પ્રશ્નો સાથે લાંબા કોરીડોરને ચીરતી હું મારા કલાસ, ડાબી તરફના ત્રીજા રૂમ તરફ ગઈ. મને ફરી એકવાર થયું મને કોઈ જોઈ રહ્યું હતું, મેં એકાએક પાછળ ફરી તેને પકડી પાડવાનું વિચાર્યું, હું જાટકે પાછળ ફરી પણ કોઈ ન હતું. હું ફરી મારી જાત પર એકવાર હસી અને આગળ વધી પણ મને મારા સપનામાં દેખાતા એ સોદાગરની સુગંધ ત્યાં મહેસુસ થઇ રહી હોય એવું લાગી રહ્યું હતું…..!!!!!

***

હું નક્ષત્ર વિશેના બધા પ્રશ્નોને મારા મનમાંથી બહાર કાઢી મારા કલાસમાં દાખલ થઇ. કલાસમાં પ્રવેશતા જ મેં કેટલીયે આંખોને મારા તરફ ફેરવાતી જોઈ.

બસ આ જ મારી કમજોરી હતી. કોઈ મારી તરફ ધારીને જુવે એટલે મને ગભરાહટ થવા લાગતી. મને જરાક ડર લાગવા માંડતો, અને એમાય મારો સ્વભાવ શરમાળ હતો એટલે હું એ બધાની નજરથી બચવા પેલા મેડમે આપેલા કાર્ડને જોતી રહી. કાર્ડ તરફ જોવાનો ડોળ કરતા મેં મારી આંખના ખૂણેથી કલાસ પર નજર ફેરવી, કલાસમાં બધા રેન્ડમલી બેઠેલ હતા, છોકરા છોકરીઓ અલગ અલગ બેઠેલ ન હતા, પણ એ મારા માટે પ્રોબ્લેમ ન હતો. હું મોટા શહેરમાં ભણી હતી જ્યાં બધા રેન્ડમ જ બેસતા, અને આમેય ત્યાં સાડા ત્રણ હજારમાંથી કોઈ છોકરાએ ક્યારેય મારા તરફ ખાસ ધ્યાન નહોતું આપ્યું તો અહી તો હતા જ ક્યાં? માંડ સાડા ત્રણસો, એય છોકરા છોકરીઓ ભેગા મળીને!

મને કોઈ છોકરી જોડે સીટ ખાલી દેખાઈ નહી, વર્ગમાં આઠ છોકરીઓ હતી જે ડાબી તરફ પોતપોતાના મિત્રો સાથે ગોઠવાયેલી હતી. મને એક બેંચ પર એક સીટ ખાલી દેખાઈ, બધી જ બેંચ બે જણ બેસે એવી હતી, એ બેંચ પર એક છોકરો જ બેઠો હતો, એક સીટ ખાલી હતી.

હું એ બેંચ તરફ જવા લાગી, ચાલતી વખતે પણ હું બધાની નજરથી બચવા પેલા કાર્ડને જોઈ રહી હતી, એમાંથી કઈક વાચતી હોઉં એવો ડોળ કરી રહી હતી, બાકી એ કાર્ડ એકદમ કોરું હતું એમાં કશુ જ લખેલું ન હતું, પણ ત્યારે મને એ ખયાલ ન હતો આવ્યો કે બધાને પહેલે દિવસે જ આ કાર્ડ મળ્યું હતું એટલે બધા જાણતા હતા કે એ કોરું હોય છે એમાં વાંચવા માટે કશું હોતુ જ નથી. પણ સારું જ થયું કે મને એ દિવસે એ ખયાલ ન આવ્યો એટલે એ બોરિંગ કાર્ડને હું કોઈ રસપ્રદ પુસ્તકની જેમ વાંચતી હતી!

હું એ બેચ પાસે પહોચું એ પહેલા જ મારો પગ એક છોકરાએ બાજુ પર રાખેલ બેગ સાથે અથડાયો ને હું સંતુલન ગુમાવી બેઠી, માંડ એક બેંચનો ખૂણો પકડી મેં મારી જાતને પડતા બચાવી, ત્યારે મને ભાન થયું કે બધાની નજરથી બચવા હું એ કાર્ડમાં કઈક વધારે જ ઘુસી ગઈ હતી.
મને મારી પાછળની બેંચ પરથી બે ત્રણ છોકરીઓના હસવાનો અવાજ સંભળાયો. પણ હું એ તરફ ધ્યાન આપ્યા વગર જ પેલી ખાલી સીટ પર ગોઠવાઈ ગઈ. મને આદત પડી ગઈ હતી લોકોને મારા પર હસતા જોવાની. દરેક વખતે એવુ જ થાય છે, નવી આવનાર છોકરીની હાંસી ઉડાવનાર કોઈ છોકરો નથી હોતો પણ કલાસની કોઈ જૂની છોકરી જ હોય છે અને પછી એને જોઇને બીજાય એવું કરતા શીખે છે.

હું બેંચ પર બેઠી એટલે એ છોકરો બેંચ પર પોતાની તરફ જરાક ખસ્યો એટલે મને બેસવા માટે પુરતી જગ્યા મળે. મેં એને થેન્ક્સ કહેવા એની તરફ જોયું, પણ એના ચહેરા પર મને ખુબજ ગુસ્સો દેખાયો, એના હાથની એક મુઠ્ઠી વળેલી હતીને એ બીજા હાથથી મજબુત રીતે બેન્ચને પકડીને બેઠો હતો. મેં મારું મો બંધ જ રાખ્યું મને એને અભાર કહેવાની હિમત ન થઇ, કેમકે હું પહેલાજ દિવસે કોઈનાથી ઈન્સલ્ટ થવા નહોતી માંગતી.
થોડીક વાર બાદ પ્રોફેસર કલાસમાં દાખલ થયા એમણે મારા તરફ જોઈ “નવું એડ્મીસન…..” એટલું પુછ્યું, પછી એમના કામે લાગી ગયા. તત્વજ્ઞાન સમજાવવા લાગ્યા. મને થયું કદાચ આ નાની કોલેજમાં નવા આવનારનો પરિચય કલાસને આપવાનો રીવાજ નહિ હોય, એક જ શહેરના હોય બધા એટલે એકબીજાને ઓળખતા જ હોય, ત્યાં કોઈ આમેય ક્યાં બહારથી ભણવા આવેલ હોય કે નવું હોય? બસ હુ જ એક મૂરખ હતી જે બહારથી આવી હતી.

પ્રોફેસર શર્માએ વિધાનની સત્યતા વિશે સમજાવવાનું શરું કર્યું.
“ધ ટ્રુથ વેલ્યુ ઓફ અ સેન્ટેન્સ ઈઝ ટ્રુ ઓર ફોલ્સ. અ સેન્ટેન્સ ઓફ ધ ફોર્મ ઇફ એ ધેન બી ઈઝ ટ્રુ અનલેસ એ ઈઝ ટ્રુ એન્ડ બી ઈઝ ફોલ્સ. ઇન ધીસ કેસ એ ઈઝ “2 ઈઝ ઇવેન” એન્ડ બી ઈઝ “દિલ્હી હેઝ અ લાર્જ પોપ્યુલેશન” આઈ વુડ ઇવેલ્યુંએટ ઈચ ઓફ ધીઝ એઝ ટ્રુ, સો ધ કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ ઈઝ ટ્રુ.”

એ પ્રોફેસરનું નામ અમિત શર્મા હતું. એ મને કોલેજના ત્રીજે દિવસે ખબર પડી હતી. એ પણ કિંજલે કહ્યું ત્યારે. અહી નવા વિધાર્થીને પોતાનો પરિચય આપવાનો કે પરિચય કરાવવાનો એકેય રીવાજ ન હતા. હા કિંજલ પહેલાજ દિવસે લંચ બ્રેક દરમિયાન બનેલી મારી પહેલી ફ્રેન્ડ હતી.
શર્મા સર જે સમજાવે એ હું પહેલા પણ શીખેલી હતી, મને વિધાનની સત્યતા, સત્યતા કોઠા, એકદેશી અને સર્વદેશી વિધાન વિશે પહેલેથી જ ખયાલ હતો. અહી કોઈ પણ ટોપિક ચાલુ થાય ત્યારે બેઝીકથી જ ચાલુ થતો, પહેલા વરસે શીખ્યા હોઈએ એ બધું પહેલા રીપીટ થાય ને પછી નવું શીખવે. મેં મારી બાજુમાં બેઠેલ છોકરા તરફ આંખના ખૂણેથી નજર કરી, હું જોવા માંગતી હતી કે એ હવે ગુસ્સામાં છે કે નહિ, એના ચહેરા પર ગુસ્સાના ભાવ એમ જ અકબંધ હતા. મેં ફરી શર્મા સર તરફ નજર કરી, એ બધું ધ્યાનથી સાંભળતી હોઉં એવો ડોળ કરવા લાગી.

“કોઈ પણ વિધાન માટે બે જ સંભાવનાઓ હોય છે. કા’તો એ સાચું હોય છે કા’તો એ ખોટું હોય છે. જો વિધાન ‘એ’ સાચું છે તો એ ખોટું નથી અને જો વિધાન ‘એ’ ખોટું છે તો એ સાચું નથી. વિધાનનું સત્યતા મુલ્ય ‘ટી’ (ટ્રુ) અથવા ‘એફ’ (ફાલ્સ/ફોલ્સ) બેમાંથી એક જ હોઈ શકે. ત્રીજી સંભાવનાનો તત્વજ્ઞાનમાં કોઈ અવકાશ નથી. ઉદાહરણ તરીકે 2+૩=૫ નું સત્યતા મુલ્ય ‘t’ છે એટલે તે વિધાન સાચું છે માટે એ વિધાનનું સત્યતા મુલ્ય ‘f’ ન હોઈ શકે એટલે કે એ ખોટું ન જ હોઈ શકે.”

શર્મા સર જે ભણાવી રહ્યા હતા એમાં મારું જરાયે ધ્યાન ન હતું. પુસ્તકમાં સરળ વસ્તુને અઘરી કરીને લખવામાં આવે અને પછી ફરી શિક્ષક એ અઘરી વસ્તુને સરળ કરી સમજાવે. મને નવાઈ લાગતી કે આ પુસ્તકો કોણ લખતું હશે? અને કેમ?
હું વિચારી રહી હતી કે કેમ એ છોકરો આટલો ગુસ્સામાં હશે? હું એની જોડે બેંચ પર બેઠી એટલે? એને મારી સાથે બેંચ શેર કરવી નહી ગમી હોય? ના,ના, હું એટલી પણ બદસુરત ન હતીં કે હું કોઈ છોકરા પાસે બેસું તોયે એને ગુસ્સો આવે. કોઈ મારા સાથે બેંચ શેર કરવા ન માંગે.

એ કેમ ગુસ્સે હશે એ વિચારોમાં જ શર્મા સરનું લેકચર પૂરું થઇ ગયું પણ મને મારા સવાલનો જવાબ ન મળ્યો. બીજું લેકચર નેહા મેમનું હિસ્ટ્રીનું હતું. મને હિસ્ટ્રીમાં ખાસ રસ ન હતો. ભૂતકાળમાં શું થયું એ જાણવાની મને કોઈ જ ખાસ જરૂર ન લાગતી. હિસ્ટ્રી ભણવાથી કોઈ ફાયદો થતો હોય તો બસ તમારું માથું દુ:ખવા આવે અને તમે જે કંપનીની પેનકિલર ટેબલેટ લો એ કંપની ને. કેટલું ઊંડું તત્વજ્ઞાન હતું હિસ્ટ્રી અને બાયોલોજી વચ્ચેનું. એમના વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હતો. હિસ્ટ્રીનો ફાયદો બાયોલોજીને થતો હતો!

હિસ્ટ્રીના મેમ હતા એટલે એ કલાસમાં આવ્યા એ પહેલાજ મેં વિચારી લીધું હતું કે મેમ બોરિંગ હશે પણ હું ખોટી ઠરી, મેમ બીલકુલ બોરિંગ ન હતા. આખી કોલેજમાં સૌથી સારા અને પ્રેમાળ હોય એવા એ નેહા મેમ જ હતા. કમસેકમ પહેલા દિવસે મારો કલાસને પરિચય આપવાનું કામ કરનાર પણ એ જ હતા.

નેહા મેમના લેકચર પછી લંચબ્રેક હતું. કલાસના બધા જ વિધાર્થીઓ બહાર કેફેટેરિયામાં લંચ માટે ગયા. મને કઈ ખાસ ભૂખ તો ન હતી પણ કદાચ કેફેટેરિયામાં કોઈક ફ્રેન્ડ બની જાય એ વિચારે હું કેફેટેરિયા તરફ ગઈ. કોલેજ નાની હતી પણ કોલેજની સરખામણીમાં કેફેટેરિયા ખાસું એવું મોટું હતું, મારી જૂની કોલેજમાં સાડા ત્રણ હજાર વિદ્યાર્થીઓ વચ્ચે હતું એવડું.

સાતેક જેટલા લાકડાના ટેબલ અને દરેક ટેબલ પાસે એવી જ જૂની લાકડાની ત્રણ ત્રણ ખુરસીઓ પડી હતી. હું પહેલા જ ટેબલ પર બેઠી. મને હજુ પણ એજ એહસાસ થઇ રહ્યો હતો જે મને કોલેજમાં પ્રવેશતા થયો હતો. મને ખબર નથી કેમ પણ મારી આંખો એ સપનામાં દેખાતા વ્યક્તિને શોધી રહી હતી, જોકે મેં એનો ચહેરો ક્યારેય સપનામાં પણ જોયેલ ન હતો એટલે એ મારી આસપાસ હોય તો પણ મારા માટે તેને ઓળખવો મુશ્કેલ હતું. બસ હું એને મહેસુસ કરીને જ ઓળખી શકું તેમ હતી. અને એ સમયે મને મહેસુસ થઇ રહ્યું હતું કે એ મારી આસપાસ જ ક્યાંક હતો…..!!!!!

હું કઈ મંગાવું એ પહેલા ગોળ ભરાવદાર ચેહરા અને બ્લોન્ડ હેરવાળી એક છોકરી મારી બાજુની ચેર પર આવીને ગોઠવાઈ, હું એનો ચેહરો ઓળખતી હતી એ મારા કલાસમાં જ હતી ડાબી તરફની ત્રીજી બેંચ પર, હા, એ મારા પર હસનાર છોકરીઓમાંની એક ન હતી.
“હાય, નયના.” એણીએ મારા તરફ જોઈ કહ્યું, એના અવાજમાં મીઠાશ હતી.
“હાય……” મેં એ રીતે લંબાવ્યું કે એ સમજી ગઈ કે હું એનું નામ જાણવા માંગું છું.

“આઈ એમ કિંજલ.” કોલેજ ગર્લમાં અંગ્રેજીનો ક્રેજ નાના શહેરોમાં પણ એટલો જ હોય છે જેટલો મોટા શહેરોમાં હોય.
“હાય કિંજલ.” મેં કહ્યું અને ત્યારબાદ અમે માતૃભાષા પર આવી ગયા.
“ન્યુ ઇન સીટી?” કિંજલે સ્વાભાવિક સવાલ કર્યો.
“નોટ એક્ચ્યુલી. હું અહીની જ છું પણ બહાર ભણતી હતી.”
“ધેન?”
“ઈટ ડઝ નોટ સુઈટ મી.” મેં કહ્યું.
“મારા સાથે બેંચ શેર કરી એ છોકરો કોણ છે?” મેં થોડીક આડાઅવળી વાત કરી થોડોક પરિચય કેળવી પૂછ્યું.

“યુ મીન કપિલ… એ પથ્થરની મૂર્તિ.” કિંજલે જરાક હસીને કહ્યું.
મને એનું નામ જાણવા મળ્યું કે એ કપિલ હતો.
“શું એ કાયમ ગુસ્સામાં જ હોય છે?” હું મારી જાતને પૂછતાં ન રોકી શકી.
“હા, જાતે જ જોઇલે ને એ બેઠો સામે ટેબલ પર.” કિંજલે કહ્યું.
મેં કિંજલે જે તરફ આંખો ફેરવી એ તરફ જોયું. ત્યાં કપિલ એના બે ત્રણ મિત્રો સાથે બેઠો હતો. એ બધા અંદરો અંદર કઈક વાત કરી રહ્યા હતા. એની સામેની ખુરસી પર બેઠેલ છોકરો એનાથી જરાક પાતળો હતો અને એના વાળ જોતા એવું લાગતું હતું કે આખી હેર જેલ એક અઠવાડિયામાં પૂરી કરતો હશે, એના વાળ શાહુડીના પીંછા જેવા ઉભા થયેલા હતા.
“ને એ કોણ છે?” મેં કિંજલને પૂછ્યું.

“કોણ એ શાહુડી?”
“હા.” મેં કહ્યું.
“એ રોહિત છે, આખી કોલેજમાં બસ એજ એનો મિત્ર છે, બાકી કોઈનાથીયે મેં હજુ એને વાત કરતા જોયો નથી.” કિંજલે માહિતી આપતા કહ્યું.
મેં ફરી એ તરફ એક નજર કરી, આ વખતે એણે પણ મારા તરફ જોયું, મેં જલ્દીથી નજર ફેરવી લીધી. હું ફરી કિંજલથી વાતો કરવા લાગી. પણ મારા આંખના ખૂણેથી હું વારેવારે એના તરફ જોયા કરતી હતી.
“તું નસીબદાર છે.” કિંજલે મને કહ્યું.

“કેમ?” મેં મારી આંખો જીણી કરી પૂછ્યું, મને નવાઈ લાગી કે આમ અચાનક વાતો કરતા કરતા કિંજલે મને નસીબદાર કેમ કહી.
“એ હેન્ડસમ તને જોઈ રહ્યો છે, કદાચ એ આ કોલેજમાં આવ્યા પછી પહેલીવાર કોઈ છોકરી તરફ જોઈ રહ્યો છે.” કિંજલે કહ્યું.
“એ મારા પર ગુસ્સે છે એટલે ઘૂરી રહ્યો છે, મને જોઈ નથી રહ્યો.” મેં કહ્યું.
“કેમ?”
“એ તો મને ખબર નથી પણ હું એના પાસે જઈને બેઠી ત્યારથી એ ગુસ્સામાં જ દેખાય છે.” મેં કહ્યું.

“એ રોજ એમ જ હોય છે, ક્યારેક ક્યારેક તો કોઈ કારણ વગર કોલેજ છોડીને જતો રહે છે, ઘણીવાર તો ચાલુ લેક્ચરે પણ…..”
“એ બંક કરે છે?”
“ના, જરાક અલગ. એ ક્યારેય કોઈની સાથે કોલેજ બંક નથી કરતો. હમેશા એકલો જ ક્યાંક ગાયબ થઇ જાય અને ક્યારેક ક્યારેક તો અઠવાડિયા કે દસ દિવસ સુધી ફરી દેખાતો જ નથી.”
“પ્રોફેસર એ ચલાવી લે છે?” મેં સવાલ કર્યો, મને નવાઈ લાગી. ચાલુ લેકચર છોડીને જવાની તો હવે કોઈ સામાન્ય કોલેજે પરવાનગી નથી આપતી, ત્યા પણ લેકચર પૂરું થયા પછી જ નીકળવા મળે છે તો આ તો રેપ્યુટેડ કોલેજ હતી.

“ક્લાર્ક મીના બહેન એના મમ્મી છે, તને એમણે જ એ કોરું કાર્ડ આપ્યું હશે જે તું કલાસમાં આવી ત્યારે વાંચતી હતી.” કિંજલે મજાક કરતા કહ્યું.
“હા, મેં એમને જોયા છે.” મેં કહ્યું, હું કોરું કાર્ડ વાંચતી હતી એ બધાને ખબર હતી એ જાણીને મને જરાક સંકોચ થયો, મારા ગાલ પર જરાક લાલાશ આવી ગઈ. આ પણ મને મમ્મી તરફથી વારસામાં મળેલ હતું શરમ અનુભવીએ ત્યારે ગાલ લાલ થાય અને ડર લાગે ત્યારે આંસુ આવી જાય. જીવનમાં મને કોઈએ બહાદુર બનાવી હોય તો એ હતો કપિલ, એણે જ મને સમજાવ્યું હતું કે ડર એ એક કમજોરી છે જેમાંથી બહાર આવવું જ પડે છે.

“એ હવે મને જોઈ રહ્યો છે?” મેં પૂછ્યું.
“ના એ તો એકાદ મિનીટ પહેલા જ એ ટેબલ પરથી ચાલ્યો ગયો છે.” કિંજલે કહ્યું.
મેં એ તરફ જોયું, એ સાચેજ ત્યા ન હતો, એ ટેબલ બિલકુલ ખાલી હતું. મેં એ ટેબલ તરફથી નજર હટાવીને કિંજલ તરફ ધ્યાન આપ્યું ત્યારે એક બીજી છોકરી એની પાસે આવી.

“હાય કિંજલ.” કહી એક ઉંચી અને ભૂરા વાળવાળી છોકરી કિંજલ પાસે આવી ઉભી રહી.
કિંજલે તેને “હાય અશ્વિની, લાઈક ટુ સીટ વિથ અસ? થી વળતો જવાબ આપ્યો.
“નો થેન્ક્સ.” અશ્વિનીએ કહ્યું. ત્યારબાદ એણીએ મારી તરફ જોયું, એ જ આંખો એની આંખો ક્લાર્ક મેમ જેવી જ હતી, અને એની મને જોવાની રીત પણ, એવું લાગતું હતું જાણે કે એ મારા શરીર આરપાર કઈક જોઈ રહી હોય..!!!

“હાય, નયના.” અચાનક એને લાગ્યું હોય કે હું એના એમ જોવાથી ગભરાઈ રહી છું એમ એણીએ નજર જરાક ટેબલ તરફ કરી કહ્યું.
“હાય, અશ્વિની.” મેં કહ્યું. પણ એ પહેલા એ પાછળ ફરીને અમારી તરફ બાય કહેવા સ્ટાઈલથી હાથ હલાવતી ચાલી નીકળી. મારું ધ્યાન એના હાથ પર ગયું, એના હાથની ત્રીજી આંગળીમાં પણ એજ ચાંદીની વીંટી હતી, અને એ વીંટીમાં એજ નક્ષત્ર કંડારેલું હતું, એક સાપ જેવું પાંખોવાળું એક પ્રાણી એની વીંટી પર કંડારેલું હતું. મને હવે આ કોલેજ અને કોલેજના લોકો વિચિત્ર લાગતા હતા….. એક ગજબ ભય મારા મનમાં ઠંડી હવાના લખલખા જેમ ઘૂમી રહ્યો હતો….. કૈક અનિષ્ઠ થવાનો અણસાર મને મારી ઈન્દ્રીઓ આપી રહી હતી…..

લેખક : વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

(ક્રમશ: વધુ આવતી કાલે…..)

દરરોજ રાત્રે 9 વાગે વાંચો નવો ભાગ..

ટીપ્પણી