“નક્ષત્ર” – આજે વાંચો આ અદ્ભુત નવલકથાનો અંતિમ ભાગ..

વાંચો પ્રકરણ 4   વાંચો પ્રકરણ 5 વાંચો પ્રકરણ 6 વાંચો પ્રકરણ 7   વાંચો પ્રકરણ 8  વાંચો પ્રકરણ 9 વાંચો પ્રકરણ 10 વાંચો પ્રકરણ 12  

પ્રકરણ – 13…..

ભેડાઘાટ પરથી પસાર થતા વાદળોના પડછાયા અવાર નવાર બધાના ચહેરા પર અંધકાર ફેલાવીને ગાયબ થઈ જતા હતા. મારા જીવનમાં તો આમેય અંધકાર થઇ ગયો હતો એટલે ઉપરના વાદળો ખસે કે રહે એનાથી મને ખાસ કાઈ ફર્ક પડે તેમ ન હતો. આ ઘાટ વિશે મેં ઘણું સાંભળ્યું હતું, પપ્પા કહેતા કે આ જંગલ એવું છે કે અહીના કોઈ ઘાટ પર વોલ્ફ કે શિકારી કૂતરાઓનો કોઈ ડર નથી. આ જંગલ કોઈ પણ પ્રવાસી માટે સલામત છે પણ મને અહી ભેડીયાઓના પેક દેખાતા હતા, શિકારીઓ આમ તેમ ફરી રહેલ દેખાતા હતા મને અહી કોઈ સલામતી નહોતી દેખાઈ રહી.

કપિલને ફોન કર્યા બાદ એ લોકો કઈક તૈયારી કરવા લાગ્યા.
“ફેચ ઓલ ધેટ હિયર.” ડોક્ટર માથુરે તેના બે માણસોને આદેશ આપ્યો.
“યસ, બોસ.” કહી એ બંને કાળી સ્કોર્પીઓમાંથી કેટલીક ચીજો બહાર લઈ આવ્યા.

મેં એ શું લાવી રહ્યા હતા એ તરફ નજર કરી. એ લોકો એક બેગ કારમાંથી લઇ આવ્યા. એમાં શું હતું એનો અંદાજ તો મને ન આવી શક્યો. પણ જયારે ડોકટરે એ બેગમાંથી કેટલીક ચીજો બહાર કાઢી પોતાના દરેક માણસોમાં વહેચી. મેં અંદાજ લગાવ્યો કે એમાં હથિયાર હશે. કોઈ ખાસ હથિયાર જે કપિલને મારવા માટે…?? અને મારા શરીરમાંથી ઠંડીનું એક લખલખું પસાર થઇ ગયું. મારા મનમાં અમંગળ વિચારો ચકરી લેવા માંડ્યા. મને મારા મરવાની ડર ન હતી પણ કપિલ… મને ડર હતો કે એ લોકો ક્યાંક કપિલને…?

હું જાણતી હતી કે એકવાર ભેડા પર આવ્યા બાદ જો આ શિકારીઓએ પૂરી તૈયારીઓ કરેલ હશે તો કપિલ માટે જીવતા નીકળવું અશક્ય હતું કેમકે આ ટેકરી એક વિશાળ ખાઈથી ઘેરાયેલ હતી, જે પશ્ચિમમાં વિસ્તરે છે જે ચોમાસા દરમિયાન છલકાઈને રહે છે એટલે ત્યાંથી નીકળવું અશક્ય હતું અને એક તરફની કિનારે રહેલ નદી ગાંડી બનીને વહે છે જ્યાંથી જીવતે જીવ નીકળવાનું વિચારનાર કોઈ મુર્ખ જ હોય એક તરફનો રસ્તો જ્યાંથી અમે આવ્યા હતા અને એક ઉપરનો માર્ગ જ્યાંથી એ કાળી સ્કોરપીઓ આવી હતી એ બંને માર્ગ એમના દ્વારા બ્લોક થયેલ હતા. ત્યાં જગ્યા જગ્યા પર શિકારીઓનો પહેરો લાગેલો હતો અને મને લાગતું હતું ત્યાં સુધી એ બધા જાદુગર અને એક નાગનો શિકાર કરવામાં માહિર હોય તેવા લોકો હતા….!

હું ઘણી મહેનત કરીને કપિલને કઈ થઇ જશે એ વિચારોને મારાથી દુર રાખી રહી હતી. પણ એ મુશ્કેલ હતું, માનવ મનની એક ખામી છે. એને જે ન વિચારવું હોય એજ વિચાર એમાં આવે છે. આમ તો કહી શકાય છે કે હકારાત્મક વિચારો રાખવા પણ સંકટના સમયે એ બધુ નથી કરી શકાતું, માત્ર અને માત્ર નકારાત્મક વિચારો જ આવે છે. નિરાશા મનને ઘેરી વળે છે, દુર દુર સુધી કોઈ આશ નથી દેખાતી… હોય છે તો બસ અંધકાર.. અનંત.. અવિરત.. અંધકાર…!!

જે ભેડા ઘાટ મને હમેશા ફ્રેન્ડલી લાગતો હતો એ મારા માટે એકદમ અજાણ્યો બની ગયો હતો. જે સ્થળ મને ચાંદનીમાં પણ સુંદર લાગતું એ સ્થળ મને દિવસના ઉજાસમાં પણ ભેકાર ભાષી રહ્યું હતું. જે વ્રુક્ષો મને ભવ્ય અને સુંદર લગતા એ મને નિર્જીવ અને બિહામણા લાગી રહ્યા. મને લાગી રહ્યું હતું જાણે હું કોઈ ભૂતિયા ફિલ્મના ડરાવણા જંગલમાં ઉભી હતી અને મારી ચારે તરફ ઉભેલા માણસો મને શિકારીઓના ઝુંડ જેવા લાગી રહ્યા હતા.
“કપિલ આવી રહ્યો છે આનું મો ખોલી નાખો.” કિંજલે નીલ તરફ જોઈ કહ્યું.

મારું મો બંધ હતું પણ આંખ-કાન ખુલ્લા હતા. મેં ઉપરના રસ્તા તરફ નજર કરી. એક કાર આવી રહી હતી. હું એ કારને ઓળખતી હતી, એ કપિલની રીટ્ઝ હતી.
મારા હ્રદયના ધબકારા વધવા લાગ્યા, હવે શું થશે? કપિલ અહી આવશે ત્યારબાદ આ લોકો એની સાથે શું કરશે?? શું મને બચાવવા માટે કપિલ પોતાનો જીવ આપશે? શું કપિલ વિના હું જીવી શકીશ?? મારા છેલ્લા સવાલ સિવાય કોઈ જવાબ મારી પાસે ન હતા અને છેલ્લા સવાલનો જવાબ હું જાણતી હતી કે કપિલ વિના હું જીવી શકીશ નહિ.

“કેમ?” નીલ મારું મો ખોલે એ પહેલા જ કિંજલની મમ્મીએ કહ્યું. કદાચ એને મારું મો ખોલવાનો આઈડિયા નહી ગમ્યો હોય. મારા લીધે એને એક દિવસ મૂંગા બહેરાનું નાટક કરવું પડ્યું એટલે એ મને મૂંગી જ જોવા માંગતી હશે. એમાં એને ખુશી મળતી હશે. રીઅલ લાઈફમાં પણ વિલન લોકોને રીલ લાઈફના વિલન લોકો જેવા અજીબ શોખ હોય છે એ જાણી મને નવાઈ લાગી.

“કેમકે એમને એકવાર વાત કરવાનો મોકો તો આપવો જ પડશે ને?” કિંજલે મારા તરફ જોઈ કહ્યું, “બિચારા બદનશીબ પ્રેમીઓને ક્યાં ખાસ એક બીજાને જાણવાનો મોકો ય મળ્યો છે?”

એના ચહેરા પર એવા ભાવ હતા જાણે એ અમારા પર કોઈં મહેરબાની કરી રહી હોય. નીલે મારા મો પરથી ટેપ હટાવી નાખી. હું સમજી ગઈ કે કિંજલ મારું મો આમ જ ન ખોલે એની પાછળ પણ જરૂર એની કોઈ ચાલ હતી. પણ શું ચાલ હતી એ મને સમજાયું નહિ.

કપિલની રીટ્ઝ ભેડાથી જરાક દુર ઉભી રહી, એણે કારને સાઈડમાં પુલ ઓફ કરવાને બદલે જરાક વચ્ચે જ પુલ ઓફ કરી હતી, મને થયું કદાચ એ અહીથી નીકળવાનો કોઈ પ્લાન બનાવીને આવ્યો હશે અને એટલે જ એણે કારને એ રીતે પુલ ઓફ કરી હશે. પણ હું જાણતી હતી કે એ માત્ર મારી ખોટી હૈયા ધારણા હતી હું જાણતી હતી કે દરેક જાડીમાં એક શિકારી છુપાઈને બેઠો હતો. અહીંથી નીકળવું અશક્ય હતું.

કપિલ કારમાંથી ઉતરી કયારે ભેડા પર આવ્યો એ મને ધ્યાન પણ ન રહ્યું કદાચ એની આવવાની ગતી ન સમજાય તેવી હતી. કદાચ ઈચ્છાધારી નાગ હોવાને લીધે એનામાં કોઈક એવી શક્તિ હશે જે સામાન્ય માણસોની સમજ બહાર હોય. મને એક આશાનું કિરણ દેખાયું કે એનામાં પરામાનસ શક્તિઓ હશે જેની મદદથી અમે બચી જઈશું પણ બીજી જ પળે મનમાં હતાશા ફરી વળી કે ત્યાં ઉભેલ દુશ્મનો માના મોટાભાગના જાદુગરો અને મદારીઓ હતા જેમની ડીક્ષનરીમાં પરામાનસ કે પેરાનોર્મલ જેવા શબ્દો હતા જ નહિ!!!

“સ્વામી, આ ખેલ આપણા વચ્ચેનો છે નયનાને જવાદે એને તો હજી આ શહેરમાં આવ્યાને માંડ એક અઠવાડિયું થયું છે. અને આનાથી કોઈ લેવાદેવા નથી.” કપિલે આવતા જ કહ્યું, એ મારાથી થોડોક જ દુર હતો, લગભગ દસેક યાર્ડ જેટલો. એના શબ્દો પરથી મને ખયાલ આવી ગયો કે સ્વામી અને એ એકબીજાને સારી રીતે ઓળખતા હતા અને એમના વચ્ચે કોઈ જૂની દુશ્મની હતી.

એના ચહેરા પરના ભાવ ન કળી શકાય તેવા હતા કદાચ હું એક નાગના ચહેરાના ભાવ જાણી શકવા અસમર્થ હતી.
“એ ક્યારે શહેરમાં આવી એ મહત્વનું નથી પણ એણીએ તારા દિલમાં આવવાની ભૂલ કરી નાખી એ મહત્વનું છે.” સ્વામીએ કહ્યું, એના અવાજમાં કાઈ કેટલાય ભાવ ભળેલા હતા કે એના શબ્દો પરથી એના મનમાં શું ચાલી રહ્યું હશે એ ખયાલ આવી શકે એમ ન હતું. એક વાત તો નક્કી હતી એ માણસ કોલ્ડ બ્લડ હતો, કોલ્ડ બ્લડ કિલર.

“હું એને નથી ચાહતો બસ મારા લીધે કોઈ નિર્દોષ ન મરે એ માટે કહી રહ્યો છું.” કપિલે એક નિષ્ફળ પ્રયત્ન કર્યો મને બચાવવાનો. એણે મને બચાવવા માટે કહ્યું કે એ મને નથી ચાહતો છતાં મને ખુબ જ દુ:ખ થયું, હું જાણતી હતી કે જુઠ્ઠું બોલી રહ્યો હતો છતાં મને થયું મને ચાહતો નથી એમ કહેવા કરતા એણે મને મરવા દીધી હોત તો સારું.

“તો એનું મન કઈ રીતે વાંચી શકે છે, એક નાગ જેને પ્રેમ કરતો હોય એનુ જ મન વાંચી શકે છે.” કિંજલે એકાદ કદમ આગળ જઈ કહ્યું.
“તું એક નગીન છે? નાગિન સિવાય કોઈને ખબર ન પડે કે હું એનું મન વાંચી શકું છું.” કપિલે નવાઈ પામી કહ્યું. મને પણ નવાઈ લાગી કે કપિલ પોતે એક નાગ હતો છતાં હજુ સુધી કિંજલ નાગિન છે એ વાતથી અજાણ કેમ હતો….???

“કપિલ, એ એક ઈચ્છાધારી નાગીન છે જેણીએ અશ્વિની અને રોહિતને માર્યા છે, એમણે મને પણ છેતરીને એ તાવીજ લઇ લીધું છે એમની કોઈ વાતનો ભરોસો ન કરીશ, એમની કોઈ વાત ન માનીશ.” મેં કપિલ તરફ જોઈ કયું.

“હું બધુજ સંભાળી લઈશ તને કઈ નહી થાય.” કપિલે મારી તરફ જોઈ કહ્યું, એટલે દુરથી પણ મને એના ચહેરા પરથી દેખાઈ આવતું હતું કે એ મને ખોટો દિલાશો આપી રહ્યો છે. પણ હું એને કઈ રીતે કહું કે મને પોતાને કાઈ થવાની નહિ પણ એને કાઈ ન થાય એની ફિકર હતી.
“સ્વામી એને જવાદે.. તારે જે જોઈએ છે એ મારી પાસે છે…” કપિલના અવાજમાં જરાક દઢતા હતી.

“સ્વામી મારી તરફ આગળ વધ્યો.. મને એમ કે કદાચ એ મારા હાથ ખોલવા માટે આવી રહ્યો છે પણ એણે મારી નજીક આવી મારા ગાળા પર પોતાની ઓપરેશન કરવાની પાતળી ધારવાળી બ્લેડ મૂકી. મેં એ બ્લેડની ધારને મારા ગાળા પર અનુભવી. મને લાગ્યું કે એ જરાક વધુ દબાણ આપશે તો મારું ગળું કપાઈ જશે.

“એને કાઈ થયું તો નાગમણી તને ક્યારેય નહી મળે.” કપિલે ચીસ. એ ચીસ કોઈ નાગિન ફિલ્મના નાગના ફૂંફાડા જેવી ભયાનક હતી.
તો આ બધું નાગમણી માટે હતું. મને હવે ધીમે ધીમે બધુ સમજાવા લાગ્યું હતું. તેઓ મને બેઈટ તરીકે વાપરી કપિલ પાસેથી નાગમણી લેવા માંગતા હતા અને એટલે પહેલે દિવસથી જ એમણે પોતાની તરફનું પ્લાનીગ શરુ કરી નાખ્યું હતું.

“જાણું છું અને તું એને બચાવવા નાગમણી મને આપશે એ પણ જાણું છું.” માથુરે ક્હ્યું.
હવે મને આખી વાત સમજાઈ રહી હતી, મેં ઇન્ટરનેટ પર સર્ચ કરી હતી, હું જાણતી હતી કે નાગ પાસે એક અમુલ્ય ચીજ હોય છે નાગમણી. એ પણ હજારોમાંથી એકાદ સારા ઈચ્છાધારી નાગ પાસે. એ લોકોને એ નાગમણી જોઈતી હતી.
“નાગમણી જોઈતી હોય તો એને છોડીદે. જો તું એને કાઈ પણ નુકશાન પહોચાડીશ તો હું અહીંથી કુદી જઈશ અને તને નાગમણી કયારેય નહી મળે.” કપિલે કહ્યું.

બીજી જ પળે કપિલ ત્યાંથી ગાયબ થઇ ગયો હતો, હવે એ મારી સામે ન હતો તે અમારા પાછળના ભાગમાં નદી તરફની ભેખડ પર હતો, એનામાં અદભુત શક્તિઓ હતી, એ ટેલીપોર્ટેશન જાણતો હતો, એ પોતાની જાતને વીજળીની ગતિએ એક સ્થળથી બીજે સ્થળે લઇ જાઈ શકતો હતો. એ મહદઅંશે ટેલીપથી પણ જાણતો હતો કેમકે એ મારું મન વાંચી શકતો હતો. કાશ એ ટેલીકાઈનેસીસ પણ જાણતો હોત!!! કદાચ એનામાં લેવીટેશન પાવર હોય તો પણ નવાઈ ન કહેવાય!!!
“એવું કરી તું એને બચાવી નહી શકે.” માથુરે ખંધુ હસતા કહ્યું.

“જાણું છું પણ એની સાથે મરી તો શકીશ.” કપિલે કહ્યું, મારી આંખોમાં આંશુ આવી ગયા કપિલ મને કેટલું ચાહતો હતો કાશ અમને આ દુનિયાએ સાથે જીવવા દીધા હોત તો. મને મળ્યાને હજુ માત્ર એક અઠવાડિયું જ થયું હતું અને એ મારા માટે પોતાનો જીવ આપવા તૈયાર થઇ ગયો હતો. કદાચ એ દુનીયાનો એવો પહેલો પ્રેમી હતો જે પોતાના પ્રેયસીના સુવાળા હ્થનો સ્પર્શ પણ અનુભવ્યા વિના તેના માટે મૃત્યુને વહાલું કરવા તૈયાર હતો. કપિલ અને હું હજુ એકબીજાની સાથે તો રહ્યા જ ક્યા હતા??? પણ અમારો પ્રેમ માત્ર એક અઠવાડિયાનો તો ન જ કહી શકાય કેમકે હું જેમ વર્ષોથી એને મારા સપનાઓમાં જોતી હતી એમ એ પણ મને એના સપનાઓમાં ઓળખતો થઇ ગયો હશે. નહિતર ચાર દિવસની મુલાકાત બદલ કોણ જીવ આપવા તૈયાર થાય??

“એ અંગુઠી ઉતારીને ફેકીદે પછી જ અમે એને છોડવાનું વિચારી શકીએ.” માથુરની બાજુમાં ઉભેલ બદસુરત માણસે કહ્યું, “જ્યાં સુધી તારામાં ટેલીપોર્ટેશન પાવર હોય અમે તારી વાતનો વિશ્વાસ કઈ રીતે કરી શકીએ?”

“કદંબ, તું એક મદારી છે, તું એવું ન કરી શકે તારી જાતિનું કામ દુષ્ટ નાગોને રોકવાનું છે ઈચ્છાધારી નાગોને અને નિર્દોષ લોકોને મારવાનું નહી.” કપિલે એ માણસ તરફ જોઈ કહ્યું, એ બદસુરત માણસનું નામ કદંબ હતું, એના દેખાવ પરથી એ કોઈ જાદુગર જેવો લાગતો હતો.
“હું એક જાદુગર છું અને એ મણીથી હું મારી જાદુની તાકાતને અસીમ બનાવવા માંગું છું એ માટે હું ગમે તે કરવા તૈયાર છું.” કદંબે કહ્યું, “તને તો ખબર જ હશે કે મહત્વકાક્ષી માણસ અને જાદુગરનો કોઈ જ ધર્મ નથી હોતો, તેઓ ગમે ત્યારે ગમે તે જધન્ય કાર્ય કરી શકે છે, મહત્વકાંક્ષીનો ધર્મ એની મહત્વકાંક્ષા અને જાદુગરનો ધર્મ જાદુ હોય છે બંને પોતાના ધર્મને મેળવવા ગમે તે હદ સુધી જઈ શકે છે.”

હું સમજી ગઈ કે કદંબ કપિલને ડરાવવા માંગતો હતો, એ એને બતાવવા માંગતો હતો કે એ પોતાની મહત્વ કાંક્ષા માટે કાઈ પણ કરી શકે તેમ છે, એણે એ લાંબુ ભાષણ આપ્યું જેથી કપિલ મારી સલામતીને લઈને ડરી જાય અને તેમની શરતો માની લે.

“અને હું મારી અસાધ્ય બીમારી જે કોઈ દવાથી નથી જાય એમ એ દુર કરવા એક નહિ અનેક નાગોને મારી શકું તેમ છું અને રહી વાત આ છોકરીની તો આવી છોકરીઓ તો અમે કીડની માટે છાસવારે મારીએ છીએ એને મારતા પહેલા મારો હાથ એક વખતે નહી ધ્રુજે. હું ખાતરી આપું છું હું એ કામમાં નિષ્ણાત છું, મેં આ બધુ બંગલા અને ગાડીઓ હુમન ટ્રાફિકિંગથી જ મેળવ્યું છે.” માથુરે કહ્યું.
હું સમજી ગઈ એ કેવો માણસ હતો, પોતાની અશાધ્ય બીમારી દુર કરવા એ ગમે તે હદે જઈ શકે તેમ હતો. કપિલ પણ સમજી ગયો હતો કે એ લોકો ગમે તે હદ વટાવી શકે તેમ હતા, કોઈને મારવું એ એમના માટે કોઈ મોટી વાત ન હતી.

કપિલે પોતાની વીંટી ઉતારી અને હાથમાં લીધી, હું કહેવા માંગતી હતી કે એવું ન કરીશ પણ મારા ગળા પરની બ્લેડ એટલી જોશથી દબાયેલી હતી કે મને લાગ્યું કે હું કઈ બોલવા જઈશ તો મારા ગાળાની નશ કપાઈ જશે અને મને મરતી જોઈ કપિલ એ ભેખડ પરથી કુદી પડશે.. બધું એક પળમાં ખતમ થઇ જશે.. આમેય બધું ખતમ થવા જઈ રહ્યું હતું પણ કદાચ છેલ્લી ઘડીએ બાજી પલટાઈ જાય તો…? કોઈ ચમત્કાર થઇ જાય તો…?

હું બાળપણથી જ પરીકથાઓ વાંચતી. મને હજુ વિશ્વાસ હતો કે અમને કઈ નહી થાય, અમે બચી જઈશું… હજી મારામાં આશા હતી… અંતિમ ક્ષણ સુધી પોતે બચી જશે.. નહિ મરે એવી આશા કોને નથી હોતી? જોકે એનાથી કાઈ ફર્ક નથી પડતો.. આશા મોટાભાગે ઠગારી જ નીવડે છે.
“વિવેક, તું કાફી એવી વિદ્યા સીખી ચુક્યો છે. જા એ વીંટી લઈ લે એની પાસેથી.. એ વીંટી તને એક સ્થળેથી ગાયબ થઇ બીજા સ્થળે જવાની સિદ્ધિ આપી દેશે. તું જે શીખવા આવ્યો હતો એ ઇનામ આજે તારી સામે છે.” કદંબે વિવેક તરફ જોઈ કહ્યું.

કેટલો મોટો વિશ્વાશ્ઘાત? જે વિવેક… હું એનું ગંદુ નામ પણ મારા મો પર ન હતી લાવવા માંગતી… એણે એ બધું અસલી જાદુ શીખવા માટે કર્યું હતું. આટલો મોટો દગો.. એ પણ એક મહત્વકાક્ષી વ્યક્તિ હતો.. એનો પણ કોઈ ધર્મ ન હતો.
“જી ગુરુજી.” એણે કહ્યું અને એ કપિલ તરફ આગળ વધ્યો. એ કપીલ પાસે પહોચ્યો, કપિલે એના હાથમાં વીંટી આપી.
“મણી… મણી પણ એને આપી દે.” કદંબે ફરી કહ્યું.

કપિલ જાણતો હોય કે એને એમની વાત માનવી જ પડશે એમ કોઈ જ આનાકાની કર્યા વગર એણે પોતાની બંને હથેળી ભેગી કરી અને જયારે ખોલી ત્યારે એની હથેલીમાં એક ચમકતા મોતીના દાણા જેવડો પદાર્થ હતો, હું સમજી ગઈ એજ મણી હતું જે આજે મારા અને કપિલના જીવનું દુશ્મન બન્યું હતું, મેં ઈન્ટરનેટ પર જે વાંચ્યું હતું એ મને યાદ આવ્યું એક નાગ માટે એનું મણી જ એનું જીવન અને મૃત્યુ હોય છે.
વિવેક મણી લઇ પાછો ફરી કદંબ તરફ જવા લાગ્યો.
“વિવેક.. એને એ ભેખડ પરથી કુદવાની ઈચ્છા હતી હવે અંગુઠી વગર એના પાસે કોઈ જ જાદુઈ તાકાત નથી એની એ ઈચ્છા પૂરી કરી નાખ.” કદંબે વિવેક તરફ જોઈ કહ્યું.

“નહિ…?” મેં ચીસ પાડી. આંસુઓ મારા ગાલ પરથી વહી નીચે ઘાસ પર પડી રહ્યા હતા, પણ એમની શું કીમત હોય?? અહીતો અશ્વિની અને રોહિતના લોહીથી ઘાસ રંગાઈ ગયું તોયે કોઈને કાઈ ફર્ક ન હતો પડ્યો. તો અહી આંસુઓની શું કિંમત હોય? ફરી એકવાર મને યાદ આવ્યું બાળપણમાં મને કેટલો શોખ હતો આ સ્થળ જોવાનો? ત્યારે મને ક્યાં ખબર હતી કે મારે અને કપિલે અહી જ મરવાનું હતું? કદાચ એટલે જ મને એ સ્થળથી વધુ મોહ હતો.

વિવેક ફરી પાછો ફર્યો, એ કપિલ તરફ જવા લાગ્યો…
“નહી વિવેક…નહી…” એવી મેં બુમો પાડી, હવે મને મારી ગળાની નસ કપાઈ જવાનો કોઈ ડર નહોતો કેમકે આમેય હું કપિલને ખોવા જઈ રહી હતી. પણ અંતે સમજી ગઈ કે એનો કોઈ અર્થ ન હતો, મેં કપિલ તરફ જોયું એની આંખોમાં મૃત્યુનો કોઈ ડર ન હતો.. એની આંખો મને જોઈ રહી હતી.. અનિમેષ પણે જોઈ રહી હતી.. એનામાં શું હતું એ મને ખબર ન પડી… અસીમ પ્રેમ.. અનેક પ્રશ્નો અને બીજું કેટલુયે એ ઉદાસ આંખોમાં હતું…!!

વિવેક એની પાસે ગયો એને પકડીને ભેખડની ધાર તરફ લઇ જવા લાગ્યો.. કપિલ બસ મને જોતો જ રહ્યો… કદાચ એ જાણતો હતો કે એ અંગુઠી અને મણી વગર એ કઈ જ કરી શકે તેમ ન હતો… એની આંખો મને જોતી રહી… કદાચ એ મરતી વખતે મારો ચહેરો જોવા માંગતો હતો… હું એને મરતો ન હતી દેખી શકું તેમ.. એને એ ભેખડ પરથી નીચે પડતા ન હતી જોઈ શકું તેમ પણ હું મો ફેરવી લઈને, બીજી તરફ જોઇને એનાથી દગો પણ ન હતી કરી શકું તેમ.. એ જતા જતા મારા ચહેરાને પોતાની આંખોમાં અમારા પ્રેમની નિશાની રૂપે લઇ જવા માંગતો હતો હું કઈ રીતે બીજી તરફ જોઈ શકું…?? હું એ તરફ જોઈ રહી… હું એની તરફ જોઈ રહી.. હું એનાથી ટ્રેચરી ન કરી શકી… હું બીજી તરફ જોઈ એને જે ચહેરો પસંદ હતો, જે ચહેરા માટે એ પોતાનો જીવ આપી રહ્યો હતો એ ચહેરો જોતા કઈ રીતે અટકાવી શકું? મારા હ્રદયને પથ્થર બનાવી મેં એને એ ભેખડ પરથી નીચે પડતા જોયો…..!!!!!

એક પળમાં બધું ખતમ થઇ ગયું. મારા માટે હવે જીવિત રહેવાનું કોઈ જ કારણ ન બચ્યું. મારી પાસે હવે ડરવાનું કોઈ કારણ ન હતું રહ્યું કેમકે મારી પાસે ખોવા માટે કાંઈ જ ન હતું રહ્યું.

માથુરે મારા ગાળા પરથી બ્લેડ હટાવી નાખી.. હું જમીન પર બેસી રડવા લાગી.. મારા પાસે વિલાપ કરવા માટે એનું શબ પણ ન હતું… હું દુનિયાની સૌથી બદનસીબ છોકરી હતી જેની પાસે હવે કાંઈજ ન હતું.
“હવે આ છોકરીનું શું કરવું છે?” મેં માથુરનો અવાજ સાંભળ્યો પણ મેં ઉપર ન જોયું હવે મને કોઈ ફર્ક ન હતો પડતો એ લોકો મારી સાથે શું કરશે.. એ લોકો મારી સાથે ગમે તે કરે કે પછી મને છોડી મુકે હું હવે આમેય જીવવા ન હતી માંગતી.. સારું થાય કે એ લોકો જ મને મારી નાખે મારે આત્મહત્યા કરવાની જરૂર ન પડે. હું કપિલના મૃત્યુનો બોજ મારા હ્રદયમાં સંઘરી જીવી શકું તેમ હતી જ નહી.

“મારા ચેલાઓ એશ કરશે.” કદંબે કહ્યું.
અને ત્યારબાદ મેં વિવેક અને બીજા બે લોકોને મારી તરફ આવતા જોયા એ લોકો મને ઢોળાવની પેલી તરફ દેખાતા એક લાકડાના મકાન તરફ લઇ જવા લાગ્યા…

***

વીસેક મિનીટ બાદ હું એક લાકડાના મકાનમાં એ ત્રણ દરીંદાઓ સાથે એકલી હતી. એ દરેકની આંખોમાં મને એક જુનુન દેખાઈ રહ્યું હતું. એમાંના બેની આંખમાંથી હવસ નીતરી રહી હતી પણ વિવેકની આંખમાં માત્ર અને માત્ર ગુસ્સો હતો, મને સમજાઈ નહોતું રહ્યું કે એણે મારી સાથે એવું કેમ કર્યું અને હજુયે એની આંખોમાં એટલો ગુસ્સો કેમ હતો? મેં તો ક્યારેય એનું કાઈ બગાડયું ન હતું?? અમારા પરિવાર વચ્ચે સારા સંબંધ પણ હતા, એના અને મારા પપ્પા સારા મિત્રો હતા.

“એનો શિકાર તો હુ જ પહેલા કરીશ.” એ ત્રણમાંના એક જેના વાળ લાંબા અને વાંકડિયા હતા એણે કહ્યું, એનો ચહેરો જંગલી જાનવરની યાદ અપાવે તેવો હતો, તેની ઈચ્છાઓ પણ કઈક એવી જ હતી.

“નહી, દરેક વખતે તુ જ પહેલો હોય છે.” બીજાએ કહ્યું, એના અવાજમાં ગુસ્સાનો ભાવ હતો, એના શબ્દો પરથી હું એટલું તો સમજી ગઈ હતી કે એ કાયમના ગુનેગારો હતા, હું પહેલી શિકાર ન હતી. મતલબ હજુ સુધી ગુનાઓ કરવા છતાં એમને પોલીસે પકડ્યા ન હતા, કદાચ આ ગુના બાદ પણ તેઓ કાનુનથી બચી જ જશે. મને મર્યા પછી પણ ન્યાય નહી મળે એ વિચારી મારો ભય બમણો થઇ ગયો.

વિવેક એમની બાજુમા ચુપચાપ ઉભો હતો. એના ચહેરા પર એજ ગુસ્સાના ભાવ હતા, એ શું વિચારી રહ્યો હતો એ અંદાજ એના ચહેરા પરથી જરાય લગાવી શકાય તેમ ન હતું. મને એ બંને દરીંદાઓથીયે વધુ નફરત વિવેક તરફ હતી, વધુ ગોસ્સો એના પર હતો.

“વિવેક નવો છે, એક કામ કરીએ આજ એને મોકો આપીએ એને હજુ મૂછનો દોરોય નથી ફૂટ્યો છોકરાને અનુભવ પણ થઇ જશે.” વાંકડિયા વાળવાળા જાનવરે ફરી પોતાનું ગંદુ મો ખોલ્યું, એના ચહેરાએ મને બુલ ડોગની યાદ તાજી કરાવી. એ મારાથી પાંચેક ફૂટ જેટલો દુર હતો છતાં એના મો માંથી માથું ફાડી નાખે તેવી ગંદી દારૂની વાસ આવી રહી હતી.
“હા એ બરાબર છે.” બીજાએ કહ્યું અને એણે વિવેકના ખભા પર હાથ મુક્યો, બીજી જ પળે મેં એ વ્યક્તિને પોતાના ગળા પર હાથ મૂકી નીચે બેસી જતા જોયો.

એ બંને હાથથી પોતાના ગળામાંથી વહી જતા લોહીને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ એ નિષ્ફળ રહયો. શું થઇ રહું હતું મને કાઈ જ સમજાઈ નહોતું રહ્યું.

એ જાનવરને અચાનક શું થઇ ગયું? એનું ગળું કઈ રીતે કપાઈ ગયું? મને કાંઈ જ સમજ ન પડી. એ બધુ મારી આંખો સામે થયું હતું પણ એટલું ઝડપી હતું કે મને કાઈ સમજ ન પડી પણ પેલા બીજા લાંબાવાળ ધરાવતા વ્યક્તિને ખબર પડી ગઈ હોય એમ એ દરવાજા તરફ ભાગવા લાગ્યો.
એ દરવાજા સુધી પહોચે એ પહેલા એ પણ પોતાના ગાળા પર હાથ મૂકી નીચે બેસી ગયો. થોકીક વાર સુધી પોતાની બંને હથેળીઓ ગળા પર દબાવી લોહી રોકવાનો નિષ્ફળ પ્રયાસ કરી ઢગલો થઇ ફ્લોરબોર્ડ પર ઢળી પડ્યો, કોણે એમને માર્યા ? કયા હથિયાર થી? કાઈ સમજાઈ કે દેખાઈ ન હતું રહ્યું. એ બધું એટલું ઝડપી હતું કે એ બંનેમાંથી એકેયને ચીસ પાડવાનો મોકો પણ ન હતો મળ્યો.

મને અચાનક થયું વિવેકને કાઈ કેમ ન થયું? મેં એની તરફ જોયું. વિવેક હજુ એમ જ ઉભો હતો… મેં એના જમણા હાથમાં એક તાસનું પાનું જોયું… હું સમજી ગઈ એણે જ એમને માર્યા હતા.. મેં પેલા બન્નેની લાશો તરફ નજર ફેરવી એ બંનેના ગળામાં એવુ જ એક એક તાસનું પાનું અડધે સુધી ઉતરેલ હતું.

મેં વિવેકના પપ્પાને નાની હતી ત્યારે જાદુના ખેલ કરતા જોયેલ હતા, તેઓ મોટા ભાગના ખેલ તાસના પાનાથી જ કરતા, તાસના પાનાં સાથે ખેલ કરતા વિવેકને બાળપણથી જ આવડતું. મને ખયાલ આવી ગયો વિવીકે પોતાના જાદુનો ઉપયોગ કરી એમને મારી નાખ્યા હતા.
પણ કેમ?
શું એ મને પોતાના એકલા માટે અનામત કરવા માંગતો હતો?
જે હોય તે હવે મને કોઈ જ ડર ન હતી ન મૃત્યુની ન અશ્મતની. કપિલ વિના મારા માટે બધું જ નકામું હતું.
મેં ફરી વિવેક તરફ જોયું.

એ મારી સામે ઉભો હતો, એની આંખો મને જ જોઈ રહી હતી. એનો ચહેરો ડરાવણો અને બદસુરત લાગી રહ્યો હતો.. એની આંખો એ ચહેરાને વધારે ક્રુર બનાવી રહી હતી. એ કોઈ શિકારી જેવો લાગતો હતો એણે મારી તરફ જોયું, એની આંખો ગુસ્સાથી લાલ અંગારા જેવી હતી, એની આંખોમાં રહેલ નફરત કદાચ આગ બનીને વરસી રહી હતી. હું સમજતી હતી કે મારા અને મૃત્યુ વચ્ચે હવે થોડુ જ અંતર હતું, કદાચ અમુક ક્ષણનુ જ…. કેવી વિચિત્ર ઘટના હતી, હું એક અજાણ્યા ઘરમાં, હું બચપણથી જેને જાણતી હતી છતાં જેના સાચા રૂપથી અજાણ હતી એવા અજાણ્યા વ્યક્તિના હાથે મરવાની હતી અને એ પણ મારા એક નાનકડા નિર્ણયને લીધે, મારી એક નાનકડી ભૂલને લીધે…. કાસ મેં કિંજલ પર ક્યારેય વિશ્વાસ ન કર્યો હોત…!!

મરી પાસે આંખો બંધ કરી એક પળ માટે મારા એ નિર્ણય બદલ પસ્તાવો કરવાનો સમય હતો પણ ના મેં એવું ન કર્યું કારણ કે એ મારી જીંદગી હતી, મારો નિર્ણય હતો… ઘણીવાર લાંબી જીંદગી એ નથી આપી શકતી જે એક ટૂંકું જીવન આપી જાય છે. મારી સાથે પણ કૈક એવુ જ થયું હતું મને મારા જીવનના અઢાર વર્ષના સમયે જે નહોતું આપ્યું એ બધું માત્ર મને એક અઠવાડીયાના ટૂંકા સમયે આપ્યું હતું,

હું એક અઠવાડિયા પહેલા આ શહેરમાં આવી હતી, અહીની જે.એમ.શેઠ કોલેજમાં, અને એ એક અઠવાડિયાના ટૂંકા સમય ગાળાએ મને બધુ જ આપ્યું હતું, ઘર,પરિવાર, મિત્રો અને ખાસ તો પ્યાર… કપિલ… કપિલની અને મારી મુલાકાત કોલેજના પહેલા દિવસે જ થઇ હતી, જોકે પહેલી મુલાકાત કઈ ખાસ પ્રેમભરી ન હતી પણ એના પછીની મુલાકાતો ક્યારે પ્રેમમાં પલટાઈ ગઈ એની મને ખબર જ ન રહી…!!

પણ એ બધું એક પળમાં ખતમ થવા જઈ રહ્યું હતું… એ કોઈ ભૂખ્યા વાઘની જેમ મારી સામે ઉભો હતો અને હું એક ગભરાયેલી હરણીની જેમ ધ્રુજી રહી હતી… હું ગભરાયેલી હતી… મારા ખભા અને ગરદન પરના વાળ ઉભા થઇ ગયા હતા, કદાચ મૃત્યુનો સામનો કરતી વખતે દરેક સાથે કઈક આવુ જ થતું હશે પણ બસ મારામાં દરેકથી એક વાત અલગ હતી… મને મૃત્યુનો કોઈ અફસોસ ન હતો અને એટલે જ કદાચ હું ત્યાંથી ભાગી નહિ, મેં ત્યાંથી ભાગવાનો પ્રયત્ન ન કર્યો કે કદાચ એ અજાણ્યા ઘર, એ અજાણ્યા સ્થળમાં હું ચાહું તોયે મને ભાગવા માટે કોઈ જગ્યા મળે એમ ન હતી…. જે હોય તે બસ મારા અને એ મોતના ફરિસ્તા વચ્ચે એક જરાક જ અંતર હતું… પણ હું આંખો બંધ કરીને એક ડરપોકની જેમ મરીને મારા પ્રેમનું અપમાન કરવા માંગતી ન હતી…!!

હું આંખો બંધ કરતીને કપિલ સાથે દગો ન કરી શકું, એણે મારા માટે મોતને આંખો ખુલ્લી રાખી નીડર બની હસતા હસતા સ્વીકાર્યું હતું માટે હુયે એમ જ કરી રહી હતી. હું આંખો ખુલ્લી રાખી મારી તરફ આવતા એ મોતને જોઈ રહી.

“નયના, તું પાછળના દરવાજેથી નીકળી જા.” એનો અવાજ મને સંભળાયો, મને મારા કાન પર ભરોસો ન હતો આવી રહ્યો.
હું ચુપચાપ ઉભી રહી, એક પળ માટે મારા હ્રદયમાં અજવાળું થયું કે હું બચી જઈશ પણ બીજી જ પાળે મને યાદ આવ્યું કે હું કપિલને ગુમાવી ચુકી છું અને મારું હ્રદય ફરી અંધકારમાં ડૂબી ગયું.
“મારો ગુરુ અને તેના બીજા શિષ્યો ગમે તે સમયે અહી આવી શકે.” એ મારી નજીક આવી બોલ્યો.

“હવે તને મારા પર દયા આવી રહી છે? ભલે ગમે તે આવે હું આમેય હવે જીવવા નથી માંગતી મારા કપિલ વિના..” મેં કહ્યું, હવે હું એ વ્યક્તિની દયા પર જીવવા નહોતી માંગતી જે મારા કપિલનો કાતિલ હતો.
“કપિલ જીવિત છે એ નથી મર્યો.” એણે કહ્યું.
“તું જુઠ્ઠું બોલે છે મેં મારી આંખે એને ભેખડથી નીચે પડતા જોયો છે.” મને એના પર વિશ્વાસ ન હતો.

“તને ખબર છે હું જાદુગર છું ચીજો એક સ્થળેથી ગાયબ કરી બીજા સ્થળે મોકલી શકું છું. હાથ ચાલાકીના ખેલમાં હું માહિર છું. મેં કપિલને નીચે ધક્કો આપતા પહેલા વીંટી એના હાથમાં આપી દીધી હતી, એટલે એ પડતા પહેલા જ ત્યાંથી ગાયબ થઇ ગયો હતો.”
“પણ તું એને કેમ બચાવે?” મને હજુ એના પર વિશ્વાસ ન હતો.
“લાંબી કહાની છે, એ બધુ કહેવાનો સમય નથી, એ કોલેજ પાસે તારી રાહ જોઈ રહ્યો છે, તું એને લઇને ઝડપથી આ શહેર છોડીદે જે કેમકે મણી વીના એ સુરક્ષીત નથી.”

“કેમ એની પાસે વીંટી છે ને ?” હવે મને વિવેક પર થોડોક વિશ્વાસ થવા લાગ્યો હતો. શું કપિલ જીવિત છે? મેં મારા મનને સવાલ કર્યો અને મારા મન પાસેથી મને હકારમાં જવાબ મળ્યો. હા, કદાચ એ જીવિત હોઈ શકે. કદાચ વિવેક સાચો હોઈ શકે. આમેય આ શહેરમાં કોણ સાચું છે ને કોણ ખોટું એ ક્યાં મને ખબર જ પડતી હતી?? એકવાર ફરી વિવેકનો વિશ્વાસ કરવામાં શુ વાંધો હતો? હવે આમેય મારી પાસે ખોવા માટે કશું જ નહતું જેથી મને કોઈ ડર લાગે. અને આસપાસની પરિસ્થિતિ જોતા મને નહોતું લાગતું કે મને ત્યાંથી ભગાડીને વિવેકને કોઈ ફાયદો થાય એમ હતો.

“હા પણ વીંટીની મદદથી એ જાદુગરો અને મદારીઓ સામે નહી લડી શકે, એમના સામે એ મણી વગર નહી જીતી શકે, મારા ગુરુ પાસે મણી છે તેઓ એને આરામથી મારી શકે, હવે તું જા.. મેં એને વચન આપ્યું છે કે હું તને સહી સલામત એની પાસે મોકલીશ બસ એ અહી પાછો ન આવે.”
“તે એનાથી આટલી વાત કઈ રીતે કરી?”

“એક સાચો ઈચ્છાધારી નાગ અને સાચા દિલનો મદારી એકબીજા સાથે મનથીયે વાત કરી શકે છે એ મને જોઈને જ સમજી ગયો હતો કે મારું દિલ સાફ છે.. બસ બધું કપિલ તને સમજાવી દેશે તું હવે અહીંથી જા..”
“કેમ કપિલ.. કેમ એ મને સમજાવશે? તું કેમ નહી..? હું તને અહી એકલો મૂકી નહી જાઉં..” મેં કહ્યું.. હું એના શબ્દો પરથી સમજી ગઈ હતી કે એ અહી એ લોકો સામે લડી મરવા માંગતો હતો.
“એક નાગ નાગીનના જોડાનું મિલન કરાવવા મરવું એ મદારી માટે ગર્વની વાત છે.” એણે કહ્યું.

“પણ હું ક્યાં નાગીન છું..” મેં કહ્યું.
“તું જા હવે અહીંથી બધા સવાલોના જવાબ તને કપિલ આપી દેશે.”
“નહી.. હું તને અહી મોતના મોમાં છોડીને નહી જઈ શકું” મેં જીદ કરતા કહ્યું. હું છેક એવી હતી જ મારા માટે કોઈ પોતાનો જીવ ગુમાવે એ હું જોઈ શકું તેમ ન હતી, કપિલને ભેખડ પરથી પડતો જોયા બાદ હું સમજી ગઈ હતી કે કોઈની મોતનો બોજ માથા પર લઇ હું જીવી ન શકું પછી ભલે એ કપિલ કે વિવેક કોઈ પણની મોતનો બોજ હોય.

“લેટ’સ ગો. આવું સાફ દિલ છે એટલે જ કિંજલની ચાલમાં ફસાઈ ગઈ..”
હું અને વિવેક પાછળના દરવાજેથી નીકળી શહેર તરફ ભાગવા લાગ્યા.. અડધા કલાક બાદ અમે જે તરફ શહેર નજીક પડે જંગલને એ છેડેથી બહાર આવ્યા.. રોડ પર આવી વિવેકે બે ત્રણ ઓટોને હાથ કર્યા. પહેલી બે ઓટોએ અમારા તરફ ધ્યાન ન આપ્યું, એ એમની સ્પીડે જ નીકળી ગઈ. ત્યારબાદ એક ઓટો ઉભી રહી એમાં બેસી અમે કોલેજ તરફ જવા લાગ્યા.
“તું સારો છે તો આ કદંબ જેવા જાદુગર સાથે કેમ કામ કરે છે.????” ઓટો કોલેજ તરફ રવાના થઇ એટલે મેં નિરાંતનો શ્વાસ લેતા કહ્યું. મને હજુ કઈ ખબર ન હતી પડતી કે વિવેક શું કરી રહ્યો હતો.

“કેમકે મને કે મારા પિતાજીને એની અસલિયત ખબર ન હતી, અમે એને એક સાચો અને નેક જાદુગર સમજતા હતા. અમે તેના સાચા જાદુથી આકર્ષિત હતા. હું તેની પાસેથી એ શીખવા માંગતો હતો. બસ મને ત્રણ દિવસ પહેલા જ એની અસલિયત ખબર પડી, મને ત્રણ દિવસ પહેલા જ ખબર પડી કે અમે જે સમજીએ છીએ તે બધું છેતરામણું છે. જેને ભગવાન માનીએ છીએ એ શેતાન છે.” એના વિશે યાદ કરતા જ ફરી વિવેકની આંખો અંગારા જેવી થઇ ગઈ, મેં એને એ દિવસે પણ ગુબ જ ગુસ્સે થતા જોયો હતો. એ જયારે ગુસ્સે થાય એની આંખો લાલ થઇ જતી હતી. એ કદંબ વિશે યાદ કરવાથી પણ ગુસ્સે થઇ રહ્યો હતો.

“તો તે એનો સાથ છોડ્યો કેમ નહી?” હું જાણવા માંગતી હતી કે વિવેક એ દુષ્ટથી આટલી નફરત કરે છે તો એને એનાથી સંબંધ તોડી કેમ ન નાખ્યો? એ કેમ એના શિષ્ય તરીકે ત્યાજ રહ્યો?
“કેમકે હું તમને એનાથી બચાવવા માંગતો હતો, હું જાણી ગયો હતો કે એ લોકો તને અને કપિલને પોતાનો શિકાર બનાવવાની તૈયારીમાં હતા.?”
“તને કઈ રીતે ખબર પડી કે એ લોકો અમારા સાથે કઈ ખરાબ કરવાના છે?”

“જે દિવસે હું તને અને કિંજલને નીલ અને એના લોકોથી બચાવવા આવ્યો એ દિવસે જ હું કિંજલને ઓળખી ગયો હતો, ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે કિંજલ જે બહરથી દેખાય તે નથી. તે કઈક છુપાવી રહી છે.”
“તો ત્યારે તે કેમ કઈ ન કહ્યું?” મારી આંખોમાં જરાક ઠપકાનો ભાવ હતો, દરેક છોકરી એવી જ હોય છે એને લાગે કે સામે એનો દોસ્ત છે તો નાની નાની વાત પર પણ તેના પ્રત્યે નારાજગી દર્શાવે છે. એનું પણ એક કારણ છે એ પોતાના લોકો પર એટલો વિશ્વાસ મુકે છે કે એની કોઈ સીમા કે હદ નથી હોતી.

“એ ઈચ્છાધારી નાગીન ચુપચાપ એક છોકરીની જેમ એમના સામે ઉભી રહી, એ સમયે કિંજલ એ લોકો સામે કમજોર હોવાનો ઢોંગ કરતી રહી, એણીએ પોતાની રક્ષા ન કરી એ પરથી હું સમજી ગયો કે એ જરૂર તારી સાથે કોઈ ચાલ રમી રહી હતી, હું એની આંખો પરથી સમજી ગયો હતો કે એ કોઈ છટકું ગોઠવી રહી હતી.”
“તો તે મને ત્યારે કેમ ન ચેતવી?” ફરી મેં નારાજગી બતાવી.

“કેમકે હું એના ઈરાદાને પૂરો જાણવા માંગતો હતો, હું જાણવા માંગતો હતો કે એ કેમ એવું કરી રહી હતી. તને તો હું ઓળખતો જ હતો કે તું એક સામાન્ય છોકરી છે. એક નાગિન એક સામાન્ય છોકરી પાસેથી શું મેળવવા ઇચ્છતી હતી? એને કેમ છેતરી રહી હતી? એ હું જાણવા માંગતો હતો. કેમકે જ્યાં સુધી એના ઈરાદાની ખબર ન પડે એ શું પગલું લેશે એનો અંદાજ લગાવી શકાય તેમ ન હતો. આથી મેં એની સાથે વધુ વાત કરી અને એ દિવસથી તમારો પીછો કરવા લાગ્યો અને સાચું કહું તો મને તારા પર વિશ્વાસ ન હતો, તું મારા પર ભરોસો ન કરત અને કિંજલને એ બધું કહી દેત તો હું ક્યારેય એના ઈરાદાને ન જાણી શકત.”

એની વાત સાચી હતી જો એણે મને ચેતવી હોત તો પણ હું એનો વિશ્વાસ ન કરત. હું તો આ આખા શહેરમાં કિંજલને સૌથી સારી સમજતી હતી, શહેર શું હું તો એને દુનિયામાં સહુથી સારી મિત્ર સમજવા લાગી હતી.
“અને તને તારા ગુરુની હકીકત ક્યારે સમજાઈ? કેવી રીતે તને ખબર પડી કે એ જે બહરથી દેખાય એવો નથી?”
“એમણે અશ્વિની અને રોહિતની હત્યા કરી ત્યારે.” વિવેકની આંખોમાં જરાક ઉદાસી અને ઘણો ગુસ્સો ફરી ઉમટી આવ્યા.
“તે એમને બચાવવાનો પ્રયાસ ન કર્યો?” મેં નવાઈથી પૂછ્યું, જો એ અમારી મદદ કરી રહ્યો હતો તો એણે એમની મદદ કેમ ન કરી?

“હું ત્યારે ત્યાં ન હતો, કિંજલનો પીછો કરતો હતો. મને પાછળથી બીજા શિષ્યો પાસેથી જાણવા મળ્યું અને ગુરુજીને પૂછ્યું તો એમણે કહ્યું કે એ દુષ્ટ નાગ નગીન હતા. પણ મને ખબર હતી કે એ ખરાબ ન હતા. એમનું પોલ મારા સામે ખુલી ગયું હતું પણ હું ચુપ રહ્યો. મારે ત્યાં પણ એજ જાણવું હતું કે એણે અશ્વિની અને રોહિતને કેમ મારી નાખ્યા?”
“તું એમને ઓળખતો હતો? તું અશ્વિની અને રોહિતને ઓળખતો હતો?”
“ખાસ તો નહી પણ એમને ઘણીવાર ભેડા પર ફરતા જોયા હતા.”
“જોવાથી તને કઈ રીતે ખબર પડે કે એ સારા હતા?”
“જે મદારીનું દિલ સાચું હોય એ ઈચ્છાધારી નાગનું મન જાણી શકે છે મેં એમને જોયા ત્યારે એમના મન વાંચ્યા હતા.”

ઓટો કોલેજના દરવાજા પાસે ઉભી રહી અમે ઓટોમાંથી ઉતર્યા, મારી પાસે ખીસામાં ઓટોવાળાને આપવા કાઈ જ નહોતું, વિવેકે ઓટોવાળાને પચાસની નોટ આપી અને અમે કોલેજમાં ગયા.
અમે કેન્ટીનમાં ગયા ત્યાં કોઈ ન હતું આખું કેફેટેરિયા ખાલી હતું માત્ર એક અજાણ્યો યુવક બેઠો હતો પણ કપિલ મને ક્યાય ન દેખાયો.
“કપિલ ક્યા છે?” મેં વિવેક તરફ જોઈ કહ્યું.
“એ હમણા જ આવશે?” કહી એણે એ અજાણ્યા વ્યક્તિને ઈશારો કરી પોતાની તરફ બોલાવ્યો.

એ વ્યક્તિ અમારા તરફ આવવા લાગ્યો, એ વ્યક્તિને મેં પહેલા ક્યારેય નહોતો જોયેલો પણ એની ચાલ પરથી મને લાગી રહ્યું હતું જાણે એ કોઈ પરિચિત વ્યક્તિ હોય? એ જેમ જેમ અમારી નજીક આવવા લાગ્યો તેમ તેમ એ મને વધુને વધુ પરિચિત લાગવા લાગ્યો. એ અમારી પાસે આવી ઉભો રહ્યો.
“બધું બરાબર છે હવે કપિલ સામે આવી શકે છે.” વિવેકે એ અજાણ્યા વ્યક્તિ તરફ જોઈ કહ્યું. મેં પણ એની તરફ જોયું, હું જાણવા માંગતી હતી કે એ શું જવાબ આપે છે.

એકાએક એ અજાણ્યા યુવાનનો ચહેરો બદલાઈ ગયો.. એ કપિલ હતો.. એ મારો કપિલ હતો.. એ ચાલ કપિલની હતી એટલે જ એ મારી તરફ આવી રહ્યો હતો ત્યારે મને એ પરિચિત લાગી રહ્યો હતો.
હું એને ભેટી પડી અમારી બંનેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મારા માટે આ એક ચમત્કાર હતો મેં મારા પ્યારને ભેખડ પરથી નીચે પડતા જોયો હતો. મેં કપિલને હજુ થોડાક સમય પહેલા જ કાયમ માટે ખોઈ નાખ્યો હતો અને હવે એ મારી સામે હતો. એ મને ફરી મળી ગયો હતો, એ મારા માટે એક ચમત્કારથીયે કઈક વિશેષ હતું.

“હવે તમારો ભરત મિલાપ પતી જાય તો આપણે નીકળીશું, હજુ બહુ દુર જાવાનું છે.” વિવેકે કહ્યું. મેં એની તરફ જોયું. એની આંખોમાં એક ખુશી હતી, મને અને કપિલને એક કર્યાની ખુશી હતી. એક નાગ નગીનના જોડાને એક કર્યાની ખુશી હતી. (જો કે હું નાગિન છું કે નહી એની હજુ મને પોતાને જ ખાતરી ન હતી બસ વિવેકનું એવું માનવું હતું.) એક નાગ-નાગિનના જોડાનું મિલન કરાવ્યાની ખુશી એના ચહેરા પર ચોખ્ખી વર્તાઈ રહી હતી. મને પસ્તાવો થયો મેં એને કેટલા શ્રાપ આપ્યા હતા ભેડા પર? હવે એ મને સગા ભાઈ જેટલો વહાલો લાગવા માંડ્યો હતો.
“હા..” કપિલે કહ્યું.

“આપણે શેમાં જઈશું અને ક્યાં જઈશું?” મેં કહ્યું, મને સમજાઈ નહોતું રહ્યું કે એવી કઈ જગ્યા હતી જયાં અમે એ લોકોથી સુરક્ષિત હતા? એવું કયું સ્થળ હતું જે અમને અમારા ગણી ન શકાય એટલા દુશ્મનોથી આબાદ રાખી શકે?
“મારી કાર પણ ત્યાજ રહી ગઈ છે?” કપિલે કહ્યું.

“પણ મારી અમેઝ દરવાજાની બહાર જ પાર્ક કરેલી છે..” વિવેકે કહ્યું, “પપ્પા સાથે જીદ કરી એ લાવી ત્યારે ન હતી ખબર કે એ આવે સંકટને સમયે કામ લાગશે.”
“તે મને આ ગદ્દારની કેન્ટીનમાં જ કેમ રાહ જોવા કહ્યું?” કપિલે વિવેક તરફ જોઈ કહ્યું, મને પણ એ જ પ્રશ્ન સતાવતો હતો વિવેકે એને દુશ્મનોના ઘરમાં(કેન્ટીન) જ કેમ પનાહ લેવા કહ્યું?

“કેમકે એ લોકો તને અહી કયારેય ન શોધત, કદાચ હું ત્યાંથી નીકળવામાં નિષ્ફળ રહ્યો હોત તો પણ આ સ્થળ તારા અને નયના માટે સુરક્ષિત હતું. કમસેકમ થોડાક સમય માટે.”
“કદાચ એ બધા મને શોધવા નીકળત અને મોહનલાલ પોલીસ તપાસથી બચવા માટે પોતાની કેન્ટીન પર હાજર રહેવાનો દેખાવ કરવા અહી આવી ગયો હોત તો..?” કપિલે કહ્યું.

“જેને સાપ કરડ્યો હોય એ માણસ અહી આવે કે સારા દવાખાને જાય? એ પણ આપણા જંગલમાં જોવા મળતો સૌથી વધુ ઝેરી સાપ?” વિવેકે કહ્યું..
“મતલબ?” મેં અને કપિલે બંને એ એક સાથે પૂછ્યું..
“ચાલો રસ્તામાં સમજાવીશ, એક મદારીને કેટલા નાગથી દોસ્તી હોય છે?” વિવેકે અમારી તરફ હસીને કહ્યું. હું અને કપિલ પણ એની તરફ જોઈ હસ્યા અને અમે એની અમેઝ તરફ રવાના થયા.

મારા મનમાં હજુ ઘણા સવાલ હતા જેમના જવાબ મારે મેળવવાના બાકી હતા પણ એક વાત હું જાણતી હતી કે આ તો માત્ર શરૂઆત હતી… હજુ તો અશ્વિની અને રોહિતના મોતનો બદલો લેવાનો બાકી હતો.. એમના પહેલા કેટલાયે નિર્દોષ નાગ નાગીને જીવ ગુમાવ્યો હતો… અ મે એ બધાને બચાવી તો ન શક્યા પણ એમનો બદલો જરૂર લેવાનો હતો…….

(ખંડ એક સમાપ્ત.)

નક્ષત્રનો બીજો ભાગ મુર્હત અને ત્યારબાદ તેનો ત્રીજો ભાગ સ્વસ્તિક હું થોડાક જ સમયમાં વાચક મિત્રો સમક્ષ રજુ કરીશ. દરેક વાંચક ભાઈ બહેનનો અભાર….. જય શ્રી કૃષ્ણ….

લેખક : વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

તમને આ નવલકથા કેવી લાગી એ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો…

ટીપ્પણી