“નક્ષત્ર” – વાંચો એક દિલધડક પ્રેમકહાની……

પ્રસ્તાવના:

એ મારી સામે ઉભો હતો. એનો ચહેરો ડરાવણો અને બદસુરત હતો. એની આંખો એ ચહેરાને વધારે ક્રુર બનાવી રહી હતી. એ કોઈ શિકારી જેવો લાગતો હતો એણે મારી તરફ જોયું, એની આંખો ગુસ્સાથી લાલ અંગારા જેવી હતી,એની આંખો માં રહેલ નફરત કદાચ આગ બનીને વરસી રહી હતી. હું સમજતી હતી કે મારા અને મૃત્યુ વચ્ચે હવે થોડુ જ અંતર હતું, કદાચ અમુક ક્ષણનુ જ…. કેવી વિચિત્ર ઘટના હતી, હું એક અજાણ્યા ઘરમાં, અજાણ્યા વ્યક્તિના હાથે મરવાની હતી ને એ પણ મારા એક નાનકડા નિર્ણયને લીધે, મારી એક નાનકડી ભૂલને લીધે…. મારી પાસે આંખો બંધ કરી એક પળ માટે મારા એ નિર્ણય બદલ પસ્તાવો કરવાનો સમય હતો પણ ના મેં એવું ન કર્યું કારણકે એ મારી જીંદગી હતી, મારો નિર્ણય હતો…ઘણી વાર લાંબી જીંદગી એ નથી આપી સકતી જે એક ટૂંકું જીવન આપી જાય છે. મારી સાથે પણ કઈક એવુજ થયું હતું મને મારા જીવનના અઢાર વર્ષોએ જે ન હતું આપ્યું એ બધું માત્ર મને એક અઠવાડિયાના ટૂંકા સમયે આપ્યું હતું, એક અઠવાડિયું પણ નહિ એનાથીએ ઓછા સમયમાં મને બધુ જ આપ્યું હતું.

હું એક અઠવાડિયા પહેલા આ શહેરમાં આવી હતી. અહીની જે.એમ. વોહરા કોલેજમાં પપ્પાએ મારું એડમીશન કરાવ્યું હતું. એક અઠવાડિયાના ટૂંકા સમય ગાળાએ મને બધુ જ આપ્યું હતું, ઘર,પરિવાર, મિત્રો અને ખાસ તો પ્યાર…કપિલ …કપિલની અને મારી મુલાકાત કોલેજના પહેલા દિવસે જ થઇ હતી, જોકે પહેલી મુલાકાત કઈ ખાસ પ્રેમભરી ન હતી પણ એના પછીની મુલાકાતો ક્યારે પ્રેમમાં પલટાઈ ગઈ એની મને ખબર જ ન રહી.

પણ એ બધું એક પળમાં ખતમ થવા જઈ રહ્યું હતું… એ કોઈ ભૂખ્યા વાઘની જેમ મારી સામે ઉભો હતો અને હું એક ગભરાયેલી હરણીની જેમ ધ્રુજી રહી હતી… હું ગભરાયેલી હતી… મારા ખભા અને ગરદન પરના વાળ ઉભા થઇ ગયા હતા, કદાચ મૃત્યુનો સામનો કરતી વખતે દરેક સાથે કઈક આવુ જ થતું હશે. બસ મારામાં દરેકથી એક વાત અલગ હતી… મને મૃત્યુનો કોઈ અફસોસ ન હતો કે પછી જીવનમાં કોઈ રંજ ન હતો જે હોય તે પણ હું ત્યાંથી ભાગી નહી. મેં ત્યાંથી ભાગવાનો પ્રયત્ન ન કર્યો કે કદાચ એ અજાણ્યા ઘર, એ અજાણ્યા સ્થળે હું ચાહું તોયે મને ભાગવા માટે કોઈ જગ્યા મળે એમ ન હતી…. જે હોય તે બસ મારા અને એ મોતના ફરિસ્તા વચ્ચે એક જરાક જ અંતર હતું… હું આંખો બંધ કરીને એક ડરપોકની જેમ મરીને મારા પ્રેમનું અપમાન કરવા માંગતી ન હતી .. હું આંખો બંધ કરીને કપિલ સાથે દગો ન કરી શકું. એણે મારા માટે મોતને આંખો ખુલ્લી રાખી નીડર બની હસતા હસતા સ્વીકાર્યું હતું માટે હુયે એમ જ કરી રહી હતી. હું આંખો ખુલ્લી રાખી મારી તરફ આવતા એ મોત ને જોઈ રહી.

***

પ્રકરણ.૧

એક અઠવાડિયા પહેલા……..

ટ્રેન હજુ સ્ટેશન પર જ હતી, મુંબઈથી નાગપુરની લોકલ ટ્રેન…હું મમ્મી સાથે કમ્પાર્ટમેન્ટમાં બેઠી હતી, આમ તો હજુ ટ્રેન ઉપડવાને વાર હતી પણ પછી ધક્કામુક્કીમાં ચડવા કરતા પહેલેથી બેસવું સારું. લોકલ ટ્રેન માં સામાન્યરીતે જોવા મળતી દરેક ચીજ એ ટ્રેનમાં પણ હતી, વધુ પડતી ભીડ અને એકદમ ઓછી સ્વરછતા, મને લોકલ ટ્રેનમાં મુસાફરીનો અનુભવ હતો એટલે હું ટ્રેનમાં ભાગ્યે જ બાથરૂમનો ઉપયોગ કરતી, કયારેક ભાગ્યેજ લાંબી મુસાફરી દરમિયાન. મારી સામેની સીટ પર મારી મમ્મી રેખા બેઠેલી હતી, એ સતત મને જોઈ રહી હતી અને એની આંખોમાં રહેલા પ્રશ્નથી બચવા હું સતત બારી બહાર જોઈ રહી હતી,

બહારનું વાતાવરણ બોમ્બે સેન્ટ્રલ પર જોવા મળતા સામાન્ય દિવસ જેવુ જ હતું. કુલી આમતેમ બોમ્બે સેન્ટ્રલ ની ગીર્દીને ચીરતા કોઈનેય ધક્કો ન વાગી જાય એ રીતે માર્ગ કરી રહ્યા હતા. બાજુની ટ્રેક પર દેહરાદુન એક્સપ્રેસ ઉપડવાની તૈયારીમાં હતી. એ છેલ્લા કેટલાક મુસાફરો ફસ્ટ કલાસ કમ્પાર્ટમેન્ટમાં ગોઠવાય એની રાહ જોઈ રહી હોય એમ લાગતું હતું.
વેકેશનનો સમય હતો એટલે એટલી માનવમેદની ઉમટી પડી હતી કે એ વિશાળ સ્ટેશન કોઈ બંધિયાર જગ્યા જેવું લાગી રહ્યું હતું. ઉનાળો શરુ થઇ ગયો હતો પણ અહી કોઈને એની પડી ન હોય એમ લાગી રહ્યું હતું. એક જાતની સ્ફૂર્તિ, ધાંધલ અને ધમાલ દેખાતી હતી. કોણે કહ્યું સ્ફૂર્તિ ફક્ત શિયાળામાં જ હોય છે!!

એક બે માણસો કમ્પાર્ટમેન્ટને અઢેલીને લહેજતથી સિગારેટના કશ ખેચી રહ્યા હતા. મારી રોજની આદત મુજબ મારી આંખો બહારના સમુદાયનું જીણવટભર્યું અવલોકન કરી રહી હતી. મારી છેકથી આદત જ હતી મને ક્યાય રસ્તામાં એક જૂતું પડેલું દેખાય તો હું એના વિશે વિચારવા બેસી જતી… બીજું જૂતું ક્યાં હશે?? કોઈએ આ જૂતું અહી કેમ ફેક્યું હશે?? એ કોના પગનું હશે? એવા ઘણા સવાલો મારા મનમાં ઉભરી આવતા. મને એ ખબર ન હતી કે આસપાસનું જીણવટભર્યું અવલોકન કરવાની આદત મારા માટે કેટલી નુકશાનકારક સાબિત થશે?? એ આદત મને કેટલી મોટી ગુંચમાં ડુબાડી દેશે??

ટ્રેને કોઈ મુસાફર રહી તો નથી ગયું ને એની ખાતરી કરતી હોય એમ એક બે સીટી વગાડી અને થોડીક વારમાં એ ભીડ અને બંધીયાર વિસ્તારને છોડી હરિયાળીને ખુંદવા લાગી. હવે બારી બહાર ગૂંગળાવી મારનાર મુંબઈની ઈમારતોને બદલે મનને પ્રસનતા આપવા જ અવતર્યા હોય એવા સંત વ્રુક્ષો પોતાના ઊંડા મુળિયા જમાવી ને ઉભા હતા.

સૂર્ય હજી જરાક જ ઉંચો આવ્યો હતો ને છતાયે એના કિરણો ગરમ લગતા હતા, એ કિરણો બારી બહાર દેખાતા વ્રુક્ષોના નવા કુણા પાન સાથે રમી રહ્યા હતા, એ પાનને ચમકાવી રહ્યા હતા. આકાશ લગભગ એકદમ સ્વરછ હતું, ક્યાય કોઈ વાદળ દેખાતા ન હતા બસ ક્યાંક ક્યાંક સવારથી ખોરાકની શોધમાં નીકળેલા પક્ષીઓ ઉડી રહ્યા હતા. ટ્રેનના પાટાની નજીક જ્યાં જુવો ત્યાં કચરો અને જુના પુરાણા કપડાઓ પડેલ હતા, મારી આદત મુજબ મને પાટાની બંને તરફ જોવા મળતા આવા કપડાઓ જોઈ થતું કે શું આ ટ્રેન નીચે આત્મહત્યા કરનારાઓના કપડા હશે? ને કેટલીયે વાર સુધી એ વિચાર્યા કરતી. મને વધુ પડતું વિચારવાની આદત કે બીમારી જે કહો તે હતું. એ કપડા, એ કચરાના ઢગ અને ઈજનેરોએ ટ્રેકના કામ બાદ છોડેલો વધારાનો સામાન મારા માટે વિચારવાનો વિષય બની જતા. મારી મમ્મી મને ઘણી વાર કહેતી પણ ખરું મને ઓવર એક્ટીવ ઈમેજીનેશન ની આદત હતી, પણ હું મારી કોઈજ મદદ ન કરી શકતી હું ગમે તેટતું ન વિચારવાની કોશિશ કરું મારું મગજ કોઈ પણ નજીવી બાબત વિશે પણ વધુ પડતું વિચારવા લાગતું.

મને ટ્રેનની મુસાફરી પસંદ ન હતી પણ મુંબઈ નાગપુર વચ્ચે અલગ વાત હતી, અહીની હરિયાળી તમને બોર ન જ થવાદે. અહી દિલ્હીની જેમ વેરહાઉસ, વોટર ટાવર, બ્રીજ અને પોસ્ટ મોડેન મોઘલ ઈમારતો જોઈ બોર થવાનું ન હતું. બસ આંખો સામે વૃક્ષો રોલ થયા જ કરે.

બસ હું પાટાની નજીક પડેલ અલગ અલગ આકારના પથ્થરોને જોઈ રહી હતી, ક્યારેક ક્યારેક કોઈ પથ્થરને લાલ જોતા જ મારું મન મને એક અંદેશો મોકલતું હતું કે કદાચ એ ટ્રેન નીચે જંપલાવનાર કોઈ પ્રેમી યુગલના લોહી થી ખરડાયેલો હશે? કેમ જાણે પણ હું છેક બાળપણથી જ એવી હતી, મને કોઈ પણ વસ્તુ જોયા પછી એના વિશે ખુબજ વિચારવાની આદત હતી. કદાચ એ જ આદતને લીધે હું કપિલને મળી એ દીવસથી જ એના વિશે વિચારવા લાગીં હતી. કપિલ બહુ રસપ્રદ હતો. તે ઉંચો, દેખાવડો, સ્માર્ટ અને કદાચ અમારી કોલેજમાં માત્ર એકએવો છોકરો હતો જે બ્રાન્ડેડ એટાયર પહેરતો હતો. એને મેચિંગનો શોખ હતો. તેના કપડા, તેની બેગ તેના શુંઝ અને તેની વોચ બધું જ મેચિંગ હોતું. તેનો આઉટફીટ અને એટીટ્યુડ બંને પરફેક્ટ જ હોતા. તેને પણ મારી જેમજ ઓછું બોલવાની આદત હતી. એની કોઈ ચીજ મને ન ગમતી તો એનો ગુસ્સો, અને અફસોસ કે તે મોટાભાગે ગુસ્સામાં જ હોતો.

થોડીકવારમાં ટ્રેનના પાટા ડાબી તરફ વળ્યા. એ કચરાના ઢગલા અને જુના પુરણા કપડાઓ મારી આંખ સામેથી ગાયબ થઇ ગયા. હવે એને બદલે ઈજનેરોએ ટ્રેકના સમારકામ કામ બાદ વધેલ મટીરીયલના ઢગલા જોવા મળતા હતા પણ એમાં કઈ ખાસ વિચારવા જેવું ન હતું, થોડાક સમય પહેલાજ બધા નેરો ગેજ પાટાઓ બ્રોડ ગેજમાં ફેરવાયા હતા એટલે વધેલ મટીરિઅલ ઠેક ઠેકાણે રખડતું જોવા મળે એ સામાન્ય હતું. મને હમેશા નવાઈ લાગતી લોકો ઘર આગળ પાર્ક કરેલી જૂની સાયકલે ચોરી ભંગારમાં વેચી દેતા હોય છે પણ રેલ્વે નું મટીરીયલ આમ ઢગલા પડ્યું હોય તોયે કોઈ એ તરફ જોતુયે નથી. કદાચ રેલ્વે પોલીસ આપણી પોલીસ કરતા વધુ સક્રિય છે.

કોઈકનો ફોન રણક્યો, કોઈ ખુશીનું અને અનબીટ સોંગ રીંગટોનમાં સંભળાયું. એ વ્યક્તિ ફોન પર કઈક વાત કરવા લાગ્યો. બસ મેં જ એ તરફ એક નજર કરી બાકી બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા કોઈએ એ તરફ ધ્યાન પણ ન આપ્યું. એ વ્યક્તિની પાસે જ બેઠેલ જુવાનીયો પોતાનું પૂરું ધ્યાન તેના આઈપોડના સોન્ગમાં આપી રહ્યો હતો. બીજી તરફ બેઠેલ છોકરી પોતાના મીની લેપટોપના કીપેડનો ટ્રેનની સ્પીડે ઉપયોગ કરી રહી હતી. મને લાગ્યું કે એ ફ્રી લેન્સર કે કોપી રાઈટર હશે, નહિતર કન્ટેન્ટ રાઈટર. એની સ્પીડ જોતા એ એડિટર કે પ્રૂફ રીડર હોય એમ ન હતું લાગતું. બાકીનામાંથી મોટાભાગના લોકો પોતાના મોબાઈલને ટેપ કરવામાં વ્યસ્ત હતા, બસ ન્યૂઝપેપરના રસટલ, કોમ્યુટર ટેપિંગ અને કોઈ કોઈ ની હળવી વાતોનો અવાજ મને સંભળાઈ રહ્યો હતો.

“નયના.” મમ્મીએ મારી તરફ જોઈ કહ્યું, “બેટા તું ખરેખર એવું ઈચ્છે છે?”
કદાચ એ થોડીક મુઝવણમાં હતી કે હું કેમ મુંબઈની કોલેજ છોડીને એ નાનકડા શહેરમાં કોલેજ કરવા ઇચ્છતી હતી. નવાઈ લાગે તેવી વાત પણ હતી. મોટાભાગની છોકરીઓ મુંબઈ જવાનું સપનું જોતી હોય છે અને હું એ છોડવા જીદ કરી રહી હતી. કદાચ મનેય ખબર ન હતી કે કેમ, કદાચ મને મારું નસીબ ત્યાં ખેચી જઈ રહ્યું હતું, કદાચ મારો અને કપિલ નો પ્રેમ એ શહેરમાં મારી રાહ જોઈ રહ્યો હતો, કદાચ… બસ ફરી એકવાર મારા વધુ પડતું વિચારવાવાળા સ્વભાવે સંભાવનાઓ શોધવાનું શરુ કરી દીધું, પણ મમ્મીનો આભાર કે એણીએ મારા મનને એવું કરવા માટે સમય જ ના આપ્યો.

“નયના, મને કાંઈજ સમજાઈ નથી રહ્યું.” હું જવાબ આપુ કે નહી એની ચિતા કર્યા વિના જ મમ્મીએ બીજો સવાલ કર્યો. મમ્મીની આદત હતી સામે વાળું વ્યક્તિ તેની વાત પર કેટલું ધ્યાન આપી રહ્યું છે એના પર એ ક્યારેય ધ્યાન ન આપતી.
“શું મમ્મી?” મેં અજાણ બનવાનો પ્રયાસ કરતા કહ્યું. મારા ચહેરા પર એ શું પૂછી રહી છે એનાથી એકદમ અજાણ હોઉં એવા ભાવ મેં લાવ્યા. ખબર નહી હું મારા પ્રયાસમાં કેટલી સફળ રહી હતી?
“ બેટા, કેટલી જીદ કરીને તું હોસ્ટેલ ગઈ હતી અને હવે આમ જ કોઈ કારણ વિના તું હોસ્ટેલ છોડી દેવા માંગે છે… આપણી કોલેજમાં તો માંડ ત્રણસો છોકરા છોકરીઓ છે, તું જ્યાં છે ત્યાં ત્રણ હજાર વિધાર્થીઓ છે. એ કોલેજનું નામ પણ છે.” મમ્મીએ કહ્યું, આ બધું મે જ મમ્મીને કહેલું જયારે હું જીદ કરીને શહેર ભણવા ગઈ હતી.

“પણ ખાલી નામ જ છે.” મેં કહ્યું, “નામ બની ગયા પછી કોઈ ક્વોલીટીનું વિચારતું જ નથી. હવે એ લોકો પાસે નામ છે અને એમના નામને લીધે એમને ફૂલ એડ્મીશન મળી રહે છે. હવે ત્યાં ભણાવવાનું પહેલા જેવું નથી રહ્યું.”
“પણ આપણી નાનકડી કોલેજમાં તો માંડ એકાદ બે લેકચર દિવસે લેવાતું હોય તો ભલે. અને એમાય મોટા ભાગે બધા છોકરા છોકરીઓ તો બહાર જ ફરતા હોય છે, કોઈ કોલેજના કલાસમાં હોય છે કે નહી મને તો એય નવાઈ લાગે છે. મને હજુયે નથી સમજાઈ રહ્યું તને શું થઇ ગયું છે નયના તું કેમ એવી કોલેજમાં ભણવા માંગે છે?” મમ્મીના પ્રશ્નમાં મૂળ તો મારા ભવિષ્યની જ ચિંતા તરી રહી હતી.

“એતો પહેલાં, હવે એવું ન હોય. હવે બધું બદલાઈ ગયું છે, જે કોલેજો નાની છે જેમનું નામ નથી એજ સારું ભણાવે છે એ ટ્રસ્ટીઓ પોતાની કોલેજનું નામ રેપ્યુટેડ કોલેજના નામમાં જોવા માંગે છે” મેં કહ્યું. મારી પાસે કોઈજ જવાબ ન હતો, પણ જવાબ આપ્યા વિના ચાલે એમ પણ ન હતું એટલે મેં અંદાજે કહ્યું. મારી મમ્મીનો સ્વભાવ એવો જ હતો, એને વધુ બોલવું પસંદ હતું જયારે મને પપ્પાની જેમ ઓછું બોલવું… કદાચ આજ તફાવતના લીધે મમ્મી અને પપ્પા વચ્ચે ઓછુ બનતું હતું, ઓછુ બનતું મતલબ એમના વચ્ચે ઝગડા ન હતા થતા પણ બસ નાના નાના વિવાદો સર્જાયા કરતા.

“મમ્મી હવે હું ઘરે રહી ભણવા ઈચ્છું છું.” મેં કહ્યું, બોલતી વખતે મારા ચહેરા પર કંટાળાના ભાવ ચોખ્ખા વર્તાઈ આવતા હતા, હું મારી મમ્મીની જેમ જ મારી લાગણીઓ છુપાવવામાં ઓછા નંબર મેળવતી હતી, ઘણી વાર તો મમ્મી મને ખુલ્લી કિતાબ કહેતી, ને એ સાચું પણ હતું, હું ક્યારેય સારી રીતે જુઠ્ઠું ન બોલી શકતી, એક છોકરી હોવા છતાયે. દરેક છોકરીઓમાં જોવા મળતા એ સામાન્ય ગુણની મારામાં અછત હતી, કદાચ એ બધું મને મારી મમ્મી તરફથી વારસામાં મળ્યું હતું. લાગણીઓને છુપાવી ન શકવું, જુઠ્ઠું બોલવામાં નિષ્ફળ રહેવું, લાંબા સિલ્કી કાળા વાળ, પાતળી ગરદન, થોડીક ભૂરી આંખો ને પાતળો શારીરિક બાંધો એ બધું મને મમ્મી તરફથી વારસામાં મળ્યું હતું અને એમાંથી આંખો અને પાતળા શારીરિક બાંધા સિવાય બીજી કોઈ ચીજ માટે હું મમ્મીનો આભાર માની શકું એમ ન હતી.

“દરેક વાતનું કોઈ કારણ હોય છે, તે જયારે હોસ્ટેલમાં જવાનું કહ્યું ત્યારે તારી પાસે કારણ હતું.” મમ્મીએ પોતાની દલીલ કરી.
હું મમ્મીના ખભાથી જરાક ઉંચી થઇ ગઈ હતી એટલે હવે મનેય મમ્મી સામે દલીલ કરવાનો હક મળી ગયો હતો, મારી ઉંચાઈ 5”4 હતી ને મમ્મીની 5”6. મેં તો છેક 5”1 થી જ મમ્મી સામે દલીલ કરવાનો હક મેળવી લીધો હતો, પપ્પાએ જ અપાવેલો, પપ્પા મને બહુ લાડથી રાખતા,

પપ્પાની સામે દલીલો કરવાનો અને સામે બોલી જવાનો હક તો હું નવમાં ધોરણમાં હોસ્ટેલ ગઈ ત્યારથી જ મળી ગયો હતો એ દીવસે મેં સો દલીલો કરીને પપ્પાને મનાવ્યા હતા કે આપણા શહેરની શાળામાં હું દસમું નહિ કરું મારે મુંબઈ ડે સ્કૂલ માં જવું છે, દસમાં ધોરણ પછી મારે હોસ્ટેલમાં ભણવા જવું હતું અને એનું મુખ્ય કારણ મારી બે બહેનપણીઓ શહેર જઇ રહી હતી એ હતું. શહેર ગયા પછી બધું સારું ચાલ્યું દશમું ધોરણ, અગિયારમુ અને બારમું બધુજ ઠીક હતું પણ કોલેજનું એક વર્ષ મારા માટે નરક સમાન બની ગયું હતું, હું કંટાળી ગઈ હતી હવે હોસ્ટેલ અને કોલેજ થી.

એ દિવસે મેં મમ્મી સામે દલીલ ન કરી, ઘણા દિવસો પછી મમ્મી મળી હતી એટલે કે પછી મારી પાસે દલીલ કરવા માટે કશું ન હતું. હું ચુપ રહી.
લગભગ અમારું શહેર હવે પચાસેક કિલોમીટર દુર હતું. મમ્મીએ પણ એ દિવસે જાણે કે નક્કી જ કરી લીધું હતું કે એ મારી પાસેથી જવાબ લઈને જ રહેશે.
“તને એવું લાગતું હોય તો અઠવાડીયુ તું ઘરે રહેજે. કદાચ હોસ્ટેલમાં ઘર જેવું વાતાવરણ ના મળે એટલે કંટાળી ગઈ હોઇશ, ઘર જેવું જમવાનુંય નહી જ મળતું હોય ને?.” મમ્મીએ મારા પાસેથી વાત કઢાવવાનો નવો કીમિયો અપનાવ્યો.

બસ દરેક વખતે આજ થતું, મમ્મી મને ઈમેલ કરે ને હું વળતો જવાબ લખું પણ મારા શબ્દો પરથી એ મને પકડી લે, એને ખબર પડી જાય કે હું ઉદાસ છું, હું ચિંતામાં છું કે પછી મારી તબિયત ખરાબ છે. કોણ જાણે કઈ રીતે પણ મમ્મીને જુઠ્ઠું બોલતા ન આવડતું પણ જુઠ્ઠાણું પકડી લેતા આવડતું.
“બસ મમ્મી ત્યાની શાળાઓમાં પણ હવે આપણી શાળાઓ જેવુ જ ભણાવે છે.” મેં કહ્યું.

પણ જે મમ્મી મારો આવાજ સાંભળ્યા વિના, મારો ચેહરો જોયા વિના મારા ઇમેલ ના શબ્દો પરથી જાણી શકતી હોય કે હું સાચું નથી બોલી રહી તો રૂબરૂમાં એને એ ખબર પાડતા વાર લાગે?
“તારી આંખો તો કઈક અલગજ કહે છે.” મમ્મીએ કહ્યું.
મને મારી મોટી ગોળ ટોફીબ્રાઉન કલરની આંખો પર ખુબજ અભિમાન હતું, મમ્મી તરફથી વારસામાં મળેલી ચીજોમાં મને એ સૌથી વધુ પસંદ હતી પણ એ દિવસે મને એમના પર ગુસ્સો આવ્યો. કેમ મારી મોટી આંખો નાનકડી વાતનેય છુપાવી ન શકતી, મને ખુબજ ગુસ્સો આવ્યો. મેં મમ્મી બાજુથી આંખો હટાવી બારી તરફ નજર સ્થિર કરી.
“મમ્મી બસ એકવાર કારણ નહિ આપું તો નહિ ચાલે.” મેં બારી તરફ જોઈનેજ કહ્યું.

“ચાલશે બેટા પણ…” મેં મમ્મીના પણને આગળ વધવાજ ન દીધું, હું મમ્મીને ભેટી પડી,
“આઈ લવ યુ મમ્મી.” કદાચ હું બહુ જોરથી બોલી ગઈ હતી એટલે કમ્પાર્ટમેન્ટના બીજા પ્રવાસીઓ અમારી તરફ જોવા લાગ્યા, આમતો એક કોઈ પોતાની મમ્મીને આઈ લવ યુ કહે એ કઈ નવાઈની વાત નહતી પણ એકબીજા સાથે બેઠા પછી, એકબીજાને મળ્યા બાદ દોઢ કલાકે એકસો વીસ કિલોમીટર કાપ્યા બાદ અચાનક મમ્મી પ્રત્યે મારો પ્રેમ જોઈ કદાચ બધાને નવી લાગી, એમને એ ક્યાં ખબર હતી કે મમ્મી જયારે કોઈ કારણ આપ્યા વગર આપણી વાત માની લે ત્યારે કેટલી વહાલી લાગે છે.

ત્યારબાદ અડધોએક કલાક સુધી, જ્યાંસુધી અમારું સ્ટેશન આવ્યું ત્યાં સુધી અમારા વચ્ચે વાતાવરણને લગતી, મારી બહેનપણીઓને લગતી અને પપ્પાએ નવી લાવેલ એસન્ટ વિશે વાત થઇ.
વાતવાતમાં મેં એ જાણ્યું કે એ કાર માત્ર અમારા માટે જ નવી હતી, બાકી એસન્ટ નો મૂળ માલિક તો એને ગેરેજ મૂકી મુકીને કંટાળી ગયો હતો એટલે એણે એ વેચી હતી. પપ્પાને ગાડીઓ નો શોખ હતો. આ પહેલા પણ એમણે ઈન્ડીકા ખરીદી હતી, એ પણ જુનામાં, એ કારે મારું અગિયારમાં ધોરણનું વેકેશન બગાડયું હતું, અમે ઈન્ડીકા લઇ રાજસ્થાન ફરવા ગયા ત્યારે. ને આ વખતે મારું ફસ્ટ યરનું વેકેશન હતું અને એને ખરાબ સપનામાં ફેરવવા પપ્પાએ ફરી એક નવી ગાડી (જે માત્ર અમારા માટેજ નવી હતી) ખરીદી હતી.

ટ્રેનની ગતી ધીમી થવા લાગી, એક બે તીણી ચીસો આપીને ટ્રેને સ્ટેશનને પોતાના આવવાની ખબર આપી. આખરે પૈડા અને પાટા વચ્ચે કોઈ સંઘર્ષ ચાલી રહ્યો હોય એવો લાંબો ઘર્ષણનો અવાજ સંભળાયો, અમે બેગ લઇ સ્ટેશને ઉતરવા માટે તૈયાર થઇ ગયા.

***

અમે નાગપુર સ્ટેશને ઉતર્યા, અહી હજુ કઈ બદલાયું ન હતું, એજ સ્ટેશનને ઘેરીને રહેલી જૂની પુરાની દુકાનો, એજ પાનના ગલ્લા એજ ફેરિયાઓની બુમો અને એજ હમાલોની દોડધામ. દક્ષિણ તરફના હોમ સિગ્નલથી થોડેક દુર ઉભા કરાયેલ જૂની અને ખખડ ધજ્જ ક્વાટર્સ. એ કવાટર્સમાં હું નાની હતી ત્યારે ઘણી વાર જતી ત્યાં મારી સાથે પ્રય્માંરીમાં ભણતી મારી ફ્રેન્ડ સુલેખા રહેતી. મને એજગ્યા ખુબજ ગમતી, નાનકડું ક્વાટર્સ અને મેદીની વાળવાળું કમ્પાઉન્ડ, પતરાની રેલીન્ગમાંથી બનાવેલ ઝાપો, એ ઝાપો ખોલી અનાદર પ્રવેશો એટલે નાનકડી લોન અને સુલેખાની મમ્મીએ ઉછેરેલા ફૂલછોડ, શાકભાજીના ક્યારા અને તુલસી.ઓસરી અને એનાથી અંદર સ્ટેશન માસ્તરનું ઘર.

હું એ તરફ એક પળ જોઈ રહી, એ બધુજ ત્યાં હતું બસ હવે પેલી મેદીની વાડ, ફૂલોનેશાક્ભાજીના કાયર અને તુલસી ત્યાં ન હતા. સુલેખાના પિતાજી ની બદલી થયા બળ નવા સ્ટેશન માસ્ટર આવ્યા એ પણ મને યાદ હતું, એ માસ્ટર ને રહેવા પાછળની તરફ નવી રૂમ ફાળવાઈ હતી અને ત્યાર પછી થી બધા સ્ટેશન માસ્તરો એ રૂમ માંજ રહ્યા હશે.
કદાચ સુલેખાના પરિવાર પછી કોઈ એ ક્વાત્રમાં રહ્યું નહી હોય એમ એને જોતાજ દેખાઈ આવતું હતું. મને એક પળ માટે થયું કે સુલેખા હજુ અહીજ રહેતી હોત તો હું મારા ઘરે જવાને બદલે સીધીજ એના ઘરે જાત અને છેક સાંજ સુધી એનાથી વાતો કરત.

મેં એ કવાત્ર તરફ છેલી એક નજર કરી અને અમે સ્ટેશન છોડી બહારની તરફ જવા લાગ્યા. ગેટથી થોડેક દુર જ લોકોની ભીડ થયેલી હતી, હું જાણતી હતી એ શેની ભીડ હતી, કોઈ મદારી સાપનો ખેલ બતાવી રહ્યો હશે કે પછી કોઈ સેલ્સમેન કોઈક નવી વસ્તુ ને ફૂટપાથ પર ચાદર પાથરી ઢગલો કરી એનું પ્રદર્શન કરી રહ્યો હશે. સસ્તી અને ઘર વપરાશમાં ઉપયોગી ચીજો ને સરળતાથી વેચવાનો આ એક સરળ ઉપાય છે, રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશનની ભીડમાં સાંજ સુધીમાં ખરીદી કરવાની શોખીન બહેનો મળી રહે છે.

અમે દરવાજા પાસે પહોચ્યા, અનાયાસે જ હું એ ભીડ તરફ ખેચાઈ, મેં દુર થી જ અવાજ પરથી અનુમાન લગાવ્યું કે કોઈ મદારી કે જાદુગર તેના કીમિયા બતાવી રહ્યો હતો. મમ્મીને ખબર હતી મને બાળપણથી જ નાગ અને મદારીના ખેલ ગમતા હતા, કોઈ નાનકડી જાદુની તરકીબ બતાવે તો પણ હું ખુશીથી ગાંડી થઇ જતી. મમ્મી પણ મારી સાથે એ તરફ આવી.
મદારી ફૂટપાથ પર તડકામાં બેઠેલ હતો, એના ચહેરા પર એની કોઈજ અસર ન હતી. એ તડકા અને ગરમીથી ટેવાઈ ગયેલ લાગતો હતો. એ પોતાના માંકડા સાથે એ ગરમીમાં પોતાના અને માંકડાના પેટ ભરવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. હું જાણતી હતી ત્યાં ઉભેલ લોકોમાંથી મોટા ભાગના લોકો મફતનો શો દેખવા ઉભેલ હતા. હું ઘણી વાર આવા ખેલ જોવા ઉભી રહેતી, પછી ભલે એ નટ બજાણીયાનો દોરડા પર ચાલવાનો ખેલ હોય કે મદારી અને માંકડાનો, લોકો મોટાભાગે ખેલ પૂરો થતા જ ચાલવા માંડે છે. ખેલ જોનારામાંથી વીસ પચીસ લોકો માંડ એમની મદદ કરે છે.

પરંતુ આજે એનું માંકડું થાકી ગયેલ હોય તેમ એ બાજુ પર આરામ કરી રહ્યું હતું અને એ મદારી, પોતાના કરંડીયામાંથી એક પછી એક અલગ અલગ જાતના ને અલગ અલગ લંબાઈના સાપ બહાર કાઢી લોકોને તેમનો પરિચય આપી રહ્યો હતો. ક્યારેક લીલો ઘાસમાં જોવા મળતો સાપ તો કોઈ કાચ જેવો જળ સાપ.

અમારો વિસ્તાર જંગલની નજીક હતો એટલે ત્યાં સાપનું પ્રમાણ બહુ હતું, અને લોકોમાં સાપ વિશેનું જ્ઞાન હોવું જરૂરી હતું આથી એ મદારી લોકોને એ સમજાવી રહ્યો હતો કે કયા સાપ ઝેરી હોય છે અને કયા બિનઝેરી. મને એ બધું જાણવામાં ખુબ રસ પડ્યો એટલે હું જરાક વધુ નજીક ગઈ ત્યાજ એક કરંડિયામાંથી એક સાપ બહાર નીકળી ગયો અને મારી તરફ જોઈ ફુંફાડા મારવા લાગ્યો.
મારા પગ જાણે ત્યાજ ચોટી ગયા, મને કઈ સમજાઈ ન રહ્યું હતું કે શું કરવું પણ એ સાપ મારી તરફ આગળ વધે એ પહેલાજ મદારીએ એને પકડી લીધો.

સાપ ગાંડો થઇ ગયો હોય એમ ફુંફાડા મારતો રહ્યો. મને લાગ્યું જાણે કે એ સાપ મને જોઈ રહ્યો હતો.
મદારીએ ઝડપથી તેને કરંડીયામાં બંધ કરી દીધો. હું એકદમ ડરી ગઈ હતી, મારા પગ ત્યાજ ચોટી ગયા પણ મારા કરતાયે વધુ એ મદારી ગભરાઈ ગયો હોય એમ મને લાગ્યું. એણે પોતાનો ખેલ ત્યાજ આટોપી નાખ્યો અને બધા કરંડીયાને પોતાની જોળીમાં નાખી એ ઉભો થઇ ગયો, એનું માંકડું કુદીને એના ખભા પર બેસી ગયું. એ સ્ટેશનની અંદર તરફ જવા લાગ્યો,

મેં મમ્મી તરફ જોયું, મમ્મી મને જોઈ રહી હતી એને પણ એટલી જ નવાઈ લાગી કે અચાનક શું થઇ ગયું કે એ પોતાનો ખેલ વચ્ચે જ છોડીને ચાલ્યો ગયો, પોતાનો ખેલ જોનારા પાસેથી પૈસા લેવાય ઉભો ન રહ્યો.
જે હોય તે પણ મારા લીધે એને આજે નુકશાન થયું એ વાત તો નક્કી જ હતી. હું અને મમ્મી થોડીક વાર ત્યાં ઉભા રહ્યા. એ મદારી ત્યાંથી ચાલ્યો ગયો એ સાથે જ ત્યાં રહેલી ભીડ પણ વિખેરાઈ ગઈ. અમે પણ સ્ટેશન બહાર જવા લાગ્યા.

સ્ટેશનની બહાર આવતાજ મેં પપ્પાને એમની નવી કાર સાથે રસ્તાની પેલી તરફ ઉભેલ જોયા. ફરી મમ્મીએ પુછેલા દરેક સવાલ પપ્પા રીપીટ કરશે અને એના જવાબો આપવામાં હું કંટાળી જઇશ એ વિચાથી જ હું કંટાળી ગઈ. મારા ચહેરા પર મુસાફરીના થાક કરતા વધુ થાક તો સવાલોના જવાબ આપ્યાનો હતો. વાતાવરણ માં વરસાદ આવવાની તૈયારી હોય એવી ઠંડક હતી જેણે મારો બધોજ થાક અને કંટાળો દુર કરી નાખ્યો. હું એવી જ હતી. હું નાની નાની ચીજોમાં ખુશીઓ શોધી લેતી. વરસાદના હલકા ફુવારા મને ખુશ કરી દેતા, મને વરસાદના પાણીમાં ભીંજાયેલ જમીનની એડોર ગમતી, મારા પાસેથી પસાર થતી ઠંડી હવાની લહેરખીયે પણ મને ખુશ કરવા માટે પુરતી હતી. હું ગમે તેટલી ઉદાસ હોઉં રાત્રીના ખુલ્લા આકાશમાં ટમટમતા તારા જોઉં કે અંધારી રાતે ચમકતો ચન્દ્રમા નિહાળતી વખતે હું બધી ઉદાસી ભૂલી જતી. મને કુદરત પ્રત્યે અપાર સ્નેહ હતો કે કદાચ હું કુદરત સાથે અતુટ બંધનથી બંધાયેલી હતી. પતંગિયાને ફૂલો પર ઉડતા જોવામાં તો હું મારી જાતને જ ભૂલી જતી.

અમે રસ્તો પાર કરી પેલી તરફ ગયા, હું પપ્પાને ભેટી પડી, પપ્પા પણ જરાક ઈમોશનલ થઇ ગયા. હું વરસમાં બે વાર જ ઘરે આવતી, એ પણ દિવાળી અને ઉનાળુ વેકેશનમાં જ.
મારે બીજા કોઈ ભાઈ બહેન ન હતા એટલે મારી ગેરહાજરીમાં મમ્મી પપ્પા સાવ એકલા જ પડી જતા, એમાયે પપ્પા તો ખાસ એટલે જયારે પણ હું આવું પપ્પા જરાક ઈમોશનલ થઇ જતા. આમેય પપ્પા મને બહુ વહાલ કરતા. જયારે હું હોસ્ટેલ ગઈ એના પછી તરત જ સમજી ગઈ હતી કેમકે હોસ્ટેલમાં રહેતી પૈસાદાર ઘરની છોકરીઓને જે ચીજો માંડ મળતી એ બધી ચીજો પપ્પા મારા માટે મોકલાવતા, હું જીદ કરીને ગઈ હતી તો પણ.
પણ એનો અર્થ એ ન હતો કે એ બધા સવાલ જવાબો નહિ થાય, મને ખબર હતી પપ્પા જરૂર પૂછશે કે કેમ શું થયું? અને મારી પાસે કોઈ જવાબ ન હતો કેમકે ગઈ ત્યારે તો અણસમજમાં એટલા સુધી બોલી ગઈ હતી કે તમારી સાથે રહીને હું મારું કરિયર અને જીંદગી ખરાબ કરું એના કરતા મને દુર મુકવામાં તમને શું વાંધો છે. હવે કયા મોએ જવાબ આપું કે કોલેજનું વાતાવરણ સારું નથી. પણ એમ તો ખાસ કઈ વાંધા જેવું ન હતું કેમકે મમ્મી પપ્પા એ મેં જે કહ્યું એ સીરીયસ ન હતું લીધું. અમે કારમાં બેઠા એટલે તરત જ પ્રશ્નો ચાલુ થઇ ગયા, મને થયું હું પપ્પાની જોડે ડ્રાયવર સીટ પર બેઠી એના કરતા બેક સીટ પર ગઈ હોત તો સારું પણ મમ્મીએજ મને જાણી જોઇને ફસાવી હોય એવું લાગતું હતું, કારમાં બેસતી વખતે એવું પ્રેમથી બોલી હતી હું પાછળ બેસું, તમે બાપ દીકરી આરામથી વાતો કરો. આમેય અમે તો ટ્રેનમાં બહુ વાતો કરી છે. ત્યારે મને ન હતું સમજાયું કે મમ્મી કઈ વાતોની વાત કરી રહી છે.

“તો દીકરા આ અચાનક નવો નિર્ણય કેમ?” પપ્પાએ સવાલ કર્યો. મને એવું લાગી રહ્યું હતું જાણેકે દુનિયામાં વેલકમ ને બદલે આ સવાલ જ બચ્યો હતો, ઓછામાં ઓછું મારું સ્વાગત કરવા માટેતો આ એક જ સવાલ હતો. પપ્પા મને સારી રીતે સમજતા. એમને ખબર હતી કે મને દીકરી કરતા એ દીકરો કહીને બોલાવે એ વધુ ગમતું એટલે એ મને દીકરા કહીને બોલાવતા.
પપ્પાના સવાલનો જવાબ આપવાને બદલે મેં સવાલ કર્યો, “પપ્પા ગાડી કેટલામાં લીધી?”

મારા સવાલે પપ્પાને પોતાનો પ્રશ્ન ભુલાવી દીધો, હું જાણતી હતી કે પપ્પાને ગાડી વિશે પુછીશ એટલે વાતનો પાટો બદલી જશે, હું ખુશ થઇ, કેમકે બસ દુનિયા માં એક પપ્પા જ એવી વ્યક્તિ હતા જેમને હું બનાવી શકતી બાકીતો બધા મને જ બનાવી જતા, ને ઉપરથી સલાહ આપતા નયના તું તો બહુ ભોળી છે, થોડીક પાકી થા પાકી.
“એકદમ સસ્તામાંજ.” પપ્પાએ કહ્યું, ગાડીની વાત આવે એટલે પપ્પા જરાક ફોર્માલીટી કરવાનું ચુકે જ નહિ.
“ના, ના તોયે?” મેં જરાક ફોર્માલીટી કરતા કહ્યું.
“સિત્તેર હજારમાં.” પપ્પાએ સીતેર પર જરાય ભાર ન આપ્યું જેથી એ રકમનો આંકડો મારા મગજમાં તરત ન ઘુશે.

“કયું મોડેલ?” મેં કહ્યું.
“ખાસ જુનું નથી.” પપ્પાએ સીધો જવાબ આપવાને બદલે ગોળગોળ કહ્યું. મને ખબર હતી કે ગાડી જૂની હશે એટલે પપ્પાને એ કયું મોડેલ છે એ કહેવું નહિ ગમ્યું હોય. પણ મારે ઘર સુધી ગમે એમ કરીને વાતચીતનો વિષય બદલવો ન હતો એટલે મેં ફરી કહ્યું.
“કેટલી વપરાયેલી છે?” હું પણ પીછો છોડવા તૈયાર ન હતી.

“બસ એના જુના માલિકે ચાર વરસ પહેલા જ ખરીદી હતી.” પપ્પાએ કહ્યું.
મમ્મીને પપ્પાની ગાડીની દરેક ખામી કાઢવાનો શોખ હતો એટલે મમ્મીએ મને ટ્રેનમાં ગાડી વિશે મોટા ભાગની માહિતી આપી દીધી હતી, ખાસ કરીને જે સારી ન હોય તે અને એમાંની એક માહિતી હતી કે એ ગાડી બહુ જૂની હતી. હું જાણતી હતી કે ગાડી ૨૦૦૦ નું મોડેલ છે.

“અને એ જુના માલિકે નવામાં ખરીદી હતી?” મેં પૂછ્યું.
“ના, પણ એણે લીધી ત્યારે એ નવા જેવી જ હતી.” પપ્પાએ કહ્યું.
“તો પપ્પા આપણે ફરી આ વેકેશનને નહિ પણ આ ગાડીને યાદ કરીશું, પેલી ઇન્ડિકાની જેમ?” મેં મજાકમાં કહ્યું, ભલે હું પપ્પા પર જ મજાક કરું, એમને મારા સફેદ દાંત જોવા કદાચ ગમતા હશે એટલે એય મારી સાથે પોતાના પર થયેલી મજાક પર હસવા લાગતા. એ સમયે મને થતું ખરેખર પપ્પા જેટલો પ્રેમ મને કોઈજ નહિ કરી શકે.. ત્યારે મને ખબર ન હતી કે નાગપુરમાં કોઈ મારી રાહ જોઈ રહ્યું હતું જે કદાચ મને પપ્પાથીયે વધુ પ્રેમ આપવાનો હતો.

“ના, ના, એ બાણું મોડેલ હતી ને એસન્ટ ૨૦૦૦ મોડેલ છે, ને એના જુના માલિકે એન્જીનનું કામ કરાવેલુ જ છે.” પપ્પાએ સીરીયસ થઇ કહ્યું, પછી જરાક હસીને કહ્યું, “ને હવે આપણનેય થોડાઘણું રીપેરીગ કામ તો આવડી જ ગયું છે.”
ફરી અમે બંને હસ્યા, મેં મમ્મી તરફ જોયું, એ પણ અમારી સાથે હસી રહી હતી.

“તો હવે આ કોલેજમાં તો ગ્રેજ્યુંએસન પૂરું કરવાનો વિચાર છે કે પછી..?” પપ્પાએ વેધક સવાલ કર્યો, સામાન્ય પરિસ્થિતિમાં આવા પ્રશ્નાથ વાક્યો મને ન ગમતા પણ પપ્પાએ હું અહી કોલેજ કરવાની છું એ વાત સ્વીકારી લીધી એની ખુશીમાં હું એ પ્રશ્નની વેધક્તાનું દુ:ખ ભૂલી ગઈ.
અમે રહેતા હતા શહેરમાં પણ એ શહેર જંગલના કિનારે આવેલું હતું એટલે શહેર કરતા ગામ જેવું વાતાવરણ વધુ જોવા મળતું, અને એમાં અમારું ઘર, કદાચ શહેર ને છેડે સૌથી છેલ્લુ ને જંગલની હદ ચાલુ થાય ત્યાંથી પહેલું ઘર લેવાવાળા મુર્ખ અમે જ હતા, કદાચ અમે જે બજેટમાં ઘર લીધું એ બજેટમાં આ વિસ્તારમાંજ ઘર આવી શકે. પપ્પા માટે જંગલને અડીને આવેલા ઘરમાં રહેવું કઈ નવાઈની વાત ન હતી, તેઓ જંગલમાં અધિકારી હતા, જોકે તેઓ એક નીચલા વર્ગના અધિકારી હતા, એમને તેમની નોકરીમાં બાર હજાર સાતસોના પગાર સિવાય કશુ જ ન મળતું, બધી સાઈડ ઇન્કમ તો ઉપરી અધિકારીઓ જ કરતા. કેવી નવાઈની વાત છે આપણા દેશમાં, જે અધિકારીઓ જંગલમાં આખો દિવસ પ્રાણીઓ સાથે વિતાવે એમને બાર હજાર સાતસો ને ફોરેસ્ટ ઓફિસર જે માત્ર સાહેબની જેમ ઓફિસમાં બેસી રહે અને આવી આવીને આવે તોયે બે દિવસે એકાદ આંટો મારવા માટે, એય બે સુરક્ષા કર્મીઓ સાથે શિકારી જીપમાં. ખરેખર એ વિચારે મને પપ્પા ઉપર દયા આવતી અને બીજા અધિકારીઓ પર દાઝ.

અમારી કાર રોડનો ઢોળાવ ઉતરી, નીલા પર્વતની તળેટીમાંથી પસાર થઇ, એ પર્વતને અમે બધા નીલો પર્વત કહેતા કેમકે તેના પર જ્યાં જુવો ત્યાં બસ લીલાશ જ દેખાતી. મેં બારી બહાર નજર કરી, એ પર્વત એવોને એવો અડીખમ ઉભો હતો, મને યાદ હતું મારા બારમા જનમ દિવસે અમે અહી આવ્યા હતા, પહાડની પેલી તરફ પગથીયા બનાવીને ઉપર ચડવાનો માર્ગ મને હજુયે યાદ હતો. હું એ વખતે સાતમા ધોરણમાં હતી, મારા પગ નાનકડા હતા તોયે હું ઉપર સુધી ચડી ગઈ હતી, મારા નાનકડા પગ થાક્યા વિના છેક નાગદેવતાના મંદિર સુધી મને લઇ ગયા હતા. બાળપણ હોય જ છે એવું, એ સમયે નાનકડા પગમાં વગર કામે કે વગર કારણે દોડાદોડ કરવાનું જે જોમ હોય છે એ પછી ક્યારેય નથી હોતું, ભલે કવિઓ યુવાનીને વખાણે છે પણ યુવાની તો સ્વાર્થી છે યુવાની ના મજબુત પગ તો એક ડગલું ભરતા પહેલાય વિચારે છે કે આમ કરવાથી કઈ ફાયદો થશે કે?

અમારી કાર તળેટીની પેલે પાર પહોચી, મેં એક વખત ફરી એ બાળપણના સાથી જેવા પહાડ તરફ નજર કરી કેમકે એ થોડી વારમાં દેખાતો બંધ થઇ જવાનો હતો. મારી નજર મંદિરથી થોડેક જરાક દુર પહોંચી મને ત્યાં એક સ્ત્રી અને એક પુરુષ દેખાયા, મને નવાઈ લાગી બપોરનો સમય થઇ ગયો હતો એ લોકો પર્વત પરના મંદિરે શું કરતા હશે? બસ મારો આજ સ્વભાવ, ભલેને હું કોઈને ઓળખતી પણ ના હોઉં હું એમના વિશે વિચારવા લાગુ, શક્યતાઓ શોધવા લાગુ, દલીલો ને લોઝીક વડે એક નિર્ણય પર આવું અને પછી એ બધું ભૂલી જાઉં કેમકે એ વ્યક્તિને હું ઓળખતીજ નથી હોતી એટલે એ માહિતી મારા માટે કોઈજ કામની નથી હોતી. તત્વજ્ઞાનની અસર મારા પર કઈક વધારે જ થઇ હોય એમ લાગતું.

હું જાણતી હતી કે એ મારા માટે કઈ જ મહત્વ નું નથી છતાં મારું મન ત્યાં ઉભેલ સ્ત્રી અને પુરુષ વિશે સંભાવનાઓ બનાવવા લાગ્યું, બંને પતિ પત્ની હશે? પણ ના સ્ત્રી ઉમરમાં મોટી હતી ને યુવક કદાચ બાવીસેક વરસનો જ હતો, મારા મને અંદર અંદર સવાલ જવાબ શરું કરી દીધા. જરૂર એ સ્ત્રી એ યુવકની મમ્મી હશે, પોતાનો દીકરો કોલેજમાં સારા નંબર લાવે એ માટે બાધા રાખી હશે તે આવ્યા હશે? મેં વિચાર્યું, પણ એ લોકો સવારે કે સાંજે પણ આવી શકતા હતા. એમને ખરા બપોરે આવા તડકામાં આવવાનું કેમ પસંદ કર્યું હશે? જે હોયતે, મારે એનાથી શું લેવા દેવા મેં મારા મનમાંથી એ અજાણ્યા સ્ત્રી પુરુષના વિચારોને ફંગોળીને બહાર ફેકી દીધા.

“સ્નેહલતા માશી યાદ છે?” મમ્મીએ અચાનક કરેલા પ્રશ્નથી હું ઝબકી ગઈ, આમ અચાનક મમ્મીએ સ્નેહલતા માશી વિશે પૂછ્યું એટલે હું જરાક અચંબામાં મુકાઈ ગઈ.
“શું થયું? ઊંઘી ગઈ હતી કે શું?” પપ્પાએ કહ્યું. ને પછી ઉમેર્યું, “આવી ફૂલ જેવી કોમળ, બસો કિલોમીટરની મુસાફરી કરે તો જોકું તો આવીજ જાય ને?” વળી એ એક પ્રશ્ન, પણ આભાર કે મારા માટે ના હતો, એવું લાગતું હતું જાણે પપ્પા સ્વગત બોલી રહ્યા હતા.
“હા, મને યાદ છે.,” મેં કહ્યું, “કેમ શું હતું?” મને સ્નેહલતા માશી યાદ હતા, બાળપણ માય મને એ ક્યારેય પસંદ ન હતા. એ ગમે તે વસ્તુ જુએ બસ એક જ વાત કરે અમારી પાસે પણ આવી છે. એ પણ ઉંચી કંપનીની. હમેશા સામે વાળાની વસ્તુને પોતાની ચીજથી નીચી જ બતાવે. પછી ભલે વાસ્તવમાં તો એમને એ ચીજ વસ્તુ પહેલી વાર જોઈ હોય, એમના ઘરે એ હોય જ નહી. મને એમનો એ સ્વભાવ જરાયે ન ગમતો.

“એમનો મોનીલ યાદ છે?”
“હા, એય યાદ છે.” હું જરાક ગભરાઈ કેમકે ફિલ્મોને સિરીયલીમાંથી હું એક વાત શીખી ગઈ હતી કે જો મમ્મી બહુ દુરના સંબંધીના દીકરાને ઓળખે છે એમ પૂછે તો જરાક ડરવા જેવું હોય, જો તમારે એ દુરના સબંધીના દીકરા સાથે પરણવું ન હોય તો….!! મારા વધુ પડતા વિચાર કરનારે એ વાત ને મગજમાં જ ક્યાય સુધી ખેચી નાખી.
“એ આર કે વોહરામાં જ જવાનો છે. તારુ પણ ત્યાં એડ્મીશન કરાવી લઈએ. આમતો એ લોકો વચ્ચેથી કોલેજમાં નથી લેતા પણ સ્નેહલતાનો પતિ વોહરા પરિવારને ઓળખે છે એટલે કામ થઇ જશે.”

“હા, મમ્મી આમ પણ સારી ગણાય એવી એ એક જ કોલેજ છે ને?” મેં હાશકારો અનુભવતા કહ્યું. થેન્ક ગોડ, એ મોનીલ વિશેની પૂછપરછ મારી સગાઇ કે લગન માટે ન હતી, કેમકે હું હજી આગળ ભણવા માંગતી હતી.
બીજી જ પળે એ હાશકારો ગાયબ થઇ ગયો કેમકે મને મોનીલ યાદ હતો, એ એક નંબરનો ચમચો હતો, અમે વી. એન. સવાણીમાં ભેગા હતા. એ બધી નાની નાની વાત પણ મમ્મીને કહી દેતો, મને શાળામાં હોમવર્ક બદલ ઠપકો મળ્યો હોય કે વર્ગ બહાર ઉભા રહેવું પડ્યું હોય એ બધી ખબર એ મમ્મીને આપતો, અને હવે એજ મમ્મીનો ખબરી મારી સાથે કોલેજમાં હતો. પણ મને કોઈ ખાસ ફિકર કરવા જેવું ન હતું હું જે કોલેજમાં હતી ત્યાં સાડા ત્રણ હજાર વિધાર્થીઓમાંથીયે કોઈ મિત્ર બનાવી શકી ન હતી તો અહી સાડા ત્રણસોમાંથી મને ક્યાં કોઈ મિત્ર મળવાનો હતો? મમ્મીનો ખબરી તો ભલે ખબરી પણ મારે એક મિત્ર તો હશે, મારી સાથે કેફેટેરિયામાં બેસી નાસ્તો કરવા માટે કે પછી લોકર રૂમ નો દરવાજો ન ખુલે ત્યારે એ ખોલી આપવા માટે. કમસે કમ મારે મારી જૂની કોલેજની જેમ જામ થયેલ લોકર ખોલવા કોલેજ પ્યુન ની મદદ તો નહી લેવી પડે.

મારો સ્વભાવ આમતો ઈર્ષાળુ ન હતો પણ જયારે લીના અને પાયલ પાછળ છોકરાઓ દીવાના થઇ ફરતા, એમની બુક પણ એમણે ન પકડવી પડતી, એમની પાછળ પપી ડોગ ની જેમ ફરતા છોકરાઓ એમની બૂક પણ લઈને ફરતા, અને મારું લોકર જામ થઇ ગયું હોય, અને હું એ ખોલવા એને લાતો મારી બધાનું ધ્યાન ખેચુ તોયે કોઈ મદદ કરવા ન આવતું ત્યારે મને એમની ઈર્ષા થતી, ક્યારેક ક્યારેક તો ફૂટબોલ મેચ દરમિયાન વાગ્યું હોય અને કોઈ મને પૂછે નહિ કે ઘણું તો નથી વાગ્યું ને? ત્યારે આંખમાં આંશુ આવી જતા. મને થતું કાશ હુ પણ લીના અને પાયલ જેવી સ્ટાઈલીશ ને દેખાવડી હોત તો? એમને ઈજા થયાની વાતતો દુર એમનું ચપ્પલ તૂટી ગયું હોય તો એય લઈને માથા પર ફરે એવા પણ કોલેજમાં એમને મળી રહેતા ને બદલામાં એ કોઈને આપતી શું?? એક જુઠું સ્મિત. પણ શું કરુ?? મારી એજ ખામી હતી મને ક્યારેય જુઠું સ્મિત આપતા આવડ્યુજ નહિ ને?

જરાક ભારે અવાજ સાથે એસન્ટનું એન્જીન બંધ થયું, એક પળ માટે મને થયું કે પપ્પાની આ નવી કાર પણ…?
પણ ના એવું ન હતું, મારું ધ્યાન ગયું, કાર અમારા ઘરના દરવાજે ઉભી રહી હતી, હું વિચારોમાં ખોવાયેલી હતી એટલે મને ધ્યાન ન હતું રહ્યું, બસ.

લેખક : વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

ક્રમશ: વધુ આવતી કાલે…..

ટીપ્પણી