આધાર – નિરાધાર – જેણે તમને જખમ આપ્યા હોય એ જ જયારે તમારી દવા કરે તો??

આધાર – નિરાધાર

અમદાવાદમાં ચાર રસ્તા પર ઊભા રહેવાની પણ અનેરી મજા છે. સિગ્નલ લીલું થાય તે પહેલા તો ઘણા બધા બાળકો અને સ્ત્રીઓ જાત જાતની અને ભાત ભાતની વસ્તુઓ લઈને આવી જાય. તમે કાચ નીચે ન ઉતારો તો જાણે કાચમાંથી અંદર આવી જવાના હોય તે રીતે નજીક આવીને કાચને થપથપાવે.

ભાવ પાંચસોથી શરૂ થાય અને જેવું સિગ્નલ બદલાય કે સીધાજ પચાસ થઈ જાય. એક બાર-તેર વરસની છોકરી કાયમ એની માં સાથે આ જગ્યાએ વસ્તુઓ વેચતી. તેની ઝડપ પણ સારી હતી એટલે વધારે પૈસા મળતા. તેને ક્યારેક લોકો બિસ્કિટના પેકેટ પણ આપી જતાં. જેવાં પેકેટ મળે કે તે દોડતી નાનાભાઈ બેનને આપવા ભાગતી. મા બૂમો પાડે તો કહેતી કે, “ખાવા માટે તો બધું કરીએ છીએ. અને આરામથી બિસ્કિટ ખાતી. એ રૂડી હતી. પાતળી, લાંબી, શુસ્ક ચામડી અને વાળ અને લઘર વઘર કપડાં. ચોટલાના છેડે લટકતી રીબીન તેની નિશાની હતી. તે દરરોજ રીબીન બદલતી.એ દિવસે ચાર રસ્તા પાસેના ફુટપાટ પાસે ભીડ જામી હતી. બે ચાર પોલીસની ગાડીઓ ઊભી હતી અને રૂડી એના ભાઈ બેન સાથે રડતી હતી. રાત્રે એ લોકો સુતા હતા ત્યાં એક ગાડી વાળો રૂડીના મા-બાપને કચડીને ચાલ્યો ગયો હતો. વળી, એકાદ માણસે ગાડી જોઈ હતી. પોલીસ વારંવાર પૂછતી હતી કે, “અહીં ફૂટપાથ પર કેમ સુવો છો?” રૂડીને વિચાર આવ્યો કે બીજે ક્યાં સુવાય? એ તો સમજણી થઈ ત્યારથી અહીંજ સૂતી હતી. માબાપ ગયા પછી બીજી તકલીફો તો વધીજ હતી પણ નાના ભાઈ-બેનને શું ખવરાવવું એ પણ સવાલ હતો.

બાર વરસની છોકરીને ઉધાર માલ આપે કોણ? પેટમાં બિલાડા દોડતા હતા અને શું કરવું તે ખબર ન હતી. તેને વિચાર આવ્યો કે કોઈ ગાડીવાળા પાસે કંઈ ખાવાનું હોય તો પૂછી જોઉં. તે હજુ તો ગાડી પાસે ઊભી રહીને માંગવા ગઈ ત્યાં બે માણસો એ તેને પકડીને ગાડીમાં બેસાડી દીધી.
“એ સાહેબ મારા ભાઈ બેન ભૂખ્યા છે…” કહીને તે ચાલુ ગાડીએ કૂદી પડી. લોકો ભેગાં થવા લાગ્યાં. છાપાવાળા આવ્યા. બીજા દિવસે તો રૂડી પાસે માણસોનો ભંડાર થઈ ગયો. આ બધું શું કામ થતું હતું તે રૂડીને ખબર ન હતી પણ ખાવાની વસ્તુઓ, કપડાં અને ધાબળાનો ઢગલો થઈ ગયો. સાંજે પોલીસ એક ગાડીવાળાને લઈને આવી. તેણે રૂડીને એક કાગળ આપ્યો. અને કહ્યું કે, “કોઈ પૂછે તો કહેજે કે ખબર નથી.” રૂડી કંઈ પૂછે તે પહેલાં તો તેઓ ગાયબ થઈ ગયા. એ કાગળ પાંચ લાખનો ચેક હતો. પણ રૂડી માટે તો તે એક કાગળ જ હતો.

હવે તે આસપાસના લોકોને વસ્તુઓ વેચીને ભેગા કરેલા પૈસામાંથી ખરીદેલી વસ્તુઓ વેચતી. એક દિવસ એક બેન આવ્યા અને નાના ભાઈબેનને સરકારી શાળામાં દાખલ કરવા રૂડીને સમજાવી. રૂડી માની ગઈ કારણકે ત્યાં બે ટંક ખાવાનું, ઓરડામાં સુવાનું અને કપડાં મળવાનાં હતાં. રૂડી હવે એકલી હતી.

વખતો વખત નાના ભાઈ બેન આવતા અને પાછા જતા રહેતા. એક વાર કોઈ નેતા આવવાના હતા એટલે ફૂટપાથ ખાલી કરાવવાના થયા. બધા જતા રહ્યા પણ રૂડી ન ખસી.
“ભાઈ-બેન આવે તો જો હું ન હોઉં તો ગભરાઈ જાય.” પાંચ વરસ વીતી ગયા. રૂડી હવે મોટી દેખાતી. બંને ભાઈ બેન પણ લખતા વાંચતા શીખી ગયાં. હવે રૂડી પણ થોડું થોડું વાંચી સકતી. એક દિવસ પેલો ચેક તેના થેલામાંથી નીકળ્યો. તેણે તાપસ કરી તો ખબર પડી કે આ વસ્તુ બેંકમાં અપાય. તે બેંકમાં ગઈ. હવે તેને સમજાયુ કે તેણે શું ખોયું હતું! તેણે ચેકની નીચે નામ વાંચ્યું. પુરુષોત્તમ તનેજા. એને વિચાર આવ્યો કે, “મળીને વાત કરું, કદાચ આના બદલે કૈક બીજું આપે તો. પણ જવું ક્યાં?”

એક દિવસ રૂડીને મળવા એના ફોઈ આવ્યા અને કહ્યું કે તારા બાપુએ તારા લગન કરી દીધા હતા. એ લોકો કાલે લેવા આવશે. તારે જવાનું છે. થોડી આનાકાની સાથે તે તૈયાર થઈ. હવે તો તેની પાસે મોબાઈલ ફોન પણ હતો. તેને સ્કુલમાં જાણ કરી કે, “નવું સરનામું હવે લખાવીશ.” એનો વર બહુ રૂપાળો ન હતો અને વળી કોઈ શેઠને ઘરે ઘરકામ કરતો. સરનામું મોટા બંગલાનું હતું પણ સુવાનું એક નાની ઓરડીમાં. બે જ દિવસ માં ખબર પડી ગઈ કે તેડું કરવાનું કારણ શય હતું. શેઠાણી બીમાર હતા અને તેમની સેવા કરવાના સારા પૈસા મળવાના હતા. રૂડીએ આવું કામ કર્યું ન હતું પણ હવે છૂટકો ન હતો.

શેઠને ત્યાંથી સારું ખાવાનું આવે તો રૂડીની આંખમાં પાણી આવી જતા. એને નાના ભાઈ બેન યાદ આવતા. તે ચોકલેટને બિસ્કિટ સાચવી રાખતી અને ભાઈ બેનની રાહ જોતી. એકવાર તે બગીચામાં પાણી પીવરાવતી હતી અને બંને દેખાયા. તે મળવા દોડી અને ભેટી પડી.

ભાઈ જોરથી બોલ્યો. વ્રજ બંગલો. પુરષોત્તમ તનેજા. રૂડીને એકદમ પેલો ચેક યાદ આવ્યો. તેણે પૂછ્યું કે આ નામ તેને કેવી રીતે ખબર છે? ભાઈએ બંગલા પર લગાડેલી નામની તખ્તી દેખાડી ને રૂડીનાં રૂવાંડાં ઊભાં થઈ ગયા. તે ચુપચાપ અંદર જતી રહી.

સાંજે તેણે પોતાના વરને વિગત પૂછી તો ખબર પડી કે “એક પાર્ટીમાં શેઠાણી એ દારૂ પીધેલો અને ગાડી ચલાવીને આવતા હતા ત્યારે ફૂટપાથ પર ગાડી ચડી ગઈ હતી. પોલીસના દરથી થોડા દિવસ ઘરમાં ભરાઈ રહ્યા એમાં પગમાં પસ થઈ ગયું. વચ્ચે થોડો સમય સારું હતું. હું પણ અહીં ચાર વર્ષથીજ છું પણ દિવસે દિવસે તબિયત બગડતી જતી હતી. એટલે તને અહીં લાવી દીધી. એ લોકો મારું બહુ રાખતા.
રૂડીએ થેલી ખોલી અને ચેક બતાવ્યો. એનો વર જીવો ડરી ગયો. હવે તેણે શેઠાણીની ચિંતા થતી. તે સતત રૂડી પર નજર રાખતો. હવે ક્યારેક રૂડી શેઠાણીનાં રૂમમાં સૂઈ જતી. જીવો સમજતો હતો કે તે સાચા સમયની રાહમાં છે. તેથી તે જીદ કરતો કે રૂડીને ઓરડીમાં મોકલો.

શેઠાણી પ્રેમથી કહેતા, “અરે મારી દીકરી જેવી છે. રહેવા દેને. એ હોય છે તો મને સારું લાગે છે.” જીવો મૂંઝાયા કરતો. તેણે ઊંઘ ઊડી જતી. ભયાનક વિચારો પણ આવતા. એક દિવસ તે સવારે ઊઠ્યો. રૂડી અને શેઠાણી બંને ગાયબ. તેનો જીવ તાળવે ચોંટી ગયો. તેણે વિચાર આવ્યો કે શેઠને જાણ કરું. શેઠ પણ ગાયબ! નક્કી રૂડી એ બંનેને મારી નાખ્યા હશે અને લાશ સગેવગે કરીને ભાગી ગઈ હશે. તેણે પોલીસને જાણ કરવાનું નક્કી કર્યું અને અટકી ગયો.

તેણે ડર લાગ્યો કે આ બધામાં પોતે ફસાઈ જશે. જે થશે તે જોયું જશે માની ને તે ઓરડીમાં જતો રહ્યો.

સાંજે અચાનક બાજુની ઓરડીમાં ચહેલ પહેલ થઈ. બધા ખુશ જણાતા હતા. તે બહાર નીકળ્યો તો ખબર પડી કે શેઠાણી ચાલતા થઈ ગયાં છે અને રૂડી પર બહુ રાજી છે. થોડીવારમાં રૂડી પાછી આવી. જીવાનો જીવ જીવમાં આવ્યો. “ક્યાં હતી?” તે રૂડીને ભેટી પડ્યો.
રૂડીએ તેની સામે જોયું. “હા, હું એમને મારીજ નાખત. પણ જે દિવસે એમના નાના બાળકો પર નજર પડી તે દિવસે મને મારા દિવસો યાદ આવી ગયા. અંતે મેં તેમને સાજા કરવાનું નક્કી કરી લીધું. મારું કામ હવે પૂરું થયું છે. હું મારા ફૂટપાથ પર પાછી જતી રહીશ. જીવાએ તેને પકડી લીધી. અને રૂમનો દરવાજો બંધ કરી દીધો. અચાનક કોઈએ દરવાજો ખટખટાવ્યો. શેઠ હતા. તેના હાથમાં ચેક હતો.

“રૂડી, હુંજ તને ચેક આપવા આવ્યો હતો. છાપામાં આટલા ફોટા આવ્યા હોય પછી તારો ચહેરો ભુલાય? મારા એકાઉન્ટમાંથી પૈસા ઓછા ન થયા એટલે મને નવાઈ લાગેલી. હું ખરેખર ડરી ગયો હતો એટલે પાછો ન આવ્યો. જે દિવસે તને મારી પત્ની પાસે જોઈ ત્યારે મને ફાળ પડેલી પણ તને સેવા કરતા જોઈને મને ખ્યાલ આવી ગયો કે તને કંઈ ખબર જ નથી. આ ચેક તો આપણા જુનાં હિસાબનો છે. શેઠાણી પૂછે છે કે અમારી દીકરી બનીશ?”
રૂડીએ આંખો બંધ કરી. માબાપના લોહી નીતરતા દેહ દેખાયા. આંખમાં ઝળઝળિયાં આવી ગયા. તે બોલી, “પણ એક શરતે, મારા નાના ભાઈ બેનને પણ સ્વીકારો તો જ. કોને ખબર કાલે એ એકલાં ફૂટપાથ પર સૂતાં હોય ને કોઈ બીજું ઉતાવળમાં ગાડી ચડાવી દે. એનાં કરતાં મારી સાથે સારાં. શેઠ હું રાતોની રાતો જાગતી બેસી રહેતી. મને એ લોકોની ચિંતા હતી એટલે તો મારા કાળજાનાં ટુકડાને મેં જુદા કર્યા. પણ હું બંગલામાં આવી જાઉં તો એમનું કોણ?”
હવે શેઠના બંગલામાં ત્રણ માણસો વધી ગયાં હતાં. જીવો બાજુના નાના મકાનમાં રહેતો. રૂડીને વાજતે ગાજતે વળાવવાની તૈયારીઓ ચાલતી હતી.

લેખક : વિશ્વા રાવલ

અદ્ભુત વાર્તા, આપને પણ આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટમાં આપનો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી