સૌરાષ્ટ્ર અને ગીરની સંસ્કૃતિને આબેહુબ ખડી કરી દેતા જીવંત ચિત્રોનું અદભૂત પ્રદર્શન

કલાથી સમાજનો તણાવ ઓછો થાય છે; ચિત્રોના રંગના પડછાયામાં દેખાય છે કલાકારનું ચરિત્ર
– આઇ.જી. શ્રી એમ.એમ.અનારવાલાસૌરાષ્ટ્રના વિતેલા ખમીરવંતા સમયના પ્રસંગો અને માલધારીના જીવનને આબેહુબ રજુ કરતા ચિત્રો તા.૦૧ જુલાઇ સાંજના ૬ વાગ્યા સુધી નિહાળી શકાશે એ પણ જૂનાગઢમા ..

જેમા સામત બેલા, સામત ગરેજા અને કરશન ઓડેદરા સહિતના કલાકારોએ ચિત્રોમાં જીવ પૂર્યો છે
– પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવીસૌરાષ્ટ્રના વિતેલા યુગના ખમીરવંતા પ્રસંગો અને ગીર, હાલાર, લીલીનાઘેર અને બરડાના માલધારીઓના જીવનને આબેહુબ રજુ કરતાં અદભૂત ચિત્રોનું પ્રદર્શન. સૌરાષ્ટ્રની રંગધારાને આજે જુનાગઢની વંથલી રોડ સ્થિત સોરઠ ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી અને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતશ્રી જે.કે. સ્વામીની ઉપસ્થિતિમાં જુનાગઢ પોલીસ તાલીમ વિદ્યાલયના આચાર્યશ્રી અને આઇ.જી.શ્રી એમ.એમ.અનારવાલાએ ખુલ્લુ મુક્યું હતું.

 

ગ્રામ્ય જીવન અને ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત કરતાં દ્રશયોના જીવંત ચિત્રો તા.૦૧ જુલાઇ સાંજના ૬ વાગ્યા સુધી નિહાળી શકાશે. આજે આ ચિત્રોના દર્શન કરીને કલા રસીક લોકોએ જામકલ્યાણપુરના જાણીતા ચિત્રકાર સામત બેલા, માધવપુરના સામત ગરેજા અને પોરબંદરના કરશન ઓડેદરા અને કુ.દર્શિતા, કુ.આયુષિ અને કુ.માનસી તેમજ વિદ્યાર્થિની શ્રુતિ કાપડીયા સહિતના ચિત્રકારોને બિરદાવ્યા હતા.
સામત બેલાના ચિત્રોએ ગ્રામ્ય જીવન અને માલધારી મહિલાઓના જીવનને આબેહુબ રજુ કર્યા છે. ખમીરવંતા પ્રસંગો રજુ કરતા ચિત્રમાં સામત બેલાએ દેવાયત બોદરનું તેના પૂત્રનું શિર છેદ કરતા દ્રશ્યમાં માતા-પિતાનો મરનાર તેમનો પૂત્ર નથી તેવો ભાવ વ્યક્ત થાય તે માટે ચહેરા પર ઉર્મીઓ આબેહુબ રજુ થાય તેવો અદભૂત પ્રયાસ કર્યો છે.
માલધારી વૃદ્ધ દંપતિનું વાળું અને પતિને રોટલો અને ઓળો ખવડાવવાની અનેરી પ્રસંન્નતા રજુ કરતું દ્રશ્યમાં પણ નાનામાં નાની ચીજ-વસ્તુને અને ચુલાની અગ્નિને જીવંત દતાવવામાં આવી છે. સિંહ વચ્ચે રમતા માલધારીના બાળકો, અનેરો પશુ પ્રેમ, કૃષ્ણ ભક્તિ તેમજ રજવાળામાં વખતે થતાં યુદ્ધમાં મહિલાઓની ત્યાગની ભાવનાઓને પણ સુંદર રીતે રજુ કરવામાં આવી છે. આવા અંદાજે ૧૫૦ થી વધુ ચિત્રોમાં ગ્રામ્ય જીવન નજર સમક્ષ ઉભુ થાય છે.
પ્રદર્શનના ઉદઘાટન પ્રસંગે આઇ.જી.શ્રી એમ.એમ.અનારવાલાએ જણાવ્યું હતું કે, એક-એક ચિત્રના સર્જનમાં કલાકારોના ચરિત્રના પણ દર્શન થાય છે. કઠોર સાધના કરીને કલાકારોએ ચિત્રોનું સર્જન કર્યું છે. અનેક ચિત્રો રદ કર્યા પછી સુંદરમાં સુદર ચિત્ર બનાવવા દિવસો સુધી શ્રેષ્ઠ ચિત્રનું સર્જન થાય તે માટે કલાકારોએ અનેક મથામણ કરી હોય તેવું લાગે છે તે જણાવી શ્રી અનારવાલાએ કહ્યું કે જે રીતે મોનાલીસાનું ચિત્ર આજે ૫૦૦ વર્ષ પછી પણ અભ્યાસનો વિષય બન્યું છે તે રીતે સૌરાષ્ટ્રના વિતેલા ખમીરવંતા યુગ અને વિસરાઇ જઇ રહેલી ગ્રામ્ય સંસ્કૃતિના અત્યારે ભાગ્યે જ જોવા મળતા આવા દ્રશ્યનો ચિત્રો પણ આગામી સમયમાં અભ્યાસનો વિષય બનશે તેમ જણાવ્યું હતું.
કલાકારોએ ગામડાઓ ખુંદીને જે રીતે ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારા બનાવી હતી તે રીતે સૌરાષ્ટ્રની રંગધારા બનાવી છે તે બિરદાવાને લાયક છે તેમ કહ્યું હતું.

પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવીએ ચિત્રકારોને બિરદાવી કહ્યું કે ચિત્રોમાં કલાકારોએ તેમનો જીવ પૂર્યો છે અને શ્રેષ્ઠ ચિત્ર બનાવવા દિલથી કામ કર્યું છે. આ કલાકારો સન્માનને પાત્ર છે તેમ કહી સૌરાષ્ટ્રની ગ્રામ્ય સંસ્કૃતિની એક આખી ગાથા એક-એક ચિત્ર નિહાળીને નજર સમક્ષ ખડી થાય છે તેમ જણાવ્યું હતું.
સંત શ્રી જે.કે.સ્વામીએ કહ્યું કે, વિદ્યાર્થીઓએ શિક્ષણ સાથે ઇત્તર પ્રવૃતિઓમાં પરંગત થવાની જરૂર છે. દરેક બાળકમાં કોઇકને કોઇક કળા કુદરતે મુકી છે તેને વાલી અને શિક્ષકોએ બહાર લાવવાની છે તેમ જણાવી ચિત્ર પ્રદર્શન ના દરેક ચિત્રોને ધ્યાનથી જોવા અનુરોધ કર્યો હતો.

ચિત્રકારશ્રી સામત બેલાએ કહ્યું કે, તે પ્રાથમિક શાળામાં હતા ત્યારે માંડ-માંડ પાસ થઇ આગલા ધોરણમાં જતાં પરંતુ હાઇસ્કુલમાં આવ્યા પછી જે કામ પછી તે અભ્યાસ હોય કે ચિત્રકામ તે શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કર્યો અને મારો પહેલો નંબર આવવા લાગ્યો તેમ જણાવી વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવા અને ગમતુ કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. તેઓએ ચિત્રોના દ્રશ્યોની છાપ મેળવવા જ્યાં જ્યાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેમની પણ રસપ્રદ વાત કરી હતી.
આ ચિત્ર પ્રદર્શનનું જરૂરી સંકલન અને ભાતીગળ કળા ઉજાગર થાય તે હેતુ એ નાયબ માહિતી નિયામકશ્રી રાજુભાઇ જાનીએ જહેમત ઉઠાવી હતી. ચિત્ર પ્રદર્શનને સફળ બનાવવા સોરઠ ઇન્ટરનેશનલ સ્કુલનાં ટ્રસ્ટી શ્રી ડઢાણીયા, શ્રી સમીર વોરા અને શ્રી ગૌતમભાઇ તેમજ ચિત્રકારશ્રી રજનીકાંત અગ્રાવતે પણ જહેમત ઉઠાવી હતી.

લેખન.સંકલન : વિજય સિંહ પરમાર ‘ જૂનાગઢ’

રોજ આવી અનેક માહિતી વાંચવા માટે લાઇક કરો અમારુ પેજ

 

ટીપ્પણી