‘એ કાપ્યો છે…..!!’… વાંચો મિત્રો ખુબ સમજવા જેવી વાત કહી છે… કેવી લાગી આ વાર્તા અચૂક જણાવજો..

‘એ કાપ્યો છે…..!!’

‘જો કિન્નાને તોલ કરીને બરાબર બાંધ એટલે પતંગ સહેજે’ય ડોલે નહી.. અને એકદમ આપણે જે ધારીએ તે દિશામાં જાય ….!’ ચિંતને પોતાના પતંગની કિન્નાનો તોલ કરતાં કરતાં પત્ની રંજનાને કહ્યું.

‘જો એ તો મને આવડે એમ બાંધીશ…! મને તમારી જેમ બધુ નો આવડે….!’ રંજનાએ તરત જ જવાબ આપ્યો.

‘પણ એ તો ના આવડે તો’ય શીખવું પડે…. આ તો સાવ સામાન્ય છે…!’ ચિંતને ખૂબ ઝડપથી બીજી પતંગને પણ કિન્ના બાંધી દીધી.

‘હા… હા.. મને ખબર છે.. કે તમને પતંગ ચગાવતાં ખૂબ સારુ આવડે છે… અને પતંગબાજીમાં જો તમને કોઇ ચડે તેવું હોય તો માત્ર પેલા ધીરૂભાઇ… બાકી કોઇ નહી…!’ રંજનાએ હાથમાં અગરબત્તીનો સળગેલો છેડો પતંગને કાણાં પાડવા માટે કમાનની બાજુમાં અડાડ્યો અને પતંગના કાગળમાં સહેજ સગળીને તીખારો થયો.

આ તીખારો તો ઓલવાઇ ગયો પણ તેની લાહ્ય ચિંતનને આખા શરીરમાં વીજળીવેગે ઉઠી ગઇ.

‘હા… હવે તે ધીરુભાઇ આખા દિવસમાં એક પતંગ ચગાવશે… અને તેમને…..!’ ચિંતનની લાહ્ય શબ્દોથી સળગે ત્યાં જ મોબાઇલની રીંગ વાગી.

‘હા.. બોલ.. વિશ્વાસ….!’ ચિંતને કોલ રીસીવ કરતા કહ્યું.

અને થોડીવાર સામે છેડેથી આવતા અવાજને સાંભાળી લીધા પછી તે બોલ્યો, ‘પણ એમા હું શું કરું..? એ તો જેવા કરે તેવા ભોગવે….!’ ચિંતને જવાબ આપ્યો.

થોડીવાર પછી ફરી કહ્યું, ‘જુઓ સારું શું અને ખરાબ શું તે તમારે મને કહેવાની જરુર નથી… હવે હું મેનેજર છું… તે નહી…!’ અને ચિંતને ફોન મુકી દીધો.

‘શું થયું….?’ રંજનાએ સ્ત્રી સહજ આદત મુજબ પોતાની વાતનો દોર શરુ કર્યો.

‘આ તો વિશ્વાસનો ફોન હતો… ઓફીસમાં બધાને એમ છે કે મેં મેનેજર બનવા માટે પેલા જુના મેનેજર વિરુધ્ધ ફરીયાદો કરી હતી.’

‘હા.. એ તો સાચું જ છે.. ને…! તમે જ બધુ લખેલું’ને….!’ રંજનાએ ફરી અગરબતીનો સળગતો છેડો પતંગને અડાડ્યો.

‘હા… હવે જો ક્યારેક આ બધું કરવું પડે…! આ બધું ઓફિસ પોલિટીક્સ છે… તું ના સમજે…!’ ચિંતને વાત વાળવા પ્રયાસ કર્યો.

‘તમે તમારા જુના મેનેજરનો પતંગ તો જોરદાર રીતે કાપ્યો… પણ જો ધીરુભાઇનો પતંગ કાપો તો માનું કે તમે સાચા પતંગબાજ છો…!’ અને રંજનાએ ફરી અગરબતી અડાડી દીધી.

‘હા.. તું જો જે આવતીકાલે …!’ ચિંતને હવે તો ધીરૂભાઇનો પતંગ કાપ્યે જ છુટકો તેવી ગાંઠ વાળીને કિન્ના બાંધી.

ધીરૂભાઇ સોસાયટીના સૌથી સજ્જ્ન વ્યક્તિ અને છેલ્લા ત્રણ વર્ષથી સોસાયટીના પ્રમુખ. આખી સોસાયટી ધીરૂભાઇના પતંગની દિવાની…

ધીરૂભાઇની એક ખાસિયત કે દરવર્ષે તેઓ એક સ્પેશ્યલ પતંગ બનાવે અને તે ઉત્તરાયણના દિવસે એક કલાક માટે જ તે પતંગ ચગાવે. તે પતંગ પણ અવનવા આકારનો… તદ્દન નવી જ ડિઝાઇનવાળો તો હોય પણ સાથે સાથે તેમાં કોઇ સામાજિક ઉત્થાનનો સારો સંદેશ હોય જ…!

અગાઉની ઉત્તરાયણમાં તેમને બનાવેલા ‘બેટી બચાવો’ વિષય પરના એક દિકરીના આકારના પતંગે તો સૌના દિલ જીતી લીધેલાં, પક્ષી બચાવો અભિયાનની કબૂતર જેવી પતંગથી પણ લોકો આકર્ષાયેલા.

ગયા વર્ષે કલેક્ટેરે તેમને આ પ્રકારે સામાજિક સંદેશો આપતી ઉત્તરાયણ ઉજવવા બદલ સ્પેશ્યલ શહેર રત્નનો એવોર્ડ પણ આપેલો.

ઉત્તરાયણની સવાર આવી.

આજે ચિંતને તો એક જ ગાંઠ વાળેલી કે ધીરૂભાઇનો પતંગ ચગ્યા પછી તેને કાપી નાખું એટલે સંતોષ થાય…!

અને બરાબર અગિયાર વાગે ધીરૂભાઇ એક મોટા કદના આકાર સાથે પોતાના અગાસી પર આવ્યાં.

સામેના ધાબા પરથી માઇકમાં એનાઇન્સ પણ થયું. ‘આવ્યા છે… આવ્યા છે… ધીરૂભાઇ આવ્યા છે… આપણાં માટે કોઇ નવો સદંશો લાવ્યા છે…!’ અને બધાનું ધ્યાન હવે આ વખતે ધીરૂભાઇ કેવી ડિઝાઇનવાળો અને કયા સંદેશવાળો પતંગ ચગાવે છે તે તરફ ગયું.

અને ધીરૂભાઇએ પોતાનો પતંગ સહેજ હવામાં ઉપર કર્યો. અને દરેક ધાબા પરથી સૌએ તાળીઓના ગડગડાટથી ધીરૂભાઇના પતંગને વધાવ્યો.

જો કે ચિંતન તેમની બરાબર પાછળ તેમનો પતંગ કઇ રીતે કાપી શકાય તેનું માપ કાઢી રહ્યો હતો.

પવન પણ ખૂબ સારો હતો અને તેની લહેરોમાં ધીરુભાઇએ પોતાનો પતંગ ખુલ્લા આકાશમાં સરકાવ્યો.

આ ઉત્તરાયણનો સ્પેશ્યલ પતંગ હતો.. તેની ડિઝાઇનમાં ચાર માણસો એકમેકનો હાથ પકડીને ઉભા હોય તે રીતે હતો અને તેની પર લખેલું હતું, ‘એક બને નેક બને…!’ અને તેની પર સુંદર સુશોભને ફરી સૌના દિલ જીતી લીધેલાં.

માઇક પર ફરી સૌએ ‘ એક બને નેક બને…!’ ના નારા લગાવી ધીરૂભાઇને પ્રોત્સાહન આપ્યું.

આ સ્પેશ્યલ પતંગ જેમ જેમ હવામાં પોતાનું સ્થાન જમાવતો ગયો તેમ તેમ ચિંતનની ચિંતા વધતી ગઇ. વળી, તેમની આજુબાજુ કોઇ ધીરૂભાઇનો પતંગ કાપી ના જાય તે માટેના ક્ષેત્રરક્ષકો પણ ગોઠવાઇ ગયા.

આ ક્ષેત્રરક્ષકો બીજા કોઇ પતંગ તેની ઉપર આવીને પડે નહી તે માટે તેનું રક્ષણ કરતા… કોઇ સામેથી ધીરૂભાઇનો પતંગ કાપશે તેવું કોઇએ વિચાર્યુ નહોતું.

પણ ચિંતન જુદું વિચારી રહ્યો હતો.. તેને ધીરે ધીરે પોતાના પતંગની દિશા સ્થિર કરી અને આ સાત કોઠાનું યુધ્ધ કેવી રીતે જીતવું તે વિચારી લીધું.

રંજના પણ ફિરકી પકડીને સાબદી બની ગઇ હતી. સવારથી તેઓ બન્ને એક જ મિશન લઇને ધાબા પર આવેલા કે આજે તો ધીરૂભાઇનો પતંગ કાપીએ એટલે જાણે જગ જીત્યાં.

જો કે સવારથી તેમને પોતે બનાવેલી ચીકી, તલ સાંકળી, શેરડી બધું સામે હતું.. પણ તેમને તે ચાખ્યું’યે નહોતું. સાચે.. કેટલાક માણસો બીજાના સુખે દુ:ખી હોય છે..

લગ્નના છ વર્ષ થયેલા ચિંતન- રંજનાને કોઇ સંતાન પણ નહોતું.. અને પોતાના સ્વભાવના કારણે કોઇ સાથે મિત્રતા પણ નહોતી કે કોઇ તેમની સાથે ઉત્તરાયણ મનાવવા આવે.

હવે ધીરૂભાઇનો પતંગ હવામાં સ્થિર અને નિશ્ચિંત હતો. ઘણાં લોકો તેની સાથે દુરથી પોતાનો સેલ્ફી લઇને સોશિયલ મિડિયા પર વાઇરલ કરી રહ્યાં હતા.

અને ચિંતનને હવે સહેજ જગ્યા મળી.
ધીરૂભાઇના કુલ સાત ક્ષેત્ર રક્ષક પતંગમાંથી ત્રણ કપાઇ ગયા હતા અને પોતાના અને ધીરૂભાઇના પતંગ વચ્ચે માત્ર બે પતંગ જ હતા.

આ મોકો ચિંતનના ધ્યાને આવી ગયો..
અને દૂર ખૂણેથી પોતાનો પતંગ સહેજ વાળીને પોતાની મંજિલ તરફની દિશા પકડી.

પતંગ.. કિન્ના… દોરી… પવન બધું જ બરાબર સજ્જ કરીને ચિંતને આક્રમણ કર્યુ.

આ પતંગનું આક્રમણ આજે ચિંતન માટે એક યુધ્ધ જ હતું જે તેને મનમાં બરાબર ગોઠવી દીધું હતું.

ચિંતન પણ ખૂબ સારો પતંગબાજ હતો..
હવે તેના પતંગે નીચેથી તેજ ગતિએ ખેંચવાનું શરું કર્યુ.

ગતિ પણ કેવી…. આંખના પલકારામાં તો છેક દુર ખૂણેથી યુધ્ધમેદાનમાં આવી ગયો અને ક્ષેત્રરક્ષકનો પહેલો પતંગ તો દોરી અડતાની સાથે જ કાપી નાખ્યો….

અને રંજનાએ બૂમ પાડી… એ કાપ્યો છે…..!

અને ત્યાં જ દોરીનો એક લસરકો ચિંતનની આંગળી પર થયો અને લોહી નીકળી ગયું..

પણ ઘવાયેલો ચિંતન વધુ આક્રમક બની ખેંચવા લાગ્યો…

અને બીજી ક્ષણે બીજા ક્ષેત્રરક્ષકને પણ ઉડાડી દીધો..

રંજનાએ ફરી બૂમ પાડી…. એ કાપ્યો છે…!’

અને હવે ધીરૂભાઇ અને ચિંતનના પતંગ વચ્ચેનું રણમેદાન સાફ થઇ ગયેલું.

તેના પતંગની ગતી જોઇને બીજાને ખ્યાલ આવી ગયો કે આ ચિંતન ધીરૂભાઇનો પતંગ કાપશે.. એટલે કેટલાકે બૂમ મારી, ‘ ધીરૂભાઇ.. સાચવજો….!’

અને સામેના ધાબે રહેલા ભાવિકે તો પોતાનો હજુ બરાબર ન ચગાયેલો પતંગ પણ વચ્ચે નાંખ્યો. એમ કરતા પણ જો ધીરૂભાઇના પતંગને બચાવી શકાય….! આ જ તેનો આશય હતો.

જો કે આ ખુલ્લા આકાશના યુધ્ધમાં તેનો પતંગ પણ કપાઇ ગયો.

અને રંજનાએ બૂમ મારી… ‘એ કાપ્યો છે…!’

ત્યાં સુધીમાં તો ચિંતનની દરેક આંગળીઓમાંથી લોહી નીકળીને ટપકવાનું શરુ થઇ ગયું હતું.
જો કે ‘ એવરીથિંગ ઇઝ ફેયર ઇન લવ એન્ડ વોર’ મુજબ ચિંતનને મન તો આ વોર જ હતી.

અને છેલ્લે ધીરૂભાઇના પતંગ પર એટેક કર્યો…

તેનો પતંગ વિજળીવેગે આવ્યો… અને દોરી એકધારી રીતે ખેંચાઇ રહી હતી.
સૌ કોઇનું ધ્યાન હવે આ છેલ્લા એટેક પર ચોંટી ગયું હતું.

આ જ દિન સુધી ધીરૂભાઇની પતંગ પર આ રીતે ખૂબ સમજી વિચારીને આયોજનપૂર્વક પહેલીવાર કોઇએ આક્રમણ કર્યુ હતું.

અને…

ચિંતને છેલ્લો શ્વાસ લઇને ખેંચી લીધું…

અને… ધીરુભાઇના સ્થિર પતંગની દોરી પર તેને એટેક કર્યો.. ‘એક બને નેક બને’ લખેલા શબ્દો ધ્રુજવા લાગ્યાં… તે પતંગ પણ ચિંતનના એટેકથી હવામાં ગુંલાટ ખાઇ ગયો..
સૌ કોઇના જીવ તાળવે ચોંટી ગયા હતા…

અને ધીરૂભાઇનો પતંગ આ વખતે વધુ સામનો કરી ન શક્યો અને કપાઇ ગયો……!

દોરી તુટતા મહાકાય પતંગ સાવ કોકડું વળીને હવામાં ફેંકાવા લાગ્યો.. તેના પર લખેલું.. એક બને નેક બને…. પણ હવે વંચાતું નહોતું..

અને ચિંતન અને રંજનાએ આનંદથી… ખુશીથી…. યુધ્ધના જીતના જશ્નના લલકારથી જોરથી બન્ને એ એક સાથે બૂમ પાડી..

‘એ કાપ્યો છે….!’
‘એ કાપ્યો છે….!’

અને રંજનાએ જીતની ખુશીમાં ચિંતનનાં મોં મા ચિકી મુકીને વધામણાં આપ્યાં..

ધીરૂભાઇનો પતંગ કપાતાં જ આજુબાજુ શોકનું વાતાવરણ બની ગયું..
બીજી ક્ષણે બધા લાઉડ સ્પિકર બંધ થઇ ગયા..

કોઇકે તો ચિંતનના ધાબા પર જોઇને જેમ તેમ બોલવાનું પણ શરુ કર્યુ.. પણ ધીરૂભાઇએ તેમને વારી લીધા…

‘હશે… આ વખતે મારા પતંગનું આયુષ્ય ટુંકું હશે તેમ કહી..’ તેમને પોતાનું મન વાળી લીધું અને તે કોઇ ફરીયાદ વિના અગાસી પરથી નીચે ઉતરી ગયા.

ઉત્તરાયણના દિવસે ધીરૂભાઇના પતંગ વિના આકાશ ભેંકાર લાગી રહ્યું હતું.
ધીરૂભાઇનો પતંગ કપાઇ ગયો તો બધાને મન ઉતરાયણની મજા બગડી ગઇ અને બધાએ પોતાના પતંગ પણ નીચે ઉતારી લીધા.

હવે ચિંતન અને રંજનાનો એકલો પતંગ ખુલ્લા આકાશમાં એકલો અટુલો પોતાનો વિજય જશ્ન મનાવી રહ્યો હતો.

ત્યાં જ ચિંતનના ઘર પાસે કોલાહલ કરતું ટોળું ધસી આવ્યું.

ચિંતન અને રંજના નીચે આવ્યાં.
આખો ઓફિસ સ્ટાફ નીચે આવ્યો હતો.

સૌ પોત-પોતાનું રાજીનામું લખીને આવ્યા હતા અને ચિંતન તારું ગંદુ ઓફીસ રાજકારણ બંધ કરો તેવા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

ચિંતન સૌને સમજાવવામાં નિષ્ફળ રહ્યો.

અને ત્યાં જ ધીરૂભાઇ આવ્યાં.. સૌને પોતાના ઘરમાં બેસાડ્યાં અને તેમની વિગત જાણી.

ધીરૂભાઇએ સૌને સમજાવ્યા અને ચિંતનની હાજરીમાં જ કહ્યું, ‘ અરે, તમારી કોઇ ગેરસમજ થઇ હશે. ચિંતનભાઇ ખૂબ સારા છે.. અમારા પડોશી છે… થોડું સમજી જાવ આજે ઉત્તરાયણનો તહેવાર છે.. કોઇનો તહેવાર ના બગાડશો…!’

અને પછી સૌને શાંત કરી પાછા વાળ્યાં.

તે લોકો હજુ દરવાજે જ પહોંચ્યા હશે ત્યાં તેમાનો એક કર્મચારી પાછુ વળીને બોલ્યો, ‘કાકા, તમે ખૂબ સારા છો…! આ ચિંતનને હજુ ઓળખતા નથી. તેને આવીને અમારી ઓફીસમાં દરેક કર્મચારીના સંગઠન અને વિશ્વાસને તોડી નાખ્યાં છે. અરે… તેનું ચાલે તો તમે જો ઉત્તરાયણે સારો પતંગ ચગાવો તો ઇર્ષ્યાથી બળીને તમારો પતંગ પણ કાપી નાખે…..!’

અને છેલ્લા શબ્દોએ ચિંતનને હચમચાવી નાખ્યો.. તેની નજર પોતાની આંગળીમાંથી હાલમાં મેળવેલ જીતના જશ્નનું લોહી નીકળી રહ્યું હતું તેમાં સ્થિર હતી અને ધીરૂભાઇ પણ અવાક બની ગયા….

લેખક : ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ
તા. ૧૩/૦૧/૨૦૧૮

ડો. વિષ્ણુ પ્રજાપતિ લિખિત
સબંધોમાં સુખનું સિંચન કરતી નવલકથા
ચાર રોમાંચ જિંદગીના
અને
ખોવાયેલા ખુદની શોધ માટેનું અદભૂત પુસ્તક
હું
અવશ્ય વાંચો, વંચાવો અને વસાવો…

ટીપ્પણી