ઘણાં લોકોને ગાડી ચડે છે એવી ફરિયાદ હોય છે. એવું એટલે થાય છે કે મુસાફરીમાં ચાલુ વાહને બેઠે બેઠે તેમને ચક્કર આવવા કે પછી ઉલ્ટી થવાની તકલીફ રહે છે. આવું થાય ત્યારે પ્રવાસ – મુસાફરીની મજા ઓછી થઈ જાય છે અને અસુવિધા પણ ભોગવવી પડે છે. લોકોને જ્યારે ઉલ્ટી થતી હોય છે, ત્યારે વાહન રોકીને મુસાફરી અટકાવવી પડે છે. સમય અને શક્તિનો પણ વ્યય થાય છે. તબિયત ખરાબ થવાથી આપણો મૂડ પણ બગડી જતો હોય છે. લોકોને હવાઈ જહાજની મુસાફરીમાં બેસીને કે પછી દરિયાઈ જહાજની યાત્રામાં ઘણાંને આ મુશ્કેલી નડતી હોય છે.
બસમાં કે ચાલુ ગાડીએ પણ લોકોને ઉલ્ટી થતી હોય છે. આવું ટાળવા માટે એક અગત્યની સલાહ એ પણ છે કે ક્યારેય પણ ખાલી પેટે પ્રવાસ ન કરવો જોઈએ. એટલે જ સ્તો વડીલો કહી ગયા છે કે બહાર નીકળતી વખતે કંઈક ખાઈને જ જવું જોઈએ. આ સિવાય પણ અનેક એવા ઘરેલુ ઉપાયો છે, જેને અજમાવશો તો તમને રસ્તામાં ઉલ્ટી થવાની તકલીફમાંથી જરૂર રાહત મળશે…

ઘણાય લોકો જેઓ બહાર વારંવાર ફરવા જવાના શોખીન હોય છે, તેઓ પણ ક્યારેક લાંબી મુસાફરી કરવાનું ટાળતાં હોય છે. તેમને ડર રહેતો હોય છે કે ક્યાંક તેમને રસ્તામાં તબીયત ખરાબ થઈ જાય છે, તો તેઓ મુસાફરીનો ભરપૂર આનંદ ન માળી શકે તો? જો તમને પણ આવી કોઈ તકલીફ હોય અથવા તમારા કોઈ સગા વહ્યાલાં અને મિત્રોમાંથી પણ કોઈ આવી સમસ્યાથી પીડાતા હોવ તો આ ઉપાયો વિશે જરૂર જાણી લેવું જોઈએ, ચોક્કસથી અકસીર ફાયદો કરશે…
બસમાં પાછળની કે છેલ્લી સીટ ઉપર ન બેસવું…
જેમને ખરેખર પ્રવાસમાં પેટમાં ઊછાળા પડવાની તકલીફ રહેતી હોય તેમણે બસની મુસાફરી દરમિયાન સાવ છેલ્લી સીટ કે પાછળની સીટમાં બેસવું ટાળવું જોઈએ. વચ્ચેની સીટમાં બેસવાથી ઉબડ ખાબડ રસ્તામાં ઓછી તકલીફ થસે અને પેટ ઉછળશે નહીં. આમ કરવાથ ઉલ્ટી કરવાની અસરને પણ ટાળી શકાશે.

અનેક લોકોને ભીડથી અને લોકોની ચહેલપહલથી પણ મૂંઝારો થતો હોય છે. બસમાં બેઠેલા અનેક લોકોમાંથી આવતી પરસેવાની દુર્ગંધ અને ખાણીપીણીની સુવાસ નથી પસંદ પડતી હોતી. આવા સમયે પણ લોકોને ઉબકા આવવા લાગે છે. પાછળની છેક છેલ્લી સીટમાં ટાયર ઉપરની સીટ વધારે ઉછળે છે, જેને કારણે ઉલ્ટી કરવાનું પણ મન થતું હોય છે. તેથી જેમને બહુ તકલીફ હોય એમણે છેલ્લી સીટે ન બનવું જોઈએ.
લીંબુ પાણી કે ફૂદીનાનો રસ…
સફર દરમિયાન કેટલાક લોકોને મોળ ચડવાની તકલીફ થતી હોય છે. આ સમસ્યા ટાળવા માટે એક સરળ અને મજાનો ઉપાય છે. લીંબુ પાણી કે ફૂદીનાનો રસ સાથે રાખવો જોઈએ. આ પ્રકારના શરબતમાં સંચળ, મધ, મરી અને ખાંડ તેમજ નમક સપ્રમાણ માત્રામાં તમને માફક આવે એ રીતે બધા મસાલા નાખી દેવા જોઈએ. પછી એક બોટલમાં ભરીને મુસાફરીમાં સાથે રાખવું જોઈએ.

જ્યારે મોંઢું કડવું થતું જણાય કે ઉલ્ટીનું સેન્સેશન લાગતું અનુભવાય ત્યારે એકાદ ઘુંટડો થોડા પ્રમાણમાં પીતાં રહેવું જોઈએ. આ શરબતથી મુસાફરીનો થાક પણ ઓછો લાગશે અને તો રસ્તામાં ગરમી કે તડકાની લૂ વાતી હશે તો તેની સામે પણ તમને રાહત આપશે.
હંમેશા ઇલાઈચી સાથે રાખો
તમારા પાકીટમાં કાયમ એલચી રાખવાની ટેવ પાડવી જોઈએ. એક નાનકડી ડબ્બીમાં એલચીની આઠ – દસ કળી સાથે હોય તે ખૂબ લાભદાયી રહે છે. પ્રવાસ દરમિયાન ઊંઘ આવે કે બગાસા આવે અથવા તો મોળ ચડે, ઉલ્ટી કરવાનું મન થાય કે પછી મોંમાંથી વાસ આવતી જણાય તો એક કે બે કળી ઇલાઈચીના મોંમાં નાખી લેવા જોઈએ.

એકજ વારમાં આખી ચાવી જવાને બદલે તેનો રસ મોંમાં ધીમેધીમે ચૂસતાં રહેવાથી જીભને રાહત મળે છે. તેનામાં રહેલ ઔષધિય તત્વ ખોરાકનું પાચન કરવામાં મદદરૂપ થાય છે, તેથી જો પેટમાં વીટ ચડી હોય, ગેસ કે અપચાને કારણે ઉલ્ટી જેવું લાગતું હોય તો સારું અનુભવાશે. આ સિવાય મુસાફરી દરમિયાન અથવા તો ઘરની બહાર નીકળતી વખતે એલચી નાખેલી ચા પીવાથી પણ ફાયદો જણાય છે.
જીરું પાવડરનો પ્રયોગ

જેમને વારંવાર ઉલ્ટી થવાની કે ઉબકા આવવાની તકલીફ રહેતી હોય એ લોકોએ પ્રવાસ દરમિયાન બહાર નીકળતાં પહેલાં આ પ્રયોગ અચૂક અજમાવી જોવા જેવું છે. શેકેલ જીરાંનો પાઉડર દળી લઈને તેને એક ડબ્બામાં ભરી દેવું. હવે જ્યારે મુસાફરીએ જવું હોય ત્યારે આને પાણીમાં એક ચમચી ગોળીને લઈને પી જવું જોઈએ.
જીરું પેટ માટે ખૂબ જ ગુણકારી છે. પેટમાં ઠંડક આપે છે અને બળતરા ઓછી કરવામાં મદદરૂપ થાય એવું વસાણું છે. વળી, જીરાંનો સ્વાદ પણ ઘણાંને ખૂબ ભાવતો હોય છે તેથી તેમનું મોં જો ઉલ્ટી કે ઉબકાથી ચિકાસ પડતું અનુભવાય તો જીરાં પાઉડરથી મોંનો સ્વાદ ચોખ્ખો થયેલુ લાગતો હોય છે.
આંબલીનો ચટકો જીભને ગમે છે
આંબલી એવી વસ્તુ છે, જે ભાગ્યે જ કોઈને ન ભાવતી હોય. જીભને આંબલીનો ચટકો ખૂબ જ ગમતો હોય છે. મુસાફરી દરમિયાન જો આપને મોળ ચડે કે જીભ કડવી થતી જણાય તો આંબલી સાથે રાખવી જોઈએ. નમક ચડાવેલી આંબલી પાચનની દ્રષ્ટિએ પણ ખૂબ જ સારી કહેવાતી હોય છે. આંબલી ન મળે તો આજના સમયમાં આંબલીના અર્કવાળી અનેક પીંપરમીટ મળતી હોય છે તે પણ ખાઈ શકાય છે.

આંબલીના કચૂકાનો તૂરો રસ પણ ઘણાંને ખૂબ જ ભાવતો હોય છે. આ શરીરના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદા કારક હોય છે. તેથી તે પણ તમારા પાકિટમાં રાખી શકાય છે. મુસાફરી દરમિયાન શેકેલા કચુકા / આંબલિયા મોંમાં મૂકી રાખશો તો તમને જરૂર ગમશે.
આદુ છે, એકદમ અક્સીર ઉપાય
આદુ એ પાચન ક્રિયા માટે સૌથી ઉપકારક ઔષધ છે. તેના અનેક રીતે ઉપયોગ કરી લઈ શકાય છે. આદુની નાની નાની ટૂકડી કરીને તેને સૂકવી દેવી. ત્યારબાદ તેમાં સંચળ, મરી, નમક અને હળદર તેમજ લીંબુ જેવા મસાલા લગાવીને મુખવાસ બનાવી લઈ શકાય છે. આની ડબ્બી ભરીને તમે મુસાફરી દરમિયાન સાથે લઈ શકો છો.

જે થોડા પ્રમાણમાં મોંમાં લઈને ચૂસવાથી ખૂબ જ સારું લાગે છે. તાજાં આદુના કટકાને પણ એમને એમ કે લીંબુ અને મીઠું નાખીને પણ ઉલ્ટી કે ઉબકા આવતા હોય તો ચૂસી શકો છો. વધુમાં મુસાફરી માટે બહાર નીકળતી વખતે આદુવાળી ચા પણ પી શકાય છે. આદુને બદલે સૂકી સૂંઠ પણ ખૂબ જ ફાયદાકારક રહે છે.
મુખવાસ કે પીંપરમીટ સાથે રાખવી જોઈએ.

બજારમાં મળતા જાતજાતના વેરાઈટીવાળા મુખવાસ અને પીંપરમીટ મુસાફરી દરમિયાન સાથે રાખવી જોઈએ. વરિયાળિ અને ધાણાદાર વગેરે નાખેલ મુખવાસ એટલે પણ ખાવા જોઈએ જેથી પેટમાં ચાલુ ગાડીએ ડોળ ન ચડે અને ગૂંગળામણ ન થાય. પીંપરમીટમાં અનેક ફળોના સ્વાદવાળી અને મીંટ કે ઇજમેન્ટવાળી હોય છે જે મોંને એકદમ ફ્રેશ રાખે છે. જેથી કંટાળો, બગાસા અને ઉબકા આવતા નથી.
મ્યુઝીક સાંભળો અને બહારની હવા માણો

બહાર નીકળો ત્યારે બહારની તાજી હવાને તમારા શ્વાસમાં ભરો. તમને જરૂર હળવાશ અનુભવાશે. આપણે મુસાફરી દરમિયાન ફાજલ સમય છે, એમ માનીને મેગેઝિન કે પુસ્તક વાંચવા માટે સાથે લઈએ છીએ. આવું ન કરવું જોઈએ. કારણ કે વાંચતી સમયે વાહન જો ગતિમાં હશે તો તમને ચક્કર આવવાની અને ઉલ્ટી થવાની શક્યતા વધી જશે. તેની બદલે બહારના દ્રશ્યો માણો અને હળવું સંગીત સાંભળવાથી પણ તમને આનંદ અનુભવાશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ