આજનો દિવસ :- નાથાલાલ દવે – ભાવનગર નું ગૌરવ.. વાંચો અને જાણો..

જન્મ :-
૩ જુન, ૧૯૧૨
ભુવા, ભાવનગર

? અવસાન :-
૨૫ ડિસેમ્બર, ૧૯૯૫

નાથાલાલ દવે, ગુજરાતી ભાષાનાં જાણીતા કવિ,વાર્તાલેખક અને અનુવાદક હતા. ગુજરાતી સાહિત્ય ના ઉમાશંકરજોષીના સમકાલીન સુપ્રસિદ્ધ કવિ. તેમનો જન્મ ૩ જુન,૧૯૧૨ ના રોજ, ભાવનગર જિલ્લાનાં ભુવા ગામે થયેલ. પિતાનું નામ વૈદ્ય ભાણજી કાનજી દવે. માતાનું નામ કસ્તુરબહેન. પત્ની નું નામ નર્મદાબહેન.

 

તેમણે બી.એ., એમ.એ., બી.ટી. સુધી અભ્યાસ કર્યો અને શિક્ષણ ક્ષેત્રે કાર્ય કર્યું. તેઓ ૧૯૫૬ થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારીનાં પદ પર રહેલ.
તેમની કેટલીક રચનાઓ હાલ અપ્રાપ્ય છે. એમના કાવ્યો ખુબ જ પ્રાકૃતિકતા દર્શાવતા હોય છે. મારા મિત્રો ને એમના ચોમાસાને લગતા કાવ્યો ખુબ જ પસંદ છે. નિવૃત્તિ બાદ શેષ જીવન ભાવનગરમાં વિતાવેલ. ડિસેમ્બર ૨૫,૧૯૯૫ નાં રોજ તેમનું અવસાન થયું. તેમની અનેક કાવ્યકૃતિઓ પાઠ્યપુસ્તકો માં ભણાવવા માં આવે છે.

? મુખ્ય રચનાઓ

કવિતા – કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયા બિન, ઉપદ્રવ, મહેનતનાં ગીત, ભૂદાનયજ્ઞ, સોના વરણી સીમ, હાલો ભેરૂ ગામડે, મુખવાસ

વાર્તા – ઊડતો માનવી, મીઠી છે જિંદગી,

સંવાદપ્રધાન રચનાઓ અને અનુવાદો : ૨૦ કાવ્યસંગ્રહો – ૫ વાર્તાસંગ્રહો, ૧૧ સંપાદનો = ૩૬ પુસ્તકો ૧૯૮૨ સુધીમાં.

? એમના કાવ્યો માણીએ

? ધરતીના સાદ – નાથાલાલ દવે

એવા આવે છે ધરતીના સાદ રે.. હાલો ભેરું ગામડે
ભીની માટીની ગંધ આવે યાદ રે.. હાલો ભેરું ગામડે

બોલાવે આજ એનાં ખુલ્લાં આકાશ,
મીઠા પરોઢના અલબેલા ઉજાસ
ઘેરાં ઘમ્મર વલોણાંના નાદ રે.. હાલો ભેરું ગામડે

ચારીશું ગાવલડી ડુંગરના ઢાળે
બાંધીશું હીંચકો વડલાની ડાળે,
મોર ગહેકે જ્યાં સરોવરની પાળ રે.. હાલો ભેરું ગામડે

ગાઓ રે બંધવા ! ગામડાંનાં ગીત,
યાદ કરો ભોળુડાં માનવીની પ્રીત
જાણે જિંદગીનાં મીંઠા નવનીત રે.. હાલો ભેરું ગામડે

ખૂંદવાને સીમ,ભાઇ! ખેડવાને ખેતરો,
ભારતના ભાવિનાં કરવાં વાવેતરો….
હે જી મા કરવા ભોમને આબાદ રે.. હાલો ભેરું ગામડે

? ભણકાર – નાથાલાલ દવે

નીંદરની ચાદર ઓઢી, જાયે સંસાર પોઢી,
……………….. આકાશે રેલાયે અંધાર જી;
કોણ રે આવીને ત્યારે મારી વીણાના તારે,
……………….. આવા તે જગાડે ઝંકાર જી ?

નીંદ મારી જાય તૂટી, બેસું પથારીમાં ઊઠી,
……………….. જાણું ના શાના આ ભણકાર જી;
નજરૂં ત્યાં પાછી વળે, આશા મારી ના ફળે,
……………….. દષ્ટિ તો પામે ના દીદાર જી.

ગુંજે આ શી અજાણી, કોની વિપુલ વાણી ?
……………….. કોના આ વ્યાકુલ વાગે સૂર જી ?
કોના એ છાના સાદે, કોના રે મીઠા નાદે
……………….. ભીતર મારું થાયે ભરપૂર જી ?

અંતરમાં ઊંડી આશા, એ તો પામે ના ભાષા,
……………….. ઊરમાં તો આંસુ કેરા ભાર જી;
દુર્લભ જ્યાં દર્શન તારાં, શી વિધ પહેરાવું મારા
……………….. કંઠ કેરો આ કુસુમહાર જી ?

? ચાકડો – નાથાલાલ દવે

કાચી રે માટીના ઘૂમે ઘડુલિયા
ધણી ઘડે જૂજવા રે ઘાટ,
વાગે રે અણદીઠા એના હાથની
અવળી સવળી થપાટ—કાચી.

વ્હાલા! શીદને ચડાવ્યાં અમને ચાકડે?
કરમે લખિયા કાં કેર?
નિંભાડે અનગળ અગનિ ધગધગે,
ઝાળું સળગે ચોમેર—કાચી.

વેળા એવી વીતી રે વેદન તણી
ઊકલ્યાં અગનનાં અસ્નાન,
મારીને ટકોરા ત્રિકમ ત્રેવડે
પાકાં પંડ રે પરમાણ—કાચી.

હરિએ હળવેથી લીધા હાથમાં,
રીજ્યા નીરખીને ઘાટ,
જીવને ટાઢક વળી તળિયા લગી
કીધા તેં અમથા ઉચાટ—કાચી.

? ખોલો દ્વાર (ભક્તિગીત) – નાથાલાલ દવે

શાંત એકાંતે મારાં વરસોનાં વરસો વીત્યાં,
ખોલી નાખો આ ઘરનાં દ્વાર જી.

સામે આ જીવન કેરા રાજમારગ રૂપાળા,
મન મારા, નીકળો હવે બહાર જી.

કૈંક રે અજાણ્યાં સંગે હળવા મળવાનું થાશે,
નવલા પામીશું હવે સંગ જી.

આખી અવનીની સાથે ઓતપ્રોત થાશું ને
અંતરમાં ધારીશું ઉમંગ જી.

ભવ કેરી ભીડ વચ્ચે મનના માલિકને મળશું,
ભાવેથી ભર બજાર જી.

આશા ને તૃષ્ણા કેરા કેવા રે તાણાવાણા ?
સુખદુ:ખથી છલકાતો સંસાર જી.

માનવીની આકાંક્ષાઓ એની ઝંખનાઓ જાણી,
અંતરથી થાશું એકાકાર જી.

મારો આ પ્રાણ હવે સાંભળશે હૈયે હૈયે,
પ્રિયતમની પ્રીતના ધબકાર જી.

ને લાખો કંઠ કેરા કલ્લોલે ગુંજી રહેશે,
એની વીણાના ઝંકાર જી.

? કામ કરે ઇ જીતે – નાથાલાલ દવે

કામ કરે ઇ જીતે રે માલમ !
કામ કરે ઇ જીતે.

આવડો મોટો મલક આપણો
બદલે બીજી કઇ રીતે રે. – કામ કરે ઇ જીતે

ખેતર ખેડીને કરો સીમ સોહામણી !
બાંધો રે નદીયુંના નીર ;
માગે છે દેશ આજ મહેનત મજિયારી,
હૈયાના માગે ખમીર. – કામ કરે ઇ જીતે

હાલો રે ખેતરે ને હાલો રે વાડીએ,
વેળા અમોલી આ વીતે;
આજે બુલંદ સૂરે માનવીની મહેનતના
ગાઓ જય જયકાર પ્રીતે. – કામ કરે ઇ જીતે

? ગાંધી જયંતી – નાથાલાલ દવે

તાત તુજ જ્યોત નિર્મલ જગે ઝળહળે,
મનુજના દિલદિલે દીપ તારો જલે,
જીવનની વેલ નવપલ્લવે પાંગરે,
સર્વ માંગલ્ય તુજ સાધનાના બળે.
તેં પીધાં ગરલ, આપ્યાં જગતને અમી,
સત્ય વિજયી થયું, પાપ-આંધી શમી,
વિસ્તરી આત્મની શાંત નિર્મલ પ્રભા.
માનવી-હૃદયની તપ્ત જે મરુભૂમિ
ભીંજવી તેં કીધી આર્દ્ર કરુણાજલે.
તાત તારે પદે નમ્ર હો વંદના,
સ્વપ્ન તારાં, બને એ જ અમ સાધના,
સકલ પુરુષાર્થ અમ તે નિરંતર બનો
તુજ આદેશની મૂક આરાધના.

? હવામાં આજ — કવિ નાથાલાલ દવે

હવામાં આજ વહે છે ધરતી કેરી ખુશખુશાલી,
મોડી રાતે મેઘ વિખાયો ભાર હૈયાનો કીધો ખાલી-હવા.

ઝાકળબિંદુ પાને પાને તૂર્ણે તૂર્ણે ઝબકે જાણે
રાતે રંગીન નિહારિકા ધરતીખોળે વરસી ચાલી-હવા.

રમતાં વાદળ ગિરિશિખરે મધુર નાની સરિત સરે
દૂર દિગંતે અધિર એનો પ્રીતમ ઊભો વાટ નિહાળી-હવા.

રવિ તો રેલે ન્યારા સોનેરી સૂરની ધારા,
વિશળે ગગનગોખે જાય ગૂંથાતી કિરણ્જાળી-હવા.

મન તો જાણે જુઈની લતા ડોલે, બોલે સુખની કથા,
આજ ઉમંગે નવસુગંધે ઝૂલે એ તો ફૂલીફાલી-હવા.

? સીમ – નાથાલાલ દવે

સોનાવરણી સીમ બની મેહુલીયે કીધી મહેર,
ભાઈ મોસમ આવી મહેનત ની…

નદીયુંના જલ નીતર્યાં
લોકોમાં લીલાલ્હેર રે ….
ભાઇ! મોસમ આવી મહેનત ની..

લીલો કંચન બાજરો
ને ઊજળો દૂધ કપાસ રે ….
ભાઇ! મોસમ આવી મહેનત ની..

જુવાર લોથે લૂમે ઝૂમે
ને હૈયામાં હુલ્લાસ રે ….
ભાઇ! મોસમ આવી મહેનત ની..

ઉપર ઊજળા આભમાં
કુંજડિયુંના કલ્લોલ રે ….
ભાઇ! મોસમ આવી મહેનત ની..

વાતા મીઠા વાયરા
ને લેતા મોલ હિલોળ રે ….
ભાઇ! મોસમ આવી મહેનત ની..

હો! લિયો પછેડી દાતરડાં,
આજ સીમ કરે છે સાદ રે ….
ભાઇ! મોસમ આવી મહેનત ની..

રંગે સંગે કામ કરીએ
થાય મલક આબાદ રે ….
ભાઇ! મોસમ આવી મહેનત ની..

લીંપી- ગૂંપી ખળાં કરો,
લાવો ઢગલે ઢગલા ધાન રે ….
ભાઇ! મોસમ આવી મહેનત ની..

રળનારો તે માનવી
ને દેનારો ભગવાન રે ….
ભાઇ! મોસમ આવી મહેનત ની..

? ઘૂમે ઘડુલિયા – નાથાલાલ દવે

કાચી રે માટીના ઘૂમે ઘડુલિયા
કે ધણી ધડે ઝૂઝવા રે ઘાટ
વાગે રે અણદીઠા એના હાથની
અવળી સવળી થપાટ …
કાચી રે માટીના ઘૂમે ઘડુલિયા

વ્હાલા શીદને ચઢાવ્યા અમને ચાકળે
કર્મે લખિયા કાં કેર ?
નીભાડે અનગઢ અગ્નિ ધગધગે
જાંળુ સળગે ચોમેર ..
કાચી રે માટીના ઘૂમે ઘડુલલિયા

વેળા એવી વીતી રે વેદનતણી
ઉકલ્યા અગનના અસનાન
મારીને ટકોરા ત્રિકમ ત્રેવડે
પાકા પંડ રે પરમાણ
કાચી રે માટીના ઘૂમે ઘડુલલિયા

હરિએ હળવેથી લીધા અમને હાથમાં
રીઝ્યા નીરખીને ઘાટ
જીવને ટાઢક વળી તળિયા લગી
કીધા તે અમથા ઉચાટ
કાચી રે માટીના ઘૂમે ઘડુલિયા

? અંતે

શું વળે ?

નાદાનની મિજલસ મળે ત્યાં સુરાવટથી શું વળે ?
સાહિત્યક્ષેત્રે જૂથ કેરી જમાવટથી શું વળે ?
ભાવ ભીતરમાં નહીં તો બનાવટથી શું વળે ?
કસ નહિ જો કવિતામાં, સજાવટથી શું વળે ?

– નાથાલાલ દવે

લેખક : વસીમ લાંડા “વહાલા”

દરરોજ અલગ અલગ વ્યક્તિઓના પરિચય માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી