“મફતીયો દાડો” – અપલખણનુ મોટુ કારખાનુ એટલે વાઘા બાપા… વાંચો એમની વાર્તા..

અરેરે….આ શું થઇ ગયુ..!! નબળો નીહાકો નાખી, માસ્તર રામજી દાદા લમણે હાથ મુકી એકલા એકલા બબડતા’તા, મે જ મારા હાથે મારાજ પગ પર કુહાડી મારી, આખી જીંદગી તલવાર ની ધાર કાઢી ને ક્ષણમા બુઠ્ઠી થઇ ગઇ, મે પાય પાય ભેગી કરી હતી મારા દિકરા માટે પણ બઘુય લુંટાય ગયુ, આમ માસ્તર બોલી ઉભા થઇ ગ્યા, ચાલો કશો વાંઘો નૈ એના ભાગ્યનુ હતુ એ,,એ લય ગ્યો બીજુ શું?

માથા પરહાટે કાય મેળ થોડો પડશે…!!!
જેવી હરી ઇચ્છા ,
આ વાત છે રામનગરના માસ્તર રામજી દાદાની. તેઓ એક નીવૃત શીક્ષક હોવા છતા પણ અભણોને શીક્ષણ પુરુ પાડતા એ પણ મફતમા.આખી જીંદગી તેઓએ સાયકલ ચલાવી, ગમે તેટલુ ગામ દુર ભલેને હોય,, સાયકલ પરજ જતા..

તેની બાજુમા એક ગામ હાથીગઢ આ બેય ગામ વચ્ચે લગભગ દોઢેક કિલોમીટરનો ગાળો હશે, માસ્તર આ ગામમા દસ વર્ષ પહેલા નોકરી કરતા તેથી ગામના બધા લોકો રામજી દાદા ને સારી રીતે ઓળખતા. હાથીગઢ એટલે આજુ બાજુના ગામડા મા પ્રખ્યાયત થય ગેલુ ગામ..!! કે’વાયછે ને કે ગામ હોય ત્યા ઉકરડો હોય, આ ગામમા પણ નામી અનામી ઘણાય રહેતા. એવુજ એક નામ. વાઘા બાપા….! વાઘા બાપાનો ઇતિહાસ બહુ ઉંડો, ને ગહન પણ સારી બાબતે નૈ.. બુરાઇ કરવી, પંચાત કરવી, આવા અપલખણનુ મોટુ કારખાનુ એટલે વાઘા બાપા.
કાઇ કામ ધંધો નૈ નીકળી પડતા પંચાત કરવા..
એક દિ રોજની જેમ વહેલા નીકળ્યા સવાર સવારમા.

ભાઇ ભાઇ શું વાત છે સવાર સવારમા તાપણુ કરી બેહી ગ્યા જુવાનીયાઓ.
તાપતા તાપતા એક બોલ્યો,,આવી ગયો અણી કાઢવા,,આખુ ગામ તેમજ આજુ બાજુના બધાય ઓળખતા.આ ડોસો કેવો છે,, આવી ને વાઘા બાપા બોલ્યા કેમ લ્યા ભુરા ભણવા નથી જાતો..?? નો જાતો હોય તો જાવુય નય હો ભય્ણે કોનુ હારુ થયુ સે.. તમ તમારે દાડીયુજ કરવાનુ સે ખેડુની નોકરો જોયો સે કોયદી..હ…પછી બોલ્યા.

કેમ આજ ઓટલે કોય આવ્યુ નથી ?
જેઠો ભગો ભુતો બઘાય ક્યા ગયા.. લે ગામમા આટો મારતો આવુ,આવુ બોલી વાઘા બાપાએ ખચકાવી મુકી.. હારુ થયુ ભાભો ગયો..ત્યા બેઠેલા બધા છોકરા માંથી એક બોલ્યો..

ગામનુ સતસંગી તો શું ?? મફતીયા લાલ કે’વાતા તેમજ પોપટીયુ જ્ઞાન ધરાવતા વાધા બાપા રોજ સવારમા વહેલા ઉઠી અડધા ગામમા લટાર મારવા નીકળી પડતા,અને જે બીડીનો બંધાણી નીકળે એની પાસે માંગીને બીડી પીય લેતા,

જેટલા ઓટલા આવે જેટલા ચોક આવે બધી જગ્યાએ ઉભા રહી ગામના રીપોર્ટ એકઠા કરે પછી,એની જેવા લોકો હારે ઉભા રહી પાછળ હાથની ચોકડી બાંધી,માંગી બીડી પીતા પીતા ગામનો કચરો ઠાલવે. આખુ હાથીગઢ ગામ એને ટપાલી કહેતુ, નીકળે તોય લોકો બોલે જો વાઘો ટપાલી નીકળ્યો..

કદ કાઠીયે બુઠીયા(ટુંકા) ને મેલા ઘેલા જળી ગયેલા લુગડા પેરતા, ચંપલ તો લગભગ એના દાદા એ જોયા હશે. બહુ લુખ્ખો ને ચીકણો માણસ અને બીડી તમાકુના પાકા હરેડ બંધાણી.

માલઘારીની ભેંસને પાડો કે પાડી જે આવ્યુ હોય ઇય વાઘા બાપાને ખબર હોય. આટલુજ નહી આજુ બાજુના અડધા ગામની રીપોર્ટ રાખતા, એ જે ઓટલે બેસતા ત્યા મોટી ટોળકી એકઠી થતી.

અને થાયજ ને જ્યા સારી વાતો કે સતસંગ થતો હોય ત્યા બહુ ઓછા લોકો જોવા મળે. અને જ્યા ભેજામારી તેમજ ગામની કપાતી હોય ત્યા કૈંક ટણપા ભેગા થાય.અહી પણ આવુજ હતુ,,,એયને બધાય બેહી ખાખી ઠુંઠી સળગાવી વાઘા બાપાની વાતો સાંભળે,,,એને બધાયની બુરાય કરે,આવુ રોજ ચાલતુ આખો દિવસ પુરો થાય ને સાંજે જાલર ટાણુ થાય ત્યારે વિખાતા.. કહેતા હાલો વાળુ વખત થય ગ્યો..(જાણે એમના બાપાએ રાત્રી ભોજનનુ એલાર્મ ગોઠવ્યુ હોય.)

કોઇ ગામનો સારો માણસ ગાડી લઇ નીકળે તો એકાદો બોલે કે આ ઓલ્યા મગનનો છોકરો જો નવી ગાડી લાવ્યો.. કે છે સુરતમા સારુ કામ મળી ગયુ છે આને. ત્યા બાજુ વાળો કોણી મારી ને બોલે,,, હું..તંબુરો કામ મળ્યુ છે,,બુચ મારતો હશે, જોને આવી ગાડી કાય કામ કરીને લેવાતી હશે..!! એમ…!!! વાઘા બાપા બોલ્યા,તો જોજે આગળ જય ને મારો બટો ભટકાવાનો સેે.

આવીજ આખો દીવસ ઉછીની ઓરતા..
બેઠા બેઠા આ બધાયનો આ ધંધો..

વાઘા બાપા કોઇ એમના વખતની મીલમા નોકરી કરતા હતા.ત્યાય તેમણે નીવૃત થવાના વખતે બોતેરુ બાળ્યુ.છેલ્લા વખતમા મીલ માથી પાંચ હજારની ચોરી કરી . જેના કારણે તેમને મીલમાથી કાઢી નાખ્યા હતા, તેમને બે દીકરા જગો અને મુળો બેય ચીકણી ભીંડી જેવા લાલ પાય પણ નો વાપરે બાપ ઉપર ઉતરેલા, ઘરે લાભુ ડોશી એ પાછા સ્વભાવના ખૂબ સારા હતા..એવુ ગામ કહેતુ, પણ ડોશી માંદગીને કારણે વહેલા રામ ચરણ પામી ગયા હતા..પછી આ ત્રણેય લોલક ઘડીયાળની જેમ રે’તા. ચાવી ફુલ હોય ત્યા લગી જોરમા પછી મ્યાઉ મીંદડી જેમ નવરા ઓટલા તોડ્યા કરતા.

બાપા વખતની બે વીઘા જમીન હતી ઇ મુળો સાચવતો, પણ મોજમા હોય ત્યારે.

વાઘા બાપાની આબરુ એટલી બધી કે બેય છોકરા આધેડ ઉમરના થય ગ્યા વાંઢા હતા હવે આવા આબરુ દારને કોણ દિકરી આપે..! સગા વાલામા પણ આ ત્રણેયની છાપ ખૂબ મોળી. ક્યાય આવકારા જેવુ નામ ન મળે, શીયાળાનો મહા મહીનો આવે ત્યારે વાઘા બાપાની ગુંદી પાકતી. ગમે ત્યા લગન હોય ખાવા પહોચી જતા, વગર આમંત્રણે, અને ટાણુ કાપી નાખતા.

એક દિવસ બાજુના ગામ માથી મોટા દિકરા મુળા નુ માંગુ આવ્યુ, અને વાઘા બાપા મનો મન ખુશ થય ગ્યા, હાશ..!! સારુ થયુ. હુ તો કહુ છુ જોયા વગર સગપણ પાકુ કરી દેવુ જોઇએ, આ ઉમરે માંગુ આવ્યુ ત્રણેયને રોટલા તો ઘડી દેશે..! ભલે બાય બીજવર હોય , આવુ બોલી નવા લુગડા પેરી વાઘા બાપા, મુળા અને જગાને બેયને ભલામણ કરી, કે’તા ગયા હુ જાવ છું.

ભાઇ જો ખોટા નાટક નો કરતો આછા પાતળી જેવી હોય એવી હા કહિ આવતો રેશ. લે તી દે તી જે હોય ઇ જમીન વેચી આપડે પતાવી દેશુ, તારુ સગપણ પાકુ કરીનેજ આવીશ.

ભલે ત્યારે બાપા જાંવ વાંધો નઇ તમે જે કરો ઇ સારુજ હશે..મને કોઇ વાંધો નથી..મુળાએ કહ્યુ વાઘા બાપા શેરીયે શેરીયે કે’તા ગયા તયારી કરી લેજો એકાદ મહિના પછી મારા મોટા દીકરાની જાન જોડવાની છે..ભાઇ
આવુ કહી ચાલતા ચાલતા નીકળી ગયા,

બે કિલોમીટર જેટલુ હાલ્યા હશે અને રસ્તામા રામજી દાદા માસ્તર મળ્યા.એ પણ પેન્થર ગાડી લઇ, વાઘા બાપાને જોઇ માસ્તર ઉભા રહ્યા ને બોલ્યા રામ રામ વાઘા ભાઇ કેમ છે..મજામા હો માસ્તર તમને કેમ છે. વાઘા બાપા એ પુછ્યું. બસ આનંદ ક્યો, રામજી દાદાએ કહ્યુ આમ સવાર સવારમા શીદ જાવ છો.

હજી પુરુ બોલે બોલે ત્યા તો વાઘા બાપા એ વાત કાપી, અને કહ્યુ…માસ્તરનુ ઉપડી ગયુ હો સાયકલ માથી ગાડીમા આવી ગયા, રામજી દાદા કહે મારી પાસે બે વરસથી ગાડી છે પણ હુ સાયકલ લઇનેજ જાવ પણ આતો અગત્યનુ કામ છે, માટે ગાડી કાઢી, ઇ બાને ગાડીનેય થોડી કસરત થઇ જાય નહીતર પડી પડી એય કટાય જાય..હાચી વાત હો માસ્તર, આપડે તો જો ટાટીયા તોડ્યા અને તોડવી શી,, વાઘા બાપા એ વળતો જવાબ આપ્યો.

ત્યાતો માસ્તર બોલ્યા પણ ઇ તો ક્યો શીદ જાવ છો,, અરે સાયબ મારા મોટા દિકરા મુળાનુ માંગુ આવ્યુ છે, તે છોકરી જોવા જાવ છુ, સારુ સારુ બહુ સારુ કેવાય, ભલે…. સારુ સારુ નથી કેવુ લગનમાય આવવાનુ છે તમારે. ભુલતા નય કંકુ ચોખા મળે નો મળે જો હુ તમને અત્યારે કહી દંઉ છુ, વાઘા બાપાએ રામજી દાદાને કહ્યુ.

ત્યારે હાલો વાઘા ભાઇ બેહી જાવ મારી ગાડીમા હુ તમને આગળ સુઘી મુકી જઇશ, વાઘા બાપાએ ઠુઠી ફેકી ટાટીંયો ઉચો કરી બેહી ગ્યા,,, લ્યો માસ્તર હાંકો ત્યારે. પછી બેય વાતુ કરતા કરતા નીકળી
ગયા ઇ વખતના રોડ ની શું વાત કરવી ગાડા મારગ છે કે પાક્કો રસ્તો કહેવુ મુશ્કેલ પડી જાતુ. પણ આ બેય, માસ્તરને વાઘા બાપા વાતુ કરતા કરતા ધ્યાન ન રહ્યુ આગળ નાનો ખાડો આવ્યો ને ગાડી ઉંચી થઇ ‘ને વાઘા બાપા નીચે પડી ગયા, જેવા પડ્યા એવા પથ્થર માથામા વાગી ગયો, અને બે ભાન થઇ ગયા. માસ્તરને ટાઢને ટાણે પરસેવો છુટી ગયો ધબકારા વધી ગયા અરે હવે શું કરવુ….ત્યા ગાડુ લઇ કોઇ ખેડુત નીકળ્યો અને રામજી દાદાઅે ગાડુ ઉભુ રખાવી વાઘા બાપાને ગાડામા નાખ્યા દવાખાને લઇ ગયા, બેય દિકરાને જાણ કરી, બધા દવાખાને ભેગા થયા, થોડા સમય બાદ વાઘા બાપા ભાનમા આવ્યા, ડોક્ટર કહે જેમ બને તેમ દાદા સાથે વાતચીત ઓછી કરવી. માથામા બ્રેઇન હેમરેજ થય ગયુ છે, કઇ કહેવાય એમ નથી, માટે દાદાથી દુર રહેવુ ડોક્ટર બોલી નીકળી ગયા.
પણ અહી માસ્તર સાહેબ મુંજાય ગયેલા સારુ થઇ જાય તો સારુ વાઘા ભાઇને, નહીતર મારી માથે કાળી ટીલી બેહી જાહે,

હજી આમ મનો મન માસ્તર જ્યા વિચારે છે.ત્યા અંદરથી ડોક્ટર બોલ્યા જગા ભાઇ મુળા ભાઇ બન્ને આવો તમારા ફાધર તમને મળવા માંગે છે. અર્ધ બીડેલી આખો અને માથે પાટા બાંઘેલા વાઘા બોલ્યા બટીયાવ તમને કહુ છુ સાંભળો હુ કાય હવે રેવાનો નથી, પણ તમને એક વાત કેતો જાવ છુ ધ્યાનથી સાંભળો, મુળાનુ સગપણ પાકુ થાયતો ઠીક …. પણ આ માસ્તર પાહે રુપીયા બવ જાજા છે તમારી રીતે તમે કઢાવી લેજો દાડાનો ખર્ચોય પરબારો નીકળી જાય. વાતુ કરતા કરતા વાઘા બાપાના રામ રમી ગયા. મૈયત ધરે પહોચાડે ઇ પહેલા બેય દિકરાએ માસ્તરને બોલાવ્યા અને કહ્યુ જો રામજી દાદા અમે તમારી પાહે ભણ્યા આપડે ઘર જેવો સબંઘ એટલે કાઇ ડખામારી કે ભેજામારી મતલબ કેસ કબાડા કરવાના થાતા નથી, રહ્યા અમે મજુરીયા માણસ કોક કાણે આવે તો અમે ખર્ચો ભોગવી શકીયે તેમ નથી. માટે તમારે બધુ ભોગવવુ પડશે.

માસ્તર કહે કઇ વાંધો નૈ હુ ભોગવી લઇશ પણ એક વાત કહુ, મે વાઘા ભાઇને જાણી જોયને તો પછાડ્યા નથી, અજાણતા ખાડો આવ્યો ને વાઘા ભાઇ પડી ગયા એમા મારો વાંક ખરો,,

ઇ સાયબ તમે ને મારા બાપા જાણો મરતા મરતા ડોક્ટર પાહે મારા બાપા લખાણ કરાવી ગયા કે રામજી માસ્તરે મારી સાથે ગાડી ભટકાડી અકસ્માત કર્યુ, તમે કહો તો પોલીસને જાણ કરીયે. બોલો..!!રામજી દાદા વધારે મુંજાણા હવે શું કરવુ.

પછી માસ્તર ખર્ચ ભોગવવા તૈયાર થયા વિચાર્યુ આવી વધારની લમણાજીક કે બબાલ કરવા કરતા મામલો પતિ જાયતો શું ખોટુ છે.. અને આખરે પંચાસ હજારમા પાર પાડ્યુ પણ બેય દિકરા પૈસા ઉડાવ હતા થોડા સમયમા ખર્ચી નાખ્યા, દાડાનો વખત આવ્યો ને પૈસા પુરા થઇ ગયા, બન્ને પાછા માસ્તર પાસે ગયા બોલ્યા સાહેબ હજી એકાદ દોઠ લાખ આપવા પડશે પંચાસ હજારતો ખાલી કાણમા વપરાય ગયા, રામજી દાદા કહે હવે શું કરવુ આતો મારા દિકરા ઘર કરી ગયા, હવે જાવુ તો જાવુ ક્યા આગળ કુવો ને પાછળ ખાઇ છે. રામજી દાદા માની ગયા ને આખરે બીજા પણ પૈસા આપી દિધા.

આમ કરી બન્નેએ માસ્તરને લુટી લીધા અને “મફતમા દાડો” કર્યો, વધ્યા પૈસા વાપર્યા ને જલસા કર્યા.
વાઘા બાપા આખી જીંદગી બધાને નડ્યા ને મરતા મરતા પણ માસ્તર સાથે વિશ્વાસઘાત કરી લુંટતા ગયા….!!

લેખક –? અરવિંદ મારૂ…

સંકલન : વસીમ લાંડા

ગજબ કર્યું વાઘાબાપાએ શેર કરો તેમની આ વાર્તા દરેક મિત્રો સાથે..

ટીપ્પણી