આજનો દિવસ : કવિ ન્હાનાલાલ દલપતરામ – અછાંદસ કાવ્યોના પિતા.. વાંચો અને જાણો..

–> જન્મ :-
૧૬ માર્ચ, ૧૮૭૭
અમદાવાદ, ગુજરાત, ભારત

–> અવસાન :-
૯ જાન્યુઆરી, ૧૯૪૬
અમદાવાદ, ગુજરાત, ભારત

–> થોડું વધારે :-

આપણે ત્યાં ગુજરાતી ભાષામાં એક કહાવત છે કે મોરના ઈંડા ચીતરવા ન પડે. એવી જ રીતે કવિ શ્રી નન્હાનાલાલ ના પિતા દલપતરામ ડાહ્યાભાઇ ત્રિવેદી નર્મદયુગના મહાન કવિ હતા. સ્વમાની પ્રકૃત્તિ. ઊર્મિકવિ કવિ દલપતરામનાં ચોથા પુત્ર જ્ઞાતિએ શ્રીમાળી બ્રાહ્મણ હતા. અગિયાર વર્ષની ઉંમરે એમણે માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. જેને લીધે દલપતરામ માટે નન્હાનાલાલ માથાના દુઃખાવા સમાન હતા. તરુણ ન્હાનાલાલ માટે મોરબીમાં હેડમાસ્તર કાશીરામ દવેને ત્યાં એમની દેખરેખ નીચે જીવન ગાળવું પડેલું. પરંતુ મેટ્રિક પરીક્ષા પછી તેમનામાં જીવન પરિવર્તન આવ્યું. ઇ.સ. ૧૮૯૩માં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને આગળ અભ્યાસ અમદાવાદની ગુજરાત કોલેજ, મુંબઈની ઍલ્ફિન્સ્ટન અને પૂનાની ડેક્કન કોલેજમાં કર્યો. ઇ.સ. ૧૮૯૯માં તેમણે તત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી.એ. અને ઇ.સ. ૧૯૦૧માં ઇતિહાસના વિષય સાથે એમ.એ. થયા. તેઓ ફારસી પણ બહુ સારી રીતે શીખ્યા હતા.

એમ.એ. થયા પછી તેઓ ઇ.સ. ૧૯૦૨ થી ઇ.સ. ૧૯૦૪ સાદરાની સ્કૉટ કૉલેજમાં અને ઇ.સ. ૧૯૦૪ થી ઇ.સ. ૧૯૧૮ રાજકોટની રાજકુમાર કોલેજમાં અધ્યાપક રહ્યા. વચમાં બે-અઢી વર્ષ રાજકોટ રાજ્યના સરન્યાયધીશ અને નાયબ દિવાનની પણ કામગીરી બજાવી. ૧૯૧૮માં કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી નિમાયા.

કવિ ન્હાનાલાલને ૧૫ વર્ષની વયે પિતા તરફથી કાવ્યદીક્ષા મળી હતી. પરંતુ એમણે એક અલગ ચીલો ચાતર્યો હતો. એકવીસ વર્ષની ઉંમરે એમણે સૌ પ્રથમ અછાંદસ કાવ્ય ની રચના કરી હતી. આમ કવિ ન્હાનાલાલ “અપદ્યાગદ્ય” અથવા “ડોલનશૈલી” ના જનક તરીકે ઓળખાય છે. કદાચ માનવામાં ન આવે પણ ગુજરાતી સાહિત્યજગતના ધૂરંધરોમાંના ગો.મા.ત્રિપાઠી, નરસિંહરાવ, રણજિતરામ, કે.હ.ધ્રુવ વગેરેમાંથી તેમણે ભરપુર માર્ગદર્શન લીધું હતું. ઇ.સ. ૧૯૧૯ માં ગાંધીજીની પચાસમી જન્મજયન્તીને નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી’ રચનાથી ગાંધીજીને અર્પણ કરી હતી. રોલેકટ એક્ટ અને જલિયાંવાલા બાગના હત્યાકાંડે જન્માવેલા રાષ્ટ્રપ્રકોપ અને ગાંધીજીપ્રેરિત અસહકારની હવામાં ઇ.સ. ૧૯૨૦માં લાંબી રજા પર ઉતરીને ઇ.સ. ૧૯૨૧માં તેમણે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી અમદાવાદને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું અને સાહિત્ય સર્જનમાં બાકીનું જીવન પસાર કર્યું. જીવના અંતિમ વર્ષોમાં ગાંધીજી સાથે તીવ્ર મતભેદ થયા હતા.

–> કાવ્યો –

‘કેટલાંક કાવ્યો’-ભા. ૧-૨-૩ (૧૯૦૩, ૧૯૦૮, ૧૯૩૫), ‘ન્હાના ન્હાના રાસ’-ભા.૧-૨-૩ (૧૯૧૦, ૧૯૨૮, ૧૯૩૭), ‘ગીતમંજરી’-૧-૨ (૧૯૨૮, ૧૯૫૬), ‘રાજસૂત્રોની કાવ્યત્રિપુટી’ (૧૯૦૩, ૧૯૦૫, ૧૯૧૧), ‘ચિત્રદર્શનો’ (૧૯૨૧), ‘પ્રેમભક્તિ ભજનાવલિ’ (૧૯૨૪), ‘દાંપત્યસ્તોત્રો’ (૧૯૩૧), ‘બાળકાવ્યો’ (૧૯૩૧), ‘મહેરામણનાં મોતી’ (૧૯૩૯), ‘સોહાગણ’ (૧૯૪૦), ‘પાનેતર’ (૧૯૪૧), ‘પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુઓ’ (૧૯૪૩)

–> નાટ્ય કાવ્ય :-
‘ઇન્દુકુમાર’-૧-૨-૩ (૧૯૦૯, ૧૯૨૭, ૧૯૩૨), ‘પ્રેમકુંજ’ (૧૯૨૨), ‘ગોપિકા’ (૧૯૩૫), ‘પુણ્યકંથા’ (૧૯૩૭), ‘જગત્પ્રેરણા’ (૧૯૪૩), ‘અજિત અને અજિતા’ (૧૯૫૨), ‘અમરવેલ’ (૧૯૫૪), ‘જયા-જયન્ત’ (૧૯૧૪), ‘વિશ્વગીતા’ (૧૯૨૭), ‘રાજર્ષિ ભરત’ (૧૯૨૨), ‘જહાંગીર-નૂરજહાંન’ (૧૯૨૮), ‘શાહનશાહ અકબરશાહ’ (૧૯૩૦), ‘સંઘમિત્રા’ (૧૯૩૧) ‘શ્રીહર્ષદેવ’ (૧૯૫૨)

–> ચરિત્ર :- કવિશ્વર દલપતરામ (૧૯૩૩ થી ૧૯૪૧)

–> અન્ય પ્રદાન :-
વસંતોત્સવ (૧૯૯૮, ૧૯૦૫), સાહિત્યમંથન (૧૯૨૪), કુરુક્ષેત્ર (૧૯૨૬ થી ૧૯૪૦), જગતકાદંબરીઓમાં સરસ્વતીચંદ્રનું સ્થાન’ (૧૯૩૩) (વિવેચન), હરિસંહિતા મહાકાવ્ય (૧૯૫૯ થી ૧૯૬૦) (જીવન દરમિયાન અધુરુ રહેલ પરંતુ મૃત્યુ બાદ પ્રકટ કરવામાં આવેલ)

–> જીવન પ્રસંગ :-

–> સ્વાગત કવિ કાન્ત દ્વારા

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનમાં (જેના પ્રમુખ ગોવર્ધનરામ ત્રિપાઠી હતા), કવિ કાન્ત પોતાનું વક્તવ્ય આપતા હતા ત્યારે જ એમણે સભામાંના સાવ યુવાન વયના એવા ન્હાનાલાલના પ્રવેશને તેમની જ એક કાવ્ય પંક્તિ ‘ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચન્દ્રરાજ’ કહીને આવકાર્યા હતા. અને એ રીતે તેમણે ગુજરાતી સાહિત્યક્ષેત્રે એક મહાકવિના આગમનની ભવિષ્યવાણી ઉચ્ચારી હતી. એ વખતના એ તરુણ કવિએ બહુ જલદી પોતાના વિષેની આગાહીને સાચી પાડી હતી.

–> કવિતા

જ્યોતીન્દ્ર દવે સુરતની એક કોલેજમાં ફેલો હતા. ત્યારે મહાકવિ ન્હાનાલાલનું ભાષણ ત્યાં યોજવામાં આવ્યું હતું. બધી તૈયારીઓ થઇ ગયા પછી અતિથિગૃહ થી ભાષણના સ્થળ સુધી કવિને લઇ આવવાનું કામ જ્યોતીન્દ્ર દવે ને સોંપવામાં આવ્યું.

તેઓ અતિથિગૃહ પહોંચ્યા. કવિ એ અમસ્તા ઔપાચારીકતા ખાતર જ્યોતીન્દ્રને પૂછ્યું, ‘ તમે કવિતા કરો છો?’

મશ્કરા સ્વભાવના જ્યોતીન્દ્રે રમુજમાં ફટ દઈને જવાબ આપ્યો: ‘ એ મૂર્ખાઈ હું નથી કરતો !’

ન્હાનાલાલનો ચેહરો એક ક્ષણમાં લાલચોળ થઇ ગયો, ‘હું કવિતા કરું છું એ શું મૂર્ખાઈ છે?!!’ એમણે ગુસ્સે થઈને પૂછ્યું.

જ્યોતીન્દ્રના આ વ્યવહારને કવિ એ પોતાનું અપમાન ગણ્યું અને ભાષણ માટે જવાની ના પાડી. અને આ વાત વણસતા સહુની મુશ્કેલી વધી ગઈ.

અંતે જ્યોતીન્દ્રે કવિને મનાવતાં-મનાવતાં સ્પષ્ટતા કરી: ‘સાહેબ! ખરેખર મારા કહેવાનો આશય એ હતો કે, જો હું કવિતા કરું તો તે મૂર્ખતા કહેવાય, અને જો તમે કવિતા ન કરો તો તે મૂર્ખતા કહેવાય !!’

આ સાંભળીને ન્હાનાલાલ હસી પડ્યા, અને બગડેલી બાજી સુધરી ગઈ.

–> યાદગાર કાવ્યો

–> પાર્થને કહો ચડાવે બાણ – ન્હાનાલાલ કવિ ‘પ્રેમભક્તિ’

પાર્થને કહો ચડાવે બાણ,
હવે તો યુદ્ધ એ જ કલ્યાણ;
કહો, કુંતાની છે એ આણ:
પાર્થને કહો ચડાવે બાણ.

ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી,
કીધાં સુજનનાં કર્મ;
આર્યસુજનતા દૈન્ય ગણી તો
યુદ્ધ એ જ યુગધર્મ:
સજીવન થાય પડ્યાયે પ્હાણ;
પાર્થને કહો ચડાવે બાણ.

દ્રૌપદીની હજી વેણ છૂટી છે,
રાજસભાના બોલ :
રણનોતરાંના ઉત્તર દેજો
રણધીરને રણઢોલ:
પાર્થની પ્રત્યંચાને વાણ:
પાર્થને કહો ચડાવે બાણ.

મેહુલો બોલે, વાયુ હુંકારે,
ત્યમ તલપો સિંહબાળ !
યુગપલટાના પદ પડછન્દે
ગજવો ઘોર ત્રિકાળ:
સજો શિર વીર ! હવે શિરત્રાણ:
પાર્થને કહો ચડાવે બાણ.

નૃલોક જોશે, કાળ નીરખશે
રણરમતો મુજ વંશ;
સત શીલ ને ધર્મયજ્ઞમાં
હજો વિશ્વવિધ્વંસ;
ઊગે જો ! નભ નવયુગનો ભાણ:
પાર્થને કહો ચડાવે બાણ;

વિધિનાં એ જ મહાનિર્માણ:
પાર્થને કહો ચડાવે બાણ.

–> વિરાટનો હિન્ડોળો – ન્હાનાલાલ કવિ ‘પ્રેમભક્તિ’

વિરાટનો હિન્ડોળો ઝાકમજોર;
કે અાભને મોભે બાંધ્યા દોર;
વિરાટનો હિન્ડોળો.

પુણ્યપાપ દોર, ને ત્રિલોકનો હિન્ડોળો
ફરતી ફૂમતડાંની ફોર;
ફૂદડીએ ફૂદડીએ વિધિના નિર્માણમન્ત્ર
ટહુકે તારલિયાની મોર :
વિરાટનો હિન્ડોળો ઝાકમજોર.
વિરાટનો હિન્ડોળો.

–> અરુણોદય – ન્હાનાલાલ કવિ ‘પ્રેમભક્તિ’

ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે;
ઊગે છે ઉષાનું રાજ્ય ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે …

રજનીની ચૂંદડીના
છેડાના હીરલા શા,
ડૂબે છે તારલા આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે …

પરમ પ્રકાશ ખીલે,
અરુણનાં અંગ ઝીલે;
જાગે પ્રભુ વિશ્વમાં આજ ધીમે ધીમે;
જાગે પ્રભુ જીવમાં આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે ….

–> ફૂલડાંકટોરી – ન્હાનાલાલ દલપતરામ કવિ ‘પ્રેમભક્તિ’

(ઢાળ : હાવાં નહીં જાઉં મહી વેચવા રે લોલ)

ચન્દ્રીએ અમૃત મોકલ્યાં, રે બ્હેન!
ફૂલડાંકટોરી ગૂંથી લાવ,
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

અંજલિમાં ચાર-ચાર ચારણી, રે બ્હેન!
અંજલિએ છૂંદણાંના ડાઘ :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

ઝીલું નહીં તો ઝરી જતું, રે બ્હેન!
ઝીલું તો ઝરે દશ ધાર :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

ફૂલડાંમાં દેવની હથેળીઓ, રે બ્હેન!
દેવની કટોરી ગૂંથી લાવ :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

–> ખમ્મા વીરાને – ન્હાનાલાલ દલપતરામ કવિ ‘પ્રેમભક્તિ’

(ઢાળ : પ્રગટ્યા શ્રી કૃષ્ણ મ્હને ભાવતા રે લોલ)

ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ :
મોંઘામૂલો છે મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

એક તો સુહાગી ગગનચાંદલો રે લોલ :
બીજો સુહાગી મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

રાજ તો વિરાજે રાજમન્દિરે રે લોલ :
પારણે વિરાજે મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

ચંપો ખીલે છે ફૂલવાડીમાં રે લોલ :
ફૂલમાં ખીલે છે મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

આંગણે ઉજાસ મ્હારે સૂર્યનો રે લોલ :
ઘરમાં ઉજાસ મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

એક તો આનન્દ મારા ઉરને રે લોલ :
બીજો આનન્દ મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

દેવે દીધી છે મ્હને માવડી રે લોલ :
માડીએ દીધો મ્હારો વીર જો!

–> પ્રાર્થના – ન્હાનાલાલ દલપતરામ કવિ ‘પ્રેમભક્તિ’

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.

પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું.

–> ઝીણા ઝીણા મેહ – ન્હાનાલાલ દલપતરામ કવિ ‘પ્રેમભક્તિ’

ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મારી ચુંદડલી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મારી ચુંદડલી.

આજ ઝમે ને ઝરે ચંદ્રની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઈ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મારા હૈયાની માલા :
હો ! ભીંજે મારી ચુંદડલી.

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમકે મારા નાથનાં નેણાં :
હો ! ભીંજે મારી ચુંદડલી.

આનંદકન્દ ડોલે સુન્દરીનાં વૃંદ ને
મીઠા મૃદંગ પડછંદા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મારા મધુરસચંદા !
હો ! ભીંજે મારી ચુંદડલી.

માહિતી સૌજન્ય : ઇન્ટરનેટ

લેખન : વસીમ લાંડા

દરરોજ આવા અનેક લોકોના વ્યક્તિત્વ જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી