તોરણ : આનંદ – આવકાર – અસ્મિતાનું ઉત્તમ પ્રતીક …. વાંચો ખુબ સુંદર વાત..

આપણા દેશમાં સરેરાશ ઘરો , દુકાનો , કચેરીઓ , ધાર્મિક સ્થાનકો , કારખાનાઓ , મોટા વાહનો , પ્રાસંગિક ( શુભ ) મંડપો કે ખુદ કેટલાક ગામો ” તોરણ ” થી શોભતા હોય છે. હવે તો મોટા શહેરોમાં પણ જ્યાંથી મુખ્ય પ્રવેશ હોય ત્યાં પથ્થર કે સિમેન્ટના દરવાજા , કમાન કે પ્રવેશદ્વાર બનાવેલા હોય છે અને તેને પણ એક જાતના તોરણ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક મહોલ્લાઓ , શેરી , ફળિયા , વિસ્તાર , ચાલી કે સોસાયટીમાં પણ મુખ્ય પ્રવેશદ્વારે કાયમી તોરણો બાંધેલા હોય છે અને તેને સ્થાનિક બોલીમાં ” ઝાંપા ” તરીકે ઓળખવામાં આવે છે. આવા તોરણ શુભ પ્રતિક તરીકે માનવામાં આવે છે. આજે અમારા ઘરે મુખ્ય પ્રવેશદ્વારે શોભતું તોરણ ધોવા માટે ઉતારતા હતા એટલે તેના પરથી આ તોરણ વિશે લખવાનો વિચાર આવ્યો.

આપણા પ્રત્યેક ઘરોમાં – તે પછી કોઈપણ ધર્મના કે સંપ્રદાયના હોય , શિક્ષિત કે અશિક્ષિત હોય , શહેરી કે ગ્રામ્ય વિસ્તારના હોય , શ્રીમંત કે ગરીબ હોય કે પછી કોઇપણ જ્ઞાતિ જાતિના હોય ઘરના મુખ્ય અને કદાચ અંદરના ઓરડાઓના બારણે તોરણ તો હોય જ છે ! ઘરમાં પૂજા સ્થાન હોય ત્યાં પણ નાનું એવું તોરણ હોય જ છે. આવા તોરણો કાયમી સ્વરૂપે રહે તેવા અને શુભ કે મંગલ પ્રસંગોની જાણકારી આપતા , ખાસ તહેવારો કે ઉજવણીઓમાં લીલા પાંદડાંઓના તોરણ હોય છે. તે ઘરની કાયમી શોભાવૃદ્ધિ કરે છે , તે આવકારનું પ્રતીક બની રહે છે કે જે તે ઘરના , પ્રદેશના , ધર્મના કે વિસ્તારની અસ્મિતા સમાન ઓળખ પણ બની રહે છે. આ તોરણનો અર્થ , ખ્યાલ , હેતુઓ , બનાવટ , પરંપરા અને માન્યતાઓ તથા તેના આદ્યુનિક વલણો વિશે આ લેખના માધ્યમથી ચર્ચા કરવાનો પ્રયત્ન છે.

તોરણ એટલે શું ? એ જાણકારીનો પહેલો મુદ્દો બને છે અને તેના માટે મહાન શબ્દ કોશ ” ભગવદ્ગોમંડલ ” નો સંદર્ભ લેવામાં આવ્યો છે. આ શબ્દકોશમાં તોરણના અનેક અર્થો અને સમજૂતીઓ ઉપલબ્ધ છે તે મુજબ :

(૧) ” તોરણ ” એટલે કંઠીકા , કંઠ પ્રદેશ , ડોક , ગ્રીવા ..
(૨) શુભપ્રસંગે અથવા પર્વને વખતે ઘરને બારણે , દરવાજે કે ભાગોળે આસોપાલવના લીલા પાંદડાની બાંધવામાં આવતી માળા ; મંગલ પ્રસંગ બતાવવાને બારણાને શોભાવવા બાંધવામાં આવતી કપડાંની , ભરતકામની કે લીલા પાંદડાની માળા ; શોભા માટે બંધાતો કાગળ , પાન વગેરેનો હાર ..

ઉપરોક્ત બંને અર્થો તોરણના પ્રાથમિક ખ્યાલને સ્પષ્ટ કરે છે. એક તો તે દરવાજે – કોઈપણ હોય જેમ કે ઘરનો , શેરી , મહોલ્લા કે ગામનો ( ઝાંપો ) – બાંધવામાં આવે છે. બીજું કે તેનો ઈરાદો શુભ પ્રસંગ , આનંદ કે હર્ષનો છે. ત્રીજી બાબત કે તે લીલા પાંદડા , કપડા કે ભરતકામથી બનાવેલા હોય તેવી માળા સ્વરૂપે હોય છે. ચોથી ગર્ભિત બાબત એ છે કે જો બારણાને ધ્યાને રાખીએ તો તેના બારસાખ ઉપરના આડા – લાકડા , પથ્થર કે અન્ય – ની નીચેથી તે બાંધવામાં આવે છે અને તેની ઉપરનો ભાગ જો મસ્તક ગણીએ તો તોરણ બાંધવામાં આવતો ભાગ તે બારસાખની ડોક ગણી શકાય ખરી ! ત્યાં તે ગળામાં શોભતા હાર કે માળા જેમ આડું બંધાય છે અને તે જેમ સ્ત્રીની કે ડોકની શોભા બને છે તેમ અહીં તોરણ પણ ઘર કે દ્વારની શોભા બને છે એવું માની શકાય ખરું !! આવા તોરણથી ઘરદ્વાર કે ઘર શોભે છે. આપણે ત્યાં ઘરોમાં કાયમી પણે તોરણ બાંધેલા હોય છે અને તે લીલા પાંદડાના હોતા નથી પણ ટકાઉ રહે તેવી ચીજ વસ્તુઓના બનેલા હોય છે અને જ્યારે કોઈ શુભ પ્રસંગ , ધાર્મિક પ્રસંગ હોય કે કોઈ તહેવાર પર્વની ઉજવણી હોય ત્યારે તેની સાથે કે ઉપર આવા લીલા તોરણ બાંધી દેવામાં આવે છે અને તે ત્યારબાદ ઉતારી લેવામાં આવે છે. તે માત્ર પ્રાસંગિક મહત્વ ધરાવે છે.

(૩) તોરણનો એક અર્થ પરણવા બેસવાની ચોરી કે માંડવો એવો પણ અહીં દર્શાવવામાં આવ્યો છે. જ્યારે લગ્ન માટેની પ્રારંભિક શરૂઆત હોય ત્યારે ઘણીવાર તારીખ કે તિથીને પણ તોરણ તરીકે ઓળખવામાં આવે છે જેમ કે સગપણ થયા પછી કોઈ એમ પૂછે કે કઈ તિથિએ તોરણ છે અથવા તોરણની તારીખ આ છે મતલબ કે તે તિથી તારીખે વરપક્ષે કન્યા પક્ષના માંડવે / ચોરીએ પહોંચવાનું હોય છે. એક પ્રખ્યાત લગ્નગીત વરરાજાને ચોરી માંડવે પોંખતી વખતે ગાવામાં આવે છે તે ;

” સીતાને તોરણ રામ પધાર્યા , લેરે પનોતી પેલું પોંખણું ..”
આ સંદર્ભના કેટલાક શબ્દપ્રયોગો / કહેવતો જુઓ :
(અ ) તોરણ આવવું : વરનું પરણવા માટે માંડવે આવવું .
(બ ) તોરણ છબવું : લગ્નપ્રસંગે કન્યાના ઘરે ( કે નિશ્ચિત ઝાંપે )
બાંધેલ આસોપાલવ ( કે આંબાના ) પાંદડાના તોરણમાંથી
વરરાજાએ પાંદ તોડવું ( અથવા પોતા સાથે રહેલ
તલવારનો છેડો અડાડવો..).
(ક ) લીલા તોરણે પાછું ફરવું : લગ્ન માટે બાંધેલ લીલા તોરણ
કરમાય તે પહેલાં કન્યા વિના ( પરણ્યા વિના ) વરનું પાછું
ફરવું ( બીજા અર્થમાં કઇપણ લીધા વિના નાસીપાસ થઈ
કોઈપણ કામેથી પાછા ફરવું તે ).
તોરણ સંદર્ભ સાથે સંબંધિત બીજા શબ્દોનો પરિચય પણ મેળવવા જેવો ખરો !

(૧) તોરણ ઘોડો : વરઘોડો તોરણે આવે ત્યારે બારોટને અપાતો એક જાતનો લાગો (૨) તોરણદ્વાર : મુખ્ય દ્વાર , મુખ્ય દરવાજો ( ૩) તોરણ પડદો : મોતી કે સળી વિ. થી ભરેલ તોરણ વાળો પડદો (૪) તોરણધારી : તોરણ ધરનાર (૫) તોરણ માળ : તોરણ + માળા = તોરણ અને માળા , તોરણ આકારનો એક ગળાનો દાગીનો , તોરણોનો હાર (૬) તોરણશિર : કલામય કમાન (૭) તોરણશિરા : શોભાની કમાન (૮) તોરણહાર : સોનાના ચગદા વાળું અને તોરણના આકારની સાંકળી વાળું એક જાતનું ઘરેણુ (૯) તોરણસ્તંભ : તોરણ વાળો થાંભલો ( સિદ્ધપુર , વડનગર અને કપડવંજમાં છે. બોદ્ધધર્મના સ્થાનકોમાં પણ તેવા સ્તંભો હોય છે. સાંચીના સ્તૂપમાં આવા અનેક તોરણો છે. હાલમાં મોટા શહેરોમાં પણ શહેરના મુખ્ય પ્રવેશ રસ્તા પર આવી પથ્થરની કે સિમેટની કમાનો દરવાજા સ્વરૂપે રચવામાં આવે છે જ્યાં ઈરાદો સ્વાગતનો હોય છે. (૧૦) તોરણાકાર : તોરણ + આકાર જેવું , કમાનદાર , મહેરાબદાર (૧૧) તોરણિયુ : આંગણા આગળનો મહોલ્લાનો ભાગ કે જ્યાં તોરણ બાંધેલું હોય (૧૨) ઊતોરણ : ઉદ્દ ( ઉંચુ ) + તોરણ ( દરવાજો ) = ઊંચા દરવાજા વાળું (૧૨) પુર તોરણ : પુર એટલે નગર / ગામ કે શહેરનો બહારનો દરવાજો (૧૩) ભગતોરણ : યોનીના ઉપરના ભાગમાં આવેલ હાડકાની બનેલી કમાન..(૧૪) તોરણ સાંકળું : સોના કે રૂપાના વાળાથી ગંઠેલ અને નીચે ફરતી તોરણના આકારની સાંકળીવાળું સ્ત્રીઓનું પગનું ઘરેણુ.

ઘરના દરવાજે બાંધવામાં આવતા તોરણ કાયમી સ્વરૂપના હોય છે. ગરીબ કે શ્રીમંત હોય પણ દરવાજે તોરણ હોય જ અને તોરણ વિનાનો દરવાજો બાંડો પણ લાગતો હોય છે. ઝુંપડપટ્ટીમાં રહેનારી વ્યક્તિના બારણે કે અંદર જવાના ભાગે તોરણ હોય છે. આવા કાયમી તોરણો કાગળ , કપડા , કચકડા , પ્લાસ્ટિક , લાકડાના સંઘાણી કામના , કોડી , શંખલા , છીપલા , ઊન , મખમલ , વાંસ , માટી , શણ , શીંધરી , ભૂંગળી , ઓક્સોડાઇઝ , અણુમિનિયમ , ચાંદી , સોના , વાયર વિ. માંથી બનતા હોય છે. કપડામાં ભરતકામ કરીને તેમાં આભલા , મોટી , ઝૂલ વિ. ટાંગેલાં હોય છે. ભરાતકામમાં સાથિયા , શ્રી કળશ , હાથી , પોપટ , મોર , ફૂલો , પાંદડાંઓ , કુંડા , ચકલી , પનિહારી , બેડા , સુરજ , ચાંદા , નાળિયેરી , ગુલાબ , કમળ , ક્રિષ્ન ભગવાન , ગણપતિ દાદા , લક્ષ્મી માતાજી , રાસ રમતા કાન ગોપી , છાસ ઝેરતા કાન ગોપી , ફુલવેલ , કેરી , દીવડા વિ. વિવિધ રંગના દોરાથી ભરેલા હોય છે.

કેટલાક તોરણોમાં ભલે પધાર્યા , શુભ લાભ , વેલ કમ , ગુડ લક , સ્વાગત એવા લખાણો પણ હોય છે. રાજસ્થાની તોરણોમાં કપડામાંથી બનાવેલા મોર , પોપટ અને હાથી વગેરે પણ હારમાં ટીંગાડેલા હોય છે. આવા તોરણો મુખ્યત્વે બારસાખની પહોળાઈ મુજબના એટલે કે અઢી ફૂટ , ત્રણ ફૂટ , પાંચ ફૂટ ના પ્રમાણિત માપના હોય છે. તેથી મોટા જો દરવાજા હોય તો ખાલી પ્લાસ્ટિકના પણ મોટા મળતા હોય છે અથવા તો તેને ખાસ બનાવવામાં આવતા હોય છે. હવે કેટલાક કુંભારો માટીના વિવિધ આકારો બનાવીને તેને વાયરમાં સાંકળીને કે પરોવીને આકર્ષક તોરણો બનાવે છે. પહેલા જુદા જુદા રંગની ભૂંગળીઓ અને મોતીના તોરણો બનાવતા કે જ્યાં ઉપરના આધાર માટે લાકડાની કે એલ્યુમિનિયમની પટ્ટીમાં કાણાં પાડેલા હોય કે જેમાં મિણીયો દોરો પરોવી ચોક્કસ માપથી ભૂંગળીઓ અને મોતી પરોવી તોરણ બનાવતા અને તેવા તોરણો આ લેખકે પણ જાતે બનાવેલા છે. વચ્ચે સફેદ મોટીના પૃષ્ઠભૂમિમાં લાલ રંગના મોતીથી ભલે પધાર્યા , વેલકમ , ગુડ લક જેવા અક્ષરો ઉપસાવવામાં આવતા હોય છે. કપડાના કે ઉનના તોરણો હોય ત્યાં નીચે લટકાતા પાન કે ઝૂલ કે અર્ધ ગોળાઈના આકારોની સંખ્યા પણ મુખ્યત્વે પાંચ , સાત , નવ , અગિયાર એમ એકી સંખ્યામાં રાખવામાં આવે છે.

તેમાં બેકી સંખ્યા હોય તેવું લેખકના ધ્યાનમાં નથી. મખમલ , કાપડના તોરણોમાં મજબૂતાઈ માટે પાછળ જાડા કપડાનું અસ્તર પણ હોય છે. આવા તોરણોની સાથે બારસાખની ઉભી પટ્ટીઓ માટે પણ ઉભા તોરણનો ભાગ તૈયાર કરવામાં આવે છે..સાથે બહાર દેખાતા પેઢીયાના મોઢાને માટે તોડલીયા બનાવવામાં આવે છે સાથોસાથ તે જ આકૃતિઓ અને રંગોથી અંદર બહારની દીવાલો માટે ચાકડા તરીકે ઓળખાતા ચોરસા બનાવાય છે. પહેલા સ્ત્રીઓ આવા તોરણો પોતાની જાતે ભરતકામથી બનાવતી હતી અને આજે પણ કેટલીક ભરતકલામાં નિપુણ સ્ત્રીઓ ઘર માટે કે દીકરીના કરિયાવર માટે જાતે બનાવે જ છે. આવા તોરણોમાં ઉપર આડો પટ્ટો હોય છે અને નીચે પાંદડાઓ કે ઝુલો મુકાય છે. દરેક કોર ને ઓટવી લીધેલી હોય છે. આવા તોરણો બંને છેડેથી ટેકવી શકાય તે હેતુથી ખાસ ચીપટી લીધેલા ખાલી જગ્યા રાખેલા બખીયા હોય જ્યાં ખીલી વિ. માં પરોવી તેને ટીંગાડવામાં આવે છે. નીચેના ઝૂલ કે પાંદડાની નીચે પણ ઊનના , દોરાના કે કપડાના ફુમકા બનાવેલા હોય છે જે તોરણની પણ શોભાવૃદ્ધિ કરે છે.

શુભ પ્રસંગે બાંધવામાં આવતા લીલા તોરણોમાં મુખ્યત્વે આસોપાલવના પાંદડાને પ્રથમ પસંદગી આપવામાં આવે છે. તે ઉપલબ્ધ ન હોય તો આંબાના પાન કે પીપર / વડના પાન પણ લેવામાં આવે છે. તેની સાથે ફૂલોના ગૂંથેલા હાર પણ આડા કે ઉભા ગોઠવવામાં આવે છે. જો ઓરી / અછબડાનો રોગ ફેલાયો હોય ત્યારે મુખ્યદ્વારે લીમડાની ડાળખીઓનું તોરણ બનાવી પણ બાંધવામાં આવે છે. લીંબુ મરચાના લીલા તોરણો પણ જોવામાં આવ્યા છે. એક સમયે જ્યારે શુશોભનના પૂરતા સાધનો ઉપલબ્ધ નહોતા ત્યારે રંગબેરંગી કાગળોના ચોરસ , લંબચોરસ , ગોળ આકારો બનાવી સમગ્ર વિસ્તારમાં લગાવી દેવામાં આવતા અને અમારા ગામમાં તેને ધજાકા પતાકા કહેતા તેમાં પણ આસોપાલવના તોરણો સાથે રાખતા ..બે ત્રણ વર્ષ સુધી આવા તોરણો સાચવીને રખાતા હતા.

ગામ તોરણ કે ઝાંપા તોરણનો ખ્યાલ અને વ્યવહાર આજે પણ ગામડાઓ અને શહેરોમાં પણ જોવા મળે છે. અમદાવાદની અનેક પોળો , ચાલીઓ અને રહેણાંક વિસ્તારોમાં આવા તોરણો જોયા છે. જે તે ગામના કે વિસ્તારના રહીશો ભેગા મળી ઝાંપો નક્કી કરે ત્યાં આવા તોરણો બંધાય છે. જેમાં આડા વાયરમાં વચ્ચે માટીની પાકી લાલ હાંડી ટીંગાડે છે. તેના પર શ્રીફળ હોય છે. ટીંગાડતી વખતે તેમાં શુદ્ધ પાણી ભરવામાં આવે છે તો ક્યાંક તેમાં મીઠાઈ પણ ભરવામાં આવે છે. કોઈક જગ્યાએ લોકો તેમાં ખરાબ દ્રષ્ટિથી બચવાના ઉપાય તરીકે તેના જેવી વસ્તુઓ પણ અંદર મૂકે છે. આવી હાંડીને ખાસ પ્રકારના ઘાસમાંથી બનાવેલા અને બળદના મોઢે બાંધવામાં આવતા શિકા કે શિકરા તરીકે ઓળખાતા એવા ગૂંથેલા ઝોળામાં પણ મુકવામાં આવે છે જેથી તે તૂટે ફૂટે નહીં અને સચવાઈ રહે છે.

હમણાંજ એક અખબારી સમાચારોમા વાંચવામાં આવ્યા મુજબ હારીજની બાજુના એક ગામમાં લોકોને ગામમા આર્થિક / સામાજીક અને આરોગ્ય દ્રષ્ટિથી સુખાકારી ન જણાતા આખા ગામ પંચે ગામનું નવું તોરણ બાંધવા માટે રાત્રે પશુઓ સાથે ગામ બહાર નીકળી જઈને સવારે નિશ્ચિત ચોઘડિયામાં વિધિ વિધાન બાદ તે તોરણની નીચેથી સામુહિક રીતે ગામ પ્રવેશ કર્યો હતો. આ તોરણના સ્થાનેથી આવતી જાનના સામૈયા હોય છે તો જતી જાનને વિદાય આપવામાં આવતી હોય છે. ત્યાં પણ કેટલાક સામાજીક વ્યવહારો થતા હોય છે. આ તોરણ બે પાંચ વર્ષે બદલવામાં આવે છે અને કોઇ ગામમાં ત્યાં જો નગર / ગામ દેવતા બેસાડયા હોય તો ત્યાં દરવર્ષે નિર્ધારિત સમયે તેના નૈવેદ્ય પણ અર્પણ કરવામાં આવતા હોય છે.

ગામ તોરણ બાંધવાની બાબતે બાબરા ભૂતની દંતકથા ખૂબ પ્રચલિત છે કે સિદ્ધરાજ જયસિંહે તેને વસમાં કર્યા બાદ તેને એક રાતમાં કેટલા ગામને તોરણ બાંધવાનો પડકાર આપતા તેણે એક રાત્રીમાં ૨૩૦૦ ગામને તોરણ બાંધયાની વાયકા છે. બાબરા ભૂતની માન્યતાઓ બાબતે અનેક ઇતિહાસકારોએ પોત પોતાના મંતવ્યો સંશોધન આધારિત આપ્યા છે અને તે ચર્ચાનો જુદો વિષય પણ છે.

ગુજરાતી સાહિત્યના પ્રત્યેક સ્વરૂપોમાં કવિ સર્જકોએ પોતાની કલ્પનાઓમાં તોરણનો અચૂક ઉલ્લેખ કર્યો છે. કેટલાક ખાસ રૂપકો જેમ કે હર્ષના તોરણ , ખુશીના તોરણ , આંશુના તોરણ , તપના તોરણ , સુખના તોરણ , શબ્દોના તોરણ વિ. શબ્દપ્રયોગો કર્યા છે તો લોક સાહિત્યમાં અને ચારણ / ગઢવી કવિરાજોએ પણ ક્યાંક તલવારુંના તોરણ , માથાના તોરણ , હયડાના તોરણ , સિંદૂરિયા તોરણ એવા શબ્દપ્રયોગો કર્યા છે.

ભારતના પ્રત્યેક રાજ્યોની મુસાફરી કરો ત્યારે ત્યાંની લોક સંસ્કૃતિમાં બહારથી જ સહેલાઈથી દેખાતા આવા તોરણનો અભ્યાસ કરવો જ જોઈએ..લોકો મંદિર હોય કે મસ્જિદ પણ તહેવારોમાં તોરણનો પહેલો શણગાર કરે છે. દુકાનોને , કચેરીઓમાં , મોટા ખટારા જેવા વાહનોમાં પણ શુકનવંતા તોરણ લગાડતા હોય છે. તે ખુશી , આનંદ , આવકાર અને જે તે વિસ્તાર , પ્રદેશ , ધર્મની અસ્મિતાનું પણ આગવું પ્રતીક છે.

–> લેખક :-
■ ડો. રમણિક યાદવ
■ તા : ૦૯ / ૦૬ / ૨૦૧૭
■ નવા સંદર્ભ , અર્થ , ઉપયોગ , બનાવટ સંબંધિત કે અન્ય સૂચનો / ઉમેરણ આવકાર્ય છે.

સંકલન : વસીમ લાંડા

દરરોજ આવી અનેક માહિતી તમારા ફેસબુક પર વાંચવા માંગો છો તો અત્યારે જ લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી