આજનો દિવસ :- ભારતરત્ન લાલબહાદુર શાસ્ત્રીજીનો આ દુનિયામાં અંતિમ દિવસ…

આજનો દિવસ :-

ભારતરત્ન લાલબહાદુર શાસ્ત્રી

? જન્મ :-
૨જી ઓક્ટોબર, ૧૯૦૪
મુગલસરાય, ઉત્તર પ્રદેશ, ભારત

? અવસાન :-
૧૧ જાન્યુઆરી, ૧૯૬૬
તાશ્કંદ, રશિયા

–> થોડું વધારે પણ અગત્યનું

તેમનો ઉછેર ઉત્તર પ્રદેશના મુગલસરાય ખાતે થયો હતો. એમના પિતા શારદા પ્રસાદ (મુળ મિર્ઝાપુરના) એક શિક્ષક હતા, જેઓ ત્યારબાદ રાજસ્વ કાર્યાલય ખાતે લિપિક (ક્લાર્ક) બન્યા હતા. એમના માતા શ્રીમતી રામદુલારી દેવીના ત્રણ પુત્રોમાંથી તેઓ બીજા હતા. શાસ્ત્રીજીની બે બહેનો પણ હતી. શાસ્ત્રીજીના શૈશવકાળમાં જ એમના પિતાનું નિધન થયું હતું. પિતાના મૃત્યુ બાદ માતા રામદુલારી દેવી તેમને અને તેમની બે બહેનોને લઈને પોતાના પિયરે ચાલી આવી હતી. તેમનું પ્રાથમિક શિક્ષણ ઘરમાં જ પૂરુ થયું. એમનું શિક્ષણ હરિશચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે થયું હતું. (હિન્દી, અંગ્રેજીએ અને દર્શનશાસ્ત્ર સાથે) અહિંયાથી જ એમને “શાસ્ત્રી” તરીકેની ઉપાધિ પ્રાપ્ત થઇ જે એમના નામ સાથે જીવનપર્યંત જોડાયેલી રહી.

સ્નાતકની શિક્ષા સમાપ્ત કર્યા બાદ તે ભારત સેવક સંઘ સાથે જોડાઈ ગયા અને દેશસેવાનું વ્રત લેતાં અહીંથી જ પોતાના રાજનૈતિક જીવનની શરૂઆત કરી. શાસ્ત્રી વિશુદ્ધ ગાંધીવાદી હતા. તેઓ આખું જીવન સાદગીથી રહ્યા અને ગરીબોની સેવામાં પોતાની આખી જિંદગી સર્મિપત કરી દીધી. ભારતીય સ્વાધીનતા સંગ્રામના દરેક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં તેમની ભાગીદારી રહી, અને જેલોમાં રહેવું પડયું. સત્તર વર્ષની ઉંમરે પ્રથમ વખત જેલમાં ગયા હતા. એમના જીવન દરમ્યાન સાત વખત અને નવ વર્ષ એમણે જેલમાં વિતાવેલા. જેમાં ઇ.સ. ૧૯૨૧ની અસહકારની ચળવળ અને ઇ.સ. ૧૯૪૧નો સત્યાગ્રહ આંદોલન સૌથી મુખ્ય હતું. તેમના રાજનૈતિક દિગ્દર્શકોમાં શ્રી પુરુષોત્તમદાસ ટંડન, પંડિત ગોવિંદ વલ્લભ પંત, જવાહરલાલ નહેરુ વગેરે મુખ્ય હતા.

ઇ.સ. ૧૯૨૮માં એમનાં લગ્ન શ્રી ગણેશપ્રસાદની પુત્રી લલિતાદેવી સાથે થયાં અને એમને છ સંતાનો હતાં. ઇ.સ. ૧૯૨૯માં અલ્હાબાદ આવ્યા પછી તેમણે શ્રી ટંડનજીની સાથે ભારત સેવક સંઘના અલ્હાબાદ એકમના સચિવના રૂપમાં કામ કર્યું. અહીં તેઓ નહેરુને મળ્યા. ત્યાર પછી તેમનો હોદો નિરંતર વધતો ગયો. જેમકે નહેરુ મંત્રી મંડળમાં ગૃહમંત્રીના હોદા પર તેઓ શામિલ થયા. આ પદ પર તેઓ ઇ.સ. ૧૯૫૧ સુધી રહ્યા. ભારત દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદ શાસ્ત્રીને ઉત્તર પ્રદેશ રાજ્યના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગોવિંદ વલ્લભ પંતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રહરી તેમજ યાતાયાત મંત્રી બન્યા હતા. યાતાયાત મંત્રી તરીકેના સમય દરમિયાન એમણે પ્રથમ વાર મહિલાને બસ-સંવાહક (બસ-કંડક્ટર) તરીકેના પદ પર નિયુક્ત કરી નવો ચીલો ચાતર્યો હતો. પ્રહરી વિભાગના મંત્રી થયા બાદ એમણે ભીડને નિયંત્રણમાં રાખવા માટે લાઠી પ્રહારને બદલે પાણી છાંટવાનો (વોટર કેનન) પ્રયોગ કરી તેનો પ્રારંભ કરાવ્યો હતો. ઇ.સ. ૧૯૫૧ના વર્ષમાં જવાહર લાલ નેહરુના નેતૃત્વમાં તેઓને અખિલ ભારત કોંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમણે ઇ.સ. ૧૯૫૨, ઇ.સ. ૧૯૫૭ તેમજ ઇ.સ. ૧૯૬૨ની ચુંટણીઓમાં કોંગ્રેસ પક્ષને ભારે બહુમતી સાથે જિતાડવા માટે ખુબ પરિશ્રમ કર્યો હતો.

ભારત દેશના વડા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુનું એમના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન સત્તાવીસમી મે, ૧૯૬૪ના રોજ દેહાવસાન થયા બાદ શાસ્ત્રીજીએ નવમી જૂન, ૧૯૬૪ના રોજ વડા પ્રધાન તરીકે પદ ભાર ગ્રહણ કર્યો હતો. જય જવાન જય કિસાનનું સૂત્ર આપનાર લાલબહાદૂર શાસ્ત્રી હતાં. તેમનું કદ ભલે નાનું હતું પણ તેમની અગમચેતી વિશાળ હતી. દોઢ વર્ષનાં ટૂંકા ગાળા દરમિયાન એમણે દેશના રક્ષણ અને દેશની ખેતી અને ખેડૂતને ગૌરવ આપ્યું. દેશની ગરીબ પ્રજાને સહાનુભૂતિ આપવા દેશના દરેક નાગરિકને અઠવાડિયામાં એક ટંક ભોજન છોડવા હાકલ કરી હતી. તેમને વર્ષ ઇ.સ.૧૯૬૬માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.

–> જીવનપ્રસંગો

–> રેલ્વે દુર્ઘટના

વાત એ સમયની છે કે જ્યારે લાલબહાદુર શાસ્ત્રી યાતયાતના મંત્રી (માર્ગ પરિવહન) હતા. ઇ.સ.૧૯૫૬. એક રેલવે દુર્ઘટના, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા (૧૪૨ લોકો), માટે પોતાને જવાબદાર ઠેરવતા તેમણે રેલવે મંત્રીના પદેથી રાજીનામું આપી દીધું હતું. દેશ તેમજ સંસદે તેમની આ અભૂતપૂર્વ પહેલને બિરદાવી હતી. તત્કાલિન પ્રધાનમંત્રી પંડિત નહેરુએ આ ઘટના અંગે સંસદમાં બોલતા લાલ બહાદુર શાસ્ત્રીની ઇમાનદારી તેમજ ઉચ્ચ આદર્શોની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે તેમણે લાલ બહાદુર શાસ્ત્રીનું રાજીનામું એટલા માટે સ્વીકાર્યું નથી કે જે કંઇ પણ થયું છે તેમના માટે એ જવાબદાર છે પરંતુ એટલા માટે સ્વીકાર્યું છે કે એનાથી બંધારણીય મર્યાદામાં એક દાખલો બેસશે. રેલવે દુર્ઘટના પર લાંબી ચર્ચાનો જવાબ આપતા લાલ બહાદુર શાસ્ત્રીએ કહ્યું “કદાચ હું લંબાઇમાં ટૂંકો હોવાથી તેમજ નમ્ર હોવાને કારણે લોકોને લાગે છે કે હું બહું દ્રઢ નથી થઇ શકતો. જોકે શારીરિક રીતે હું મજબૂત નથી પરંતુ મને લાગે છે કે આંતરિક રીતે હું એટલો પણ કમજોર નથી.”

–> પ્રસિદ્ધિ

લાલબહાદુર શાસ્ત્રી એક સરળ વ્યક્તિ હતા. કોઇએ એમને પુછ્યું, “આપ દેશના ઉચ્ચ પદે હોવા છતાં પ્રસિદ્ધિથી દુર શા માટે ભાગો છો ?” ત્યારે લાલબહાદુર શાસ્ત્રી એ જવાબ આપેલો, “તમે તાજમહેલ જોયેલો?, એ કેટલો સુંદર છે, પરંતુ એના પાયાના પથ્થરોની કોઇ સુંદરતા ને વખાણતુ નથી, મને એ પથ્થરો ગમે છે. હું એ પથ્થર બનવા માંગુ છું.”

–> સાડીઓ

એક વખત વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી સાડીઓની ખરીદી કરવા ગયા. દુકાનદારે સાડીઓ બતાવવાની શરુઆત કરી. “વાહ! આ સાડીઓ તો બહુ સરસ છે. શી કિંમત છે?” સાડીઓ જોતા જ શાસ્ત્રી જી બોલી પડ્યા.
”જી, આ આઠસોની છે, અને આ હજાર રૂપિયાની.”

”ઓહો! એ તો બહુ કિંમતી કહેવાય.એનાથી સસ્તી બતાવશો મને.?”

“તો આજુઓ પાંચસોની અને આ ચારસોની છે.”

”અરે ભાઇ, એ પણ કિંમતી ગણાય.કાંઇક ઓછી કિંમતની બતાવો, તો મારા જેવા

ગરીબને પોસાય !”

”વાહ સરકાર-એવું શું બોલોછો? આપ તો અમારા વડાપ્રધાન છો- ગરીબ શાના?અને આ સાડીઓ તો આપને અમારે ભેટ આપવાની છે.”

”ના, મારા ભાઇ, એ ભેટ હું ન લઇ શકું.”

” કેમ વળી?અમારા વડા પ્રધાનને કાંઇક ભેટ ધરવાનો શું અમને અધિકાર નથી?”

”હું ભલે વડા પ્રધાન હોઉં,પણ તેનો અર્થ એ નહીં કે જે ચીજ હું ખરીદી ન શકું તેમ હોઉં, તે ભેટ રૂપે લઉં.વડો પ્રધાન છું છતાંયે હું છું તો ગરીબ જ. મારી હેસિયત પ્રમાણેની સાડીઓ જ હું ખરીદવા માગું છું.માટે ઓછી કિંમતવાળી સાડીઓ મને બતાવો.”

રેશમના કારખાનાવાળાની બધી વિનવણીઓ નકામી ગઇ. આખરે લાચાર થઇને એમ ને સસ્તી સાડીઓ બતાવવી પડી. શાસ્ત્રી જીએ એમાંથી સાડીઓ પસંદ કરી હતી. એ એમણે પૈસા આપીને જ ખરીદી.

–> સુવિધા

લાલબહાદુર શાસ્ત્રી આવડા મોટા રાજનેતા હોવાં છતાં પણ તેમનાં ઘર માં અંદર ઉપર સુધી પાણી નો નળ ન હતો. અને તેમનાં પત્ની બહાર થી પાણી ભરી લાવતાં. આ વાત ની દિલ્હી કોર્પોરેશન ને ખબર પડતાં શાસ્ત્રી જી ને જાણ કર્યા વગર જ તાત્કાલિક તેમનાં ઘર માં ઉપર સુધી પાણી નો નળ ફિટ કરી દે છે. આ નળ ફિટ થયાં ની ખબર પડતાં જ તેઓ સીધા મ્યુનિસિપાલિટી ની ઓફિસે જાય છે અને પૂછે છે તેઓ જયાં રહે છે નાં એ વિસ્તાર માં બધાં નાં ઘરે અંદર સુધી નળ છે કે તેમને જ આ ખાસ સુવિધા આપવામાં આવી છે. ત્યારે નકાર માં જવાબ મળતાં તેઓ તાત્કાલિક તેમનાં ઘર માંથી એ નળ ની પાઇપલાઇન ને કાઢવાનો હુકમ આપે છે.

–> આત્મસન્માન

“અરે શાસ્ત્રી ! દૂર કેમ ઉભો છે. જલ્દી હોડીમાં બેસી જા, જોતો ખરો આ નદી કેવી ગાંડીતુર બની છે. ચાલ જલ્દી ઘર ભેગા થઈ જઈએ.”

“નહીં તમે લોકો ઘરે જાઓ, મારે તો હજુ મેળો જુવો છે. હું મેળો જોઈને જ ઘરે આવીશ.’ શાસ્ત્રીએ જવાબ આપ્યો.

શાસ્ત્રીના મિત્રોને એ સમયે ખબર ન હતી કે, શાસ્ત્રી પાસે હોડીમાં બેસવાના પૈસા નથી. ગામની નદીને સામે કાંઠે યોજાયેલો મેળો જોઈને મિત્રો સાથે ઘરે ફરતી વેળાએ જ્યારે શાસ્ત્રીએ પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો તો પોતાનું ખિસ્સુ ખાલી જોઈને તેઓ ખુદ પણ ચક્તિ થઈ ગયાં હતાં. બધા મિત્રો નૌકામાં બેસી ગયા પણ શાસ્ત્રી ન બેઠા. પોતાની મજબૂરી સામે ન લાવતા શાસ્ત્રીએ મેળો જોઈને આવવાનું બહાનું કરી દીધું હતું. આખરે આત્મસમ્માનનો પ્રશ્ન જો હતો.

તમામ મિત્રોના નદી પાર કર્યા બાદ શાસ્ત્રી તુરંત નદીમાં કુદી પડ્યાં અને તરવા લાગ્યાં. નદીમાં જોરદાર પૂર આવ્યું હતું અને તેને પાર કરવી ખુબ જ ખતરનાક હતી. તેમ છતાં પણ તેઓ કિનારે પહોંચી ગયા હતા, ત્યારબાદ ઘરે પરત ફર્યા હતા.

–> ફિયાટ કાર

૪૫ વર્ષના સક્રિય રાજકારણના અંતે તેમની પાસે દિલ્હીમાં એક માળના ઘર સિવાય કોઈ સંપત્તિ નહોતી. મૃત્યું વખતે તેમની ઘરવખરીની કુલ કિંમત છ હજાર ચારસો અગિયાર રૂપિયા આંકવામાં આવી હતી.

તેમની પાસે માત્ર એક કોટ હતો, જે નેહરુએ ભેટમાં આપ્યો હતો…!

તેમના ઘરમાં બે ઘડા અને વાંસનો એક સોફા હતો. પથારીમાં તેઓ ખેસ પાથરીને સૂઈ જતા.

વડાપ્રધાન હોવા છતાં તેઓ સરકારી ગાડી વાપરતા નહોતા…

આવવા જવામાં મુશ્કેલી પડતા તેમણે તેર હજાર રૂપિયાની ફિયાટ કાર ખરીદવાનું નક્કી કર્યું. કાર માટે છ હજાર રૂપિયા તેમણે ખિસ્સામાંથી કાઢ્યા અને પંજાબ નેશનલ બેંકમાંથી સાત હજાર રૂપિયાની લોન લીધી હતી…..!!

આટલું જ નહીં શાસ્ત્રીજી નાં મૃત્યુ પછી તેમનાં પત્ની ને સરકાર કે બેન્ક તરફથી લેટર આવે છે. તમારી લૉન માફ કરી દેવામાં આવે છે. હવે તમારે લૉન નાં હપ્તા ભરવાની જરૃર નથી. પણ સ્વાભિમાની શાસ્ત્રીજી નાં પત્ની એ લેટર ના જવાબ માં સામો લેટર લખી ને લૉન ની માફી નો અસ્વીકાર કરે છે. અને લૉન નાં બધાં હપ્તા ચુકવે છે.

–> સલામી

ઇ.સ.૧૯૬૪ માં શાસ્ત્રી જી વડાપ્રધાન બન્યા. ઇ.સ.૧૯૬૫મા દેશ વિવિધ સમસ્યાઓ થી ઘેરાયેલો હતો. ઇ.સ.૧૯૬૫ માં પાકિસ્તાને દેશ પર આક્રમણ કર્યું હતું. ભારતે આ યુધ્ધમાં પાકિસ્તાન ના બાર વગાડી દિધા હતા. શાસ્ત્રી જી હોસ્પિટલમાં ઘાયલ સૈનિકોને મુલાકાત લેવા ગયા. ત્યાં તેમની મુલાકાત એક ઘાયલ સૈનિકની સાથે થય. શાસ્ત્રી જીએ જ્યારે એ સૈનિકને પુછ્યું, “તમે હવે ઠીક છો?”, ત્યારે સૈનિક એ રડતાં રડતાં કહ્યું, “ના, હું ઠીક નથી, હું મારી જાતને લાચાર અનુભવી રહ્યો છું, મારા દેશના વડાપ્રધાન મારી સામે છે અને હું તેમને સલામી નથી આપી શકતો.” આ જવાબ સાંભળીને શાસ્ત્રી જીએ સૈનિક ના ગળે વળગી પડ્યા. આંખો ભીની હતી.

ખરેખર ભારતવર્ષને હવે આવા નેતા નહીં મળે… … .

? માહિતી સૌજન્ય :-ઇન્ટરનેટ

લેખન સંકલન : વસીમ લાંડા

દરરોજ આવી માહિતી જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી