“રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી, હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.”

? આજનો દિવસ :-

બરકત વિરાણી “બેફામ”

“રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.”

? જન્મ :-
૨૫ નવેમ્બર, ૧૯૨૩
ઘાંઘળી, શિહોર, ભાવનગર, ગુજરાત, ભારત

? અવસાન :-
૨ જાન્યુઆરી, ૧૯૯૪
મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત

મારા મિત્રને પુસ્તક ની દુકાન. એક વખત કોઇ કારણસર જવાનું થયું. ત્યાં બેફામ સાહેબ ની “ઘટા” અને “પ્યાસ” ગઝલસંગ્રહ જોતાવેંત જ ખરીદ્યા. પણ ત્યાંથી બહાર જવાનું હોવાથી મિત્ર ને કહ્યું, “વળતા આવી ને લઇ જઇશ. અત્યારે રાખો.” પણ પછી હું લેતા જ ભુલી ગયો. બસ આ રીતે બેફામ સાહેબ ને માણવાનો લ્હાવો ચુકી ગયો. ઘટા હાથમાં આવી પણ પ્યાસ બુઝાવ્યા વિના ચાલી ગઇ.

? થોડું વધારે
તેમને બાળપણથી જ સાહિત્ય પ્રત્યે રુચિ ધરાવતા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે ભાવનગર માં પુર્ણ કર્યું હતું. ૬ઠા ધોરણથી ચિત્રકામ ઉપર હાથ અજમાવવાનું શરૂ કર્યું હતું. એમની ઇચ્છા તો પ્રોફેસર થવાની હતી. પરંતુ ઇ.સ. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે તેમણે મેટ્રિકનો અભ્યાસ પડતો મૂક્યો હતો.

૧૪ વર્ષ ની વયે પ્રથમ ગઝલ લખી હતી. કિસ્મત કુરેશી એ એમને કવિતાઓ અંગેની સમજ આપી હતી. કુરેશી સાહેબે એમને ‘બેઝાર’ અને ‘બેફામ’તખલ્લુસ સુચવ્યા હતા. “બેફામ” નામ પંસદ આવતા પોતાનું તખલ્લુસ ‘બેફામ’ રાખ્યુ હતું. ગઝલ સમ્રાટ શયદાના સૂચન પરથી તેઓ ૧૯૪૫માં મુંબઈ આવ્યા. તેઓ ત્યાં મરીઝને મળ્યા ત્યાં આકાશવાણી રેડિયોમાં જોડાયા. (એવું પણ કહેવાય છે કે એક મુશાયરામાં એમની ગઝલોથી પ્રભાવિત થયેલ વ્યકિતએ એમને રેડિયોની નોકરી અપાવેલ). એ સમયમાં રેડિયો ની બોલબાલા હતી. રેડિયો બનાવતી કંપનીનું સ્લોગન હતું “યોર હોમ નીડસ્ રેડિયો” જ્યારે બેફામ સાહેબ નું સાવ ઉલ્ટું હતું, “માય રેડિયો નીડસ્ હોમ” એ પણ હસતા હસતા. એ સમયના લોકપ્રિય સામયિક ‘બે ઘડીમાં મોજ’ અને ‘વતન’ માં તેમણે કામ કર્યું હતુ. ઇ.સ. ૧૯૫૨માં તેમના લગ્ન શયદાની મોટી પુત્રી રુકૈયા (મુકદ્દરા) સાથે થયા.

એ સમયમાં મુશાયરાઓનુ આયોજન થતું હતું. ત્યારે મુંબઇ,અમદાવાદ,વડૉદરા અને રાજકોટમાં મુશાયરાઓ યોજાતા રહેતા હતાં. બેફામ સૌ પ્રથમ ભાવનગર માં મુશાયરામાં ભાગ લીધો હતો. મરીઝ, સૈફ પાલનપૂરી, શૂન્ય પાલનપૂરી, બરકત વીરાણી અને અમૃત ઘાયલ બધા સમકાલીન ગઝલકારો.

મરીઝસાહેબનાં આ શાયરાના અંદાઝને લીધે કાયમ એમના ચાહકોમાં વધારો થતો રહેતો હતો . એક વાર ‘નાઝ’ સિનેમાના કંપાઊંડમાં સૈફ પાલનપુરી પડખે ઉભેલા શાયરમિત્રોને ‘બેફામ’સાહેબનો ઇંતેજાર પરનો એક શેર સંભળાવી રહ્યા હતા :

“મેં કર્યો એક જ સ્થળે ઉભા રહીને ઈંતીજાર , એટલે તારા સુધી મારાથી પહોંચાયું નહિ”

મરીઝ ત્યાં હાજર , એમણે તરત પોતાનો શેર ફટકાર્યો
“મળવા જો એને ચાહુ તો હમણાં મળી શકું , એ વાત છે જુદી કે મને ઈંતીજાર છે”

તેઓ ગુજરાતી સિનેમા સાથે જોડાયેલ હતા. વાચકોને કદાચ આશ્ચર્ય થશે કે એમણે ગુજરાતી ચલચિત્ર મંગળફેરા (૧૯૪૯)માં અભિનય પણ કર્યો હતો. ઉપરાંત અનેક ફિલ્મો જેવી કે અખંડ સૌભાગ્યવતી (૧૯૬૩), કુળવધુ (૧૯૯૭), જાલમ સંગ જાડેજા, સ્નેહબંધન વગેરે માટે ગીતો લખ્યા હતા.

તેમણે માનસર (૧૯૬૦), ઘટા (૧૯૭૦), પ્યાસ (૧૯૮૦), પરબ (છેલ્લો ગઝલસંગ્રહ) નામના ગઝલ સંગ્રહો લખ્યા હતા. તેમણે ટૂંકી વાર્તાઓ, નાટકો, રેડિયો નાટકો અને ફિલ્મી ગીતો પણ લખ્યા હતા. ગુજરાતમાં લોકપ્રિય એવા ગીતો ‘નયનને બંધ રાખીને’, ‘થાય સરખામણી તો ઉતરતા છીએ’, ‘મિલનના દીપક સહુ બુઝાઇ ગયા છીએ’ તેમણે લખ્યા હતા. આગ અને અજવાળા (૧૯૫૬) અને જીવતા સૂર તેમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે અને રંગસુગંધ ભાગ ૧-૨ (૧૯૬૬) તેમની નવલકથા છે.

૨જી જાન્યુઆરી, ૧૯૯૪ના રોજ મુંબઇ ખાતે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.

? પ્રખ્યાત ગઝલો

૧) નયનને બંધ રાખીને – બરકત વિરાણી ‘બેફામ’

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે

ઋતુ એકજ હતી પણ રંગ નો ‘તો આપણો એક જ
મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારુ,
ખુલી આખે મે મારા ઘરના દ્રારે તમને જોયા છે

નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે

ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હૂ થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.

નિવારણ છો કે કારણ્ ના પડી એની ખબર કઈએ,
ખબર છે એ જ કે મનના મુઝારે તમને જોયા છે.

નથી મસ્તી મહોબ્બત એવુ કઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચુ છે અમે એના મઝારે તમને જોયા છે.

૨) તબીબો પાસેથી – બરકત વિરાણી ‘બેફામ’

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને,

તરસ ને કારણે નો’તી રહી તાકાત ચરણોમાં
નહી તો હું તો નીકળી જાત રણથી ઝાંઝવા લઇને

હું રજકણથી ય હલકો છું તો પર્વતથી ય ભારે છું
મને ના તોળશો લોકો તમારા ત્રાજવા લઇને

ગમી જાય છે ચેહરો કોઈ, તો એમ લાગે છે,
પધાર્યા છો તમે ખુદ રૂપ જાણે જુજવા લઈ ને,

સફરના તાપ માં માથા ઉપર એનો છાંયો છે,
હું નિકળ્યો છું નજરમાં મારા ઘરના ને જવા લઈ ને,

બધાના બંધ ઘરના દ્વાર ખખડાવી ફર્યો પાછો,
અને એ પણ ટકોરાથી તુટેલા ટેરવા લઈ ને,

ફક્ત એથી જ મારા શ્વાસ અટકાવી દીધા “બેફામ,”
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈ ને…

૩) ખુદા તારી – બરકત વિરાણી ‘બેફામ’

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,
હંમેશાંની જુદાઇની દશા સારી નથી હોતી.

જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાંય એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.

નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.

બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયા હવા સારી નથી હોતી.

વધે છે દુઃખના બોજા સાથ એક ઉપકારનો બોજો,
બતાવે છે મનુષ્યો એ દયા સારી નથી હોતી.

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી.

૪) મહોબ્બતમાં – બરકત વિરાણી ‘બેફામ’

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાખુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર ‘બેફામ’ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.

૫) અવળો હિસાબ છે – બરકત વિરાણી ‘બેફામ’

દુનિયામાં પુણ્યકર્મનો અવળો હિસાબ છે,
સારા બનીને જીવવું એ પણ અજાબ છે…

બીજું શું આફતાબ અને માહતાબ છે,
કેવળ કોઇ રૂપાળા વદનના નકાબ છે…

ઓ નિંદકો, તમારી સમજફેર છે જરા,
હું નહિ પરંતુ મારું મુકદ્દર ખરાબ છે…

કાંટા ખૂંચે છે એનું કશું દુઃખ નથી મને,
સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે…

દિવાનગીનો કેફ નહીં ઊતરી શકે,
એકવારની નથી એ સદાની શરાબ છે…

ખૂદ એ જ એક સવાલ બનીને રહી ગયાં,
મારી તમામ જીંદગીનો જે જવાબ છે…

બસ એટલું કે એના ઉપર હક નથી મને,
મારો નહી તો સૌથી સરસ ઇન્તેખાબ છે…

રસ કોઇનેય ક્યાં છે નિખાલસ મનુષ્યમાં,
મારું જીવન નહીં તો ઉઘાડી કિતાબ છે…

કિન્તુ મરણની ઊંઘમાં જોઇ નહીં શકો,
બેફામ જીન્દગી હવે સાચે જ ખ્વાબ છે.

૬) નથી દેતાં – બરકત વિરાણી ‘બેફામ’

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.

ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.

હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં.

ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,
જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.

હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી દેતાં.

સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતા.

૭) કેવો ફસાવ્યો છે મને – બરકત વિરાણી ‘બેફામ’

ઓ હૃદય, તેં પણ ભલા !કેવો ફસાવ્યો છે મને ?
જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને !

સાથ આપો કે ના આપો એ ખુશી છે આપની ,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.

સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.

મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.

હોત દરિયો તો હું તરવાની ય તક પામી શકત,
શું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને.

કાંઈ નહોતું એ છતાં સૌએ મને લુંટી ગયા,
કાંઈ નહોતુ એટલે મેં પણ લુંટાવ્યો છે મને.

એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.

તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.

આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.

સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.

એ બધાં બેફામ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છ મને.

? માહિતી સૌજન્ય :-ઇન્ટરનેટ

લેખક : વસીમ લાંડા 

દરરોજ વ્યક્તિ વિશેષ માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી