જલ્સા કરોને જેંતીલાલ

વિશ્વનો સૌથી મોટો 1 ટન વજન ધરાવતો સોનાનો સીક્કો પ્રદર્શનમાં મુકવામા આવ્યો

સોનાની વાત આવે એટલે સ્વાભાવિક રીતે લોકોની આંખોમાં સોના જેવી જ ચમક આવી જાય. સોનું છે જ એવી ધાતુ. સોનું વિશ્વની કીંમતીમાં કીંમતી ધાતુ છે. તમે અવારનવાર પ્રસંગોપાત, વાર-તહેવારે સોનું લેતા હશો. પણ આપણે સોનું તોલામાં એટલે કે ગ્રામના વજનમાં ખરીદતા હોઈએ છીએ પણ જો તમને 1 ટનનું વજન ધરાવતો સોનાનો સિક્કો જોવા મળી જાય તો ?


હા, તાજેતરમાં જ પર્થ મિન્ટ દ્વારા વિશ્વનો સૌથી મોટો અને સૌથી કીંમતી સોનાનો સિક્કો ખુલ્લો કરવામાં આવ્યો છે. આ સોનાના સિક્કાનું વજન જાણી તમારું મોઢું પહોળુ થઈ જશે. આ સિક્કાનું વજન છે એક ટન એટલે કે 907 કી.ગ્રા. અને આ સોનાનો સિક્કો 99.99% શુદ્ધ સોનાનો છે.


આ એક ટન વજન ધરાવતા શુદ્ધ સોનાનો સિક્કો 80 સેન્ટી મીટર પહોળો એટલે કે લગભઘ ત્રણ ફુટ પહોળો અને અને 12 સેં.મીટર જાડો એટલે કે લગભગ 5 ઇંચ જાડો છે. આ સિક્કાની એક બાજુ પર ઓસ્ટ્રેલિયન કાંગારુની કોતરણી કરવામાં આવી છે અને તેની ફરતે સૂર્યના કિરણો કોતરવામાં આવ્યા છે અને તેની કીનારીઓ પર ઓસ્ટ્રેલિયન કાંગારુ 1 ટન 9999 ગોલ્ડ કોતરવામાં આવ્યું છે અને સાથે સાથે તારીખ પણ કંડારવામાં આવી છે. અને સિક્કાની બીજી તરફ ક્વીન એલિઝાબેથ 2ના પોટ્રેઇટની કોતરણી કરવામાં આવી છે.


આ સિક્કાની સુંદર ક્લાસીક ડીઝાઈન ડો. સ્યુઅર્ટ ડેવલીન દ્વારા કરવામાં આવી છે. તેઓ રાણી એલિઝાબેથ 2ના વ્યક્તિગત સોની અને રત્નકાર પણ છે.


આ સિક્કાનું નિર્માણ વર્ષ 2011માં ધી પર્થ મિન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. પણ તેને હાલમાં જ માત્ર એક જ દિવસ માટે ન્યુયોર્ક સ્ટોક એક્સ્ચેન્જ ખાતે જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવ્યો છે. જો તમે આ સિક્કાનું નિર્માણકાર્ય જોવા માગતા હોવ તો નીચે આપેલી વિડિયો ચોક્કસ જુઓ.


આ સિક્કો જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે તેની બજાર કિંમત 1 મિલિયન યુએસ ડોલર હતી જ્યારે આજે તેની કિંમત છે 49 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 343 કરોડ રૂપિયા. આપરથી 8 જ વર્ષમાં સોનાની કીંમત કેટલી વધી છે તેનો અંદાજો તમને આવી જશે. માટે જ જો તમારી પત્ની ઘરેણા લેવાની જીદ કરે તો માની જવી કારણ કે તે કોઈ ખર્ચો નહીં પણ ઇનવેસ્ટમેન્ટ છે.


સ્વાભાવિક છે કે આ સિક્કો એક તો શુદ્ધ સોનાનો છે ઉપરથી વિશ્વનો સૌથી મોટો અને સૌથી વજનદાર સોનાનો સિક્કો હોવાથી તેને ગિનસવર્લ્ડ રેકોર્ડમાં તો જગ્યા મળવાની જ હતી. ધી પર્થ મિન્ટ કંપની દર વર્ષે જે એક કીલોનો સોનાનો સિક્કો બહાર પાડે છે તેમાં પણ આ જ ડીઝાઇન હોય છે.


જોકે પહેલાં તેમાં માત્ર રાણીના પોટ્રેઇટેની જ કોતરણી કરવામાં આવતી હતી પણ 1989થી તેમાં ઓસ્ટ્રેલિયન કાંગારુની કોતરણી પણ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે લગભગ 120 વર્ષથી પર્થ મિન્ટ કંપની સોનાનું ઉત્પાદન કરે છે જે તેના વજન અને શુદ્ધતા માટે વખણાય છે.


આ સિક્કાને તેના નિર્માણ બાદ એશિયાથી યુરોપ ઘણી જગ્યાઓએ પ્રદર્શનમાં મુકવામાં આવ્યો હતો જો કે ત્યાર બાદ તેને એક કાયમી જગ્યાએ મુકી દેવામાં આવ્યો પણ ગત મંગળવારે જ તેને ન્યુયોર્કના સ્ટોક એક્સ્ચેન્જ ખાતે પ્રદર્શનમાં મુકવામાં આવ્યો હતો અને તે પણ માત્ર એક જ દિવસ માટે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version