વિશ્વના આ અજાયબ તેમજ સુંદર રેસ્ટોરન્ટમાં જીવનમાં એક વાર તો જમવું જ જોઈએ !

દુનિયામાં એવી ઘણી બાબતો છે જે આપણે આખા જીવનમાં નથી કરી શકતાં. તેમ છતાં જીવનના અદ્ભુત અનુભવો મેળવવા માટે આપણે આપણા માટે એક વિશ લિસ્ટ એક બકેટ લિસ્ટ તો બનાવી જ લેવું જોઈએ જેમાં. તમે કઈ જગ્યાએ ફરવા માગો છો, કઈ જગ્યાએથી સુર્યાસ્ત જોવા માગો છો, કઈ જગ્યાએથી સૂર્યોદય જોવા માગો છો, કઈ રેસ્ટોરન્ટનું ખાવાનું ખાવા માગો છો, એફિલ ટાવર પર ચડવા માગો છો વિગેરે વિગેરે તમને ગમતી વસ્તુઓનો તમારે સમાવેશ કરવો જોઈએ. આમ તો જીવનનો સૌથી ઉત્તમ અનુભવ તમને પ્રવાસમાં જ થાય છે માટે જ્યારે ક્યારેય પણ સમય મળે ત્યારે પ્રવાસ ખેડી જ લેવો જોઈએ.

આજે અમે તમારા માટે કેટલીક એવા જ પ્રવાસન અનુભવ વિષેની વાત લઈને આવ્યા છીએ જેમાં દુનિયાની અજાયબ રેસ્ટોરન્ટોની માહિતી છે, જેની જીવનમાં એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ.

ધી લાબાસિન વોટરફોલ રેસ્ટોરન્ટ, ફિલિપિન્સ

આ રેસ્ટોરન્ટ ફિલિપીન્સના સાન પાબ્લો સીટીમાં આવેલું છે. આ રેસ્ટોરન્ટ એક રિઝોર્ટમાં આવેલી છે. આ રેસ્ટોરન્ટની રચના એવી રીતે કરવામાં આવી છે કે જ્યારે અહીં લોકો જમતા હોય ત્યારે તેમના પગનો થોડો હિસ્સો પાણીમાં ડુબેલો રહે છે કારણ કે તેમની સામે જ એક નાનકડો ધોધ વહેતો હોય છે અને તે વહેણનું પાણી આ વોટર રેસ્ટોરન્ટમાં આવે છે અને આ રીતે જમતા જમતાં આ સુંદર ઝરણાને જોઈ પણ શકાય છે અને તેની ભીનાશને પણ અનુભવી શકાય છે.

બર્ડ્સ નેસ્ટ રેસ્ટોરન્ટ, થાઈલેન્ડ

આ રેસ્ટોરન્ટ તેના નામ પ્રમાણેના જ લક્ષણો ધરાવે છે. આ રેસ્ટોરન્ડ થાઈ લેન્ડની સોનેવા કીરી ઇકો રિઝોર્ટમાં આવેલું છે. આ રેસ્ટોરન્ટ દુનિયાનું એક અત્યંત યુનિક રેસ્ટોરન્ટ છે જ્યાં જમતી વખતે તમને ખરેખર કોઈ પંખીના માળામાં બેસીને જમતા હોવ તેવું લાગે છે. તેમજ જમતાં જમતાં તમે દૂર દૂર સુધીના શાંત સમુદ્રનો પણ નજારો માણી શકો છો.

ધ રોક રેસ્ટોરન્ટ, ઝાંઝીબાર

આ રેસ્ટેરન્ટ ભારતથી કંઈ દૂર નથી તે હિન્દ મહાસાગરમાં આવેલા ઝાંઝીબાર નામના ટાપુ પર જ આવેલું છે. જો તમને સમુદ્રનું નિર્મળ કાચ જેવું ચોખ્ખુ પાણી અને રેતાળ સમુદ્ર કિનારા ગમતાં હોય તો તમારે આ રેસ્ટોરન્ટની મુલાકાત જીવનમાં એકવાર લેવી જ જોઈએ. આ રેસ્ટોરન્ટ સમુદ્રના છીછરા પાણીમાં આવેલા એક વિશાળ પથ્થર પર બનેલું છે માટે જ તેને ધ રોક નામ આપવામાં આવ્યું છે.

આઈસ રેસ્ટોરન્ટ, યુ.એ.ઈ

યુ.એ.ઈ એ આર્ટિફિશિયલ મોન્યુમેન્ટસ માટે ખુબ જ જાણીતું છે. અહીં આવેલું આ અદ્ભુત રેસ્ટોરન્ટ તેના આર્કીટેક્ચર અને તેની ડીઝાઈન માટે ખુબ જ જાણીતું છે. આ રેસ્ટોર્ન્ટનું નામ આઇસ રેસ્ટોરન્ટ છે. અને તેના નામ પ્રમાણે આ આખુએ રેસ્ટોરન્ટ બરફનું બનેલું છે. યુએઈ કે જે રણપ્રદેશનું સ્થળ છે ત્યાં તમારે એન્ટાર્કટીકામાં પહેરતા હોવ તેવા હુંફાળા વસ્ત્રો પહેરીને જ જવું પડે છે. જો કે આવા રણ પ્રદેશમાં આવો અનુભવ કંઈ ખોટો નથી. અહીં એટલી ઠંડી હોય છે કે તમે અમુક હદ કરતાં વધારે સમય પસાર ન કરી શકો તેમ છતાં આ અનુભવ લેવા જેવો ખરો.

ગ્રોટા પલાઝેસ, ઇટાલિ

આ રેસ્ટેરન્ટ ગુફામાં બનેલી છે. તે ઇટાલીના સમુદ્ર કિનારે આવેલી છે. આ હોટેલમાં દીવસે તેમજ રાત્રે એટલે કે લંચ અને ડીનર કરવાનો એક અલગ જ અનુભવ થશે. કારણ કે દિવસે તમે ઉછાળા મારતા સમુદ્રને જોઈ શકશો જ્યારે રાત્રે તમે ચોખ્ખા વાદળી આકાશને જોઈ શકશો. જો તમે ઇટાલીના પ્રવાસે જવાના હોવ તો આ રેસ્ટોરન્ટની મુલાકાત ચોક્કસ લેવી.

બોરા બોરા

આ રેસ્ટોરન્ટ બોરાબોરાના સમુદ્રના છીછરા પાણીમાં આવેલું છે. હા તમે સાચું જ વાંચ્યું છે આ રેસ્ટોરન્ટ રીતસરનું પાણીમાં છે જો તમે ત્યાં જમવા બેસશો તો સમુદ્રનો નજારો તો જોઈજ શકશો પણ તમે પોતે પણ અરધો અરધ સમુદ્રના પાણીમાં હશો. તમારી ખુરશી તમારું ટેબલ આ બધીજ વસ્તુઓ અરધો અરધ સમુદ્રમાં ડુબેલી હશે.

નેધર લેન્ડ, હોટ એર બલૂનમાં

હા, તમે આકાશમાં ઉડતા ઉડતા પૃથ્વીનો સુંદર નજારો માણતા માણતા, હોટ એર બલૂનમાં ભોજનની મજા માણી શકો છો. નેધર લેન્ડમાં ખાસ આ સગવડ આપવામાં આવે છે. જેના માટે તમારે અગાઉથી બુકીંગ પણ કરાવવું પડે છે અને હવામાન સાફ હોય તો તમને ચોક્કસ હોટ એર બલૂનમાં બ્રેકફાસ્ટ, લંચ કે પછી ડીનર કરવાનો મોકો મળી શકે છે.

ધી ગોલ્ડન ગોટ, એજે, ફ્રાન્સ

આ રેસ્ટોરન્ટ ફ્રાંસના હરિયાળીથી ભરપૂર ગીરીમાળામાંના એક પહાડ પર આવેલી છે. એક હોટેલમાંનું આ એક રેસ્ટોરન્ટ છે. જ્યાં પહાડની કીનારીએ રેલીંગ લગાવીને સુંદર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને પ્રવાસીઓને અહીંથી લીલા છમ તેમજ હીમાચ્છાદીત પહાડોનો સુંદર નજારો મળી શકે. જો તમે ક્યારેય પણ ફ્રાન્સના પ્રવાસનું વિચારતા હોવ તો તમારે ફ્રાન્સની આ હોટેલમાં રોકાણ પણ કરવું જોઈએ અને આ રેસ્ટોરન્ટમાં એકવાર તો જમવું જ જોઈએ.

સ્વિત્ઝરલેન્ડ, મુરેન, હોટેલ એડલવાઇસ

સ્વિત્ઝરલેન્ડ આપણે બધા જ જાણીએ છીએ તેમ દુનિયાનું સ્વર્ગ છે. અહીંના પહાડમાંથી સરકતાં સુંદર રસ્તાઓ તેમજ તેના સૌંદર્યથી તો આપણે હિન્દી સિનેમાના અને ખાસ કરીન યશ ચોપરાની ફિલ્મોના રસિયા તો સારી રીતે વાકેફ હશે જ. સ્વિત્ઝરલેન્ડમાં આલ્પ્સની ગીરીમાળા આવેલી છે ત્યાંના એક પહાડ પર આ રેસ્ટોરન્ટ આવેલું છે જે અત્યંત સુંદર છે.

કેમી, ફિનલેન્ડનું સ્નો કાસલ રેસ્ટોરન્ટ

ફિનલેન્ડ એક બરફીલો પ્રદેશ છે અને તેમણે પોતાની આ આબોહવાનો આ રેસ્ટોરન્ટના નિર્માણમાં ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. આ કેસલ સંપૂર્ણ બરફનો બનેલો છે. અરે તેના ટેબલ ખુરશી પણ બરફના જ બનેલા છે. ફિનલેન્ડના આ આઈસ કાસલ રેસ્ટોરન્ટની મુલાકાત તમારે જીવનમાં એકવાર તો લેવી જ જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ