વિશ્ર્વાસધાત – સગાઈમાં પણ તેના ઘરમાંથી કોઈ નહોતું આવ્યું હવે તો અનેક લોકો શંકા પણ કરવા લાગ્યા હતા…

*”હે.. દિલ, જુદાઇ સ્વીકારી લે, પ્રતિક્ષા કર નહી,*

*એ હવે મળશે તો, બીજાની અમાનત લાગશે…”*

બોમ્બેથી ટ્રેન ઉપડી, ટ્રેન ઉપડતા જ તેમાં બેઠેલી રાશી આંખ બંધ કરીને સપનામાં ખોવાઇ ગઇ. તેના ચહેરા પર મુસ્કાન હતી. તેને જોઇને કોઇ પણ કહી શકે કે ખુબ ખુશ હતી. હા.. મનમાં કયાંક ડર હતો કે જયને કહ્યા વગર તેના ઘરે જાઉં છું તો કોઇને ખરાબ નહી લાગે ને..? પણ દિલમાં વિશ્ર્વાસ હતો કે મને જોઇને જય ખુશ થઇ જશે. થનારી પુત્રવધુ પહેલીવાર ઘરે આવી હોવાથી તેના ભાવી સાસુ-સસરા પણ પ્રેમથી સ્વાગત કરશે. એકલા પડીશું ત્યારે જય ખુશીમાં આવીને તેને ઉંચકી લેશે અને તેના પર ચુમીઓનો વરસાદ કરી દેશે. વિચારતા વિચારતા તેની આંખ મલકાઇ ગઇ. બંધ આંખે આવતીકાલે જયના ઘરે પહોંચી શું થશે તેના સપનામાં ખોવાઇ ગઇ.

જય અમદાવાદ બાજુના ગામડામાં રહેતો હતો. ભણવા માટે બોમ્બે ગયો હતો. એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષમાં હતો ત્યારે રાશીની મુલાકાત થઇ હતી. ધીમે ધીમે મુલાકાત દોસ્તીમાં અને પછી પ્યારમાં ફેરવાઇ ગઇ. જય રાશીને કહેતો કે તેણે એમ.બી.બી.એસ કરીને આગળ ભણવું છે. એમ.ડી કરવું છે. તેના માતા-પિતા ગામડાંમાં રહેતા હતા. એક મોટોભાઇ અમેરીકામાં હતો. ઘરમાં બસ ચાર જ વ્યકિત હતા. એમ.બી.બી.એસ.ના ચાર વર્ષમાં બન્ને પ્રેમમાં પડી ગયા હતા અને લગ્ન કરવાનો નિર્ણય લઇ લીઘો હતો.

રાશી બહુ ખુશ હતી તેના મમ્મી પપ્પા તેને પરણાવવા માંગતા હતા, પણ રાશીએ જીદ કરીને જયની સાથે આગળ ભણવાનું ચાલું રાખ્યું. બન્ને એમ.ડી. થયા. રાશીના મમ્મી પપ્પાએ બન્નેનો સંબંધ સ્વીકારી લીઘો. અને જયને લગ્ન માટે કહેવા લાગ્યા જય તેમને સમજાવતો કે હજી લગ્નની વાર છે, પહેલા મને સેટ થવા દો. રાશીના પપ્પા બન્નેને હોસ્પિટલ બનાવવા માટે મદદ કરવા તૈયાર હતા. પણ જય કહેતો, ” મારે તો હોસ્પિટલ બોમ્બેમાં નહી પણ અમદાવાદમાં બનાવવી છે.” રાશીના મમ્મીએ તેને સમજાવ્યો પણ તે ન માન્યો. રાશીની સમજાવટથી તેના પપ્પાએ જયને અમદાવાદમાં હોસ્પિટલ બનાવવા મદદ કરી. જય અને રાશી હાલમાં તો બોમ્બે મોટી હોસ્પિટલમાં નોકરી કરતાં જ હતા. જય મહિનામાં ચાર-પાંચ દિવસ તેના ગામડે જતો. રાશીએ ઘણીવાર કહ્યું કે, મને લઇ જા.. પણ તે ના પાડતો.

આમને આમ એમ.ડી થયા પછી પાંચ વર્ષ નીકળી ગયા. રાશીની જીદથી જયે સગાઇની વીધી કરી લીઘી. સગાઇમાં તેના ઘરેથી કોઇ ન આવ્યું. જયે બધાને એમ કહ્યું કે તેના પિતાની તબિયત અચાનક ખરાબ થઇ ગઇ છે એટલે કોઇ આવી નથી શકયું. રાશી પોતાનો પગાર પણ હોસ્પિટલ બનાવવા માટે આપી દેતી હોસ્પિટલ અમદાવાદમાં બની રહી હતી રાશી કે તેના મમ્મી પપ્પા એકવાર પણ જોવા ગયા નહતા. જય વારેવારે ત્યાં જતો અને બધી માહિતી રાશીને આપતો.

રાશીના મમ્મી હવે જયના કુટુંબને મળવા આતુર હતા. હવે તો આસપાસના લોકો પણ રાશીના મમ્મીને પૂછતા કે તમારી દીકરીના લગ્ન કયારે છે ? પણ તેની મમ્મી પાસે તેનો કોઇ જવાબ ન હતો. તે બધો ગુસ્સો રાશી પર ઉતારતી. પણ રાશી શાંત હતી. તેને તેના પ્યાર પર પૂરો ભરોસો હતો. જય તેને ખુબ જ પ્રેમ કરતો હતો. બોમ્બેમાં એકલો રહેતો હોવાથી મહિનાના કેટલાય દિવસો રાશીના ઘરે જમતો અને રહેતો. રાશીએ પણ લગ્ન થવાના જ છે તેમ વિચારીને પોતાનું બઘુ તન-મન-ધન જયને આપી દીધું હતું.

રાશીના મમ્મી લગ્ન માટે ઉતાવળ કરતા, તો તે કહેતો કે મારો મોટોભાઇ અમેરીકાથી આવે ત્યારે નકકી કરીશું. રાશીનો વિશ્ર્વાસ જોઇને કોઇ કંઇ બોલતું નહી. પણ ધીમેધીમે બધાના મનમાં જય પ્રત્યે અવિશ્ર્વાસ જન્મવા લાગ્યો..

રાશી સાથેને દસ વર્ષના સંબંધમાં જયૈ એકવાર પણ તેના માતા પિતાની ઓળખાણ કરાવી ન હતી ઘણીવાર કહેવા છતાં તે રાશીને તેના ઘરે લઇ જતો ન હતો. તે કહેતો કે લગ્નનું નકકી થશે ત્યારે બધાને લઇ આવીશ. બધાને મનોમન ગુસ્સો આવતો પણ રાશીની જીદ સામે કોઇનું કંઇ ન ચાલતું.

આમને આમ સમય પસાર થતો ગયો. રાશી અને તેના પપ્પાએ લગભગ ચાલીશ લાખ જેટલી રકમ તેને આપી હતી હોસ્પિટલના બહાને છેલ્લા મહિનાથી તે અમદાવાદ હતો રાશી સાથે રોજ ફોનમાં વાત કરતો. રાશીને ઘણીવાર ત્યાં જવાની ઇચ્છા થતી, પણ તેને નહી ગમે તે વિચારી માંડી વાળતી. બે દિવસ પહેલા તેના મમ્મીએ તેને જયના કુટુંબ વિશે ઘણું પુછયું. રાશી પાસે કોઇ જવાબ ન હતો. મમ્મીના મનની શાંતિ માટે તેની સલાહથી જયને કહ્યાં વગર જ તેના ઘરે જવા નીકળી.

ટ્રેનમાં બેઠેલી રાશી દસ વર્ષના સંબંધમાં પ્રથમ વખત ભાવી સાસરે જઇ રહી હતી. અમદાવાદ ઉતરીને બીજી બસમાં બેસીને જયના ગામડે જવા નીકળી. એડ્રેસ પણ પુરૂ ખબર ન હતી, પણ ગામડું છે એટલે મળી જશે એવી આશા હતી. જયનું ગામ આવતા રાશી બસમાંથી ઉતરી ગામ જોઇને સ્તબ્ધ બની ગઇ. બોમ્બેમાં જન્મેલી અને ઉછરેલી રાશી આવા ગામમાં રહેવુ પડશે એ વિચારમાં સ્તબ્ધ બની ગઇ. સાવ નાનું ગામ, બધે જ ગંદકી, કાચા રસ્તા, કાચા મકાન અને રખડતા ઢોર-કુતરા-ભૂંડ.. બધાથી બચતા અને લોકોને પુછતા પુછતા તે જયના ઘરે પહોંચી.

જયનું ઘર થોડું સારૂં હતું પણ સાવ જુનવાણી હતું. ડેલીને સાંકળથી ખખડાવી રાશી ઉભી રહી. તેનું દિલ જોરજોરથી ધડકતું હતું બધા તેનું સ્વાગત કેમ કરશે તેમ વિચારતી હતી સાંકળ ખખડાવતા થોડીવારે એક સ્ત્રી બહાર આવી. રાશીએ જયના મમ્મી આવશે તેવું વિચારેલું, કારણકે જયના ઘરમાં મમ્મી સિવાય કોઇ સ્ત્રી હોય તેવું જયે કયારેય કહ્યું ન હતું. પણ આ સ્ત્રી તેની મમ્મી જેવડી ન હતી..રાશીએ જય વિશે પુછયું તો તે સ્ત્રીએ કહ્યું, ” તે ઘરે નથી, અંદર આવો, હમણાં જ આવશે”

રાશી અંદર આવી, ચૂપચાપ બેઠી. થોડીવાર પછી અંદરથી પાંચ – છ વર્ષની એક બાળકી બહાર આવી અને રાશી સામે જોઇ રહી રાશી પરાણે હસી અને તેને બોલાવી. થોડીવારમાં અંદરથી નવજાત બાળકના રડવાનો અવાજ આવ્યો. બારણું ખોલનારી સ્ત્રી તે રડતા બાળકને લઇને બહાર આવી અને રાશી પાસે બેઠી. રાશીએ પુછયું, “જય કયાં છે ..? તમે કોણ છો ???”

તેણે જવાબ આપ્યો, “હું તેમની પત્ની છું, આ બન્ને અમારા બાળકો છે. આ દીકરાનો જન્મ મહિના પહેલા જ થયો છે, એટલે તેઓ એક મહિનાથી અહી છે. તે આટલા વર્ષથી બોમ્બે રહે છે, ડોકટર છે, પણ કયારેય કોઇ મિત્રને અહીં બોલાવતા નથી..તેમને આ ઘરમાં કોઇને બોલાવતા શરમ આવે છે. તમે પહેલા જ આવ્યા છો. પણ હવે વાંધો નથી, હવે અમદાવાદમાં તેઓ હોસ્પિટલ બનાવે છે ત્યાં ઉપર ઘર બનશે. અમે છ મહિના પછી ત્યાં જ રહેવા જવાના છીએ. હોસ્પિટલના શુભારંભમાં અને ઘરના વાસ્તુમાં તમે જરૂર આવજો”

તે તેની ધુનમાં બોલ્યા કરતી હતી. રાશીને ચકકર આવી ગયા. તેણે ખાત્રી કરવા મોબાઇલમાંથી જયનો ફોટો બતાવતા પૂછયુ, “આ તમારા પતિ છે ?” તે સ્ત્રીએ હા કહી. રાશીને બધું જ સમજાય ગયું. કંઇ જ બોલ્યા વગર તે ઊભી થઇ ગઇ બહાર નીકળી ત્યાં જ જય સામે મળી ગયો. રાશીનો ચહેરો જોઇને બધુ સમજી ગયો રાશી ગુસ્સાથી તમતમતા ચહેરે તેને એક થપ્પડ મારીને વળતી બસમાં નીકળી ગઇ.

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ